પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું ભાષણ

બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ
મુંબાઈ સપ્મટે્બરઃ ૧૯૦૭


સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
(ઈ.સ. ૧૮૫૯–ઈ.સ. ૧૯૩૮)


કેશવલાલભાઈ મુખ્યતઃ એમના સંસ્કૃત ગ્રન્થોના અનુવાદોથી ગુજરાતને પરિચિત છે. અને એ ક્ષેત્રમાં એમનું કાર્ય ઘણું વિશાળ છે. મૂળ સંસ્કૃત કૃતિઓ – નાટકો અને કાવ્યોની સર્વાંગ સરસતા ગુજરાતીમાં ઉતારવામાં તેઓની સફળતા જેવીતેવી નથી. કેટલેક સ્થળે તો મૂળ સરસતાને તેમણે બઢાવી પણ છે. વળી તે સાથે જ એ કૃતિઓને લગતી ઐતિહાસિક માહિતી પણ તેઓ અથાગ પરિશ્રમ કરીને મેળવતા. ભાસ, કાલિદાસ, જયદેવ, વિશાખદત્ત વગેરેની કૃતિઓના અનુવાદો સાથે એમના ઐતિહાસિક સંશોધનનો પરિચય આપણને થાય છે. તે સાથે પ્રાચીન ગુજરાતીના એક અખંડ અભ્યાસી તરીકે પણ એમનું નામ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધાયેલું રહેશે. ભાલણે કરેલો કાદમ્બરીનો પ્રદ્યબદ્ધ અનુવાદ એમણે ગુજરાતને આપ્યો છે. દુર્ભાગ્યે એ ગ્રન્થને ઉત્તર ભાગ એવા જ સંશોધિત સ્પરૂપમાં એમની ઇચ્છા છતાં એ ગુજરાતને નથી આપી શક્યા પણ પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો અને રત્નદાસનું હરિશ્ચન્દ્રાખ્યાન એમણે ગુજરાતને આપ્યું છે. આ બધા ગ્રંથોના સંપાદનમાં એમનો ભાષાશાસ્ત્રનો પરિચય આપણી નજરે પડે છે. અને એ હકીકત ગુજરાતથી અજાણી નથી કે ઈ.સ. ૧૯૧૫માં Wilson Philological Lectures આપવાનું નિમંત્રણ યુનિવર્સિટીએ એમને આપ્યું હતું. એમની તબિયત નાદુરસ્ત હતી. એમણે નરસિંહરાવભાઈનું નામ સૂચવ્યું એને એ ભાષણો નરસિંહરાવે આપ્યાં. પ્રેમાનંદના સાહિત્યનો એમનો અભ્યાસ અને પ્રેમાનન્દ પરત્વેનાં એમનાં વિધાનો ગુજરાતને પરિચિત છે. આવા કેશવલાલભાઈ બીજી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ અલંકૃત કરે છે અને પરિષદનું ગૌરવ પૂર્વવત્ દીપતું રહે છે.

ઉપોદ્‌ઘાત

સાહિત્યરસિક મહિલાઓ અને ગૃહસ્થો! તમે જે મહાન પદનો ભાર બંધુપ્રેમથી મારે શિર મૂકો છો તે, રુચિ–અરુચિનો, સ્વીકાર–અસ્વીકારનો અને ઇચ્છા–અનિચ્છાનો પ્રશ્ન બાજુ ઉપર મૂકી नमः सर्वकार्यप्रतिपत्तिहेतवे कर्तव्यधर्माय એ મહાસૂત્રને માન આપી, ધારણ કરવા ઉદ્યુક્ત થાઉં છું. મારી ગતિ મેરેથનના સંગ્રામમાં સેનાનીપદે નિમાયલા સ્પાર્ટાના અગતિક શિક્ષાગુરુના જેવી છે. આથેન્સનો અભ્યુદય ઇચ્છનારા રણવીરના અપ્રતિમ ઉત્સાહથી તે દુર્બળ શિક્ષાગુરુ વિજયશાળી થયો, તેવો આજ હું પણ ગુર્જર-સાહિત્યની અભિવૃદ્ધિ ઉપર પ્રેમ રાખનારા ને તેના ઉત્કર્ષમાં આનંદ માનનારા અનેક સાહિત્યવીરોના ઉત્સાહથી યથસ્વી થવાનો લોભ રાખું છું.

પહેલી પરિષદના પ્રમુખ

સાહિત્ય પરિષદનું આ બીજી વારનું મળવું થાય છે. પ્રથમ મેળાવડામાં એક વિશાળ હૃદયના, ઊંડી લાગણીવાળા, પ્રખર તર્કશીલ, ઉજ્જવળ પ્રતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ અગ્રગણ્ય સાક્ષરે પ્રમુખપદ શોભાવ્યું હતું. એ સાક્ષરે જે નિવૃત્તિની પ્રતિથી ધનપ્રદ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી નડિયાદમાં નિવાસ સ્વીકાર્યો હતો, તે નિવૃત્તિ એમનો અમર આત્મા અત્યારે અક્ષર ધામમાં ભોગવે છે! ભાવના ભૂતાવળને ધુણાવનાર ને બોલાવનાર, નવીન વિદ્યાના મનોરાજ્યનું પ્રતિબિંબ પાડનાર ને સત્પુત્રીના અલ્પજીવનનું ઉજ્જવળ ચિત્ર આલેખનાર એ અગ્રેસર લેખકને કોણ સ્મરતું નહિ હોય? સદ્ગત શ્રી. ગોવર્ધનરામનો ઠામ તો અહીં ખાલી જ છે.

પરિષદ મળવાનાં સ્થાન

પરિષદનો પ્રથમ મેળાવડો બે વર્ષ ઉપર તેને જન્મ આપનારી સાહિત્યસભાના નિવાસસ્થાન અમદાવાદમાં મળ્યો હતો. પનોતા પ્રેમે ઉછેરેલા બાળકને તેની માતા આજે આ રત્નાકરની પુત્રી મુંબઈના ખોળે મૂકે છે. અહીં એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા કરે છે, સદાગતિ કોઈ સમયે વાંસળીના તો કોઈ સમયે ભેરીના સૂર કાઢતો વહી જાય છે ને ઋતુઓ પ્રકૃતિનો રાસ રમ્યા કરે છે. અહીં સ્પર્ધામાં ધૂઆંપૂઆં થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ઘાઈધેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહે છે ને વ્યાપારનાં શેતરંજનાં મહોરાંઓ સર્વત્ર ફેલાઈ જઈ, અનેકાનેક દાવ ખેલતા ચોપટનું ધાંધલ મચાવી રહ્યાં છે. એવા પ્રવૃત્તિના ધામમાં પરિષદનાં પગલાં વળવાં ઉચિત જ છે. મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનોને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રૈમાસિક ને અન્ય સામયિક પત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યાં કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડો કર્યે જાય છે. સંગીત, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય આદિ કળા, કોઈ વ્યક્તિના તો કોઈ સંયુક્ત મંડળના પ્રયત્નથી, વિકાસ પામવાનું કરે છે. આ પશ્ચિમ હિંદુસ્તાનનું પાટનગર દક્ષિણમાં આવ્યું છતાં આપણા દાક્ષિણાત્ય બંધુનું જ કંઈ નથી; આપણું પણ છે. ગુજરાતના પ્રબોધના ઇતિહાસમાં સ્થાન પામવા યોગ્ય બુદ્ધિવર્ધક સભાનું આ મુંબઈ જ કાર્યાલય હતું. ફાર્બસ સભાની સંચિત શક્તિના ભાવી વ્યાપારનું ક્ષેત્ર તે આ જ છે. મરાઠી ને કાનડીની સાથે ગુજરાતી સાહિત્યને એમ.એ. માં આવકાર આપનાર શારદાપીઠનું આ ધામ છે. પેશવાઈનું પૂના ભલે દક્ષિણીનું જ કહેવાઓ, સલ્તનતનું અમદાવાદ ભલે ગુજરાતીનું જ ગવાઓ અને અમીરાતનું હૈદ્રાબાદ સિંધી બાંધવોનું જ ભલે લેખાઓ. મુંબઈ તો સર્વનું જ છે ને આપણું તો છે જ. પારસી અને મુસલમાન બંધુઓ સાથે ગુજરાતી હિંદુઓએ જ મુંબઈને સોનાની મુંબઈ બનાવી છે. તેમના મધ્યમાં એટલે સ્વજનના મધ્યમાં – આપ્ત મંડળમાં – પરિષદ સાહિત્યની અભિવૃદ્ધિની ચર્ચા ચાલુ રાખવાને મળેલ છે.

સાહિત્ય તે શું?

