પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫ શ્રીમતી વિદ્યાબહેન


૧૫મું અધિવેશનઃ વડોદરા

નામદાર શ્રીમંત મહારાજા સાહેબ, સ્વાગત સમિતિના પ્રમુખ સાહેબ, સન્નારીઓ અને સજ્જનો, સને ૧૯૦૧માં અમદાવાદ મુકામે સાહિત્ય પરિષદનાં મંડાણ અત્યંત સાદા સ્વરૂપમાં થયાં ત્યારથી આજ સુધીમાં તેનાં ચૌદ સંમેલનો થયાં, તેમાં વડોદરા શહેરમાં આજ બીજી વાર એનું અધિવેશન થાય છે. જે રાજ્ય ગુજરાતમાં ચારે દિશામાં વિખેરાયેલું હોઈ પ્રાંતના સર્વ ભાગમાં જેની હકૂમત છે, જે રાજ્યના સદ્ગત ચિરસ્મરણીય મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારે પોતાની પ્રજાની ઉન્નતિનાં સ્વપ્નો સદાકાળ સેવી તેને અમલમાં મૂકવા ગુજરાત તેમ જ હિંદુસ્તાન ભરમાંથી તેમ જ પરદેશથી નરરત્નોને વીણી કાઢી રાજતંત્રમાં દાખલ કરેલાં, જેઓ પોતે પ્રખર અભ્યાસી, વિદ્યા અને જ્ઞાનની ખરી કદર કરનારા હોઈ પ્રજાને વિદ્યાનું દાન કરવા જેમણે ફરજિયાત કેળવણી તથા જ્ઞાનપ્રચાર માટે પુસ્તકાલયોની સુદૃઢ યોજના કરાવી, પ્રજાના સુખ માટે જેમણે રાતદિવસ ચિંતન કરી પોતાના જીવનનું સાર્થક્ય કર્યું અને ઈશ્વરે જે મહાન પદ તથા સંપત્તિ તેમને બક્ષેલી તેનો સદુપયોગ કરી પોતાની કીર્તિ સર્વત્ર ફેલાવી, તેરાજ્યની છત્રછાયા નીચે આજે આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષની વિચારણા કરવા એકઠાં થયાં છીએ. આપણે સર્વ એવી ઉમ્મીદ રાખીએ છીએ કે હે હાલના મહારાજા સાહેબ પોતાના મહાન પ્રતાપી વડીલને પગલે ચાલી તેમની ઉજ્જ્વલ કીર્તિમાં વધારો કરશે. વડોદરા રાજ્યમાં પાટણની આયુર્વેદિક પાઠશાળા, શિક્ષકો માટેની કૉલેજ તથા કૉમર્સ કૉલેજ આ નવા મહારાજાના અમલ દરમિયાન આરંભાયેલી તેમ જ પુષ્ટિ પામેલી નવી વિદ્યા-વિસ્તારની સંસ્થાઓ છે. ગુજરાતી ભાષા બોલનારી પ્રજાનો બહુ મોટો ભા વડોદરા રાજ્યની હકૂમતમાં આવેલો છે. અને હજી પણ જ્ઞાનપ્રચારની સંસ્થાઓ જેવી કે મેડિકલ કૉલેજ, ખેતીવડીની કૉલેજ, એન્જિનિયરિંગ અને ટૅક્નૉલૉજીની કૉલેજ આ રાજ્યમાં નીકળે એવી આપણે શુભેચ્છા રાખીએ તો અસ્થાને નહીં ગણાય. મારી મહેચ્છા સાહિત્ય પરિષદના આ સ્થળે થયેલા અધિવેશન પ્રસંગે સ્વ. રા. બ. રણછોડભાઈ ઉદયરામ પ્રમુખ હતા. ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાના વ્યવસાયી જીવનમાં પુષ્કળ પુસ્તકો રચ્યાં છે. એવા પ્રખર સાક્ષરે જે સ્થાનેથી પોતાનાં અભ્યાસ, વિદ્વત્તા અને બુદ્ધિમત્તા વડે પરિષદનું સુકાન ધારણ કર્યું હતું તે સ્થાન લેતાં મારા જેવી અલ્પ વ્યક્તિને અતિશય સંકોચ થાય છે. ગોવર્ધનરામ, કેશવલાલ ધ્રુવ, અંબાલાલ સાકરલાલા, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, મહાત્મા ગાંધીજી, મુનશીજી, ઝવેરી આદિ ગુર્જરીના મહાન સાક્ષરો અને સાહિત્યકારો ક્યાં અને હું ક્યાં? આ વર્ષની પ્રમુખની વરણીમાં મારા કરતાં અનેક રીતે વિશેષ લાયક એવાં નામો સૂચવાયેલાં અને તેમાંથી કોઈની પસંદગી થઈ હોત તો મારા જેટલો હર્ષ કોઈને પણ થયો ન હોત. પરંતુ કાર્યકર્તાઓની ઇચ્છાને શરણે થઈને આ મહાન જવાબદારીભરેલું પદ મેં આનાકાની સાથે સ્વીકાર્યું છે અને ડગલે ને પગલે મારી ત્રુટિઓનું મને ભાન રહે છે. ગુજરાતી સાહિત્યમાં મારો ફાળો નહીં જેવો છે. છતાં એટલું કહેવાની હિંમત કરું છું કે ગુજરાતી ભાષા માટે મારી પ્રીતિ કોઈનાથી ઊતરે તેમ નથી. એ ભાષાના સાહિત્યની ચઢતી કેમ થાય એ મારો રાત્રિદિવસનો વ્યવસાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સાથેના પંદર વર્ષથી વધારે સમયના મારા સંબંધને લીધે ગુજરાતી ભાષા, સાહિત્ય વિશે સતત ચેતનવંતાં રહેવાનો અમને સુયોગ પ્રાપ્ત થયો છે, જેથી કરીને આપણી ભાષાના સાહિત્ય પ્રત્યેનો મારો અનુરાગ દૃઢતર થયો છે. કોઈ પણ પ્રકારે એ સાહિત્યની સેવા થાય – પુસ્તકો રચીને નહીં તો ગમે તે માર્ગે – તો તે કરવા મારી અતિ ઉત્કટ ઇચ્છા છે. મારી અલ્પ શક્તિઓનો ઉપયોગ બને તેટલો એ દિશામાં કરવા મારો સંકલ્પ છે. એ સાહિત્યના અતિ નમ્ર ભક્ત, ઉપાસક, પ્રશંસક, પ્રેમી, શુભેચ્છક તથા શ્રદ્ધાવાન હોનાર જો સાહિત્ય સંમેલનના પ્રમુખ માટે લાયક ગણાય તો હું પોતાને લાયક માનું છું. વડોદરાઃ સાહિત્યની વૃદ્ધિનું સ્થાન વડોદરા શહેર અને રાજ્યમાં આપણા સાહિત્યના અગ્રણીઓ થઈ ગયા છે. તેમાં પ્રેમાનંદ અને દયારામ એ બે જૂના કવિઓનાં નામ અગ્રસ્થાને છે. સાહિત્યના ઉત્કર્ષ માટે રાજ્ય તરફથી જુદી જુદી ગ્રંથમાળાઓ રચવાનું જે કર્ય થઈ રહ્યું છે અને જે દ્વારા આપણા સાહિત્યમાં સંગીન ઉમેરો થયો છે તેનો નિર્દેશ કરવો આવશ્યક છે. આજે એવે સ્થળે આપણે મળીએ છીએ કે જ્યાં ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પુષ્કળ કાર્ય ચાલી રહ્યું છે; સાહિત્યના સર્વ અંગો ખીલવવા માટે વ્યવસ્થિત યોજનાઓ ચાલુ છે અને રહેશે જ એમ મનીએ છીએ. સાહિત્યના અનેકશાખીય વિકાસની આવશ્યક્તા નર્મદ અને દલપતરામના યુગ પછી યુનિવર્સિટીના ગુજરાતી ગ્રૅજ્યુએટોએ માતૃભાષામાં ગ્રંથો લખવા માંડ્યા અને ત્યારથી નવીન ગુજરાતી સાહિત્ય રચાવા માંડ્યું એ સર્વવિદિત છે. પરંતુ તેમાં વેગ અને ચેતન તો મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી આવ્યાં એ નિર્વિવાદ છે. દેશપ્રેમની હાકલ સાથે સ્વભાષાપ્રેમની છોળો આવી, જેથી સંખ્યાબંધ નવજુવાનોના દિલમાં સ્વભાષા પ્રત્યે માન અને પ્રેમ ઉત્પન્ન થયાં. પોતાની બુદ્ધિશક્તિ સ્વભાષાને ચરણે અર્પણ કરવાના કોડ તેમનામાં જાગ્યા અને એમાં જ પોતાનું ગૌરવ છે