પરોઢ થતાં પહેલાં/પ્રારંભિક
પરોઢ થતાં પહેલાં
સંપાદન
કુન્દનિકા કાપડીઆ
નવભારત સાહિત્ય મંદિર
ગાંધી રોડ, અમદાવાદ-૧
મુંબઈ-૨
આશ્રમરોડ, અમદાવાદ-૯
બુક શેલ્ફ
૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯
Web : www.navbharatonline.com
E-mail : info@navbharatonline.com
fb.com/NavbharatsahityaMandir
(Novel) Written by Kundanika Kapadia
Navbharat Sahitya Mandir, Ahmedabad
ISBNૹ ૯૭૮-૯૩-૬૬૫૭-૮૯૯-૬
નંદિગ્રામ, ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ - ૩૯૬૦૦૭ (જિ. વલસાડ)
મહેન્દ્ર પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ,
અમદાવાદ ૧
www.e-shabda.com
યશ પ્રિન્ટર્સ, અમદાવાદ
ડૉ. સુનંદાની સાથે આપણે અનામી સ્ટેશને ઊતરીએ છીએ ત્યારે ગામની બહારની રેખા સ્પષ્ટ થતી આવે છે. પછી ધીરે ધીરે ગામની આંતરિક છબી પણ આપણી સામે પ્રગટ થતી જાય છે; બહારની બધી જ સામાન્યતાને નિવારી તરી આવતું એક આગવું સ્વરૂપ. ડૉક્ટરની દુનિયામાં તો દર્દ અને દુઃખનો ભેટો વારંવાર થવાનો, પણ સુનંદા જેવી એક અત્યંત સંવેદનશીલ અને સઘન વ્યથાથી પીડિત વ્યક્તિ પાસેથી આપણે દુઃખનાં વિવિધ સ્તરોને ભેદીને દુઃખના પરિવર્તનની ઝાંખી પામીએ છીએ. આ નાનકડા ગામમાં જાણે સમસ્ત વેદનાને સમેટી કોઈએ વેરી દીધી છે. કુમાર સુનંદા ને કહે છે
‘હશે દીદી, તમે મોટાં છો, વિશાળ દુનિયામાં રહ્યાં છો. હું તો બહાર બહુ થોડું ફર્યો છું. માત્ર આ ગામને જાણું છું. અહીંની નાની લાઇબ્રેરીમાંથી બસો-ચારસો ચોપડા વાંચ્યા હશે. પણ મને લાગે છે, આ ગામનો નાનો સમાજ આખાયે માનવસમાજનું પ્રતિબિંબ પાડે છે. દુનિયાના કોઈ પણ ખૂણે જે હોય — નિર્દય, નઠોર હિંસાથી માંડી પ્રેમ ને માનવતાનો શ્રેષ્ઠ આવિર્ભાવ — તે અહીં છે.’
કુમાર પોતાની ભાવુકતામાં કદાચ આ બોલી ગયો હોય, પણ શિવશંકર – ગફૂરમિયાં જેવા ઊજળા હત્યારાઓ અને અંજનાશ્રી, સત્ય જેવા માનવતાના અમૃતમેઘ આ જ ગામમાં એકીસાથે જોઈએ છીએ ત્યારે કુમારની વાત માનવી પડે છે.
એક પ્રચંડ આઘાતથી સુનંદાનું જીવન છિન્નભિન્ન થઈ ગયું છે. જ્યાં હૃદયનું રતન, ત્યાં જ તેના ૫૨ કા૨મો ઘાવ થયો છે અને વિધાતાએ તેને આ સંસારમાં ઘવાયેલી હરણીની જેમ ધકેલી દીધી છે. એક ખોટા માણસ સાથે તેણે બાંધેલો સચ્ચાઈનો દોર તૂટી ગયો છે, અને આવા સાવ સચ્ચાઈના દોરને આધારે ઊંચે ને ઊંચે ચડવા ઝંખતું તેનું મન કપાયેલી પતંગની જેમ ગડથોલાં ખાય છે. સુનંદાના ઉદાસ ચહેરા પર સ્મરણોના ઉઝરડા પાડી જતાં દેવદાસનાં વાક્યોમાંથી જ આપણને તેનો પરિચય મળી જાય છે. એક બુદ્ધિમાન સોહામણો કલાકાર, પણ અંતરના સત્ત્વ વિનાની, મેરુદંડ વિનાની સૃષ્ટિનો માનવી. સુનંદાને સાંભરી આવે છે :
દેવદાસ કહેતો : ‘મારી બારી પર હું પડદા નહિ લગાડું. ગુલમહોરની ફૂલેભરી ડાળી જ મારી બારીનો પડદો બનશે.’
સુનંદા એ પૂછેલું : ‘ઉનાળો પૂરો થશે ને ફૂલો ખરી પડશે ત્યારે?’
‘ત્યારે પાંદડાંનો પડદો હશે.’
‘અને પાનખરમાં પાન બધાં ખરી પડશે ને ડાળીઓ સાવ નિષ્પર્ણ થઈ જશે, ત્યારે? ’
દેવદાસે કહેલું : ‘ત્યારે મારી ને આકાશની વચ્ચે કશો અંતરાય નહિ રહે. અને પછી હું એ આકાશમાં ઊડી જઈશ.’
