પશ્યન્તી/વિજ્ઞાન અને સાહિત્ય : 2


વિજ્ઞાન અને સાહિત્ય : 2

સુરેશ જોષી

ઈંગ્લેંડમાં તો રોયલ સોસાયટીએ સત્તરમી સદીમાં જ વિજ્ઞાનીઓને સાહિત્યની શૈલીની મોહિનીથી સાવધ રહેવાની ચેતવણી આપી દીધી હતી. અબ્રહામ કાવલીએ આ ચેતવણી આપતાં કહ્યું હતું કે સાહિત્યકારો તો કલ્પનાથી રંગરોગાન કરીને બધું આલેખતા હોય છે, પણ વિજ્ઞાનીઓનું લખાણ ‘પૌરુષભર્યું છતાં સાદુંસીધું’ હોય છે. એમાં ‘લેટિનમાં આપવામાં આવતાં અવતરણોથી વાક્યપ્રવાહને તોડવામાં આવતો નથી’; એમાં ‘બિનજરૂરી અવતરણોનો ખડકલો’ હોતો નથી. રૂપકોનો એમાં ભભકો હોતો નથી કે પર્યાયોક્તિની જટિલતા એમાં હોતી નથી. વિજ્ઞાનની શૈલી ‘આરસપહાણના જેવી નમ્ર’ હોય છે આવું કહેનાર વિજ્ઞાની જોસેફ ગ્લેનવિલની પોતાની શૈલી પણ અલંકરણોથી ભરપૂર હતી. પણ એણે તો તે સમયમાં સાહિત્યની અને વિજ્ઞાનની જે છાપ હતી તેનો હવાલો જ આપ્યો છે. આપણા સમયમાં આઇ.એ.રિચર્ડ્ઝે કહ્યું છે, ‘આપણે વિજ્ઞાની જે કહે તે માની લઈ શકીએ છીએ, કારણ કે એ પુરાવો આપી શકે છે; એની રજૂઆતમાં એ પ્રભાવશાળી ને વધુ વાચાળ છે માટે નહિ. વાસ્તવમાં વિજ્ઞાની જ્યારે એની શૈલીથી આપણને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઊલટાનો એના પર વિશ્વાસ બેસતો નથી.’ બૅકનની પાછળથી મળી આવેલી એક હસ્તપ્રતમાં પણ એણે ‘મૃદુ મૃદુ શબ્દો’ પ્રત્યે અણગમો બતાવ્યો છે.

આથી એવું લાગશે કે વિજ્ઞાન અને કલ્પનોત્થ સાહિત્ય વચ્ચે કશો મેળ નથી. એ બંનેને નજીક લાવવાનો પ્રયત્ન જ બેહૂદો છે. વિજ્ઞાનમાં કલ્પનાનું તત્ત્વ વિભાવનામાં રહેલું છે, ભાષામાં નહિ. વિશદતા તો સિદ્ધ થવી જ જોઈએ, અને તે પણ સાહજિક સરળતાથી. આ પછી તો શૈલી અને કથયિતવ્ય, વાચાળતા અને ડહાપણ, માધ્યમ અને કથન વચ્ચેનો ભેદ વધુ ઉગ્ર રીતે પ્રગટ થતો ગયો. મેકલુહાને વળી ‘મિડિયમ ઇઝ ધ મેસેજ’ એમ કહ્યું. ફિલસૂફ જ્હોન લોક અને થોમસ હોબ્સે તો સ્પષ્ટ જ કહી દીધું હતું : વૈજ્ઞાનિક અને દાર્શનિક લખાણોને કદી સાહિત્યિક દૃષ્ટિએ તપાસવાં ન જોઈએ. પ્લેટોથી માંડીને તે આજના સાર્ત્ર, કેમ્યૂ, મેર્લો-પોંતિ જેવા દાર્શનિકોની ભાષા સાહિત્યિક દૃષ્ટિએ પણ માણવા જેવી હોય તે આપણે જાણીએ છીએ. પણ પિટર મેડાવર આને ઇષ્ટ લેખતા નથી. એમને એમ લાગે છે કે આવાં દાર્શનિક લખાણોમાં જરૂરી વિશદતા હોતી નથી; કેટલીક વાર એ નરી દુર્બોધ બની રહે છે. આજે આવી ફરિયાદ કરનાર બુઠ્ઠી સંવેદનશીલતા ધરાવે છે એવી ગાળ ખાઈ બેસે. વિશદતાની સામે જ જાણે આજે તો મોરચો મંડાયો હોય એવું લાગે છે. ‘ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ’ના એક વિવેચકે સંરચનાવાદને લગતા એક ગ્રન્થનું વિવેચન કરતાં કહેલું કે જે વિચારો ગમ્ભીરતા અને ઊંડાણને કારણે કંઈક અસ્પષ્ટ લાગે છે તે વધુ સારી રીતે, અવિશદ એવા ગદ્યમાં જ, પ્રગટ થઈ શકે. આ અવિશદતા તે અશક્તિનું પરિણામ નથી, એને તો હેતુપૂર્વક સિદ્ધ કરવામાં આવી હોય છે! આ અવિશદતાને કારણે જ વાચક એને અટકી અટકીને ધ્યાનપૂર્વક વાંચે છે. આ ખ્યાલ કેવો બેહૂદો છે! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ હુમલાની એક રાતે ચાંદની એવી તો ખીલી હતી કે ‘અન્ધારપટ’ રચવાનો કશો અર્થ જ રહ્યો ન હતો. ત્યારે ઓક્સફર્ડના એક એરરેઇડ વોર્ડને સૂચના આપી હતી, ‘સહુ ગોગલ્સ પહેરી લે, એટલે અન્ધારપટ જેવું જ લાગશે.’ એના જેવી જ આ કેળવેલી વિશદતાની વાત નથી લાગતી?