એવી માન્યતા વધારે ને વધારે પ્રસરી એ તો આપણે જોઈ શકીએ છીએ. એ પ્રબળ વેગ ક્યાં ક્યાં વહે છે તે સમીક્ષા અમદાવાદની ગુજરાત સાહિત્યસભા પ્રતિવર્ષ કેટલાંક વર્ષોથી કરાવે છે, જેનાથી સમર્થ વિદ્વાનોને હાથે આપા સાહિત્યનું વધતું જતું પ્રમાણ આપણી નજર આગળ રહે છે. નાનીમોટી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, નિબંધો, વિવેચનો, કાવ્યગ્રંથો વગેરેનો પરિપાક પ્રતિવર્ષ વધતો જાય છે. તથાપિ સાહિત્યનાં ઘણાં અંગો હજી પૂરાં વિકાસ પામ્યાં નથી. ઇતિહાસ, જીવનચરિત્રો – જેમાં તે તે સમય અને પરિસ્થિતિનાં તાદૃશ ચિત્રો આવે તેવાં –ની ઊણપ પહેલી નજરે જણાઈ આવે છે. વિજ્ઞાનનાં પુતકો ઘા અલ્પ પ્રમાણમાં લખાય છે એમ સાહિત્યસભાના તે વિભાગના નિરીક્ષકે આ વર્ષે સખેદ જણાવેલું છે. ભૌતિકશાસ્ત્ર ઉપરાંત સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિવિધ શાસ્ત્રોના ગ્રંથો ગુજરાતી ભાષામાં રચાવા જોઈએ એમ આ પરિષદના સુકાનીઓએ વારંવાર કહેલું છે. પરંતુ એ દિશામાં આપણી પ્રગતિ નહીં જેવી છે. એ દિશામાં પ્રગતિ સાધવાનો એકમાત્ર ઉપાય તે આપણા અભ્યાસક્રમમાં સ્વભાષાનો તમામ ઉપયોગ થાય તે જ છે. સને ૧૯૩૧માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે કરેલા મારા વ્યાખ્યાનમાં મેં એ જ વસ્તુ ઉપર ભાર મૂકેલો છે. અને જો અવિનય ન થતો હોય તો મારા વિચારો ફરી રજૂકરવાની રજૂ લઉં છુઃ- સ્વભાષા દ્વારા શિક્ષણની આવશ્યકતાનાં કારણો ‘સ્વભાષાને ઊંચે મૂકી દેવી’ એ દલીલ કોઈ દેશમાં, કોઈ યુનિવર્સિટીમાં આપણા દેશ સિવાય – સ્વીકારી લેવાય એ માની શકાય તેમ નથી. ઉચ્ચ શિક્ષણમાં અમુક ગણિતશાસ્ત્ર વિના ન ચાલે, અમુક વિજ્ઞાનશાસ્ત્ર વિના એ અધૂરું ગણાય, અમુક પ્રાચીન ભાષા વગર તેમાં ખામી રહે, માત્ર સ્વભાષાના સાહિત્યથી અજ્ઞાન હોવામાં કાંઈ જ અડચણ નહીં એમ માની ઉચ્ચ શિક્ષણનો ક્રમ ગોઠવાય અને તેમાં આપણા જ સુશિક્ષિત પુરુષો એમ કહે કે આપણી ભાષામાં સાહિત્ય જ ક્યાં છે કે તે શીખવાની જરૂર હોય, આથી વિશેષ શોચનીય શું હોય? બીજી ભાષાને મુકાબલે ઓછું સાહિત્ય હોય માટે તેટલું પણ અભ્યાસક્રમમાં ન મૂકવું અને તેને અવગણવું એ વસ્તુ સાહિત્યની ખિલવણીને અટકાવનાર થઈ પડે એ સ્વાભાવિક છે. જગતના કોઈ દેશના શિક્ષણક્રમમાં પોતાની ભાષાની અવગણના કરવામાં આવે એવું જોવામાં નથી આવતું. ઇંગ્લૅન્ડમાં ગયા જમાનામાં ગ્રીક-લૅટિનને જે મહત્ત્વ અપાતું તે હાલ અપાતું નથી અને અંગ્રેજીને જ પ્રાધાન્ય અપાય છે. અને જ્યારે ગ્રીક-લૅટિન શિષ્ટ શિક્ષણનું એક અતિ આવશ્યક અંગ ગણાતું ત્યારે પણ અંગ્રેજી ઉપરાંત તેનો અભ્યાસ થતો, અંગ્રેજીને છોડીને નહીં, એ તો આપણે સહુ જાણીએ છીએ. Classical Language (સાહિત્યકીય ભાષા) અને માતૃભાષા એ બેના હિમાયતીઓ વચ્ચે હમેશ ઝઘડા ચાલુ જ હોય છે. પરંતુ તેમાં બંને પક્ષવાળા જો ધારે તો સમાધાન કરી શકે તેમ છે. પ્રાચીન ભાષા શીખવાથી જે લાભ છે તે દરેકને તે ફરજિયાત શીખવાથી મળે જ એમ માન્યતા છે, એ ઘણી વાર ખોટી પડેલી જોવામાં આવે છે. જોરજુલમથી, પરીક્ષા પસાર કરવાના હેતુમાત્રથી કરેલો પ્રાચીન ભાષાનો અભ્યાસ માનસિક વિકાસમાં પણ સહાયભૂત થતો નથી, તેમ જ સ્વભાષાના અભ્યાસમાં પણ ઉપયોગી બનતો નથી. યુનિવર્સિટીમાંથી નીકળેલા સેંકડો વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનો એક પણ નવો શ્લોક સમજી શકતા નથી અથવા શુદ્ધ ગુજરાતી લખી શકતા નથી. તેમના માનસ પર સંસ્કૃત ભાષાના શિક્ષણના સંસ્કારનો અંશ પણ જોવામાં નથી આવતો. આવા શિક્ષણથી લાભ નહીં પણ ગેરલાભ છે, કારણ કે તેથી મનોબળનો નિરર્થક વ્યય કર્યો કહેવાય. તેને બદલે તેટલી મનઃશક્તિ સ્વભાષા પર વાપરી હોય તો અનેકગણું ફળ મળે એ નિઃસંશય છે. આપણા દેશની ખાસ પરિસ્થિતિને લીધે અંગ્રેજીનું શિક્ષણ આવશ્યક છે, એટલે વધારે બોજો ઉઠાવીને પણ સ્વભાષાનો અભ્યાસ કર્યા સિવાય આપણો છૂટકો નથી. જો બે ભાષાથી ન ચાલે એમ મનાતું હોય તો ભલે ત્રણ ભાષા શિખાય, પણ સ્વભાષા છોડી દેવી એના જેવું આત્મઘાતક કાંઈ જ નથી. ઉચ્ચ અભ્યાસમાં સ્વભાષાથી લાભ ‘જ્યારે યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને પૂર્ણ સ્થાન મળશે ત્યારે તેના અભ્યાસીઓની સંખ્યા વધશે, દરેક વિષયનાં પાઠય પુસ્તકો રચાશે અને તેના સાહિત્યમાં જોઈતો ઉમેરો અવશ્ય થશે જ. ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્વભાષાને સ્થાન મળે તો જ તેનો અભ્યાસ કરનારા વધે, તો જ તેના ગ્રંથકારોને ઉત્તેજન મળે અને લેખકોની સંખ્યા પણ વધે. આપણું સાહિત્ય અભિવૃદ્ધ થાય એવા અભિલાષ ધરાવનાર સર્વ કોઈએ એ ભાષાનો અભ્યાસ સર્વથા વધારવા માટે સર્વ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. દરેક જણ સાહિત્ય સર્જી ન શકે પણ વાંચી તો જરૂર શકે. દરેક જણ પુસ્તકો ખરીદ ન કરી શકે પણ પ્રયત્ન કરી મેળવીને વાંચી શકે. આપણા સાહિત્ય તરફની આપણી બેદરકારીને પરિણામે આપણી ભાષા જોઈએ તેવી ખેડાઈ નથી; માટે તેવી બેદરકારી હવે એક ક્ષણ પણ વધારે ચલાવી લઈ શકાય તેમ નથી. ‘આપણને જણાય છે કે સ્વભાષાનો અનુરાગ ઉત્પન્ન થઈ ચૂક્યો છે, સ્વભાષાના સાહિત્યમાં પોતાનો ફાળો આપવા તત્પર થયેલા લેખકો પણ ઉત્પન્ન થવા લાગ્યા છે અને ભાષાનો અભ્યાસ કરનાર પણ નીકળવા લાગ્યા છે. અભ્યાસ માટે સાધનસામગ્રી એક બાજુથી તૈયાર થાય છે અને બીજી તરફથી તે અભ્યાસનું ગૌરવ સમજનાર વર્ગ નીકળ્યો છે; એટલે એ સાહિત્ય અને એ અભ્યાસનું ભવિષ્ય ઉત્તમ છે એ નિઃસંદેહ છે.’ યુનિવર્સિટીમાં સ્વભાષા પ્રતિ આદરનાં મંડાણ અને થોડી મુશ્કેલી ગુજરાતી ભાષાને આપણા શિક્ષણમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ એ વિશે હું માનું છું કે હવે કોઈને શંકા નહિ જ હોય. મુંબઈ યુનિવર્સિટી જેવી સ્વમતાવલંબી યુનિર્સિટીએ પણ પોતાના દૃઢ મતોને શિથિલ કરી માતૃભાષાને કેટલેક અંશે અભ્યાસક્રમમાં સ્થાન આપવા માંડ્યું છે. જોકે કંજૂસના ધન પેઠે નછૂટકે અને ટુકડે ટુકડે પ્રયોગ કરેલા છે. પરંતુ મોડા મોડા પણ એ સિદ્ધાંતનો સ્વીકાર થયો છે એ ખુશી થવા જેવું છે. બાકી એની શરૂઆત વિચિત્ર રીતે થયેલી એ આપણે સૌ જાણીએ છીએ. ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્વભાષા રાખવાની માંગણી કરવામાં આવે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી જવાબ મળે કે એ ભાષાઓમાં પૂરતું સાહિત્ય નથી. આમ કહીને સ્વભાષા પહેલી દાખલ કરી તે એમ.એ. ‘માસ્ટર’ની ડિગ્રી માટે! પછી મેટ્રિકમાં ફરજિયાત કરી, બી.એ.માં પણ રહેતે રહેતે દાખલ થઈ; વચ્ચેનાં અભ્યાસનાં વર્ષોમાં નહીં; એટલે વિદ્યાર્થીઓના અભ્યાસની શી દશા થાય તે તો એ અધિકારીઓના લક્ષ બહાર જ રહ્યું. આમ ટોલ્લા દઈ દઈને હાલની સ્થિતિએ એ અભ્યાસક્રમ પહોંચ્યો છે. માતૃભાષાના માધ્યમ (medium) માટે પણ આપણા પ્રાંતની યુનિવર્સિટીમાં વિચિત્ર વલણ છે. ઘણી ઘણી માગણીઓ પછી માધ્યમિક શિક્ષણમાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાનું કેટલેક અંશે દાખલ થયું છે. પરંતુ તેથી વિદ્યાર્થીઓની દશા દુઃખદાયક થઈ છે, કારણ કે ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષાનું માધ્યમ નથી. ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન જેવા વિષયો મેટ્રિક સુધી ગુજરાતીમાં શીખનાર વિદ્યાર્થી કૉલેજમાં દાખલ થાય ત્યારે એ સર્વ વિષયો અંગ્રેજી દ્વારા તેને શીખતાં અત્યંત મુશ્કેલી પડે એ દેખીતું જ છે. અને એ મુસીબત ટાળવા માતૃભાષામાં શીખવાની છૂટ હોવાની સુગમતાનો લાભ છોડી દેવાનું ઘણા વિદ્યાર્થીઓ પસંદ કરે છે. અભ્યાસક્રમોના રચનારને અમારી નમ્ર વિનંતી છે કે એ ક્રમ ઉપર સળંગ નજર નાખે અને વિદ્યાર્થીઓનું દૃષ્ટિબિંદુ લક્ષ બહાર ન જવા દે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને વિદ્યાર્થીજગતની પરિસ્થિતિનો સુમેળ સાધે. આપણી પોતાની યુનિવર્સિટી આટલા પ્રસ્તાવ પછી જે મુખ્ય મુદ્દા સંબંધી આપ સર્વની સમક્ષ યથાશક્તિ અને યથામતિ રજૂ કરવા માંગું છું તે બાબત તે આપણી પોતાની યુનિવર્સિટી છે. યુનિવર્સિટી એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે અને મધ્યયુગમાં યુરોપમાં હાલ જે અર્થમાં આપણે વાપરીએ છીએ તે કરતાં કાંઈક જુદા અર્થમાં વપરાતો – તેનો અર્થ કોઈ પણ સંયુક્ત મંડળ એવો થતો. ત્યાર પછી રાજ્ય તેમ જ ધર્મસંસ્થાએ માન્ય કરેલું અધ્યાપક-મંડળ એ અર્થમાં શબ્દ વપરાવા લાગ્યો. વખત જતાં યુનિવર્સિટીનું ક્ષેત્ર વિશાળ થતાં તેના અર્થમાં વિશિષ્ટતા આવી અને હાલના અર્થમાં એ શબ્દ વપરાવા લાગ્યો. આપણી યુનિવર્સિટીનો ખ્યાલ મેળવવા થોડુંઘણું વાંચવામાં મેં પ્રથમ શોધ્યું કે શિક્ષણનું માધ્યમ – અથવા હવેથી વાહન શબ્દ વાપરવાનું યોગ્ય માની વાહન – શું હોય તે માટે પાનાં ઉથલાર્વ્યા. અલબત્ત, આ શ્રમ નકામો જ હતો. કોઈ દેશ, કોઈ પ્રજા કે કોઈ કાળમાં સ્વભાષા સિવાય શિક્ષણનું વાહન બીજું હોઈ શકે એવી કલ્પના પણ ક્યાંય નજરે પડી નહીં! એવી અસંગતતા આપણા દેશમાં જ પ્રવર્તે છે અને તેનો બચાવ કરવા આપણામાંના ઘણા નીકળી પડે છે. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન હિંદની કેળવણીને લગતાં કમિશનો, કેળવણીકારોના અભિપ્રાયો અને દેશહિતચિંતકોનાં મંતવ્યો એકી અવાજે એમ જ દર્શાવે છે કે તમામ શિક્ષણ સ્વભાષા દ્વારા જ અપાવું જોઈએ. એટલે કે આજ જે સ્થિતિ છે તેનો બનતી ત્વરાએ અંત આણવાની અત્યંત જરૂર છે. જ્યાં સુધી આ સત્ય આપણા મનમાં ઠસશે નહીં ત્યાં સુધી આપણે શિક્ષણમાં આગળ વધી શકવાનાં નથી. આપણાં બાળકો અને યુવકોનાં અમૂલ્ય વર્ષ, તેમની બુદ્ધિ અને સ્મરણશક્તિનો એટલો બધો નાહક વ્યય થાય છે કે તેની કલ્પના કરવી અશક્ય છે. યુરોપ-અમેરિકાની શાળામાંથી શિક્ષણ પૂરું કરી નીકળેલા યુવાકો એટલા બધા ઉપયોગી વિષયોમાં પારંગત થાય છે કે કોઈ પણ ધંધા માટે તેમની લાયકાત નિશ્ચિત થઈ ગઈ હોય છે. આપણી શાળાંત – મેટ્રિક પાસ થયેલો યુવક કાચું અને અશુદ્ધ અંગ્રેજી અને થોડાઘણા બીજા વિષયોનું જ્ઞાન લઈ દસ કે અગિયાર વર્ષ શાળાઓના અભ્યાસક્રમમાં પિલાઈ બહાર નીકળે છે. તેને પરભાષા દ્વારા વિષયો શીખવા પડે છે અને એ કાર્ય uphill work એટલે કે ડુંગર ચઢવા જેવું મુશ્કેલ છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપણે માટે અનિવાર્ય છે એ સ્વીકારવા છતાં એ ભાષા દ્વારા વિષયોનું શિક્ષણ કેવળ નિરર્થક છે, એટલું જ નહીં પણ એ વિદ્યાર્થીની વિચાર કરવાની શક્તિ તેમ જ કલ્પનાશક્તિને કચડી-ભચડી નાખે છે. આ પદ્ધતિની વિપરીતતાનું ખોટું માપ થોડાઘણા આગળ પડતા વિદ્વાનો પરથી આપણને કાઢવાની ટેવ પડી છે. પરંતુ સાથે સાથે સેંકડો ને હજારો વિદ્યાર્થીઓનો જે કચ્ચરધાણ નીકળી જાય છે તે તરફ આપણે દુર્લક્ષ કરતાં આવ્યાં છીએ. સ્વ. ગજ્જરનો મનોભાવ : સ્વભાષા દ્વારા શિક્ષણનો લાભ વડોદરાના સદ્ગત મહારાજાને પોતાનું રાજ્ય આદર્શરૂપ બનાવવાની મહત્ત્વાકાંક્ષા હતી અને તે પૂર્ણ કરવાને જે નરરત્નોને તેમણે રાજ્યમાં સંઘરેલાં તેમાં સ્વ. પ્રોફેસર