પરોઢ થતાં પહેલાં/૨૪
અષાઢના ઘટાછાયા મેઘમલિન દિવસોએ, અજવાળા વિનાની ઊંચાઈએથી, પાતળી જલધારાઓ અવિરત, અવાજ વિના વરસ્યા જ કરે, ભીના ભીના અંધારામાં સમયની ગતિ સૂઝે નહિ, કાણાંવાળા છાપરામાંથી ગમગીની ગળ્યા કરે…
સુનંદાની સ્થિતિ આવી છે. અંદર એક દિશાહીન, વાયુહીન, પ્રકાશહીન વેદના છે, ભીની ભીની, દિવસ રાત આખોયે વખત ટીપું ટીપું કરીને ધીમે ધીમે સતત ઝર્યા કરતી વેદના.
હવે કોઈ પણ પળે સત્ય આવશે.
તેનું આવવું એ પોતાના ખંડિત ગૃહમાં નવા જીવનના પ્રવેશ સમું હોઈ શકે…
તે શું કહેશે, શું પૂછશે — કાંઈ ખબર નથી.
પણ પોતે તો ઉત્તર આપવાનો છે, દ્વાર ઉઘાડવાં કે બંધ રાખવાં, તે વિચારી લેવાનું છે. તેને વિચારવામાં સહાય કરે તેવું કોઈ નથી. અંજનાશ્રી તેનાં આત્મીય નહોતાં, તોપણ તેમના જતાં તે એકદમ જ એકાકી થઈ ગઈ છે, પીડાના બીહડ વનમાં એકદમ સંગીહીન.
બીજા દિવસે પણ કામ પર જઈ શકાયું નહિ.
કુમાર ત્રણ વખત આવી ગયો. ‘ઠીક નથી, દીદી?’
બે સૂની આંખોની સૂની નજ૨ ‘ઠીક છે ને ભાઈ, પણ હજુ થાક ઊતર્યો નથી. આજનો દિવસ આરામ કરી લઉં.’
આખોયે વખત તે આગળના રૂમમાં જ બેસી રહી, બારણાં સામે ઠાલી નજ૨ વાસીને.
આજકાલમાં હવે, કોઈ પણ વખતે, આવતી કાલે, આજે, કદાચ અત્યારે જ સત્ય આવશે.
એની ખુલ્લી દૃષ્ટિમાં કેવું આકાશ છે તે જોવાને માટે તેના પ્રાણ વ્યાકુળ છે.
આવશે? કદાચ ન આવે. કંઈક કામ આવી પડે…
સાંજના સાડા ચાર થયા.
પણ આજે તેનું જીવન સમયથી પારની એક શૂન્યતામાં સ્થિત. યુગોના યુગો ક્ષણ જેવડી સાંકડી જગ્યામાં સમાઈ જાય.
બહાર કશોક અવાજ થયો. તેનો આખો દેહ ખેંચેલી પણછની માફક તંગ થઈ ગયો. આંગળી લગાડતાં જાણે વેગથી ઊછળી પડશે.
કશોક અવાજ… નજદીક આવતાં પગલાં… વધુ ને વધુ નજીક આવી રહેલાં પગલાં.
લમણા પાસેની નસ ફાટી તો નહિ જાય?
પગલાં અટક્યાં, બંધ બારણાંની ફાટમાંથી એક પત્ર અંદર સરી આવ્યો. ટપાલી હતો. પગલાં પાછાં ચાલી ગયાં.
સુનંદા પત્ર સામે નિર્જીવ નજરે જોઈ રહી. અચાનક તે ચોંકી ઊઠી. તેણે આગળ જઈને પત્ર ઊંચકી લીધો.
આ ચિરપરિચિત અક્ષરો!
દેવદાસનો પત્ર.
સુનંદા પગથી માથા સુધી કંપી રહી.
અગિયાર વરસ પછી આજે દેવદાસનો પત્ર આવ્યો છે. એ અક્ષરોને તે ભૂલી નથી. પત્ર પકડીને ઊભી રહી.
પત્ર વિદેશથી નથી, અહીંથી જ છે. દેવદાસ પાછો આવ્યો છે. ક્યાંકથી સરનામું મેળવી તેણે પોતાને પત્ર લખ્યો છે.