જેની અભિવૃદ્ધિ પરિષદને ઇષ્ટ છે તે સાહિત્ય તે શું? કેટલાક કાવ્ય–નાટકને સાહિત્ય કહે છે. બીજા નવલકથાને સાહિત્યમાં ઉમેરે છે. ત્રીજા ચરિત્રગ્રંથને ભેગા ગણે છે. ચોથા નીતિ નિબંધની સાહિત્ય કોટીમાં ગણના કરે છે. પાંચમા પ્રવાસનાં વર્ણનોનો સાહિત્યમાં સમાસ કરવા માગે છે. છઠ્ઠા ગિબનકૃત રોમના સામ્રાજ્યની પડતી ને પાયમાલીની તવારીખને સાહિત્યમાં ઊંચું સ્થાન આપે છે. એમ સાહિત્યની મર્યાદા મુસાફરની દૃષ્ટિમર્યાદાની પેઠે આઘી ને આઘી જાય છે. આપણા પૂર્વજોએ તો સાહિત્યને વાઙ્મય નામ આપી તેમાં સર્વનો સમાવેશ કર્યો છે. જે કંઈ સંસ્કારી સ્થાયી ભાષામાં લોકોત્તર લેખ કે કથન તે સાહિત્યસંજ્ઞાને પાત્ર છે. વાણી, જંગલી મનુષ્યને ભરતમુનિ જેને વાચિક અભિનય કહે છે, તેની જ ગરજ સારે છે. તિર્યગજાતિમાં અવ્યક્ત ધ્વનિ જે કામ બજાવે છે, તેના જેવું જ કામ જંગલી મનુષ્યમાં વ્યક્ત વાણી બજાવે છે. વ્યક્તિની જ લાગણીનો તે યાદૃચ્છિક ઉદ્ગાર બને છે. અન્યને બોધ, તે માત્ર આનુષંગિક છે. સુધરેલા મનુષ્યમાં, જેમ નાણું દ્રવ્યના વિનિમયને માટે અને મૂલ્યના સંતોલનને માટે લેખાય છે, તેમ વાણી વિચારના વિનિમયને માટે અને ભાવના સંવિભાગને અર્થે, વ્યવહારનું મુખ્ય અને મહત્ત્વનું સાધન બને છે. કેળવાયલા મનુષ્યને વાણી આવા લૌકિક વ્યવહાર કરતાં લોકોત્તર પ્રયોગને માટે વધારે ઇષ્ટ છે. સામાન્ય મનુષ્ય જ્યારે બોલીને બોલવાને માટે જ શુકવત વાપરે છે, ત્યારે બોલી બોલાતાં આપોઆપ પળાતા ઉચ્ચારણના નિયમોનું શાબ્દિક તેમાંથી દોહન કરે છે. બોલીના બોલોને બોલાતા કરી તેમની સાત પેઢીનો ઇતિહાસ કઢાવે છે. વળી વૈયાકરણી એક વાક્યમાં શબ્દો કૌટુંબિક બની શી રીતે પરસ્પર સંકળાય છે તેના નિયમો સાધે છે, બોલીફેરનું સ્વરૂપ નોંધે છે અને શબ્દસિદ્ધિની સાથે શબ્દશુદ્ધિ નિર્ધારે છે; તથા એક રાષ્ટ્રને માટે એક લિપિનો અને એક ભાષાનો પ્રશ્ન આડકતરી રીતે વિચારે છે. વાણીનાં વર્ણબદ્ધ મૂળતત્ત્વોને એક વર્ગ જ્યારે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ નિહાળે છે, ત્યારે અન્ય વર્ગ શબ્દોના ભાવપ્રદર્શક સામર્થ્યને જ પકડી લઈ, લોકોત્તર ભાવચિત્રનાં કાવ્ય રચે છે, બુદ્ધિસંવાદી અલંકારથી શણગારે છે, હૃદયસંવાદી છંદોમાં ગોઠવે છે ને શ્રોત્રસંવાદી સંગીતમાં ઉતારે છે. ત્રીજો વર્ગ, સંસ્કારી હૃદયના ઉચ્ચ વિશુદ્ધ સંસ્કારો જે ધાર્મિક અને તાત્ત્વિક ચિંતનમાં તથા આધ્યાત્મિક ને નૈતિક પરીક્ષણમાં પરિણામ પામે છે, તેના ઉલ્લેખથી સાહિત્યને બળત્તર બનાવે છે ચોથો વર્ગ, જેના જીવનની એક પણ કળા રાષ્ટ્રના ઉત્કર્ષને માટે પ્રકાશી હોય, તેવી વ્યક્તિનાં ચરિત્રને ચારિત્રની ચિત્રાવળીથી અને નિજમંડળ તથા અન્યમંડળના સામાજિક અને રાજકીય ઇતિહાસના સંદર્ભની સાહિત્યને શણગારે છે. પાંચમો વર્ગ ઇતિહાસની પતાકા ને પ્રકરીરૂપ સંસારશાસ્ત્રનાં વિવિધ અંગો ખિલાવે છે. એવી રીતે મનુષ્યજીવન ઉચ્ચ કરવાને; દુઃખનો ભાર હલકો કરવાને અને સાત્ત્વિક સુખની સંપત્તિ વધારવાને અભિનયકળા, ગાનકળા, ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્યકળા અને મોટાઈનો દેખાવ ન કરનારી સાદી ગૃહ-કળાઓનું વિવેચન વળી અન્ય વર્ગો કરે છે. આ ઉપરાંત આવો જ આડકતરાતો સંબંધ ઊંચી કેળવણીમાં સર્વત્ર દેશી સાહિત્યને સ્થાન આપવાની અને સામાન્યવર્ગમાં ઉપયોગી રસાયાનાદિ વિદ્યાનું સામાન્ય જ્ઞાન ફેરવવાની ચર્ચા સાહિત્ય સાથે ધરાવે છે.

આરંભ ક્યારથી?

પરિષદ જે સાહિત્યના વિકાસ માટે ઉદ્યુક્ત છે, તે ગુજરાતી સાહિત્યનો આરંભ પાંચસો વર્ષ ઉપર થયો એમ સામાન્ય રીતે મનાય છે. સર્વે ભાષામાં કાવ્ય સાહિત્ય જ પહેલવહેલું ખેડાય છે, તે પ્રમાણે આપણી ભાષામાં પ્રથમ કવિતા જ લખાયલી બહુધા મળી આવે છે. ગુજરાતી ભાષામાં આદિ કવિનું માન નરસિંહ મહેતાને સર્વાનુમતે અપાય છે. વિશેષમાં એમ પણ માનવું છે કે, એ રસિક નાગરકવિના સમય પહેલાંનું સાહિત્ય તે प्राकृत કે अपभ्रंश સાહિત્ય, ગુજરાતી સાહિત્ય નહિ. આ રીતે એ ભક્તરાજનું નામ કવિઓની કાલાનુપૂર્વી દર્શાવવામાં જ નહિ, પણ ભાષાઓની મર્યાદા બાંધવામાં પણ કામે લગાડાય છે. અત્યાર સુધીમાં જે જૂજ શોધખોળ થઈ છે, તેમાં નરસિંહ મહેતાની પૂર્વ થયેલા કોઈ સમર્થ કવિનું નામ મળી આવ્યું નથી, કે જે એમને આદિકવિના સ્થાનથી ઉથલાવી પાડે. પરંતુ ભાષાની બાબતમાં તો કહેવું જોઈએ કે ઈસવીસનના પંદરમા શતકની મર્યાદા જે બંધાયલી છે તે ચારસો–પાંચસો વર્ષ અથવા કદાચ તેથી પણ બેએક સદી વધારે પાછી હઠાવવી પડશે. કોઈ કહેશે કે, તમે તો ભીમદેવ અને સિદ્ધરાજના સમયની વાતો કરો છો; પણ હેમચંદ્રાચાર્ય જ તે સમયની ભાષાને એમની અષ્ટાધ્યાયીમાં अपभ्रंश નામ આપે છે. એ કહેવું ખરું છે. પણ अपभ्रंश નામથી ભુલાવો ખાવાનો નથી. જો નામથી જ દોરાઈએ, તો અખાની વાણીને ગુજરાતી ય નહિ, अपभ्रंश નહિ, પણ प्राकृत કહેવી પડશે; કેમ કે વેદાંતી કવિ પોતે જ તેને प्राकृत નામ આપે છે. ભાલણ ને પદ્મનાભ પણ કાદંબરી અને કાન્હડદેપ્રબંધ प्राकृतમાં લખ્યાનું જણાવે છે. એ કાવ્યોની ભાષા महाराष्ट्री, शौरसेनी, मागधी के पैशाची નથી, પણ ગુજરાતી જ છે. કેવળ નામ ઉપર આધાર રહેતો હોય, તો નરસિંહ મહેતાને ગુજરાતીના આદિ કવિ કહી શકાશે નહિ; કેમ કે તેમના પોતાના જ શબ્દોમાં કહીએ, તો તેમનું સુરતસંગ્રામ કાવ્ય ‘अपभ्रष्ट गिरा’માં એટલે કે अपभ्रंशમાં છે. જેવી રીતે આપણા આ આદિ કવિના ઉત્તમ કાવ્યની ભાષા अपभ्रंश નામે ઓળખાવ્યા છતાં ગુજરાતી જ છે, તેવી રીતે હેમચન્દ્રાચાર્યની अष्टाघ्यायीનો अपभ्रंश તે ગુજરાતી જ છે. જેટલે દરજ્જે વૈદિક ભાષા જે સામાન્ય રીતે संस्कृत નામથી ઓળખાય છે, તે લૌકિક संस्कृतથી ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ભિન્ન છે, તેટલે દરજ્જે અથવા તેથી પણ વિશેષ अपभ्रंश, જે प्राकृत નામથી પ્રસિદ્ધ છે તે महाराष्ट्री આદિ प्राकृतથી ભિન્ન છે. प्राकृतનું વ્યાકરણ-કલેવર संस्कृत વ્યાકરણનાં મૂળતત્ત્વોનું બંધાયલું છે. જે Synthetical stage એટલે સમસ્ત દશામાં संस्कृत છે, તે જ દિશામાં નિર્દિષ્ટ प्राकृत છે. संस्कृतના જ રૂપાખ્યાનના પ્રત્યયો ઘસાયલા ઘસાયલા प्राकृतમાં કાયમ રહ્યા છે. अपभ्रंशમાં એ પ્રત્યયો છેકાછેક ઘસાઈ જઈ, તેમની જગા નવા પ્રત્યયોથી પૂરવામાં આવે છે. નામનું પ્રથમના એકવચનનું प्राकृत રૂપ અને ક્રિયાપદનું વર્તમાનકાળનું અંગ, એ अपभ्रंशમાં મૂળ બને છે ને તેના ઉપર સમગ્ર રૂપાખ્યાનની ઇમારત બંધાય છે. એ રીતે જેને Analytical stage એટલે વ્યસ્તદશા કહે છે; તેમાં अपभ्रंश ભાષાને પ્રવેશ કરતી આપણી જોઈએ છીએ.

ગુજરાતી ભાષાના ત્રણ યુગ

વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસવીસનના દસમા અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો પહેલો યુગઃ પંદરમા શતકથી સત્તરમા શતક સુધીનો બીજો અને તે પછીનાં શતકોનો ત્રીજો. પહેલા યુગની ભાષાને अपभ्रंश કે પ્રાચીન ગૂજરાતી નામ આપવું ઘટે છે. બીજા યુગની ગૂજરાતી જે સામાન્ય રીતે હાલમાં જૂની ગૂજરાતીના નામથી ઓળખાય છે, તેને મધ્યકાલીન ગૂજરાતી કહેવી યોગ્ય છે. ત્રીજા યુગની ગૂજરાતીને અર્વાચીન ગૂજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોય જ નહિ. પહેલાં પાંચ શતકોની ભાષા ગુજરાતી છે તેની પ્રતીતિ સારુ કાલક્ષેપનો ઉપાલંભ વહોરીને પણ, શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકના સાહિત્યને ગેરઇન્સાફ થયો છે. કેમ કે મધ્યકાલીન ગૂજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગૂજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગૂજરાતીનો તો ધડો જ થવો કેવો! માતાપિતા મોટાં છોકરાંને ઇનકાર કરી નાવારસ ઠેરવે ને નાના બાળકને જ કબૂલ રાખે તેના જેવું આ તો થાય છે. અવમાનિત સાહિત્યની શોધખોળ થતી નથી, અભ્યાસ થતો નથી, ચર્ચા થતી નથી ને તેને ન્યાય મળતો નથી. આંધળે બહેરું કુટાય છે ને ગૂજરાતી અગૂજરાતીની યોગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયે જાય છે. વગર ઓળખ્યે અથવા ભૂલમાં અથડાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણા સાહિત્યવડની જમીનમાં ઊંડી ઊતરેલી વડવાઈઓ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈએ છીએ. આ સાહસ અટકાવવા તે તે શતકની ભાષાનાં ઉદાહરણ નીચે આપવામાં આવે છે.

ચૌદમા–પંદરમા શતકનું ગૂજરાતી
શ્રીકૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાને જૂનાગઢના શિવભક્ત રા’મંડળિક સાથે વાદ પડ્યો, તે અરસામાં ઉતારાયલા वसन्तविलासમાંથી કેટલીક કડીઓ પ્રથમ આપીએ છીએ. એ કાવ્યની એક લિખિત પ્રત ડેક્કન કૉલેજના સરકારી સંગ્રહમાં પણ છે. જૂના ગૂજરાતશાળાપત્રમાં પૂર્વે એ કાવ્ય મારા તરફથી છપાયું હતું. એમાંથી દસ જ વૃત્ત અહીં ઉતારું છું.

