પશ્યન્તી/અનુભવ લેવાનો ઘટાટોપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુભવ લેવાનો ઘટાટોપ

સુરેશ જોષી

હવે એક સરખા ઘેરાયેલા રહેતા આકાશનું એકસૂરીલાપણું નથી. ઘડીમાં ઉજ્જ્વળ તડકો તો ઘડીમાં ઘનીભૂત છાયા – એના તાણાવાણાથી કશુંક અલૌકિક નીપજતું આવે છે. રસ્તે ચાલતા હોઈએ ને પાછળથી દોડતી આવીને વૃષ્ટિ આપણને પકડી પાડે છે. સાંજ વેળાએ પાછા ફરતાં દૂધમાં બાફીને કરેલા મકાઈના શીરાની સુગન્ધ મને ઘેરી વળે છે. બારી પાસે બેસીને, વૃષ્ટિનાં ઘટ્ટ પોતને જોતાં જોતાં, એ આરોગવાની મજા આવે છે. થોડાં અવિવેકી બિન્દુઓ અન્દર પ્રવેશીને મને સ્પર્શલાભ આપી જાય છે, પછી એકાએક કોઈના સ્મિતના સંભળાતા ધ્વનિ જેવો પૂણિર્માનો ચન્દ્ર પ્રગટ થાય છે.

આ બધું સારું લાગે છે. એમ નહિ કે આ લખું છે ત્યારે મનમાં વિષાદની સહેજસરખી છાયા નથી. છતાં, વિષાદને ખસેડીને આનન્દ પ્રગટે તો ‘રખે ને, વિષાદનો દ્રોહ થઈ જશે’ એ ભયથી એને હું જતો કરતો નથી. આ બધી જ અવસ્થાઓમાંથી કશુંક ઉપજાવી કાઢવાનો મને લોભ નથી. પ્રમાદને પણ માણી જાણું છું. ઘોડદોડમાં ઊતર્યા હોઈએ એવી રીતે જીવવાની તંગદિલી મને પરવડતી નથી. મનમોજી બનવાનો અબાધિત અધિકાર દરેક માનવીને છે. વધારે પડતું લખવાની કે ઓછું લખવાની કેફિયત આપવાનો મને ઉત્સાહ નથી.

એક કળાકાર મિત્ર ફરિયાદ કરતા હતા, ‘અહીં તો ‘એટમોસ્ફિયર’ જ નથી. દિવસને છેડે જરા મન બહેલાવવા જઈને બેસીએ એવું રેસ્ટોરાં પણ નથી. કોફીનો ઘૂંટ ધીમે ધીમે ‘સીપ’ કરતા બેઠા હોઈએ, બે-ચાર જોવા જેવા ચહેરાને જોતા હોઈએ, અણધાર્યો કોઈ દોસ્ત આવી ચઢે ને થોડી ગપસપ ચાલે, થોડું સંગીત કાને પડે – એમની યાદી આમ લંબાતી ગઈ. એક વાર પેરિસ નવા સર્જકોનું મક્કા ગણાતું. નવલકથાકારો, કવિઓ, ચિત્રકારો પેરિસમાં દીક્ષિત થઈને આવે. હેમિંગ્વે પણ પેરિસમાં દીક્ષિત થયેલા. હવે અહીં પ્રાચીનપુરાણ ભારતમાં એવું સ્થળ ક્યાં શોધવું? સમયને સરકી જવા દેવા માટે તો મને મારી બારી પૂરતી થઈ પડે છે. દસ વર્ષ લખ્યા વગરનાં જાય તોય મને પોલ વાલેરીનું આશ્વાસન તો છે જ. એણે વીસ વર્ષ સુધી એક કવિતા ઘૂંટ્યા કરેલી!