બારણાં ૫૨ એક બહુ જ હળવો ટકોરો પડ્યો. તૃણની પત્તીની અણી ૫૨નું ઝાકળબિંદુ જરા અમથી લહ૨માં પણ થરથરી રહે, તેમ આ માંડ સંભળાવ ટકોરાના અતિ મંદ આંદોલનથી તેનું મન થથરી રહ્યું.
ધ્રૂજતા પગે તે બારણા પાસે આવીને ઊભી.
બારણા પર ફરીથી બીજો ટકોરો થયો. હળવો, અત્યંત હળવો, પાણીની સપાટી પર પાણીનું બુંદ ટપકે તેવો ધીમો એક અવાજ આવ્યો : ‘સુનંદા!’
એને થયું, ફૂલે ભરેલા વાયવરણાની વનકુંજમાંથી જાણે તેને કોઈએ સાદ કર્યો છે. કોનો છે એ અવાજ? હા, એ સત્યનો જ અવાજ છે. કદી ન સાંભળેલા એ અવાજને તે ઓળખે છે. એના વિના કોણ પોતાને આ ગામમાં સુનંદા કહીને બોલાવે?
પત્ર હાથમાં પકડીને તે કંપતા પર્ણની જેમ ઊભી રહી.
‘સુનંદા, હું સત્ય છું.’
… અને તેના હાથમાં દેવદાસનો પત્ર છે. ભારત પાછા આવેલા દેવદાસનો પત્ર.
બારણા પાસેથી તે દૂર ખસી ગઈ. દેવદાસનો પત્ર વાંચ્યા વિના જ તેણે કબાટમાં મૂક્યો, અને પછી બારણું ઉઘાડ્યા વિના, પાછળની તરફનો દરવાજો ઉઘાડી તે નદી તરફ ચાલી.
એના હૃદયના ગુંબજમાં પડઘા ઊઠવા લાગ્યા… સુનંદા… સુનંદા…
આ છેલ્લો પુકાર છે. એને બા૨ણે થોભીને કોઈએ પહેલી ને છેલ્લી વાર સાદ કર્યો છે. પછી બધું હંમેશ માટે ખામોશ થઈ જશે, હંમેશ માટે ખાલી.
નદીની ક્ષીણ ધારમાં શીળો સૂર્યાસ્ત ઓગળી રહ્યો.
નદીના કાંઠે પાણીમાં પગ બોળીને તે બેઠી.
સત્યને ને પોતાને શું? કશું જ નહિ.
અને પશ્ચિમ દિશાએથી પાછા ફરેલા એક માણસનો પત્ર આવ્યો છે… અગિયાર વર્ષ પછી. એ પત્રમાં મિલન છે કે વિચ્છેદ છે, તેની તેને ખબર નથી.
સામી પા૨નું વન ભરતો તરલ અંધકાર ઊતરી આવ્યો.
આ અંધકારમાં ડૂબી જા, સુનંદા! જ્યાં કશી ઇચ્છા, મમતા, આત્મીયતા, આશ્વાસન નથી તેવા શૂન્યને ચરણે, ઊગરવાની કશી આશા વિના આત્મ સમર્પણ કરી દે.
ઠંડા પાણીનો કંપ તેના પગના તળિયેથી પ્રવેશી આખી કાયામાં ફેલાઈ ગયો.
માથા પર આર્દ્રાનો લાલ તારો ચમકી ઊઠ્યો. દૂર કોઈની કરતાલનો ધ્વનિ સંભળાયો, તુલસી મહારાજ કીર્તન કરતા હતા. હરિમાધવ! હરિમાધવ!
સુનંદાએ બે હાથમાં મોં છુપાવી દીધું.
હરિમાધવ! ઓ અનંતવ્યાપી અજ્ઞાત દેવતા! આ અનિશ્ચિતતાને પાર કરીને, કોઈક સુનિશ્ચિતને દ્વારે મને પહોંચાડી દે.
એ સુનિશ્ચિત ભલે અંધકાર હોય, સઘળાં સુખદુઃખથી રહિત ની૨વ શાસ્વત અંધકાર!
ભલે મૃત્યુ હોય!
અથવા મૃત્યુથી મહત્તર એવા જ્યોતિર્લોક હોય! મૃત્યુથી વધુ સુનિશ્ચિત કોઈક મહાજીવનનું અસ્તિત્વ છે જ… તેનો માર્ગ ક્યાં છે? નદીને કયે કિનારે?