खेलन वा वि सुखाली (जाली गूरव विश्राम) ।
मृगमदपूरि कपूररिहिं पूरि हिं जल अभिराम ।।
अभिनव परि शिणगारी नारी रमइं विसेसि ।
चन्दन भरइं कचोली, चोली मण्डन रेसि ।।
कामुक जन मन जीवन तों वन नगर सुरङ्ग ।
राजु करंइ अभङिगहिं रङिगहिं राउ अनङ्ग ।।
कुसुम तणूं करि धणह रे गुण ह भमरलामाल ।
लख लाघवि नवि चुकए मूकए सर सुकुमाल ।।
इम देखी रिद्धी कामनी कामनी किंनरकष्ठि ।
नेहगहेली माननी माननी मूकइं गण्ठि ।।
केसू कली अति वांकुडी आंकुडी मयणची जाणि ।
विरहिणीनां इणं कालि ज कालिज काढइ ताणि ।।
सकल कला तुं निशाकर शा करं सइरि संताप ।
अबला म मारि कलङ्की शङकी भ्या इवं पाप ।।
बहिन् रहि नहों मनमथ मन मथतु दीह राति ।
अङ्ग अनोपम शोषए पोषए वइरणि राति ।।
विरह सहू ते भागलु कागलु करलउ पेखि ।
वायसना गुण वरणए अरण ए त्यजइ विशेखि ।।
मुख आगलि तूं मलिनरे नलिन जई जलि नाहि ।
दन्तह बीज दिखाडि म दाडिम तूं मुख माहि ।।

ઉપરના ઉતારામાં નરસિંહ અને પદ્મનાભમાં મળી આવતો चो પ્રત્યય, ભાલણમાં મળી આવતું करं રૂપ ને પદ્મનાભમાં મળી આવતો लउ પ્રત્યય વિદ્યમાન છે. તે ઉપરાંત જેને બીજી કે ચોથી વિભક્તિ કહે છે તેના અર્થમાં प्राकृत દ્વિતીયા-ષષ્ઠીના दन्तह રૂપનો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. વળી અર્વાચીન હિંદી મરાઠીના સામાન્ય કૃદંતનું પૂર્વરૂપ खेळनहै. व्या. ૮-૪-૪૪૧ । तुम तवे मणाणहमणा हमणाहं च । સૂત્રની સ્મૃતિ આપે છે, તથા પ્રાચીન ગૂજરાતીનો रेसि પ્રત્યય है. व्या । ૮।૪।૪૨૫ । तादर्थ्ये केहिं-तेहिं-रेसि-रेसिं-तणेणाः । સૂત્ર યાદ દેવરાવે છે. આ રૂપ ને પ્રત્યય પંદરમા શતકથી જૂનાં હોવાથી આપેલો ઉતારો ચૌદમા શતકની ભાષાનું પણ ભાન કરાવવા સમર્થ છે. આથી તે શતકની ભાષાનાં દૃષ્ટાંત प्राकृत पिंगल सूत्रમાંથી શોધતા નથી. એ ગ્રન્થમાં લક્ષણ બાંધ્યાં છે તે મધ્યકાલીન ગૂજરાતીમાં છે; ને ઉદાહરણો પણ મોટે ભાગે તે જ ભાષામાં છે.

તેરમા શતકનું ગૂજરાતી

તેરમા શતકની લોકભાષાનાં ઉદાહરણ મેરુતુંગ પૂરાં પાડે છે. એણે प्रबन्ध चिन्तामणि રચ્યાની સાલ ઈ.સ. ૧૩૦૫ છે. તેથી મધ્યમ ગણતરીએ એના પ્રબંધોમાંનું अपभ्रंश સાહિત્ય તેરમા શતકનું લેખીએ છીએ. નીચેના દુહા मुङ्जराजप्रबन्धમાંથી લીધા છે.

मुञ्जु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झूरि ।
जइ सक्कर सय खण्ड थिय तोइ सु मिट्टी चूरि ।।
जा मति पच्छइ संपजइ सा मति पहिली होइ ।
मुञ्जु भणइ मुणालवइ विधन न वेढइ कोइ ।।
झोली तुट्टिवि किंन मुअउ किं न हुउ छारह पुञ्ज ।
घरि घरि नच्चावी यइ जिम मक्कड त्तिम मुञ्ज ।।
सायरु खाई लङ्क गढ गढ वइ रावण राउ ।
भग्ग करवइ सवि भञ्जि गय मुञ्ज म करउ विसाउ ।।
નીચેનાં રાણકદેવીનાં વચનો ‘સિદ્ધરાજપ્રબંધ’માં ધ્યાન ખેંચનારાં છે.
तइं गढुआ गिरनार काहु मणि मच्छर धरिउ ।
मारितां खेंगार एकु वि सिहरु न ढालिउ ।।
जेसल मोडि म वाह वलि वलि विसूउ भावि यइ ।
नइ जिम नवा प्रवाह नवघण विणु आवइ नहि ।।
वाटी तउ वढवाण वीसारतां न वीसरइ ।
सोनासमा पराण भोगावह तइं भोगवइ ।।
નીચેનાં સુભાષિત પણ મન હરે એવાં છે.
जइआ रावणु जाइउ दहमुहु इक्कसरीउ ।
जणणी पीहली चिंतवइ कवणु पिया विह खीरु ।।
एहु जम्मु गयु नग्गउ भडसिरि खग्गु न भग्गु ।
तिक्खां तुरां न माणिआं गोरीगलइ न लग्गु ।।
कसु करु पुत्तकलत्तधी कसु करु करसण वाडि ।
आइवु जाइवु एकला हत्थ बिन्नि वि झाडि ।।



અગિયારમા–બારમા શતકનું ગુજરાતી
હવે अपभ्रंश કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને प्राकृत બોલીઓના પાણિનિ હેમચંદ્રાચાર્ય તેમની अष्टाध्यायीમાંથી ઉદાહરણ ઉતારીએ છીએ. એ સમર્થ ગુર્જર ગ્રન્થકારનો સમય ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ છે. આથી એના अपभ्रंश ખંડમાં સંગ્રહેલું સાહિત્ય બારમા અને અગિયારમા શતકની લોકભાષાના દૃષ્ટાંત તરીકે લઈએ છીએ.

वायसु उड्डावन्ति अइ पिउ दिठ्ठउ सहसत्ति ।
अद्धा वलया महिहि गय अद्धा फुट्ट तडत्ति ।।
हिअडा फुट्टि तडत्ति करि काल क्खेंवें काइं ।
देक्खंउ हय विहि कहिं ठवइ पइ विणु दुक्खस याइं ।।
साहु वि लोउ तडप्फडइ वड्डत्तणह तणेण ।
वड्डप्पणु पुणु पाविअइ हत्थि मोकलडेण ।।
जइ न सु आवइ दुइ घर कांइ अहो मुहु तुज्झु ।
वयणु जु खण्डइ तउ सहिए सो पिउ होइन मुज्झु ।।
जइ स सणेही तो मुइअ अह जीवइ निन्नेह ।
विहिंवि पयारेहिं गइ अधण किं गज्जइ खल मेह ।।
बप्पीहा पिउ पिउ भणवि कित्तिउ रुअहि हयास ।
तुह जलि महु पुणु वल्लहइ विहुंवि न पूरिअ आस ।।
हिअइ खुडुक्कइ गोरडी गयणि धुडुइक्क मेहु ।
वासारत्तिं पवासु अहं विसमा संकडु एहु ।।
तं तेत्तिउ जलु सायर हो सो तेवडु वित्थारु ।
तिसहे निवारणु पलु विनवि पर घुध्धुअइ असारु ।।
जं दिठ्ठउ सोमग्गहणु असइर्हि हासउ निसड्कु ।
पिअमाणु स बिच्छोहगरु गिलि मिलि राहु मयड्कु ।।
अन्ने ते दीहर णअण अन्नु तं मुअजु अलु ।
अन्नु सु घणथणहारु तं अन्नु जि मुहकमलु ।।
अन्नु जि केस कलावु सु अन्नु जि पाउविहि ।
जेण णिअम्बिणि घडिअ स गुणलावण्णनिहि ।।
पिअंसगमि कउ निद्दडी पिअहों परो कखहो केम्ब ।
मइं बिन्निबि विन्नासिआ निद्द न एम्व न तेम्व ।।
जाइज्जाइ तहिं देसडइ लब्भइ पियहो पमाणु ।
जइ आवइ तो आणिअइ अहवा तं जि निवाणु ।।
जइ पवसन्ते सहु न गय न मुअ विओए तस्सु ।
लज्जि ज्जइ संदेसडा दिन्तिहिं सुहय जणस्सु ।।
खज्जइ नउ कसरक्केहिं पिज्जइ नउ घुण्टेहिं ।
एम्वइ होइ सुहच्छडी पिएं दिठ्ठें नयणेहि ।।
सिरि जरखण्डी लोअडी गलि मणियडा नवीस ।
तोवि गोठ्ठडा कराविआ मुद्धए उठ्ठ वईस ।।
अबभा लग्गा डुङ्गरिहिं पठिउ रडन्तउ जाइ ।
जो एहा गिरि गिलणमणु सो किं धणहें धणइं ।।
सिरि चडिआ तोडन्ति फल पुणु डालइं मोडन्ति ।
तोवि महद्दुम सउणाहुं अवराहिउ न करन्ति ।।
નીચેના બે દુહા મુંજ રાજાને લગતી પ્રાચીનતર લોકકવિતાના હોઈ લક્ષ રોકે છે.
रक्खइ सा विसहारिणी ते कर चुम्बिवि जीउ ।
पडि बिम्बि अमुञ्जालु जलु जेहिं अडोहिउ पिउ ।।
वाह विछोडवि जाहि तुहुं हुउ तेम्बइ को दोसु ।
हिअ अठ्ठिअ जइ नीसरहि जाणंउ मुञ्ज सरोसु ।।

હેમચંદ્રાચાર્યનો સંગ્રહ મોટો છે. મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં. અને अपभ्रंश સાહિત્ય એટલે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્ય સારું ખેડાયલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. વળી, ગૌડમંડળમાં કવિ જયદેવે गीतगोविन्दથી રાધાકૃષ્ણની પ્રીતિ ગાઈ તે પહેલાં ગૂર્જરભૂમિમાં એ રસરાજના અધિષ્ઠાતાની અને એ રાસેશ્વરીની પ્રેમગાથા अपभ्रंश કવિઓ ગાઈ રહ્યા હતા, તેનું પણ સંગ્રહિત વચનોથી ભાન થાય છે. પરંતુ એ બધા ફકરા અહીં ઉતારવા જેટલો અવકાશ નથી. આ ટૂંકી નોંધ, ગૂજરાતી સાહિત્યના આરંભનો અવધિ અગિયારમા શતકની પણ પૂર્વે જાય છે, તેનો સહજ ખ્યાલ આપવા માટે છે.

