પશ્યન્તી/અનિષ્ટનું વર્ચસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનિષ્ટનું વર્ચસ

સુરેશ જોષી

ફ્રેન્ચ નાટ્યકાર અને ચિન્તક વોલ્તેરે કહ્યું હતું, ‘સંસ્કૃતિ સારી પેઠે વિકસી હોય તે ગાળામાં જ આદિ કાળમાં જેનું ગૌરવ થતું હતું તેની પ્રત્યે આદર બતાવવાનો જાણે આપણો ધર્મ થઈ પડે છે.’ સાહિત્યમાં અને કળામાં આજે ફરીથી આદિમતા તરફ જવાનું જે વલણ દેખાય છે તે વોલ્તેરના આ વિધાનનું સમર્થન કરે છે. રશિયન ચિન્તક સાલોવિયેવે પણ કહ્યું છે કે સંસ્કૃતિ સૌથી સૂક્ષ્મતમ સિદ્ધિઓ મેળવતી હશે અને સંસ્કારિતાની પરાકાષ્ઠાએ પહોંચી હશે ત્યારે જ એનો અન્ત આવશે. આજે સંસ્કૃતિએ આપણું જીવન વધુ સંકુલ બનાવ્યું છે, આપણે જેને આપણાથી ઓછા સંસ્કારી ગણીએ છીએ તેમનાથી આપણને અળગા પાડ્યા છે. કહેવાતા સંસ્કારી સમાજમાં પણ જે સૂક્ષ્મ પ્રકારની અસ્પૃશ્યતા પ્રવર્તે છે તેના નિવારણનો તો હજી આપણે વિચાર સુધ્ધાં નથી કર્યો.

આપણે જે સમયમાં જીવીએ છીએ તે સિવાયના બીજા બધા તબક્કા આપણને હંમેશાં સારા લાગે છે. આપણને આવો અસન્તોષ શાથી રહેતો હશે? એ વિકાસને માટેની એક અનિવાર્ય એવી આવશ્યકતા હશે? આજે તો અનિષ્ટનું વર્ચસ્ વનમાં લાગેલા દવની જેમ ફેલાતું હોય એવું લાગે છે. ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચે ભાગ્યે જ સમતુલા જળવાતી દેખાય છે. જીવનમરણનાં પલ્લાં પણ સ્થિર રહેતાં નથી. ઘણાંને માટે તો જીવન એટલે સદા મરણને ટાળ્યા કરવાનો સંઘર્ષ જ બની રહે છે. ધર્મ કે સંસ્કૃતિ આ વાસ્તવિકતાને ઢાંકવા મોહક આવરણો રચે તેથી શું? જે સમસ્યાનો ઉકેલ ન આવે તેનો ઉકેલ ધર્મ કે સંસ્કૃતિ પાસેથી લેવા જઈએ તો પોકળ આશ્વાસનો સિવાય કશું ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છે. વિજ્ઞાને પણ હવે ધર્મની જેમ પોકળ આશ્વાસન આપવા માંડ્યું છે. બધા જ રોગમાંથી હવે આપણો ઉગારો થશે એટલું જ નહિ, સૂર્યશક્તિથી આપણે ફરી સમૃદ્ધ થઈશું જ. પૃથ્વીમાંથી બધું ઉલેચાઈ જાય કે સંહારક શસ્ત્રોથી નાશ પામે તો બીજા ગ્રહ પર જઈને વસવાની દિશા પણ એ ચીંધે છે. આથી તો ઊલટાની આપણી અવિશ્વાસની માત્રા જ વધે છે. આજે આપણને આપણાથી કદાચ ઓછા સંસ્કારી પણ નીતર્યા જળ અને સ્વચ્છ હવાને માણી શકનારા આપણા પૂર્વજોની અદેખાઈ આવે છે. એક વિચારકે કહ્યું છે, ‘With bread and a water, a man can be as happy as Jupiter’. પણ રશિયામાં સ્વતન્ત્રતા અને રોટીરોજી એ બે વિકલ્પોમાંથી રોજીરોટીની પસંદગી કર્યા પછી વિદ્રોહી સર્જકોએ ફરીથી ‘ર્શા મઅ મીચિગ ચર્નહી’ની ઘોષણા કરી. આમ ઇતિહાસ સીધી રેખાએ ગતિ કરતો હોય એવું આપણને લાગતું નથી. આપણે ત્યાં તો ‘યુગચક્ર’ સંજ્ઞા પ્રચલિત છે. સમય મણ્ડળાકાર છે. મને વાર્તા લખતાં વ્યાકરણશાસિત વાક્યોમાં સીધી રેખાએ ચાલતા કાલક્રમ જોડે ગોઠવાવાનું ફાવતું નથી. એથી જાણે સમયની સપાટી જ જળવાય છે, ઊંડાણ તો સચવાતું જ નથી. પશ્ચિમે આપણા પર સીધી રેખાએ આગળ વધતા સમયની વિભાવનાનું આરોપણ કર્યું છે; પણ એથી સમયની અપૂરતી ઓળખ જ મળે છે; સમયનાં ઘણાં પરિમાણો, અનુભવાતાં હોવા છતાં, ભાષાની અભિવ્યક્તિની બહાર રહી જાય છે. દક્ષિણ અમેરિકાના ગાશિર્યા માર્ક્વેઝની નવલકથા ‘હન્ડ્રેડ ઇયર્સ ઓવ્ સોલિટ્યુડ’માં કે મેક્સિકોના કાર્લોસ ફ્યુમેન્ટ્સની નવલકથામાં આવા મણ્ડળાકાર સમય તરફનો ઝોક દેખાય છે. વાસ્તવિકતાને સમગ્રતયા ગ્રહવી હોય તો સમયનું મણ્ડળ જ રચાવું જોઈએ.

