પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૩.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન
તેરમું અધિવેશન: કરાંચી
ડીસેમ્બર–જાન્યુઆરી: ૧૯૩૭-૩૮

શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી
ઈ.સ. ૧૮૮૭

પરિષદનું સંમેલન બૃહદ્ ગુજરાતના એક સ્થાન સમા કરાંચીમાં મળ્યું હતું. એ સંમેલનનું પ્રમુખપદ શ્રીયુત મુનશીને વર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદને બંધારણના ઝઘડામાંથી મુક્ત કરી સુસ્થિર બનાવવામાં અને એની જડતાને ખંખેરી નાખી એને સચેત અને કાર્યશીલ બનાવવામાં શ્રીયુત મુનશીએ જે જહેમત ઉઠાવી છે તે પરિષદના અહેવાલોનાં પાનામાં મોજૂદ જ છે. જ્યારથી એમણે પરિષદમાં પ્રવેશ કર્યો ત્યારથી એમના સ્વત્વની છાપ પરિષદ ઉપર પડી, એમના પ્રતાપથી પરિષદ તેજસ્વી બની. પરિષદને મહાગુજરાતમાંથી બૃહદ્ગુજરાતમાં એમણે સંક્રમણ કરાવ્યું. અને સમસ્ત હિન્દને સ્પર્શતા એક રાષ્ટ્રભાષા અને એક રાષ્ટ્રલિપિના જેવા પ્રશ્નોની વિચારણામાં પરિષદનો અધિકાર સ્વીકારાયો. શ્રીયુત મુનશીની સાહિત્યસેવામાં વૈવિધ્ય છે, વિશાળતા છે અને સમૃદ્ધિ પણ છે. એ ગુજરાતના સર્વશ્રેષ્ઠ નવલકથાકાર છે એ તો સિદ્ધ સત્ય જ છે. પણ તે ઉપરાંત વિવેચન અને સંશોધનના ક્ષેત્રમાં પણ એમણે રસપૂર્વક પ્રવેશ કર્યો છે અને ‘થોડાંક રસદર્શનો’, ‘નરસૈયોઃ ભક્ત હરિનો’, ‘ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર’, વગેરે ગુજરાતને આપ્યાં છે. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતાના એ પરમ ભક્તે ગુજરાતી સાહિત્ય પરિષદને વધારે વ્યાપક અને વધારે વિપુલ બનાવી. અખંડ ગુજરાતના આદ્યદ્રષ્ટા હેમચંદ્રાચાર્યનો એમણે પરિષદ સાથે યોગ સાધ્યો અને એમની પ્રેરણાથી પરિષદે પાટણની ભૂમિમાં હૈમ સારસ્વત સત્ર ઊજવ્યું. પરિષદ સાથે અને પરિષદની સમગ્ર પ્રવૃત્તિઓ સાથે તદ્રૂપતાની સાધના એ શ્રીયુત મુનસીનું ખાસ લક્ષણ છે; અને આજે પણ એમના માર્ગદર્શન પ્રમાણે પરિષદ નિર્ભયતાથી પોતાનું કાર્ય આગળ ધપાવતી જાય છે. નર્મદ અને કલાપી જેવા સંસ્મરણીય સાહિત્યકારોનાં સ્મારકોની એમણે પ્રેરણા આપી અને પરિષદે એ પ્રેરણાને કાર્યસ્વરૂપ આપ્યું. શ્રીયુત મુનશી એટલે કાર્યવેગ અને પ્રગતિ. અને એમના પ્રમુખપદના કામ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદે ખરે જ પ્રગતિ સિદ્ધ કરી પોતાના અસ્તિત્વનું અને પોતાનું મહત્ત્વનું ભાન સમસ્ત ગુજરાતને અને ગુજરાતીઓને કરાવ્યું છે.

સત્કારમંડલના અધ્યક્ષ, સન્નારીઓ ને સદ્ગૃહસ્થો, આજે આ સ્થાન સ્વીકારતાં હું સંકોચ અનુભવું છું. આ તો સાક્ષર શ્રી. ગોવર્ધનરામથી માંડી મહાત્મા ગાંધીજી સુધીના ગુજરાતી સાહિત્ય અને જીવનના ચક્રવર્તીઓનું સ્થાન છે, એટલે અહીં બેસતાં હું આજે અણઅનુભવ્યો ક્ષોભ અનુભવું છું. મને મારી અશક્તિઓનું તીવ્ર ભાન થાય છે. પણ જે સ્નેહ અને વિશ્વાસથી તમે મને સર્વાનુમતે આ સ્થાન સારુ પસંદ કર્યો, તે જ માત્ર મારામાં આત્મશ્રદ્ધાનો સંચાર કરાવે છે અને તેના વડે જ તમે મને સોંપેલા વિકટ અધિકારને ન્યાય આપી શકવાની કૈંક આશા હું સેવું છું. અને તેને યોગ્ય નીવડું એ સિવાય મારા અંતરની બીજી ઇચ્છા નથી. છેલ્લા પંદરેક વર્ષથી હું સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલો રહ્યો છું. ઈ.સ. ૧૯૨૨થી સ્વ. સર રમણભાઈ, સ્વ. મટુભાઈ કાંટાવાળા અને ભાઈ હીરાલાલ પારેખના કહેવાથી મેં એમાં રસ લીધો છે અને લેવડાવ્યો છે. પણ મારી સેવાનું ક્ષેત્ર સારી રીતે બદલાયેલું હોઈ, ગયા જુલાઈમાં જ એ ભાર અન્યને સોંપવા મેં પરિષદનું ઉપપ્રમુખપદ છોડ્યું. પણ તમને, કરાંચીના ગુજરાતીઓને, જાણે એ ન રુચ્યું, અને આજે બે વર્ષને માટે તમે મને એની સાથે ફરી બાંધી દીધો છે. કરાંચી મહાગુજરાતનું ગર્વભર્યું કેન્દ્ર છે. અહીં ગુજરાતના સીમાડાની બહાર વસ્યા છતાં તમારા હૃદયમાં ગુજરાત માટે માન છે, તેના સાહિત્ય માટે આદર છે, તેની વિશિષ્ટતા માટે પ્રેમ અને ગૌરવ છે. અહીં રહ્યાં રહ્યાં પણ તમારી નજર ગિરિરાજ ગિરનાર પર, સાબરમતીના પુણ્ય તટ પર, ભૃગુકચ્છના ભૂત ગૌરવ પર, નષ્ટ અણહિલવાડની અદ્ભુતરંગી મહત્તા પર, મુંબઈની વર્તમાન ભવ્યતા પર ઠરે છે; અને તમારા હૈયામાં પ્રચંડ ધ્વનિ ઉઠે છેઃ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!” અને એ દૃષ્ટિથી અને આ ધ્વનિના ગુંજનથી પ્રમુખ શોધતાં ‘ગુજરાતની અસ્મિતા’ના નશામાં તમને એ શબ્દોનો યોજક તો નથી જડી ગયોને? એ કે ગમે તે કારણ હોય, પણ મને દીધેલા આ અધિકાર માટે હું તમારો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બારમા પરિષદ સંમેલન પછી થયેલા મુ. નરસિંહરાવભાઈના અવસાનની હું સખેદ નોંધ લઉં છું. નાટક ને નવલકથા સિવાયના ઘણાંખરાં સાહિત્યના ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો શુદ્ધિ અને સત્યશોધનની પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રુજતા હતા. ઘણી વાર તો જાણે અચલ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા. આજે એ ખર્યા, અને આપણું આભ સૂનું ને નિસ્તેજ લાગે છે. તમારા બધાના તરફથી, અને મારા પોતાના – એમનો ને મારો સંબંધ તો નિકટનો હતો – તરફથી હું એમને સ્મરણાંજલિ આપું છું. આજે તેત્રીસ વર્ષે પહેલી જ વાર સાહિત્ય સંમેલન મહાગુજરાતમાં ભરાય છે. જ્યારે પરિષદે અહીં આવવાનો સંકલ્પ કર્યો ત્યારે એણે ગુજરાતની સીમાઓને વિસ્તૃત કરી નાખી અને હું આશા રાખું છું કે પરિષદ ભવિષ્યમાં વખત મળે ત્યારે મહાગુજરાતના મોટાં મથકોમાં જરૂર સંમેલન ભરશે. ગુજરાતીઓને સદાય મહાગુજરાત રચતાં આવડ્યું છે. ઇતિહાસકાળની ઉષામાં પણ ગુજરાતીઓએ મીસર ને સિંહલ, જાવા ને ચીન ખેડ્યાની કથા કોણે નથી સાંભળી? મધ્યકાલમાં ચોર્યાશી બંદર પર વાવટો ફરકાવતા ગુજરાતની કીર્તિ પણ કોણે નથી સાંભળી? અને આજે ગુજરાતી ક્યાં નથી? કરાંચી ને કલકત્તા, દિલ્લી અને મદ્રાસનો ગુજરાતીસમૂહ એ તો હિંદી મહાગુજરાતનાં ચોદિશનાં સીમાચિન્હો છે; પણ ગુજરાતીઓ ક્યાં નથી? ટોકીઓમાં ક્યાં નથી? પેરીસમાં ક્યાં નથી? ન્યુયોર્કમાં ક્યાં નથી? ત્યાં બધે પાદેપાદ રસાળ ગુર્જરગિરા બોલાય છે, ત્યાં ગરબે રમવાને ગુર્જર ગોરીઓ નીસરે છે, ત્યાં બધે જ ગુજરાતીઓ વસે છે – પૈસાની શોધમાં અને જીવનના શોખમાં મશગુલ; પોતાની ‘નાની શી નાર ને નાકે રે મોતી’ને લડાવતા ને ધર્મને કાજે અર્થ વહેવડાવવામાં તત્પર તેમને માટે તેલંગણના કવિ વેંકટધ્વરીએ સત્તરમી સદીમાં જે કહેલું તે આજે હું પણ કહી શકું તેમ છું. “આ ગુર્જર દેશ જો, ને આંખ ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક. કપૂર અને મીઠી સોપારીથી મઘમઘતા પાનથી એના યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારે છે ને પ્રશંસાને પાત્ર બને છે. ચમકતાં રત્નોનાં આભૂષણ તે પહેરે છે. ચંદનથી તેમનાં શરીરો મઘમઘે છે. અને તે રતિ સમી યુવતીઓ સાથે મહાલે છે. અને અહીંઆની સ્ત્રીઓનું સૌન્દર્ય પણ અનુપમ છે. તપ્ત સુવર્ણનો એમનો રંગ છે; લાલ ને મૃદુ એમના ઓઠ છે; નવપ્રવાલસમાં એમનાં હાથ છે; એમની વાણી અમૃતસમી મીઠી છે; એમનું મુખ છે કમલસમ, ને આંખોમાં છે નીલ કમલનાં તેજો. ગુર્જર યુવતીઓની મોહિનીથી યુવાનો મુગ્ધ બને એમાં શી નવાઈ? વળી આ લોકો દેશ દેશ ભમે છે, ત્યાંના કૌતુકો જુએ છે, અને અમિત દ્રવ્ય મેળવે છે. ત્યાંથી તે પાછા આવે છે, અને લાંબા વખતથી વિરહોત્કંઠ એવી એમની સતીઓને પાછા મળે છે. આ પ્રમાણે આ ધન્ય લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ કયું સુખ નથી ભોગવતા? [1]

આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે? એમને શું એક બનાવે છે? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું? એ વધે છે કે ઘટે છે? વધે છે તો કેટલી ને કેવીક વધે છે? આ અસ્મિતા શબ્દ ૧૯૧૩-૧૪માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો [2], ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે: ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ? એક સમય એવો હતો કે જોધપુરની આસપાસની ભૂમિ ગુજરાત – ગુજરત્રા ભૂમિ કહેવાતી, અને અમદાવાદ ગુજરાતની બહાર ગણાતું. એક વાર સાબરમતીની ઉત્તરે ગુજરાત ગણાતું. પણ આજે તો દક્ષિણે મુંબઈ સુધી વિસ્તરે છે. એક વાર શ્રીમાલ, ઝાલોર, વાંસવાડા ને નંદરબાર ગુજરાતનાં મથકો હતાં; આજે તે ગુજરાતની ભૂગોળની બહાર છે, આજે ઉત્તર થાણા અને પશ્ચિમ ખાનદેશમાં ગુજરાતીઓ વસે છે. છતાં તેને કોઈ ગુજરાત ગણતું નથી. આશ્ચર્યની વાત એ છે કે કાઠિયાવાડ અને કચ્છને ય ગુજરાત બહાર ગણાવનારા કેટલાક છે. કરાંચી ને કલકત્તામાં હજારો ગુજરાતીઓ વસે છે અને તો ય તે ગુજરાતમાં છે, એમ માનવા મથે છે. એટલે સ્થળની ગુજરાતની સીમાઓ બાંધવી એ અયોગ્ય છે. હું તો માનું છું અને કહું છું કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ ગુર્જર રાષ્ટ્રકવિની કેવળ કલ્પના નથી, પણ વાસ્તવિક અને વ્યવહારિક સત્ય છે. પરંતુ ‘જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કહેવામાં કદાચ વાસ્તવિક સત્ય નથી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સદીઓ થયાં વસતા ગુજરાતીઓ ગુજરાતી નથી બોલતાં. ઝાલોર ને વાંસવાડા, ઇડર અને શ્રીમાલમાં આજે મારવાડી વધારે બોલાય છે, છતાં એમાં વસતા ગુજરાતીઓ નથી એમ કોણ કહેશે? – કેમ કહેવાશે? ગુજરાતીનું પ્રાધાન્ય એ ગુજરાતનું મુખ્ય લક્ષણ મનાય. પણ એ પ્રાધાન્ય ન હોય ત્યાં ગુજરાત નથી એમ કેમ કહેવાય? ત્યારે પ્રશ્ન થાય છે કે ‘ગુજરાત’ એટલે શું? ત્રીસ વર્ષના મનને હું એની વ્યાખ્યા આપું. એની રાજકીય કે ધાર્મિક એકતામાં એનું મૂળ નથી; એનું મૂળ હિંદી સંસ્કારને લાક્ષણિક રીતે જીવનમાં ઉતારવાની કલામાં છે. પણ ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે – જે પોતાને એક કલ્પવામાં, પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સરજવામાં જીવનસાફલ્ય સમજે છે. એ ગુજરાતીઓનું બન્યું છે ખરુંઃ પણ એ માત્ર માનવીઓનો સમૂહ નથી. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે જ. ગુજરાત વિસ્તરે છે જ્યાં ગુજરાતીઓ પોતાની ઇચ્છાશક્તિ અને સંકલ્પબળથી એને સરજે છે ત્યાં. ‘ગુજરાત’ તો એક ભાવનાઘડી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. ગુજરાતના વ્યક્તિત્વના ભાનથી પ્રેરાઈ એનું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનો જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય તેનામાં ગુજરાતની અસ્મિતા હોય. આ વ્યક્તિત્વના ઘડતરમાં પર્વત ને નદીઓનું સ્થાન ગૌણ છે. મુખ્ય સ્થાન તો જે મહાપુરુષોએ ગુજરાતની આ ભાવના સરજાવી છે તેમનું છે. તેમના પ્રરાક્રમો અથવા સાહિત્યકૃતિઓ ગુજરાતીઓની કલ્પના અને ઇચ્છાને કેન્દ્રસ્થ કરે છે. તે ઇતિહાસ કે સિદ્ધાન્ત રચી જાય છે, ઉત્સાહ અને આનંદ પ્રેરે છે, ગૌરવકથાઓનાં મંડાણ માંડે છે અને ગુજરાતનું સૂક્ષ્મ શરીર બાંધી જાય છે.

ઇતિહાસના પ્રવાહમાં આવા મહાપુરુષોમાં પ્રથમ તો એ સિદ્ધરાજ જયસિંહ. એણે સામ્રાજ્ય સ્થાપ્યું, પાટણને વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું, પોતાની કીર્તિગાથાથી લોકસાહિત્યને સમૃદ્ધ કર્યું. ગુજરાત એક છે, મહાન છે, વંદનીય છે એ ભાવના ઉપજાવવાની સામગ્રીઓ એણે સરજી. પણ જો કોઈએ ગુજરાતને સસંકલ્પ જીવંત વ્યક્તિ તરીકે કલ્પવાનો પહેલો પ્રયત્ન કર્યો હોય તો તે ધંધુકાના મોઢ વાણિયાએ, ગુજરાતનાં સાહિત્યસ્વામીઓના શિરોમણિએ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ. એનું ‘કુમારપાલચરિત્ર’ પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાનો પહેલો પ્રયત્ન. આ જ્યોતિર્ધરના તેજથી વસ્તુપાલ અને તેજપાલના કાળમાં અનેક કવિઓએ પોતાની કૃતિઓને ઉજ્જવળ કરી. આજે આપે અવસર આપ્યો છે તો કહેવાની તક લઉં છું કે કોઈક દિવસ આ વિદ્યાનિધિનાં સ્મરણો સતેજ રાખતી પ્રવૃત્તિ સાહિત્ય પરિષદ આદરશે અને પાર ઉતારશે ત્યારે જ તે ઋણમુક્ત કહેવાશે. પણ પછી પાટણ પડ્યું અને ગુજરાતની ભાવના ઘડીભર નષ્ટ થઈ ગઈ. પર હસ્તે ગયેલું ગુજરાત, વીખરાઈ ગયેલી એની વિદ્વત્તા, થરથર કાંપતો એનો જનસમૂહ જેમ તેમ જીવન વીતાડવા લાગ્યાં. છતાં સારે નસીબે માણભટોએ ગુજરાતી ભાષાને જીવતી રાખી અને સમૃદ્ધ કર્યા કરી. છતાં સત્તરમા સૈકાના મધ્ય સુધી એમની કૃતિઓમાં ગુજરાતી અસ્મિતા દેખા દેતી નથી. આશરે ૧૬૪૫માં ‘હારમાળા’ રચાય છે. સાહિત્યરસિકો ‘મહેતાજી’ તરફ આકર્ષાય છે, એમના જીવન અને કવનના પરિચયમાં આવવા પ્રયત્ન કરે છે, અને પરિણામે એમના કેટલાક જીવનપ્રસંગો વિશે સાહિત્ય સરજવા માંડે છે. આ બધામાં મુખ્ય કવિ પ્રેમાનંદ. એમણે મહેતાજી જીવનગાથા ગાઈ; એમની ‘હારમાળા’, ‘હુંડી’, ‘શ્રાદ્ધ’ ને ‘મામેરાં’ વડે ગુજરાતીઓની કલ્પના જૂનાગઢના ભક્તશિરોમણી પર એકાગ્ર બની, ઢળી અને અણજાણી એ કલ્પનામૂર્તિની આસપાસ ગુજરાતીની અસ્મિતાનો આછો આભાસ નીરખવા લાગી.

વળી પાછી ભરતી પછીની ઓટ આવી. ફરીથી દોઢસો વર્ષોનું આવરણ છવાયું – જ્યાં સુધી નર્મદ આવ્યો ત્યાં સુધી. ઓગણીસમી સદીના મધ્યમાં જ્યારે કેળવણીની કેવળ શરૂઆત હતી અને રાષ્ટ્રીયતા તો જન્મી નહોતી ત્યારે આ ઉત્સાહઘેલા, અધીરા, યૌવનભર્યા વીરે ગુજરાતી સાહિત્યનું મંથન કર્યું ને નવરત્નો કાઢ્યાં. એણે ઇતિહાસ ખંખોળ્યો ને ગુર્જરવીરોની કથાઓ એકઠી કરી; એણે જીવન સંશોધ્યું અને ગુજરાતનાં સામાજીક લક્ષણોની ચર્ચા કરી. એની જ્વલંત કલ્પના થકી ગુજરાત ઊભું થયું – ભૌગોલિક નહીં, પણ ભૂત મહત્તા અને વર્તમાન વિશિષ્ટતાથી સમૃદ્ધ ચેતનવંત વ્યક્તિ – અને જીવનભર સેવેલી અસ્મિતાને શબ્દોમાં ઉચ્ચારીઃ

“જય જય ગરવી ગુજરાત!”

નર્મદનાં અનેક ઋણોમાં આ પણ એક નાનુંસૂનું નથી. ઉચ્ચારતાં હૈયું થનગન થાય એવા આ ચાર શબ્દો ગુજરાતી અસ્મિતાને પ્રાણ સમા પ્રિય અને પ્રેરક છે. નર્મદ અને એના સમકાલીનોના પ્રયાસોથી આ અસ્મિતા સાહિત્યમાં અમર સ્થાન પામી ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ અને વિસ્તાર વધતાં કેળવાયેલા ગુજરાતીઓ બે પાંચ સાહિત્યકારો પ્રતિ એકાગ્ર દૃષ્ટિ રાખતાં શીખ્યાં. જનતા આગળ ‘સધરા જેસંગ’ ને ‘વનરાજ ચાવડા’–ની કથાઓ દ્વારા ભૂત મહત્તા સજીવન કરવાના પ્રયત્ન શરૂ થયા. ‘ગુજરાત’ – એક, અવિભાજ્ય, અભેદ્ય અને અજરામર – જીવંત વ્યક્તિરૂપે – કલ્પનામાં ને ભાવનામાં સરજાવા લાગ્યું. આ ભાવનાના ઘડતરમાં કાળે કરીને બીજાં પણ કેટલાંક તત્ત્વોએ સારો ભાગ ભજવ્યો છે. નર્મદ પછી તો ઘણા ગુજરાતીઓએ આ ભાવના સાહિત્ય દ્વારા વ્યક્ત કરી છે. ‘ગુણવંતી ગુજરાત’[3] ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ’ [4] ‘જય ગાઓ, જય ગાઓ, ગુર્જર ગિરાનો જય ગાઓ’ [5] ‘ગુજરાત મોરી મોરી રે’ [6] ‘આમ આ ભાવના પૂરેપૂરી પોષાઈ છે. નવલકથાકારોએ સરજેલાં ગુજરાતી વીરોના કાલ્પનિક વ્યક્તિત્વે એને આશ્રયસ્થાન પૂરું પાડ્યું છે. સાહિત્ય ને સંસ્કારના સંશોધનથી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. સામુદાયિક પ્રવૃત્તિઓમાં સાથે કામ કરતા કેટલાય ગુજરાતીઓએ અસ્મિતાનો સાક્ષાત્કાર કેળવ્યો છે. આ અસ્મિતાની અજબ ભાવનાને પોષવા સ્વ. રણજીતરામ આ પરિષદની સંસ્થા સ્થાપી ગયા. ગુજરાતીઓ ગુજરાત સરજે એ એમના જીવનની મહત્ત્વકાંક્ષા હતી. પણ આવી ભાવના જો પ્રાંતીયતાની સિદ્ધિ સારુ સેવાય તો તે જરૂર સંકુચિત બને, અને રાષ્ટ્રવિધાનની આડે આવે. હિંદ જેવા વિશાળ દેશમાં જ્યાં સામાજિક અને ધાર્મિક ભેદોના ઢગલા પડ્યા હોય ત્યાં પ્રાંતિક પ્રેમની નિસરણી દ્વારા જ રાષ્ટ્રીયતાની સિદ્ધિને પહોંચાય – જો આ ભાવો પરસ્પર વિરોધી ન હોય તો. હિંદથી અલગ ગુજરાતનું અસ્તિત્વ ન હોવું જોઈએ, ન હોઈ શકે. એ મહારાષ્ટ્ર સાથે, સિંધ સાથે, મારવાડ ને રાજપુતાના સાથે નિકટ સંબંધે સંકળાયેલું છે. રાષ્ટ્રીયતા જે વર્તમાન પર શાસન કરે છે તે તો ચિરકાલ ચાલવાની, અને બધી પ્રાંતિક વિશિષ્ટતા હિંદની પ્રચંડ એકતામાં ભળી જાય તો જ જીવનસાફલ્ય પ્રાપ્ત કરશે. અને ગુજરાતી અસ્મિતાએ આ સાફલ્ય પ્રાપ્ત કર્યું છે, તે ગાંધીજીને પ્રતાપે. આ વૈષ્ણવજન, રાષ્ટ્રવિધાયક દિવ્યદર્શી મહર્ષિએ રાષ્ટ્રસેવાને ગુજરાતીઓનો ધર્મ બનાવી તેમને વ્યવસ્થિત અહિંસાત્મક રાષ્ટ્રીય વિગ્રહની શક્તિનો અને કીર્તિનો ઓપ આપ્યો છે. રાષ્ટ્રીયતાને ગુજરાતી અસ્મિતાનું લક્ષણ બનાવી જે વિરોધી ભાવનાઓ થાત તેનું સમીકરણ કર્યું છે. એમનું પ્રચંડ વ્યક્તિત્વ, એમનું રાષ્ટ્રવિધાન, એમનાં દિગંતગામી પરાક્રમો અને એમની સંજીવની પ્રેરણાથી રાષ્ટ્રીય ઇચ્છાશક્તિના અંગભૂત થવું ગુજરાતીને સરળ થઈ પડ્યું છે. ગુજરાતીની અસ્મિતા આમ રાષ્ટ્રીય આત્મસિદ્ધિનું પગથિયું બની રહે છે. પોતાની ભાષા ને સાહિત્ય, પોતાના સંસ્કાર ને જીવનને અસ્મિતા વડે સજીવન કરતો ગુજરાતી રાષ્ટ્રધર્મનો સાક્ષાત્કાર કરે છે. એ સંકલ્પ વડે ‘ગુજરાત’ને જીવંત કરે છે; ‘રાષ્ટ્ર’માં એને વિલુપ્ત કરી દેવા માટે – જેમ યોગી સમાધિ આદરે છે, પોતાના આત્મને પરબ્રહ્મમય બનાવી દેવા માટે – તેમ.આ અસ્મિતા સાહિત્યને કેમ પ્રેરે છે તે તપાસતાં પહેલાં, ફરીથી, એ કેવી રીતે વ્યક્ત થાય છે તે તપાસીએ. ૧ગુજરાતીઓની ભાષા ને સાહિત્ય, સંસ્કાર, પરાક્રમ ને પ્રવૃત્તિનો આપણે વિચાર કરીએ છીએ. ૨ આપણી જ કલ્પનાવડે સમસ્ત ગુજરાતીઓના બન્યા ‘ગુજરાત’ને આપણા મન આગળ રાખતાં શીખીએ છીએ. ૩ ગુજરાતને હિંદી રાષ્ટ્રના એક અવિયોજ્ય અંગ તરીકે જ કલ્પીએ છીએ. ૪ આપણી સામુદાયિક એકતા જેમાં મૂર્તિમાન થઈ છે એવી ‘ગુજરાત’ની ભાવના પર એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં આપણા આચાર, વિચાર ને સંકલ્પ આ ભાવનાથી જ પ્રેરાય છે. ૫ પરિણામે આ ભાવના સેવતા ને સમૃદ્ધ કરતા ગુજરાતીઓનો સંઘ મોટો થતો જાય છે. ૬ એવું સાહિત્ય પ્રગટે છે કે જેથી આ ભાવના પ્રસરે, એ સક્રિય સંકલ્પમાં પરિવર્તન પામે, અને એ ભાવનાથી પ્રેરાયેલા ગુજરાતીઓની ઇચ્છાશક્તિઓ એક જ જાળીના વણાટમાં ગુંથાઈ જાય. ૭ એ ભાવનાની સિદ્ધિ અર્થે સેવેલી સંકલ્પજન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ શરૂ થાય છે કે જેથી એકતાનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. ૮ આ ભાવનાની જ્યોત કાયમની જળે અને ઇચ્છાશક્તિઓનું ગૂંથણ સરળ બની સમગ્ર ઇચ્છાશક્તિ – ‘કલેક્ટિવ વીલ’ – પ્રભાવશાળી બને માટે સામુદાયિક યુયુત્સુતા કેળવાય છે, આદરેલો વિગ્રહ ભલે બળનો, હોય જ્ઞાનનો, રસનો હોય કે નીતિનો. એમાં સમાઈ જતી કલ્પના, સંકલ્પ ને સિદ્ધિ દરેક માણસ પોતાના વ્યક્તિત્વના બળ વડે જ પ્રાપ્ત કરી શકે છે. ‘ગુજરાત’ ને ‘રાષ્ટ્ર’ની મહાવ્યક્તિ સરજવાની શક્તિમાં દરેક માણસની ઇચ્છાશક્તિનો હેતુપૂર્વક સ્વીકારાયેલો પ્રયત્ન રહ્યો છે. આજ વસ્તુ આપણા પૂર્વજો વચ્ચેનો, તેમ જ આપણા જૂના સમુદાયો અને આજના સમુદાયો વચ્ચેનો મૌલિક ફેર બતાવે છે. આપણા પૂર્વજો અનિચ્છાએ સામુદાયિક ભાવનાના અંગ બની રહેતા; આપણે સંકલ્પપૂર્વક આપણને જોઈતી સામુદાયિક ભાવના સરજી શકીએ છીએ. જૂના સમુદાયો સમયના પ્રવાહમાં પેઢીધર કેળવેલા આચારવિચારથી અને વ્યક્તિગત સર્જકતાના અભાવથી ચાલ્યા કરતા. બ્રાહ્મણ જન્મે થવાય; બ્રહ્માણને પોતાના સમૃદ્ધ માટે ગર્વ હોય; પણ બ્રાહ્મણત્વના ખોખામાં એ જન્મે, જીવે ને મરે; અને પોતાના આચારવિચાર માટે તે પ્રાણ પણ આપે તો તે વારસામાં મળેલા બંધનોને બળે જ. બ્રાહ્મણમાત્રના બન્યા વિરાટપુરુષની કલ્પના તે સેવતો નથી, અને સ્વતંત્ર પ્રયત્ને તેને જીવંત સ્વરૂપ આપતો નથી. આજના સમુદાયો સ્વતંત્ર વ્યક્તિઓની અંગત કલ્પના દ્વારા સર્જાય છે, ને વ્યક્તિગત સંકલ્પ ને ઇચ્છાશક્તિને બળે જીવંત રહે છે. ‘ગુજરાત’ ને ‘રાષ્ટ્ર’ બંને વ્યક્તિગત કલ્પના, સંકલ્પ ને શક્તિઓનાં ગૂંથણથી પ્રગટે છે. એ બધાનો પાયો ને આશ્રય વ્યક્તિ છે, સમૂહ નથી. અવિચળ એવા આ સત્યને કોઈ ઝાંખે એમ નથી. વ્યક્તિના વિકાસ વિના સૌંદર્ય નથી, સમૃદ્ધિ નથી, સામુદાયિક બળ નથી જ્યાં એ વિકાસને અવકાશ નથી ત્યાં જીવન નથી, પણ મૃત્યુની નિશ્ચેતન સમાનતા પ્રસરે છે. ગયા સૈકામાં પ્રચલિત હતા તે વ્યક્તિવાદે માત્ર વ્યક્તિ પર ભાર મૂક્યો, ને વ્યક્તિત્વની ગૂંથણી ધ્યાનમાં ન રાખી. પરિણામે રાષ્ટ્રીય બળ ઘટ્યું, અને તેથી કેટલાક આજે કોઈ પણ પ્રકારે મેળવેલા સામુદાયિક બળની પૂજા કરી રહ્યા છે. પણ જે સામુદાયિક બળ વ્યક્તિઓના અંગત સંકલ્પની નથી રચાયું તે ગુલામોના જૂથના બળ જેટલું પાશવ છે ને તેટલું જ ટૂંકજીવી છે.

