પરમ સમીપે/૪૩
પ્રભુ,
જુઓ, અહીં અમારો કુટુંબમેળો ભરાયો છે.
અમે તારો આભાર માનીએ છીએ —
અમે જેમાં નિવસીએ છીએ તે આ ઘર માટે
અમને એકત્વના દોરે બાંધતા પ્રેમ માટે
આજે તેં અમને જે શાંતિ આપી છે તેને માટે
જે આશા વડે અમે આવતી કાલની
રાહ જોઈએ છીએ, તેને માટે
સ્વાસ્થ્ય માટે
કાર્ય માટે
અન્ન માટે
અમારી જિંદગીને આહ્લાદક બનાવતા
ઉજ્જ્વલ આકાશ માટે
દુનિયાના દરેક ખૂણે રહેલા અમારા મિત્રો માટે.
અમને હિંમત અને પ્રસન્નતા અને શાંત મન આપ,
તારી મરજી હોય તો,
અમારાં સર્વ નિર્દોષ કાર્યોમાં અમને આશીર્વાદ આપ;
મરજી ન હોય તો,
જે આવવાનું છે તેનો ભેટો કરવાની અમને શક્તિ આપ;
જેથી અમે
ભયો ને જોખમોની વચ્ચે શૂરવીર બનીએ
આપત્તિઓની વચ્ચે અવિચલ રહીએ
ગુસ્સાની વચ્ચે ધીર બનીએ
અને ભાગ્યનાં સર્વ પરિવર્તનોમાં
મૃત્યુના દ્વાર સુધી
એકમેક પ્રત્યેક નિષ્ઠાવાન અને પ્રેમાળ રહીએ.
માટી જેમ કુંભાર પાસે
પવનચક્કી જેમ પવન પાસે
બાળકો જેમ તેમનાં વડીલો પાસે
તેમ અમે તારી પાસે
તારી સહાય અને કૃપા જાચીએ છીએ.
રૉબર્ટ લૂઈ સ્ટીવન્સન