પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી વિનોદ ભટ્ટ


આડત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી વિનોદ ભટ્ટ

ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. વિનોદ ભટ્ટનો જન્મ ૧૪મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ દહેગામ તાલુકાના નાંદોલ ગામે થયો. ૧૯૫૫માં એસ.એસ.સી.; ૧૯૬૧માં બી.એ.; ૧૯૬૪માં એલએલ.બી. થયા. વીસેક વર્ષ સુધી વેચાણવેરામાં કામ કર્યું. થોડા સમય આવકવેરા વિભાગમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૯૭થી તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. હાલ તેઓ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે. વિનોદ ભટ્ટે વિવિધ વાચનસામગ્રી પીરસતાં પુસ્તકો આપ્યાં છે. સાહિત્યક્ષેત્રે તેમણે પ્રવેશ કર્યો, ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) પુસ્તકથી. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’ (૧૯૭૨)માં તેમની સર્જકપ્રતિભા પ્રગટ થાય છે. સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે તેમણે મહત્ત્વનું કામ કર્યું છે. ગુજરાતી દૈનિક ‘સંદેશ’માં ૩૨ વરસ સુધી તેમની કૉલમ ‘ઇદમ્ તૃતીયમ્’ નિયમિત પ્રગટ થતી હતી. જે લોકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. ત્યાર પછી ‘ગુજરાત સમાચાર’માં ‘મગનું નામ મરી’ નામે કૉલમ લખતા હતા. તે પણ લોકપ્રિય રહી હતી. ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં ‘વિનોદની નજરે’ શીર્ષકથી તેમની કૉલમ ચાલે છે. આ કૉલમોમાં વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. તેમનું બીજું મહત્ત્વનું કાર્ય તે તેમણે કરેલાં સંપાદનો છે. વિનોદ ભટ્ટ એમ કહે છે કે ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે.’ આમ તો એમનાં સંપાદનો હાસ્યસાહિત્યનાં જ છે; પરંતુ ‘શ્લીલ-અશ્લીલ’ (૧૯૬૭) અને ‘સારાં જહાં હમારાં’ (૧૯૮૫) – આ સંપાદનો જુદી ઢબનાં છે. અનુક્રમે પ્રથમ સંપાદનમાં અશ્લીલતાના પરિણામે વગોવાયેલી કેટલીક વાર્તાઓ છે અને બીજામાં એમના મિત્ર શેખાદમ આબુવાલાએ જુદાંજુદાં વર્તમાનપત્રોમાં લખેલા લેખોમાંથી વિનોદ ભટ્ટે ચૂંટેલા લેખોનું સંપાદન છે. ‘ગુજરાતની હાસ્યધારા’ (૧૯૭૨) અને ‘હાસ્યાયન’ (૧૯૭૮)માં જુદા-જુદા લેખકોની હાસ્યરચનાઓ છે. ‘જ્યોતીન્દ્ર દવે’ (૧૯૮૧), ચિનુભાઈ પટવા ‘ફિલસૂફ’ (૧૯૮૧), મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ (૧૯૮૨), ‘તારક મહેતા’ (૧૯૮૩૨), ‘ધનસુખલાલ મહેતા’ (૧૯૮૨) અને ‘વિનોદ ભટ્ટ’ (૧૯૮૩) – એમણે કરેલી શ્રેષ્ઠ હાસ્યરચનાઓની શ્રેણીનાં આ પુસ્તકો છે. હાસ્યમાધુરી શ્રેણી અંતર્ગત બંગાળી (૧૯૮૫), મરાઠી (૧૯૮૫), ઉર્દૂ (૧૯૮૫), હિન્દી (૧૯૮૬), ગુજરાતી (૧૯૮૭) અને વિદેશી (૧૯૮૭) – વગેરે વિવિધ ભાષાના સાહિત્યમાંથી પસંદ કરેલી હાસ્યરચનાઓ એમાં સમાવિષ્ટ પામી છે. ‘નવનીત-સમર્પણ’ એ ગુજરાતી સાહિત્યનું શિષ્ટ સામયિક છે. તેમાં પ્રગટ થયેલી હાસ્યરચનાઓનું તેમણે ‘હાસ્ય-નવનીત’ નામે સંપાદન કર્યું છે. એમનાં આ બધાં જ સંપાદનોમાંથી હાસ્યપ્રેમ પ્રગટ થતો જોવા મળે છે. ‘ઇદમ્ તૃતીયમ્’ અને ‘ઇદમ્ ચતુર્થમ્’માં તેમની સર્જકતા બરાબર ખીલી ઊઠી છે. એમણે રેખાચિત્રોનું પુસ્તક આપ્યું ‘વિનોદની નજરે’ (૧૯૭૯). જેમાં તેમણે પોતાની આગવી શૈલીથી વ્યક્તિઓનો પરિચય કરાવ્યો છે. તેમાં ક્યાંક-ક્યાંક હળવી રમૂજ પણ નજરે પડે છે. ગુજરાતી હાસ્ય-સાહિત્યમાં આ પુસ્તક અનોખી ભાત પાડે છે. તો ઐતિહાસિક પાત્રોનું આલેખન પણ હળવી શૈલીમાં તેમણે ‘અને હવે ઇતિ-હાસ’ (૧૯૮૧)માં કર્યું છે. તેમજ ‘ગ્રંથની ગરબડ’ અમદાવાદ વિશેનો ઐતિહાસિક પરિચય છે. તેમને અમદાવાદ માટે ભારે લગાવ છે. વળી વિનોદ ભટ્ટની રમૂજવૃત્તિ એવી સરસ છે કે એ જ્યારે કોઈ સ્થળ વિશે લખતા હોય તો એ સ્થળની વિશિષ્ટતા પણ હળવી શૈલીમાં રજૂ કરે છે. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ (૧૯૮૭) એ તેમનું વિનોદી શૈલીમાં લખાયેલું પુસ્તક છે. ‘વગેરે… વગેરે… વગેરે’ (૧૯૯૨) તથા ‘અથથી ઇતિ’ (૧૯૯૨) તેમના હાસ્યનિબંધના સંગ્રહો છે. મૃત્યુની અદબ જાળવીને તેમણે ‘પ્રભુને ગમ્યું તે ખરું’ (૧૯૯૭) એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક આપ્યું છે. વિનોદ ભટ્ટે ‘એવા રે અમે એવા’ (૧૯૯૯) એ નામથી આત્મકથા આપી છે. તેમનો અનુભવ, જીવન અને જગત વિશેનો તેમનો હકારાત્મક અભિગમ જોવા મળે છે. વિનોદ ભટ્ટે માત્ર ગુજરાતી સાહિત્યના સર્જકોના પરિચય આપતી પરિચય-પુસ્તિકાઓ આપી છે એમ નહીં તેમણે પશ્ચિમના સાહિત્યકારો વિશેની પરિચય-પુસ્તિકાઓ પણ આપી છે. જેમાં ‘શેખાદમ… ગ્રેટાદમ’ (૧૯૮૫), ‘નર્મદ : એક કૅરેક્ટર’ (૧૯૮૯), ‘સ્વપ્નદ્રષ્ટા મુનશી’ (૧૯૮૯), ‘હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે’ (૧૯૮૯), ‘કૉમેડીકિંગ ચાર્લી ચેપ્લીન’ (૧૯૮૯), ‘ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્ડ શૉ’ (૧૯૯૦) અને ‘એન્ટન ચેખોવ’ (૧૯૯૪) – લેખકની વિશિષ્ટ ચરિત્રશક્તિનો પરિચય કરાવતી પુસ્તિકાઓ છે. ‘આંખ આડા કાન’ અને ‘વિનોદલક્ષી વ્યક્તિચિત્રો’ તેમના નિબંધસંગ્રહો છે. પૂર્વ અને પશ્ચિમની હાસ્યવિચારણાને રજૂ કરતું ‘વિનોદવિમર્શ’ (૧૯૮૫) પુસ્તક છે. તેમણે પૂર્વ અને પશ્ચિમની હાસ્યવિચારણાને આત્મસાત્ કરી હોય તેમ આ પુસ્તક વાંચતાં લાગે છે. હાસ્યના વિવિધ પ્રકારો વિશેની પણ તેમની જાણકારી દૃષ્ટિગોચર થાય છે. તેમની વિવેચનશક્તિનો પરિચય આ કૃતિ દ્વારા ઠીક ઠીક થયો છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોમાં લખાયેલાં ઉત્તમ પુસ્તકોને પારિતોષિક આપે છે. તેમને ૬ પારિતોષિકો મળ્યાં છે. તેમનાં ‘ઇદમ્ ચતુર્થમ્’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ (૧૯૭૪) મળ્યું છે. ‘વિનોદની નજરે’ પુસ્તકને ૧૯૭૬માં કુમારચંદ્રક મળ્યો હતો. હાસ્યસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરવા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૮૯માં મળ્યો હતો. એમનાં પુસ્તકો ભારતીય ભાષામાં અનૂદિત થયાં છે. તેમાંના ૬ પુસ્તકો હિન્દીમાં અને ૨ પુસ્તકો સિંધી ભાષામાં અનુવાદ પામ્યાં છે. ૧૯૯૫માં જામનગરમાં આડત્રીસમું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. વક્તવ્ય સાહિત્યપ્રિય સન્નારીઓ અને સજ્જનો, ૧૯૩૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રથમ વાર થયા ત્યારે કનૈયાલાલ મુનશીએ પ્રમુખસ્થાનેથી કહ્યું હતું : ‘આજે આ સ્થાન સ્વીકારતાં હું સંકોચ અનુભવું છું. આ તો સાક્ષરશ્રી ગોવર્ધનરામથી માંડી મહાત્મા ગાંધી સુધીના ગુજરાતી સાહિત્ય અને જીવનના ચક્રવર્તીઓનું સ્થાન છે, એટલે અહીં બેસતાં હું આજે અણઅનુભવ્યો ક્ષોભ અનુભવું છું.’ અને હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેએ પ્રમુખની ખુરસી પર બેસતાં વિસ્મયનો ભાવ પ્રગટ કર્યો હતો. પણ પ્રામાણિકપણે કહું તો આજે હું સંકોચ અને વિસ્મયને બદલે એક જ ભાવ અનુભવું છું ને તે પ્રસન્નતાનો. એનું કારણ એ છે કે સાહિત્ય પરિષદની એ પરંપરા રહી છે કે પ્રમુખ તરીકે બુઝર્ગ, જ્ઞાન-વૃદ્ધ, ઠરેલ, મેધાવી ને વિદ્વાન સાક્ષરની વરણી કરવી. આ પરંપરા મેં તોડી છે. અગાઉ મેં કહ્યું છે કે હાસ્ય એ મારો પહેલો પ્રેમ છે એટલે મારા મતે હાસ્યને જ આજે સાહિત્યપરિષદનું પ્રમુખ-સ્થાન મળ્યું છે. મારા પહેલાં આપણા બે સમર્થ હાસ્યકારો પરિષદનું પ્રમુખપદ મેળવી ચૂક્યા છે. રમણભાઈ નીલકંઠ. પણ તે માત્ર હાસ્યકાર હતા એ માટે નહીં, પણ એક પ્રખર વિવેચક તરીકેની તેમની સેવાઓને વધુ મહત્ત્વ અપાયું હતું. નવલરામ પછીના ગુજરાતી વિવેચકોમાં તેમનું સ્થાન મોખરે હતું. તેમના પરિચયમાં એમ કહેવાયું છે કે ‘આ ઉપરાંત તેમણે ભદ્રંભદ્રં’ અને ‘હાસ્યમંદિર’ જેવા હાસ્યના બે ગ્રંથો રચ્યા છે.’ માત્ર ‘ભદ્રંભદ્ર’ કે ‘હાસ્યમંદિર’ના તે કર્તા હોત તો આ સ્થાન તેમને મળ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. અને બીજા જ્યોતીન્દ્ર. તે પણ વિદ્વાન હોવાને કારણે આ ખુરસી શોભાવી શક્યા હતા. જ્યારે મારા કિસ્સામાં તો હું એક હાસ્યલેખક છું એટલું જ, વિદ્વત્તાને મેં મારી નજીક ફરકવા દીધી નથી – આમાં કશું ખાનગી નહીં હોવાને લીધે તમારી સમક્ષ આ વાતની જાહેરાત કરી છે. મારા એક મુરબ્બી સાહિત્યકારે મને સલાહ આપી કે પરિષદપ્રમુખ કવિ હોય તો કવિતા વિશે વાત કરે છે અને વિવેચક વિવેચન વિશે પ્રવચન આપે છે એ રીતે તમારે હાસ્ય પર પ્રવચન આપવું. આથી હાસ્ય અંગેની તમારી સમજ અને અણસમજનો શ્રોતાઓને ખ્યાલ આવશે. તેમની સલાહ યથાર્થ જણાતાં આજે હાસ્ય અને હાસ્યરસની થોડી એટલે કે શ્રોતાઓ સહી શકે એટલી ચર્ચા કરીશું.