ત્રિભોવનદાસ ગજ્જરનું નામ મોખરે આવે છે. ગજ્જર સાહેબ પ્રથમ કોટિના વિજ્ઞાનવેત્તા હતા. તેમની બુદ્ધિ જેટલી તીક્ષ્ણ તેટલી જ ઊંડી હતી. સાથે સાથે સ્વદેશોન્નતિ, દેશપ્રીતિ અને રાષ્ટ્રભાવના તેમના જીવનમાં વ્યાપેલાં હતાં. આવા એક મહાપુરુષે વડોદરામાં કલાભવનની સ્થાપના કરી તે સાથે એ સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ સ્વભાષામાં કરાવવાની યોજના કરી હતી. સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટે પોતાના જીવનવ્યવસાયની શરૂઆત એ સંસ્થાના આ વિભાગમાં કરી હતી. વિદ્યાર્થીઓએ તેમાં શિક્ષણ લીધેલું તેઓ માત્ર ગુજરાતી જ શીખેલા હોવા છતાં ઉચ્ચ જ્ઞાનમાં કોઈ પણ યુનિવર્સિટીના પદવીધરથી ઊતરતા નહોતા એ મારી જાતમાહિતી પરથી કહેવાની હિંમત કરું છું; કેમ કે એની પરીક્ષાના જવાબપત્રો જોવાની મને તક મળી હતી. આ ઉલ્લેખ કરવાનો મતલબ એ છે કે સ્વભાષા દ્વારા શિક્ષણ કેટલે દરજ્જે સફળ થાય છે તેનો ખ્યાલ આવે. ગજ્જર સાહેબે જે પ્રારંભ કર્યો તે વિવૃદ્ધ ન થયો, પરંતુ તેમના મનમાં શિક્ષણયોજનાના સંકલ્પો રચાયે જતા હતા. સને ૧૯૦૫માં તેમણે The Complete Modern University* નામની નાની પુસ્તિકા બહાર પાડી હતી. આ યોજના હિંદના યુનિવર્સિટી કમિશન આગળ તેમણે રજૂ કરી હતી. તે યોજનાનો પ્રથમ સિદ્ધાંત એ હતો કે સર્વ શિક્ષણ માતૃભાષા દ્વારા અપાવું જોઈએ. કવિવર ટાગોર પણ પોતાના એક લેખમાં સ્વભાષા દ્વારા શિક્ષણની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. મહાત્મા ગાંધીજીએ તો પોકારી પોકારીને એ વસ્તુ તરફદેશનું ધ્યાન દોર્યું છે. આ બે દેશહિતચિંતકોએ પોતાની સ્થાપેલી શિક્ષણસંસ્થાઓ શાંતિનિકેતન અને ગુજરાત વિદ્યાપીઠમાં એ સિદ્ધાંતને અમલમાં મૂકેલો. મિ.એચ.એન. બેઇલ્સ ફૉર્ડ લખે છે કે ‘આપણી લાગણીઓ પર જેનો પ્રભાવ છે તે એક જ ભાષા હોઈ શકે; એક જ ભાષા આપણાં સૂક્ષ્મ સૂચનોનું ભાન તે ભાષાના શબ્દો વડે પરિપૂર્ણ રીતે અને સ્વાભાવિકતાથી કરાવી શકે; આ ભાષા તે આપણે આપણી માતાના ચરણ આગળ શીખેલા તે છે; એ ભાષા તે એ જ કે જેનો ઉપયોગ આપણી પ્રાર્થનાઓમાં આપણે કરીએ છીએ, સુખદુઃખના ઉદ્‌ગારો જે દ્વારા આપણે દર્શાવીએ છીએ. આ ભાષા છોડીને બીજી ભાષાને શિક્ષણનું વાહન બનાવવું તે વિદ્યાર્થીઓનો બોજો વધારવા ઉપરાંત તેમનાં માનસને પાંગળાં બનાવવાં અને તે માનસની મુક્ત ગતિ અટકાવવા બરાબર છે!’ સ્વભાષા દ્વારા શિક્ષણના વિરોધીઓ પ્રત્યે આ મતને પુષ્ટિ આપવા બને તેટલા અભિપ્રાયો એકત્ર કરવાનું ઉચિત ધાર્યું છે, કારણ કે આપણામાં ભણેલા-ગણેલા, જીવનની ટોચે પહોંચેલા, અને અનેકવિધ ધંધામાં સફળતા પામેલા, જેમના અભિપ્રાય વજનદાર ગણાય તેવા પત્રકારો, વકીલો, શિક્ષકો, ડૉક્ટરો વગેરે છે, જેઓને આ દીવા જેવું સત્ય દેખાતું નથી; જેઓ પોતે પોતાના વ્યવહારમાં ફત્તેહમંદ થયા તે જાણે પરભાષા દ્વારા શિક્ષણ લેવાથી જ – એમ દૃઢતાપૂર્વક માને છે અને મનાવવા મથે છે. આવા સજ્જનોને તો તેમના અભિપ્રાય ફેરવવા કહેવું એ નિરર્થક છે. પરંતુ એમના દોરવ્યા બીજા ન દોરાય તે માટે ચેતવણીરૂપે પિષ્ટપેષણનો દોષ વહોરીને પણ આ સત્ય રજૂ કરવાની જરૂર છે. ઉપર કહ્યા તેમના સિવાય કેટલાયે વિચારકો છે જેમને આ સત્ય સ્પષ્ટ દેખાયું છે અને તેમણે તે જણાવી દીધું છે. સ્વભાષા દ્વારા શિક્ષણ વિશે સબળ અભિપ્રાયો પરદેશમાં જઈ જેમણે ત્યાંની યુનિવર્સિટીની પદવી મેળવી છે અને અંગ્રેજી ભાષાના અધ્યાપક છે તેવા એક પ્રૉફેસર ચીબ કહે છે કે ‘હિંદમાં ચાલતી જે શિક્ષણપ્રથા અત્યંત યોજનાવિહીન તેમ જ નિરર્થક વ્યય કરનાર છે તેમાં સુધારણા કરવી હોય તો આપણે હિંમતભેર શિક્ષણનું વાહન અંગ્રેજી છે તે બદલીને માતૃભાષા કરવું જોઈએ.’ પંજાબ યુનિવર્સિટી ઇન્કવાયરી કમિટી પોતાના નિવેદનમાં જણાવે છેઃ ‘પાશ્ચાત્ય વિદ્યાનું શિક્ષણ વિદ્યાર્થીઓને હજી પણ પરભાષા દ્વારા આપવામાં આવે છે એ દુઃખદાયક અને અડચણરૂપ છે. અંગ્રેજી ભાષા ઉપર વાહન તરીકે પ્રભુત્વ મેળવવામાં જે વખત જાય છે તે ઘણો છે – લગભગ અભ્યાસકાળનો ત્રીજો ભાગ એમાં ચાલ્યો જાય છે. છતાં ઘણા વિદ્યાર્થીઓ એ હેતુ પાર પાડી શકે છે કે નહીં તે શંકાસ્પદ છે.’ સને ૧૯૨૮માં ઇંગ્લૅન્ડની સરકારે નીમેલી હાર્ટોગ કમિટી જે હિંદના શિક્ષણ અને અભ્યાસને લગતી માહિતી મેળવવા આવેલી તેનો અભિપ્રાય પણ એ જ હતો કે હિંદમાં નવી શિક્ષણપ્રણાલિકા દાખલ કરવામાં આવી ત્યારે માતૃભાષા તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું છે. અંગ્રેજી રાજ્ય સ્થપાયું તે વખતના અધિકારીઓએ દેશની કેળવણીનો પ્રશ્ન વિચારણામાં લીધો. દેશમાં ચાલતી ફારસી અને સંસ્કૃત ભાષાઓને બદલે અંગ્રેજીને સ્થાન આપવું એમ તેમણે નિર્ણય કર્યો. કેટલાક દેશી ભાષાની તરફેણમાં હતા. એમ સામસામા મત વચ્ચે ઝોલાં ખાતું આપણું શિક્ષણ ચાલતું હતું. સને ૧૮૩૫માં નિમાયેલી ‘કમિટી ઑફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા’એ માતૃભાષામાં ચાલતાં પુસ્તકો બંધ કરી અંગ્રેજી પાઠ્યપુસ્તકો દાખલ કરાવ્યાં. પરંતુ ૧૮૫૪માં સર ચાર્લ્સ વુડે (જે વાઇકાઉન્ટ હેલિફેક્સનો ઇલ્કાબધારી થયો હતો અને હિંદના ભૂતપૂર્વક વાઇસરૉય લૉર્ડ ઇરવિન જે વાઇકાઉન્ટ હેલિફેક્સ છે તેમનો પૂર્વજ હતો) પોતાનો સુપ્રસિદ્ધ ‘ડિસ્પેચ’ મોકલ્યો તેમાં આમજનતાના શિક્ષણ માટે સ્વભાષાનું વાહન એ જ શક્ય વસ્તુ છે અને તે માટે એ ભાષાઓના અભ્યાસની મહત્તા ઉપર તેણે ખાસ ભાર મૂક્યો હતો આમ છતાં એ ભાષાનો અભ્યાસ ઓછો થવા લાગ્યો