અને ખરેખર સુનંદાના જીવન પર અંધકારનો એક ઘેરો પડદો નાખીને તે ચાલ્યો ગયો. માત્ર એક વર્ષનું જ લગ્નજીવન, પણ સાત પગલાંનાએ સખ્યનું, દેવદાસને મન કશું જ મૂલ્ય નહોતું. આ વાતને અગિયાર વરસના વાયરાએ સૂકાં પાનની જેમ ઉડાડી મેલવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં લીલીકાચ વ્યથાની જેમ બહુ ઊંડે ચોટીને તે સુનંદાના અંતરને કોર્યા કરે છે. બહારથી જે કાવ્યમય લાગે તે વચનોમાં કેટલી તો વંચના હોય છે તેનો સુનંદાને ત્યારે ખ્યાલ નહોતો. પોતાની ચંચળ પ્રકૃતિની પરવશતાને માણસ મુક્તિનું નામ આપી શકે, અને પોતાના અહમ્ ને જ કેન્દ્રમાં રાખીને ક્ષણે ક્ષણે બદલાતા જીવનને જે ‘શુદ્ધ આજ’નું જીવન ગણે, તેનાં મૂળ હૃદયના પ્રેમના નિર્મળ પાતાળઝરાને કેમ પહોંચી શક્યાં હોય? દેવદાસનાં ચિત્રોમાં જે આકારરહિત રંગનાં ટોળાં ઘૂમતાં હતાં તે એની વૃત્તિઓનાં જ રંગબેરંગી વાદળ હતાં, જેના પર તે ઘસડાતો હતો. દેવદાસના મોટા મજાના શબ્દો પર સુનંદાને તેનો ભાઈ વારી જતાં હતાં ત્યારે અનુભવી માએ ડોકું ધુણાવી કહેલું : ‘આ બધા બુદ્ધિના ગુણો છે, હૃદય ના નહિ.’
સુનંદાનું હૃદય આ બધું યાદ આવતાં ચિત્કાર કરી ઊઠે છે. પણ આ આઘાતે તેના હૃદયને કઠોર કે કટુ નથી બનાવી દીધું. બહુ સ્વાભાવિક રીતે સ્નેહ અને કરુણા તે બધાં પ્રતિ વહાવે છે. પણ એના અંતરતમ પ્રદેશનું બધું જ જાણે વેરાન બની ગયું છે. ત્યાં આનંદનું ફૂલ ખીલતું નથી. એટલે પોતાની નોટમાંથી પાનું ફાડી સુનંદાને સંદેશ મોકલતાં સત્યે કુમારને કહેલું :
‘તારાં દીદીને વંચાવજે. તેં એમને સ્નેહને કરુણાની મૂર્તિ કહેલાં. હું ઇચ્છું છું કે તે આનંદની મૂર્તિ બને.’
કુમાર દ્વારા સત્યનો આપણને પરિચય થાય છે ત્યારે એક જુદી જ માટીના માનવીનું દર્શન થાય છે. તેને પોતાનું કાંઈ જ દુઃખ નથી એટલે બીજાનાં દુઃખને તે પોતાનાં કરી શકે છે ને તેને આનંદમાં પલટાવી શકે છે. તેને પોતાનાં ઘરબાર નથી એટલે તેને દરેક ઘર આત્મીયતાથી આવકારે છે. હજુ તો જેનું મુખ જોયું નથી, એના નામ માત્રથી સુનંદાના પ્રાણ આકુલ થઈ ઊઠે છે. સુનંદા એ જીવનમાં જે કાંઈ સ્વચ્છ અને સભર કલ્પ્યું હતું, તેની ઝાંખી સત્યના વ્યક્તિત્વમાં તેને થાય છે.
સદાયે સ્નેહને ઝંખતું અને સ્નેહની એક પરિપૂર્ણ સભરતામાં જીવનની સાર્થકતા જોતું સુનંદાનું હૃદય અનાયાસ સત્ય ભણી ખેંચાય છે. પણ એને એક એક પગલે, જે સાંકળ તૂટી ગઈ છે તેનો ભાર જકડી રાખે છે. જે મકાન ચણાયું જ નથી એના ખંડેરમાં બંદિની બનીને સુનંદા પ્રેતના બાહુમાં તરફડે છે. અને સુનંદા જાણે છે કે આ કાંઈ જીવન નથી. જે દાવાનળે જીવનનો અંકુર પણ રહેવા દીધો નથી તેનો કાળો વિસ્તાર જ પુરાણી આકૃતિ ધરી હજુ ઊભો છે. તેને વ્યર્થતાનો બાહુપાશ ફેલાવી વળગી રહેવું એનું નામ નિષ્ઠા? ના, કોઈ આદર્શ કે સિદ્ધાંતના ઊંચા ને રૂપાળા નામ નીચે જીવન શોષાઈ જતું હોય તો તે કાંઈ નીતિ નથી, ધર્મ નથી. આ એક બહુ જ સૂક્ષ્મ ને માર્મિક પ્રશ્ન છે. પ્રકૃતિની ગુલામી અને મનુષ્યમાં રહેલા મહાપ્રાણની સ્વતંત્રતા વચ્ચેની એક બારીક ભેદરેખા પર અહીં જીવન આવીને ઊભું રહી જાય છે. એક તરફ અંધતાની ઊંડી ખાઈ છે, બીજી તરફ પ્રકાશિત શિખરોનું આરોહણ. એમ તો દેવદાસ પણ કહેતો :
‘તને તો ખબર છે, મારામાં કેટલી રૉબસ્ટ લાઇફ છે. હું તો ભાઈ, જીવવામાં માનું છું. ગમે તે સ્થિતિ એ જીવન માણવામાં માનું છું.’