બીજા અપભ્રંશ સાહિત્યનો સહજ નિર્દેશ

प्राकृतदुयाश्रयને પ્રસિદ્ધ कुमारपाळचरितના છેલ્લા સર્ગનો પાછલો ભાગ હેમચંદ્રાચાર્યે अपभ्रंशમાં રચેલો છે. મુંજરાજના સમયમાં થયેલા અમિતગતિના શિષ્યનો छक्कमोवएसो પણ अपभ्रंशમાં છે. વળી મહાકવિ કાલિદાસના विक्रमोर्वशीयના ચોથા અંકમાં જે પ્રક્ષિપ્ત ભાગ મળી આવે છે તે પણ अपभ्रंश છે. साहित्यदर्पणના કર્તા વિશ્વનાથ कर्णपराक्रम નામે कडवकबબદ્ધ મહાકાવ્ય अपभ्रंशમાં રચાયાનું લખે છે. જૈન ભંડારોમાં, બારીક તપાસ કરાશે તો ઘણાં અમૂલ્ય રત્નો નીકળી આવવાનો સંભવ છે. अपभ्रंश સાહિત્ય બહાર પડવાથી આપણી ભાષાની તેમજ બંગાળી, હિંદી, મરાઠી વગેરે બીજી પણ અર્વાચીન ભાષાની ઉત્પત્તિ ઉપર અપૂર્વ પ્રકાશ પડશે. બૌદ્ધોની पाली અને જૈનોની अर्धमागघी वैदिक महासंस्कृत સાથે જે સંબંધ ધરાવે છે, તેના કરતાં પણ વધારે નિકટનો સંબંધ આપણી अपभ्रंश ભાષા સાથે એ બધી ભાષાઓ ધરાવે છે.

પ્રથમ યુગનું ઉત્તેજક સાહિત્ય
ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગુજરાતી સાહિત્યની કાલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જૂનું સાહિત્ય તેની ભગિનીઓના ભંડારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ મૂલ્યાવાન બને છે. એ સાહિત્યના આપણે ત્રણ યુગ પાડ્યા હતા. પ્રથમ યુગનું પ્રાચીન ગૂજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પોષતું ને ઉજ્જવળ દેશભક્તિથી ઊભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળમાં જેવી દેશની સ્થિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. મહારાણી ઇલિઝાબેથના રાજ્યકવિથી આજ પર્યંત આપણા પ્રતાપી રાજકર્તાઓનો ઉત્તરોત્તર અધિકાધિક ઉદય થતો આવ્યો છે; તો તેમનું સાહિત્ય પણ એ સદીઓનું પરમ તેજસ્વી અને ઉત્કર્ષશાળી છે. ઈસવીસનની અગિયારમી, બારમી ને તેરમી સદી ગૂજરાતના પરમ અભ્યુદયની હતી. ચાંચિયા અને લૂંટારાને શાસન થતાં કરી વ્યાપાર જળમાર્ગે ને સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહ્યો હતો. દેશનો ઉદ્યોગ ખિલાવવાને માટે બહારથી શિલ્પીઓ તેડાવી વસાવ્યા હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શુરસેન, પ્રયાગ, અયોધ્યા આદિ સ્થળના શ્રોત્રિય બ્રાહ્મણોને આણી, દેશમાં જુદે જુદે સ્થાને સ્થાપ્યા હતા. વિદ્વાનોને સંપૂર્ણ આશ્રય મળી રહ્યો હતો; તે એટલે સુધી કે, હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ હાથીની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મોટી ધામધૂમ સાથે મહારાજા સિદ્ધરાજના સરસ્વતી ભંડારમાં પધરાવવામાં આવ્યું હતું. સિંધ, માળવા, કનોજ, અયોધ્યા, ચેદિમંડળ, અપરાંત અને ચૌલમંડળપર્યંત દિગ્વિજયી ગુર્જરવીરોની વીરહાક ગાજી રહી હતી. આવા સમયના સાહિત્યમાં શૂરાતનની જ્વાળા અને સ્વદેશપ્રીતિની જ્યોતિ ભભૂકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના ઉત્કર્ષ સાથે દેશનો ઉત્કર્ષ સંધાયલો જ છે. નાખી નજર ના પહોંચે એવા જે પ્રાચીનયુગમાં, પ્રકૃતિની વિવિધ વિભૂતિમાં પ્રકાશતા દિવ્ય સત્ત્વનો મહિમા ઋષિઓએ ગાયો, તે જ યુગમાં આર્યોના આધિપત્યે આર્યાવર્તને આર્યાવર્ત બનાવ્યો, જે સમયે ઉપનિષદ સાહિત્યની પરમોજ્જવળ બ્રહ્મભાવના પ્રગટી, તે સમયે ગાર્ગી, વિકન્વ આદિ મહિલાઓ પૂજાઈ અને અરુંધતી સપ્તર્ષિની પંક્તિમાં માન્યપદ પામી. જે જમાનાએ રામાયણ અને મહાભારત જેવી વિશ્વવિખ્યાત વીરસંહિતાઓને જન્મ આપ્યો, તેણે ભારતભૂમિની નૈતિક ને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈ. જે વખતમાં બુદ્ધ ભગવાનનાં ઉદ્બોધક વચનોનાં ત્રિપીટક ગૂંથાયાં, તે વખતમાં વિશ્વવિજયી સિકંદરના સમર્થ અનુયાયીઓએ સાર્વભૌમ ચંદ્રગુપ્તની અને તેના મહાપ્રતાપી પૌત્ર અશોકની મૈત્રી શોધી, જે કાળમાં વિશુદ્ધ દાંપત્યપ્રીતિનું આદર્શ मेघदूत ઉદ્ભવ્યું, તે કાળમાં ભરતખંડે સ્વરાજ્ય પાછું મેળવ્યું. ઉત્કર્ષકાળનું સાહિત્ય આ રીતે ઉત્સાહપૂર્ણ હોય છે. ગૂજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે ગૂજરાતના ભવ્ય ઉદયનો હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરુષ-પરાક્રમનું ગંભીર ગાન છે. મહાન યતિ હેમચંદ્રાચાર્યના મૂલ્યવાન સંગ્રહમાં એક વાર ફરીને આપણે ચંચુપાત કરીએ, જ્યારે યદૃચ્છાએ સંગ્રહિત સુભાષિત આવાં શૂર પૂરનારાં છે, ત્યારે તે સમયનું ઉદ્દેશપૂર્વક રચેલું સાહિત્ય તો કેવું ઉત્તેજક હશે તે કલ્પનાગમ્ય છે. સંગ્રહમાંનાં થોડાંક વચન આપણે આપણા કાર્યસર ઉતારીએ છીએ.

धवलु विसूरह सामि अहो गरुआ भरु पिक्खेवि ।
हउं किं न जुत्त्कउ दुहुं दुसिहिं खण्डइं दोण्णि करेवि ।।
भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु ।
लज्जेज्जं तुं वअंसि अहु जइ भग्गा घरु एन्तु ।।
जीं विउ कासु न वल्लहउ घणु पुणु कासु न इट्ठु ।
दोण्णिवि अक्सर निवडि अहिं तिण सम गणइ विसिट्ठु ।।
अम्हे थोवा रिउ वहुअ कायर एम्व भणन्ति ।
मुद्धि निहालहि गयणयलु कइजण जोण्ह करन्ति ।।
महु कन्तह वे दोसडा हेल्लि म भड्खहि आल्लु ।
देन्तहो हउं पर उव्वरिअ जुज्झन्त हो करवालु ।।
जइ भग्गा पारक्कडा तो सहि मज्झु पिएण ।
अह भग्गा अम्हहं तणा तो तें मारि अडेण ।।
पुत्तें जाएं कवणुगुणु अवगुणु कवणु मुएण ।
जा बप्पीकी मूंहडी चम्पिज्जइ अवरेण ।।
महु कन्तह गुठ्ठाठ्ठिअहो कउ झुम्पडा बळन्ति ।
अह रिउरुहिरे उल्हवइ अह अप्पणें न भन्ति ।।
सरिहिं न सरेहिं न सरवरेहिं नहि उज्जाण वणेंहि ।
देस रवण्णा होन्ति वढ निवसन्तेहि सुअणेहिं ।।
हिअडा जइ वेरि अ घणा तो किं अब्मि चडाहुं ।
अम्हाहिं बे हत्थडा जइ पुणु मारि मराहुं ।।
पाइ विलग्गी अन्त्रडी सिरु ल्हसिउं खन्धस्सु ।
तो वि कटारइ हत्थइउ बलि किज्जउं कन्तस्सु ।।



અલંકાર-પ્રસ્થાનની અસર
આ યુગના પૂર્વભાગમાં સંસ્કૃત અલંકાર-પ્રસ્થાનની અસર अपभ्रंश સાહિત્ય ઉપર થતી જોવામાં આવે છે. સમસ્યાપૂર્તિ, શ્લેષ આદિ સભારંજની કવિતા અને સુભાષિતનાં મુક્તક આ સમયમાં संस्कृतની પેઠે अपभ्रंशમાં પણ રચાય છે. એ યુગના ઉત્તરભાગમાં રજપૂત રાજ્યની અવનતિ થાય છે ને મધ્યકાલીન ગુજરાતીના યુગમાં તો દેશ પરચક્ર નીચે કચરાય છે.



મધ્યયુગમાં પૂર્વ યુગનાં આંદોલનો

પેશવાઈ લોપ થયા છતાં પેશવાઈએ આપેલો વેગ મરાઠી સાહિત્યમાં જેમ ટકી રહેલો જોઈએ છીએ, તેમ રાજ્યની ઊથલપાથલ થયા છતાં પણ ગતરાજ્યના સમયનો વેગ આ મધ્યયુગના આરંભમાં કેટલોક વખત ટકી રહે છે અને નરસિંહ, ભાલણ અને પદ્મનાભ જેવાં કવિરત્ન પાકે છે, પરંતુ તેમની કવિતાનો પ્રવાહ જુદે માર્ગે વહે છે. સ્વતંત્ર નાગર કવિ નાતજાતની અને આલંકારિકની મર્યાદા ઉલ્લંઘી પ્રત્યગદૃષ્ટિથી રામલીલા અને દાણલીલામાં ભાગ લેતો ભક્તિશૃંગારના ઉન્નત પ્રદેશમાં સ્વચ્છંદ ઘૂમે છે. વિદ્વાન બ્રાહ્મણ કવિ कादम्बरी ને भागवत દેશીબદ્ધ ગૂજરાતીમાં संस्कृतમાંથી ઉતારી પોતાની રસવૃત્તિનો વેગ શમાવે છે; ને આશ્રિત નાગરકવિ આશ્રયદાતાના પૂર્વજનાં પરાક્રમનું યશોગાન ગાઈ હૃદયમાં ઠાલવે છે. મધ્યયુગના બીજા ગણાવવા જેવા સમર્થ લેખકો નથી. મોટા ભાગે સ્થૂળ ધર્મબુદ્ધિ તૃપ્ત કરવા મહાભારત રામાયણનાં અને નાનાંમોટાં આખ્યાનોનાં જોડકણાં જોડાયલાં આ સમયમાં મળી આવે છે, અથવા તો સામાન્ય જનસમાજની વિનોદવૃત્તિ સંતોષવા વાર્તાઓ ગદ્ય ને પદ્યમાં લખાયલી જોઈએ છીએ. ભાલણસુત ઉદ્ધવ વાલ્મીકિના रामायणનું પ્રતિબિંબ ઉતારે છે. વીહાસૂત નાકર પુરાણીના મુખે સંસ્કૃત કથા સાંભળી, માણગોળાવાળા ઉપર ઉપકાર અર્થે પુણ્યબુદ્ધિથી भारतનાં પર્વો ઘડે છે. એ ધર્મસંહિતા પાછળ યુગમાં ઘણાં કથાભટો મંડી પડે છે.

