પરિભ્રમણ ખંડ 1/નોળી નોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નોળી નોમ


[શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીએ જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ઘારવડું ખાઈને રહે છે.]

બામણ ને બામણી હતાં. પેટે કાંઈ જણ્યું નહોતું. ચપટી ચપટી લોટ માગી આવે ને એમાંથી વરવહુ પેટ ભરે.

એક દી બપોરે બામણ બા’ર ગયો છે. દુઃખિયારી ગોરાણી ઊંબરાનું ઓશીકું કરીને સૂતી છે. સૂતી સૂતી એની નજર છાપરે જાય છે. એણે તો એક કોત્યક દીઠું છે. શું કોત્યક દીઠું છે? ચકલો ને ચકલી બેઠાં છે. ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂંથી નાખે છે. વારે વારે ચકલી માળો નાખે ને વારે વારે ચકલો માળો ચૂંથી નાખે. ચકલી પૂછે છે, “અરે ચકા રાણા, શીદને આપણો માળો ચૂંથી નાખો છો?” ચકલો કહે છે, “હે ચકી રાણી, આ ઘરનાં ધણી–ધણિયાણી તો વાંઝિયાં છે, ને એકેય નાનું છોકરું નથી. એટલે એના ઘરમાં દાણાનો એકેય કણ કો દી વેરાશે નહિ. વિચાર વિચાર, હે ચકી! આવા ઘરમાં આપણા પોટા ખાશે શું ને ઊઝરશે શી રીતે?” ચકલા–ચકલીની આટલી વાત સાંભળીને બાઈ તો રહ! રહ! રોવા મંડી છે, બામણ ઘેર આવ્યો છે. આવીને પૂછે છે, “અરે ગોરાણી, રોવું શીદ આવ્યું?” ગોરાણીએ તો ચકલા–ચકલીની વાત કરી છે. ગોર બીજે દા’ડે માગવા હાલ્યો છે. રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાંસે કૂતરાં દોડે છે. બામણે તો નોળિયાને તેડી લીધો છે. તેડીને એને ઘેર લઈ આવ્યો છે. આવીને બામણીને કહે છે : “લે અસ્ત્રી! આને પાળ, ખવરાવ, આનંદ કર ને દીકરાનું દુઃખ વીસર.” ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાળે છે. એમ કરતાં તો ગોરાણીને દિવસ ચડ્યા છે. નોળિયાને પરતાપે નવ મહિને દીકરો આવ્યો છે. દીકરો તો અદાડે ઊઝર્યો જાય છે. એક દી ગોરાણી પાણી ભરવા હાલી છે. નોળિયાને તો ભલામણ દીધી છે : “ભાઈને સાચવજે હો! રોવે તો હીંચકો નાખજે. હું પાણી ભરવા જાઉં છું.” ડગ! ડગ! ડગ! ડગ! ડોકી ડગમગાવીને નોળિયો તો જાણે કહે છે કે “હો માડી!” ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે. ત્યાં તો કા…ળો ઝેબાણ જેવો એક નાગ નીકળ્યો છે. નોળિયે તો નાગને દીઠો છે. હાય હાય! હમણાં મારા ભાઈને મારી નાખશે! એમ વિચારીને નોળિયે તો દોટ દીધી છે, સરપને મોંમાં ઝાલી લીધો છે. સરપના સાત કટકા કરી નાખ્યા છે. હવે હાલ્ય ઝટ. મારી માને વધામણી દઉં. એમ વિચારીને લટ પટ! લટ પટ! કરતો કરતો નોળિયો સામે હાલ્યો છે, પણ પાણીશેરડાને અરધે રસ્તે મા તો સામી મળી છે. માએ તો નોળિયાને લોહીલોહાણ ભાળ્યો છે. મોઢે લોહી, પગે લોહી; લોહી! લોહી! ભાળીને બાઈ તો ભેસત ખાઈ ગઈ છે. એને તો થયું છે કે હાય હાય! પીટ્યાએ નક્કી મારા છોકરાને ચૂંથી નાખ્યો લાગે છે. પીટ્યાને પાળ્યો, ઉઝેર્યો, પણ જનાવર ખરો ને! બાઈને તો રીસ ચડી છે. નોળિયાની કેડ ઉપર એણે તો બેડું પછાડ્યું છે. નોળિયાની સુંવાળી કેડ તો તરત ભાંગી ગઈ છે. બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી. દોડી દોડી ઘેર આવે છે. જઈને જુએ ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે, ઘુઘવાટા કરે છે, અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે. હાય હાય! હું હત્યારી! હું ગોઝારી! મેં નોળિયાને મારી નાખ્યો. જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો. એવાં કલ્પાંત કરતી બાઈ તો ઊંબરે માથું મેલીને સૂતી છે. રોતાં રોતાં નીંદરમાં પડી છે. બાઈની તો આંખ મળી ગઈ છે. ત્યાં તો કેડ ભાંગલ નોળિયો ઢરડાતો ઢરડાતો, બીતો બીતો, ખાળમાં પેસીને ઘરની માલીપા આવ્યો છે. ભાઈ વિના એને શે ગમે? માના ખોળામાં રમ્યા વિના એનાથી શે જીવાય! આવીને એ બિચારો તો ફાળમાં ને ફાળમાં છાશની ગોળીમાં બેસી ગયો છે. ભળકડું થયું ને બાઈ તો જાગી છે. રોઈ રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ છે. અંધારે અંધારે એણે તો છાશ રેડી છે. ફળફળતું ઊનું પાણી નાખ્યું છે. જીવ બળતો’તો ને મંડી છે જોરથી તાણવા. ઘમમમ! ઘમમ! રવાઈ ઘૂમવા મંડી છે. છાશ થઈ ગઈ છે. પણ જ્યાં બાઈ માખણ ઉતારે, ત્યાં તો માલીપા નોળિયાના કટકે કટકા! અરરર! અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું! માથે ઈંઢોણી, છાશની ગોળી, એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે, ઊભે વગડે દોડી જાય છે. શ્વાસ ધમણ થઈ રહી છે. આંખે શ્રાવણ–ભાદરવો હાલ્યા જાય છે. અંતરિયાળ એક ડોસી બેઠી છે. ડોસી પૂછે છે કે “બાઈ બાઈ, ક્યાં દોડી જાછ?” “હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરાવવા ને નીકર મારો ને આ છોકરાનો દેહ પાડી નાખવા.” “મારું માથું જોતી જઈશ?” “લ્યોને માડી, હવે મારે તો આથમ્યા પછી અસૂર શું? હું તો મરવા જ જાઉં છું ને.” એમ કહીને બાઈએ તો છોકરો ને ગોળી હેઠે મેલ્યાં છે. મેલીને ડોસીમાનું માથું જોવા મંડી છે. જેમ જેમ ડોસીનું માથું ઠરવા મંડ્યું તેમ તેમ તો છાશની ગોળીમાં ડબ…ક! ડબ….ક! થયું છે. સજીવન થઈને નોળિયો તો બા’ર નીકળ્યો છે! નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે. બાઈએ તો એને છાતીસરસો લઈને રોઈ રોઈ હૈયું ઠાલવ્યું છે. ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે. ‘જા બાઈ, વરસોવરસ નોળી નોમ રે’જે. તે દી ઘઉં ખાઈશ મા. ઘઉંનો કણીક કેળવીશ મા. છાશ કરીશ મા. ઘી, માખણ, દૂધ, દહીં, છાશ, કાંઈ ખાઈશ મા.’ નોળી નોમ મા એને ફળ્યાં એવાં સહુને ફળજો!