પશ્યન્તી/પિરાન્દેલો અને વાસ્તવન


પિરાન્દેલો અને વાસ્તવન

સુરેશ જોષી

પિરાન્દેલોને મન આ રહસ્યવાદ તે શી વસ્તુ છે? આ ઇન્દ્રિયગોચર વિશ્વમાં થઈને જ વૈશ્વિક જીવનની ઝાંખી કરવી એને જો ગૂઢવાદ કહેતા હોઈએ તો સર્જક આમે એ જ નથી કરતો હોતો? આ નાટકમાં રોમિયોનું પાત્ર ક્ષિતિજને ઉલ્લંઘીને જે વિરાટ અવકાશ રહ્યો છે તેમાં વારે વારે ફંગોળાઈ જતું હોય છે. આપણા જીવનમાંય કોઈક વાર એવી ક્ષણો નથી આવતી? ત્યારે આપણે વર્તમાનસીમિત સન્દર્ભના ચોકઠામાંથી બહાર નીકળી જઈએ છીએ. ત્યારે કશુંક પ્રચણ્ડ બળ આપણામાં રહીને પ્રવૃત્ત થતું હોય એવું આપણે અનુભવીએ છીએ. આવું બનતું હોય છે ત્યારે સામાન્ય માનવજીવનમાં અંકાયેલી નીતિઅનીતિની સીમાને આપણે એકાએક ઉલ્લંઘી જઈએ છીએ. પાપ-પુણ્યના ગણિતની બહારની એ સૃષ્ટિ હોય છે. ક્યાંક દૂરસુદૂરથી જે ઈંગિત દેખાય છે તે આપણે અનુસરીએ છીએ. નીત્શે આવી સ્થિતિને વર્ણવતાં જ એને ‘બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ’ એવી ભૂમિકા પર સ્થાપી આપે છે.

આથી જ તો રોમિયો કશી પાથિર્વ વસ્તુ પરત્વેની આસક્તિથી મુક્ત છે. બીજું માનવીઓ જેને કશાકના પર વિજય મેળવવો કે પ્રગતિ કરવી એવું કહે છે તેવી હોંસાતૂંસીમાં એને ઝાઝો રસ નથી. એ કહે છે, ‘સત્ય અને વાસ્તવિકતા તો ઈશ્વરમાં જ સમ્ભવી શકે, આપણામાં જે કાંઈ રહ્યું છે તે નશ્વર છે, એ મરણશરણ થવાને જ નિર્માયું છે. આપણી સંકલ્પશક્તિ, આપણું ડહાપણ, આપણું જ્ઞાન – આ કશાની વિસાત નથી’ જેમ જેમ એ એના અન્તની નજીક જતો જાય છે તેમ તેમ એનું દર્શન વિશાળ બનતું જાય છે. એનામાં જે માનવ્ય છે તેને દેવત્વ પરાભૂત કરે છે. એ પોતાના અપરાધનો એકરાર કરે છે, ત્યારે એની ચેતના શુદ્ધ અને સૂક્ષ્મ, અપાથિર્વ બની જતી લાગે છે.

અહીં પિરાન્દેલોના વાસ્તવિકતા વિશેના આગવા ખ્યાલનો પણ આપણને પરિચય થાય છે. એને મન વાસ્તવિકતાની આપણી કલ્પના બાહ્ય વિશ્વ વિશેની સ્થૂળ સમજ પર આધાર રાખતી નથી. એને આપણી સંવેદનાનો સ્પર્શ થવો જોઈએ, એથી એનામાં નવા પ્રાણ આવવા જોઈએ, આપણી શ્રદ્ધા અને ઉત્કટ ઇચ્છાથી એ સજીવ બની ઊઠવી જોઈએ. ચન્દ્ર આકાશમાં છે એટલું જણાવવું જ પૂરતું નથી, વન પૃથ્વી પર છે એટલી માહિતીથી જ આપણું કામ ચાલી જતું નથી. આ રીતે જો જોઈએ તો ચન્દ્ર અને અરણ્ય અમૂર્ત એવા ખ્યાલ માત્ર બની રહે છે. એ જ્યારે સંવેદનાનો સ્પર્શ પામે ત્યારે જ એને એની સાચી વાસ્તવિકતા પ્રાપ્ત થાય છે. આવું કશુંક પ્રચણ્ડ બળ એના આવેગમાં આપણને ગ્રસી લઈને વિરાટ અવકાશમાં ફંગોળે છે ત્યારે આપણને પૂર્ણ વાસ્તવિકતાનો અનુભવ થાય છે. ત્યારે આપણે સમુદ્રનાં ઊંચે ઊછળતાં મોજાં સાથે દૂર-સુદૂર વહી જઈએ છીએ, ત્યારે આપણે બધી મર્યાદાઓથી મુક્ત થઈને અનન્ત સાથેના પુન:અનુસન્ધાનને અનુભવીએ છીએ.