વ્યક્તિત્વને સાહિત્ય ને કલા જોડે ગાઢ સંબંધ છે. બધું સરસ સાહિત્ય, ગમે તે કાલમાં કે સમુદાયમાં, પ્રખર ને સમૃદ્ધ વ્યક્તિત્વમાંથી જ ઝરે છે. જો નરસિંહ મહેતાનું વ્યક્તિત્વ ઘર છોડી, ગાંડા બની, ભગવાન ભજવામાં સાફલ્ય ન માનત, જો મધ્યકાલીન રજપૂત સંસારની શૃંખલાઓ ભેદી, સાધુડી બની દ્વારિકા નાસી જવાનું મીરાંમાં વ્યક્તિત્વ ન હોત તો એમના મુખમાંથી સદીઓ સુધી દઝાડતો ઊર્મિપ્રવાહ ક્યાંથી નીકળત? જે કવિ સૃષ્ટિનું મધ્યબિંદુ પોતાના વ્યક્તિત્વ પર નથી ઠેરવી શક્યો તેની કલ્પના સરસતાનું દર્શન નથી કરી શકતી; તેનામાં સર્જકતા હોય તો યે નિર્બલ ને રોગિષ્ટ; તેની કલ્પના ચિરંજીવ સંતાન જન્માવી શકતી નથી. બધી સરસતા સમૃદ્ધ ને વિવિધરંગી વ્યક્તિત્વમાંથી જન્મે છે અને તેના વિકાસથી ખીલે છે. તેવી જ રીતે સાહિત્યમાં સરસતાનું માપ પણ તેમાં પ્રતિબિમ્બિત થતા વ્યક્તિત્વ ઉપરથી નીકળે છે. આ વ્યક્તિત્વ બે રીતે દેખાય છેઃ અપરોક્ષ સ્વાનુભવ-કથનથી ને પરોક્ષ-પાત્રલેખનથી. મીરાંબાઈ ને દયારામ, અણછૂટકે ભજન ગાતાં, સ્વાનુભવકથન કરે છે ને વ્યક્તિત્વનું દર્શન કરાવે છે; નરસિંહ ‘સુરતસંગ્રામ’માં રાધાનું પાત્ર ચીતરતાં તેને આછું આછું વ્યક્તિત્વ આપે છે પણ આપણા જૂના સમુદાયમાં વ્યક્તિત્વ અક્ષમ્ય ગણાતું; તેથી તે સાહિત્યકારોનું જે વ્યક્તિત્વ તેમની કૃતિઓમાં દેખાય છે તે સહેતુક નથી નરસિંહ મહેતા, મીરાંબાઈ ને દયારામે હૃદયોદ્ગાર ઊભરાઈ જતાં કૈંક વ્યક્તિત્વ દેખાડ્યું. પણ ભાલણનું ક્યાં? પ્રેમાનંદનું ક્યાં? અને પરોક્ષ પાત્રલેખનમાં તો એ ક્યાંથી બતાવાય? એટલે – ૧ જે સમુદાયમાં વ્યક્તિનો વિકાસ ન હોય ત્યાં સાહિત્યમાં વ્યક્તિત્વદર્શન બહુ જ થોડું હોય છે અને તે પણ નછૂટકાનાં ઊર્મિકથન રૂપે જ; ૨ તે સમુદાયમાં પરોક્ષ-પાત્રલેખનમાં જીવંત વ્યક્તિત્વ નહીં જેવું હોય છે. આ પરોક્ષ રીતે કરેલું પાત્રલેખન કાં તો (૧) કોઈ ગુણના પ્રતીકરૂપે કરવામાં આવે છે કે (૨) સામાજિક આદર્શના બીબાંરૂપે; ૩ અને જે સમુદાયમાં વ્યક્તિત્વના વિકાસને અવકાશ હોય ત્યાં ઊર્મિકથન દ્વારા વ્યક્તિત્વ સહેલાઈથી દર્શાવાય છે અને પાત્રલેખનમાં વ્યક્તિત્વનિરૂપણ સરસ થાય છે. હું પરોક્ષ વ્યક્તિત્વનિરૂપણ પર આટલો ભાર મૂકું છું, કારણ કે તેમાં સાહિત્યકાર સર્જકતાની કસોટી છે. આત્મોર્મિનું કથન એ તો પંખીના કિલકિલાટ જેવું પણ નૈસર્ગિક ને પ્રયત્નહીણું હોય છે; એનો ઊભરો તો બહાર પડે ત્યારે જ શમે. પરોક્ષ પાત્રાલેખનમાં લેખકની સર્જકતા સર્જનહારની શક્તિનું પ્રતિબિમ્બ ઝીલે, અને શબ્દો દ્વારા જીવંત સૃષ્ટિ નજર આગળ સર્જી મૂકે છે. આથી જ ઊર્મિકથન કરતાં નાટક સાહિત્યનું સ્વરૂપ વધારે સુંદર છે, જેમ સંગીતથી શિલ્પ ને ચિત્રકલા છે તેમ. તેથી જ બધા મહાન કલાસ્વામીઓએ ‘ઓબ્જેક્ટિવ કીયેશન’માં – પરોક્ષ સર્જનમાં – કૃતકૃત્યતા માની છે. જ્યારે આચાર કે બળથી સમુદાય બંધાયેલો હોય ત્યારે સાહિત્યમાં મનુષ્યનું દર્શન પ્રતીક કે બીબાંરૂપે થાય છે. જ્યારે વ્યક્તિત્વનો વિકાસ શરૂ થાય ત્યારે વ્યક્તિત્વનિરૂપણમાં વાસ્તવિકતા આવતી જાય છે અને ત્યારે પરોક્ષ સર્જન દ્વારા સાહિત્ય સરસતાની ઊંચી કક્ષા પર ચઢે છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં વ્યક્તિત્વનિરૂપણ ઘણે ભાગે બીબાંરૂપ છે. ‘મહાભારત’માંના કેટલાક ભાગને ‘મૃચ્છકટિક’ જેવા અપવાદ છે ખરા; પણ થોડા જ. આથી નાટકો માત્ર નાટકરૂપી કવિતાઓ – ‘ડ્રામેટીક પોએમ્સ’ – બને છે. વંશપરંપરાગત રચાયેલા સમુદાયનું આ પરિણામ છે. ગ્રીસમાં પહેલેથી વ્યક્તિત્વના વિકાસ માટે સંપૂર્ણ અવકાશ હતો. મનુષ્ય મનુષ્યરૂપે માન પામતો, માત્ર સમુદાયના અંગરૂપે નહીં. તેથી જ ત્યાં લોકશાસનનાં બી સૌથી પહેલાં નખાયાં, તેથી જ ગ્રીક સાહિત્ય ને કલા એ અદ્ભુત સમૃદ્ધિ પ્રાપ્ત કરી. સર્વે કલાના સત્ત્વરૂપ નાટકે પણ ત્યાં જ અપૂર્વતા પ્રાપ્ત કરી. ગ્રીક સાહિત્યકારોની કૃતિઓનું પરોક્ષ વ્યક્તિત્વ નિરૂપણ આજે પણ જીવંત નરનારીઓની સૃષ્ટિ નજર આગળ ઊભી કરે છે. ગુજરાતી સાહિત્યમાં પહેલેથી વ્યક્તિવિકાસનો અભાવ જોવામાં આવે છે. હરિભદ્રની ‘સમરાઇચ્ચાકહા’ (ઈ.સ. ૭૫૦) ગુજરાતીએ લખેલી એક જૂનામાં જૂની વાર્તા છે. એમાં પાત્રો માત્ર ગુણનાં પ્રતીક છે. ગુણસેન રાજા સદ્ગુણનું સ્વરૂપ, અને અગ્નિશર્મા બ્રાહ્મણ નીચના ને ક્રોધનું સ્વરૂપઃ બેમાંથી એકેયને વ્યક્તિત્વ જ ન મળે. ‘ઉપમિતિભવપ્રપંચકથા’ (ઈ.