પણ જીવનને માણવાની આ ‘માંસલ પિપાસા’ અન્યનો વિચાર જ ન કરતી (શાઈલોકી) ક્ષુધા રોગિષ્ઠ મનની નીપજ છે અને જીવનના બળનો દેખાવ કરી બુભુક્ષાનાં ખેતરોમાં મનને ખેંચી જાય છે. એ કાંઈ જીવનની સમૃદ્ધિ નથી, અંદરની રિક્તતા જ છે. સાચી શક્તિ, સૌન્દર્યને સભરતાની ઉપાસનાનો સ્વર આથી તદ્દન જુદો પડી જાય છે. સત્ય પણ સદા એક મુક્ત જીવનનું ગાન ગાય છે, પણ બહારના આદર્શોના મહિમા માટે કે અંદરની નિર્બળતાના બચાવ માટે કાંઈ જ કરવાની તે ના પાડે છે. કુમારને તે કહે છે:
‘માણસે જે કાંઈ કરવું તે પોતાની શક્તિના જોર પર કરવું જોઈએ. બહારનું જોર લઈને તે કાંઈ કરવા જાય તો અધવચ્ચે તૂટી પડે. માણસે પહેલાં તો પોતાની અંતઃશક્તિ જાગ્રત કરવી જોઈએ. એ જાગે પછી શું કરવું તેનો માર્ગ તેને મળી રહે… જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ… ભૂલ, ભ્રાન્તિ, હતાશા, પછડાટ, પરાજય તો વાવાઝોડાંની જેમ આવે ને જાય, પણ આપણે ફરી ને ફરી, ઊગતા સૂરજ નીચે ઊભા થઈ જવું જોઈએ.’
આ ઊગતા સૂરજની સાક્ષી એ મનુષ્યના જીવનની ગાયત્રી ગુંજી ઊઠે ત્યારે તેનાં નેત્રો સામે ભૂલોક, ભુવર્લોક, સ્વર્ગલોકની ક્ષિતિજો વિસ્તરતી જાય. પેલા નિમ્નગામી પ્રાણના વેગની જેમ એ તેને વધુ ને વધુ નીચે ન પછાડે, પણ તેના પ્રાણને પ્રબળ કરે, બુદ્ધિને નિર્મળ કરે, અંતરને ઉજ્જ્વળ કરે. કુમારને સત્યે આ વાત સરસ રીતે કહી છે :
‘નિષ્ક્રિય સહનશીલતાને તે સ્વાર્પણ, આત્મભોગ જેવા મોટા ને પોલા નામે ઓળખતા નથી. તેમની તો એક જ કસોટી છે. માણસ કાંઈ પણ કરે, તેનું જીવન નિરંતર ઊઘડતું, વિકસતું, પ્રફુલ્લતું રહેવું જોઈએ. એ વિકાસની લાગણી તેનામાં હોય, તો તે જે દિશા ગ્રહણ કરે તે સાચી દિશા હશે. પણ કોઈ આદર્શ, સિદ્ધાંત, માન્યતાના નામ હેઠળ જો જીવન નીરસ, શુષ્ક બનતું હોય તો, એ આદર્શો ગમે તેટલા ઊંચા હોય તોય ખોટા છે.’
આપણી રૂઢ માન્યતાઓના મૂળમાં ઊંડો ઘા કરે એવું આમાં ઘણું છે અને વ્યક્તિનિષ્ઠા અને જીવનનિષ્ઠા વચ્ચે ઝોલાં ખાતી સુનંદાને તે હચમચાવી મૂકે છે. મનુષ્યના આવડાક ખોબા જેવડા હૃદયમાં ખેલાતો આ તે કેવો દારુણ સંગ્રામ! સુનંદા કહે છે તેમ : ‘હૃદય જો એક વસ્ત્ર હોત તો ફાટીને તેના લીરેલીરા થઈ ગયા હોત. તે એક પથ્થર હોત તો કરોડો કણમાં તેનો ભુક્કો થઈ ગયો હોત.’ માત્ર મનુષ્યના હૃદયની ક્ષમતાને સીમા નથી. જો હાથે કરી તે એની હત્યા ન કરે તો આ જીવનમાં જ તેને આંગણે નવજન્મની શરણાઈ બજી ઊઠે છે.
પરંતુ આ નવજન્મ એટલે શું?
ઈશ્વરને ‘વિરુદ્ધધર્માશ્રયી’ કહેવામાં આવે છે. જીવન પણ આવું ‘વિરુદ્ધધર્માશ્રયી’ છે. પણ કોઈ એકને જ જ્યારે આદર્શોનું લેબલ મારી દેવામાં આવે છે ત્યારે જીવનની જડીબુટ્ટી જ મારણપ્રયોગ બની જાય છે. સુનંદાના જીવનમાં આવી પસંદગી કરવાની પળ આવી છે. તેના હાથ ધ્રૂજે છે. કારણ કે આજ સુધી એકનિષ્ઠાનું અમૃત માની જેની ઉપાસના કરવામાં આવી છે, તેને જ વિષની જેમ તજવાનો વારો આવ્યો છે. વ્યક્તિનિષ્ઠા, આદર્શનિષ્ઠા, ઉજ્જ્વળ પરંપરાના પોકળ શબ્દોએ તેને નાગચૂડ લીધી છે, તો જીવનનિષ્ઠાનાં શિખરો તેને પ્રાણની ગરુડપાંખો ફેલાવવા સાદ પાડે છે. સમાજે અથવા પોતે લાદેલા બીબાંઢાળ આદર્શો અને અંદરનો સ્વાભાવિક ઉઘાડ — બે જુદી જ વસ્તુઓ છે. બન્ને વચ્ચેનો ફરક જાણી શકે તે વહેતા જીવનને વધાવી શકે. જીવનની આ સહજ નિર્મળ ગતિ જ ખરું જીવન છે. તેનો પ્રવાહ અંદરની પ્રફુલ્લતાથી વહેતો હોય. આ પ્રસન્ન પ્રવાહિતા જ પળે પળે નવજન્મ પામવાની ક્રિયા છે. માણસ પોતાના વિચારો ને માન્યતાઓ વડે પોતાની આસપાસ અજાણપણે પણ કેદખાનું રચ્યા કરતો હોય છે, એટલે જ તેણે સદા જાગૃત બની મુક્તિના આકાશમાં પાંખો વીંઝવાની રહે છે.
