પુનરપિ/આવ્યું-આવ્યું રે ગુજરાત
Jump to navigation
Jump to search
આવ્યું-આવ્યું રે ગુજરાત
આવ્યું-આવ્યું રે ગુજરાત,
સોરઠ કરે સામૈયું.
ઝંખતા જીવને સાંપડી માત,
સાબર પીરસે હૈયું.
જે હતી અસ્મિતા કવિના મનમાં
શબ્દ થતી સાક્ષાત્
ગુર્જરતાના ઇતિહાસી કોડને
મળે ભૂગોળની ભાત.
સોરઠ કરે સામૈયું.
આવ્યું-આવ્યું રે ગુજરાત,
સાબર પીરસે હૈયું.
ગળથૂથીમાં કૃષ્ણની રસિકતા,
હેમચન્દ્રનું જ્ઞાન,
વહાણવટું જગલક્ષી વણિકનું,
ગાંધીનાં બલિદાન,
સિદ્ધરાજની શાસન-શક્તિ,
પેઢીની શાખનું ભાન,
ઘોળ્યું-ઘોળ્યું રે સંગાત,
સાબર પીરસે હૈયું.
આવ્યું-આવ્યું રે ગુજરાત
સોરઠ કરે સામૈયું.
15-4-’60