તો આ ‘એટમોસ્ફિયર’નું શું? મને સાર્ત્રે ‘નોશિયા’માં વર્ણવેલું દૃશ્ય યાદ આવ્યું. રોકેંતિને ઘર જેવું કશું છે જ નહિ. રહે છે હોટેલમાં, ઘણો સમય લાઇબ્રેરીમાં ને બાકીનો રેસ્તોરાંમાં ગાળે છે. એમાંથી એ પણ એક પ્રકારની દીક્ષા પામે છે! બેઠો બેઠો એ જોયા કરે છે. એના ગજવામાં એની પહેલાંની પ્રિયતમા એનીનો પત્ર છે. એણે પત્રને હાથમાં લઈને ગડી વાળીને કાળજીથી બીડ્યો હશે. હવે એના સુધી પહોંચી શકાતું નથી. રોકેંતિને પ્રશ્ન થાય છે : ભૂતકાળની કોઈ વ્યક્તિ વિશે વિચારવું શક્ય છે ખરું? નિકટ હતાં ત્યારે તુચ્છ સરખી કોઈ વિગતને પણ કેટલી ઉત્કટતાથી પકડી રાખતાં હતાં! આછો સરખો વિષાદ પણ સચવાઈ રહેતો હતો. પણ છૂટા પડ્યા પછી તો બધું જ સરી જાય છે. ત્યારે તો અણકથ્યા વિચારો, કાંઈ કેટલી જુદી જુદી જાતની સુગન્ધો, બોલતી વેળાના લહેકાઓ, બારીમાંથી આવતા તડકાની ભાત – આ બધાંને જ આપણે વળગી રહેતાં. એ બધું જીવન્ત હોવાને કારણે બોજા જેવું લાગતું નહોતું. અત્યારેય એ બધું સંભારવાનો આનન્દ નથી થતો? પણ આપણું તો કેટલું ગજું? થોડા જ વખતમાં હિસાબ ગણતા થઈ જઈએ : આટલું બધું સુખ જ મનમાં સંશય ઊભો કરે : આ સુખ એનાથી ચાર ગણું દુ:ખ લાવશે તો? આથી ધીમે ધીમે એકબીજાથી દૂર સરી જવાની પેરવીમાં રહીએ, નાનાં નાનાં કારણો શોધીએ. નહિ હોય તો ઊભાં કરીએ. સ્વાર્થબુદ્ધિ પ્રેમનું સ્થાન લઈ લે, પોતાને છૂટા પડવાના આઘાતમાંથી બચાવી લેવાની જ માત્ર ચિન્તા રહે!

પછી બધું જ વેરણછેરણ થઈ જાય. રોજ અપરિચિત ચહેરાઓ જોવા, અજાણ્યાં સ્થળો, નદીનાં વિશાળ પટ : આ બધું શૂન્યાવકાશ મૂકી જાય. રોકેંતિ એક ધ્રૂજતા માણસને રેસ્ટોરાંમાં પ્રવેશતો જુએ છે. એ એટલો ધ્રૂજે છે કે અંદર પ્રવેશ્યા છતાં ઓવરકોટ ઉતારતો નથી. વેઇટ્રેસ એને પૂછે છે : ‘શું લેશો?’ એ એક દારૂનું નામ લે છે. સ્થૂળકાય વેઇટ્રેસ, ત્યાં ઊભી ઊભી જ, જાણે સ્વપ્નમાં સરી પડે છે. રોકેંતિને પણ બનારસ, જાવા – જ્યાં જ્યાં એ ગયેલો તે દેખાય છે, પણ એક ક્ષણભર એ તો બધું હતું ત્યાં જ રહ્યું.

વેઇટ્રેસ દારૂ આપીને કાઉન્ટર પર બેઠી બેઠી ભરતગૂંથણ કરવા મંડી પડે છે. બધું ફરી શાન્ત થઈ જાય છે, પણ આ શાન્તિ જુદી છે. બહાર બારીના કાચ પર વૃષ્ટિના ટકોરા સંભળાય છે. રેસ્ટોરામાં અંધારું થાય છે, વેઇટ્રેસ દીવા કરે છે, કારણ કે એને ગૂંથવાનું અન્ધારામાં ફાવતું નથી. આછો પ્રકાશ વ્યાપી જાય છે. લોકો પોતપોતાના ઘરમાં છે, એ બધાએ પણ દીવા કર્યા જ હશે. એમાંના કોઈ વાંચતા હશે, કોઈ બારી આગળ ઊભા રહીને આકાશને જુએ છે. એમને મન આ બધાંનો કશોક જુદો અર્થ હશે. એમાંના કોઈને વારસો મળ્યો હશે, બક્ષિસ મળી હશે. ઘરમાંના દરેક અસબાબ સાથે કેટલી સ્મૃતિ સંકળાયેલી છે. ઘડિયાળ, છબિ, શંખલા, પેપરવેઇટ, જૂનાં કપડાં, સાચવી રાખેલી શાલ, છાપાં – બધું જ ઘરમાં સંઘરી રાખ્યું છે.