સુનંદાનો આ જીવનમાં જ નવજન્મ થશે કે થીજેલી ગતિની સજામાં જ તેના દિવસો પૂરા થશે? તે કશો જ નિર્ણય કરી શકતી નથી. સત્યનું નામ સાંભળ્યું હતું ત્યારથી અને છેલ્લે છેલ્લે તેને બેભાન અવસ્થામાં જોયા પછી તેનું સમગ્ર સ્ત્રીત્વ અસંશયપણે સત્યને જ પુકારે છે. પણ તેને વારંવાર થાય છે: એક વાર પૂરી સચ્ચાઈથી પ્રેમ કર્યો હોય, પછી ફરી વાર શું એટલી જ સચ્ચાઈથી પ્રેમ કરી શકાય? અને છતાં તેનું હૃદય સ્નેહ માટે ઝંખે છે. આદર્શનિષ્ઠા અને હૃદયની માંગ વચ્ચે, જે વીતી ગયું છે તેના પ્રત્યેની વફાદારી અને જે ઉજ્જ્વળ શક્યતાનું એ પ્રભાત સામે છે તેના પ્રત્યે ઊઘડવા ઝંખતું જીવન — એ બે વચ્ચેના અંધારામાં તે અટવાય છે. એકમાત્ર સ્નેહમાં જ સાર્થકતા પામી શકે એવા સુનંદાના હૃદયને સત્ય જેવો ભાવ-પ્રવણ માણસ ન પિછાણી શક્યો હોય એ ન બની શકે. તો પછી પોતાની એકલયાત્રાનો તે બંધનહીન કેદી પણ ન રહી શકે. પણ જે પળે સત્યના આગમનના ભણકારા વાગે છે ત્યારે જ દેવદાસનો પત્ર આવી પડે છે. પોતાના જીવનના સત્ય માટે બારણું ખોલી નાખવાની ઘડી આવી પહોંચી છે ત્યારે બારણું ઉઘાડ્યા વિના સુનંદા પાછળની તરફનો દરવાજો ઉઘાડી નદી તરફ ચાલી જાય છે. નદીની ક્ષીણ ધારા પર અંધકાર ઊતરી આવે છે. અને આ અંધકારમાં, પ્રકાશ ઝંખતું સુનંદાનું હૃદય પુકારી ઊઠે છે :
‘હરિ માધવ! અનંતવ્યાપી અજ્ઞાત દેવતા! આ અનિશ્ચિતતાને પાર કરીને કોઈક સુનિશ્ચિતને કાંઠે મને પહોંચાડી દે…’
પછી સુનંદાએ આખી રાત એ નદીકાંઠે જ ગાળી હશે. અંધકાર વધુ ગાઢ બન્યો હશે. ભેરવના ચિત્કાર ને શિયાળની લાળીથી અંધકાર વધુ બિહામણો બની ગયો હશે, પણ પછી ધીમે ધીમે રાત્રીના અંધકારને ભેદતી લાલિમા પૂર્વાકાશ પર પ્રગટ થતી ગઈ હશે. બહારના જગતમાં જેમ અંધકારનો પડદો હટાવીને પ્રકાશ સુનિશ્ચિતપણે આવે જ છે, એમ સુનંદાના અંતરજગતમાં પણ આ દીર્ઘ તપસ્યા પછી અજવાળું થઈ ગયું હશે.
પ્રશ્ન થાય : પ્રકૃતિમાં જે નિત્યની લીલા તરીકે આપણે જોઈએ છીએ તે મનુષ્યના જીવનમાં બને છે ખરું? પ્રકાશનું આગમન એ મનુષ્યના અંદરના પ્રદેશનું પણ નિશ્ચિત સત્ય છે? આ કથામાં જે બધાં અંધકારમાં અથડાય છે, દુઃખદર્દથી પીડાય છે, પોતાના જીવનને એક કાળી વેદનાનો પડથાર માની બેઠાં છે તેમના જીવનમાં પણ કોઈ પ્રકાશ ફેલાશે? હકીકત તો એ લાગે છે કે જે એક માણસના જીવનમાં બને તે બીજા માણસો માટે શક્ય હોવું જોઈએ. સમય ને સાધનનો સવાલ નથી, પણ કાળની પરિપક્વતામાં કોઈ એક બિંદુએ તે નિર્ધારિત તો હોવું જોઈએ. ગીતા કહે છે : ‘કાલેન આત્મનિ વિન્દતિ.’ જેમનાં જીવન પ્રકાશ ને આનંદથી ભરપૂર છે એ અંજનાશ્રી અને સત્યની જેમ જ કોઈ દિવસે દુઃખની આંધીમાં અટવાતાં આ અમીના-અબદુલ, યૂસુફ-ફાતમા, દીપચંદ-લલિતા કે નંદલાલ-શોભા જેવાં સામાન્ય માણસોને શિરે પણ કિરણવર્ષા થશે — એ વિચાર જ જીવનની સર્વ અપૂર્ણતા, નિઃસારતા અને અર્થહીનતામાંથી આપણને બે કદમ બહાર લાવે છે.