આમ જીવનની બીજી સમ્ભવિતતાઓ છે, સંસ્કૃતિની પણ બીજી અનેક શક્યતાઓ છે; ‘સ્ટ્રીમલાઇન્ડ’ પ્રત્યેના આકર્ષણને કારણે આપણે એ તરફ નજર કરતા નથી. પણ સર્જકને એવી અસાવધતા કે પ્રમાદ ન પરવડે. આપણને જે સમયનો અનુભવ થાય છે તે આપણી ચેતનામાં સદા પ્રવર્તમાન હોય છે, એટલે વાસ્તવમાં તો સમયને સનાતન વર્તમાન તરીકે જ ઓળખાવવો જોઈએ. આથી કશાક ભવિષ્ય તરફ દોટ મૂકવાની; એના પ્રલોભનથી એની તરફ ખેંચાયા કરવાની કશી જરૂર નથી, કારણ કે એને આપણે કદી આંબી શકવાના નથી. ઔદ્યોગિક ક્રાન્તિના પર નિર્ભર રહેનારો આપણો જમાનો વર્તમાનની ઉપેક્ષા કરીને કલ્પિત ભવિષ્ય તરફ આંધળી દોટ મૂકે છે. આને જ ફ્યુમેન્ટ્સ ‘The bastardization of the philosophy of the Enlightenment’ કહે છે. આવું મૂડીવાદી દેશોમાં જ બને છે એવું નથી. સમાજવાદી કહેવાતા દેશોમાં પણ આવી જ પરિસ્થિતિ છે, ત્યાં પણ ઉજ્જ્વળ ભવિષ્યની અને પૃથ્વી પર સ્વર્ગ રચી આપવાની વાતો ચાલે છે. આમ છતાં ગુલાગની અને કહેવાતી શ્રમછાવણીઓની વાતો ઢાંકી રાખી શકાઈ નથી. પુરાણકથાનો જે સમય છે તે કદી વાસી થઈને ભૂતકાળમાં ફેરવાઈ જતો નથી. રામના જીવનકાળ વિશે સંશોધકોમાં મતભેદ હોય છે તે કોઈક વાર તો ખાસ્સો બે-અઢી હજાર વર્ષો જેટલો હોય છે. એથી કશો ઝાઝો ફેર પડી જતો નથી. બીજી રીતે કહીએ તો એમાં ભૂતકાળનો જ સ્વીકાર નથી; આપણે જેને ભૂતકાળ કહેવાને ટેવાયા છીએ તે તો સદા સંચિત થતો આવતો વર્તમાન જ છે. પશ્ચિમમાં પણ જીનેવા સમ્પ્રદાયના ફિલસૂફ જ્યોર્જ પુલેએ સમય વિશે નવેસરથી વિચાર્યું છે. બરફનો ગોળો બનાવીને એને બરફ છવાયેલી જમીન પર ગબડાવો તો બીજો બરફ એને ચોંટે. સમયનું પણ કંઈક આવું જ છે. આમ ભૂતકાળને ખાંજરે નાખી દેવાનો રહેતો નથી. એ તો હંમેશાં આપણામાં ઓતપ્રોત થઈને રહ્યો હોય છે. ભારતીય સંસ્કૃતિ સમયને એ રીતે જુએ છે. ગીતામાં ભગવાને એવી કાળની મીમાંસા કરી છે તે તો સુવિદિત છે.