પણ પિરાન્દેલો આ નાટકમાં બુદ્ધિનો સાવ છેદ ઉરાડી દેતા નથી. રોમિયોના જીવનમાં બુદ્ધિ પણ ભાગ ભજવે છે, ને એને જ કારણે એના કરુણનું ગૌરવ વધે છે. બુદ્ધિનું એના પર અમુક અંશે પ્રભુત્વ છે. રોમિયો શરૂઆતમાં તો સહેજ ખંચકાય છે, પોતાના દુષ્કૃત્યનો એકરાર એ એકદમ કરી નાખતો નથી. એની હતાશા એને કંઈક અંશે ધૂર્ત બનાવે છે ને એ વાન્ઝીને એની બુદ્ધિની અટપટી જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. તું કલ્પના તો કરી જો, મારી પત્નીએ મને કહ્યું કે એને તારું સપનું આવ્યું હતું અને સ્વપ્નમાં એ મારા પ્રત્યે બેવફા થઈ ચૂકી હતી. આમ એ વાન્ઝીને આકરા સત્યનો સામનો કરવા માટે તૈયાર કરે છે. એની પત્નીએ પણ સ્વપ્નમાં કોઈ બીજા પુરુષ સાથે આડો વ્યવહાર રાખ્યો છે એવું જો એ જાણે તો એને માફ કરી દે ખરો? વાન્ઝી તો વહેવારુ માણસ છે. એ તો સુખનો કોઈ રીતેય ભંગ થાય એમ ઇચ્છતો નથી. એ તો માને છે કે એવા સ્વપ્નની વાત પત્નીએ પતિને કરવી જ નહિ. જે સ્વપ્નમાં થયું તેનો દોષ આપણને ન લાગે એવું સમજાવવાનો જીનેવ્રા મિથ્યા પ્રયત્ન કરી જુએ છે. જીનેવ્રા અને રોમિયો વચ્ચેનો સમ્બન્ધ સ્વપ્ન જેવો જ નહોતો? પણ નર્યો વહેવારુ બુદ્ધિને વશ વર્તનારો વાન્ઝી આ માની શકતો નથી, સમજી શકતો નથી. એ તો આવું બન્યું છે એ જાણતાંની સાથે જ રોમિયોને ઠાર કરી નાખે છે.

રોમિયો નર્યો અપાથિર્વ નથી. જીવનના સુખપ્રદ અંશોને વળગી રહેવાનો મરણિયો પ્રયત્ન તો એ કરતો જ હોય છે. એ આતુરતાપૂર્વક કહે છે, ‘જેને જાણી ઓળખી લઈ શકાય છે તેને જ આપણે વળગી રહી શકતા હોઈએ તો કેવું સારું!’ એમાં એ નિષ્ફળ જાય છે અને એ નિષ્ફળતા આપણને વિચાર કરતા કરી મૂકે છે. પિરાન્દેલોએ આ પાત્ર દ્વારા કેવી તો માનવીય કરુણતા અને અવદશાને મૂર્ત કરી છે! ગ્રીક નાટ્યકારો આપણાથી અદૃષ્ટ એવા દૈવને કારણે માનવજીવનમાં અનિવાર્યતયા આવતી કરુણતાનું આલેખન કરી ગયા છે. પિરાન્દેલો પણ માનવનિયતિ પાછળ રહેલા આવા જ કશાક અગોચર તત્ત્વને ચીંધી બતાવે છે. આ નિયતિ સામે માનવી લાખ ઝૂઝે તોય એનું કશું ચાલતું નથી. આ અન્ધ બળ માનવીને અસહાય કરી મૂકે છે. આથી આ નિયતિને સ્વીકારીને અને એ જે પાપબુદ્ધિનો ભાર હૃદય પર લાદે તેને સહેતાં સહેતાં માનવીને તો જીવ્યે જ જવાનું છે. એનો દાહ જાણે કદી શમતો નથી. અન્તે મૃત્યુ અનન્તનાં દ્વાર એને માટે ખોલી નાખે ત્યારે જ આ બધું શમી જતું હશે! આપણા સમયમાં આપણે માનવનિયતિમાં રહેલી અસંગતિ, આપણી આજુબાજુના વિશ્વની આપણાં સુખદુ:ખ પરત્વેની નરી ઉદાસીનતા આ જગતના કેન્દ્ર રૂપ પોતે છે એમ માનનારા આપણે અહીં તો આકસ્મિક ફેંકાયેલા જ છીએ એની પ્રતીતિ આપણામાં ‘મેટાફિઝિકલ એન્ગ્વીશ’ને પ્રેરે છે. ક્યિર્કેગાર્દે આ અનુભવી હતી. આવું કશું પરાભૌતિક તત્ત્વ માનવીને સદાકાળથી ગાંઠતું નથી. પણ ગૌરવની વાત એ છે કે એની સામે માનવી સદા ઝૂઝતો રહ્યો છે, એણે કદી હાર તો સ્વીકારી જ નથી.