અંજનાશ્રી સત્ય — આ કથાનાં બે સાવ નિરાળી દિશામાં ચમકતાં ઉજ્જ્વળ નક્ષત્રો છે. એ બંને કાંઈ દુઃખદર્દની સીમાથી દૂર વસતાં નથી. અંજનાશ્રી વિશે કહીએ તો અતિ કઠોર દુઃખની વચ્ચે તેમનું આસન છે. લ્યુકેમિયા — લોહીનાં કૅન્સર જેવો અસાધ્ય રોગ છે, છતાં અંજનાશ્રીનાં નિર્મળ તેજોમય નેત્રો આનંદ વરસાવે છે; અને બહારની બધી જ રીતે અકિંચન સત્ય જ્યાં જાય છે ત્યાં આનંદથી ભર્યો ભર્યો હૃદય ભંડાર લૂંટાવે છે. દુઃખનો તેમને રોજનો પરિચય છે પણ એની રજમાત્ર ન ઊડે તેમ અંતરના કોઈ અજબ કીમિયાથી તે દુઃખથી ઉપર ઊઠી ગયાં છે. અંજનાશ્રીની તબિયત જોવા સુનંદા જાય છે ત્યારે, પોતાના અસ્તિત્વને કાંઈ પણ લેવાદેવા ન હોય એમ રોગ ને મૃત્યુની વાત કરતાં અંજનાશ્રી આનંદભર કંઠે કહે છે :
‘જુઓ, જુઓ, ત્યાં બહાર જુઓ!’ તેમણે જમણા હાથ તરફની બારી ભણી હાથ લંબાવ્યો. તેમના મોં પર બાળકના જેવો નિરતિશય આનંદ છવાઈ રહ્યો, સુનંદાએ બારીમાંથી બહાર જોયું.
ગામના છેવાડે આવેલા આ ઉપાશ્રયની પાછળ જરા દૂર લીલાં ખેતરો પથરાયેલાં હતાં.
લીલાં ખેતરના સોનેરી મોલ ઉપર, નીલ આકાશ નીચે, ધવલ પંખીઓની એક હાર ઊડી જઈ રહી હતી.
લીલા, સોનેરી ને શ્વેત રંગનો એ અદ્ભુત સંવાદ સુનંદા મુગ્ધતાથી જોઈ રહી.
થોડી વાર એ ઓરડીમાં નીરવતા વ્યાપી રહી.
‘જીવનનાં લીલા ખેતરોમાં અભીપ્સાનો સુવર્ણ મોલ ઊગે છે ત્યારે આપણો આત્મા ધવલ પંખીની જેમ અનંતતાના આભ ભણી ઊડવા લાગે છે.’
સુનંદા એમની સામે તાકી રહી : ‘શાની અભીપ્સા?’
‘કશાની પણ. જ્ઞાનની, પ્રકાશની, મુક્તિની, રહસ્યોનાં ઉદ્ઘાટનની.’
આગળ જતાં અંજનાશ્રી કહે છે :
‘કોઈ આદર્શના બોજ નીચે હૃદયને કચડી નાખવું તે હિંસા છે. કમળની પાંખડીઓ સૂર્યના પ્રકાશમાં ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ ઊઘડવી જોઈએ. ઉતાવળથી, જોર કરીને એની પાંખડીઓ ખોલવા જઈએ તો ફૂલ હાથ ન આવે.
અને દરેકને માટે એ સૂર્યપ્રકાશ જુદો જુદો હોય છે. કોઈને માટે એ જ્ઞાન હોઈ શકે, કોઈને માટે કર્મ, કોઈને માટે પ્રેમ.’
સુનંદા ને તરત યાદ આવી જાય છે. આવું જ તેણે ક્યાંક સાંભળ્યું છે. ક્યાં? ક્યારે? હા, કુમારે તેને કહ્યું હતું :
‘સત્ય ભાઈ કહેતા હતા કે માણસ જે કાંઈ કરે તેમાં તેનું હૃદય ઊઘડવું, વિકસવું, પ્રફુલ્લવું જોઈએ.’
અંજનાશ્રી અને સત્યના જીવનદર્શનનું આ મિલનબિંદુ જોઈ રજ્જબની સાખી યાદ આવી જાય:
‘સબ સાંચ મિલૈ સૌ સાંચ હૈ, ના મિલૈ સો જૂઠ, જન રજ્જબ સાંચી કહી, ભાવૈ રીઝ, ભાવૈ રુઠ.’