અને ભુલાઈ ગયો. સરકારને અંગ્રેજી જાણનાર નોકરોની જરૂર હતી એટલે આ મહત્ત્વની દેશહિતની વાત ટોલ્લે ચઢી. પ્રજાને પણ નોકરીઓ મળવા લાગી એટલે બીજો વિચાર કર્યો નહીં. અને માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસ માટે વાહન તરીકે અંગ્રેજી સ્થાપિત થઈ ગયું. આ વિરુદ્ધનાં આંદોલનો ફરી થવા લાગ્યાં છે અને કોઈ પણ સુશિક્ષિત હિંદી એ ન સ્વીકારે એમ હોવું જોઈએ નહીં. અંગ્રેજીની આવશ્યકતા કેટલી? સ્વભાષાના વાહન માટે આટલું કહેવા સાથે એ કહેવાની જરૂર છે કે, અંગ્રેજી ભાષાનો અભ્યાસ આપણી શાળા-પાઠશાળાઓમાં અનિવાર્ય છે. એ ભાષાનાં પુસ્તકોનો અભ્યાસ હિતાવહ છે, એટલું જ નહીં પણ જગતભર સાથે સંપર્ક સાધવા માટે એ અનિવાર્ય છે. એટલે અંગ્રેજીની બિલકુલ જરૂર નથી એવા બીજા છેડાના મત ધરાવનાર સાથે હું સંમત નથી એ નમ્રતાથી કહેવું યોગ્ય ધારું છું. આવા સર્વમાન્ય હોવા જોઈએ તેવા તેમજ સ્વતઃસિદ્ધ સિદ્ધાંત માટે આગ્રહ દર્શાવ્યા પછી આપણે કેવી યુનિવર્સિટીની અપેક્ષા રાખવી જોઈએ તેનું આછું દિગ્દર્શન કરાવવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે. આપણી યુનિવર્સિટી કેવી હોવી જોઈએ? આપણા દેશમાં અતિ પ્રાચીન કાળથી અધ્યયન અને અધ્યાપનની પદ્ધતિ ચાલતી આવેલી છે. એ રીતે જ્ઞાનપ્રચાર કરનારા પોતે વિના વિક્ષેપે અધ્યાપન તેમ જ અધ્યયન કરી શકે તે માટે તેમને જીવન ચલાવવા દ્રવ્યોપાર્જનના શ્રમથી મુક્ત રાખવાનો પ્રબંધ હતો. અધ્યાપકો પોતાનો સર્વ સમય એક જ વ્યવસાયમાં ગાળી શકે તે માટે આ વ્યવસ્થા અતિ અગત્યની હતી, અને બ્રાહ્મણો મુખ્યત્વે એ કાર્ય કરતા, એટલે તેમને કુટુંબના પોષણ માટે ખાસ ધંધો કરવાની જરૂર રહેતી નહીં. વખત જતાં અધ્યયન-અધ્યાપન બંધ પડ્યું, પરંતુ બ્રાહ્મણોની પરંપરાથી ચાલતી આવેલી પરાવલંબનની ટેવ દૃઢ થઈ ગઈ અને માનવંતા ગુરુઓ મટી તેઓ ભિક્ષુકનું પદ પામ્યા. તત્ત્વજ્ઞાનનું ચિંતન અને ધર્મનું મનન-પઠન-પાઠન એ સેંકડો વર્ષથી આ દેશની મહાન સંપત્તિ છે. ગુરુના આશ્રમો ઉપરાંત મોટાં વિદ્યાપીઠની સંસ્થા ઘણા પ્રાચીનકાળમાં જાણીતી હતી. બૌદ્ધ ધર્મના પ્રચાર સમયે પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ લે તેવી સંસ્થાઓ હતી.તક્ષશિલા અને નાલંદાના અવશેષો આ વાતની સાક્ષી પૂરે છે. હિંદની સંસ્કૃતિ કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી તે આ પરથી કલ્પી શકાય તેમ છે. આ વિદ્યાપીઠોનાં ધોરણે હાલ યુનિવર્સિટી સ્થાપી શકાય એમ નથી. સમયના વહેવા સાથે સમાજજીવન પણ સર્વથા બદલાઈ ગયું છે. એ જીવનને અનુરૂપ શિક્ષણની યોજનાઓ રચાવી જોઈએ એ દેખીતું છે. આપણી સંસ્કૃતિ, રહેણી-કરણીને બંધબેસતું શિક્ષણ હોય તો જ તે પ્રજાજીવનનાં સર્વ અંગોને સ્પર્શે. પશ્ચિમમાંથી યુનિવર્સિટીનું આરોપણ આપણે ત્યાં દાખલ કરવામાં આવેલું છે તે કેટલેક અંશે સફળ ન થાય એવો સંભવ છે અને એમાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે તેનો ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. પ્રૉફેસર ગજ્જરે જેની બારીક રૂપરેખા દોરી છે તેમાં હાલની સંસ્થાઓની પુનર્રચના મુખ્યત્વે છે. તેઓ પ્રજાકીય કેળવણીને બે વિભાગમાં વહેંચી નાંખે છેઃ પ્રથમ વિભાગ તે સામાન્ય કેળવણી છે. એ સામાન્ય કેળવણી મનુષ્યને પરિપક્વ કરે છે. બીજો વિભાગ તે વિશિષ્ટ કેળવણી છે. એ કેળવણી દરેક મનુષ્યને પોતાને હિસ્સે આવતા કર્તવ્યક્ષેત્ર માટે પ્રવીણ કરે છે. એ કેળવણી વડે મનુષ્ય રાષ્ટ્રને પોતાને ફાળો અર્પણ કરે છે. તેમના મત પ્રમાણે પૂર્ણ શિક્ષણ લેવાનું કામ ચોવીસ વર્ષની ઉંમર સુધી ચાલુ રહેવાની જરૂર છે. સત્તર વર્ષની વય સુધીમાં શાળામાં તમામ વિષયોનું એવું જ્ઞાન મળવું જોઈએ કે વિદ્યાર્થી પોતાના કર્તવ્યક્ષેત્રનો નિર્ણય કરી શકે. એ શિક્ષણમાં પ્રાચીન તેમ જ નવીન બંને વિદ્યાનો સમાવેશ થવો જોઈએ. ગજ્જર સાહેબ પ્રખર વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાન વડે જગત્‌ની જે પ્રગતિ થાય તેનો તેમને પૂરેપૂરો ખ્યાલ હતો. વિજ્ઞાનનું મહામૂલ્ય તેઓ સમજતા છતાં સામાન્ય અને પ્રાચીન એટલે Classical વિદ્યાને તેઓ અત્યંત મહત્ત્વ આપે છે. ઉચ્ચ શિક્ષણ humanistic-માનસિક ઉત્કર્ષ સાધનાર કે realistic-વ્યવહારોપયોગી હોવું જોઈએ એ જૂના સમયથી ચાલતા આવેલા વિવાદને વિશે તેમનો મત બંનેનો સમન્વય સાધવાનો છે. તેમણે એવું કહ્યું છે કે શાળા પછી કૉલેજનું શિક્ષણ લેવાની યોજના હોય અને ત્યાર બાદ ખરું યુનિવર્સિટી શિક્ષણ શરૂ થવું જોઈએ. તેમાં બે કે ત્રણ વર્ષ ગાળવાની જરૂર છે. આપણા પ્રાંતમાં ટૅક્નૉલૉજી એટલે ખેતીવાડી, વ્યાપાર, લલિતકળાઓને યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસમાં સ્થાન નહોતું તે દાખલ કરવાનો તેમણે આગ્રહ દર્શાવ્યો છે. ખેતીવાડી અને વ્યાપારના શિક્ષણને સ્થાન પ્રાપ્ત થયું છે, લલિતકલાઓ હજી દાખલ થઈ નથી. એ સર્વની શાખા યુનિવર્સિટીમાં હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. યુનિવર્સિટીમાં બુદ્ધિની સ્વતંત્રતા આણનાર (liberal) અને દુનિયાદારીમાં ઉપયોગી (Professional) શિક્ષણના ક્રમ હોવા જોઈએ એવી તેમની માન્યતા હતી. વ્યવહારુ શિક્ષણના હિમાયતીઓ ઉચ્ચ પ્રકારના વ્યવહારુ (Professional) શિક્ષણને vocational – માત્ર ધંધાદારી કેળવણી સાથે ભેળવી દે છે અને યુનિવર્સિટીએ ધંધાદારી કેળવણી જ આપવી નથી. પ્રજાનો મોટો ભાગ ભરણપોષણ કરી શકે એમ માનનાર ઘણી વાર નીકળે છે. વિજ્ઞાનને બહુ મહત્ત્વ આપનાર ગજ્જર સાહેબ vocational એટલે માત્ર ધંધાદારી શિક્ષણની યુનિવર્સિટીમાં સ્થાન આપતા નથી. ધંધાદારી શિક્ષણન આવશ્યકતા છે જ. સેંકડો માણસો એનો આશ્રય લેનાર હોઈ શકે તેમ જ ધંધા સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેનું રીતસરનું શિક્ષણ મળવું જોઈએ એ સ્વીકારવા છતાં એ ઉચ્ચ શિક્ષણ એટલે કે યુનિવર્સિટીનો કાર્યપ્રદેશ નથી એવો મારો નમ્ર મત છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નીચેની બાબતો આવવી આવશ્યક છે એવો એક વિદ્વાનનો મત છેઃ ૧. સામાન્ય સંસ્કૃતિનું કેન્દ્ર, ૨. Professions વ્યવહાર માટે તૈયારી, ૩. જેમને ખાસ શોખ હોય તેવા વિદ્યાર્થીઓને શોધખોળ માટે તક. બીજા એક વિદ્વાનના મત પ્રમાણે સુવ્યવસ્થિત યુનિવર્સિટીએ પોતાના અધ્યાપકોને મૌલિક શોધખોળ માટે વધારેમાં વધારે સુગમતા કરી આપવી જોઈએ, તેમને સંસ્કૃતિ સંબંધે સ્વતંત્ર વિવેચન કરવાની છૂટ હોવી જોઈએ. પ્રજાનાં શ્રેષ્ઠ લક્ષણોને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. યુનિવર્સિટીના સ્વરૂપ વિશે ચોખવટ યુરોપ-અમેરિકાના જુદા જુદા દેશોની યુનિવર્સિટીનું જેમણે નિરીક્ષણ કર્યું છે તેઓ જણાવે છે કે સામાન્ય લક્ષણો ઉપરાંત દરેક દેશનાં પોતાનાં એવાં લક્ષણો તે તે યુનિવર્સિટીમાં હોય છે જ, પ્રજાકીય સંસ્કૃતિ, પ્રજાકીય જીવન અને પ્રજાકીય વિશિષ્ટતાની તેમાં છાપ હોય છે. આપણા દેશમાં જુદી જુદી પ્રાંતિક યુનિવર્સિટીઓ છે, પરંતુ તેમના ભેદ આવા મૂળગત નથી. એ યુનિવર્સિટી તે બહારથી આણીને નવી ભૂમિમાં રોપેલા એક જ જાતના છોડ જેવી છે. એટલે એમાં પ્રજાનું પોતાનું તત્ત્વ કોઈ પણ પ્રકારે પ્રદર્શિત થાય એવી શક્યતા નથી. માટે જો આપણે પ્રાંત માટે નવી યુનિવર્સિટીનો વિચાર કરવો હોય તો સ્વભાષાના પ્રથમ સિદ્ધાંત પછી આપણા પ્રજાકીય જીવનનું પ્રતિબિંબ જેમાં સુરેખ હોય તેવી તે યુનિવર્સિટીની યોજના હોવી જોઈએ. આગલા પૃષ્ઠ ઉપર દર્શાવેલી બાબતોને બીજી રીતે કહીએ તો યુનિવર્સિટીનાં સામાન્ય લક્ષણોમાં ચાર મુખ્ય વસ્તુઓ હોવી જ જોઈએઃ (૧) જ્ઞાનનું અને વિચારોનું સંરક્ષણ (૨) તેમના અર્થનું નિરૂપણ, (૩) સત્યનું અન્વેષણ અને (૪) એ સર્વની વિવૃદ્ધિ થાય તે માટે વિદ્યાર્થીઓનું શિક્ષણ. આ સામાન્ય તત્ત્વો તે પ્રત્યેક યુનિવર્સિટી માટે અનિવાર્ય છે. નવા જમાનાની યુનિવર્સિટીની બીજી જરૂરિયાત તે સમાજજીવનને તેના ક્ષેત્રમાં દાખલ કરવાની યુનિવર્સિટીની આવશ્યકતા એ છે. જૂના વખતમાં શુદ્ધ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, કુદરતનું જ્ઞાન એ ઉચ્ચ અભ્યાસમાં વધારે ભાગે યોગ્ય ગણાતાં. પરંતુ જીવન સાથે તેનો સંબંધ ન હોય, અભ્યાસ એ અલગ વસ્તુ હોય એવો એક ક્રમ થઈ ગયો હતો. પરંતુ જે જ્ઞાન જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જનાર છે, જે અભ્યાસ સમાજને ઉન્નત દશાએ પહોંચાડવાનું ધ્યેય રાખે છે તેને સમાજજીવનથી છૂટો પાડી નાખવામાં આવે એ આત્મઘાતક છે. એટલે નવી યુનિવર્સિટીમાં સમાજજીવન (હાલના Artsને વિસ્તૃત કરીને) કુદરત અને Aesthetics-સંવેદનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાની વ્યવસ્થા થવી જોઈએ. ગુજરાત યુનિવર્સિર્ટી જોઈએ ગુજરાતને પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ એ મતનું પ્રતિપાદન થઈ ચૂક્યું છે. મહાત્મા ગાંધીજીની આર્ષ દૃષ્ટિએ આ સત્ય જોઈ લીધું હતું અને ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના તેમણે દેશની પુનર્ઘટનાના એક અંગ તરીકે કરી હતી. રાજકીય કારણોને લીધે એ સંસ્થા બરોબર પોષાઈ નહીં, પરંતુ એ સંસ્થાએ થોડાં વર્ષોમાં પણ જે મહત્ત્વની સેવા બજાવી છે તેમ જ જે એક આદર્શ રજૂ કર્યો છે તે સતત આપણી સમક્ષ રાખવા જેવાં છે. તેમાં પુરાતત્ત્વ-સંશોધન તેમજ નવીન શિક્ષણની વ્યવસ્થા હતી. એ યોજનામાં જે કાંઈ ઊણપો લાગતી હોય તે પૂરી કરી આપણે આપણી યુનિવર્સિટી માટે વિચારણા કરવાની જરૂર છે. સદ્‌ગત સયાજીરાવ ગાયકવાડના મનોરથ ગુજરાત યુનિ.થી સરશે વડોદરાના સદ્‌ગત મહારાજાએ વડોદરા યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર કરેલો અને તેની પૂર્વતૈયારીઓ તરીકે કમિશન પણ નીમેલું. પ્રાંતના અગ્રગણ્ય વિદ્વાનો અને કેળવણીકારોની જુબાનીઓ લેવરાવેલી, પ્રશ્નપત્રો કાઢેલાં અને પોતાના રાજ્યની સંપત્તિ વડે એક આદર્શ યુનિવર્સિટીનો આરંભ કરવા ધારેલું. આ વિચાર કોઈ અજ્ઞાત કારણોથી પડી ભાંગ્યો. પરંતુ વડોદરાને બદલે ગુજરાત યુનિવર્સિટી સ્થપાય એ વધારે ઇષ્ટ છે. ગુજરાતમાં વડોદરાનો સમાસ તો થવાનો જ છે. તમામ દેશી રાજ્યો પણ તેમાં આવી જવાનાં એટલે બ્રિટિશ હકૂમત નીચેની પ્રજા, તેમ જ નાનાંમોટાં દેશી રાજ્યોએ મળીને ઉપાડી લેવાનું આ કર્તવ્ય છે. મહારાષ્ટ્રમાં યુનિ. માટે હિલચાલ તાજેતરમાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપવાની હિલચાલ થઈ રહી છે. તે માટે કમિટી પણ નિમાઈ હતી અને તેનું નિવેદન બહાર પડી ગયું છે. સરકારે આમાં સહાનુભૂતિ દર્શાવી છે. ગુજરાતમાં યુનિવર્સિટી સ્થાપવાની ધારણા મહારાષ્ટ્ર કરતાં ઘણી વહેલી ઉદ્‌ભવેલી, પરંતુ તેને અમલમાં મૂકવા જેટલો વેગ અને ટેકો મેળવનાર મળ્યા નહીં. મહારાષ્ટ્ર માટેની યુનિવર્સિટીની સ્થાપના માટે મરાઠી સાહિત્ય સંમેલને પ્રથમ ઠરાવ કરેલો અને તેને માટે પ્રચારકાર્ય જોરશોરથી કરી એ ઠરાવને અમલમાં મૂકવા તનતોડ મહેનત કરી. તે જ મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવું પ્રતિષ્ઠિત મંડળ આંદોલનો હલાવે, તેની પાછળ ખાઈપીને મંડનાર આગ્રહી કાર્યકર્તાઓ નીકળે તો આપણે પણ એમાં સફળતા મેળવીએ એ નિઃસંશય છે. પ્રજાકીય ધનથી યુનિવર્સિટી સ્થાપવી જોઈએ નવીન જમાનામાં યુનિવર્સિટી એ મોટી ખર્ચાળ વસ્તુ છે. હજારો નહીં પણ લાખો રૂપિયાના ભંડોળનું એ કામ છે એ આપણે જાણીએ છીએ. રાજ્ય તરફથી સ્થપાયેલી આવી સંસ્થાને રાજ્યના દોરને વશ થવું પડે એ સ્થિતિ ઇચ્છવા જેવી નથી; માટે પ્રજાકીય ધનથી જો એ સ્થપાય તો જ તેમાં આવશ્યક એવી સ્વતંત્રતા રહે. બંધનમુક્ત ન હોય તો શિક્ષણની સંસ્થાનો વિકાસ થવો અશક્ય છે. વિચારની, વિવેચનની, અધ્યાપકના મતમતાંતરની છૂટ ન હોય તેવા સંકુચિત વાતાવરણમાં વિદ્યાની વૃદ્ધિ ખરા અર્થમાં થાય એ બનવાજોગ નથી. માટે યુનિવર્સિટીનાં નાણાં મુખ્યત્વે પ્રજાએ જ એકઠાં કરવાં જોઈએ એમ હું નમ્રપણે માનું છું. રાજ્યની મદદ તો જોઈએ, કારણ કે તેની સહાનુભૂતિ વિના સંસ્થા આગળ વધી શકે નહીં. તથાપિ નાણાં સંબંધે સંપૂર્ણપણે રાજ્યના અવલંબન પર રહેવાનું ન હોય એ ઇષ્ટ છે. ગુજરાતમાં સમૃદ્ધ રાજ્યકર્તાઓ છે, અઢળક ધનવાનો છે, મોટા ઉદ્યોગપતિઓ છે તેમ જ દ્રવ્યના ઢગલા પર બેઠેલા ધર્મગુરુઓ છે. આ ધર્મગુરુઓના પ્રાચીન કર્તવ્યમાં પ્રજાશિક્ષણ હતું. આ સર્વ એકમત થાય, આપણી પ્રાચીન સંસ્કૃતિ, સાહિત્યનું સંરક્ષણ અને નવીન વિજ્ઞાનના લાભ તેમના મનમાં વસે તો આપણા પ્રાંતની અતિ આવશ્યક એવી સંસ્થાનું સ્થાપન થાય. આપણા હિંદ દેશમાં ગણીગાંઠી યુનિવર્સિટીઓ છે. પૂર્વ તેમજ પશ્ચિમના બીજા દેશોમાં – અલ્પ વિસ્તારવાળા દેશોમાં પણ અનેકાનેક યુનિવર્સિટીઓ છે. તો આપણે તેમનાથી સૈકાઓ પછાત છીએ એમ કહીએ તો ખોટું નથી. ધનનો શિક્ષણ પવા કરતાં બીજો વધારે સદુપયોગ શો હોઈ શકે? પોતાના દેશબંધુઓનું અજ્ઞાન દૂર કરવું, તેમના જીવનમાં રસ પૂરવો, તેમની બુદ્ધિશક્તિનો વિકાસ કરવો, પ્રાચીન સમયના વિદ્વાનો અને તત્ત્વવેત્તાઓએ મહામુશ્કેલીઓ વચ્ચે રચેલા અને સંગ્રહ કરેલા જ્ઞાનભંડોળનું રક્ષણ કરી તેનો પ્રજાને સુલભ ઉપયોગ કરાવવો એ મોટાં કાર્યો ધનિકવર્ગ નહીં કરે તો કોણ કરશે? આ પરિષદે ચાળીસ વર્ષના પોતાના અસ્તિત્વનું સાર્થક્ય ત્યારે કર્યું ગણાશે જ્યારે ગુજરાત માટે તેની પોતાની અસ્મિતા ધરાવતી મહાન શિક્ષણસંસ્થા ઊભી કરાવવામાં એ માર્ગદર્શક અને સહાયભૂત થશે. માત્ર ધન પૂરતું નથીઃ સાહિત્યની અનેક શાખાઓને વિકસાવવાની આવશ્યકતા માત્ર ધનથી પણ આ મોટું કાર્ય સમાપ્ત થવાનું નથી. પુષ્કળ ધન ઉપરાંત પુષ્કળ વિદ્વાનો, કાર્યકર્તાઓની તેમાં જરૂર રહેશે. ખાસ કરીને પુસ્તકો રચવા માટે એક સળ મંડળ રચાવું જોઈશે. આપણે જાણીએ છીએ કે ઘણી દિશામાં આપણું સાહિત્ય હજી અપૂર્ણ છે. તેને સંપૂર્ણ બનાવવા માટે સંખ્યાબંધ લેખકો રોકવાની જરૂર રહેશે. આમ પુસ્તકો રચાવવાનું કાર્ય અસંભવિત નથી. દક્ષિણમાં હૈદરાબાદના રાજ્યે ઉસ્માનિયા યુનિવર્સિટી સ્થાપી તેને માટે તમામ પુસ્તકો ઉર્દૂ ભાષામાં રચાવી દીધાં છે. એનો કાર્યક્રમ ઉર્દૂમાં ચાલે છે એ આપણે સહુ જાણીએ છીએ. સર્વ દિશા, સર્વ વિભાગો માટે મૌલિક તેમજ ભાષાંતર રૂપે પુસ્તકો પ્રકટ કરાવ્યાં છે. જાણકારો કહે છે કે આ યુનિવર્સિટીનું કામ સફળતાપૂર્વક ચાલે છે. શિક્ષણનો સ્વાભાવિક ક્રમ સફળ થાય તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી; આશ્ચર્ય તો તે નિરર્થક જાય તેમાં છે. હાલના ગુજરાતી સાહિત્યમાં દિનપ્રતિદિન જે શાખાઓ વૃદ્ધિગત થઈ છે તે, એટલે કે નાટકો, કાવ્યો કે નવલકથાઓથી આપણી યુનિવર્સિટીનું કાર્ય ધપવાનું નથી. શરૂઆતમાં અંગ્રેજી પુસ્તકોની મદદથી કામ લઈ શકાય, પણ આપણો અંતિમ ઉદ્દેશ દરેક શાખા સમૃદ્ધ કરવાનો હોવો જોઈએ. વિજ્ઞાનનાં પુસ્તકો સંખ્યાબંધ રચાવાં જોઈશે. નવીન દૃષ્ટિબિંદુથી ઇતિહાસો લખાવા જોઈશે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે વિષયો પર એકેક નહીં પણ વિવિધ દૃષ્ટિકોણ દર્શાવનાર પુસ્તકોની જરૂર પડશે. એક વાર યુનિવર્સિટી અસ્તિત્વમાં આવે એટલે આ જરૂરિયાતો પૂરી પાડવાનાં સાધનો આપોઆપ નીકળી આવશે. અંગ્રેજીની જરૂર રહેશે, પણ બીજી ભાષા તરીકે આ સ્થળે એટલું કહેવાનું ઉચિત છે કે આપણા અભ્યાસક્રમમાં અંગ્રેજીનું મોટું સ્થાન રહેશે. અંગ્રેજીને બિલકુલ તજી દેવાની યોજના મારા મનમાં નથી. અંગ્રેજી ભાષા એક બીજી ભાષા (Second Language) તરીકે જરૂર રહેવી જોઈએ. યુરોપની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને બે-ત્રણ ભાષાઓ શીખવાની આવશ્યકતા હોય છે. તે મુજબ અંગ્રેજી શીખવાનું અહીં ફરજિયાત હોવું જ જોઈએ. એ ભાષાના અભ્યાસ વિના જગત સાથેના સમાગમમાં આવવું અસંભવ છે, તેમ જ દુનિયાના આગળ વધતા સાહિત્યનો અભ્યાસ આપણા પોતાના ઉત્કર્ષ અર્થે અતિ અગત્યનો છે. આપણી યુનિગ્ને અનુરૂપ શરૂઆતનો શિક્ષણક્રમ જોઈશે સ્વભાષા દ્વારા શિક્ષણ આપતી આપણી યુનિવર્સિટી હોય તો તેને બંધબેસતો અભ્યાસક્રમ આપણી માધ્યમિક શાળાઓમાં રચાવો જોઈશે. અનેક કેળવણીકારોની સહાયતાની આમાં જરૂર રહેશે. એ આવી મળશે એ નિઃસંશય છે. ઉચ્ચ શિક્ષણનો લાભ લેવાની તૈયારી તરીકે સમસ્ત પ્રજાને શિક્ષિત કરવી જોઈશે. સેંકડે દસ માણસ ભણેલા હોય એ કંગાલ સ્થિતિ જેમ બને તેમ વહેલી દૂર થાય એ માટે ભગીરથ પ્રયત્ન કરવાના છે. તાજેતરમાં કૉંગ્રેસ સરકારે અક્ષરજ્ઞાનની યોજના કરી, પરંતુ એ સરકારના કારભારના અંત સાથે એ યોજના ખોરંભે પડી છે એ ઉપાડી લેવી જોઈશે. ગ્રામવાસીઓને માટે – જેમની સંખ્યા કરોડોની છે – તેમને સમજાય