દુર્બોધતા અમુક પ્રકારના લખાણમાં જ રહી હોય છે એવું તો નથી. ખૂબ અટપટી એવી સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરનાર ઘણી વાર એના લખાણમાં દુર્બોધ બની જાય છે. જર્મન ફિલસૂફ કાન્ટની દુર્બોધતા આ પ્રકારની છે. એ તો એક મહાન ચિન્તક હતો. પોતાની પાસે વિશદ રીતે નિરૂપણ કરવાની શક્તિ નથી તેનો એ અફસોસ કરે છે તે આપણને સ્પર્શી જાય છે. સાથે સાથે એ એવી આશા વ્યક્ત કરે છે કે સમય જતાં બીજાઓ એના વક્તવ્યને સ્પષ્ટ કરીને સમજાવતા રહેશે.

અઢારમી સદીમાં અવિશદતા તે માત્ર વૈજ્ઞાનિક અને દાર્શનિક લખાણનું જ નહિ, ધર્મવિષયક લખાણોનું પણ દૂષણ ગણાતું હતું. એવી દલીલ કરવામાં આવતી હતી કે અર્થને સંતાડવો તે તો અર્થના અભાવને પણ ઢાંકવા જેવું જ ગણાય. આથી ખરી પરિસ્થિતિ શી હશે તે આપણે કળી શકીએ જ નહિ. પણ એ જમાનામાંય દુર્બોધતા ગાંભીર્યમાં ગણાઈ નહોતી જતી એવું નથી. ડ્રાયડનને વિશે જ્હોન્સને કહ્યું હતું કે એને જ્યાં પ્રકાશ અને અન્ધકાર મળે છે તેવા અર્થના પ્રદેશને ખૂંદીને ચાલવાનું ગમતું. આપણે બધા જ થોડે ઘણે અંશે એવું નથી કરતા? વિચારનાં શિખરો પર જે દુર્બોધતા રહેલી છે તેનું કોને આકર્ષણ નથી હોતું? જે રહસ્યમય કે અગોચર હતું તે સ્પષ્ટ કે વિશદ થઈ જાય ત્યારે આપણે થોડા નિરાશ નથી થઈ જતા?