વિશ્વના સનાતન અને સર્વદેશીય સત્ય સાથે જ્યાં માનવીનું એકાંત સંગીત મળે છે ત્યાં સત્યનો નિવાસ છે. અહીં એક જૈન સંપ્રદાયનાં સાધ્વી, બીજો સર્વ સંપ્રદાયથી મુક્ત પરિવ્રાજક; અને છતાં બંનેના જીવનમાંથી સહજ રીતે આનંદનો અભિન્ન સૂર ઊઠે છે. આજે તો સંપ્રદાયના નામ સામે પણ એટલી બધી સૂગ છે કે તેમાં કાંઈ સારું ઊગી શકે એમ કોઈ માની શકે જ નહિ. પણ કોઈ વ્યક્તિ સ્વેચ્છા એ જ કોઈ સંપ્રદાયના નિયમકર્મ સ્વીકારે અને એના પાલનમાંથી જ એનાથી પર થઈ શકે. એક વેળાનાં અંગ્રેજી સાહિત્યનાં આ અધ્યાપિકા વિશાળતાને પામી ગયાં છે. અને અંજનાશ્રીનું મૃત્યુ? નવું જીવન પામવા માટે જાણે ફરી ફરી એ મૃત્યુના પ્રશાંત મધુર મુખ સામે જોવાનું મન થઈ આવે.
આ કથામાં સુનંદાના અંતરની સઘન વ્યથા અને ગામના માણસોનાં દુઃખ-દર્દ-દારિદ્રનો તીવ્ર અનુભવ થવા છતાં આપણે એના ભાર તળે ચગદાઈ નથી મરતા. એક રેતાળ પટ નીચે જાણે કોઈ આનંદની ફલ્ગુનદી વહ્યા કરતી હોય એમ લાગ્યા જ કરે છે. આ રેતીના થરેથ૨ને ભેદી ઊંડા ઊતરીએ, બધાં જ આવરણો, અંતરાયો હટાવી દઈએ તો કોઠે દીવો થઈ જાય એવું જળ ખોબલે ખોબલે પી શકીએ. મનુષ્યના મૂળમાં વહેતા આનંદને કેટકેટલી જડતાની શિલાઓ અવરોધીને બેઠી છે? આ જડતાને ભાંગવા માટે જ વિધાતા દુઃખની સુરંગ ફોડે છે, ઘણના ઘા ઝીંકે છે, તીણી છીણીથી પડેપડને વિદારી નાખે છે.
મનુષ્યના જીવનમાં કેટકેટલી રીતે દુઃખ દેખા દે છે! આ કથાનાં પાત્રોનો જ વિચાર કરીએ તો પાનાં ભરાય.
છતાં તેમના દુઃખમાં ડોકિયું કરીએ તો શું જોવા મળે છે? હજુ તો પોતાના નવા મકાનમાં આવી સુનંદા ગોઠવાઈ નથી ત્યાં દસેક વર્ષનો એક ફૂટડો છોકરો દોડતો આવે છે. એ છે રફીક. અમીનાનો સાત ખોટનો દીકરો, ત્રણ ત્રણ સંતાનોના અકાળ અવસાન પછી ઉછરેલા આ બાળકને અમીનાએ જીવની જેમ સાચવ્યો છે. પોતાના આગલા બાળકની જેમ રફીક પર પણ દસમે વર્ષે ઘાત હોવાનો અમીનાને પૂરો ડર છે. આટલાં વર્ષો તેણે ફફડીને કાઢ્યાં છે. આ વર્ષ હેમખેમ વહી જાય છે. અમીનાના આનંદનો પ્યાલો છલકી ઊઠે છે. ત્યાં જ રફીકનું હુલ્લડમાં મોત થાય છે. માની મમતા પ૨ આ કેવો કારમો પ્રહાર! યૂસુફને પોતાના શરીરબળનું અભિમાન છે, તો ત્યાં જ એને નરમઘેંસ બનાવી દેતી પીડા ઊપડે છે. તેની પત્ની ફાતમાને પતિ બહારગામ જાય ત્યારે જ ન્હાવાધોવાનો ને ઓઢવાનો સમય મળે, એ કેવું કરુણ! અને જેને ભૂગોળમાં રસ, જેનું મન જગતના જુદા જુદા દેશોમાં ઘૂમ્યા કરે, તે શોભાને પોતાની બધી જ મહત્ત્વાકાંક્ષા મારી નાખીને આ ગામમાં ગોંધાઈ રહેવું પડે છે. તેની માનસિક દુનિયામાં પ્રવેશ્યા પછી, સાવકી મા તરીકે તે પોતાની છોકરીને બરોબર રાખતી નથી તેવી ફરિયાદ સાંભળી આપણે તેને સામે ચાલીને માફ કરી દઈએ…
જ્યારે મળે ત્યારે અકારણ હસતો દેખાતો હરિદાસ આપણને સુખિયો જીવ લાગે છે, પણ એની મર્મ શૂળ કેટલી ઊંડી! જેને તે પ્રાણમનથી ચાહે છે તે લલિતાને આખા જીવતરને હણી નાખતું દુઃખ છે.
પણ લલિતાને સદા ઘૂઘવતી દુઃખની નદી વચ્ચે શાંતિનો ટાપુ મળી ગયો છે. તે દુઃખની બહાર નથી નીકળી શકતી, તો તેમાં તણાઈ પણ નથી જતી. આનંદી વાતોડિયો કુમાર પોતાની બહેન ઇલા માટેની પીડા હૃદયમાં ભરીને બેઠો છે, અને તેને લલિતાની જેમ દુઃખને જીતવાની નહિ તો જીરવવાની શક્તિ મળી છે. તેમના જીવનમાં સત્યના પ્રવેશનો આ જાદુ છે.
