zoom in zoom out toggle zoom 

< પરિભ્રમણ ખંડ 2

પરિભ્રમણ ખંડ 2/ઉબાઝાકુરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉબાઝાકુરા


[જાપાની વ્રતકથા]

ત્રણસો વર્ષ પૂર્વે આસામીમુરા ગામડામાં તોકુબી નામે ભલો માણસ રહેતો હતો. આખા પરગણામાં એની પાસે વધુમાં વધુ માયા હતી. ગામનો એ મુખી હતો.

બધી વાતે સુખી, પણ એક વાતે દુઃખી: પેટે સંતાન ન મળે. એમ કરતાં કરતાં એને તો ચાલીસ વરસની અવસ્થા થઈ. વરવહુએ થીહોજીના દેરામાં જઈ ફ્યુદો-સામા દેવતાની ઘણી ઘણી આરાધના કરી.

અંતે એની સ્તુતિ સંભળાઈ. તોકુબીની વહુને મહિના રહ્યા. ફૂલ જેવી દીકરી આવી. દીકરી તો રૂપરૂપનો ભંડાર.

માને તો ધાવણ નહોતું આવતું, એટલે દીકરીને ધવરાવવા એક ધાવ રાખી. ધાવને ધાવીધાવીને દીકરી મોટી થઈ.

પંદર વર્ષની ઉંમરે દીકરી તો માંદી પડી. વૈદોએ કહ્યું, દીકરીનું મોત આવ્યું. માવતરનાં હૈયાં ફફડી ઊઠ્યાં. પણ શું કરે? કોઈ કોઈનું દરદ કાંઈ થોડું લઈ શકે છે? કોઈ કોઈ ને માટે ય મોત કાંઈ થોડું લેવાય છે!

પણ પેલી ધાવનો જીવડો તો કેમેય કરીને જંપ્યો નહિ. પોતે જેને પોતાના હૈયાનું ધાવણ પાઈપાઈને મોટી કરી, એને મરતી શી રીતે જોવાય! ધાવ તો દોડી ફ્યુદો-સામા દેવને દેરે. આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યાં જાય, અને મંડી એ તો પ્રાર્થના કરવા કે ‘હે ઠાકર! દીકરીને સાટે મારો જીવ લેજો! પણ મારી દીકરીને મારશો મા’.

એક દિવસ, બે દિવસ, એમ જ્યાં એકવીસ દિવસની આરાધના થઈ ત્યાં તો દેવતાએ હોંકારો દીધો. ફૂલની કળી જેવી બનીને દીકરી રમતી જમતી થઈ ગઈ.

તોકુબીના ઘરમાં તો હરખ માતો નથી. દીકરી જીવતી રહી, માટે એણે તો સગાંવહાલાંને ઉજાણી આપી. ત્યાં તો ઉજાણીની રાતે જ એકાએક ધાવ માંદી પડી. વળતે દિવસે સવારે તો વૈદોએ નાડ ઝાલીને કહ્યું કે ‘નહિ બચે!’

એની પથારી પાસે આખું ઘર આવીને બેઠું. સહુ કલ્પાંત કરવા લાગ્યાં. ત્યારે ધાવ બોલી કે,

‘કોઈ રોશો મા. મારે તમને એક વાત કહેવી છે. મેં તો આ બચ્ચીને સાટે ફ્યુદો-સામાને મારો જીવ અર્પણ કર્યો છે. અને મારી આરદા સંભળાણી છે. માટે કોઈ કલ્પાંત કરશો મા. ફક્ત આટલું કરજો. ફ્યુદો-સામાના દેરામાં બચ્ચીને માટે મેં એક ઝાડ વાવવાની માનતા માની છે. હું તો હવે નહિ વાવી શકું, માટે તમે વાવી આવજો!’

એટલું બોલીને ધાવ મરી ગઈ, બચ્ચીના બાપે તો દેવના દેરામાં એક રૂપાળું ફૂલઝાડ લાવીને વાવ્યું. ઝાડ તો ઉઝરવા મંડ્યું. ઝપાટે મોટું થઈ ગયું. અને વળતે વર્ષે બરાબર ધાવની વરસીને દિવસે જ એને તો ફૂલ આવ્યાં! કાંઈ ફૂલ! કાંઈ ફૂલ! ફૂલનો તો પાર ન રહ્યો. ગુલાબી અને ધોળાં ફૂલનો આકાર બરાબર સ્ત્રીના થાનેલાની ડીંટડી જેવો : અને એને માથે દૂધનું અક્કેક ટીપું બાઝેલું.

લોકોએ એ ઝાડનું ઉબાઝાકુરા (ધાવનું વૃક્ષ) એવું નામ પાડ્યું. બસો ને ચોપન વર્ષ સુધી વર્ષો વર્ષ બરાબર એ ધાવની મરણતિથિને જ દિવસે ઉબાઝાકુરાને ફૂલો આવ્યા જ કર્યાં હતાં અને જનેતાના સ્તનની ડીંટડી જેવો જ એનો ઘાટ હતો.