સ. ૯૦૬)માં સદ્ગુણો ને દુર્ગુણો જ, મનુષ્યના નામ નીચે, વિહરે છે. હેમચંદ્રાચાર્ય જેના અધિષ્ઠાતા હતા એવા યુગમાં – હેમયુગમાં – ગુજરાતમાં અનેક કાવ્યો ને નાટકો લખાયાં, કલાએ અનેક સર્જનાત્મક પ્રયત્નો કર્યાં, પણ પાત્રને વ્યક્તિત્વ આપવા તરફ નજર ન ગઈ તે ન જ ગઈ. એ નાટકો આજે રસથી વાંચવા અઘરાં થઈ પડે તેમાં કૈં નવાઈ? પૌરાણિક આખ્યાનોમાં, સામાજીક કથાઓમાં એક રાજા ને બીજા વચ્ચે, એક સ્ત્રી ને બીજી વચ્ચે એક નગરશેઠ ને બીજા વચ્ચે માત્ર નામનો જ ફેર. બધાં માત્ર ‘ટાય્પ્સ’ – નિશ્ચેતન બીબાં! ‘સુતરસંગ્રામ’ની રાધા ને પ્રેમાનંદના કેટલાંક પાત્રોને કવિ સર્જકતાના આવેશમાં આછું આછું વ્યક્તિત્વ આપે છે, પણ તેને સૌંદર્યવિધાનનું મૂળ બનાવવાનો પ્રયત્ન નથી. પણ નર્મદથી નવું વિશ્વ રચાતું થયું. ઊછળતો, કાદવ ઉછાળતો આવ્યો વ્યક્તિવાદ. માનવસૃષ્ટિનું મધ્યબિંદુ સમૂહ નહીં પણ વ્યક્તિ થઈ. પોતાના વિચારો, અનુભવો અને આચાર દરેકને ઘડવાનો અધિકાર હતો, એટલું જ નહિ; પણ તેને પોતાના જ રાખવા એ એનું પ્રથમ ને અનિવાર્ય કર્તવ્ય મનાયું. આ દૃષ્ટિથી ઉચ્છ્ંખલતા આવી, સ્વચ્છંદ આવ્યો ને બેપરવાઈ આવી; સાથે સ્વાનુભવી સાહિત્ય પણ આવ્યું. પોતાના વ્યક્તિત્વમાં આત્મશ્રદ્ધા ઊગી, કલા ને સાહિત્યમાં પ્રાણ આવ્યો; સાથે પોતાની કલ્પના ને સંકલ્પ વડે ગુજરાતનું સામુદાયિક વ્યક્તિત્વ રચવાની હિંમત પણ આવી. ગુજરાતીઓએ પોતાના ધર્મ ને સમાજનાં બંધનો શિથિલ કરી, પોતાની કલ્પનાના બળ વડે, બધા ગુજરાતીઓ જોડે કંઠી બાંધી, નવી એકતા સર્જવા માંડી. આમ વ્યક્તિત્વ વંશપરંપરાગત સામુદાયિક બંધનોમાંથી છૂટું થવા માંડ્યું અને સ્વેચ્છાથી નવાં જીવંત બંધનો બાંધવા લાગ્યું. સાહિત્યમાં આ દૃષ્ટિબિંદુએ નવું ચેતન આણ્યું. પ્રતીકથી બીબુંઃ બીબાંથી વ્યક્તિ. સામાન્ય અનુભવની વિશિષ્ટ સ્વાનુભવઃ એકધારા સાહિત્ય સ્વરૂપોને બદલે વ્યક્તિગત સ્વરૂપાંતરઃ સમશીલતાને બદલે વૈવિધ્ય. આ આપણા સાહિત્યવિકાસનો ક્રમ થયો. ગુજરાતમાં વ્યક્તિત્વવિકાસને અવકાશ નહોતો, સાહિત્યકારની દૃષ્ટિએ વ્યક્તિત્વની કિંમત ઘણી ઓછી હતી અને તેના સમૃદ્ધ નિરૂપણમાં રહેલી સરસતા પારખવાની શક્તિ ગુજરાતીઓમાં હતી નહીં. આ કારણોને લીધે અહીં સદીઓ થયાં નાટકનું નામ ને નિશાન ન હતાં. સ્વ. રણછોડભાઈ ઉદયરામે અર્વાચીન નાટકની પ્રણાલી આરંભી, પણ એનું મૂળ તત્ત્વ તેમની કલાદૃષ્ટિની બહાર રહી ગયું. અર્વાચીન ગુજરાતી સાહિત્યની પહેલી બે જીવંત વ્યક્તિઓ – નવ વસંતનાં પહેલાં બે મઘમઘતાં કલ્પનાપુષ્પો – તે સરસ્વતીચંદ્ર અને કુમુદઃ સાક્ષરશ્રી ગોવર્ધનરામની નવલકથાના એ બે અમર સ્તંભો. એના પહેલા ભાગમાં એ હસતાં, રડતાં, ઇચ્છા ને સિધ્ધાન્ત વચ્ચે ઝોલાં ખાતાં જીવતાં મનુષ્યો આપણા નિકટબાંધવો સમાં આપણા જીવનમાં વણાઈ જાય છે. એમનાં ટપકતાં અશ્રુઓ આપણને ભીંજવે છે, એમના પ્રેમ ને કર્તવ્યની જ્યોત આપણને હૂંફ આપે છે. છેલ્લાં ત્રીસ વર્ષોમાં ગુજરાતમાં વ્યક્તિ સામુદાયિક પરાધીનતામાંથી છૂટી થઈ, વિકાસનાં ક્ષેત્રો શોધતી ચાલી છે. ન્યાતોના બંધન શિથિલ થયાં, કુટુંબની ઘટના બદલાઈ ગઈ. લગ્નની ગ્રંથિ પર ગુલામગીરીની મુદ્રા હતી તે ખરી પડીઃ સ્ત્રીઓના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર થયો. પ્રેમે જનતાની કલ્પના મુગ્ધ કરી. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પ્રેમની ભાવના વ્યક્તિસ્વાતંત્ર્ય પર રચાઈ છે. પોતે જાતે ન સ્વીકાર્યા હોય એવાં સામુદાયિક બંધનોની એ વિઘાતક છે. કારણ કે એનો આખો ખ્યાલ ને કલ્પના વ્યક્તિગત છે, જીવનમાં અને સાહિત્યમાં એને સ્થાન મળ્યે મનુષ્ય મનુષ્ય તરીકે સ્થપાય છે. આ બધાં વ્યક્તિત્વવિકાસનાં સીમાચિન્હો છે. જેમ આ વિકાસ વધ્યો તેમ વ્યક્તિત્વનિરૂપણ સમૃદ્ધ થતું ગયું. આ સદીની શરૂઆતમાં બે પાત્રો નવા સ્ત્રીત્વનું દર્શન કરાવે છેઃ શ્રી ગોવર્ધનરામની કુસુમ ને કવિ નાનાલાલની જયા – બંને સ્ત્રીઓ બંડખોર, વ્યક્તિત્વશીલ ને તેજસ્વી. શ્રી. રમણભાઈનો ભદ્રંભદ્ર, અવિસ્મરણીય ને આડંબરધારી, શ્રી. ધૂમકેતુનો ભૈયાદાદા ને શ્રી. રામનારાયણ પાઠકની ખેમી, અને શ્રી. દવે ને શ્રી. ધનસુખલાલનાં વિપિન ને નિર્મળા – બધાં આબેહૂબ મનુષ્યો, ઝીણી મોટી શક્તિ અને અશક્તિઓની જીવંત ને ચેતનવંત વ્યક્તિએ. હું તો વ્યક્તિત્વનિરૂપણનો જ રસિયો રહ્યો છું. જીવંત સ્ત્રીપુરુષો ચીતરાયાં છે કે નહી એ સિવાય મને બીજી પરવા જ નથી. મનુષ્યના વ્યક્તિત્વનું સર્જન આમ સમૃદ્ધ થયે કલાદૃષ્ટિ વિશુદ્ધ થતી ગઈ છે. પણ જેને આપણે સ્વજનથીયે નિકટ ગણીએ એવાં કેટલાં પાત્રો આપણી કલ્પનાસૃષ્ટિમાં જીવતાંજાગતાં બેઠાં છે? વ્યક્તિત્વમાં આપણો રસ એટલો નથી વધ્યો. આપણે ત્યાં નવલકથા લોકોને રુચે છે પણ નાટક પર પ્રીતિ નથી, એ કોઈ પણ પુસ્તક વેચનાર કળી શકશે. હજી નવલકથા અને ઊર્મિકાવ્યમાં રાચવા જેટલી જ આપણી વ્યક્તિગત રસિકતા વિકસી છે. સફલ નાટક એટલે વાર્તાલાપ દ્વારા આલેખાતાં આચારાત્મક વ્યક્તિત્વોની સુરેખ ઘટના. આવા વ્યક્તિવિલાસી સાહિત્યમાં રસ લેવાની શક્તિ જોઈતા પ્રમાણમાં હજી ગુજરાતમાં નથી આવી; એટલે અંશે આપણી સર્જકતા ને રસિકતા બંને અધૂરાં છે.