માડાગાસ્કરમાં ઇમેરિયા નામના આદિવાસીઓ રહે છે. એમને મન ભૂતકાળ જેવું કશું છે જ નહિ. ભૂતકાળનો એમને ખ્યાલ જ નથી. આપણે જેને ભૂતકાળ કે ઇતિહાસ કહીએ છીએ તેને એ લોકો ‘મુખની અને કાનની સ્મૃતિ’ કહે છે. એ જીવન્ત છે, એ આપણા શરીરમાં સમાવિષ્ટ થઈને રહે છે. આપણો ઇતિહાસ અને ભૂતકાળ તો સંગ્રહસ્થાનોમાં અને ગ્રન્થાલયોમાં ખડકાયેલો હોય છે. ફ્રેન્ચ નાટ્યકાર આર્તો મેક્સિકો ગયો ત્યારે એણે જોયું કે ત્યાંના તારાહમીરા ઇન્ડિયન પોતાની સંસ્કૃતિને પોતાના શરીરમાં જ સમાવિષ્ટ કરીને જીવતા હતા. એ સંસ્કૃતિ એમની ચાલવાની રીતમાં, જે રીતે એઓ ‘કેમ છો?’ પૂછે તેમાં કે જે રીતે એઓ ઊઠેબેસે તેમાં દેખાઈ આવતી હતી. કોઈ પણ સંસ્કૃતિનું સૌ પ્રથમ સંગ્રહસ્થાન કે દેવાલય તે માનવશરીર છે એવી સમજ એમને હતી. ભૂતકાળ જેવું કશુંક હોય તો તે આપણા શરીરમાં સંચિત થઈને રહ્યું છે; અને શરીરનું અસ્તિત્વ તો વર્તમાનમાં છે જ. જે ભવિષ્ય છે તે પણ એના આધારે જ રહેલું છે.

શરીરની આ સંવેદના આપણી કહેવાતી સંસ્કૃતિએ ઊભી કરેલી કૃત્રિમતાને કારણે આપણે ખોઈ બેઠા છીએ. આપણા વર્તનમાં માનવીય સાહજિકતા રહી નથી, એમાં નરી યાન્ત્રિક એકવિધતા દેખાય છે. જાપાનમાં ચાના વિધિનું સંસ્કારિતાની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે. ચાદાની પર ઢાંકેલો રૂમાલ કન્યા કેવી રીતે ઉપાડે છે તે જોઈને એની વધૂ તરીકે પસંદગી થાય છે. કોઈ બારણું કેવી રીતે ખોલે કે વાસે એના પરથી એની સંસ્કારિતા પરખાઈ જાય છે.