આ નાટકમાં જેટલા સામર્થ્યથી આ કરુણતા નિરૂપાઈ છે તેટલા સામર્થ્યથી પિરાન્દેલોનાં બીજાં કોઈ નાટકોમાં નિરૂપાઈ નથી. માનવી થવું એટલે પ્રકૃતિના અળવીતરાપણાને, અન્ય માનવીઓની વિલક્ષણતાને અને રોજ-બ-રોજનું જીવન જે અનેક પ્રતિકૂળતાઓ ઊભી કરે તેને પહોંચી વળવાને સદા ઝૂઝતા રહેવું. જો એમાં સફળ થઈએ તોય આખરે પામી પામીને શું પામીએ? આપણને વામણા કરી નાખતું, પશુઓ જેમાં રાચતાં હોય છે તેવું સુખ? પણ આપણા અસ્તિત્વના ઊંડાણમાં રહેલું પેલું રહસ્યમય વિશ્વ તો સાવ અસ્પૃશ્ય જ રહી જતું હોય છે! આથી અનિવાર્યતયા, સાર્ત્ર કહે છે તેમ, આ બે વિકલ્પોમાંથી આપણે પસંદગી કરી લેવાની રહે છે : કાં તો આપણે સન્તુષ્ટ પશુની જેમ જીવવાનું સ્વીકારી લેવું, કાં તો મોટા ભાગના માનવીઓ જેની ઉપેક્ષા કરે છે તે વિરલ પોષક તત્ત્વને માટેની બુભુક્ષાને જાગૃત કરીને વિષણ્ણ ચેતનારૂપે જીવવું. આપણામાં રહેલી શુદ્ધ ચેતનાને માટે તો પ્રકૃતિ પણ એક કૃત્રિમ બનાવટ જેવી લાગે છે.

આ નાટક ઘણે સ્થળે લિરિકના સ્તર પર રહે છે. ત્યાં કાર્યની ધમાચકડી કે ઘોંઘાટ નથી અને આખું નાટક રોમિયોના આન્તરિક વિષાદને કેન્દ્ર બનાવતું હોય એવું લાગે છે. બીજાં બધાં પાત્ર કરતાં રોમિયોનું પાત્ર બે આંગળ ઊંચું હોય એવું આપણને લાગે છે. પિરાન્દેલોની બે વાર્તાઓ ‘સિન્સી’ અને ‘ઝંઝાવાતમાં’ આ નાટકના કથાનકનું મૂળ રહ્યું છે. આ વાર્તાઓનાં જુદાં જુદાં બે પાત્રોના સંમિશ્રણમાંથી રોમિયોનું પાત્ર પિરાન્દેલોએ રચ્યું છે.

નાટક પાત્રોની કૃત્રિમતાથી રચાયું છે, આને પરિણામે જે કાર્ય આપણી આગળ ઉદ્ઘાટિત થતું જાય છે તે કોમેડીમાં પરિણમે છે. એમાં હાસ્ય છે પણ તે પિરાન્દેલોનાં નાટકોમાં હોય છે તેવું વિલક્ષણ હાસ્ય. એ પાત્રોની કૃત્રિમતાને તરત પારખી લે છે અને એને ઢાંકતાં મહોરાંને ઉતારી કાઢીને આપણને હસાવે છે. પાત્રોની આ કૃત્રિમતા ઉપરછલ્લી નથી, પણ સંકુલ પ્રકારની છે. પિરાન્દેલોનું માનવનિયતિનું દર્શન જેમ જેમ પરિણતિને પામતું ગયું તેમ તેમ માનવજીવનથી અભિન્ન, એમાં ઓતપ્રોત થઈને રહેતા, કરુણની પ્રતીતિ એમનાં નાટકોમાં આલેખાતી આવે છે. માનવીમાં રહેલી સંકુલતા કે એનું વેગળાપણું કશી સન્નિષ્ઠાના અભાવને કારણે પાત્રો પર લાદવામાં આવેલાં નથી. એ જ તો આપણા સહુની નિયતિ છે. આપણા દરેકનું જીવન આ બધાં સ્થિત્યન્તરોમાંથી પસાર થતું હોય છે, પણ એની તીવ્ર અને સૂક્ષ્મ સંવેદના ઘણા ઓછાને હોય છે. આથી એ સંવેદના વિનાના લોકો સુખી લાગે છે. વૈશ્વિક પટ પર વિહરતા જીવનને આપણે કેટકેટલાં વિધિનિષેધ, નિયમકાનૂન, શહેરો, દેવળો ને સંસ્થાઓમાં પૂરી દીધું છે. માનવ એમાં તરફડે છે ને મુક્તિને ઝંખે છે.

31-8-81