zoom in zoom out toggle zoom 

< પરિભ્રમણ ખંડ 1

પરિભ્રમણ ખંડ 1/પોષી પૂનમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પોષી પૂનમ


આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે.

થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે —

પોષ મહિનાની પૂનમે રે
અગાસે રાંધ્યાં અન્ન વા’લા!
જમશે માની દીકરી રે
પીરસે બેનીનો વીર વા’લા!

ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે : અગાસી હોય તો અગાસીએ, નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ : પણ ઉઘાડા આભ નીચે.

સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેનાં કિરણોમાંથી અમી વરસે છે. હોંશેભરી બહેન રાંધે છે.

અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં ભોજન જેવા મોંઘેરા છે.

બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે :

ચાંદા! તારી ચાનકી,
મારું ચૂરમું!
ભાઈ જમ્યો!
બેન ભૂખી!

ભાઈના ઘરના તો ચોખા યે બહેનને મન ચૂરમા સમા. વળી ફરી વાર બોલે છે :

ચાંદા! તારી ચાનકી,
કૂતરા તારી રોટલી,
આજ મારી પોષી પૂનમ.

એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બનતી બહેન ભાઈની પાસે જમવાની રજા માગે છે :

પોષી પોષી પૂનમડી
અગાસે રાંધ્યાં અન્ન;
ભાઈની બેન જમે કે કેમ?

ભલો ભાઈ હોય તે કહેશે, કે જમ્ય બેન જમ્ય!

એટલે બહેન જમે. વળી નઠોર ભાઈ હોય તો બહેનને ટળવળાવવા ખાતર કહેશે, કે રમ્ય!

ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહિ.

પોષી પોષી પૂનમડી,
સાત ભાઈની બેનડી,
ઙાઈ કહે તો જમે,
નીકર બેન રે’ ભૂખી!

ઘણા ઘણા ભાઈઓ આજ સંભારી સંભારીને કહે છે કે નાનપણમાં અમે ય બહેનોને ના પાડીને ભૂખી રાખી છે. તો યે બહેન તે બહેન. એનાં હેત કંઈ ઊતર્યાં છે કદી?