આ બધાંમાં રોકેંતિ પોતાને જુએ છે. એને પ્રશ્ન થાય છે, ‘હું મારું બધું ક્યાં સંઘરું? મારે તો ઘર છે નહિ. મારે તો છે કેવળ મારું શરીર. હું નર્યો એકાકી છું. મને સ્મરણોનો વૈભવ પરવડે તેમ નથી. સ્મરણો મારી પાસે થઈને પસાર થઈ જાય છે. પણ એની મારે ફરિયાદ કરવી નથી. મારે તો મોકળા થઈને જ જીવવું હતું ને!’

ત્યાં બીજું પાત્ર પ્રવેશે છે. એ છે ડોક્ટર રેંગે. એના ચહેરા પર કરચલીઓ છે. કપાળ પર કરચલીઓની સમાન્તર રેખાઓ છે. આંખ આગળ કાગડાનાં પગલાં પડ્યાં હોય એવી કરચલી છે. હોઠના છેડા આગળ બંને બાજુ આકરી રેખાઓ છે. એણે જિન્દગીમાં ઘણું વેઠ્યું હશે તે તરત દેખાઈ આવે છે. એને જોતાં આપણે બોલી પડીએ, ‘આ માણસ જીવ્યો હોય એમ લાગે છે! એનો ચહેરો એણે અધિકારપૂર્વક મેળવ્યો હોય એવું લાગે છે, એણે એના ભૂતકાળના રજ સરખા અનુભવને વેડફી નાખ્યો નથી.’

રોકેંતિ આ બધી સૃષ્ટિ જુએ છે – રાજકુમાર સિદ્ધાર્થે પણ પ્રાસાદના કારાગારમાંથી મુક્ત થઈને સંસારને આમ જ જોયો હશે. મોટા ભાગના માણસો અર્ધી સભાન અવસ્થામાં જિન્દગીને ઢસડતા હોય છે, થોડા જિન્દગીભર તન્દ્રામાં જ રહે છે. ઉતાવળમાં પરણી નાખે છે, અધીરાઈથી આંધળિયાં કરે છે ને મનમાં ફાવે તેમ છોકરાંઓ પણ જણી કાઢે છે. લગ્નપ્રસંગે કે સ્મશાનમાં એઓ બીજા માણસોને મળતાં રહે છે. કોઈ વાર રેસ્ટોરાંમાં પણ કોઈકનો ભેટો થઈ જાય છે. કેટલીક વાર કશાક જુવાળમાં અણધાર્યા જ ફસાઈ જાય છે તો આ શું થયું તે સમજ્યા વગર એઓ એની સામે ઝૂઝવા મથે છે. એમની આજુબાજુ જે બની રહ્યું છે તે એમની સમજમાંથી હંમેશાં છટકી જાય છે. એ બધી હવે તો દૂર દૂર સરી ગયેલી ઘટનાઓ એમને સહેજ જ અડીને ચાલી ગઈ હતી. શું થયું તે જોવા એમણે દૃષ્ટિ માંડી ત્યારે તો બધું અદૃશ્ય થઈ ચૂક્યું હતું. આ દરમિયાન ચાળીસીને તો વટાવી ચૂક્યા. ત્યારે થોડીક હઠ ને થોડાક દુરાગ્રહો શોખથી કેળવવાનું સૂઝ્યું. થોડી કહેવતો હાથ લાગી ગઈ. એમાં થોડાક નહિ ઓળખાયેલા અનુભવોનાં નામ જડ્યાં. પછી તો સ્લોટ મશીનનું અનુકરણ જ કરવાનું રહ્યું. ડાબા હાથની હથેળીમાં પૈસો મૂકો એટલે જમણો હાથ રૂપેરી કાગળમાં વીંટેલી કથનીઓ તરત હાજર કરી દે. જમણા હાથની હથેળીમાં સિક્કો મૂકો તો ડાબો હાથ મોંઘેરી સલાહો તમને આપે જે સોપારીની જેમ દાંતમાં જ ચોંટી રહે. કોઈ બેસીને મૂતરે, કોઈ ઊભા રહીને. દરેકના આચાર જુદા, બોનિર્યોમાં રજસ્વલા સ્ત્રી ત્રણ દિવસ ને ત્રણ રાત ઘરના છાપરા પર જ બેસી રહે!

