પશ્યન્તી/જીવન પણ ઉત્તમ કળા
સુરેશ જોષી
વૈશાખની બપોરના આકરા તાપમાં હું રોજ જોઉં છું : એક મકાન પર વધારાનો એક માળ લેવાની તૈયારી ચાલી રહી છે. માથે કશી છત્રછાયા વિના, કેવળ સૂર્યની નિષ્ઠુર દૃષ્ટિ નીચે, ઉઘાડા શરીરે, શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. કાળા અબનૂસ જેવાં એમનાં શરીર પરસેવાથી તગતગી ઊઠ્યાં છે. આકરા તાપમાં આકરી મજૂરી કરી રહ્યા છે ને છતાં એમને મોઢે ગીત છે. એમનાં શરીરનાં હલનચલનના લય સાથે એનો લય બરાબર મળી જાય છે. બળબળતી બપોરમાં આ લય એક અવનવી કર્ણમધુરતા સર્જી દે છે.
બીજી બાજુ લગ્નમંડપોમાં વરઘોડાઓમાં ફિલ્મી ગીતોની ચીસાચીસ સંભળાય છે. એને કોઈ સાંભળતું નથી, છતાં એક રસમ ખાતર એ ગીતો વગાડવામાં આવે છે. પોતાને ઊંચા સ્તરના અને સંસ્કારી માનતા લોકો લગ્ન સમયે શરણાઈ વગાડનારને બોલાવે છે. શરણાઈ વગાડનાર એકલોઅટૂલો પડી જાય છે. લબ લબ ગુલાબજાંબુ ગળે ઉતારનારા કે શિખંડ ચાટનારા આ શરણાઈના લયને શી રીતે ઓળખે?
જગત આપણી ભાષામાં બોલતું બંધ થઈ ગયું છે, જગત સાથેનો આપણો સંવાદ તૂટ્યો છે. એથી જ તો આપણે જગતમાં આકસ્મિક રીતે આવી ચઢ્યા હોઈએ એવું લાગ્યા કરે છે. શહેર પાસે થઈને જ નદી વહી જાય છે, પણ એના વહેવાનો લય આપણને સંભળાતો નથી. સમુદ્રના ભરતી-ઓટથી અણજાણ આપણે, સમુદ્રની પાસે રહીને, જીવ્યે જઈએ છીએ. વૃક્ષોનો પર્ણમર્મર કે પંખીઓનો કલરવ, કાચીંડાનું ચુપકીદીથી સરકવું, નોળિયાનું એક વાડમાંથી બીજી વાડમાં સંતાઈ જવું – આ બધાંથી અણજાણ, પ્રકૃતિ વચ્ચે છતાં પ્રકૃતિમાંથી જ હદપાર થયા હોઈએ, એમ આપણે જીવીએ છીએ. પાયથાગોરાસે તો નક્ષત્રની ગતિનું સંગીત સાંભળેલું, હવે આપણે તારાઓને રાતે નિયોન લાઇટના ઝળહળાટમાં જોવાય શી રીતે પામીએ?
હું પુરાણમતવાદી નથી, પણ આનન્દવાદી તો છું જ. આનન્દમાંથી જ આપણે સૌ જન્મ્યા છીએ અને આનન્દ જ આપણું પોષણ છે. જીવન ઘટમાળ બની જાય તે ઇચ્છનીય નથી. યન્ત્રયુગમાં માનવીએ એક નવા જ પ્રકારની એકલતા અનુભવી. એના કાર્ય સાથેનો એનો કર્તૃત્વનો તન્તુ છેદાઈ ગયો. એનું કાર્ય એને બીજાઓ સાથે પણ જોડતું, હવે એની એકલવાયાપણાની લાગણી તીવ્ર થતી જાય છે. જગતના કાર્યક્ષેત્રમાંથી દૂર ફેંકાતો ફેંકાતો એ ઠાલો બનતો જાય છે. આ ઠાલાપણું એને કશુંક કરવાને ઉત્તેજિત કરે છે. એ હિંસા તરફ વળે છે, ઉપદ્રવો ઊભા કરે છે.