પણ પ્રભાવ પાડવાના શૈલીના એક ગુણ લેખે દુર્બોધતાને આપણે આવકારી શકીશું? કાન્ટને વિશે પણ કહેવાયું હતું કે જાણીજોઈને પોતાનાં લખાણને દુર્બોધ બનાવીને એ ગમ્ભીરતાથી છાપ ઊભી કરવા માગતો હતો. કાન્ટને વિશે આ સાચું હોય કે નહિ હોય, પણ આવું બનતું હોય છે તે તો સ્વીકારવું જ રહ્યું. સઘન અને અટપટી તર્કપરમ્પરાથી ખચિત એવું લખાણ આપણે વાંચતાં હોઈએ ત્યારે એ બધું આપણને ભારે ગૂંચવાડાભર્યું અને અઘરું લાગે. આપણે છતાં મથ્યે જઈએ અને કહીએ, ‘આ કેવી રીતે ફલિત થાય છે તે મને સમજાતું નથી’ અથવા ‘એ શું કરવા માગે છે તે હવે મને સમજાય છે.’ અને છેવટે આપણે એ પામી જઈએ એમ પણ બને. પછી એ પરત્વે એના લેખક સાથે સમ્મત થઈએ અથવા તો એથી જુદું દૃષ્ટિબિન્દુ ધરાવવાનાં કારણો આપણને મળી રહે. પણ ધારો કે એ લેખક પાસે એવી દલીલો જ નથી; એની શૈલી ભારેખમ હોય, એનું કારણ કદાચ એ પણ હોય કે કશાક ઊંચા પ્રકારની વિચારપદ્ધતિને કારણે એણે પૃથક્કરણાત્મક રીતે વિચાર કરવાની પદ્ધતિને છોડી દીધી હોય. લખાણને અવાન્તર વાતોથી, વિરોધાભાસોથી, છાપ પાડવાના આશયથી આપવામાં આવેલાં ગોડેલ, વિટગેન્સ્ટાઇન વગેરેનાં અવતરણોથી, રૂપકોથી અને જડભરતોને દૂર રાખવાના સભાન આશયથી દુર્બોધ બનાવ્યું હોય તોય લેખક આપણને શું સમજાવવા ઇચ્છે છે તે પામવું અઘરું થઈ પડે છે. લેખકની વિભાવના અને આપણી સમજશક્તિ વચ્ચેનો ગાળો આપણે માટે ભારે મથામણનો નીવડે. લેખકની તર્કપદ્ધતિને ઘણી વાર આપણે આપણા તર્કનાં ચોકઠાંમાં ઢાળવા મથીએ એવું પણ બને. પણ મેડાવર કહે છે કે લખાણ દાર્શનિક હોય, વૈજ્ઞાનિક હોય કે સાહિત્યિક હોય જો એના લેખકને કશું મૌલિક કે મહત્ત્વનું કહેવાનું હોય તો દુર્બોધ રહેવાનું જોખમ જાણી કરીને ખેડવાનું એને નહિ પરવડે. જે લોકો દુર્બોધ લખે છે તેઓ ક્યાં તો લખવાની બાબતમાં હજુ પૂરા કેળવાયેલા નથી, ક્યાં તો એઓ જાણીજોઈને આવાં અળવીતરાંમાં રાચે છે. પણ આપણે તો અહીં લખવાની બાબતમાં પૂરેપૂરા દક્ષ એવા લેખકોની જ વાત કરીએ છીએ.

વૈજ્ઞાનિક અને સાહિત્યિક લખાણોની ચર્ચા કરતા હોઈએ ત્યારે એ બંનેની સત્ય વિશેની સમજ શી છે તે પણ જાણી લેવું જરૂરી બની રહે છે. સાહિત્યના સત્યને વૈજ્ઞાનિક પરિભાષામાં મૂકીને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે ખરો? વિજ્ઞાનમાં તો સત્ય એટલે હકીકત સાથેનો મેળ. જે ‘ખરેખર’ બને છે તે સાચું છે. આ ઇન્દ્રિયપ્રામાણ્ય સત્ય છે. ‘હું લખું છું’ એ હકીકત સાચી છે, હું અત્યારે શીર્ષાસન કરું છું કે તરું છું એ હકીકત અત્યારે સાચી નથી. વિજ્ઞાનના સિદ્ધાન્તોની આ જ કસોટી છે, એ સિદ્ધાન્તો ભલે ને પછી સામાન્ય કોટિના હોય કે ઉચ્ચ કોટિના હોય.

હકીકત સાથેના મેળવાળું સત્ય તે જાણે બહુ આદિમ અને પ્રાથમિક કક્ષાનો ખ્યાલ છે એવી ઘણાની લાગણી હોય છે. પણ એવી લાગણીને કશું મહત્ત્વ આપવું ઘટતું નથી. એ વાસ્તવમાં નર્યું પ્રાથમિક સ્વરૂપનું હોતું જ નથી. એ સહજ જ પ્રાપ્ત થઈ જતું નથી, એનો આધાર નરી કોઠાસૂઝ પર રહ્યો હોતો નથી. એને સમજીને પ્રાપ્ત કરવાનું રહે છે. વિજ્ઞાન આવા હકીકતનિર્ભર સત્યથી જ પોતાની ગવેષણાનો પ્રારમ્ભ કરે છે. પછી એને પ્રત્યક્ષ અનુભવવામાં આવેલી વિગતોનું સમર્થન મળતું રહે છે. આ બધાંનાં નિરીક્ષણને અન્તે નિષ્કર્ષરૂપે વિજ્ઞાનના નિયમો ઘડાય છે. પણ હકીકતોને જો આપણે ખોટી રીતે સમજ્યા હોઈએ કે એને અજાણતાં જ ખોટી રીતે ઘટાવી હોય તો જ વિજ્ઞાનમાં ક્ષતિ આવવાનો સમ્ભવ રહે છે. દૃષ્ટિની અસ્પષ્ટતા, કુદરતની કિતાબની વાંચવાની ખોટી રીત જ, આવી ક્ષતિને નોતરે છે.