આપણે ઇતિહાસમાં અવરુદ્ધ એવા કારાગારમાંથી મુક્ત થવા માટે સર્જકોએ રચેલી સૃષ્ટિમાં વિહાર કરવો જોઈએ. ભારતની પુરાણકથાઓમાં ચક્રાકાર સમયનું નિરૂપણ છે. એમાં ક્યાંય આદિ, મધ્ય કે અન્તના જુદા જુદા ખંડ પાડેલા હોતા નથી. દક્ષિણ અમેરિકાના નવલકથાકારોએ રચનારીતિમાં ક્રાન્તિ લાવીને આ મણ્ડળાકાર સમયને નિરૂપિત કર્યો છે. રેખાયિત સમય તો અત્યન્ત સંકુચિત છે, માનવસંવેદનાના વ્યાપને એ આવરી લઈ શકે નહિ. ભાષા પદના ક્રમબદ્ધ અન્વયથી રચાય છે એ એની એક સૌથી મોટી મર્યાદા છે; સર્જકે તો આ ક્રમબદ્ધતાને તોડવીફોડવી જ જોઈએ. જેમ્સ જોય્સ, વર્જીનિયા વૂલ્ફ અને ફોકનરે એ જ કર્યું છે. ફ્રાન્ઝ કાફકામાં સમયની અનુભૂતિ કેવી વિલક્ષણ થાય છે! એ જાણે ફરી ફરીને એક બિન્દુએ આવીને અટકતો લાગે છે. એમાં ગતિના આવર્તો છે, છતાં સ્થિતિનો અનુભવ થાય છે. આમ ક્રમબદ્ધતા નહિ પણ યુગપદ સ્થિતિ આપણે સ્વીકારવાની રહેશે.

આ અર્થમાં નિયતિ વિશે પણ નવેસરથી વિચારવું જોઈએ. એ પૂરેપૂરી પૂર્વનિર્ણીત નથી તેમ પૂરેપૂરી અબાધિત પણ નથી. એ આવશ્યક છે, પણ અનિવાર્ય નથી. ઘણા સ્વતન્ત્રતા અને અનિવાર્યતાને સામસામે પલ્લે મૂકે છે, પણ એમ કરવું જરૂરી નથી. જે અનિવાર્ય છે તે સ્વતન્ત્રતા નથી? સ્વતન્ત્રતા એટલે જ નર્યા વિવાદને નકારવાની સમર્થ પ્રવૃત્તિ. સ્વતન્ત્રતા દૈવવાદને ઉથાપવાની સમ્ભવિતતાને ચીંધે છે. જે આવશ્યકતા અને સ્વતન્ત્રતા વચ્ચે આ રીતે વિવેક કરી લઈ શકે છે તે ઉદ્વિગ્ન થતો નથી.

આમ છતાં નિયતિમાં એવું કશુંક છે જેના પર આપણું માનવી તરીકે કશું નિયન્ત્રણ નથી, આ વાસ્તવિકતાને સ્વીકારી લેવાની રહે છે. આથી સ્વતન્ત્રતાને હંમેશાં કરુણતાનો પાસ બેઠેલો હોય છે. સ્વતન્ત્રતાને સ્વીકારીને જ આપણે અનિવાર્યતા અને નિષ્ફળતા બંનેને સમજીએ છીએ. સ્વતન્ત્રતામાં નિષ્ફળતાનો અંશ તો હંમેશાં રહેવાનો જ. આ જગતની મર્યાદામાં રહીને જીવીએ છીએ ત્યાં સુધી એ તો બનવાનું છે. આમ છતાં સ્વતન્ત્રતા જ એ મર્યાદાને ઉલ્લંઘવાની સમ્ભવિતતા પ્રગટ કર્યા કરશે.

28-9-81