અને શારીરિક પીડા અને માનસિક ત્રાસથી સંતપ્ત આ ભૂમિ પર, ઉપાશ્રયના એક અજવાળિયામાંથી અંજનાશ્રીનું પૂર્ણ ચંદ્ર જેવું મુખ દેખાય છે. દુઃખની જ્વાળાઓ વચ્ચે ભમીને દાઝેલા આપણા ચિત્ત પર તે શીળી ચાંદની છાંટી જાય છે.
આ બધાંમાં સુનંદા ક્યાં?
તે અંધારી રાતની યાત્રા કરી પરોઢ ભણી જઈ રહી છે. પોતાની વ્યથા અને બીજાનાં દુઃખદર્દનાં ઊંડાં અંધારાં તાગ્યા પછી તે ધીરે ધીરે સમજની અને તેથી પ્રકાશની સપાટી પર આવી રહી છે.
પણ એક વસ્તુ અહીં દીવા જેવી દેખાય છે કે જ્યાં માણસની સુખ પામવાની ઇચ્છા ત્યાં જ એનું બંધન, અને તેથી ત્યાં જ દુઃખનો પ્રહાર. આ ગામમાં આવ્યા પછી મનુષ્યની ઇચ્છાઓ, મનુષ્યનો મનુષ્ય સાથેનો સંબંધ અને મનુષ્યના દુઃખ વિષે સુનંદા ઊંડાણથી વિચારતી થઈ ગઈ છે. પોતાની નિબિડ પીડામાંથી બહાર આવતાં તેને એક સૂઝ મળે છે : ‘શાના વડે સંબંધો ટકી શકે?’
આ ગામમાં આવ્યા પહેલાં તેણે આ વિશે ઘણી વાર વિચાર્યું હતું ને તેને ઉત્તર નહોતો મળ્યો.
આજે તેના મનમાં જવાબ આવ્યો : આનંદ અને પ્રેમથી સભર બનેલા હૃદય વડે, જેમાં સ્વાર્થ ઓગળી જાય છે, જે માણસને પોતાની ઇચ્છાઓની સીમાઓમાંથી મુક્ત કરે છે અને તેને વધુ વ્યાપક, વધુ ઊંચા, વધુ તેજોમય જીવન પ્રતિ નિરંતર વહેવા પ્રેરે છે.
‘માણસની ઇચ્છામાં જ્યારે બીજા કોઈની ઇચ્છાનો સમાવેશ થતો નથી ત્યારે તે સ્વાર્થના નીચલામાં નીચલા પગથિયે ઊભો હોય છે. તેની ઇચ્છા જ્યારે વિશ્વ-પ્રકૃતિની ઇચ્છામાં ભળી જાય છે, ત્યારે તે મનુષ્યત્વના ચરમ બિન્દુને પામે છે. આ બે સ્થિતિ વચ્ચેનાં પગથિયાં રોજ ને રોજ ચડતાં જવું — તે જ જીવનની ગતિ છે, દિશા છે, સાર્થકતા છે.’
સુનંદાના ઘવાયેલા અંતરમાંથી સમજની સરવાણી વહેતી થાય છે:
‘તો શું માણસને દુઃખ આવી પડે ત્યારે જ તેનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે? ત્યારે જ તે પોતાના યથાર્થ સ્વરૂપને પામે છે? અને… દુઃખ શું એટલા માટે જ આવે છે કે માણસ પોતાના સાચા રૂપને જોઈ શકે?
દુઃખનું રહસ્ય!
દુ:ખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે, પણ દુઃખથી ભય પામીને માણસ તેનાથી એકદમ છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે, અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી. કદાચ તેથી જ તે ફરી ફરી આવ્યા કરે છે.
દુઃખમાંથી નાસી છૂટવાને બદલે, એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો પરિચય મેળવી લે, તો પછી દુઃખની કામગીરી પૂરી થાય. તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે.’
માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા માટે જ દુઃખનું આગમન! — આ હકીકત આપણને એક પળે અચાનક વ્યક્તિગત જીવનમાંથી સમષ્ટિના વિચાર પર ખેંચી જાય છે. ક્યારે? આપણે સાંભળીએ છીએ : ‘ગાંધીજીનું ખૂન થયું’ — ત્યારે પગ નીચેથી ધરતી ખસી જાય છે. વ્યક્તિ ગત દુઃખને ફિક્કું પાડી દેતી દુઃખની આંધી હુલ્લડ રૂપે ગામ પર છવાઈ જાય છે. એક એક વ્યક્તિને બારણે ટકોરા મારતા દુઃખને આપણે જોયું તેમ સમગ્ર ગામને ગ્રસી જતો એનો ભીષણ ઓળો પથરાતો જાય છે, ત્યારે શું જોવા મળે છે? માનવીનાં કેટકેટલાં રૂપે મઢેલાં મહોરાંને તે એક ઝપાટે હટાવી નાખે છે! શિવશંકર અને ગફૂર હિંદુ-મુસ્લિમ એકતાનાં જે બણગાં ફૂંકતા હતા તે સ્વાર્થની બાજી આવતાં ગુમ થઈ જાય છે. આ ગામમાં ભારતનો એક પ્રાણપ્રશ્ન ઉઘાડા ઘાવની જેમ ટપકે છે — એક નિર્દોષ બાળકની લાશ બનીને. આ પ્રશ્નનાં વર્તુળ ભારતની વિશાળ સપાટી પર ઘૂમરી ખાઈને વળી માનવ-સ્વરૂપના મૂળભૂત બિંદુ પર આવે છે. માણસનું સાચું સ્વરૂપ! જ્યાં સુધી માણસના બહારના અને અંદરના સ્વરૂપમાં ભેદ હશે ત્યાં સુધી વ્યક્તિગત કે સમષ્ટિગત ઐક્યનિર્માણ કેવી રીતે થશે? મનુષ્યના બહારના અને અંદરના ક્લેવરનો ભેદ પણ આ કથામાં કેટલી વિવિધતાથી ઊપસી આવે છે?
શિવશંકરમાં બહાર સફાઈ, પરોપકારિતાનો અંચળો, અંદર લુચ્ચાઈ, નર્યો સ્વાર્થ. ગફૂર બહારથી જોરાવર, અંદર કાયર. દીપચંદ બહારથી કેટલો નમ્ર, વિવેકી! અંજનાશ્રીની માંદગી વખતે એ જ સુનંદાને તેડવા આવે છે ને! કેટલા વિનયથી વાત કરે છે! અપાસરામાં કેવો ધરમી બની ખડે પગે ઊભો રહે છે! પણ એની અંદર રહેલી નઠોર હિંસાને સીમા નથી. આ ગામમાં જુદી જુદી વ્યક્તિઓના પરિચયમાં આવી સુનંદા મનુષ્યનાં પડેપડ ઉખેળતી તેને બહુ જ ઊંડેથી સમજવા પ્રયત્ન કરે છે.
‘માણસનાં કેટલાં સ્વરૂપ હશે?’
એના સાચા સ્વરૂપ પર કેટલાં પડ ચડેલાં હશે? એક કરતાં તો વધારે જ.
સાવ ઉપરનું આ દોરદમામનું, અભિમાનનું, સફાઈનું, હસમુખાપણાનું સ્તર, તેની નીચે સ્વાર્થનું, તેની નીચે ભય, સલામતી, દુઃખનું… તેની નીચે?
અંજનાશ્રી કહેતાં હતાં તેમ અજવાળું, જે તેમણે મેળવ્યું છે.’
સુનંદાએ પોતાના તીવ્રતમ દુઃખમાં ડૂબકી મારી સર્વ સ્તરોને ભેદતાં ભેદતાં આ આનંદસ્તરને જોયું છે. પણ હજુ તે એના હાથમાં નથી આવ્યું. મનુષ્યનું જીવન સર્વ સ્તરો પર પૂર્ણતાને ઝંખતું, જાતના નિઃશેષ વિસર્જનની સતત ક્રિયા દ્વારા શુદ્ધ બનતું કેવી રીતે સાર્થકતાને પામે છે, એ તેનાથી અજાણ્યું નથી રહ્યું. પણ ઊઘડતા જીવનને ઉંબરે એક ઝેરી નાગના દંશથી તેનું બધું જ ચેતન જાણે હરાઈ ગયું છે. દુઃખના ફણીધરનું ઝેર હજુ તેને મૂર્ચ્છિત કરી દે છે અને તેથી જ આ ફણીધરને માથે જે જીવનનો મણિ ઝળકે છે તે બતાવતું ગાન તેને કાને કાને, પ્રાણે પ્રાણે કોઈ સંભળાવી જાય છે:
‘જારે તુઈ ભાબિસ ફણી, તારો માથાય આછે મણિ, બાજા તોર પ્રેમેર બાંશી-ભાવેર વને ભય વા કારે?’
જેને તું ફણીધર સમજે છે, તેના માથા પર સંજીવનીનો મણિ ઝળકે છે. તું તો તારા પ્રેમની બંસી બજાવ! ભાવછાયા વનમાં વળી ભય કેવો?’
સુનંદાના સર્વ ઝેરને હરી લેતું સત્યનું આ ગાન એના અંતરતમ ખંડમાં જીવનનો પ્રકાશ પાથરી દે છે. તેના સેંથાનો સુભગ મણિ પણ એ નહીં બની રહે?
‘પરોઢ થતાં પહેલાં’ની પ્રથમ આવૃત્તિ સાહિત્ય સહકારી પ્રકાશન લિ. તરફથી પ્રગટ થઈ હતી. આજે દસ વર્ષે તેની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. અનેક વાચકમિત્રોએ આ કથાનું સંવેદન પોતાના હૃદયમાં ઝીલ્યું છે. જેમને દ્વારે દુખે વિવિધ રૂપે, વિવિધ વેશે આવીને વારંવાર ટકોરા માર્યા છે, અને જેમનાં જીવનને દુખે છેક ઊંડાણમાંથી હચમચાવી મૂક્યાં છે, તેમને આ કથામાંથી દુખથી પર થવાનું નહિ તોયે તેને સાચી રીતે ઓળખવાનું બળ મળ્યું છે તે જાણી મને શાતા વળી છે; અને આ પુસ્તકનું સર્જન સાર્થક લાગ્યું છે. આ દસ વર્ષ દરમ્યાન, પોતાની આ ભાવનાઓ દર્શાવતા પત્રો અનેક વાચકો તરફથી મને મળ્યા છે ને હજી મળતા રહે છે તે માટે હું એ સહુની કૃતજ્ઞ છું.
પુસ્તકનું સુયોગ્ય રીતે પ્રકાશન કરવા માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોક ધનજીભાઈ શાહનો આભાર માનું છું.
નવી આવૃત્તિ કશા પણ ફેરફાર વગર પ્રગટ કરી છે.