દરેક પોતાના શરીરમાં, આ બધાંથી સલામતી શોધતાં, પુરાઈ રહે. પણ જૂના થયેલા શરીરના ગઢની કાંકરીઓ ખરવા માંડે, ત્યારે જ બધું અકબંધ રાખવાના મરણિયા પ્રયત્નો શરૂ થાય.

હું તો છેલ્લાં કેટલાંય વર્ષોથી રેસ્ટોરાંમાં ગયો નથી. કદાચ મારી હિમ્મત નથી ચાલતી. ત્યાં ક્ષણિકતાનો, સહિષ્ણુતાનો જે સાક્ષાત્કાર થાય છે તે જીરવવાનું કદાચ મારું ગજું નથી. સમયને સરતો જોઈ રહેવાનું હજી મને પરવડે તેમ નથી. હજી સમયને સંગીતની તરજમાં, કવિતાની પંક્તિમાં કે ચિત્રની રેખામાં બાંધવાનો મને લોભ છે. પણ એને માટેના સમયનું માપ જુદું છે. મનમાં એક પંક્તિ ગોઠવતાં ઘણી વાર મહિનો નીકળી જાય. ત્યારે મનમાં તુક્કો આવે : આપણા મરણના ત્રણ અક્ષર ગોઠવતાં ઈશ્વરને ઘણાં વર્ષો લાગશે એ આશા જ આપણું મોટું પ્રેરક બળ નથી?

આથી જ તો હું જ્યાં છું ત્યાં જ મારું વિશ્વ ઊભું કરી દઉં છું. મને જિન્દગીનો ઝાઝો અનુભવ નથી એવી કેટલાક હિતચિન્તકો ફરિયાદ કરે છે. પણ મને થયેલા અનુભવનો હવાલો આપવા માટે હું લખતો નથી. ગામડામાં રહ્યો છું. ઘણી ગરીબાઈ જોઈ છે. હજી મારા શ્વાસમાં સુધ્ધાં ગરીબાઈની ગન્ધ છે પણ કશું લખતી વખતે ગરીબાઈ પાસે ભીખ માંગી નથી. લખતી વખતે જીવન પર મારો અંકુશ હોય છે, જીવનનો મારા પર નહિ. આટલા અહંકાર વગર તો કદાચ કોઈ એક પંક્તિ પણ લખી નહિ શકે.

મરીન ડ્રાઇવની પાસેના રેસ્ટોરાંમાં હૅમ્લેટની અદાથી, સમુદ્રનાં પછડાતાં મોજાં અને વૃષ્ટિના ધૂસર પડદા પાછળ રહેલા વિશ્વને ઝાંખતાં કલાકના કલાક બેસી રહીને, ખૂબ ચાક લેતા ભમરડાની સ્તબ્ધતાનો દાવો કરીને, નિષ્ક્રિયતા જ સહુથી અઘરી સિદ્ધ કરવા જેવી વસ્તુ છે માટે એ સિદ્ધ કરવાના પુરુષાર્થમાં જ અમે તો મથ્યા રહીએ છીએ એવું નાટક કરવા જેટલી રસિકતા કદાચ મારામાં રહી નથી. તો ભલે, મને એનો ખેદ નથી. સંસાર એનો ઘોંઘાટ મચાવતો ચારે બાજુથી સરી જાય છે. એની વચ્ચે રહીને બે અક્ષર સારવી લેવા એ કોઈ મહાન ઘટના નથી. છતાં જીવવા માટે એ મને અનિવાર્ય લાગતું હોય તો એને મારી લાચારી કહેવાનો મને વાંધો નથી. પણ એને માટે ‘અનુભવ લેવાનો’ ઘટાટોપ ઊભો કરવાની મને જરૂર લાગતી નથી, એથી કોઈ અનુભવની દૃષ્ટિએ મને રાંક ગણે તો એના હૃદયની ઉદારતાની હું તો કદર કરીશ.

1-9-80