૬ अ

આત્મોક્તિના સાહિત્યમાં વ્યક્તિત્વદર્શન કરાવવું સહેલ નથી. ઊર્મિકાવ્ય કે આત્મકથા એ આ સાહિત્યના લોકપ્રિય પ્રકારો છે, છતાં કેટલુંય એવું સાહિત્ય જન્મતાં જ મૃત્યુ પામે છે, કારણ કે તેમાં સાહિત્યકારના વ્યક્તિત્વનું દર્શન થતું નથી. ઊર્મિકાવ્ય રચતાં ઘણી વાર તે પોતાની ઊર્મિને બદલે પોતે કેવી ઊર્મિ કેળવવા માગે છે તેનું કથન આવી જાય છે; આત્મકથામાં ઘણીવાર પોતે છે એવો નહીં, પણ પોતે કેવો હોવો જોઈએ અથવા પોતાને લોકોએ કેવો માનવો જોઈએ તેનું કથન આવે છે. અને પરિણામે આવા પ્રયત્નોમાં વ્યક્તિત્વદર્શન સ્પષ્ટ ને સુરેખ બનતું નથી; સનાતન માનવને બદલે આડંબરી નટનું એક કે વધારે સ્વરૂપનું દર્શન થાય છે ને કૃતિ સરસ બનતી નથી. પોતે હોય એવાનું જ દર્શન થવા દેવું એ માનવીને માટે આપણે ધારીએ છીએ એવી સરલ વસ્તુ નથી, જીવનભર સંસારની રંગભૂમિ પર આપણે નવા નવા ભાગો ભજવવા માગીએ છીએ અને તે ટેવ સાહિત્ય રચતી વખતે દૂર થઈ શકતી નથી. પણ જ્યારે કોઈ કલાપી પોતાનું દર્દ મુક્ત કંઠે ગાય છે, ત્યારે તે જેવા હતા તેવાનું, અને તેના નિર્બલને સ્નેહવશ, ભોળા, ઊર્મિઘેલા, પ્રણય ને પ્રતિષ્ઠા વચ્ચે કચરાતા આત્માના સમૃદ્ધ વ્યક્તિત્વનું દર્શન થાય છે. અને આપણે આટલે વર્ષે પણ તેને આપણા સનાતન સ્વજન ગણી કોટે વળગાડીએ છીએ. પૂજ્ય ગાંધીજીના આત્મકથનમાં પણ તેવું જ વ્યક્તિત્વદર્શન થાય છે. તેથી જ તે શિષ્ટ સાહિત્ય બને છે. સમૃદ્ધ ને ભાવનાશીલ વ્યક્તિત્વઃ પ્રચંડ ઊર્મિથી ને શક્તિથી તરવરતું, આત્મનિર્ણિત નિયમોમાં વિકાસ પામતું આપણે જોઈએ છીએ; અને આપણને પ્રતીતિ થાય છે કે એમાં દેખાતો, સત્યની શક્તિ અને માનવ નિર્બળતા વચ્ચે વિકટ મુસાફરી કરતો આત્મા આપણા સનાતન સ્વજનનો છે. અને આ પ્રતીતિથી એ કૃતિની કિંમત અંકાય છે. આ બે અમર ગુજરાતી કૃતિઓમાં બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વોનું દર્શન થાય છે. અને કલાપી ને ગાંધીજી, એ કૃતિઓ દ્વારા, આપણા જીવનસાથીઓ બને છે. પરોક્ષ સાહિત્યમાં વ્યક્તિત્વનિરૂપણ કરવું એમાં સાહિત્યકારની સર્જકતાની કસોટી છે. શબ્દશિલ્પીનો ખરો કીમિયો એમાં રહ્યો છે. કલાપી ને પૂજ્ય ગાંધીજી નૈસર્ગિક નિખાલસતાથી જે વ્યક્તિત્વદર્શન કરાવે છે તે સાહિત્યકારને સમૃદ્ધ સર્જકશક્તિથી કરવું પડે છે. પાત્રસર્જનની એની પ્રયોગશાળા તપાસીએ. સાહિત્યકની સ્ત્રી મિત્રની સ્ત્રીને મળવા ગઈ છે. સ્ત્રી ને મિત્ર બંને વિશ્વસનીયતાની સંપૂર્ણ કસોટીએ ચઢેલાં છે એટલે એના હૃદયમાં જરાય સંદેહ નથી. પણ માત્ર વિચાર આવે છે કે બે વિશ્વનીય ન હોય તો! આમ કલ્પનાના શાંત સાગર પર વહેમ ને ઇર્ષ્યાનો તરંગ આવે છે; મિત્ર ને સ્ત્રી એકલાં મળે, ન મળ્યો પ્રસંગ મળે, ન કહેવાનું કહેવાઈ જાય, ન ધાર્યો સ્નેહ સંબંધ ઊભો થાય; પોતાનું જીવન વહેમથી વિષમય બને; સ્ત્રી અકારી બને, છોકરાંનાં મુખ પર બીજાની રેખાઓ દેખાય – તો પોતે શું કરે? લઢે, ઝગડે, છૂટો પડે? કે ભગીરથ આત્મત્યાગથી હૃદયનાં ઝેર હૃદયમાં શમાવી કર્તવ્યની મૂર્તિ બની રહે? પોતે કર્તવ્યમૂર્તિ બની રહેવાનો સંકલ્પ કરે છે; નવી સૃષ્ટિમાં નવી જીવનદીક્ષા સ્વીકારતાં એનું વ્યક્તિત્વ નવા રંગે ચમકે છે. સાહિત્યકાર કલમ પકડે છે અને આ ઉડ્ડયનોથી પોતાના વ્યક્તિત્વને આવેલા નવા નવા રંગો કાલ્પનિક ને નવી સૃષ્ટિ પર ચમકાવે છે. સ્ત્રી ને મિત્ર પણ નવાં સ્ત્રીપુરુષો બની જાય છે; અને એ બે વચ્ચે પોતે નાયક બની કાલ્પનિક આત્મકથા લખી રહે છે. સ્વ. કલાપી ને પૂજ્ય ગાંધીજીને પોતાનું હતું. તેવું વ્યક્તિત્વ દર્શાવવું હતું, સાહિત્યકારને પોતે રચેલી નવી સૃષ્ટિમાં તે હોત તો પોતાનું વ્યક્તિત્વ કેવું બનત તે દર્શાવવું રહ્યું. આ ક્રિયા અઘરી બને છે, કારણ કે– (૧) પોતે ક્ષણ વાર અનુભવેલી ઊર્મિને ઘૂંટી ઘૂંટીને સુંદર સ્થાયી સ્વરૂપ આપવાની એનામાં રસવૃત્તિ જોઈએ. (૨) એ ઊર્મિના સ્થાયી સ્વરૂપને કલ્પનામાં મહલાવતાં નવી સામગ્રી એકઠી કરવાની એની કલ્પનામાં સમૃદ્ધિ જોઈએ; (૩) એ સામગ્રી એકઠી કરી તેમાંથી એ સ્વાનુભવને અનુકૂલ વાસ્તવિક સૃષ્ટિ રચવાની શક્તિ જોઈએ. (૪) એ નવી સૃષ્ટિને યોગ્ય પોતાનું વ્યક્તિત્વ પલવારને માટે વિકસાવવાની શક્તિ જોઈએ. (૫) પોતે વિકસાવેલા વ્યક્તિત્વને અણદીઠી સૃષ્ટિમાં નવા અનુભવો કરાવવાનું કલ્પાનાવૈવિધ્ય જોઈએ અને (૬) એ નવા સમગ્ર વ્યક્તિત્વની રેખાઓમાં કૈંક મૌલિક માનવતાની અપૂર્વતાનો ભાસ થવો જોઈએ. આ બધી શક્તિઓના સંયુકત ઉપયોગથી સાહિત્યકાર નવી કલ્પનાસૃષ્ટિ ઊભી કરી, પોતે, નવે ને સમૃદ્ધ સ્વરૂપે ન જોયેલા અનુભવો કરે છે, અને તે કાલ્પનિક સ્વાનુભવો શબ્દોમાં વ્યક્ત કરે છે. તે જ પ્રમાણે પોતાની સ્ત્રી ને મિત્રનાં વ્યક્તિત્વો જે એને પરિચિત છે તેમાં એ નવા રંગો ઉમેરે છે. નવી સૃષ્ટિમાં શક્ય એવા અનુભવો એમની પાસે કરાવવા માટે તે પર–સ્વભાવ–પ્રવેશ કરે છે: જેમ લોકો અસલ પર–કાયા–પ્રવેશ કરતા હતા તેમ અને પરિણામે એનો મિત્ર ને સ્ત્રી જુદાં જ બની જાય છે. આ ત્રણે પાત્રોમાં- (૧) અસલ વ્યક્તિત્વનો પાયો એટલો મજબૂત જોઈએ અને લેખકની સર્જકતા એટલી સપ્રમાણ જોઈએ કે નવું વિકસિત વ્યક્તિત્વ વાસ્તવિક લાગે અને તેણે કરેલાં કાલ્પનિક અનુભવો સ્વાભાવિક લાગે; (૨) અને છતાં એ વ્યક્તિત્વ એવું હોય કે જેથી પુસ્તક વાંચનારને એમાં પોતાનો જ મિત્ર કે સાથી દેખાય. આમ સાહિત્યમાં આલેખેલું વ્યક્તિત્વ આબેહૂબ કોઈ જીવંત અને પરિચિત માણસનું હોય એવું લાગે, અને છતાં એમાં એવી હૃદયસ્પર્શતી માનવતા હોય કે અનેક વાચકોને પોતાના કોઈ સ્વરૂપનું પ્રતિબિમ્બ એમાં જણાય, ત્યારે વ્યક્તિત્વનિરૂપણ સફળ થયું ગણાય. આપણા સાહિત્યમાં કવિની સર્જકતાએ પેદા કરેલી પ્રૌઢમાં પ્રૌઢ ને જીવંતમાં જીવંત વ્યક્તિ હોય તો તે શ્રીકૃષ્ણની ભાગવતકારની કલ્પનાનું એ પરિણામ છે. એ પુરાણમાંથી નીતરતી વ્યક્તિનાં લક્ષણ લાડકડા પુત્રનાં, છેલબટઉ વરણગિયાંનાં, પ્રેરક સખાનાં, સર્વદર્શી મુત્સદ્દીનાં લાગે છે; અને છતાં એના દરેક સ્વરૂપમાં સર્વ સામાન્ય માનવ હૃદયની કોઈ ઊર્મિઓને મૂર્તિમાન કરતી અપૂર્વતા દેખાય છે. જેમ કાવ્યસૃષ્ટિ આપણી વ્યવહારુ સૃષ્ટિ કરતાં અપૂર્વ હોય છે, તમે સાહિત્યમાં નિરૂપેલું વ્યક્તિત્વ વ્યવહારમાં દેખાતા વ્યક્તિત્વથી વધારે સંવાદી છે. આમ વ્યક્તિઓ સર્જતો સાહિત્યસ્વામી, શિલ્પીઓની સર્જકતાને વીસરાવી, વિશ્વકર્માની કલાને વધારે અપૂર્વ બનાવે છે. આમ હોમરનો એકીલીસ ને હેક્ટર, વાલ્મીકિના રામચંદ્ર, કાલિદાસની શકુંતલા ને ભાગવતકારના શ્રીકૃષ્ણ, શેક્સપિયરના હેમ્લેટ, ઓથેલો ને ફૉલસ્ટાફ, હ્યુગોનો ઝાં વાલઝાં અને ડુમાનો દારતાન્યા, ઇબ્સનની નોરા ને ટૉલ્સ્ટોયની એના કેરેનીના ખરાં સ્ત્રીપુરુષોથી વધારે માનવી છે, ખરી વ્યક્તિઓથી વધારે અપૂર્વ છે, અને તેથી આપણી જીવનયાત્રાના અણવિછોડ્યાં ને નિકટના સાથી બને છે. અને સાહિત્ય આમ જીવનથી વધારે સત્ય ને પ્રબલ બની આપણને, વધારે સમૃદ્ધ અનુભવસૃષ્ટિનું સામ્રાજ્ય અપાવે છે.