વૈજ્ઞાનિક ફિલસૂફ કાર્લ પોપરે એના સુવિખ્યાત નિબન્ધ ‘ઓન ધ સોસિર્સ ઓવ્ નોલેજ એન્ડ ઓવ્ ઇગ્નોરન્સ’માં આ વિશે ગમ્ભીર પર્યેષણા કરેલી છે. એઓ કહે છે કે વિજ્ઞાનના સત્ય વિશેનો આવો ખ્યાલ અવાસ્તવિક અને ભ્રામક છે. વિજ્ઞાનના સિદ્ધાન્તોનો પ્રારમ્ભ તો કલ્પનાની પ્રવૃત્તિથી જ થાય છે એવું પિટર મેડાવર પણ કહે છે. પ્રથમ તો એ કલ્પનાની જ સરજત હોય છે. જાણે એક પ્રકારની ‘વાર્તા’થી એની શરૂઆત થાય છે. આ ‘વાર્તા’ વાસ્તવિક જીવન વિશેની છે કે નહિ તે શોધી કાઢવામાં વિજ્ઞાન પછીથી પ્રવૃત્ત થાય છે. આથી જેને આપણે ઇન્દ્રિયગમ્ય હકીકત કહીએ છીએ તે વિજ્ઞાનનું પ્રારમ્ભબિન્દુ નથી; એ માત્ર દિશાને ચીંધે છે. આથી પ્રારંભમાં તો સાહિત્યિક અને વૈજ્ઞાનિક અભિગમમાં ખાસ ભેદ પાડવા જેવું કશું હોતું નથી. સમાન્તર રીતે બંને આરમ્ભ કરે છે, પણ પછી આગળ જતાં બંને જુદી જુદી દિશામાં ફંટાઈ જાય છે. આપણે બધા જ વાતો કહેતા હોઈએ છીએ પણ દરેક વાતનો હેતુ જુદો હોય છે, એની મૂલ્યાંકનની પદ્ધતિ જુદી હોય છે.

હકીકતનિર્ભર સત્યથી કાવ્ય આડું ફંટાય છે એવું હંમેશાં માની લેવામાં આવતું નથી. સર ફિલિપ સિડનીએ કવિ વિશે કહેલું : ‘એ કશું સ્થાપતો નથી, માટે જૂઠું બોલવાનો પ્રશ્ન જ એને માટે ઊભો થતો નથી. જેને સાચું કહેવામાં આવે છે તે સાચું નથી. એવું સ્થાપવું તે જૂઠું કહેવું ગણાય. પણ કવિ તો ‘આ સાચું છે’ એમ કહીને કશું સ્થાપવાનો આગ્રહ રાખતો નથી.’ હકીકત અથવા વાસ્તવિકતા સાથેનો મેળ હોવો કે ન હોવો એ બે જ જો વિકલ્પો હોય તો પસંદગી વાસ્તવિકતા સાથેના મેળની જ થાય એમ મેડાવર માને છે. પણ નીત્શેનું મન્તવ્ય જુદું છે. એ કહે છે કે સર્જક કહેવડાવવાને પાત્ર દરેક વ્યક્તિ વાસ્તવિકતાની કટ્ટર દુશ્મન હોય છે. સાર્ત્રે પણ કહેલું કે સર્જકની રચનાપદ્ધતિ જ વાસ્તવિકતાને સુધારી લેતી હોય છે. વાન ગોઘે પણ કહ્યું હતું કે ઈશ્વરની રચનાનો પહેલો પ્રયોગ બગડી ગયો છે, ચાલો, એને સુધારી લેવામાં આપણે એને મદદ કરીએ. પરાવાસ્તવવાદીઓ આપેલી વાસ્તવિકતાને ‘ડીરિયાલાઇઝ’ ખન્તપૂર્વક કરવાના આગ્રહી હોય છે.

મેડાવર ઉમેરે છે : ‘કોઈનું વ્યક્તિચિત્ર ચિત્રકાર આલેખતો હોય તો તે એ વ્યક્તિને મળતું આવવું જ જોઈએ. પણ જો વિકલ્પ વસ્તુઓ કેવી છે અને કેવી હોવી ઘટે એ બે વચ્ચેનો હોય તો નરી હકીકત આપણને ખપમાં નહિ આવે.’ વિજ્ઞાની તો જે છે તેનાથી બંધાયેલો છે અને જે કોઈ સામાન્ય સિદ્ધાન્ત આ જે નર્યું છે તેના પાયા પર રચવામાં આવે તે કાવ્યના સત્યનો જેવો પ્રભાવ તો નહિ જ ધરાવી શકે તે દેખીતું છે. કાર્લ પોપરના શબ્દમાં કહીએ તો એ તો માત્ર ‘કન્જેકચર્ડ લાઇકલીહૂડ’ જ કહેવાય.

15-9-80