મધ્યયુગનું ધર્મમંદ મૂલોપજીવક સાહિત્ય

વિષ્ણુદાસ, શિવદાસ, દેવીદાસ, મુરારિ, શ્રીધર આદિ કથકોનાં આખ્યાનોની ને કથાઓની ધર્મમંદ નિઃસત્ત્વ પ્રજામાં ખપતી પુષ્કળ થાય છે. બોરસદ પરગણાનો વસ્તો આખ્યાનશૈલીમાં વાર્તાની વિનોદશૈલી મેળવી શુકદેવ-આખ્યાન રચે છે. નાગર વચ્છરાજ જેને પ્રેમાનંદનો શિષ્ય વીરજી સુરેખાહરણના આરંભમાં સ્મરે છે, તે સ્ત્રીચરિત્રની વાર્તામાં બ્રહ્મજ્ઞાનનું ગૂઢ રૂપક સમાવે છે. જૈન યતિ નેમવિજય ધર્મ અને આચારના ઉપદેશ અર્થે અદ્ભુત કથનનો ઉપયોગ કરે છે. એ લેખોની કૃતાર્થતા જમાનાની જરૂરિયાતો પૂરી પાડવાની સાથે સાહિત્યવૃક્ષનાં મૂળ સજીવન રાખવામાં સમાપ્ત થાય છે. સારસ્વત પ્રવાહ જે પંદરમા શતકમાં પવિત્ર દર્શન દઈ, સોળમા અને સત્તરમા શતકમાં શોષાઈ સુકાઈને ન છતો જેવો થઈ ગયો હતો, તે અઢારમા શતકમાં પાછો વિસ્તારથી જોસભેર પ્રગટ વહેવા માંડે છે.

વ્યક્તિના પ્રતાપથી સજીવન રહેલાં મૂળ નવપલ્લવ થવાં

આદિ કવિની રસદૃષ્ટિ ને તત્ત્વદૃષ્ટિ વિભક્ત થઈ પ્રેમાનંદ અને અખામાં સંક્રાંત થઈ. એકે પોતાની નવું જીવન પ્રેરનારી વાણીથી નૂતન રસિક મંડળ ઊભું કર્યું અને તેમાં પોતે તારામંડળમાં ચંદ્રવત્ સુધા સીંચતો પ્રકાશ્યો. નાગર ગુરુથી ભાષાભક્તિનો મંત્ર પામી, પ્રવૃત્તિનાં પ્રચંડ આંદોલને તેણે સાહિત્યને અનેક દિશામાં અપૂર્વ વેગથી બહલાવ્યું. સાંસારિક જીવોનાં પ્રપંચ અને ક્ષુદ્રતાથી સંસાર જેને નીરસ લાગ્યો હતો, એવો બીજો અકવિ મનાવામાં માન ગણતો જ્ઞાની કવિ નિઃસંગ રહી અચળ્યો રસ ચળાવવામાં ઉદ્યુક્ત રહ્યો.

સાહિત્યના સુકવણામાં એક અમર વેલ

અઢારમા શતકમાં ભાલણના સાહિત્યરસિક શ્રોતાને સ્થાને વાર્તાના ચમત્કારના ભોગી શ્રોતા જ હતા. એમની રુચિને પોષતું વાર્તાસાહિત્ય જેનાં મૂળ નેમવિજય વચ્છરાજ વગેરેએ સજીવન રાખ્યાં હતાં, તે રખીદાસના સીહુંજના ચોરામાં વિસ્તાર પામ્યું. ઓગણીસમું શતક શમમય દુર્બળ સાહિત્યનું છે. તેમાં ઘણે ભાગે ભજનિયાં ને વૈરાગ્યનાં પદ સાહિત્યની પાનખર ઋતુનાં શુષ્ક પત્રવત્ જ્યાં ત્યાં પથરાય છે. દેશમાં અવ્યવસ્થા એક છેડેથી બીજે છેડે મચી રહે છે. અશાંતિને લીધે વ્યાપાર અટકી પડે છે. લડાયક ધાડાંના ત્રાસથી ખેતીવાડીને ભારે ધક્કો પહોંચે છે. ઉન્નત ભાવના સમર્પનારું ધર્મચૈતન્ય ઉપશાંત છે. ગુરુકુળમાં કેળવણીનો પ્રચાર બંધ પડ્યો છે. એવા સંકટના સમયમાં કરતાલ વગાડી ભજનકીર્તન ગાઈ, આશ્વાસન આપનારા બુટિયો ભગત, નિરાંત ભગત, રણછોડ ભગત, તથા ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મૂળ બાળી નાખનારા વેરાગ્યનો બોધ આપનાર નિષ્કુલાનંદ, કેશવદાસ, અલખ, બુલાખીરામ જેવાની પદરચનાનો જ વિકાસ થવો શક્ય છે. સાહિત્યના આ સુકવણામાં એક જ વેલી નવપલ્લવ રહી નયનને અને હૃદયને ઠારે છે. તે નર્મદાને તટે ઉદ્ભવી છતાં અન્ય દેશકાળનું પાણી પી ફૂલોફાલી જણાય છે. નરસિંહ, ભાલણ ને પ્રેમાનંદનો ઘટ્ટ પરિચય દયારામભાઈની વાણીમાં જોઈએ છીએ; પણ એ ફક્કડ કવિ કોઈનો દેવાદાર રહ્યો નથી. મહેતાને નામે નવાં પદ જોડીને, ભાલણની દશમલીલાનો પોતાની વાણીમાં ઉદ્ધાર કરીને અને પ્રેમાનંદના ઓખાહરણમાં ભારોભાર ઉમેરો કરીને, દયારામે બ્રહ્મોઋણ વાળી દીધું જણાય છે. પાછલા સાહિત્યનું સંક્ષિપ્ત સમાલોચન અહીં પૂરું થાય છે. શુક્લપક્ષની અષ્ટમીએ ચંદ્રનું અર્ધું બિમ્બ તેજપુંજથી અજવાળીને સુધાથી સીંચી પ્રકૃતિદેવી બાકીના મંડળની ઉજ્જવળ રૂપરેખા જ દોરે છે; તેમ, આ સાહિત્યના સુધાનિધિના બિમ્બનું પ્રતિબિમ્બ પણ અહીં અધૂરું જ દોર્યું છે. પહેલી પાંચ સદીનું સાહિત્ય સંગ્રહાયું નથી – શોધાયું જ નથી. બીજી પંચશતીના પણ ઉત્તમોત્તમ ગ્રન્થો હજુ પ્રકાશમાં આવવા બાકી છે. નરસિંહનો સહસ્રપદી રાસ પૂરો ઉપલબ્ધ નથી. ભાલણનું રામબાલચરિત ત્રુટિત જ મળ્યું છે. એનો દશમસ્કંધ પ્રકાશકની રાહ જુએ છે. પ્રેમાનંદનાં ત્રણ જ નાટકો છપાયાં છે. બીજાં આઠ ક્યાં છે? ક્યાં છે એનાં લાખ લાખ પૂરનાં ત્રણ કાવ્યો? ક્યાં છે प्रथीराज रासाને ટકોર મારતું વલ્લભે વખાણેલું કર્ણચરિત્ર? એ વલ્લભનાં નવે રસનાં નોખાં નોખાં કાવ્યો પણ બધાં પ્રસિદ્ધ થયાં નથી. પિતાને પરિતોષ પમાડનારી કૃષ્ણવિષ્ટિ પણ શોધી કઢાઈ નથી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અત્યંત ઉપયોગી વલ્લભકૃત પ્રેમાનંદકથા પણ પ્રકાશમાં અણાઈ નથી. જેટલું સાહિત્ય બહાર પડ્યું છે, તે અપ્રસિદ્ધ સાહિત્યના મુકાબલામાં થોડું છતાં યે મગરૂરી ઉપજાવનારું છે. નરસિંહ મહેતાનાં ગોવિંદગમન, સુરતસંગ્રામ ને ચાતુરીમાં પર્યેષક હૃદય ગાઢ પણ આદ્રાર્દ્ર ભક્તિરસનાં પારદર્શક પડો ઉકેલે છે. ભાલણની રામકૃષ્ણની બાળલીલામાં રસિક હૃદય વાત્સલ્યભાવની સુઘડતા જુએ છે. પદ્મનાભના પ્રબંધની કવિતા વાંચી ઉત્સાહશીલ હૃદય ઊછળ્યા વગર રહેતું નથી. ભાષાભક્ત પ્રેમાનંદની વાણીની તો વાત જ શી કહેવી? એના અભિમન્યુ-આખ્યાનના વીરરસથી નાંદોર દરબારમાં રજપૂત સામંત વીરહાક કરી ઊઠયો હતો. એનાં નાટકો संस्कृत નાટકોની સમોવડી કરે એવાં છે. એનું માંધાતા-આખ્યાન વાંચી ઠાવકા મનુષ્યને પણ હસવું દાબી રાખવું મુશ્કેલ પડે એમ છે. એના પુત્ર વલ્લભની બાનીનો ઝોક કોઈ ઑર જ છે. પ્રેમાનંદના મંડળના વૃદ્ધ પ્રસાદ-કવિ દ્વારકાદાસનાં વચનો રોમેરોમ રસ ઉભરાવે છે. દયારામ આદિ શૃંગારી કવિની ગરબીઓ લાખોને આદ્યાપિ પણ ભક્તિમાં ને શૃંગારમાં લીન કરી નાખે છે.

