પુનરપિ/દર્શનો વિનોબાનાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દર્શનો વિનોબાનાં

નાન્દી

વિશ્વપ્રકાશ બનતા પહેલાંનો
એક ઝબકતો ઝબકારો:
વિશ્વવારિધિ બનતા પહેલાં
ખરતો ઝાકળનો તારો:
અનન્ત—દર્શન મઢનારી
ચોખંડી નાની બારી:
સૂર્યપ્રકાશ થકી લીંપાયો
ઉંબરો મોક્ષ તણો: સંચાર
ભક્તગનનમેં ઉમંગ કેરો
કરતો આંખ તણો પલકાર:
એ પલકાર વિનોબાનો,
ઓમ મહીં ઓછો પાભર કાનો.

એ પલકાર વિનોબાનો
એક પાતળી મર્યાદા
સર્જન ને સર્જન વચ્ચે:
બ્રહ્મ અને બાની વચ્ચે:
સમસ્ત પહેલાંનું લગભગ:
એ છે દૃગ
જ્ઞાન તણું, આત્મજ્ઞાન પાંગરતાં પહેલાં:
સમૃદ્ધિનો મારગ શૂરાનો અટકે
સિદ્ધિ કેરે દ્વાર: અગણિત પગલાં એક તરફ
ને એવરેસ્ટની પેલી પાર
ટોચે પગલું છેલ્લું લટકે:
સર્વવ્યાપ્ત માનસનો છેલ્લો
દિવ્યશતકમાં સરવાળો;
ટકા શતકના નવ્વાણું,
શૂન્ય ગણિતનું જ્યાં ગાણું:
એક કિરણ સૂરજમાં ઓછું, જેથી સૂર્ય ભણી
ઊભી નીસરણી
પર ચડતા પગલે ચડે મેંદી પ્રકાશ તણી.
ઋષિ! મુનિ! સાધક
કર્મયોગમાં રઘવાયો;
પણ હજી પ્રભુનો પડછાયો!


એની જેવા એની પહેલાં
ચાલ્યા સઘળા પગપાળા; ભજવા ઈશ્વરની માળા
ચાલ્યું અચલિત આસન ધ્યાન તણું.
પહોંચવા પાદર આલોકની ભુલભુલૈયાના,
ઉઘાડવા પડ હૈયાનાં
પૂગ્યા ધામોધામ, ચાલ્યા ગામોગામ, ઉઘાડવા
આગળિયા:
ઘાસનાં છત કે નળિયાં,
છોટાં કે મોટાં ખોરડાં, ઓશરી ગાર કે ઓરડા,
એવું ન મનમાં કે કોઈની ભાંગવી ભીડ,
બીક નહીં કે ભજશે કોઈ, કોઈને ચડશે ચીડ.
દિલડે દિલડે દિવ્ય પડ્યો અંગાર
એના હળવા કરવા રાખના ભાર,
દાખલો આપીકા જીવન કેરો
ધમણ બનીને મારે ફૂંક;
આપી દૃષ્ટાંત,
આટલું જીતી છોડતા સ્તવર પ્રાન્ત.
કોઈ ન પૂરી ભૂખ:
એક ઉમેર્યું દુ:ખ, એક ઉમેર્યું સુખ.
બુદ્ધ, ઈસાનાં, મોહન કેરાં
પગલાં જાગી જાય, આળસ મરડે,
ધૂળ ખંખેરી ઊભરાય,
કારણ એને કેડી થાય.
જે ગામડે એનાં પગલાં તો રોપાય,
કદી ન એનું એ બનશે ફરી
(પાંખ કાપતી ભાળી પરી?)
થોભતા ના એ ગામનો જોવા ઉત્કર્ષ;
ચાંપીને સ્પર્શ
પૂર્ણવિરામને પૂછડું આપી
કરતા અલ્પવિરામ;
એટલું સાધીને છોડતા ધામ.
ચાલતા થાય.
ઘાણીએ પ્રગતિની બાંધે જે જનતા
એમાં એ ન જોતા માનવતા.


ઊંચે પરોઢનો તારો (એકલતાનું માનસ,)
ધરણીના ઘાઘરાની કોર ભણી ડોલે.
નીચે દડૂકિયું હરીકેઈન ફાનસ
યાત્રા પદ-પ્રતનું પાનું રોજિંદું
કોસ ચાર સુધી ખોલે.
પગદંડી પે દંડીસ્વામી!