આફ્રિકાના નવલકથાકાર કમારા લાયેએ એની ‘ધ ડાર્ક ચાઇલ્ડ’ નવલકથામાં આ વાત એની લાક્ષણિક રીતે મૂકી છે. એના પિતા સોની છે. હીરાને સોનામાં જડવાનું કામ ચાલે છે. દીવો સળગાવ્યો છે, મોઢાંમાં ભૂંગળી છે, તેનાથી ફૂંકીને જ્યોતને યોગ્ય દિશામાં વાળે છે. આજુબાજુ બેઠેલા ગાય છે. પિતા પણ વચ્ચે વચ્ચે પોતાના મનમાં કશુંક બોલે છે. એ શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી, પણ એમના હોઠને વાંચી શકાય છે. કશુંક અદ્ભુત જાણે નજર સામે બની રહ્યું છે – જાદુ જ જાણે! અગ્નિના દેવ, સુવર્ણની દેવી, વાયુદેવતા – આ બધાનું જાણે અદ્ભુત મિલન થઈ રહ્યું છે. અગ્નિ સાથે સુવર્ણનું લગ્ન જાણે રચાઈ રહ્યું છે. પિતા જાણે મન્ત્રોચ્ચાર કરી રહ્યા છે, આહ્વાન કરી રહ્યા છે. આમ તો સોનાને ઓગાળવાની જ પ્રક્રિયા દરમિયાન પાસે બેઠેલાઓ સ્તુતિ ગાતા હતા. ધીમે ધીમે એમનો ગાવાનો લય દ્રુત બનતો જતો હતો, પ્રશંસાનો પણ અતિરેક થતો જતો હતો, કસબીના કસબની પણ સ્તુતિ ચાલી રહી હતી. આ ગાનારાઓ પણ અદ્ભુત રૂપાન્તરની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા. પિતા પણ કશુંક નવું સર્જી રહ્યાના આનન્દમાં હતા. કામ પૂરું થયું ને પિતાએ ઊઠીને પાસે પડેલું વાજિન્ત્ર લીધું ને એ વગાડીને નૃત્ય કરવા લાગ્યા.
કસબ અને વિદગ્ધતાભરી કળા વચ્ચે જ્યારે બનાવ હતો, ગાઢ સમ્બન્ધ હતો, ત્યારની આ વાત છે, એની સાથે પ્રાર્થના, સંગીત અને નૃત્ય જોડાઈ ગયાં હતાં. આ બધાંને કારણે જે રચાતું તે પણ એક કળાકૃતિ જ બની રહેતું. માનવી જે કાંઈ કરે છે કે રચે છે તે અદ્ભુત છે. જાદુઈ છે. યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને ગોઠવવો, હીરાને સોનામાં યોગ્ય રીતે જડવો – આ જાદુ નથી?
કામારા લાયેની બીજી નવલકથામાં આ જ વાત એણે બીજી રીતે કહી છે. ‘ધ રેડિયન્સ ઓવ્ ધ કિન્ગ’ નામની નવલકથામાં આવાં પ્રતીકોની સંતર્પે એવી સમૃદ્ધિ છે. ક્લેરેન્સ નામનો એક યુરોપવાસી આફ્રિકાના વાતાવરણમાં આવી ચઢે છે. એને પોતાના દેશવાસીઓ તરફથી કશો આધાર કે મદદ મળતી નથી. એની પાસે પૈસા નથી, એને બહારથી કશી મદદ મળે એમ નથી.
એક દિવસ ક્લેરેન્સને ખબર પડી કે ત્યાંના રાજા ત્યાંથી પસાર થવાના છે. એ ધૂળિયા શેરીમાં ઊભો ઊભો રાજાની સવારીને જતી જુએ છે. સાથે એક ભિખારી પણ સવારી જોતો ઊભો છે. આ ભિખારી એને માટે કશુંક કરવાની બાયંધરી આપે છે. એ રાજાને કહે તો ક્લૅરેન્સને કદાચ કશીક નોકરી મળી જાય. ભિખારી રાજાને મળીને પાછો આવે છે. ભિખારી મોઢા પરના ભાવ વાંચવાનો એ પ્રયત્ન કરે છે. ભિખારી કહે છે કે નોકરી તો મળે એમ નથી. ત્યારે ક્લૅરેન્સ જીવ પર આવી જઈને કહે છે કે ગમે તે કામ મળે તો એ કરવા તૈયાર છે. પણ ભિખારીનો જવાબ તો એનો એ જ છે. હાલ પૂરતું તો કશું કામ મળે તેમ નથી. ત્યારે ક્લૅરેન્સ કહે છે, ‘અરે ઢોલ વગાડવાનું કામ સોંપશો તો તેય કરીશ.’ તરત ભિખારીએ કહ્યું, ‘તમે શું એને નજીવું કામ ગણો છો? અમારે ત્યાં તો ઢોલ વગાડનારા ઊંચી કોમમાંથી ને પેઢી દર પેઢી આવતા હોય છે. એ કાંઈ જેને ને તેને ન સોંપી શકાય. ગોરાઓ તો એમ માને છે કે એઓ બધું જ કરી શકે છે, પણ એવું નથી.’
અહીં જીવન પ્રત્યેના બે અભિગમ સ્પષ્ટ થાય છે : જાપાની કન્યાઓ ચાદાની પરથી હજાર સારસોના ભરતવાળો રૂમાલ ઊંચકે ત્યારે હજાર સારસોવાળું આકાશ ઊંચકતી હોય તેવી નજાકતથી ઊંચકે, જો જીવન જ એક ઉત્તમ કળા નથી બની રહેતું, તો કળાને જીવનથી અલાયદી પાડીને કૃત્રિમ રીતે વિકસાવવી પડે છે.
8-6-79