નૂતન સાહિત્યમાં પારસી મુસલમાન સહોદરની સહકારિતા અપેક્ષિત

કાવ્યમાર્ગમાં જૂનું સાહિત્ય યશસ્વી બન્યું છે ખરું પણ કાવ્યમાં જ સાહિત્યની પરિસમાપ્તિ થતી નથી. કાવ્યસાહિત્યમાં પણ કાલિદાસની સુઘડતા અને શેલી-ટેનિસનની ઉન્નત પ્રતિભા, મિલ્ટનની પ્રૌઢતા અને શેક્સપિયરની સર્વદેશી કુશળતા આવવી હજુ અપેક્ષિત છે; તેની સાથે કળાવિધાન અને શૈલી પણ કેળવાય તે અપેક્ષિત છે. એ સાહિત્ય કેવળ પુરાણમૂલક છે, તે સંસારમૂલક થવું પણ ઇષ્ટ છે. બીજા સાહિત્યના માર્ગો તો ઘણે ભાગે અક્ષુણ્ણ જ છે. કવિ નર્મદાશંકરના સમયથી ગદ્ય કંઈક ખેડાવા લાગ્યું છે. ચરિત્રનિરૂપણ તરફ પણ કંઈક લક્ષ દોરાયું છે. સંગીતકળા સંબંધી કંઈક કુતૂહલ ઉત્પન્ન થયું છે પણ, હજુ કરવાનું બહુ છે. બંગાળી ને મરાઠી સાહિત્યના મુકાબલામાં ગુૂજરાતી સાહિત્ય પછાત છે. એના સર્વદેશી વિકાસનો આધાર ગુર્જરભૂમિના પુત્રો હોવાનું અભિમાન ધરાવનારાઓ ઉપર છે. સાહિત્યના કાર્યક્ષેત્રમાં જાતિનો, જ્ઞાતિનો, ધર્મનો, કર્મનો કે વર્ણનો ભેદ નથી. હિન્દુ, પારસી, મુસલમાન સર્વે જેમની જન્મભાષા ગૂજરાતી છે, જેમના શિક્ષણનો પાયો ગૂજરાતીમાં નખાયો છે ને જેમનો વ્યવહાર મોટે ભાગે ગૂજરાતીથી ચાલે છે, તે પછી પારસી હો, હિન્દુ હો કે મુસલમાન હો, સૌએ સહોદર છે. બધાની ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષમાં સહકારિતા અપેક્ષિત છે. એક વખત સમશેર બજાવવામાં આગળ પડનાર મુસલમાનભાઈએ કલમપેશીમાં પાછળ પડવું યોગ્ય નથી. જૂની હિન્દીના શણગારરૂપ पदुमावती નામે વાર્તાકાવ્યનો કર્તા મુસલમાન જ છે. મુસલમાન રાજ્યકાળમાં ઉત્તર હિન્દુસ્તાનમાં એવા મુસલમાન કવિઓ અનેક થયા છે. હાલ પણ ઉત્તરમાં મુસલમાન શાયરો મશહૂર છે. જે લાભ ઉત્તર હિન્દુસ્તાનના મુસલમાનો હિન્દીને આપે છે, તે લાભની ગૂજરાતી ભાષા પણ અહીંના મુસલમાનભાઈઓ પાસેથી આશા રાખે તે બરહક છે. હિન્દુસ્તાનની ગાયનકળા મુસલમાન ઉસ્તાદોએ ખિલાવી સજીવન રાખી છે.

સાહિત્યમાં ભાષાની વિશુદ્ધિ અને એકતા

એવી જ ઉસ્તાદી ગુજરાતી સાહિત્ય ખિલાવવામાં આપણે તેમની માગીએ છીએ. આપણા ઉત્સાહી પારસીબંધુઓ તો સાહિત્યક્ષેત્રમાં આગળ જ છે. એમના અગ્રેસર લેખકોએ મરહૂમ કવિ દલપતરામે ગુર્જરીવાણીવિલાપમાં મૂકેલું આળ ખોટું પાડ્યું છે. તેમ છતાં ઘણા મલબારી, ઘણા તારાપોરવાળા, ઘણા ખબરદાર, ઘણા વાયુચક્રશાસ્ત્ર ચર્ચનાર, ઘણા ઈરાન આદિની તવારીખ લખનાર, ઘણા આરોગ્ય અને વૈદ્યકશાસ્ત્રનું ઉપયોગી જ્ઞાન ફેલાવનાર, ઘણા દેશપરદેશના રમૂજી અહેવાલ આપનારની સાહિત્યોપાસક ટોળામાં ભરતી કરવાને અને ભાષાની એકતા જાળવવાને જરૂર છે. પારસી ભાઈઓ અંગ્રેજીમાં કાબેલિયત મેળવવા જે મહેનત લે છે તે મુબારક છે; પણ તે મહેનતના ફળરૂપ તેમના જ્ઞાનનો લાભ ગુજરાતી બોલનારી સર્વ આલમ એકસરખી રીતે લઈ શકે એટલા માટે પારસી બોલીમાં નહિ પણ ગૂજરાતી ભાષામાં તેમના હાથે ગ્રન્થો લખાવા ઇષ્ટ છે. અમુક ભાગની કે અમુક કોમની બોલીમાં ગ્રન્થ લખાવાથી ભાષાની વિશુદ્ધિ જળવાતી નથી, લેખકટોળામાં ફૂટ પડે છે ને લેખનો લાભ સમસ્ત મંડળ લઈ શકતું નથી. આથી સાહિત્યની ભાષાની એકતા અને વિશુદ્ધિ જાળવવા હમેશાં સુધરેલા દેશોમાં લેખકો પોતે જ ભાષા પ્રત્યેની પૂજ્ય બુદ્ધિથી, સાહિત્ય પ્રત્યેના ગૌરવથી અને સ્વબંધુ પ્રત્યેના પ્રેમથી કાળજી રાખતા જોવામાં આવે છે. બ્રિટિશ દ્વીપોના એક ભાગનો હો કે બીજા ભાગનો, દેશી હો કે વિદેશી, યુરોપ ને અમેરિકાનો હો, એશિયા ને ઓસ્ટ્રેલિયાનો હો, ગોરો હો કે કાળો, જે કોઈ લેખક અંગ્રેજીમાં જ ગ્રન્થ લખવા પ્રવૃત્ત થાય છે, તે (King’s English) એટલે રાજરૂઢ અંગ્રેજીમાં જ લખે છે. પારસી બોલી મૂકી રૂઢ ગૂજરાતી ભાષા વાપરવી કંઈ પારસી ભાઈઓને મુશ્કેલ નથી. જે વાંચનમાળા હિન્દુ–મુસલમાનો શીખે છે, તે જ પારસીઓ શીખે છે. એ વાંચનમાળાથી સુરતી બોલીનું સુરતીપણું અને કાઠિયાવાડી બોલીનું કાઠિયાવાડીપણું ગયું છે. એ વાંચનમાળામાંથી કેળવાયલા પારસીઓની પારસી બોલીનું પારસીપણું ઘણે ભાગે ઘસાયું છે. પારસીઓમાં મગરૂર થવા જેવું એ છે કે, સ્ત્રીશિક્ષણનો બહુ સારો ફેલાવો છે. પારસી બાળકીઓ અને હિન્દુ બાળકીઓ એક જ વાંચનમાળા વાંચે છે. આ જોતાં સામયિક અને જાથુ સાહિત્યમાં પારસી બોલીના આયુષ્યનો વરતારો ટૂંકો જણાય છે. પણ એ વસ્તારો સાચો પાડવાનું પારસી લેખક મંડળના હાથમાં છે. પારસી રોજિદાં પત્રોના માલિકોના હાથમાં છે, જ્ઞાન પ્રસારક સભા જેવી સંસ્થાઓના હાથમાં છે. આશા છે કે, કેળવાયલા ઉત્સાહી પારસી ભાઈઓ જમાનાના ઝોકને માન આપશે.

ધર્મરંગે રંગાયલા સાહિત્યનો સમય ગયો છે

પારસી ભાઈઓ રૂઢ ગૂજરાતી ભાષા વાપરતા થાય, તેની સાથે ગુજરાતી ભાઈઓએ પણ સાહિત્યની દિશામાં એક અગત્યનો ફેરફાર કરવાની જરૂર છે. કેવળ પૌરાણિક (Mythological) સાહિત્યને પડખે શુદ્ધ સંસારી સાહિત્ય તેમણે ખેડવું જોઈએ, જેમાં પૌરાણિક કથાઓથી અજાણ્યા પારસી અને મુસલમાન ભાઈઓ સરખો આનંદ લઈ શકે. આની શરૂઆત થઈ ચૂકી છે. કેવળ ધર્મના રંગે રંગાયલા સાહિત્યનો સમય વીત્યો છે. એક સમય એવો હતો કે, જ્યારે સર્વ ઉપદેશ અને સર્વ જ્ઞાન આપવાનું દ્વાર ધર્મ હતો, પ્રતીતિ શ્રદ્ધા ને પ્રીતિ ઉપજાવનારો માર્ગ દેવકથા હતી, રુચિ અને આદર પ્રગટાવવાનો પ્રકાર અદ્ભુત કથન હતું. સમયબળને અનુસરી આરોગ્ય સંરક્ષણાર્થે સ્નાનશૌચાદિના સામાન્ય નિયમ ધર્મનું અંગ બન્યા; દેશાટનનો લાભ આપનારું તીર્થમાહાત્મ્ય શત શાખાએ વિસ્તર્યું; નીતિનો બોધ દેનારાં અનેક અદ્ભુત ઉપાખ્યાનો ઉદ્ભવ્યાં; અને જ્ઞાનનિર્વાણનો માર્ગ સર્વને માટે ખુલ્લો મૂકનાર ઐતિહાસિક બુદ્ધ ભગવાન ઈશ્વરાવતાર બન્યા. એ જમાનો આજ નથી. જૂના જમાનાએ ‘શીલવતીનો રાસ’ને અને ‘રોષદર્શિકા’ને જન્મ આપ્યો. તો નવો જમાનો ‘સરસ્વતીચંદ્ર’ને અને ‘કાન્તા’ને જન્મ આપે છે. ભૂતકાળમાં વ્યક્તિની સ્તુતિના રાસા અને પ્રબંધો રચાતા, તો વર્તમાનકાળમાં સામાજિક સ્થિતિના ઇતિહાસ લખાય છે. પ્રાચીન યુગમાં ધર્મના સંગ્રહાર્થે સાધુઓના મહાન સંઘો મળતા, ત્યારે અર્વાચીન સમયમાં નાગરીપ્રચારિણી સભા, એક લિપિપ્રચારિણી પરિષદ, સાહિત્ય પરિષદ જેવાં મંડળ ભિન્ન ભિન્ન ભાષાનાં સાહિત્ય સર્વમાન્ય કરવા, પોતાનું ભૂતપૂર્વ સાહિત્ય સંગ્રહવા, પ્રવર્તમાન સાહિત્યનો સર્વતોમુખ વિકાસ સાધવા સ્થળે સ્થળે મળે છે.

પૂર્વનું ઉત્તેજક અને પશ્ચિમનું પોષક સાહિત્ય

આવા મેળાવડાનું સાર્થક્ય ક્યારે કે, જ્યારે અશ્વિનોએ ચ્યવન ભાર્ગવમાં નવું જીવન પ્રેર્યું હતું તેવું નવું જીવન વૃદ્ધોમાં પ્રેરાય અને રાજર્ષિ વિશ્વામિત્રના સાહચર્યમાં રામલક્ષ્મણ જેમ વીરચર્યામાં ઉદ્યુક્ત થયા તેમ યુવકો પોતાનું પરાક્રમ પ્રકાશવા પગભર થાય. આરંભ મહાન છે. ખંડેર ફરી વસાવવાનાં છે, ઉજ્જડ પ્રદેશ આબાદ કરવાનો છે, નવાં થાણાં નાખવાનાં છે, આપણને ગૂંગળાવી નાખતી આલંકારિકોની કિલ્લેબંધી આપણે તોડી પાડવાની છે, સાહિત્યના ઉદ્યાનમાં જડ નાખી વધેલા નિંદ્ય રોપાઓ નીંદી કાઢવાના છે, ભયંકર પ્રાણીઓની આશ્રયભૂત ઝાડી સાફ કરવાની છે, તૃષા છિપાવનારાં જળાશયો ખણવાનાં છે, આબાદી વધારનારી નહેરો ખોદવાની છે, ઉત્પન્નની આપ-લે સરળ કરનારા માર્ગો ઉઘાડવાના છે. આ કામમાં આપણા પૂર્વજો પીઠ પૂરી રહ્યા છે. કાવ્યક્ષેત્રમાં નવો વિજય મેળવવાને આદિકવિ વાલ્મીકિ આપણને કોકિલકંઠથી તેડે છે. આર્થિક વિદ્યાઓને પુનરુજ્જીવન આપવાને આરણ્યક પાલકાવ્ય હસ્તીના નિર્ઘોષથી પુકારે છે. કુમાર સુકળાઓને ખિલાવવાને વીણા સારતા નારદ સાથે નાટ્યમુનિ ભરત સંજ્ઞા કરે છે. રસાયનાદિક વિદ્યાનો રાગ જગાડવાને વીતરાગ નાગાર્જુન પ્રબોધે છે. સાહિત્યના રાજ્યનો વિસ્તાર કરવાના પ્રયાસમાં સહાયભૂત થવા અનેક અક્ષરદેહધારી સાહિત્યવીરો વ્યૂહબદ્ધ આપણી પીઠે તત્પર ઊભા છે. જેઓમાં આપણા માજી પ્રમુખ માગ મુકાવી મોખરે આવી ઉત્સાહપૂર્ણ મુખમુદ્રાથી આપણને ઉત્તેજે છે. વળી આ તરફ આપણા મહાન રાજકર્તા આપણને આગળ દોરવા સન્મુખ તૈયાર છે. બૅકન ને સ્પેન્સરની સરદારી નીચે તત્ત્વક્ષેત્રમાં ઘૂમો. શેક્સપિયર, મિલ્ટન અને ટેનિસનની સહાયતાથી કાવ્યક્ષેત્રમાં આગળ ધસો. પોપ, ગ્રિમ અને મેક્સમૂલરના અગ્રેસરપણામાં શબ્દવિદ્યા અને પૌરાણવિદ્યાના અજાણ્યા પ્રદેશ સર કરો. આ અને બીજા વિષય હાથ કરવામાં સાહાય્ય આપવા પશ્ચિમના વીરોની સેનાઓ સજ્જ જ છે. વિજય મેળવવામાં કોઈનો પ્રતિરોધ નથી. પ્રતિરોધક કહીએ, તો તે આપણું આલસ્ય જ છે, આપણો પ્રમાદ જ છે, આપણી કર્તવ્યવિમુખતા જ છે, આપણી હૃદયભીરુતા જ છે, આપણો અનુત્સાહ જ છે. આલસ્ય મરડો મા, આલસ્યને જ મરડી નાખો. પ્રમાદ ખાઓ મા, પ્રમાદને જ ખાઈ જાઓ. પ્રવૃત્તિધર્મની ભગવદ્ગીતોપનિષદનો નિત્યપાઠ જ્યાં થાય છે, ત્યાં અનુત્સાહ ક્યાંથી, હૃદયભીરુતા શી, કર્તવ્યવિમુખતા કેવી? જેના મનમાં રાષ્ટ્રને પ્રબોધવાની ઊર્મિ છે, તેને ઊંઘવાનું નથી; જેના મગજમાં કંઈ નવું ઉત્કર્ષક કહેવાની પ્રેરણા છે, તેને મૌન ધારવાનું નથી; જેની પ્રતિભામાં વીજળિક શક્તિના અંશ ઝણઝણે છે તેને જડવત્ બેસી રહેવાનું નથી. આપણામાં સમર્થ નરનો તોટો ન હોવો જોઈએ.

આપણી શારદાપીઠના પદવીધારી નરો

પ્રતિવર્ષ આપણી શારદાપીઠમાંથી પદવીધારી નરો સંખ્યાબંધ બહાર પડે છે. આ આપણા વીરો શું નિર્વીર્ય છે? નહિ જ નહિ. ત્યારે શું એમ છે કે કોઈ પૂછે તો જ સહદેવ જોષીની પેઠે તેમના જ્ઞાનનો તેઓ આપણને લાભ આપે? ના ના, તેમ ન હોય. ત્યારે તો એક જ દિશામાં તર્ક દોડે છે. સીતાજીની ભાળ કાઢવા નીકળેલા મહાવીરો અરણ્ય ને પર્વત ઓળંગતાં ઓળંગતાં દક્ષિણ મહાસમુદ્રને તીરે જઈ પહોંચ્યા, ત્યારે નલનીલ સાથે હનુમાન પણ શોચ કરવા લાગ્યા કે હવે શું કરવું? આ મહાસમુદ્ર શે ઓળંગાય? તે ક્ષણે વિચક્ષણ જાંબુવાને મારુતિને તેમના સામર્થ્યનું સ્મરણ કરાવી ઉત્સાહપૂરતાં વચનથી કહ્યું કે, “કવિરાજ! તમે પણ આમ શોચ કાં કરો છો? તમારે તો આ મહાસમુદ્ર ગોષ્પદ માત્ર છે.” આવી કોઈ જાતની સ્મૃતિ આપણી શારદાપીઠના વીરોને આપવાની જરૂર હોય તો કોણ જાણે! એમનામાં નિગૂઢ સામર્થ્ય છે. એઓ ચાહે તો એક વખત મહાન શંકરાચાર્યે આકાશમાર્ગે ચાલી જતી સરસ્વતીને યોગબળે આકર્ષ્યાનું કહેવાય છે તેવી રીતે આ વીરો પણ દ્વીપાંતરમાં જઈ વસેલી સરસ્વતીને અને તેની પૂંઠે લક્ષ્મીને પણ એમની વિદ્યાના બળે આકર્ષી લાવે. જે પશ્ચિમમાં છે તે પૂર્વમાં નથી, એવું કેટલું બધું તેઓ અહીં વસાવી શકે એમ છે? બાળશિક્ષણ, સાર્વજનિક આરોગ્ય, પ્રતિનિધિ-સત્તાક રાજ્ય આદિ ખાસ પશ્ચિમના જ કહેવાતા વિષયમાં કેટલું ઉપયોગી જ્ઞાન આપવાનું તેમને સહજ છે? પશ્ચિમના જનસમાજમાં ઉદ્ભવ પામેલી હિતકારક યોજનાઓ આ દેશના જનસમાજને અનુકૂળ કરવાનું એમનાં અવલોકન અને અનુભવની સત્તાની બહાર નથી. રસાયનવિદ્યાનો ઉપયોગ અપવાદભૂત પ્રો. ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર અને તેમના શિષ્યો સિવાય કેટલાએ ઔદ્યોગિક અભિવૃદ્ધિમાં કર્યો? પ્રાચીન મહાકવિની સૃષ્ટિનાં ભવ્ય ચિત્રોનો ઉપયોગ સદ્ગત ચિત્રકાર રવિવર્મા ઉપરાંત કેટલાએ હૃદયદ્વાવક ચિત્રકળાની ખિલવણીમાં કર્યો? મિલ, ફોસેટ ને સિજવિકના લેખનું રટણ કરી, મિ. રાનડે કે સર ફિરોજશાહ, આ.મિ. ગોકલદાસ કે મિ. ગોખલે જેવા અથવા તો દી.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ કે આ.મિ. ચીમનલાલ હરિલાલ સેતલવાડ જેવા આર્થિક પ્રશ્નોના ચિંતક કેટલા ઊભા થાય? અંગ્રેજીનો અક્ષર પણ ન ભણનાર સદ્ગત ભગવાનલાલ ઇન્દ્રજી શોધખોળમાં યુરોપિયન શોધકોની દમોદમી કરે, એક પરીક્ષા પસાર ન કરનાર રા.બ. રણછોડલાલ છોટાલાલ સી.આઇ.ઇ. શહેરસુધારાના અટપટા સવાલોનો નિર્ણય આણે, મધ્યમ દરજ્જાની કેળવણી ધરાવનાર સદ્ગત દી.બ. મણિભાઈ જસભાઈ સ્ત્રીકેળવણીનો વિષય હાથ લે અને આપણા પદવીધારી બંધુઓ તેમાં ચંચુપાત પણ ન કરે એમ કાંઈ હોય? સદ્ગત રા.સા. મહિપતરામ રૂપરામ નીલકંઠ હરકોઈને જેવું આવડે તેવું લખવાને પ્રેરતા. તેમને કોઈ ન આવડવાનું નામ દેતું તો તેઓ ભાર દઈને કહેતા કે, ‘ન કેમ આવડે? લખો એટલે આવડશે.’ માટે આ બંધુઓ પ્રત્યે એટલું જ કહેવું છે કે શરમાઓ નહિ, સંકોચ ખાઓ નહિ, પોતાને તુચ્છ લેખો નહિ. તમારી પાસે મૂલ ન થાય એવું ધન છે. તમે તેને અનુભવથી ઓળખાવો; તમે તેને અવલોકનથી ખિલાવો; તમે તેને ઉપયોગથી બહલાવો ને પછી એ ધન તમે તમારા ઓછા ભાગ્યશાળી અશિક્ષિત અથવા અલ્પશિક્ષિત બંધુઓને આવકારદાયક થાય એવા રૂપમાં આપો. આપણું લખાણ નામ અમર કરે એવું ન હોય તેની પરવા નહિ. કીર્તિ એ પ્રવૃત્તિનું પ્રવર્તક તત્ત્વ નથી. પ્રવર્તક તો કર્તવ્ય છે. કર્તવ્યની પરિસમાપ્તિ કર્તવ્યમાં જ છે; તેનો કર્તવ્યથી ભિન્ન અન્ય ઉદ્દેશ છે નહિ. માતાપિતા સંતાનને ઉછેરે છે, રાજા પ્રજાને પાળેપોષે છે, શ્રીમાન અનાથની સંભાળ લે છે. શેરીમાં રમતા નાના બાળકને રસ્તે જનાર ગાડીઘોડાના ઝપાટામાંથી ઉગારી લે છે ને નદીમાં તણાતાને તરી જાણનાર તારે છે. એ પ્રત્યેક પ્રત્યેકનું પોતાનું કર્તવ્ય છે ને તે કરે છે. કરનાર સ્વધર્મ બજાવે છે એ જ એનું ગૌરવ છે. ન કરનાર સ્વધર્મમાં ચૂકે છે ને દોષિત થાય છે.