 • * *

એક માણસ જ એવું પ્રાણી છે જે હસી શકે છે. રમણભાઈ નીલકંઠે ‘હાસ્યમંદિર’માં હાસ્યરસ પરના નિબંધમાં નોંધ્યું છે કે હાથી પણ હસી શકે છે. જોકે હસવું આવે ત્યારે તે બેમાંના કયા દાંતથી હસતો હશે એ બાબત તેમણે ચોખવટ કરી નથી. કહે છે કે ઝરખ કે હાયેના નામનું પશુ હસે છે. પાલતુ ચિમ્પાન્ઝી પર હસાવવાના અખતરા થયેલા ને તેણે હસવાનો ચાળો કર્યો હતો એવું ડૉ. આર. પાર્ક્‌સે નોંધ્યું છે. એમ તો ઉરાંટઉટાંગ કે જે માણસની તદ્દન નજીકનું પ્રાણી ગણાય છે તે અમદાવાદના પ્રાણીબાગમાં સ-માદા આવેલું ત્યારે તેને હસાવવા આ બોલનારે જાતે ગલીપચી કરી હતી, પણ તેને હસાવવામાં સફળતા નહોતી મળી. અને આ કમ્પ્યૂટર. માણસનો વિકલ્પ પૂરો પાડવા તે તનતોડ પ્રયાસ કરી રહ્યું છે. તેણે કાવ્યો રચવા સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, પણ માણસ જેટલું મહાન તે ક્યારેય નહીં બને એવું ખુદ વૈજ્ઞાનિકો જ કહે છે; કારણ કે બે વસ્તુઓ કમ્પ્યૂટરને આવડતી નથી. એક તો પોતાની ભૂલો સુધારવાનું, ને બીજું હસવાનું. માની લઈએ કે આવતી કાલે તે પોતાની ભૂલો આપમેળે સુધારવાનું શીખી લેશે, પણ તેને ગલીપચી કરીને હસાવી તો નહીં જ શકાય. એમ તો વૈજ્ઞાનિકો એ પણ શોધી શક્યા નથી કે માણસ જાતે પોતાને ગલીપચી કરે ત્યારે તેને હસવું કેમ નથી આવતું! આર્થર કોસ્લરે ‘The American Review’માં લખેલ ‘Why We Laugh’ નામના લેખમાં જણાવ્યું છે કે હસવાને કારણે માણસના ચહેરા પરના પંદર સ્નાયુઓનું હલનચલન થાય છે. આ જ કારણે તે હસી શકે છે. આ સગવડ માનવજાતને જ મળી છે. અન્ય પ્રાણીઓનાં મોં તથા આંખો પાસેના સ્નાયુઓનું વિસ્તરણ થઈ શકતું નથી, એ ભાગના સ્નાયુઓ એટલા સ્થિતિસ્થાપક હોતા નથી. આથી એમના ચહેરા પરથી આપણે ક્યારેય પામી શકતા નથી કે તેણે સ્મિત કે હાસ્ય વેર્યું! અત્યારે વૈજ્ઞાનિકો, હાસ્યનો એક ઉપચાર લેખે ઉપયોગ કરે છે. ‘સૅટરડે રિવ્યૂ’ના ભૂતપૂર્વ તંત્રી નૉર્મન કઝિન્સને હાર્ટઍટેક બાદ ડૉક્ટરોએ બાયપાસ સર્જરી માટે સલાહ આપી ત્યારે તેમણે ઑપરેશન કરાવવાને બદલે પોતાના હૃદયને લોહી પહોંચાડતી નસોના ભરાવાને હાસ્યથી સાફ કર્યો હતો. તેમના આ અનુભવના નિચોડ રૂપે તેમણે ‘The Healing Heart’ નામે એક પુસ્તક પણ લખ્યું છે. હાસ્યથી શરીરનાં ફેફસાં, છાતી, ગળું, ખભા, મગજ, આંખો જેવાં અંગોને વ્યાયામ મળે છે. એટલે તો હાસ્યને ઊભા ઊભા દોડવાનો વ્યાયામ કહ્યો છે. એક જ વખત હસવાથી મંદ પડેલી નાડી ૬૦ ધબકારા પરથી ૧૨૦ ધબકારા પર આવી જાય છે. બ્લડપ્રેશર પર કાબૂ મેળવી શકાય છે. હાસ્યના પ્રતાપે લોહીમાંનું એડ્રેનલીન વધે છે. સત્તરમી સદીના એક તબીબ ટૉમસ સિડનહામે હાસ્યના પ્રભાવ અંગે કહ્યું છે કે હૃદયરોગના હુમલાથી મરણપથારીએ પડેલા માણસ સામે રમૂજી ટુચકા કહેનાર કોઈ જોકર આવી ચડે તો તે જોકર એકલો જ બે ડઝન ગર્દભો પર લાદેલી દવાઓ કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય. હાસ્ય અને રુદનને મનુષ્યની પ્રાથમિક ચેષ્ટાઓ તરીકે ઓળખવામાં આવે છે. બાળક જન્મે ત્યારે ન રડે તો ડૉક્ટરને ચિંતા કરાવે છે, પણ જે બાળકે હસવાની શક્તિ ગુમાવી દીધી હોય તે બાળક માનસશાસ્ત્રીઓ માટે મોટો ગૂંચવાડો પેદા કરે છે. જન્મના પહેલા જ વર્ષે બાળકે હસવું જોઈએ. જો તેમ ન થાય તો મનોવિજ્ઞાનની ભાષામાં તેને માનસિક રીતે મૃત લેખવામાં આવે છે. પ્રસન્નતા-આનંદ વ્યક્ત કરવાનું બાળક પાસે આ એક જ શસ્ત્ર છે. વહેલામાં વહેલું બાળક જન્મ પછી આઠમા દિવસે હસે છે. હસવાથી જ બાળક સામાજિક પ્રાણી બને છે. હાસ્ય એ શરીરની ભાષા છે. બાળક જેટલું વહેલું હસે તેટલું તે નૉર્મલ-સહજ ગણાય છે. બાળક પોતાની જનની સામે સ્મિત ફરકાવવાની ચેષ્ટા કરવાને બદલે દર્દથી ચીસ પાડી ઊઠે તો આવું બાળક મા-બાપ માટે જ નહિ, સમાજ માટે પણ જોખમકારક છે. મનોવૈજ્ઞાનિકો દૃઢતાપૂર્વક માને છે કે જે બાળક હસી શકતું ન હોય તે મોટું થતાં ખૂન કરવા તરફ ધસી જાય છે. જો તેને પૂરતી તક અને તાકાત મળે તો તેનામાં ખૂન કરવાની વૃત્તિ વિકસે છે. આમ નહિ હસવાને કારણે તે વિકૃત ને અસામાજિક બની જાય છે. નીરો માટે કહેવાય છે કે નાનપણમાં તે હસેલો નહિ, તેને પરિણામે તે ક્રૂર અને ઘાતકી બની ગયો હતો કદાચ એટલે જ કહેવાયું હશે કે માણસ જીવનમાં એકાદ વખત પણ મોકળા મને ન હસતો હોય તેનો વિશ્વાસ કદાપિ ન કરવો, અને જે માણસ કદી હસતો ન હોય તેને ગંભીરતાથી લેવો નહીં.

 • * *

હાસ્ય તલવાર અને ઢાલ બન્નેનું કામ કરે છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, આડંબર, અંધશ્રદ્ધા, ઢોંગ તેમજ અન્ય ત્રુટિઓ કે વિકૃતિઓ હાસ્યનું આલંબન બને છે, એટલું જ નહિ, ભય ઉત્પન્ન કરીને તે મનુષ્યના ચક્રમપણાને અટકાવે છે. માણસને હાસ્યાસ્પદ બનવું ગમતું નથી એટલે તે જાણીબૂજીને ઠઠ્ઠા-મશ્કરીને પાત્ર બને એવાં કાર્ય યા ચેષ્ટા કરતો નથી. હાસ્યની સહાયથી ભલભલા મિજાજીઓને સીધા કરી શકાય છે. શેક્સપિયરે પોતાના નાટક ‘Merchant of Venice’માં વ્યાજખાઉ દીપડાઓની ખબર લઈ નાખી છે. હાસ્યની આ તાકાતનો પરચો આપણને અઢી હજાર વર્ષ અગાઉ ઍરિસ્ટૉફનીઝે બતાવ્યો હતો. તેનાં પ્રહસનોએ મોટા ચમરબંધીઓ, માંધાતાઓ, સામાજિક અનિષ્ટો તથા રાજકીય કૌભાંડો પર મજાક-મશ્કરીની ઝડીઓ વરસાવી પ્રજાને જાગ્રત કરવામાં ખાસ્સી મદદ કરી હતી. કહેવાય છે કે સાયરાફ્યૂજના જુલમી રાજા દિઆનશિયસે એક વખત પ્લેટોને ઍથેન્સની સાચી પરિસ્થિતિ અંગે અભિપ્રાય પૂછતાં પ્લેટોએ કોઈ પણ જાતની ટીકાટિપ્પણ વગર ઍરિસ્ટોફનીઝના ‘મેઘમંડળ’ પ્રહસનની એક પ્રત તેને મોકલી આપી હતી, આમ જે વાત સીધી રીતે નથી કહેવાતી તે કેટલીક વાર હાસ્યની આડ લઈને વધારે સારી રીતે કહી શકાય છે.

 • * *

જેના પ્રભાવની આગળ આપણે વાત કરી એ હાસ્ય પર ૧૯૩૪ સુધીમાં ૩૬૯ શાસ્ત્રીય ગ્રંથો પ્રગટ થઈ ચૂક્યા છે અને નોંધાયા પ્રમાણે હાસ્યની થિયરી સમજાવતું ઓછામાં ઓછું એક પુસ્તક દર મહિને પ્રગટ થતું રહે છે. એ રીતે જોઈએ તો આ ૧૯૯૫ના અંત સુધીમાં હાસ્ય પર ૭૩૨ કે તેથી વધારે પુસ્તકો બહાર આવ્યાં હશે, પણ આજની તારીખમાંય હાસ્ય શું છે એ અંગે વિદ્વાનો એકમત થઈ શક્યા નથી. હાસ્ય કેવી રીતે ઉદ્‌ભવે છે, તેનું સ્વરૂપ કેવું છે, તેનો ઉદ્દેશ શો છે, હસવા માટે આપણે કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે ને કેવા આવેગોનો મુકાબલો કરવો પડે છે એ બધું સમજાવવાનું કામ કઠિન છે અને વિદ્વાનોએ તેના વિશે લખીને તેને વધુ જટિલ બનાવ્યું છે. મારા આ પ્રવચનને પણ એવો જ એક પ્રયત્ન સમજવો. હાસ્ય માટે કહેવાયું છે કે ‘It has a tendency to disapper when we focus intellect on it and try to understand it.’ એટલે કે હાસ્યનું એ વલણ છે કે જ્યારે આપણે તેના પર, તેને સમજવા માટે બુદ્ધિ કામે લગાડીએ ત્યારે તે અંતર્ધાન થઈ જાય છે. કદાચ આ જ કારણે બર્નાર્ડ શૉએ મજાકમાં કહ્યું છે કે જેનામાં હાસ્યેન્દ્રિયનો અભાવ હોય એ જ હાસ્યવૃત્તિનું પૃથક્કરણ કરવા બેસે. કોઈ પણ વૃત્તિનું પૃથક્કરણ કરવા બેસવા જેવું અરસિક કામ બીજું એકેય નથી.

 • * *

ભરત મુનિએ તો હાસ્યને સ્વતંત્ર રસ ગણ્યો જ નથી. તેમના મતે શૃંગાર, વીર, રૌદ્ર અને બીભત્સ એ ચાર જ મુખ્ય રસ છે. શૃંગારમાંથી હાસ્ય, રૌદ્રમાંથી કરુણ, વીરમાંથી અદ્‌ભુત અને બીભત્સમાંથી ભયાનક રસ ઉત્પન્ન થાય છે. અને સાહિત્યમાં પણ હાસ્યરસની પ્રતિષ્ઠા થઈ નથી. તેને સેકન્ડ રેટ, બીજી કક્ષાના રસ તરીકે ગૌણ લેખવામાં આવે છે. તે શૃંગારનું અનુકરણ મનાયો છે. તેના અધિષ્ઠાતા પ્રથમ ગણો પણ સ્વતંત્ર દેવો નથી, તે શિવના અનુચરો છે. આપણી ભાષામાં પણ આ જ હાલત છે. ખુદ નર્મદે જ લખ્યું છે. ‘રડવામાં રસ ગુણ બહુ, હસવામાં છે હાનિ, હસવે રીઝવે મૂર્ખ પણ, રડવે રીઝે જ્ઞાની.’ ગુજરાત સાહિત્ય અકાદમી નહોતી સ્થપાઈ ત્યાં સુધી ગુજરાતીમાં લખાતાં વર્ષનાં શ્રેષ્ઠ પુસ્તકોને ગુજરાત સરકાર વિભાગવાર ઇનામો આપતી. પણ આ વિભાગોમાં હાસ્યનાં પુસ્તકોનો સમાવેશ ક્યાંય થતો નથી એટલે તે પ્રકીર્ણ કહેતાં પરચૂરણ વિભાગમાં – વગેરે… વગેરે… તરીકે – મુકાતાં. અલબત્ત, કેટલાક રસમીમાંસકોએ હાસ્યને રસ ગણ્યો ને ‘હાસ’ને તેનો સ્થાયી ભાવ લેખ્યો છે. તેની વિગતે ચર્ચા પણ કરી છે. ‘સાહિત્યદર્પણ’કારે તો હાસ્યનાં લક્ષણો પણ બતાવ્યાં છે. (૧) સ્મિત : માત્ર નેત્રનો વિકાસ કરે, સહેજ ગાલ ફુલાવે (કે મુખ પર દીપ્તિની રેખા પ્રગટાવે) તે પ્રકાર. (૨) હસિત : જેમાં દાંત જરાક દેખાય એ પ્રકાર; તેમાં મુખની રેખા લંબાય, ગાલ પ્રફુલ્લ બને અને નેત્ર વિકસિત થાય. (૩) વિહસિત : થોડાક કિલકિલાટ રૂપે અવાજ થાય, ચહેરો લાલ થઈ જાય, આંખ સંકોચાય, ઉચિત કાળે હસાય એ પણ આનું આવશ્યક લક્ષણ ગણાય છે. (૪) ઉપહસિત : ખભા અને માથું ઊંચાંનીચાં થાય અને જરાક કંપે, નજર ત્રાંસી પણ થાય, નાસિકા ફૂલે એવી રીતે હસવું. (૫) અપહસિત : ખભા અને મસ્તકનું ખૂબ હલનચલન થાય, આંખમાં પાણી પણ આવી જાય – આને અપહસિત કહે છે. અસ્થાને હસવું એવો અર્થ લઈને આ શબ્દના ‘અપ’ ઉપસર્ગની સાર્થકતા બતાવવામાં આવે છે. (૬) અતિહસિત : કાનને જરા વાગે એવો મોટો અવાજ થાય, આખું શરીર ધ્રૂજે અર્થાત્ ઊંચુંનીચું થાય, બે પડખાં પકડવામાં આવે, આંખમાં પાણી આવી જાય એવા પ્રકારના હાસ્યનું આ લક્ષણ છે. સ્મિતથી માંડીને અતિહસિત સુધીના જે પ્રકારો સંસ્કૃત શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે, એમાં હસનાર તે પ્રેક્ષક નહિ પણ અભિનેતા છે અને નાટકમાં તેની કક્ષા પ્રમાણે હાસ્યના પ્રકાર પાડવામાં આવ્યા છે, તે નટના દરજ્જા પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. ઉ.ત. સ્મિત અને હસિત એ ઉત્તમ પુરુષનાં લક્ષણ છે, નાટકમાં રાજા યા તો તેનો મુખ્યમંત્રી સ્મિત વેરે, તે કોઈ દિવસ ખડખડાટ ન હસે. વિહસિત કે અવહસિત (યા ઉપહસિત) મધ્યમ પુરુષનાં – નાટકમાં મધ્યમ કક્ષાનું પાત્ર ભજવતાં – પાત્ર કરતાં હોય છે. ને અપહસિત તથા અતિહસિતને નીચ પાત્રોનાં લક્ષણ તરીકે ઘટાડવામાં આવે છે. નાટકમાં ગણિકા, વિટ વગેરે જેવાં પાત્રો તેનો ઉપયોગ કરે છે. પાત્રોની ઉત્તમતા અને હાસ્યની માત્રા વચ્ચે અહીં વિપરીત સંબંધ બતાવાયો છે. સંસ્કૃત તેમજ અંગ્રેજીમાં હાસ્ય કે કૉમેડીની વ્યાખ્યા નાટકના સંદર્ભમાં જ બાંધવામાં આવી છે. એરિસ્ટોટલ કે ભરત યા અભિનવગુપ્ત જેવાઓએ નાટકને નજર સમક્ષ રાખીને જ હાસ્યની વિભાવના સમજાવવા કોશિશ કરી છે.

 • * *

અલબત્ત, પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં ‘હાસ્ય’ વિશે વધુ ઊંડી વિચારણા થઈ છે. એરિસ્ટોટલ, સિસેરો, હેન્રી બર્ગસાં, સ્પેન્સર, સલી, હૉબ્સ, હેઝલિટ, એડિસન, એ. નિકોલ, ડૉ. જૉન્સન, લી. હન્ટ, બેઇલી, મેરિડિથ, શૉપનહાવર, ફ્રૉઇડ, સ્ટીફન લીકૉક, હેંગલ, હેન્રી ફીલ્ડિંગ, કેન્ટ, ક્વિન્ટિલિયન, બેઇન, મૅકડૂગલ વગેરે અનેક વિચારકોએ હાસ્યની વ્યાખ્યા પોતપોતાનાં દૃષ્ટિબિંદુથી આપી તેની વિભાવના સમજાવવા કોશિશ કરી છે. જેને લીધે હાસ્ય અંગે સમજ કરતાં ગેરસમજ વધી છે. આ બધા વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓમાં કેટલીક એકાંગી છે, થોડીકમાં આંશિક સત્ય છે, જ્યારે કેટલીક વ્યાખ્યાઓ તો પોતે હાસ્યનો વિષય બનવાની ક્ષમતા ધરાવે છે. એરિસ્ટોટલના મતે હાસ્યનું મૂલ્ય નહોતું એટલે હાસ્ય અંગે લાંબી ચર્ચા નહિ કરતાં તેણે એટલું જ કહ્યું છે કે હાસ્ય બેડોળપણાને હલકું પાડનારું છે, તો સિસેરોના મતાનુસાર હાસ્ય એ મજાક-મશ્કરીનો પ્રદેશ છે. પણ હૉબ્ઝે કહ્યું છે : ‘The passion of laughter is nothing else but sudden glory rising from sudden concept of some eminent in ourselves by comparision with the infirmity of others, or with our own formerly…’ આ વાત સરળતાથી સમજાવવી હોય તો કહી શકાય કે હૉબ્ઝ એવું માને છે કે આત્મગૌરવ કે સ્વગૌરવની અનુભૂતિમાંથી પ્રગટતી પ્રસન્નતાની અભિવ્યક્તિમાંથી હાસ્ય સર્જાય છે. અન્ય જનોને હીન-જડ કે મૂઢ જોઈને પોતાનામાં રહેલી ચડિયાતી શક્તિઓ વિશે ગૌરવની લાગણી અનુભવતાં માણસમાં હાસ્ય પ્રગટે છે. અને હૉબ્ઝની આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરતાં બેઇન ઉમેરે છે કે બીજાને દુર્ગતિ પામતો જોઈને માણસ હસે છે. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે મનુષ્ય બીજાની નિર્બળતા, બાઘાઈ, બેવકૂફી કે પતન જોઈને હસે છે, અને તેની સાથેની તુલનામાં પોતે વધુ હોશિયાર, ચતુર અને કાબેલ છે એવા ગુરુભાવથી જ માણસ હસે છે. આ રીતે હસીને માણસ પોતાનામાં પડેલા સૂક્ષ્મ અહમ્‌ને પોષે છે. આ વ્યાખ્યામાં પાયાની ભૂલ એ છે કે તેમાં એ વાત સ્વીકારી લેવામાં આવી છે કે બીજાના પતનથી આપણા ગૌરવની સરાહના થાય છે. કોઈ રાહદારી રસ્તે ચાલતાં ખુલ્લી ગટરમાં પડી જાય છે ત્યારે આપણા મનમાં એ વિચાર સ્ફુટ થાય છે કે હે બાઘા! તને રસ્તા પરની ઢાંકણાવિહોણી ગટર પણ ન દેખાઈ! જા, તું એ જ દાવનો છે. પરંતુ માણસજાત બિલકુલ હૃદયહીન ને તુંડમિજાજી છે અને અન્યના પતનમાં જ રાચતી હોય છે એવું તેનું મૂલ્યાંકન કરવું એ તેને અન્યાય કરવા બરાબર છે. માણસ એટલો બધો હીન કક્ષાનો નથી હોતો કે હંમેશાં અન્યની ત્રુટિઓ, નિર્બળતાઓ કે બેવકૂફીઓમાંથી જ આનંદ લૂંટ્યા કરે, હસ્યા કરે. કોઈને કેળાની છાલ પરથી લપસી પડતો જોઈશું તો આપણને હસવું આવશે, પણ જો એ લપસી પડનાર આપણા દાદાજી હશે કે કોઈ સુરદાસ હશે તો, હસવાને બદલે અનુકંપાથી અરેરે થઈ જશે ને એ આ દૃશ્ય જોઈને કોઈ હસતું નજરે પડશે તો ‘આમાં હસવા જેવું શું છે?’ એમ બબડી હસનાર પર ગુસ્સે થઈ જવાશે. હેન્રી બર્ગસાંએ ‘Laughter : An Essay on the Meaning of the Comic’માં હાસ્ય પર ઘણી લાંબી ચર્ચા કરી છે. સાથે એક મઝાની વાત એ કરી છે કે જ્યાં માનવઅંશ ન હોય ત્યાં, અર્થાત્ મનુષ્ય વગરની પ્રકૃતિમાં હાસ્યરસ હોઈ શકતો નથી; કેમ કે પ્રકૃતિમાં કશું હાસ્યાસ્પદ નથી, કદાચ બધું જ સુંદર કે અસુંદર છે, પણ પ્રકૃતિમાં કશું હસવા જેવું નથી, જ્યારે માણસ હસતું પ્રાણી છે એટલું જ નહિ, હાસ્યાસ્પદ પ્રાણી પણ છે, એટલે પછી તે પોતાના ભાવોનું આરોપણ કરીને તે દ્વારા હાસ્ય પ્રાપ્ત કરે છે. ‘અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે’ એમ વદીને આપણે ઊંટ સામે જોઈને હસી શકીએ, પણ સસલું કે હરણ ઊંટ સામે જોઈને આ રીતે હસતું નહિ હોય; કેમ કે આ તત્ત્વ માણસમાં જ પડેલું છે. માણસે પોતે આ બધામાં માનવીય ગુણ-અવગુણ આરોપીને હસે છે. જ્યારે મનુષ્યેતર પ્રાણીઓમાં પરસ્પર અસમાનતા નથી હોતી અને તેથી પ્રાણીઓને હસવાની જરૂર નથી પડતી. બર્ગસાં આગળ જણાવે છે કે હાસ્ય એ કેવળ બુદ્ધિનો જ વિષય છે, લાગણીનો નથી. પણ આપણે જાણીએ છીએ કે હાસ્ય એક ભાવ જ નહીં, એક સ્થાયીભાવ તરીકે સ્વીકારાયો છે એટલે લાગણી સિવાય હાસ્ય નિષ્પન્ન થઈ શકે નહીં. બર્ગસાં કહે છે તેમ હાસ્ય જો માત્ર બુદ્ધિનો જ વ્યાપાર હોત, બુદ્ધિનો જ વિષય હોત તો આપણા કહ્યામાં હોત, કાબૂ હેઠળ હોત – આપણે ધારત ત્યારે હસી શકત કે હસતાં અટકી શકત, લગામ યા બ્રેક દ્વારા હાસ્ય પર નિયંત્રણ લાદી શકત, પણ આપણો એવો અનુભવ છે કે એક વખત હસવાનું શરૂ કર્યા બાદ આપણે મથીએ તોપણ તેને અટકાવી શકતા નથી. અથવા તો કોઈ દૃશ્ય જોઈને કે કશું વાંચીને પહેલાં આપણે વિચાર કરવા નથી બેસતા કે બોલો, હસી નાખવું છે? ગુજરાતીમાં આપણે જેને હાસ્ય કહીએ છીએ તેને અંગ્રેજીમાં Humour – હ્યૂમર કહે છે. આ Humour શબ્દ લૅટિન Humorem પરથી આવ્યો છે એવું વેબ્સ્ટર ડિક્શનરી જણાવે છે. Humoremનો અર્થ ભેજ કે ભીનાશ થાય છે. શરીરશાસ્ત્રની દૃષ્ટિએ તપાસતાં મનુષ્યદેહમાં અમુક પ્રકારના અંતઃસ્રાવી રસો રહેલા છે, જેને કારણે માણસનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રગટતું હોય છે. આ રસોને અનુલક્ષીને માણસની પ્રકૃતિને જુદા જુદા ચાર વિભાગમાં વહેંચી શકાય : સેન્ગ્વિન (sanguine; જે લૅટિન Sanguis પરથી આવ્યો છે), કોલેરિક (Choleric), મેલન્કલી (Melancholy) અને ફ્લેગ્મૅટિક (Phlegmatic). આ ચારેય તત્ત્વો દરેક મનુષ્યમાં ઓછીવત્તી માત્રામાં અસ્તિત્વ ધરાવે છે, અને એ ચારેય તત્ત્વોના સંમિશ્રણની વિવિધતા મુજબ માણસના સ્વભાવની વિવિધતા ઊપસી આવે છે. આ રસોની કલ્પના કંઈક અંશે આપણા સત્ત્વ, રજસ્, તમસ્ – આદિ ગુણો યા આયુર્વેદનાં વાત, પિત્ત, કફ વગેરે તત્ત્વોની કલ્પના જેવી છે. શારદાતનયે (તેરમી સદી) ‘ભાવપ્રકાશ’ નામના ગ્રંથમાં હાસ્યનો વિચાર કરતાં લખ્યું છે કે તે (હાસ્ય) રજોગુણના અભાવ અને સત્ત્વગુણના વિકાસની અભિવ્યક્તિથી થાય છે. હાસ્યને કારણે પ્રસન્નતા પ્રગટતી હોવાથી તેને સત્ત્વગુણ કહ્યો હોય એમ લાગે છે. આ પરથી કહી શકાય કે હાસ્યનો ધર્મ પ્રસન્નતા અથવા તો મધુરતા પ્રેરવાનો છે. ‘સાર્થ જોડણીકોશ’ મુજબ હાસ એટલે હસવું તે, આઠમાંનો એક સ્થાયીભાવ એવો થાય છે. જ્યારે ‘એન્સાઇક્લપીડિઆ બ્રિટાનિકા’ અનુસાર ‘જીવનની અસંગતિઓ પ્રત્યેની સમભાવયુક્ત દૃષ્ટિ અને તેની કલાપૂર્ણ અભિવ્યક્તિ માટેની માનવીમાં રહેલી વિનોદલક્ષી વૃત્તિને હાસ્ય કહી શકાય.’

 • * *

હાસ્યમાં ચાર તત્ત્વો ખાસ આવશ્યક છે : (૧) આશ્ચર્યચકિત કરી દે તેવું અકલ્પ્ય તત્ત્વ તેમાં હોવું જોઈએ. (૨) તે તાર્કિક અર્થાત્ તર્કસંગત હોવું જોઈએ. (૩) તે (હાસ્ય) બ્લેડની ધાર જેવું તીક્ષ્ણ હોવું જોઈએ. (૪) હાસ્યપ્રસંગ અતિ લાંબો ને કંટાળાજનક ન હોવો જોઈએ. આ ચારેય મુદ્દાઓને આવરી લેતાં થોડાંક ઉદાહરણો જોઈએ : હંગેરીના કોઈ એક ગામના લુહારે એવો ગંભીર ગુનો કર્યો જેની સજા ફાંસી જ હોય, પણ એ નગરનો મેયર કે જે ન્યાયાધીશની ફરજ પણ બજાવતો હતો, તેણે ચુકાદો આપ્યો કે લુહારને બદલે દરજીને ફાંસીના માંચડે લટકાવી દેવો, કારણ કે ગામમાં બે દરજી છે, જ્યારે લુહાર તો સમ ખાવા પૂરતો એક જ છે. અને મુખ્ય વાત તો એ છે કે કાયદાના પાલન વાસ્તે ગુનાની સજા તો કરવી જોઈએ – કાયદાનું હાર્દ તો જળવાવું જોઈએ. પિકાસોના નામે એક કિસ્સો ચડેલો છે. ચિત્રોની દલાલી કરતા એક વેપારીએ પિકાસોની સહીવાળું પેઇન્ટિંગ તેને બતાવી પૂછ્યું : ‘આ ચિત્ર તમે બનાવેલું છે?’ ‘ના, આ બનાવટી છે.’ પિકાસોએ જણાવ્યું. આવું ત્રણેક વખત બન્યું. વળી, એક ચિત્ર બતાવતાં દલાલે પિકાસોને પ્રશ્ન કર્યો : ‘આ ચિત્ર તો તમારું દોરેલું જ છે ને?’ ‘ના જી, બનાવટી છે…’ પિકાસોએ કહ્યું. ‘પણ એક વાર મેં પોતે તમને આ ચિત્ર પર કામ કરતાજોયા હતા…’ દલાલ બોલ્યો. ‘જોયો હશે… ક્યારેક ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું’ પિકાસોએ ખુલાસો કર્યો. અહીં તેના કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું, જે મારી – પિકાસોની અસલ કળા સુધી પહોંચી શકતાં નથી. આમ હાસ્યની નિષ્પત્તિ માટે આગળ જણાવેલી ચારેય શરતોના પાલન સાથે અસંગતિ, અતિશયોક્તિ, અલ્પોક્તિ, વ્યાજસ્તુતિ, શબ્દરમત, અવળવાણી કે હાજરજવાબી જેવાં ઓજારને ખપમાં લેવામાં આવે છે.

 • * *

હાસ્યનો ધર્મ, તેનું પ્રયોજન અનિવાર્યપણે મનોરંજન, પ્રસન્નતા યા મધુરતા અર્પવાનું છે એવું માનવામાં આવે છે, એટલું જ નહીં, એ સાથે સમાજને સુધારવાની, તેની નબળાઈઓની હાંસી ઉડાવી તેને ઠેકાણે લાવવાની જવાબદારી પણ હાસ્યની જ હોય, એ તેનો હેતુ હોય એવી અપેક્ષા પણ તેની પાસેથી રાખવામાં આવે છે. આવી અપેક્ષા હાસ્યરસ પાસે જ રખાય છે. અન્ય કોઈ રસ પાસેથી રાખવામાં આવતી નથી; ‘એવા રે મળેલા મનના મેળ’ જેવા પ્રેમથી તરબોળ કાવ્યના રચનાર કવિ પાસે કોઈ એવી અપેક્ષા નથી રાખતું કે આ કાવ્ય વાંચનાર – સાંભળનારના મનના મેળ કવિએ કરાવી આપવા જોઈએ; કે વીરરસના કાવ્ય ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ પાસે એવી અપેક્ષા નથી રખાતી કે એ કાવ્ય વાંચનારે વાંચતાં વાચતાં ઊભા થઈને ખીંટી પરથી તલવાર લઈને રણમેદાનમાં ધસી જવું જોઈએ. અથવા તો કરુણરસના કાવ્ય પાસેથી પણ એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે એ વાંચતાં ગળામાં ડૂમો ભરાઈ જવો જોઈએ ને આંખમાંથી અશ્રુધારા વહેવી શરૂ થઈ જવી જોઈએ. જ્યારે હાસ્યરસ પર હસાવવાની અને સુધારવાની એમ બેવડી જવાબદારી નાખવામાં આવે છે. છતાં એક રસ લેખે જાણે તે શૃંગારરસની ‘બાય પ્રોડક્ટ’ – આડપેદાશ હોય એવું વલણ તેની તરફ રાખવામાં આવે છે. આટલેથી અટકવાને બદલે કેટલાક વિદ્વાનો એમ પણ કહે છે કે કાલવિજયી કૃતિઓ હંમેશા ટ્રૅજેડી જ બની શકે, કૉમેડી નહીં. ટ્રૅજેડી માટે ‘ગ્રેટ’ શબ્દ વપરાય છે, જે કૉમેડી માટે નથી વપરાતો.

 • * *

મોટા ભાગના વિદ્વાનો હજી સુધી એ નક્કી કરી શક્યા નથી કે વિટ્‌ને હ્યૂમરના સ્વરૂપમાં ગણવી કે કેમ? આ વિટ્‌ને વ્યાખ્યામાં ગોઠવવાનું કામ કપરું છે. ઑક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે witનો અર્થ બુદ્ધિ, સમજશક્તિ, શોધકબુદ્ધિ (શક્તિ), બુદ્ધિમાન-હાજરજવાબી વગેરે થાય છે. ગુજરાતીમાં તેને માટે આપણે મર્માળાં કટાક્ષ, બુદ્ધિચમત્કૃતિ, બુદ્ધિચાતુર્ય, નર્મવૃત્તિ, નર્મોક્તિ જેવા શબ્દો પ્રયોજીએ છીએ, મૂળ ઍંગ્લોસેક્સન Witan – ‘જાણવું’માંથી Wit – સમજણ, પ્રજ્ઞા એવો અર્થ નીકળ્યો અને તેમાંથી અત્યારે ચમત્કૃતિપૂર્ણ હાસ્ય ઉપજાવે એવી બુદ્ધિ એવો અર્થ તારવવામાં આવે છે. વિટ્‌માં શબ્દો કરકસરથી જ નહિ, કૃપણતાથી વાપરવામાં આવે છે, કેમ કે લાઘવ – Brevity એ વિટ્‌નો આત્મા છે. અને વિટ્‌માં લાઘવ જેવું જ બીજું અનિવાર્ય તત્ત્વ ચમત્કૃતિનું છે. વિટ્‌માં Repartee (રિપાર્ટી) અર્થાત્ પ્રત્યુત્પન્નમતિ કે હાજરજવાબીપણું ભળે ત્યારે તેમાં બુદ્ધિકૌશલ્ય ચરમસીમાએ પહોંચતું દેખાય છે. એક વ્યક્તિએ કરેલ ઘા સામે ધારદાર બુદ્ધિની મદદથી વળતો હુમલો તેના જ શબ્દોમાં કરવામાં આવે છે, જે સામેનાની કલ્પના બહાર બૂમરેંગની જેમ આવી તેને વાગે છે. ઉ.ત., બે વકીલોનો આવો એક સંવાદ છે. એક વામનકદ વકીલ પર ખિજાઈ જતાં એક ઊંચા, પહોળા ને પહોંચતા વકીલે તેને કહ્યું : “તારા જેવા વેંતિયા વકીલોને તો હું મારા ખિસ્સામાં રાખું છું.” “આ હિસાબે તમારા મગજ કરતાં ખિસ્સામાં કાયદાનું જ્ઞાન વધારે હશે…” ટેણિયા વકીલે તરત જ ઘા કર્યો. બેઇન તો વિટ્‌માં એપિગ્રામ (Epigram)નોય સમાવેશ કરે છે. જોકે એપિગ્રામ એ વિટ્ કરતાં જરા જુદી વસ્તુ છે, જુદું સ્વરૂપ છે. જેમાં વિટ્‌માં દર્શાવેલી કોઈ શરતનું પાલન કરવાનું હોતું નથી. એપિગ્રામને Pointed Saying – મર્મોક્તિ કહેવામાં આવે છે. ફ્રાન્સના બોઇલ અને વૉલ્ટેર તેમજ જર્મનીના લેસિંગ, ગટે, શિલર વગેરેએ આ ક્ષેત્રમાં સુંદર કામ કર્યું છે. એપ્રિગ્રામમાં ઓસ્કાર વાઇલ્ડ, માર્ક ટ્વેઇન અને બર્નાર્ડ શૉ ઇત્યાદિએ નોંધપાત્ર કામ કર્યું છે. ઓસ્કાર વાઇલ્ડના એપિગ્રામના કેટલાક નમૂના : ‘A man cannot be too, careful in the choise of his enemies’ (અર્થાત્ માણસ પોતાના શત્રુઓની પસંદગી બાબત ક્યારેય બહુ ચોક્કસ રહી શકે નહીં) ‘Men marry because they are tired, women because they are curious, both are disappoined’ એટલે કે પુરુષો પરણે છે કારણ કે તે થાકી ગયા હોય છે; સ્ત્રીઓ, કુતૂહલવશ લગ્ન કરે છે – બન્ને નિરાશ થાય છે.’ એટલે જ કહેવાયું છે કે લાઘવ એ વિટ્નો આત્મા છે.

 • * *

અને કટાક્ષ. આપણે ત્યાં સેટાયરિસ્ટ કહેતાં વ્યંગકારને હાસ્યકારમાં જ સમાવી દેવાયા છે. પણ હિન્દી ભાષામાં વ્યંગકાર (વ્યંગ્યકાર) પોતાને હાસ્યકાર કરતાં ઊંચો ગણે છે. જોકે સંસ્કૃત સાહિત્યના વિદ્વાનોએ હાસ્ય અને વ્યંગ વચ્ચે એવા ચોક્કસ ભેદ પાડ્યા વગર વ્યંગનો હાસ્યમાં જ સમાવેશ કરેલ છે; કારણ કે સંસ્કૃતમાં વ્યંગ અર્થાત્ કટાક્ષનો અર્થ નેત્રકટાક્ષ એટલો જ થાય છે, અને તે પણ નાયિકાના રતિભાવના વર્તનના અનુસંધાને. ભવભૂતિના ‘માલતીમાધવ’નો નાયક નાયિકા માલતી વિશે વદે છે : ‘એનો કટાક્ષ મારા હૃદયમાં ઊંડો ખૂંપી ગયો છે.’ આ કટાક્ષમાં વેધકતા છે એની મીઠી ફરિયાદ હોય છે. આવા કટાક્ષ માટે માણસ તડપતો હોય છે, તરસતો હોય છે, એટલે જો કટાક્ષ કરવામાં ન આવે તો તે ફરિયાદનું કારણ બને છે. અને નેત્રનો આ કટાક્ષ પામનાર, તેને પ્રેમનો પુરાવો માની જીવનને ધન્ય ગણતો હોય છે. આ કટાક્ષમાં બે તત્ત્વ છે : પરોક્ષ નજર અને તેની વેધકતા. પછી આ નેણકટાક્ષમાંથી વેણકટાક્ષ સુધી અર્થવિસ્તાર થયો. હવે લક્ષણ યા કથનની શૈલીમાં વપરાતા આ કટાક્ષ શબ્દનો અર્થ આપણે તીરછો, આડકતરો અને હૈયું વીંધી નાખે એવો કરીએ છીએ. પ્રેમમાં જે કટાક્ષ મધુર ને પ્રસન્નકર લાગે છે તે સાહિત્યમાં તીખો ને કોઈ વાર કડવો લાગે છે, જેને વાગે છે તેને ચમચમી જાય છે.

 • * *

ભારતીય હાસ્યમીમાંસામાં ‘સેટાયર’ (વ્યંગ) વિશે ઊંડી વિચારણા થયેલી જોવા મળતી નથી, પણ પશ્ચિમમાં સેટાયર વિશે વિશદ ચર્ચાઓ થઈ છે. સેટાયર એ સાહિત્ય જેટલો જ પુરાણો છે. એનું પગેરું છેક બાઇબલ સુધી પહોંચે છે. બાઇબલમાં આ પ્રકારનો સેટાયર જોવા મળે છે : ‘No doubt we are the people, and wisdom will die with you.’ ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’માં ઓગણત્રીસ સંદર્ભો સેટાયરના છે જેમાંના ૧૩ તો નિંદા, ઠપકા, મશ્કરી અને ઘૃણાદર્શક છે, માત્ર બે જ સંદર્ભો આનંદપ્રદ છે. પણ સેટાયરિસ્ટ તરફ શાસકોએ ક્યારેય મીઠી નજરે જોયું નથી, રાણી એલિઝાબેથના યુગમાં પણ સેટાયર લખવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એટલું જ નહિ, હૉલ, માર્સ્ટન અને નૅશના સેટાયર્સની જાહેરમાં હોળી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડમાં ૧૫૯૯માં કૅન્ટરબરીના આર્કબિશપે તેમજ લંડનના બિશપે સેટાયરના પ્રકાશન પર પ્રતિબંધ મૂક્યો હતો. આપણે ત્યાં કટોકટી આવી ત્યારે તેનો પહેલો શિકાર વ્યંગકારો જ બનેલાને! કટોકટી ટાણે ‘શંકર્સ વીકલી’ના છેલ્લા અંકમાં શંકરે નિરાશાથી તંત્રીનોંધમાં લખ્યું હતું : ‘Dictatorship can not afford laughter because people may laugh at the dictator and that won’t do.’ અને કટોકટી ઊઠી ગયા બાદ શંકરને ‘શંકર્સ વીકલી’ ફરી શરૂ કરવાનું કહેતાં તેમણે ખિન્નતાથી જણાવ્યું હતું : ‘આ પ્રજામાં મને તલભારેય વિશ્વાસ નથી.’ આ બધા પરથી વ્યંગના પ્રભાવનો ખ્યાલ આવશે. આના સંદર્ભમાં ઍલેક્ઝાન્ડર પોપે નોંધ્યું છે : ‘Yes, I am proud, I must be proud to see men not afraid of God, afraid of me…’ (અર્થાત્ હા, મને ગર્વ છે, એ જોઈને મને ગર્વ થાય છે કે ઈશ્વરથી નહીં ડરનાર માણસ મારાથી ભય પામે છે.) પોપનું આ વિધાન કેટલું યથાર્થ હતું એનો અણસાર ઈ. સ. પૂર્વે સાતમી સદીમાં થઈ ગયેલા આર્કિલોક્સના તેજાબી સેટાયર પરથી આવી શકશે. તેને ગ્રીસનો આદિ સેટાયરિસ્ટ માનવામાં આવે છે. આયમ્બિક છંદમાં રચાયેલ તેના સેટાયરમાં વિરોધીઓને હણી નાખવાની પ્રચંડ શક્તિ હતી. આર્કિલોક્સના પિતા આબરૂદાર સજ્જન ને માતા ગુલામ જાતિની હતી. એનો વિવાહ એક ઉમરાવની પુત્રી નીઓબુલે સાથે થયો. પણ પછી આ ઉમરાવે કારણોવશાત્ આ સગપણ ફોક કર્યું. આથી ક્રોધે ભરાઈને આર્કિલોક્સે એમના પર આયમ્બિક છંદમાં એવા જલદ સેટાયર કર્યા કે પિતા-પુત્રીને એકસાથે આત્મહત્યા કરવાની ફરજ પડી. એ જ પ્રમાણે તેના એક મિત્રે તેને દગો દેતાં ‘He shall not escape, for his despite done to me’ એમ બબડીને એ મિત્રને પણ સેટાયર દ્વારા ખતમ કરી નાખ્યો. કહેવાય છે કે તેના સેટાયર્સમાં સો સો કોબ્રાનું વિષ હતું, તેના વ્યંગનો ભોગ બનનાર તરફડીને મરતો. એ સમયમાં કેટલાક સેટાયરને કાયદેસર ગણવામાં આવતા ને સેટાયરિસ્ટને તેમની સેવાઓ બદલ મોટામાં મોટો બદલો ચૂકવવામાં આવતો. ધાર્મિક પ્રસંગે ધાર્મિક કર યા લાગો નહિ ભરનાર સામેના સેટાયરથી ગભરાઈને લોકો ચૂપચાપ ધાર્મિક વેરો ભરી દેતા. કોઈ શસ્ત્રની ન થાય એટલી ઘેરી અસર સેટાયરની થતી. સેટાયરથી ભલભલા શત્રુઓના મર્મસ્થાનને વીંધી તેમને નૈતિક તેમજ સામાજિક રીતે ખતમ કરી નાખવામાં આવતા. આ સેટાયરના ખોફથી ઘણા લોકો દેશ છોડી ગયાના દાખલાય ભૂતકાળમાં બન્યા છે. તેને કારણે કાપાકાપી, બળવા અને યુદ્ધો થયાંનું પણ નોંધાયું છે. એક મોટા યુદ્ધ પછી મહંમદ સુલતાને જણાવ્યું હતું કે ત્રણ કવિઓના સેટાયરે અમને બાણવર્ષા કરતાંય વધુ જફા પહોંચાડી એટલે અમે હારી ગયા. એ સમયમાં એક ગમ્મતભરી માન્યતા પ્રચલિત હતી કે આઇરિશ સેટાયરિ સિસ્ટ્‌સ પોતાના સેટાયરના પ્રભાવથી ‘રાઇમ ધ આઇરિશ રૅટ’ (Rime the Irish Rat)ના પ્રયોગ દ્વારા ઉંદરોને મારી શકતા. સેન્ચન નામના એક કવિનું ઈંડું ઉંદરો તાણી ગયા. કવિ પાસે ભોજનમાં આ એક ઈંડું જ હતું. જે મૂષકો ઉઠાવી ગયેલા, આથી ક્રોધે ભરાઈને કવિએ સેટાયર લલકાર્યા. પરિણામે તેના સેટાયરના જાદુથી દસ ઉંદરો તરત જ તેના પગ પાસે આવી તરફડીને ગુજરી ગયા. શેક્સપિયરે પણ ‘As you like it’માં મૂષક-માર સેટાયરનો ઉલ્લેખ રોઝલિન્ડના મુખે કરાવ્યો છે, બેન જૉન્સન, સ્વિફ્ટ, પોપ, ડન, હોવર્ટ અને બ્રાઉનિંગ વગેરે આ પરંપરાથી વાકેફ હતા જેનો અણસાર તેમની કોઈક ને કોઈક નોંધમાંથી મળી રહે છે. યુજીન ઓ કરી નામના એક કવિએ ઉંદર મારવા માટે આવા સેટાયરનો ઉપયોગ કરેલો, પણ તે નિષ્ફળ જતાં કવિએ એવો બચાવ કર્યો હતો કે તેણે કવિતામાં વાપરેલા શબ્દો અઘરા લાગવાને લીધે તેની અસર ઉંદરો પર નહોતી થઈ. અને આ સેટાયરનો કવિઓએ લોકોની પજવણી અને બ્લૅકમેલિંગ માટે ભરપૂર ઉપયોગ કર્યો હતો. ‘The wooing of Lugine and the Death of Airthine’માં લખાયા પ્રમાણે રાજા કોન્ચોબાર લ્યુએન નામની એક રાજકુમારીને પરણવાનો હતો. પણ એઇર્થિન નામનો એક મોટો સેટાયરિસ્ટ તથા તેના બે કવિ-પુત્રો પણ આ કુંવરીના રૂપ પાછળ દીવાના હતા. આ કુંવરીને પામવાની તેમની નેમ હતી. આથી તેમણે જાહેર કર્યું કે કુંવરી જો આ ત્રણમાંના એકની સાથે પરણવા તૈયાર નહિ થાય તો તેનું જીવવું હરામ કરી દેવામાં આવશે. પણ ખુમારીવાળી આ કુંવરી તેમની ધમકીને વશ ન થઈ. આથી આ ત્રણેય કવિઓએ તેના પર અસહ્ય સેટાયર કર્યા ને અંતે શરમની મારી એ સુંદરીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ કવિ એઇર્થિન તેના સેટાયરથી આંતક ફેલાવી લોકોને પરેશાન કરતો. તેની ધાકથી ભલભલા રાજવીઓ થથરતા. ઇકોએડ નામના એક ‘શુક્રાચાર્ય’ રાજાએ આ કવિને જે કંઈ જર-ઝવેરાત જોઈએ તે પ્રેમપૂર્વક ભેટ આપવાની ઑફર કરી ત્યારે તે અવળચંડા કવિએ ભેટ તરીકે જર-ઝવેરાત કે હીરા-માણેક માગવાને બદલે રાજાની હથેળીમાં મૂકી દીધી, કારણ માત્ર એટલું જ કે આબરૂ વગરના થઈને જીવવા કરતાં આંધળા થઈને ઇજ્જતભેર જીવવું લાખ દરજ્જે સારું એવું એ વખતના રાજાઓ માનતા.

 • * *

જોકે વાસ્તવમાં સેટાયર એ પૉઝિટિવ અપીલ કરવા માટેનું નૅગેટિવ શસ્ત્ર છે. ડ્રાયડન અને ડીફો જણાવે છે કે સેટાયરનો સાચો ને અંતિમ ઉદ્દેશ દુરાચારને સુધારવાનો છે. આ અર્થમાં સેટાયરિસ્ટ એ આદર્શોનો વાલી છે, સત્યનો પ્રહરી છે. અને ડ્રાયડન એક ઉપદેશકની અદાથી કહે છે કે સેટાયરનું ધ્યેય દુર્ગુણોને સુધારવાનું છે. તે માને છે કે સેટાયરિસ્ટ કોઈનો શત્રુ હોતો નથી, તેને માત્ર દુર્ગુણો સુધારવામાં જ રસ છે. કદાચ આ જ કારણે સેટાયરિસ્ટને ‘મૉરલ એજન્ટ’ – નીતિનો ઠેકેદાર કહેવામાં આવ્યો છે.

 • * *

સેટાયરનો જનક કરુણ છે. તે વેદનામાંથી જન્મે છે. સામાજિક જીવન કથળતું હોય, રાજ્ય ભ્રષ્ટાચારથી ખદબદતું હોય, ધર્મના નામે પાખંડ ચાલતા હોય, ધર્મગુરુઓ લંપટતા આચરતા હોય, પ્રજાનું શોષણ થઈ રહ્યું હોય ત્યારે, આવી અસહ્ય પરિસ્થિતિ જોઈને સંવેદનથી સેટાયરિસ્ટનું હૈયું વલોવાઈ જાય છે અને તેની કલમમાંથી વેદના સેટાયરનું મહોરું પહેરીને પ્રગટે છે. વેદનામાંથી પ્રગટ થતો પુણ્યપ્રકોપ સેટાયર દ્વારા તે બહાર ઠાલવે છે. એ રીતે જોતાં વ્યંગ એ ગુસ્સાનું અહિંસક રૂપ છે. વ્યંગલેખન સંવેદનશીલ વ્યંગકાર માટે અનિવાર્ય બની જાય છે. જુવેનલે કહ્યું છે કે ‘It is difficult not to write satire.’ આ યુગમાં કરુણાન્તિકા કે મહાકાવ્યો અપ્રસ્તુત હોઈ સેટાયર લખ્યા વગર તે રહી શકતો નથી. તો વ્યંગકાર પર્સિયસ ચીખી ઊઠે છે : ‘He must speak out or burst’ અર્થાત્ તે મૂંગો રહેશે તો ફાટી પડશે. બસ, આ વેદના ઘૂંટાઈને તીખા શબ્દોનું રૂપ ધારણ કરે છે ત્યારે તે સેટાયરમાં પરિણમે છે. કોઈ એક નિગ્રોને – અમેરિકનો જેને કાળિયા તરીકે ઓળખે છે તેને એક જણે પ્રશ્ન કર્યો : ‘ધાર કે તને અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવે તો સૌથી પહેલું કામ તું શું કરે?’ ‘સૌથી પહેલાં હું વ્હાઇટહાઉસનું નામ બદલી નાખું.’ નિગ્રોએ જવાબ આપ્યો. હબસીના આ કથન પાછળ ધોળા લોકોએ તેમના પર ગુજારેલ સદીઓના ત્રાસની યાતના બોલે છે. આ એક અનામી કવિની હિન્દી કવિતા છે : કલકત્તે મેં પૈદલ રિક્ષેવાલે કો પૂછા : ‘પૈર મેં પટ્ટી બંધી હૈ, રિક્ષા કૈસે ચલાઓગે?’ રિક્ષાવાલા બોલા : ‘બાબૂજી, રિક્ષા પૈર સે નહિ, પેટ સે ચલતા હૈ…’

 • * *

સેટાયર મૂળ ગ્રીક શબ્દ Satyr પરથી રોમન શબ્દ satura અને તેમાંથી અંગ્રેજી શબ્દ satire પ્રચલિત થયો. Sature એક અર્થ જુદી જુદી ચીજ-વસ્તુઓનું મિશ્રણ એવો થાય છે. સેટુરા નામનો સલાડ આવે છે જેમાં ઋતુઓમાં થતાં નવાં ફળફળાદિ પ્રથમ ઈશ્વરને ધરાવવામાં આવે છે. આનો બીજો અર્થ નૈવેદ્ય થાય. આથી જ સેટાયર માટે કહેવાય છે કે તે આરોગ્યપ્રદ હોવો જોઈએ, સ્વાદિષ્ટ પણ. ઍરિસ્ટૉફનીઝ, ઇનિયસ, લ્યુસિલિયસ, હૉરેસ, પર્સિયસ, જુવેનલ, માર્થિયલ, બાયલો, હૉલ, માર્સ્ટન, ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ, સ્ટિલ, એડિસન, ડિકન્સ, બટલર, રોબર્ટ બર્ન, બાયરન, ફીલ્ડિંગ, મૅક્સ બીરબૉમ, ઇરાસ્મસ, વૉલ્ટેર, ફ્લોબેર, જેન ઑસ્ટીન, સર મૅક્સ, ડૉન, ઈવાર્ડ ગ્લીલપિન, જૉર્જ ઑરવેલ, બર્નાર્ડ શૉ, આયનેસ્કો, બેકેટ, રાબેલા, વિટર બિન્ની, આર્થર ડેવિસ, એ.જી. હાઉસમૅન વગેરે અનેક સર્જકોએ સેટાયરની એક આગવી પરંપરા ઊભી કરી છે. ડ્રાયડને સેટાયરને ‘નૉન્સેન્સના રાજ્યનો સમ્રાટ’ ગણાવ્યો છે. આ વિધાન દ્વારા તે સેટાયરને બિરદાવે છે કે તેને માટે ઊતરતો મત જાહેર કરે છે એ જલદી સમજાતું નથી. પણ સેટાયર માટે સેટાયરિસ્ટ્‌સ બે પ્રકારના મત ધરાવે છે : આશાવાદી અને નિરાશાવાદી. આશાવાદી સેટાયરિસ્ટ પ્રજાને ખૂબ ચાહે છે. તે એમ માનીને ચાલે છે કે લોકો બેખબર છે, મૂરખ છે એટલે એમને તે હસતાં હસતાં સત્ય કહે છે, પણ લોકોની ઘૃણા કરવાને બદલે તેમની નબળાઈઓ કે અજ્ઞાન દૂર કરવા કોશિશ કરે છે. હોરેસ જેવા વ્યંગકારો વ્યંગની મદદથી મદાંધ યા બેવકૂફ માણસોને સ્મિત સાથે તેમને સુધારવામાં માને છે, લોકોમાં પડેલ આ રોગ સાધ્ય છે એવો આશાવાદ તેમનામાં પડેલ છે. જ્યારે સેટાયરિસ્ટનો બીજો વર્ગ માને છે કે આ વિશ્વ લુચ્ચા, લફંગા ને હરામખોરોથી ભરેલું છે ને આવા લોકોનો હંમેશાં વિજય થતો હોય છે. સ્વિફ્ટ તો એવું સ્પષ્ટપણે કહે છે કે વ્યક્તિગત રીતે તે માણસને ચાહે છે, પણ માનવજાત તરીકે ધિક્કારે છે, આ પ્રકારના સેટાયરિસ્ટનો આશય સુધારણાનો નહિ, પણ આઘાત પહોંચાડવાનો હોય છે. જૉર્જ ઑરવેલ આ બીજા ગોત્રનો વ્યંગકાર છે. તેના ‘Animal Farm’માં જે વ્યંગ છે તે નૅગેટિવ – નિષેધાત્મક છે. આ કથામાં નબળા પશુ માટે આશાનું એકેય કિરણ દેખાતું નથી. તે તારણ કાઢે છે કે ઘેટું હંમેશાં બેં બેં કરીને ગાડરિયા ટોળામાં ભળ્યા કરશે. મરઘીઓ ઈંડાં મૂક્યા કરશે ને તે ચોરાયા કરશે, ઘોડા જીવશે ત્યાં સુધી વૈતરું કરશે, ભૂંડ અને કૂત્તાઓનું સામ્રાજ્ય પ્રવર્તશે.

 • * *

હાસ્ય-વ્યંગના સંદર્ભમાં અંગ્રેજી ભાષામાં આ શબ્દો પ્રયોજાય છે :– Laughter, Comic, Humour, Wit, Irony, Satire, Ridicule, Burlesque, Farce, Parody, Caricature, Travesty, Hudibrast, Lampoon, Raillery, comedy, Buffoonery, Quip, Quib, Ludicrous, Droll, Funny, Grotesque, Farcical, Quaint, Smile, Smirk, Grin, Mirth, Giggle, Chuckle, Guffaw, Amusement, Jest, Joke, વગેરે. જ્યારે આને માટે ગુજરાતી શબ્દો આ છે : હાસ્ય, હાસ્યપ્રેરક, હાસ્યજનક, હાસ્યાસ્પદ, મનોરંજક, મનોરંજન, મજાક, મશ્કરી, ઠઠ્ઠા, વ્યંગ, વિનોદ, પરિહાસ, ઉપહાસ, વાક્ચાતુરી, કટાક્ષ, અવળવાણી, વક્રોક્તિ, પ્રતિકૃતિ, વિડમ્બન, રમૂજી, ઠાવકું હાસ્ય, મર્માળો કટાક્ષ, પ્રહસન, ઠઠ્ઠાચિત્ર, સ્મિત, ટીખળ, નિંદાલેખ યા ભંડલેખ, ઠઠ્ઠાબાજી, શ્લેષ, વ્યાજોક્તિ, કટુમશ્કરી વગેરે. પરંતુ હાસ્ય અને વ્યંગ વચ્ચે જે તફાવત છે તે એ છે કે હાસ્યમાં, શિકાર યા આલંબન પર હસીએ છીએ ત્યારે તેની તરફના સમભાવમાં રજમાત્ર ફરક પડતો નથી, તેના પ્રત્યે પૂરતી સહાનુભૂતિ હોય છે. જ્યારે વ્યંગકાર યા કટાક્ષકાર હાસ્યપાત્રને પોતાથી થોડો ઊણો ઊતરતો માને છે અને પોતે હાસ્યપાત્ર કરતાં ઊંચા આસને બેઠેલો છે એવું માનતો કે મનાવતો હોય છે, અને કેટલીક વાર આલંબન તરફ તેને છૂપો દ્વેષ ક્રોધ કે અણગમો હોય છે. હાસ્યમાં ડંખ ભળે ત્યારે તે વ્યંગ થાય છે. વ્યંગ યાને કટાક્ષનો હેતુ દયા કે માયા બતાવ્યા વગર અનિષ્ટોની ઠેકડી ઉડાડવાનો છે. તેનો આશય સ્વયંસ્પષ્ટ છે. હાસ્યની સરખામણીમાં કટાક્ષ સ્પષ્ટપણે અલગ તારવી શકાય એવું તિરસ્કાર-પ્રદર્શનનું સ્વરૂપ છે. કટાક્ષ જીવન અને પ્રકૃતિને શુભ દાનતથી સ્વીકારતો નથી. હાસ્યપાત્ર પરત્વે હાસ્યકાર જેટલી ઉદારતા વ્યંગકારમાં હોતી નથી, એને તે પરવડે પણ નહિ. હાસ્ય અને વ્યંગનાં એકાદ-બે ઉદાહરણો જોઈએ : હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : ‘તમારી ઉંમર કેટલી?’ ‘સત્તોતેર વર્ષ…’ તે બોલ્યા, ‘ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?’ પૂછનારે પૂછ્યું. ‘ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય’ તેમણે કહ્યું : ‘આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…’ જ્યોતીન્દ્ર અહીં કેવળ શબ્દની હેરફેર-શબ્દકૌતુક કરી રમૂજ કરે છે. વ્યંગની અહીં ગેરહાજરી છે.

 • * *

એક રશિયન જનરલે સૈનિક-છાવણીની અચાનક મુલાકાત લીધી. તેને નવાઈ લાગી કે તેના સૈનિકોના યુનિફૉર્મ બિલકુલ ગંદા હતા. એમાંથી વાસ આવતી હતી. તેણે હુકમ કર્યો : ‘આ સૈનિકોનાં ગંદાં બનિયન બદલાવી નાખો.’ છાવણી ઇન્ચાર્જે જણાવ્યું : ‘પણ સાહેબ, એમ કેમ થઈ શકે? બધા સૈનિકો પાસે ફક્ત એક એક બનિયન જ છે…’ આ સાંભળીને જનરલ ગરજ્યો : ‘એથી શું થઈ ગયું? બધા એકબીજાનાં બનિયન અંદરોઅંદર બદલાવી નાખે, એટલુંય નથી સમજાતું?’ અહીં તર્કના ઉપયોગથી હાસ્ય ને સત્તાખોર માનસ ધરાવતા જનરલની અક્કલ પરનો કટાક્ષ એકસાથે પ્રગટે છે.

 • * *

વ્યંગ જ્યારે તેના ઉચ્ચ શિખરે પહોંચી જાય છે ત્યારે તે એક સુંદર કળાકૃતિનું રૂપ ધારણ કરે છે. પિકાસોનું ચિત્ર ‘ગુએર્નિકા’ તેનું આદર્શ દૃષ્ટાંત છે. યુદ્ધમાં રચ્યાપચ્યા રહેલા યુરોપનું એ એક મોટું વ્યંગચિત્ર છે. નાઝીવાદ અને ફાસીવાદ પરનો સીસકારો બોલી જાય એવો તીખો પ્રહાર છે. ફ્રાન્સના પતન બાદ જર્મન સૈનિકો આ ચિત્ર જોઈને ડઘાઈ ગયેલા. કહેવાય છે કે તેમણે પિકાસોને સવાલ કર્યો : ‘આ ચિત્ર તમે બનાવ્યું છે?’ ‘ના, મેં નહિ; તમે આ ચિત્ર બનાવ્યું છે.’ પિકાસોએ પ્રત્યુત્તર વાળ્યો. આ કિસ્સામાં વ્યંગ જ છે. હાસ્યના સ્થાને કરુણતા છે. વ્યંગકારમાં હોય છે તેવો, હાસ્યકારમાં કશા સામે પુણ્યપ્રકોપ હોતો નથી, કે નથી કોઈને સુધારી નાખવાનો આગ્રહ. વ્યંગકાર ચિંતક-સુધારક છે, અથવા તો સુધારાની ચિંતાવાળો હોય છે. વ્યંગ હેતુપ્રધાન હોય છે જ્યારે હાસ્યકારનું વલણ કેટલીક વાર વિનોદ ખાતર વિનોદનું હોય છે. નાણાંની ધીરધાર કરનાર કોઈ વેપારી પોતાની દુકાન પર પાટિયું ટીંગાડે કે ‘તમારી અગવડે મળો’ તો એમાં સચ્ચાઈ અને હાસ્ય બન્ને છે, વ્યંગ નથી… તો જીવનભર લંગોટીભેર રહેલા ગાંધીજીને ભવ્ય અંજલિઓ અપાતી જોઈને કવિ હસમુખ પાઠક ‘રાજઘાટ પર’ નામના કાવ્યમાં આ રીતે વ્યંગ કરે છે : ‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય, ગાંધી કદી સૂતો નથી…’ પણ હાસ્ય અને વ્યંગ વચ્ચે મોટામાં મોટું સામ્ય એ છે કે સાહિત્યિક દૃષ્ટિએ બન્નેમાંથી એકેયનું મૂલ્ય આજની તારીખમાં પણ ઊંચું અંકાયું નથી. કોઈએ આ તરફ ગંભીરતાથી જોયું નથી. આ કારણે જ બર્નાર્ડ શૉએ લખ્યું છે : ‘મેં આટઆટલા ચાબુક પ્રજાને ફટકાર્યા છતાં હું જીવતો રહી શક્યો છું એનું કારણ મને તો એ જ લાગે છે કે, હાસ્ય વ્યંગકારને કોઈ ગંભીરતાથી લેતું નથી.’

 • * *

હાસ્ય-વ્યંગના પ્રભેદો જેવા કે બ્લેક હ્યૂમર, નૉન્સેન્સ હ્યૂમર, પન અર્થાત્ શ્લેષ, જોક, ઇન્વેક્ટિવ, સાર્કેઝમ, સાર્ડોનિક, સીનિસિઝમ, લેમ્પૂન, વિટૂપરેશન, કૅરિકેચર, આયરની, પેરડી, હુડિબ્રાસ્ટ, ટ્રાવેસ્ટી, બર્લેસ્ક, મૉક-હિરોઇક, કૉમેડી, હૉર્સ-પ્લે વિશે પણ લંબાણપૂર્વક ચર્ચા કરી શકાય. પરંતુ તમારી ધીરજની કસોટી કરવા નથી ઇચ્છતો એટલે અહીં અટકું છું… આભાર સૌનો.