છેલ્લાં પચીસ વર્ષમાં ગાંધીજીએ હિંદના અને ખાસ કરીને ગુજરાતના ઘડતરને નવું સ્વરૂપ આપ્યું છે. એ વિધાયકને અંગત ફાળો પલવાર નજર બહાર રાખી આપણે એમણે પેદા કરેલા બળનું નિરીક્ષણ કરીએ. ગાંધીવાદ એટલે શું? એનાં અંગો ક્યાં? ગાંધીવાદનું પહેલું અંગ સત્ય. સત્ય એટલે દરેક માણસે પોતાના સ્વભાવ ને સ્વાનુભવની કસોટીએ ચઢાવેલો સ્વધર્મ. આ સત્ય તે દરેકનું પોતાનું જ નીરાળું; એની અને એના ઈશ્વર વચ્ચે બાંધેલો બ્રહ્મસંબંધ; જેને માટે એ પ્રાણ પાથરવા તૈયાર હોય તે દૃષ્ટિ. આમ માનવીનું વ્યક્તિત્વ સત્ય સ્વરૂપે પોતાનો વિકાસ શોધે છે અને કર્તવ્યની કસોટી પર ચઢી વિશુદ્ધ અને બલિષ્ઠ બને છે. અને જેમ આ સત્યના સ્વરૂપ પર ભાર મૂકાય તેમ તેમ આ વ્યક્તિત્વ વધારે ભવ્યતા પ્રાપ્ત કરે છે. ગાંધીવાદનું બીજું અંગ અહિંસા છે. અહિંસાનો અર્થ એક વખત ‘અમારિ’ થતો હતો. કુમારપાલ રાજાના રાજ્યકાલમાં જૂ મારનારે ‘જૂવસહિકા’ બંધાવી પાપનું પ્રાયશ્ચિત કર્યું હતું. આ વ્યક્તિગત બળને ગાંધીજીએ સામુદાયિક ઉપયોગમાં આણ્યું અને તેમાંથી સત્યાગ્રહનું વજ્ર ઘડ્યું. પોતાની દૃષ્ટિએ નીરખેલા સત્યથી ન ચળવાનો સંકલ્પ તે સત્યાગ્રહઃ આ એનું વ્યક્તિગત સ્વરૂપ; એ જ્યારે સમુદાય દ્વારા આરંભાય ત્યારે એ આગ્રહમાં અનેકના સત્યો સમાઈ જાય, અનેકોની કલ્પના ને સંકલ્પ એકાકાર બને અને અનેક વ્યક્તિત્વોની ગૂંથણી થઈ જાય. આ સામુદાયિક સત્યાગ્રહથી જુદા જુદા વર્ગો ને ધર્મોનાં નરનારીઓને એક જ સક્રિય સંકલ્પ દ્વારા રાષ્ટ્ર સર્જતાં આપણે દીઠાં છે. ફ્રાંસ જેવા દેશોએ હિંસાત્મક વિગ્રહો દ્વારા સંકલ્પ સિદ્ધ કરી રાષ્ટ્ર રચ્યું છે. પણ એ વિગ્રહો તો વિકટ હતા અને લાંબો કાળ ચાલેલા. હિંદે અહિંસાત્મક વિગ્રહથી થોડે ભોગે ને ટૂંક વખતમાં એ ભાવના સિદ્ધ કરી. આનું કારણ એટલું જ કે અહિંસાત્મક વિગ્રહમાં વ્યક્તિગત સંકલ્પ–સ્વચ્છાએ સ્વીકારેલા ત્યાગને વધારે સ્થાન હતું. અને તેથી તેમાં જોડાનારને વધારે વ્યક્તિબળ કેળવી સામુદાયિક ઇચ્છાશક્તિના અંગ બનવું પડતું. આમ ગાંધીજી જગતના સમયબલના અધિષ્ઠાતા બને છે. એમની પ્રેરણાથી વ્યક્તિત્વ વિકસ્યું છે અને સામુદાયિક એકતા સર્જવાનું દરેકને સહેલું થઈ પડ્યું છે. ગાંધીવાદ સ્પષ્ટ કરે છે કે વિકાસ પામેલું વ્યક્તિત્વ અને સંકલ્પજન્ય સમુદાય બે સાથે રહી શકે છે. ખરું જોતાં જેમ વ્યક્તિત્વ વિકસે તેમ સમુદાય; વ્યક્તિઓની સંકલ્પગૂંથણીથી વધારે પ્રબલ અને ગતિમાન બને, વ્યક્તિ અને રાષ્ટ્ર બન્ને ભાવના પરસ્પરાવલંબી થાય.

સાહિત્યમાં પણ આનું જ પ્રતિબિમ્બ દેખાય છે. વ્યક્તિત્વનું સૌંદર્ય સાહિત્યકારો વધારે ને વધારે નીરખતા જાય છે. અને સાથે હેતપૂર્વક આદરેલા પ્રયત્નથી જનસમૂહની ઉત્તરોત્તર વિસ્તરતી સમગ્ર એકતા વધારે ને વધારે અનુભવતા થયા છે. ગરીબો ને દલિતોના અનુભવોનાં વર્ણનો સાહિત્યમાં ઊતરવા લાગ્યાં છે. સામાજિક અન્યાય કવિઓના હૃદયમાં જ્વાલા પ્રગટાવે છે. રાષ્ટ્રની ભાવના તો સાહિત્ય માત્રમાંથી નીતરે છે. પણ તે ઉપરાંત કવિ જગતના પીડિતોને પણ સમુદાય કલ્પી તેના તરફ પોતાના ભાવો વહેવડાવે છે.