આપણા શિક્ષિત મહેતાજીઓ

પદવીધારી સુશિક્ષિત પુરુષો મોટાં શહેરોમાં વહેંચાયલા છે; પણ શિક્ષણશાસ્ત્ર ને શિક્ષણકળાનાં પ્રમાણપત્ર ધારણ કરનારા ગુજરાતી મહેતાજીઓ બધા દેશમાં ફેલાઈ ગયેલા છે. તેમનો અવકાશનો સમય જે તેમને ગામડામાં ભારે પડતો થઈ પડે છે ને જે તેઓ હલકી, ખટપટ કે તુચ્છ કારભારમાં ગુમાવે છે, તેનો તેમના પોતાના હિતને માટે ને તેમના બંધુઓના હિતને માટે સદુપયોગ કરવા ધારે, તો અનેક માર્ગ છે. જૂના સાહિત્યનો સંગ્રહ કરવાની, સમાજના આચારવિચારનું અધ્યયન કરવાની, મનુષ્યકુળની ખાસિયતનું અવલોકન કરવાની, જે મંડળમાં તેમનું જીવન નિર્માયું છે તેમને જ્ઞાન અને સાહિત્યનો રસ લગાડવાની, તેમની વૃત્તિઓ કેળવવાની, તેમને ઉચ્ચ ભાવનાઓ અર્પવાની અને તેમને સર્વ પ્રકારે પોતાની વિદ્યાનો, શક્તિનો અને સહૃદયતાનો લાભ આપવાની તેઓ અસાધારણ અનુકૂળતા ધરાવે છે. બાળકેળવણી એ તો તેઓ જે વેતન ખાય છે તેનો બદલો છે. જનસમાજના શિક્ષિત સામાજિક તરીકેના નિજ કર્તવ્યનો તેમાં સમાસ થઈ જતો નથી. કુટુંબમાં રહી કૌટુંબિકોની ઉપેક્ષા કરે તે સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે; તેવી રીતે સમાજમાં રહી સામાજિક બંધુઓ પ્રત્યે બંધુકૃત્યમાં જે પ્રમાદ કરે છે તે જનસમાજનો દેવાદાર રહે છે અને સર્વ સમાજના પરમ અધ્યક્ષ જગદીશ્વરનો અપરાધી બને છે. જનસમાજ એક સહકારી સંસ્થા છે. એ સંસ્થાના સહકારધર્મથી શિક્ષિત–સુશિક્ષિત, સાધનસંપન્ન કે સાધનરહિત એકસરખા બંધાયલા છે.

સાધનસંપન્ન બંધુઓ અને સાહિત્યપીઠની યોજના

સ્વાગતમંડળના ઇતિહાસરસિક અધ્યક્ષ શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી શોધખોળમાં અને ઐતિહાસિક સંગ્રહમાં પોતાની સમૃદ્ધિનો સદુપયોગ કરી રહ્યા છે. શેઠ ગોકળદાસ તેજપાળ, શેઠ મંગળદાસ નથુભાઈ, શેઠ પ્રેમચંદ રાયચંદ, સર જમશેદજી જીજીભાઈ, સર કાવસજી જહાંગીરજી, શેઠ જમશેદજી નસરવાનજી તાતા વગેરે મુંબઈના ધનાઢય ગૃહસ્થોની ઉદારતાની પિછાન આપવી તે સૂર્યચંદ્રને ઓળખાવવા જેવું ગણાય. તેમણે કેળવણીની અભિવૃદ્ધિ માટે બહુ કર્યું છે. પણ સાહિત્યની સેવામાં પોતાનું સર્વ ધન સમર્પનાર ને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને છેવટની વારસદાર ઠરાવી જનાર તો સુરતના સદ્ગત શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ જ છે. સાધનરહિત બંધુઓને માટે સાધનસંપન્ન ગૃહસ્થો પુસ્તકશાળા ને વાચનશાળા ઉઘાડે છે. તેને માટે તેમને અભિવંદન આપવું ઘટે છે. તેની સાથે પુસ્તકશાળાનો પુસ્તક-સંગ્રહ મૂલ્યવાન બનાવવા અને વાચનશાળાનું વાંચન વજનદાર કરવા. સાહિત્યને ઉત્તેજન આપવા સંયુક્ત ભંડોળ ઊભું કરવાની તેમને વિનંતિ છે. ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રવૃત્તિ તેના બંધારણને લીધે એકદેશી છે. ફાર્બસ સભાની પ્રવૃત્તિની દિશા કંઈ ભિન્ન છે. પરંતુ તે પણ સર્વતોમુખ નથી. સાહિત્ય સભામાં ઉત્સાહ છે ત્યારે સાધન નથી. આ ખોટ પૂરી પાડવા સર્વતોમુખ ઉત્તેજન આપનારી સાધનસંપન્ન સાહિત્યપીઠ સ્થાપવાની જરૂર છે, જે વિશુદ્ધ ભાવનાવાળું અને ઉપયોગી જ્ઞાનવાળું અલ્પમૂલ્ય સાહિત્ય એકેએક ગામ જ્યાં ગુજરાતી નિશાળ હોય ત્યાં મફત છૂટથી વહેંચી સાહિત્યની ગંગા આંગણે વહેતી કરે, જે વધારે મૂલ્યનાં પુસ્તકોની અવેતન જંગમ પુસ્તકશાળા સ્થાપી સંગીન જ્ઞાનનો પ્રચાર કરે, જે ભાષણોથી ને નિબંધોથી લોકોનાં હૃદય કેળવે અને સત્પ્રવૃત્તિનો સદુપયોગ જાગૃત કરે, જે સ્વકાર્યરસિક પગારદાર પુરુષો દ્વારા શોધખોળ ચલાવે; ટૂંકામાં સાહિત્યની સંગ્રાહક, સંરક્ષક, સંવર્ધક, પ્રચારક ને અધ્યાપક મંડળી નીવડે, આવી સાહિત્યપીઠની સ્થાપના લક્ષ્મીના વિશ્રામભૂત ઉત્તમ પુરુષોના હાથમાં છે.

વાચકવર્ગ તરફથી સાહિત્યને આવકારની જરૂર છે

સાધનરહિત બંધુઓ પણ સાહિત્યની વૃદ્ધિને માટે બહુ કરી શકે એમ છે. જેમને અક્ષરજ્ઞાન છે તેઓ સારું સાહિત્ય વાંચે, તે પણ સાહિત્યની એક અંશે કૃતાર્થતા છે; સારાં ભાષણોને અને સારા લેખોને આવકાર આપે, તે પણ તેની કદર છે; બુદ્ધિનો ઉપયોગ કરી સારાનરસાનો વિવેક કરે, તે પણ ઉત્તેજન છે. આટલું કરે તો વાંચનાર ક્યાં છે, સાંભળનાર ક્યાં છે, સમજનાર ક્યાં છે, કદર બૂજનાર ક્યાં છે એ જે ફરિયાદ ઉઠાવવામાં આવે છે, તે દૂર થાય.

સમષ્ટિ-શ્રેય માટે વ્યષ્ટિ-પ્રવૃત્તિ

આ રીતે સાહિત્યની અભિવૃદ્ધિમાં સર્વની પ્રવૃત્તિને સ્થાન મળે છે. સાહિત્યના ક્ષેત્રમાં કોઈનો બહિષ્કાર નથી. સર્વનો સહકારી ઉદ્યોગ સ્વીકાર્ય છે. સત્સંગીનું મંદિર જ્યારે બંધાય છે, ત્યારે કોઈ સત્સંગી ઈંટો ઉપાડી કે તગારાં વહી શરીર વહેવરાવે છે; કોઈ સત્સંગી પથ્થર ઘડે છે, વેરે છે કે કોરે છે; કોઈ ઇમારત આંકે છે તો કોઈ પાયા ખોદે છે, કોઈ ચણતર ચણે છે તો કોઈ ચિત્રનું કામ કરે છે; કોઈ સર્વના ઉપર દેખરેખનો ભાર ઉપાડે છે, તો કોઈ ખરચનો ભાર માથે લે છે. સર્વ પોતાના ગજા પ્રમાણે કાર્યભાગ બતાવી ઉત્સાહ પ્રદર્શિત કરે છે. એ નાનામોટા સૌ પુણ્યના સરખા અધિકારી છે. સર્વ કર્મના સાક્ષી પરમ પુરુષની દૃષ્ટિમાં સૌનો પ્રયાસ સરખો આવકાર પામે છે. એ ભારવાહક, એ કર્મકર, એ શિલ્પી, એ સૂત્રધાર, એ સમવેક્ષક, એ ધનદાતા, સંસારી પાળા કે સાધુ સૌ આ મહાન કાર્યમાં પોતાના વ્યષ્ટિજીવનને સમષ્ટિજીવનમાં હોમે છે. આવી સ્વધર્મપરતા, આવી સમષ્ટિશ્રેયની ભાવના, આપણું સાહિત્યમંદિર બાંધવાને સરસ્વતીના સત્સંગીઓમાં ઇષ્ટ છે. કાર્યક્ષેત્ર ક્યાં નાનું છે? સૌને માટે પોતપોતાની યોગ્યતા અનુસાર પ્રવૃત્તિના અનેક માર્ગો ખુલ્લા છે. સ્વલક્ષણવતી કવિતા રચવાની પ્રતિભા ધરાવનાર કવિને ઘણા પ્રદેશ અક્ષુણ્ણ છે. તેમાં જ તે ઘૂમે એમાં સાહિત્યને લાભ છે. જેનાથી સ્વકલ્પિત લેખ નથી લખાતો, તેને માટે બીજી ભાષામાંથી અનુવાદનો માર્ગ ઉઘાડો છે. કેવળ સ્વભાષાનિષ્ઠ ને સ્વભાષામાં ઘણું યે કરવાનું છે. અનેક પુસ્તકો ઊધઈ ખાય છે અથવા પટારામાં કે પોથીમાં અંધારામાં પડ્યાં છે, તેમનો ઉદ્ધાર કરવાનો છે. લોકગીત, લોકવાર્તા, રાસા-પવાડા, સિક્કા ને શાસનપત્ર–શિલાલેખો ને પાળિયા, વહી ને દસ્તાવેજો સંગ્રહનારા પ્રયત્નની વાટ જુએ છે. હૃદયચક્ષુથી જોનારને લોકનાં રીતરિવાજો, વહેમો અને રૂઢ સંસ્કારો અવલોકન માટે તૈયાર છે. વિદ્યાના રસિકને નાનાં નાનાં પ્રદર્શનો માટે સાધનો ચોતરફ વેરાયલાં છે. પ્રતિમાવિધાન, ચિત્રવિધાન, સંગીતપરિચય આદિ અનેક કળાઓનો નિરાંતે એકાંતમાં અભ્યાસ થઈ શકે એમ છે. સરસ્વતીની સેવાના માર્ગ અનેક છે, જ્યારે દેવપૂજનના પ્રકાર આઠ જ છે. એક એક માર્ગ અનેક ઉપાસકોને યાવજ્જીવ વ્યાપૃત રાખે એવો વિશાળ છે. શ્રદ્ધાળુ સેવકોના લખલૂટ ધર્મદાયનું શ્રીજીના મુખવાસનું તાંબૂલ બને છે તેમ પણ છે ને વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ પણ ભગવાનને બહુ પ્રિય છે તેમ પણ છે. સરસ્વતીદેવીને પણ ઉપાસકોની ખરા હૃદયની સેવા સ્વીકાર્ય છે.

અસત્પ્રવૃત્તિ ને તામસીવૃત્તિ અનિષ્ટ છે

આ મહા ઉદ્યોગમાં સંભાળવાનું એક જ છે. અસત્પ્રવૃત્તિ સાહિત્યમાં વર્જ્ય છે, તામસી વૃત્તિ અનિષ્ટ છે, માટે આ પ્રવૃત્તિમય સંસારના સ્વામીનો અનુગ્રહ ઇચ્છી, તે પ્રવૃત્તિના પ્રેરકને પ્રાર્થના એટલી જ છે કે– असतो मां सद्गमय । तमसो मां ज्योतिर्गमय । ओम् शांतिः शांतिः शांतिः।

* * *