તેવાં પુસ્તકો, વર્તમાનપત્રો, પુસ્તકાલયો વગેરેનો પ્રબંધ કરવાનો રહેશે. એકંદરે તમામ પ્રજામાં જાગૃતિ આવે એવા શિક્ષણનો પ્રચાર થવો જોઈશે. માત્ર સારી સ્થિતિમાં મુકાયેલા અલ્પ સંખ્યામાં-વસ્તીના પ્રમાણમાં-ઉચ્ચ શિક્ષણ લઈ બેસી રહે તેથી સંતોષ પામવાનો નથી. ચાળીસ કરોડ હિંદના મનુષ્યો અને ગુજરાતને ભાગે આવતાં એક કરોડ કરતાં પણ વધારે દેશી ભાઈ-બહેનોનાં જીવન ઉજ્જ્વલ કરવા માટે સર્વ સુશિક્ષિત ભાઈઓ તથા બહેનોને પોતાના કર્તવ્યનું ભાન થવાની જરૂર છે. સરકાર પાસેથી નાણાં મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ આ પ્રકારનાં સર્વ કામોમાં ધનની મોટી અપેક્ષા રહે છે. એ ધન રાજ્યકર્તાઓએ વાપરવાની તેમની ફરજ છે. સુધરેલી પ્રજા હોવાનો જેમનો દાવો છે, જેઓ આ દેશના હિત માટે રાજ્ય કરવાનું કહે છે તેમના દોઢસો વર્ષના અમલ દરમિયાન દેશના શિક્ષણની સ્થિતિ જરાયે ગર્વ લેવા જેવી નથી. જે જે દેશોમાં પોતાનાં રાજ્યો છે ત્યાં પાંચ કે દશ વર્ષની યોજનાઓ રચાઈ દેશભરની નિરક્ષરતા દૂર થઈ ગઈ છે અને આવી મોટી મહત્ત્વની બાબત માટે તે દેશોએ નાણાંના અભાવની દલીલ આણી નથી. જે કામ જરૂરી હોય, જેમાં આપણાં દેશી ભાઈબહેનોની સર્વતોમુખી ઉન્નતિનો પ્રશ્ન હોય તે પ્રજાના અગ્રણીઓએ ઉપાડી લેવો જોઈએ. સરકાર પાસેથી તે માટે નાણાં કઢાવવા માટે સર્વ ઉપાયો કરવા જોઈએ. આખી પ્રજા નિરક્ષર રહે ને છેક ઉપરની જનતા ઉચ્ચ શિક્ષણ, શોધખોળ, ભાષાવિજ્ઞાન વગેરેના અભ્યાસ ચલાવે એ સુસંગત નથી. નિરક્ષરતાના વિઘ્નને લીધે કેટલીયે બુદ્ધિશાળી વ્યક્તિઓ અજ્ઞાનમાં દટાઈ રહેતી હશે તેનો ખ્યાલ કરી શકાય તેમ નથી માટે આ સર્વ કાર્યો એકીસાથે કરવા જેવાં છે. એક પછી એક થાય એમ બને તેમ નથી. યુદ્ધાદિ માટે નાણાં છે, કેળવણી માટે નથી જગતમાં વારંવાર આવતાં યુદ્ધો કેટલાંયે નાણાંનો નિરર્થક વ્યય કરાવે છે. રાજ્યોને પોતાની પ્રજાના હિતનાં કાર્યો કરવા માટે નાણાંની તંગી હોય છે, પરંતુ લડાઈમાં લાખો નહીં, કરોડો નહીં, પણ અબજો કાંકરા પેઠે ખર્ચવા પડે છે. તેવે પ્રસંગે પ્રજાઓ પણ પોતાના રાજ્યકર્તાઓને યુદ્ધના સરંજામ માટે પોતાના સર્વભોગે જોઈતાં નાણાં પુષ્કળ આપે છે. એવું કહેવાય છે કે છેલ્લા વિશ્વયુદ્ધમાં પડેલા દરેક દેશે જેટલો નાણાંનો વ્યય કર્યો હતો તે ધન વડે આખા જગતના સુખની અનેક કાયમની યોજનાઓ થઈ શકત. યુદ્ધ એવી વસ્તુ છે કે તેમાંથી બચવા, દુશ્મનોના આક્રમણથી મુક્ત રહેવા મનુષ્ય આત્મરક્ષણની પ્રેરણા વડે પ્રેરાઈ પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર થાય છે. બીજે કોઈ પ્રસંગે કે બીજા કોઈ કામ માટે આટલા મોટા પ્રમાણમાં રાજ્યને પૈસા મળતા નથી. યુનિવર્સિટી માટે હિલચાલનો આરંભ કરો યુદ્ધ હાલની વિષમ પરિસ્થિતિમાં જ્યારે રાજ્યકર્તાના હાથ હમેશ કરતાં પણ વધારે ભીડમાં હોય ત્યારે યુનિવર્સિટી જેવી અતિ ખર્ચાળ યોજના અમલમાં મુકાવાનો સંભવ સ્વપ્નવત્ છે. પરંતુ લડાઈને જ પરિણામે અઢળક કમાણી કરનાર વેપારીઓ ધારે તો એક રાતમાં આ નાણાં ઊભાં કરી શકે. એ ન બને તોપણ યુદ્ધ પછીની પુનર્ઘટના માટે પણ અત્યારથી જ વિચાર કરી મૂકવાની જરૂર છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ સરકારે લડાઈ પૂરી થયે મદદ માટે વિચાર કરવાનું વચન આપ્યું છે. મહારાષ્ટ્રની વિચારણા પહેલાં જેનો વિચાર થયેલો તે ગુજરાત યુનિવર્સિટી માટે હવે નરમ પ્રવૃત્તિ નહીં ચાલે. એ હિલચાલને વેગવંત બનાવી એવી સ્થિતિએ પહોંચાડવી કે વહેલામાં વહેલી તકે વ્યાવહારિક સ્વરૂપ ધારણ કરે. નવીન યુનિવર્સિટી માટે પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનસમુચ્ચયમાંથી એવી સુશ્લિષ્ટ રચના કરવાની જરૂર છે કે જે માટે પ્રતિભાશાળી વ્યક્તિઓની મગજશક્તિઓનો કેટલોયે સમય રોકાશે. આપણી સંસ્કૃતિને પોષણ મળે અને નૂતન ઉત્ક્રાંતિ (civilization)માંથી અનુકરણ કરવા યોગ્ય સર્વ કાંઈ સાથે ઘટાવી શકાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કવિવર ટાગોર અને પ્રાચ્ય યુનિવર્સિટીનો ખ્યાલ કવિવર ટાગોરના ‘An Eastern University’ એ નામના લેખમાંથી થોડો ઉતારો અત્રે અસ્થાને નહીં ગણાય. ટાગોર કહે છેઃ ‘આપણી સંસ્કૃતિના સર્વ અંશોને એવા સબળ બનાવવા જોઈએ કે તે પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષણમાં ન આવે, પરંતુ તેમાં ભળી જાય.’ ‘હિંદી સંસ્કૃતિ ચાર પ્રવાહોમાં વહેલી છેઃ વૈદિક, પૌરાણિક, બૌદ્ધ અને જૈન. તે પછી ઇસ્લામિક સંસ્કૃતિએ પોતાની પ્રબળ તેમજ કીમતી છાપ આપણા શિલ્પ, ચિત્રકળા, સંગીત આદિ પર પાડી છે. પશ્ચિમની સંસ્કૃતિ ઉપરાંત સમસ્ત એશિયા – ચીન, જાપાન, ટિબેટ, ઝોરાસ્ટ્રીઅન એ સર્વની સંસ્કૃતિઓનો પણ અભ્યાસ આપણે માટે આવશ્યક છે. જેઓ એમ માનતા હોય કે પ્રાચીન કાળે આપણે માટે ઉપયોગી વારસો મૂક્યો નથી તેઓ ભૂલ કરે છે. પ્રથમ વાવેલા બીજમાંથી જ નવા વૃક્ષનો ઉદગમ થાય છે. માત્ર બૌદ્ધિક શિક્ષણ પર જ પશ્ચિમમાં પણ હજી વધારે ઝોક છે. જીવનને સમગ્ર રૂપે સમજવા માટે રંગો, સ્વરો વગેરે જાણવાની જરૂર રહે છે. એટલે કે કળાઓ તરફ પૂરતું લક્ષ આપવું જોઈએ. એ કળાઓ સર્જકતા આણે છે. હાલનું આપણું શિક્ષણ મૂક ડહાપણનો બોજો ઉપાડવા સરખું છે; જાણે સખત ખજૂરીવાળી જેલની સજા જેવું તે છે. મુગલ રાજ્ય સમયમાં સંગીત અને કલાને રાજ્યકર્તા તરફથી ઘટતી ઉત્તેજના મળી હતી. શિક્ષણનો ઉચ્ચ સંદેશ તે મનુષ્યના સામાજિક અને આધ્યાત્મિક જીવનવિષયક જ્ઞાન અને પ્રવૃત્તિઓના ઐક્યનો અનુભવ કરવો તે છે.’