કવિ નવી દૃષ્ટિ કેળવે છે.

‘મન! છોડ નિહાળવા તારલિયા, કાળાં કેદખાનાં કેરા જો સળિયા,
એનાં કંદન શું નથી સાંભળિયાં?
એની ભીતર મૌન એકાકી રીબાઈ રીબાઈ હજારોના પ્રાણ દમે,
ત્યારે હાય રે હાય કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગાન ગમે?’[7]

કવિ એ સમુદાય રચવા કાલ્પનિક વિગ્રહની નોબતો વગાડે છે:

અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યાં.
અમે જુગ જુગ કેરાં કંગાલ ભાંગી નરકોનાં દ્વાર દેતાં ડંગ એકતાલ ધરણી પર આવ્યાં.[8]

વળી કવિનો ભાવ ઊભરાય છે:

મુખે શું ભૂખ્યાંને જળ બસ સિંચ્યે ટાઢક વળે?
નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે?
દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે?[9]

પણ એક જ ચેતવણી આપું. સમસ્ત જગતને પોતાની આર્દ્રતાના સમભાગી કરવાની જેમને ઇચ્છા હોય તે પણ એ ન ભૂલે કે સાહિત્યમાં વ્યક્તિનું સ્થાન ભૂલવું એ તો સૃષ્ટિને એની ટોચ પર ઊંધી ગોઠવવા જેવું છે. વ્યક્તિનો પ્રેમ અને અશ્રુ, ભક્તિ ને ધિક્કાર, અસ્મિતા અને કલ્પના, સ્વાનુભવ ને સ્વદૃષ્ટિ એ જ જીવન ને સાહિત્યનાં બળો છે, એના વિનાનું રાષ્ટ્ર, વર્ગ કે સૃષ્ટિ વર્ણવતું સાહિત્ય એ તો ઠાલું કાચલું છે. જેને રાજવી ન ગમતો હોય તે શ્રમજીવી આલેખે, જેને શહેરની સુંદરીઓ ન પ્રેરે તે ભલે ગામડાની ‘ગોરી’ની પ્રેરણા લે; પણ વ્યક્તત્વભરી માનવતાથી તરવરતાં સ્ત્રીપુરુષોનાં આંતરજીવનનાં જ્યાં દર્શન થતાં નથી ત્યાં સાહિત્ય નથી ને સરસતા નથી.

આ સંમેલન આગળ કેટલાક વ્યવહારુ પ્રશ્ન પડ્યા છે તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. ૧. ગયા સંમેલનને કરેલી ભલામણ મુજબ પરિષદના બંધારણમાં સુધારા સૂચવવા મધ્યસ્થ સભાએ એક સમિતિ નીમી હતી. પૂ. ગાંધીજી અસ્વસ્થ તબિયતને લીધે એના કાર્યમાં જોડાઈ શક્યા નથી. પણ બાકીના સભ્યો એકમતે સૂચનાઓ રજૂ કરવાની આશા રાખે છે. એ સૂચનાઓના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છેઃ (અ) આજે પરિષદનું તંત્ર છે તેને ઘણે અંશે સમવાયતંત્ર બનાવવું; (આ) મધ્યસ્થ સભા મોટી કરવી અને તેના કેટલાક અધિકાર કાર્યવાહી સભાને આપવા. ૨. બીજો પ્રશ્ન ગુજરાતી લિપિનો છે. (અ) જે અક્ષરો દેવનાગરી સ્વરૂપમાંથી ચળ્યા છે તેને પાછું અસલી સ્વરૂપ આપવું કે કેમ? (આ) દેવનાગરી અક્ષરોને વધારે વૈજ્ઞાનિક કે સુઘડ સ્વરૂપ આપવું કે કેમ? આપવું તો કેવું આપવું? અને તે અત્યારે આપી શકાય એવા સાનુકૂલ સંયોગો છે કે કેમ? ૩. અને આ બધાથી મોટો પ્રશ્ન તો એ છે કે તમે આ સંસ્થાને કેવું સ્વરૂપ આપવા માંગો છો? રણજીતરામે સાહિત્ય પરિષદને ને ગુજરાતી સાહિત્યને સંસ્કારનું મંદિર કલ્પ્યું હતું; મને એ ગુજરાતી અસ્મિતાની પ્રયોગશાળા રૂપે દેખાઈ છે. અહીં ગુજરાતીઓ રાજકીય ને ધાર્મિક ભેદો છોડી ગુજરાતી તરીકે ભેળા મળી શકે; ગુજરાતના સાહિત્યરસિકો એમાં સરસતાની લહાણ કરી શકે; ગુજરાતી વિદ્વાનો ને કલાકારો અહીં આદર્શો અને પદ્ધતિની આપ લે કરી શકે; ગુજરાતનું જીવન, સાહિત્ય, નાટક, નૃત્ય, સંગીત ને કલા દ્વારા સર્વાંગસુંદર બનાવવાનો પ્રયત્નો અહીં થઈ શકે; ગુજરાત ને મહાગુજરાતમાં વસનારાઓને એ દ્વારા સામુદાયિક અસ્મિતાની સિદ્ધિ સાંપડી શકે. હું આ પ્રશ્નનો નિકાલ કરવા આ સંમેલનને વિનવું છું. તમારે માત્ર બે વર્ષે મળતી, વચમાં મંદ મંદ કાર્ય કરતી સંસ્થા ચલાવવી હોય, તો તો વધારે કંઈ કરવાની જરૂર નથી. તો વેપારીઓ વેપાર કર્યા કરો, સાહિત્યકારો ટીકા કર્યા કરો અને ગુજરાતની શક્તિનો વ્યય થવા દો. મેં ૧૯૨૬થી એમ થવા ન દેવાના પ્રયત્નો આરંભ્યા હતા; પણ દશ વર્ષે મારે કબૂલ કરવા પડે છે કે જોઈતી ઝડપે ગુજરાતીઓ આ માર્ગે ચાલવા તૈયાર નથી. પણ જો તમારી ઇચ્છા એવી હોય કે પરિષદ દ્વારા અસ્મિતાની ગંગા વહેતી મૂકવી છે તો માત્ર ઠરાવ કર્યે કામ નથી આવવાનું. બંધારણના નિયમો ફેરવ્યે પણ સંસ્થામાં વધારે ચેતન નથી આવવાનું. કાર્યકરોની, પ્રચારની ને પૈસાની જરૂર પડશે; અવિરત ઉત્સાહ વગર ચાલવાનું નથી. સ્થળે સ્થળે જઈ સાહિત્યસભાઓ સ્થાપવી પડશે કે ચેતનવંતી કરવી પડશે. જ્યાં જ્યાં ગુજરાતીપણાનું ભાન કમી થયું છે કે વીસરાઈ ગયું છે ત્યાં તેને ફરી પ્રગટાવવું પડશે. ઝાલોર, વાંસવાડ, શ્રીમાલ: ગુજરાતના આ ભૂતપૂર્વ વિભાગોને તમારે અપનાવવા છે? મહાગુજરાતમાં પરિષદની પ્રવૃત્તિઓ પ્રસારવી છે? તમારી હિંમત અને કાર્યદક્ષતા પર આ સવાલોના જવાબ આપવાનું હું સોંપી દઉં છું.

* * *
પાદટીપ

  1. स एष सर्वसंपदामास्पदतया त्रिदशालयस्यादेश इव गुर्ज्जरदेशश्चक्षुषोः सुखाकरोति। अत्र हि- सकूर्परस्वादुक्रमुकनववीटीरसलसन्- मुखाः सर्वश्लाधापदविविधदिव्यांवरघराः । क द्रन्ताकल्पा घुमघुमितदेहाश्च घुसृणै- र्युवानो मोदन्ते युवतिभिरभी तुल्यरतिभिः ।। अत्र वधूनामप्यन्यादृशं सौंदर्यम् । तप्तस्वर्णसवर्णमंगकमिदं ताम्रो मृदुश्चाघरः पाणिप्राप्तनवप्रवालसरणी वाणी सुघाघो णी । वक्त्रं वारिजमित्रमुत्पलदलश्रीसूचने लोचने के वा गुर्जरसुभ्रुवामवयवा यूनां न मोहावहा ।। देशे देशे किमपि कुतुकादद्मुतं लोकमानाः संपाद्यौव द्रविणमतितं सद्य भुयोप्यवाप्य । संयुज्यन्ते सुचिरविरहोत्कंठिताभिः सतीभिः सौख्यं धन्याः किमपि दघते सर्वसंपत्समृद्धाः ।।
  2. આ વિષે શ્રી. હીરાલાલ પારેખ ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ ખંડ ૩માં જણાવે છે કે “કવિવર ન્હાનાલાલ લખે છે, કે, ‘ગુજરાતની અસ્મિતા એ શબ્દપ્રયોગ શ્રી. મુનશીજીનો; પણ એ ભાવ શ્રી. મુનશીજીએ રણજીતરામમાં સાક્ષાત મૂર્તિવન્ત નિરખેલો, ને ત્યાંથી લીધેલો.’ પણ અમારા ધારવા પ્રમાણે એ શબ્દ પ્રથમ રણજીતરામે યોજેલો.” શ્રી. હીરાલાલની આ ધારણામાં ભૂલ છે.
  3. ખબરદાર
  4. નાનાલાલ
  5. મનહરરામ
  6. ઉમાશંકર
  7. મેઘાણી: ‘યુગવન્દના’
  8. મેઘાણી: એજન.
  9. સુન્દરમ્: ‘કાવ્યમંગલા.’