યોગીને ન હોય પરિવાર
પણ પાછળ ચાલે લાંબી વણજાર:
સાક્ષર કરવા સાથ વિચાર
જેને થાવું
એકલતામાં એકાકાર.
જે જિહ્વા પર બેઠો ડુંગર મૌન તણો
તે જિહ્વાને સાંભળવાને કાજ
સાદ ફેંકતા
ચાલ્યાં સાથે ઢોલ-પખાજ:
તંબૂ લાદ્યા જીપ ખટારે
(રામમૂર્તિનું આ સરકસ!)
તેને કાજે
વ્યોમ સમું જેને છે છત:
ખુરશી, ગાલીચો ગાદીતકિયા
અભિષેકવ અપરિગ્રહનું વ્રત:
ઉતાવળાં ફરમાનો ગાજે
એની સેવામાં
જેણે નાથ્યો, ક્રોધ હણ્યો:
સ્થિતપ્રજ્ઞતાનો જાણ્યો
દોરી લાવે મહંતની વણજાર —


— અને જાગતો જયજયકાર.

કંકુ, શ્રીફળ, ફૂલ ગલગોટા,
કમાન આસોપાલવની:
ઘી, દૂધ, સાકર, દાળરોટલા,
સૌરભ આ દુખિયા ભવની
પુનિત પાદમાં રોજ ધરાય;
સઘળું પ્રસાદ સરખું સમજીને,
એને નામે,
પ્રવાસી ભક્તો જો’તું ખાય.

જાદુગરથી એના મનમાં
માનવ માટે મોટું સ્થાન;
તોયે રમતા માયા રમતા
દેતો જાદુગરનું ભાન.
વર્તન આટલું ખાતર-મય
જેમાં જામે સર્વોદય.


જનમદિવસથી મોક્ષ સુધીમાં
જાણી એક નથી નારી
(પગનું દર્શન લક્ષ્મણ જેવું, દૃગનું
વૈદદ્ય સમું કીધું,
વચ્ચે ના દીધું-લીધું
પાયું-પીધું),
નિર્મળતા એ અવિકારી.
બ્રહ્મચર્ય અણમાપ્યું એનું
(પાન અણીશુદ્ધ નાગરવેલનું જી રે!)
પલકઝલકમાં અમાપ્ય થાશે
જ્યારે યોગી મોક્ષાશે.
પુરુષ-પ્રકૃતિ એકમ થાતાં,
અદ્વૈતમાં નર-નારાયણ પથરાતા
પ્રેમપારખું કરશે કોણ?
કોણ? — પડઘો પોતાનો.


કુંભ તણા મેળાની વચ્ચે
પ્રશાન્ત ચાલે એ એકાન્ત.
(ગભરુ બાળક ઊભું શાંત
કોનારકના સ્તન-તોરણ નીચે,
ને નિર્ભય, સ્નિગ્ધાહૃદય.)
ના પરવા ગિરિની મહમ્મદને,
પરવત આવે મહમ્મદ પાસ.
ત્યજી હિમાલય
ગુફા પધારે ઊભી બજારે,
બનવા એને ગર્ભાલય
લશ્કર જ્યાં જ્યાં નાખે પડાવ.
ક્ષિતિજસમ સૂત્ર જે પથિક તે ગ્રહે બિસ્તરો;
ઊર્ધ્વધર યાત્રીને ખંભે લપેટી રહે
હિમાલય તણી ગુફા.
ચઢણ સાંકડું, પગથિયાં ગ્રહોનાં કરી
જાવું સૂર્ય સાથે ભળી.
ગંગાકિનારે બેસનાર ના આ અલગારી;
મઢુલી કોઈ ન લપાઈ જંગલમાં કે ઝાડી.
હજાર નયનો તણી ગરમ બત્તીઓની તળે
સુવાડતો પ્રાણને
...અંતરની ગુફામાં.


કોણ ચાલે એની સાથ?

જાણતો ના એ; જાણવા કાજે કર્યું ન ક્યારેય મન.
લશ્કર સાથે હોય ભવાયા, નાચનારીનાં તન;
હીંડતા યોગીનાસરઘસમાંયે!
વરદ પગલાં ખોદનારો એ, આંખમાં પુરાતત્ત્વ,
જોવાનું ના મમત્વ —
કોણ છે એની પાંખમાં? શાને? ક્યાંથી પછાડી?
—આંખ ઊંચી કરી, આંખ ