પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી નારાયણ દેસાઈ


ચુંમાળીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી નારાયણ દેસાઈ
  • નારાયણ દેસાઈનો જન્મ ૨૫મી ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ વલસાડમાં થયો હતો. પિતા મહાદેવભાઈ દેસાઈ. તેઓ ગાંધીજીના અંગત મંત્રી અને સ્વાતંત્ર્ય-સૈનિક હતા. માતા દુર્ગાબહેન. તેમણે પણ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધેલો અને બે વખત જેલવાસ ભોગવેલો. નારાયણભાઈએ શાળાનો અભ્યાસ સાબરમતી આશ્રમ તથા ગૂજરાત વિદ્યાપીઠના વિનયમંદિરમાં કર્યો હતો. મુખ્યત્વે તેઓ ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, ભૂદાન કાર્યકર અને યુવકોના નેતા છે. તેઓ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી, મરાઠી અને ઊડિયા ભાષાઓ જાણે છે.

નારાયણભાઈએ સેવાનાં કાર્યો કર્યાં છે. તેમણે ‘હિંદ છોડો ચળવળ’માં ભાગ લીધો હતો. વિનોબા ભાવે સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયા હતા. બાંગ્લાદેશમાં નિર્વાસિતો માટે કાર્ય કર્યું હતું. તેમણે અમદાવાદ ઉપરાંત બીજાં શહેરો જેવાં કે ભિવંડી, કોલકાતા, રૂરકેલામાં જ્યારે રમખાણો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે તેમાં શાંતિ સ્થાપવામાં મહત્ત્વની કામગીરી કરી હતી. નારાયણભાઈએ લેબેનોનના બ્રુમાનામાં ભરાયેલ વિશ્વશાંતિ સેનાની પરિષદમાં ભાગ લીધો હતો, ૧૯૫૯માં ઘાનામાં ભરાયેલ વર્લ્ડ ઍસેમ્બ્લી ઑવ્ યુથના અધિવેશનમાં હાજરી આપી હતી. ૧૯૬૧-૬૨ દરમિયાન તેમણે વિશ્વશાંતિ સેનાના કાર્ય માટે કેટલાક દેશોનો પ્રવાસ કર્યો હતો. અહિંસાની તાલીમ આપવા ૧૯૬૫માં તેઓ ઇટાલીના પેરૂગિયામાં ગયા હતા. ગાંધી શતાબ્દી વર્ષ નિમિત્તે સોવિયેત સંઘ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વપ્રવાસ કરેલો. ૧૯૭૫માં દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી, ત્યારે નારાયણભાઈ ગુજરાતમાં આવ્યા હતા. તે સમયે તેમની ચાર પુસ્તિકાઓ પ્રગટ થયેલી. ‘સરમુખત્યારશાહીને સમજીએ’, ‘કૉંગ્રેસજનોં કો ખુલા પત્ર’, ‘અહિંસક પ્રતિકાર’ અને ‘અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ’. તેમાંથી પ્રથમ ત્રણ ઉપર સરકારે પ્રતિબંધ મૂકેલો. કટોકટી દરમિયાન તેમણે હિંદીમાં ‘યકીન’ નામનું અખબાર શરૂ કરેલું. ‘સોનાર બાંગ્લા’, ‘સર્વોદયવિચાર’, ‘ભૂદાન-આરોહણ’, ‘હૅન્ડબુક ફૉર સત્યાગ્રહીઝ’, ‘હૅન્ડબુક ફૉર શાંતિ-સૈનિક્સ’, ‘ટોવર્ડ્‌ઝ એ નૉન-વાયોલન્ટ રેવૉલ્યૂશન’ તેમણે લખેલાં પુસ્તકો છે. ગાંધીજીનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક ‘સંત સેવતા સુકૃત વાધે’ લખ્યું છે. આ પુસ્તકનો હિન્દી, મરાઠી, તમિળ, મલયાલમ તથા અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે. નારાયણભાઈએ એમના પિતા મહાદેવભાઈનું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ નામે લખ્યું છે. ‘મારું જીવન એ જ મારી વાણી’ ચાર ભાગમાં પ્રગટ થયું છે. તેમના પ્રવાસનું પુસ્તક ‘મા ધરતીને ખોળે’ ૧૯૬૪માં પ્રગટ થયું. ૧૯૯૦માં તેમનો કાવ્યસંગ્રહ ‘જાગરણ ગીતો’ નામે પ્રગટ થયો. ‘મને કેમ વીસરે રે’ તેમનું ચરિત્રનું પુસ્તક છે. ‘શાંતિયજ્ઞ’ (૧૯૭૪) અને ‘અહિંસક પ્રતિકાર’ (૧૯૭૫)માં તેમણે લખેલા નિબંધો છે. નારાયણભાઈએ બીજી ભાષામાંથી અનુવાદ પણ કર્યા છે. ‘રવિ છબી’ કાવ્યોના અનુવાદ છે. તો ‘માટીનો માનવી’ – ઊડિયામાં લખાયેલી નવલકથાનો અનુવાદ છે. ચેકોસ્લોવૅકિયામાં શાંતિ પ્રતિકાર વિશે લખેલા તેમના પુસ્તકનો ગુજરાતીમાં ‘ટૅન્ક સામે લોક’ નામથી અનુવાદ થયો છે. તેમણે ૩૦ દેશોની યુવક પ્રવૃત્તિઓના તુલનાત્મક અભ્યાસને રજૂ કરતું પુસ્તક હિંદીમાં ‘વિશ્વ કી તરુણાઈ’ નામે આપ્યું છે. નારાયણભાઈ ૧૯૯૫માં નર્મદ સુવર્ણચંદ્રક તથા ૨૦૦૧માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. તેમને ૧૯૮૧માં સંસ્કાર ઍવૉર્ડ, ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ, શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન ઍવૉર્ડ અને મૂર્તિદેવી ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. નારાયણભાઈનાં પુસ્તકો ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દિન્હી દ્વારા પુરસ્કૃત થયાં છે. ૧૯૯૮માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન પ્રાપ્ત થયું છે. અત્યારે તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના સંચાલક છે અને જુદાં-જુદાં શહેરોમાં ગાંધીકથા કરે છે. ગિરાગુર્જરીને વિશ્વગુર્જરી બનાવીએ ગુજરાતી સાહિત્યના પ્રેમીજનો પોતાનું ભાષણ પહેલેથી લખી આપીને પછી બોલવાનું મને બહુ ગોઠતું નથી. મને શ્રોતાઓની આંખો જોઈને બોલવાનું ગમે છે. હું રહ્યો કથા કરનારો. એટલે એમ વિચારતો હતો કે આ પ્રસંગે પણ કથા જ કેમ ન કહેવાય? પણ પછી વિચાર્યું કે કથા કરવામાં વખત વધારે જોઈએ. એટલે સો વર્ષની પ્રણાલીને તોડવાનો આ પ્રસંગ આવતો હતો તે ન આવ્યો. જોકે લખેલું ભાષણ હું પૂરેપૂરું વાંચવા નથી ધારતો. એમ કરતાં મને મૂળ ભાષણમાં થોડાઘણા ફેરફારો કરવાની છૂટ રહેશે! ગુજરાતી ભાષાની જેમણે મારાથી ઘણી વધારે સેવા કરી છે, ગુજરાતી સાહિત્યની સેવા એ જ જેનો મુખ્ય સ્વધર્મ છે, એવા અનેક લોકોને મારી સામે બિરાજેલા જોઉં છું ત્યારે પરિષદ-પ્રમુખ તરીકે બોલતાં ખૂબ સંકોચ અનુભવું છું. સાહિત્યપદાર્થની જેમને ઊંડી પરખ છે તેમની આગળ બોલનાર હું તે વળી કઈ વાડીનો મૂળો? વળી મેં આ જવાબદારી સ્વીકારી તેનાથી કેટલાય વડીલ મિત્રોને નવાઈ લાગી છે. કેટલાકે તો મને પૂછ્યું પણ છે કે, ભલા ભાઈ, તેં આ ઉંમરે આ નવી ઉપાધિ કાં વહોરી લીધી? આ મિત્રોને તો મારે એટલું જ કહેવું કે જેને કોઈ મિશન મળ્યું હોય છે, તેને ઉંમર નડતી નથી. મેં ગાંધીની વાત, એટલે કે સત્ય-અહિંસાના વિચારનો પ્રસાર કરવાને, મારું મિશન માન્યું છે અને હું આશા રાખું છું કે સાહિત્ય પરિષદ મારફત એ મિશનને મદદ મળશે, તેથી જ હું મિત્રોના આગ્રહને વશ થયો છું. મને લાગે છે કે સાહિત્યમાત્રનો આધાર સત્ય છે. સાહિત્યકાર સત્યને પોતાની દૃષ્ટિએ જુએ છે, અનુભવે છે અને વ્યક્ત કરે છે. અને સાહિત્યકાર સફળ ત્યારે જ થાય છે જ્યારે કે એ પાઠક સાથે, ભાવક સાથે, એકાત્મ્ય સાધે છે. સામાની સાથે એકાત્મ્યની અનુભૂતિને જ હું અહિંસા માનું છું. આમ, મને સાહિત્ય મારફત સત્ય-અહિંસાના પ્રસારની પારાવાર શક્યતાઓ લાગે છે. હા, મારો સંકોચ એની જગ્યાએ કાયમ છે. પરંતુ સાહિત્યક્ષેત્રે મારાથી વધુ અનુભવી એવા ત્રણ ત્રણ મિત્રોએ પરિષદ-સભ્યો તરફથી સૂચવાયેલાં પોતાનાં નામો પાછાં ખેંચી મને પ્રમુખ થવાનો આગ્રહ કર્યો તેમાં માત્ર પ્રેમભર્યો પક્ષપાત જ નહોતો, પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો આદરભાવ પણ હતો એમ હું માનું છું. આ મિત્રો જ્યારે મને આગ્રહ કરી રહ્યા હતા ત્યારે મેં તેમને અકબર ઇલાહાબાદીનો એક શેર સંભળાવ્યો હતો : બુદ્ધૂ મિયાં ભી આજકલ ગાંધી કે સાથ હૈ : ગો ગર્દે–રાહ હૈ, ગાંધી કે સાથ હૈ! તુલસીદાસે એ અવસ્થાને ‘ગગન ચઢહિ રજ પવન પ્રસંગા’ કહીને વર્ણવી છે. ‘ગાંધીની સત્સંગતિ મળી એમાં મારો કોઈ પુરુષાર્થ નહોતો. મને એ જન્મજાત પ્રાપ્ત થઈ હતી. અરે, મને ક, ખ, ગ, ઘ લખતાંય આવડતું નહોતું ત્યારથી મને ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો.’ ગાંધીજી જેલમાં હતા. દર અઠવાડિયે તેઓ આશ્રમવાસીઓને પત્રો લખતા. તેમાં એક પત્ર અમને સૌ બાળકોને ‘વહાલાં પંખીડાં’ એવા સંબોધન સાથે લખતા. કોઈ વાર જો કોઈ બાળકે જરા ધ્યાન ખેંચે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો બાપુ એને નામે સ્વતંત્ર કાગળ પણ લખતા. બાપુનો એવો કાગળ આવે ત્યારે અમારે માટે એ ગૌરવનો વિષય થઈ પડતો. એવો એક કાગળ મને પણ મળેલો. એના બધા શબ્દો તો યાદ નહોતા, પણ પાછળથી મહાદેવભાઈની ડાયરીમાંથી એ મળી આવ્યા. અમારા પ્રેમાળ સંગીત-ગુરુજી, પંડિત નારાયણ મોરેશ્વર ખરે, અમારા લહિયા બનીને અમારા વતી કાગળ લખી આપતા અને બાપુના જવાબ આવે તે પાઠક બનીને અમને વાંચી પણ સંભળાવતા. મારો કાગળ પણ મેં મારા આ લહિયા મારફત જ લખાવેલો. તે કાંઈક આવો હતો : ‘બાપુ, આપણા આશ્રમમાં ગીતા ગવાય છે. એમાં અર્જુન એકાદ શ્લોકમાં ટૂંકો ને ટચ સવાલ પૂછે છે, પણ શ્રી ભગવાન એના લાંબા ને લચ જવાબો આપે છે. અહીં અમે તમને લાંબા લાંબા પ્રશ્નો પૂછીએ છીએ, પણ તમે કેમ એના સાવ ટૂંકા જવાબો આપો છો?’ પંડિતજીએ કહેલું કે બાબલાના કાગળનો જવાબ બાપુ જરૂર નોખો લખશે. આગલા અઠવાડિયા સુધી બાબલાએ એની આતુરતાપૂર્વક રાહ પણ જોયેલી. અને ખરેખર બીજે અઠવાડિયે બાપુનો જવાબ આવી પણ પહોંચ્યો. બનતાં સુધી તે પત્ર ચિ. બાબલાને બદલે ‘ચિ. નારાયણ રાવ’ને સંબોધીને હતો : “કૃષ્ણને પૂછનાર એક જ અર્જુન, એટલે તેને બધા મલાવા કાં ન સૂઝે? ને વળી કૃષ્ણ રહ્યો જ્ઞાની, હું રહ્યો થોડા જ્ઞાનવાળો, ને પૂછનારા અર્જુન કેટલા? ગણ જોઈએ! બધાયને થોડું વહેંચી દઉં તો કેવી અને કેટલી ગીતા થાય? કેમ કે કૃષ્ણને એક જ વાર પુછાયું, મને તો આટલા અર્જુન દર અઠવાડિયે પૂછે.” આમ હું તો આપની સમક્ષ આવ્યો છું ગાંધીના અર્જુન તરીકે અથવા એમ કહો કે એમના ખેપિયા તરીકે, કે એમના કોસિયા તરીકે. ગાંધી આપણા સાહિત્યને, આપણી આંખી સંસ્કૃતિના સારને કોસિયા સુધી, સામાન્યજન સુધી પહોંચાડવા માગતા હતા. સામાન્યજન સુધી કઈ ભાષા, કયું સાહિત્ય પહોંચે? માત્ર સરળ ભાષા? પ્રૌઢ શિક્ષણ સારુ ભાષાને સરળ બનાવીને તૈયાર કરેલું સાહિત્ય કેમ સામાન્યજન સુધી પહોંચતું નથી? અને કબીર, જ્ઞાનેશ્વર, ત્યાગરાજ અને નરસિંહની ભાષા હમેશાં સરળ નહોતી, છતાં એ કેમ સામાન્યજન સુધી પહોંચી? કારણ એમની વાણીમાં માત્ર સરળ ભાષા નહોતી, સરળ હૃદયની ભાષા હતી. ઋજુ હૃદય ઉપર ઝિલાયેલું જ્ઞાન ઋજુ હૃદયના સામાન્યજન સુધી પહોંચે છે. સામાન્યજન સુધી પહોંચવા માત્ર ભાષાને જ નહીં, અંતરને સ્વચ્છ કરવાની જરૂર હોય છે. કોસિયા પાસે પહોંચનાર સાહિત્ય માત્ર કોસના દોરડા સુધી જ પહોંચનાર નહીં, પણ કોસિયાના અંતરને સિંચનાર હોવું જોઈએ. ઉત્તર-કર્ણાટકના ઊંડાણના એક આશ્રમમાં ધોધમાર વરસાદ વચ્ચે ગાંધીજીની નિશ્રામાં એક ઉત્સવ ઊજવાયો હતો ૧૯૩૭માં. આ ઉત્સવનાં કેન્દ્રવર્તી પાત્રો હતાં મનુબહેન હરિલાલ ગાંધી, નિર્મળા હરિભાઈ દેસાઈ એટલે મારાં ફોઈ, મારા કાકા, પરમાનંદ હરિભાઈ દેસાઈ અને હું. બે બહેનોનાં લગ્ન અને બે બટુકોની જનોઈ એક જ છાપરા નીચે ગાંધી સેવા સંઘની મિટિંગ વખતે ગોઠવાયાં હતાં. મારા સ્મરણ મુજબ બંને લગ્નો દીઠ કુલ ખર્ચ છ-છ રૂપિયા થયું હતું અને જનોઈના ખર્ચનો હિસાબ મંડાયો નહોતો. પણ આ ખર્ચમાં બે દંપતીઓ અને બે બટુકો એમ છ જણને ગાંધીજીએ આપેલી બબ્બે ચોપડીઓની ભેટની કિંમત નહોતી ગણાઈ. ગાંધીજીનું ગાંધીપણું તો એમાં હતું કે એ બારેબાર પુસ્તકોમાં તેમણે બાર જુદા જુદા સંદેશાઓ લખીને સહી કરી હતી. એમાં મને મળેલાં પુસ્તકો પર એમણે કરેલું લખાણ મને આજે સિત્તેર વરસ પછી પણ યાદ છે – ‘આશ્રમ ભજનાવલિ’ પર તેમણે લખ્યું હતું – આનાં બધાં ભજનો, સમજીને, મોઢે કરી લેજે. આમ એક જ વાક્યમાં બધાં ભજનો, સમજીને, કંઠસ્થ કરવાનો એ આદેશ તે વખતે મને ખાસ અઘરો લાગ્યો નહોતો. પણ બીજા પુસ્તક – ‘અનાસક્તિયોગ’ પર લખેલ સંદેશ કોઈ સૂત્ર જેવો અર્થગંભીર હતો. તેમાં લખ્યું હતું : “તારે વિશે જે આશાઓ રાખી છે તે પૂરી કરજે.” જીવનના દરેક વળાંક આ સૂત્રે મને પડકાર્યો છે. આજે એ પડકારને જરા વ્યાપક બનાવીને આપણા સૌની સમક્ષ મૂકી શકું ખરો? આપણા એ પૂર્વ-પ્રમુખ આપણને સૌને એમ કહી ન શકે કે તારે વિશે આશા રાખી છે તે પૂરી કરજે? આજના સંદર્ભમાં બાપુની એ આશા, આકાંક્ષા, અપેક્ષા શી હશે? એ અપેક્ષાને જરા ગૌરવશાળી શબ્દોમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે ગિરાગુર્જરીને આપ સૌ મળી વિશ્વગુર્જરી બનાવો. જે ભાષા સામાન્યજનના અંતઃસ્તલ સુધી પહોંચી શકે એ જ વિશ્વની ક્ષિતિજો આંબી શકે. ગુજરાતી ભાષાને આપણે વિશ્વની ક્ષિતિજો માપનાર કેમ ન બનાવી શકીએ? વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. આપણે શું આ સંમેલનમાં ગુજરાતી ભાષાને વિશ્વગુર્જરી બનાવવાનો સંકલ્પ કરી શકીએ? વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યક્તિત્વ એ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે એવા વ્યક્તિત્વવાળા થઈ ગયા કે જેમનું વાઙ્‌મય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં એ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહીં એ પ્રશ્ન તમારા નિર્ણય પર છોડી, હું અહીં મારો એ વિશ્વાસ વ્યક્ત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે – તો આપણે આપણાં વ્યક્તિત્વ પણ વિશ્વસ્તરનાં કરવાં પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી; બલ્કે તે વધુ ઊંચી ઊઠશે. આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે-અજાણ્યે આપણી આસપાસ કૂંડાળાં બનાવતાં હોઈએ છીએ. એ કૂંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજા વિષે દ્વેષ કે ઈર્ષાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે અને એનાં ક્ષેત્રો ચંદ્રક કે પુરસ્કાર, સમ્માન કે બહુમાન, પદ કે પદાધિકાર, સમિતિઓ કે સવલતો ને સગવડો હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળામાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે. આ પહેલું સોપાન. પરિષદનું પરિસર, (વિનોબાની ભાષા વાપરી કહું તો) ‘પ્રેમક્ષેત્ર’, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સુધી વિસ્તરેલું હોવું જોઈએ. સંચારનાં માધ્યમો જ્યારે આટલાં વિપુલ અને સુલભ બન્યાં છે ત્યારે પરિષદ અમદાવાદની કે વડોદરાની, ગુજરાતની કે મુંબઈની એવા પ્રશ્ન જ ન ઊઠવા જોઈએ. આવા પ્રશ્નો ઊઠે કે એનો અર્થ જ એ થાય છે કે આપણું સામૂહિક વ્યક્તિત્વ એટલું ઊણું પડે છે. આપણે સૌએ બાંયો ખોલવી પડશે. કૂંડાળામાં જે જ્યાં ઊભું હોય ત્યાંથી એને તોડવું પડશે અને ગૂંચો ઉકેલવી પડશે. આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય – બિનમુસ્લિમ સાહિત્ય – આ અને આવાં વિશેષણો જે બધાંનું વિશેષ્ય, ‘સાહિત્ય’ છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુક્ત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું એ બીજું સોપાન હશે. ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે – ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચે લાવે છે. બીજાને હીન દેખાડનાર અથવા બીજા પ્રત્યે તુચ્છકારભર્યો વ્યવહાર કરનાર પોતે કદી નૈતિક રીતે ચડિયાતો સિદ્ધ થતો નથી, હેઠે જ પડે છે. એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે-તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઇષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે. અને વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને? આ અંગે મારી એક ચિંતા વ્યક્ત કરવા ઇચ્છું છું. ગુજરાતીના ‘શિષ્ટ’ સાહિત્યનો વ્યાપ હજી ઘણા મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આપણી કવિતા, આપણી વાર્તા, આપણી નવલકથાનું વિષયવસ્તુ મુખ્યત્વે શહેરો કે કસ્બાઓના મધ્યમ વર્ગના માનસથી કેટલું આગળ વધ્યું છે? આપણી પહોંચ હજી ગામડાં સુધી માંડ ગઈ છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે. નારીના પ્રશ્નો – મધ્યમ વર્ગની નારીના પ્રશ્નો સુધ્ધાં – આપણે નારીવાદી લેખિકાઓ કે કવયિત્રીઓ પૂરતા મર્યાદિત નથી રાખ્યા? મારા આ વિધાનમાં થોડા સામાન્યીકરણ-જનરલાઇઝેશન-નો અંશ છે, એ હું સ્વીકાર કરું છું. એટલે કે આ બાબત કેટલાક અપવાદ છે, એમ આપણે દેખાડી શકીએ એમ છીએ. પણ આ અપવાદો જ શું સામાન્ય પ્રવર્તતી પરિસ્થિતિના દ્યોતક નથી? બીજી રીતે જોઈએ તો આપણું આજનું સાહિત્ય આપણા આજના વેરવિખેર થતા સમાજના દર્પણ સમું જણાય છે. એમાં અમદાવાદ શહેરના અન્ય ભાગોથી જુહાપુરા અલગ દેખાય છે, દલિતોનું દરદ એમને મુખે જ બોલે છે; અને આદિવાસી સાહિત્ય તો જાણે કે આપણી પૂર્વપટ્ટીની ટેકરીઓની પછવાડે જ લપાઈ રહ્યું હોય એમ નથી લાગતું? કોઈક કહેશે કે આમાં એ વર્ગોની પણ નબળાઈ છે, જે વર્ગો પૂરતું માથું નથી ઊંચકતા. પરંતુ આ દલીલ તો પેલા સામ્રાજ્યવાદીઓ જેવી લાગે છે કે જે કહેતા રહેતા કે ‘અમે તો સ્વતંત્રતા આપવા રાજી છીએ, સંસ્થાનોની વસ્તી જ એને સારુ લાયક નથી બની.’ જે પોતાને સાહિત્યકાર માને છે તેની જવાબદારી સમાજના અંગેઅંગ સહિત પોતાની હૃદયભાવના જોડવાની છે. ગુજરાતી સાહિત્યકારની કલમે સમગ્ર ગુજરાતનાં હર્ષશોક, વેદના-આનંદ, આશા-આશંકા, મનોકામના ને મનોરથો મુખર થવાં જોઈએ. પાંચ કરોડ જનતા વતી બોલવાની જવાબદારી ગાંધીનગરમાં વિરાજમાન કોઈ એક વ્યક્તિની નહીં, પણ ગિરાગુર્જરીના સૌ સેવકોની હોવી જોઈએ. એમ ન થાય ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય ગમે તેટલો ગર્વ ભલે લેતું ગૌરવ લઈ શકે નહીં. ગુજરાતી સાહિત્યનું ગજું આપણે વિશ્વસાહિત્ય સુધી લઈ જવું છે. એનું એક પગલું આપણા વ્યક્તિત્વને તપાસી, કઠોર આત્મપરીક્ષણ કરી, અને સ્વચ્છ, ઉદાર અને ઉદાત્ત બનાવી આખા ગુજરાતી સમાજની ઊર્મિઓને અભિવ્યક્તિ આપતું કરવું એ છે. આપણે આપણી ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું લાવવું હશે તો ગુજરાતની પ્રજાના ગંભીર પ્રશ્નો અંગે આપણી નિસબત કેળવવી પડશે. જે પ્રજાનાં સુખદુઃખનો ભાગીદાર થાય એ જ પ્રજાનો સાહિત્યકાર બને. જે પ્રજાનાં પાપ-પુણ્યને પોતાનાં ગણે એનામાં જ પોતાના સાહિત્યને પુણ્યશાળી બનાવવાનું સામર્થ્ય આવી શકે. આ પ્રસંગે હું મારી વ્યક્તિગત નિસબતની વાત કહેવા ઇચ્છું છું. એને વ્યક્તિગત એટલા સારું કહું છું કે બીજા એના ભાગીદાર ન હોય તો હું તેને આપણી નિસબત કહી ન શકું. જોકે હું ઇચ્છું ખરો કે આપણા સૌની, ગુજરાતના સૌ વિચારવંતોની તે નિસબત બને. મને સન ૨૦૦૨માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે, આમ કહેતાં મારું હૃદય આજે પણ ચિરાય છે. હૃદય એટલા સારુ ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે એમ મને લાગ્યાં કરે છે. સમાજનો કોઈ પણ માણસ સમાજમાં એક જગાએ પણ માણસાઈને હેઠે ઉતારે એવું કૃત્ય કરે તો જે પોતાને એ સમાજનો નાગરિક માનતો હોય તે પણ એ કૃત્ય સારું અમુક અંશે જવાબદાર બને છે. ભરેલા સરોવરનું પાણી કોઈ પણ જગાએ ખાલી થાય તો તેથી આખા સરોવરના પાણીની સપાટી નીચી જાય, તેમ સમાજમાં ક્યાંય પણ પાપ થાય તો તેનાથી આખા સમાજનું નૈતિક સ્તર એટલું નીચું જાય છે. હું મારી જાતને ૨૦૦૨ના મહાપાતકનો એ અર્થમાં ભાગીદાર ગણું છું. ૨૦૦૨ના મહાપાતકમાં જે લોકો રેલગાડીમાં બળી મર્યાં, તે તથા બીજા જે મૃત્યુ પામ્યા, જે આગમાં હોમાયાં, જેમનાં ઘર બળ્યાં, જેમનાં માસૂમ બાળકોને રહેંસી નાખવામાં આવ્યાં, જેમની દીકરીઓને આગમાં ફેંકવામાં આવી, એમને સારુ કોઈ પણ સહૃદયને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઘટનાના વધુ ઊંડાણમાં જઈએ તો આ ઘટનાના શિકાર બનનારાંઓ સારુ જેમ રડવું આવે એમ છે, તેમ એના શિકારી સારુ પણ રડવું આવે એમ છે. જે બળીમૂઆં કે બીજી રીતે કતલ થયાં તે તો ગયાં તે ગયાં. પણ જેણે હિંસા આચરી અને જેમણે એ હિંસા આચરવા દીધી એનો અંતરાત્મા તો આજ લગી ડંખતો હશે. એણે એને અંગે માફી નહીં માગી હોય તોપણ એના અંતરને કોઈક ખૂણે એના પાપનો ડંખ તો હશે, તેના હૈયાની હોળી પેલી એક દિવસની હોળી કરતાં ઓછી નહીં હોય. હું કબૂલ કરું છું કે આ મારી શ્રદ્ધાનો વિષય છે. બાહ્ય ઘટનાઓ એને કોઈ વાર ખળભળાવી શકે છે, કોઈ વાર હચમચાવી શકે છે, પણ એને ઉખાડી નથી શકતી. આપણે એ પણ સમજવું જોઈએ કે પાપ એ મારકાપ, હત્યા, બાળઝાળ, બળાત્કાર જેવાં કર્મોથી થાય છે. પણ એ કૃતિને ટેકો આપવા સારુ જ્યારે એનું તત્ત્વજ્ઞાન બને છે ત્યારે તે પાપ બેવડાય છે. વેર વાળવું એ જ્યારે સ્વાભાવિક માનવામાં આવે છે ત્યારે વળી એ પાપ ત્રણ ગણું થઈ જાય છે. અને જે શરમજનક ઘટના છે તેનો જ્યારે ગર્વ લેવામાં આવે છે ત્યારે તે પાપ ચોગણું થાય છે. આવા ઘોર પાપમાંથી આપણે સાવ તાજેતરના ઇતિહાસમાંથી પણ પસાર થયાં છીએ. સમાજના પાપને હું જેટલે અંશે મારું માની શકું છું તેટલે અંશે આ પાપનો હું મને પોતાને પણ ભાગીદાર માનું છું અને એમાંથી મુક્ત થવાના મારાથી બનતા પ્રયાસો મેં કર્યા છે. આ વર્ષના પાછલા ભાગમાં એક સામાજિક પાપ બંગાળના નંદિગ્રામમાં થયું ત્યારે ત્યાંના સાહિત્યકારોએ તરત એનો વિરોધ કર્યો – કેટલાકે સરકારી માનચાંદ પાછા આપીને એ વિરોધને વધુ મુખર કર્યો. ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદિગ્રામના ગોળીબારથી સેંકડોગણી વધારે અમાનવીય હતી. તે વખતે આપણું પણ હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે ‘ભાવભૂમિ’ પ્રકાશિત કરીને આપી શકીએ ખરા? ગુર્જરગિરાની ગરિમા વધારવી હોય તો એના સારસ્વતોએ આત્મસંતોષ કે આત્મવંચનાને ખંખેરી નાખીને પોતે કેટલા પાણીમાં છે તે તપાસવું પડશે. જે સત્ય ખાતર કાંઈક ખોવા તૈયાર હશે તેનામાં જ ખમીર દેખાશે. મલયાલમ સાહિત્યનું વેચાણ આજે કદાચ આખા દેશના પ્રાદેશિક સાહિત્ય કરતાં વધારે હશે, એનું એકમાત્ર કારણ એ નથી કે કેરળમાં બીજા પ્રદેશો કરતાં સાક્ષરતા વધારે છે. એનું એક મોટું કારણ એ પણ છે કે ત્યાં છેલ્લા બેત્રણ દસકાથી સાહિત્યકારો સામાજિક પ્રશ્નો સાથે શ્વસે છે. સાહિત્ય જ્યારે સામાજિક સમસ્યાઓની સાચી અભિવ્યક્તિ કરતું થાય છે ત્યારે જ તે સમૃદ્ધ ને ઉદાત્ત બને છે અને પોતાના સમયનો પડકાર ઝીલવાને કાબેલ બને છે. સમાજના પ્રશ્નો સાહિત્યને જીવંત બનાવે છે અને સમાજાભિમુખ સાહિત્ય સમાજને ટટ્ટાર બનાવે છે. આપણે આત્મશક્તિનું ભાન કેળવવું પડશે. આપણે એવું વિચારીએ છીએ ખરા કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે? શેક્સપિયરે પોતાનું પ્રથમ અગત્યનું કાવ્ય ‘વીનસ ઍન્ડ એડોનિસ’ સાઉધમ્પ્ટનના જે અર્લને અર્પણ કર્યું હતું તેને આજે કોણ યાદ કરે છે? રાજા ભોજ કરતાં કાલિદાસની ખ્યાતિ વધુ ચિરંજીવી છે. અકબર બાદશાહ કરતાં તુલસીદાસ આજે ઘણા વધારે મોટા સમુદાયના હૈયામાં વસે છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યની ગુણવત્તાથી વધે છે. તત્કાલીન શાસન દ્વારા એને અપાયેલ સમ્માનથી નહીં, એટલું જો સાહિત્યકાર સમજી જશે તો એ સાહિત્યની સાચી સેવામાં મન પરોવશે અને ઘણા ક્ષુદ્ર રાગદ્વેષોથી બચી જશે. સમાજના સળગતા પ્રશ્નોમાં જ્યારે સાહિત્યકાર રસ લેવા માંડશે ત્યારે એ કાંઈ જરૂરી નથી કે એ જાતે કર્મશીલ બને. વિક્ટર હ્યૂગો કે ગોર્કીના સાહિત્યે અનેક કર્મશીલોની ગરજ સારી હતી. કર્મશીલનું જોમ જેટલું સાહિત્યકારની કૃતિઓમાં દેખાશે એટલી એની કૃતિઓ તેજસ્વી બનશે અને સાહિત્યકારની સંવેદનશીલતા અને લાલિત્ય જેટલાં કર્મશીલમાં આવશે તેટલી એના કર્મમાં સુસંસ્કારિતા આવશે. કર્મશીલ અને સાહિત્યકાર વચ્ચે પારસ્પરિકતાને અભાવે ઘણી વાર સાહિત્ય નિસ્તેજ અને કર્મશીલતા સંસ્કારિતામાં ઊણી ઊતરતી દેખાય છે. આખી પ્રજાની વેદના જ્યારે આપણા સાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે એ સાહિત્ય ધરતી પર નક્કર પગલાં માંડતું છતાં ઊંચે આકાશમાં મસ્તક રાખી દૂરદૂરની ક્ષિતિજો ભાળતું જણાય છે. સિંધી કવયિત્રી પોપટી હીરાનન્દાણીની કવિતાનો આ હિંદી અનુવાદ જુઓ :

મૈં પેડ હૂં
એક પુરાના, બૂઢા પેડ
મેરી જડેં,
દૂર દૂર ઉસ જમીનમેં ગડી હૈં
જો મુઝસે છીન લી ગયી હૈં
મેરી જડોં કો ઉખાડને કી કોશિશ કી ગયી થી
પર વે નીચે
બહુત ગહરે
પાતાલ તક ફૈલી હુઈ થીં
ઇસ લિયે જમીન સે ઉપર હી
મજહબ કી તલવાર લે કર
મુઝે કાટા ગયા
અપની જડોંસે અલગ કિયા ગયા.
અબ મેરી જડેં
વહાં હૈ
ઔર મેં કટા હુઆ પેડ
યહાં હૂં.
મેરે પત્તે સૂખે-સૂખે
ડાલ ઝુકે-ઝુકે
ઔર તના કુબડા હૈ.
મૈં અપની જડોં કે લિયે
છટપટા રહા હૂં
ઔર મેરી જડેં મેરે લિયે
તડપ રહી હૈં.
જબ તક હમ આપસ મેં જુડેં
(ન જાને ઐસા હોગા કિ નહીં)
મૈં
પાની મેં ઘી કી બુંદે બિખેર
ઉનસે પાની કો ચિકના કર
ઔર
દૌલત કી લાઠી કે સહારે
અપને તને કો સીધા કર
તાજા હોને કા
ઢોંગ કર રહા હૂં.

આખી પ્રજાની વેદના કવયિત્રીની કલમથી ટપકે છે. આપણી? મેં આગળ ઉપર કહ્યું કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે. તે ક્યારે તેવું બને? જ્યારે સાહિત્ય શાસન કરતાં વધુ વિશાળ સમુદાય સુધી પહોંચ્યું હોય ત્યારે. તે વધુ શાશ્વત મૂલ્યો ધરાવતું હોય તો. જો તેનામાં શાસન આગળ સામી છાતીએ સત્ય બોલવાની હિંમત હોય તો. એ રવીન્દ્રનાથના ‘મુક્તધારા’ નાટકના ધનંજય વૈરાગી જેવી અનાસક્તિ, બેફિકરી અને સાહસિકતા ધરાવતું હોય તો. મેં શાશ્વત મૂલ્યોનો ઉલ્લેખ કર્યો. એની યાદી કરવા જઈએ તો એ લાંબી થાય. પણ એ બધાંના મૂળમાં સત્યનું મૂલ્ય છે. અને સત્યાધારિત સાહિત્ય તો જ નિર્માણ થાય જો સાહિત્યકાર પોતે સત્યનિષ્ઠ હોય. શાશ્વત સાહિત્યનો મૂળ આધાર સાહિત્યકારની સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નેકી, ઈમાનદારી પર છે. સાહિત્યકાર પોતાને પ્રત્યે ઈમાનદાર હોવો જોઈએ અને પોતાના સમાજ પ્રત્યે સૂક્ષ્મ-ભાવગ્રાહી હોવો જોઈએ. વિશ્વગુર્જરી બનવા તરફ જવાનું આપણું એક મોટું પગલું હશે ભારતીય બનવાનું. જો એક વાર આપણે સાચા અર્થમાં ‘ભારતીય’ બનીશું તો પછી તેમાંથી ‘જાગતિક’ બનવા સારુ ઝાઝું તપ નહીં કરવું પડે. ભારતમાં જ એટલી મબલક વિવિધતા છે કે એ વિવિધતાની કદર કરતાં કરતાં જ જો આપણે એની આંતરિક એકતા પામી શકીશું તો ભારતીયતા આપણને સહેજે પ્રાપ્ત થશે. આપણા દેશમાં ભાષાવૈવિધ્ય જેટલું છે એટલું ભાગ્યે જ કોઈ બીજા દેશમાં હશે. એના સાહિત્યની શૈલીઓ, એનાં રૂપ, એના આકાર, એની અભિવ્યક્તિ એ બધાં ક્ષેત્રોમાં આપણને વિવિધતા જોવા જડશે, પણ એ બધાં વૈવિધ્યની વચ્ચેની જે એકાત્મતા છે તેને આજે આપણે જાણે ખોઈ બેઠાં છીએ. અને કમનસીબી એ છે કે આજે જ્યારે સંચારનાં સાધનો આટલાં ઝડપી અને સુલભ થઈ ગયાં છે, ત્યારે જ આપણે આપણી ભારતીય પારસ્પરિકતા લગભગ ખોઈ બેઠાં છીએ. હજી થોડી સદીઓ પહેલાં જ નામદેવનાં મરાઠી ભજનો પંજાબમાં ગવાતાં, બે-અઢી સૈકા પહેલાં જ ગુજરાતી કવિઓ અમુક ભજનો ગુજરાતીમાં રચ્યા પછી એક ભજન હિંદીમાં રચતા. અરે, ઉત્તરપૂર્વની ખામતી આદિવાસી બોલીમાં ‘ચાઓઆલાડ’ નામે રામકથા પ્રચલિત છે. અને પ્રેમચંદ, શિવરામ કારંથ, પન્નાલાલ કે ફણીશ્વરનાથ રેણુનાં શબ્દચિત્રો દરેક ભારતવાસીને પોતાના પરિસરનાં વર્ણનો જેવાં લાગે છે. મલયાલમના જી. શંકર કુરૂપ ને હિંદીના સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ના વિષયવસ્તુમાં કેટલું સામ્ય છે! બંને છેવાડાના માણસના હૈયા સુધી પહોંચ્યા છે. આ બધાં અને આવાં કાંઈ કેટલાંય ભારતીયતાનાં લક્ષણો આપણને એકાત્મતાનાં દર્શન કરાવે છે. પણ આજે આપને અંગ્રેજી સાહિત્ય વિશે જેટલી જાણ છે એનો એક નાનકડો અંશ પણ આપણી પાડોશી ભાષાના સાહિત્ય વિશે નથી. આપણને કેટલું જ્ઞાન છે આધુનિક રાજસ્થાની સાહિત્ય વિશે? કેટલું છે કોંકણી સાહિત્ય વિશે? અરે, બંગાળી અને મરાઠી સાહિત્યના ગુજરાતી અનુવાદનો પ્રવાહ પણ આજકાલ ઘણો ક્ષીણ થઈ ગયેલો લાગે છે. આપણે ગુજરાતી સાહિત્ય બીજી ભાષાઓમાં અનૂદિત નથી થતું તેને વિશે સાચી રીતે જ ફરિયાદ કરીએ છીએ. મારા મત મુજબ આ ફરિયાદ ઓછી કરવાનો રાજમાર્ગ એકતરફી પ્રયાસોનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ આ કામ બહોળા પ્રમાણમાં ઉપાડી શકે. જો આપણી ભાષાને આપણે ભારતની બીજી ભાષાઓમાંથી ભાષાંતરનો લાભ આપવાનો એકતરફી સંકલ્પ કરીશું તો સહજ રીતે ગુજરાતી ભાષા પણ અન્ય સાહિત્યમાં માનવંતું સ્થાન પામશે એવી મારી શ્રદ્ધા છે. આજે અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા જેવાં શહેરો બહુભાષી બની ચૂક્યાં છે. અને હિંદુસ્તાનના ઘણાંખરાં શહેરોમાં અને કેટલીય જગાઓએ તો ગામડાંમાં પણ ગુજરાતીઓ વસે છે ત્યારે ભારતીય સાહિત્યોનું પરસ્પર આદાન-પ્રદાન અનેક ગણું વધવું જોઈએ. આ વિષય મને મારી નિસબતના એક બીજા વિષય પર લઈ જાય છે. કદાચ એને આપણા સાહિત્યકારો સાથે એટલો સીધો સંબંધ નહીં હોય, જેટલો આપણા ભણેલાગણેલા વાલીઓ, આપણા શાસકો અને આપણાં પ્રસાર માધ્યમો સાથે છે. પણ ગુજરાતી તરીકે આપણી સૌની નિસબતનો એ પ્રશ્ન હોવો જોઈએ. હું દક્ષિણ અમેરિકાના સંખ્યાબંધ દેશોમાં ફરી આવ્યો છું. ત્યાં બ્રાઝિલમાં પોર્ટુગીઝ અને બાકીના દેશોમાં સ્પૅનિશ ભાષા પ્રચલિત છે. એ બંને ભાષાઓ તે દેશોના પૂર્વસામ્રાજ્યવાદી શાસકોની ભાષાઓ છે. ઘણાખરા દક્ષિણ અમેરિકાના દેશોમાં એક જમાનામાં ઠીકઠીક વિકસેલી સંસ્કૃતિઓ હતી. આજે એ સંસ્કૃતિઓ નષ્ટ થઈ છે અને એમની ભાષાઓ તો નેસ્તનાબૂદ થઈ ગઈ છે. આપણે ત્યાં અંગ્રેજોના ગયા પછી અંગ્રેજીનો પ્રભાવ ખૂબ ઝડપભેર વધ્યો છે. અંગ્રેજી ભાષા એ જો સારી અંગ્રેજી હોય તો, વધે એની સામે કોઈનો વાંધો ન હોઈ શકે, પણ એ જો ગુજરાતીને નેસ્તનાબૂદ કરવાની હોય તો મને એની સામે પ્રબળ વાંધો છે. અંગ્રેજી વધવાનાં કારણોમાં આપણા શિક્ષણમાં અંગ્રેજીને ફરજિયાત અને કેટલીક જગાએ તેને જ માધ્યમ બનાવવાની નીતિ, આપણાં છાપાંઓ અને ટી.વી.ની ચૅનલોમાં વપરાતી ભાષા, આપણી જાહેરખબરોમાં વપરાતી ભાષા વગેરેનો સમાવેશ થાય છે. અંગ્રેજીના જે શબ્દો કે શબ્દપ્રયોગો ગુજરાતીમાં ન હોય તેનો ઉપયોગ જો આપણી ભાષામાં સમજપૂર્વક કરવામાં આવે તો તેનાથી તો આપણી ભાષા સમૃદ્ધ જ થાય, પણ અંગ્રેજીનો ઉપયોગ એલફેલપણે કરવાથી ગુજરાતીની ગરિમા ઘટે છે અને અંગ્રેજીની પણ વધતી તો નથી જ. આ આખી અધોગતિ ભલે આંખે ઊડીને વળગે એવી રીતે ન થતી હોય, જોકે ઘણી વાર એમ પણ બનતું હોય છે, પણ એનો પ્રચાર ખૂબ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. જ્યાં સુધી શાસનને લાગેવળગે છે ત્યાં તો આ અધોગતિ સાંખી ન જ લેવાય. પ્રશ્નોનો પ્રશ્ન હોય તો એ છે કે આપણે આપણી ભાષાને ભૂંસાઈ જવા દેવી છે? નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દલપત, નર્મદથી માંડીને આજની ઘડીના સાહિત્ય ને સંસ્કારને અંગ્રેજીના પૂરમાં તણાઈ જવા દેવાં છે? સર્વ જાગૃત પ્રજાજનોની મોખરે સાહિત્યકારોએ તો આને, આ આત્મઘાતી પ્રવૃત્તિને તરત ‘રુક જાઓ!’ કહીને પડકારવી જોઈએ. સ્વરાજ મળ્યું ત્યારે જ દેશ વિભાજિત થયો. ભાગલાનો એ ઘા કારી હતો. જોકે એ વખતની વેદના પણ ઉર્દૂ, પંજાબી કે હિંદી સાહિત્યમાં જેવી પડઘાઈ તેવી ગુજરાતી સાહિત્યમાં નહોતી પડઘાઈ. દેશના વાયવ્ય ભાગમાં પ્રત્યક્ષ હિંસા બીજા ભાગો કરતાં ઘણી વધારે હતી, એ વાત સાચી, પણ રાષ્ટ્રને આપણે જો એક શરીર કલ્પી શકીએ તો એના એક અવયવની પીડા બીજાને કેમ ન જણાઈ? વિભાજનની સામે ઝૂઝતાં આપણા એક પૂર્વપ્રમુખે પોતાના પ્રાણની આહુતિ આપી એટલાથી આપણે આપણા કર્તવ્યને પૂરું થયેલું ગણી શકીએ ખરા? ગાંધીનું જીવન એક યજ્ઞ હતું. એમણે સર્જેલું સાહિત્ય યજ્ઞસંભવ સાહિત્ય હતું. પણ આપણે એમના એકલાના બલિદાનના ઓઠા હેઠળ પોતે સ્વધર્મ બજાવ્યાનો સંતોષ લઈ શકીએ ખરા? ગાંધી ભલે આખા રાષ્ટ્રના અંતરાત્માના સંત્રી હતા. પણ આપણે ગુજરાતી સાહિત્યકારો એ રાષ્ટ્રીય ચેતનાના એક અંગ ખરા કે નહીં? હિંદી શબ્દ વાપરું તો હું ‘ગડે મુર્દે ઉખાડવા’ નથી ચાહતો. હું તો એક જ વાત ભારપૂર્વક કહેવા માગું છું કે સાહિત્યકાર તરીકે સમાજની ઘટનાઓ અંગે આપણી પણ કાંઈક જવાબદારી છે. આખી પરિસ્થિતિને વણસાવવામાં એક કરતાં વધારે કારણો હોય છે, એ સાચું. દેશમાં ભાગલા પડ્યા તેમાંય રાજકીય પક્ષોની ટૂંકી કે સત્તાલોલુપ દૃષ્ટિ, ‘ભાગલા પાડીને રાજ કરો’ની અંગ્રેજ સરકારની સામ્રાજ્યવાદી નીતિ વગેરે અનેક કારણો હતાં એ દેખીતું છે. પણ સમાજના એક ભાગ તરીકે – એક જાગ્રત અને સંસ્કારી ભાગ તરીકે આપણી પણ કાંઈક જવાબદારી ખરી કે નહીં? જ્યારે આખો સમાજ આંધળિયું કરતો હોય ત્યારે જાગતા જનોની કાંઈક વિશેષ જવાબદારી ખરી કે નહીં? તેમાંયે જ્યારે માણસાઈ છેક તળિયે જઈ બેસતી હોય ત્યારે, જેનો સ્વધર્મ જ સંસ્કાર સીંચવાનો છે તે સારસ્વતોની બીજા કરતાં વિશેષ જવાબદારી ખરી ને? બોલવાની જરૂર હોય ત્યારે ન બોલવું, સક્રિય બનવાની જરૂર હોય ત્યારે નિષ્ક્રિય રહેવું એ શું સામાજિક ગુનો નથી? ૧૯૪૭ના ભાગલાનો ઉલ્લેખ મેં એટલા સારુ કર્યો કે એની પીડા આપણને આજેય સતાવી રહી છે. આપણો દેશ અને આપણો પાડોશી દેશ હજીયે એનો ભોગ ભોગવે છે, પરંતુ મારી ખરી નિસબત તો આધુનિક ભાગલા અંગે છે. આજે હું આપણા સમાજમાં એક જબરદસ્ત ખાઈ પડતી જોઈ રહ્યો છું. આખો દેશ આજે ફાવેલાંઓ અને રહી ગયેલાંઓના ભાગલામાં વહેંચાઈ રહ્યો છે. દુર્દૈવ તો એ છે કે એ ભાગલા પડતા આપણામાંના ઘણાખરા ફેવાલાંઓને દેખાતા પણ નથી. જે ફાવેલાં છે તે હરખાય છે અને પોતાની કલ્પનાના વિકાસના આંકડા જોઈ જોઈ ફુલાય છે. વિકાસના એ આંકડા જેમ જેમ ઉપર જાય છે, તેમ તેમ આપણા સમાજમાં પડેલી ખાઈ ઊંડી જાય છે. ૧૯૪૭ના ભાગલા લોહિયાળ હતા. આજના ભાગલા બીભત્સ છે. પરંતુ તે પેલા ભાગલા કરતાં જરાય ઓછા વિકરાળ નથી. અહીં મારી ફરિયાદ વિકાસની અવધારણા વિશે નથી. જોકે એ બાબત પણ મારે પ્રચલિત માન્યતા જોડે મતભેદ તો છે જ. મને કોઈ ચોકઠાબંધ વાદમાં રસ નથી. મારી પીડા તો એ છે કે આજે આપણા સમાજમાં માણસ માણસથી છેટો પડતો જાય છે. એક માણસ બીજાને માણસ તરીકે જોતો જ નથી. એને પરિણામે આપણે મન કુપોષણથી મરતાં બાળકો નર્યા આંકડા બની જાય છે. દલિતો કે સ્ત્રીઓ પર થતા અત્યાચારો રોજેરોજ સવારે ચા પીતાં પીતાં કાંઈક ઉપેક્ષા, કાંઈક કંટાળા સાથે વાંચવાના સમાચાર બની જાય છે. મારી ફરિયાદ આ હૃદયશૂન્યતા વિશે છે. ગિરાગુર્જરીને જો આપણે વિશ્વગુર્જરી બનાવવી હશે તો સૌથી પહેલાં આપણે નિઃશેષ જાડ્યાપહા સરસ્વતીના ઉપાસકોએ આ સંવેદનાજાડ્યને ખંખેરી નાખવું પડશે. આપણે આપણી ભાષાને માત્ર જિવાડવી જ નહીં પણ વિશ્વસ્તરની બનાવવી હશે તો આપણે એને પાયામાંથી મજબૂત કરવી પડશે. આપણી આંગણવાડીઓ, બાલવાડીઓ અને પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં વપરાતી અને શિખવાડાતી ગુજરાતીને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવી પડશે. વિશ્વવિદ્યાલયનાં ઉચ્ચતમ વર્ષો સુધી ભાષાને વિધવિધ રીતે મજબૂત કરવાની જરૂર છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અધ્યાપકોની સભ્યસંખ્યા જોતાં મને ઉચ્ચશિક્ષણ વિશે થોડી ઓછી ચિંતા છે. પણ શિક્ષણના પાયા સુધી ગુજરાતી ભાષાને સુબોધ અને તેજસ્વી બનાવવામાં પરિષદ શો ફાળો આપી શકે એનો વ્યવસ્થિત વિચાર આપણે કરવો જોઈએ. ગુજરાતી ભાષા અને સાહિત્યના શિક્ષકોની તાલીમની જાતજાતની પ્રવૃત્તિઓ કરીને પરિષદ એને પોતાનો ખાસ વિષય બનાવી શકે. ઉચ્ચ ક્ષેત્રે એક બીજી પ્રવૃત્તિ પણ સાહિત્ય પરિષદ કે તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ ઉપાડી શકે. બીજી ભાષાઓની, ખાસ કરીને અંગ્રેજી ભાષાની સરખામણીમાં આપણે ત્યાં જાતજાતના કોશોનો લગભગ દુકાળ જ છે. નૅશનલ બુક ટ્રસ્ટે બહાર પાડેલા હિંદી કોશની હારમાં બેસી શકે એવો આપણે ત્યાં એકે કોશ નથી. બીજી ભાષામાંથી આપણી ભાષામાં અને આપણી ભાષામાંથી બીજી ભાષાના કોશ પણ ક્યાં છે? ‘ભગવદ્‌ગોમંડળ’, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’, ‘વિનીત કોશ’ વગેરેનો હું રસિયો છું. પણ હજીયે કેટકેટલાય પ્રકારના કોશોની આપણને જરૂર છે – વિવિધ વિજ્ઞાનને લગતા કોશો; ઇતિહાસ, ભૂગોળ અને બીજાં શાસ્ત્રોને લગતા કોશો, પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકોને ઉપયોગમાં આવે એવા કોશો, આપણી વિવિધ બોલીઓના કોશો, ગુજરાતી માણસ તરીકે આપણને એ પ્રશ્ન ઊઠી શકે કે આવા ગ્રંથોને ખરીદશે કોણ? શરૂઆતમાં એ બાબત જરૂર અડચણ આવી શકે. પણ ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ વધશે, ઊંડો અભ્યાસ અને સંશોધન કરનારા વધશે તેમ તેમ આ બધાની જરૂર પડવાની જ છે. અત્યારે તો એ ખરીદશે કોણ એ પ્રશ્ન પૂછવાને બદલે એને તૈયાર કરશે કોણ એ પ્રશ્ન પુછાવા દો. એક વાર આવા ગ્રંથો હાથવગા થવા દો, આપણા શિક્ષકો, આપણા કવિઓ – વાર્તાકારો અને બીજા જિજ્ઞાસુઓને વિદ્યાનો વ્યાસંગ લાગવા દો. આગળ ઉપર આવા કોશોની પણ જુદી જુદી આવૃત્તિ નીકળશે એવું સ્વપ્ન હું જોઈ રહ્યો છું. મારા જેવા લગભગ અભણ ગણાય એવા ગુજરાતીને આવાં જ સ્વપ્નો આવે. ગુજરાતીને પાયામાંથી મજબૂત કરી, સર્વ ભારતીય ભાષાઓ સાથે જીવંત નાતો જોડી, આપણામાં અને આપણા દેશમાં રહેલાં વિભાજક તત્ત્વોથી ઉપર ઊઠી આપણે ગુજરાતીને દરેક રીતે વિશ્વસ્તરની બનાવીએ. સાહિત્યકાર તરીકે આપણું વ્યક્તિત્વ વધુ શુદ્ધ, નક્કર અને ગતિશીલ બનાવીએ. આપણા સર્જનની વસ્તુ તરીકે આપણે જાગતિક પ્રશ્નોમાં ઊંડા ઊતરીએ. આ પ્રશ્નો ત્રણ પ્રકારના છે : માણસના પોતાની જાત સાથેના, માણસના સાથી માણસો સાથેના અને માણસાના સૃષ્ટિ સાથેના. આજની જટિલ અને કુટિલ દુનિયામાં વ્યક્તિનું વ્યક્તિત્વ કુંઠિત થાય છે. પહેલાં કદી નહોતાં અનુભવ્યાં એટલાં માનસિક દબાણો, સમસ્યાઓ અને રોગો આજે જગતનો નાગરિક અનુભવી રહ્યો છે. આજનો સાહિત્યકાર પોતાના જીવન અને સર્જન દ્વારા જગતના સરેરાશ નાગરિકને, સામાન્યજનને કાંઈ શાંતિ, સ્ફૂર્તિ અને આનંદની અનુભૂતિ કરાવી શકશે? આરંભ આપણે આપણી જાતથી કરવાનો છે, પણ પહોંચવાનું છે આપણે જગત સુધી. ભીતર આત્મનિરીક્ષણ, પરીક્ષણ અને શોધન અને બહાર સ્વાધ્યાય, પરિશ્રમ અને સંશોધન કરીને તે આ દિશામાં આગળ વધી શકે. સમાજ આજે ખંડ-ખંડ થઈ ગયો છે. એના એક અંગને બીજા અંગની કાંઈ પડી નથી. આજે જ્યારે જાગતિક સ્તર પર આખી માનવતાના હિતનો વિચાર કરવો જરૂરી થઈ ગયો છે ત્યારે સંકુચિત હિત પરસ્પર ટકરાય છે. તેમાંથી નીપજે છે હિંસા, આતંક, કલહ અને યુદ્ધ. ગુજરાતી સાહિત્યકાર જગતને માનવીય હિતૈક્યની દિશામાં લઈ જવામાં કાંઈક સહાયક, કાંઈક માર્ગદર્શક, કાંઈક સંકેતસૂચક પણ બની શકે? સૃષ્ટિ સાથેનો માનવનો સંબંધ પણ આજે ઊંડી વિચારણા માગી લે છે. સૃષ્ટિનો ધણી થવા માગતો માનવી આજે ધરતીને જ ધૂળધાણી કરવા લાગ્યો છે. વસુંધરાના વસુઓ આજે માણસનાં કરતૂતોથી વસુકાવા લાગ્યા છે. શું આપણે આપણા સાહિત્ય દ્વારા માણસના પોતાની જાત સાથેના, માણસના સાથી માણસ સાથેના, માણસના સૃષ્ટિ સાથેના પ્રશ્નોના જવાબ આપવામાં સહાયક થઈ શકીએ ખરા? આજથી શરૂ થતી ભાવિ દુનિયાના આ યક્ષપ્રશ્નો છે. આ યક્ષપ્રશ્નો ઉકેલવામાં આપણો સાહિત્યકાર કેટલો ફાળો આપી શકે છે એ પ્રશ્નના જવાબ ઉપર આધાર રાખે છે – ગિરાગુર્જરીનું વિશ્વગુર્જરી થવું. સાહિત્ય હમેશાં માત્ર સમાજનો આયનો થઈને બેસી નહીં રહી શકે. માનવતાની આગેકૂચમાં સાહિત્યે પણ પોતાનો ફાળો આપવો પડશે ને? દુનિયાના યક્ષપ્રશ્નો બાબત સાહિત્ય જો કાંઈ ઇંગિત પણ કરી શકશે તો આપણું સાહિત્ય વિશ્વસાહિત્યમાં સ્થાન પામશે. મેં મારી ચિંતાઓ આપની આગળ મોકળા મને રજૂ કરી અને મારી નિસબતોને તમારી નિસબત બનાવવાનો યત્કિંચિત્ પ્રયાસ કર્યો. ગુજરાત, દેશ અને દુનિયા જે કોયડાઓનો અનુભવ કરી રહ્યાં છે તેને ઉકેલવામાં સાહિત્યકાર તરીકે આપણો શો ફાળો હશે, એ આપણને પડકાર આપતો પ્રશ્ન છે. ગાંધી તો આપણને એમ કહેતા ગયા કે આ દુનિયા જ એક થવાની નહીં હોય તો એમાં જીવવાનું એમને નહીં ગમે. આપણે જાણીએ છીએ કે દુનિયાને એક કરવા સારુ ગુજરાતે એક થવું પડશે, ભારતે એક થવું પડશે. ગાંધીજીએ જે વાક્ય કવિ અંગે કહ્યું હતું તે સૌ સાહિત્યકારોને પણ લાગુ પડે એવું છે : ‘આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે.’ સાહિત્યના સેવકો તરીકે આપણી સામે પડકાર મોટો છે. પરંતુ ગાંધીજીએ પોતાના જીવનમાં મોટા મોટા પડકાર સામે આવ્યા છતાં એને ઝીલવા અંગે સ્વાનુભવને આધારે જે ઉપાય સૂચવ્યો તે આપણને પણ કામ લાગે એમ છે. તેમણે કહ્યું હતું ‘મને તો કદીયે નાસીપાસીનો અનુભવ થયો જ નથી. નાસીપાસી તો આપણી પોતાની કમજોરી અને અશ્રદ્ધામાંથી જ ઉદ્‌ભવે છે. જ્યાં સુધી આપણે આપણી જાતમાંથી શ્રદ્ધા ન ખોઈ બેસીએ ત્યાં સુધી હિંદનું કુશળ જ છે.’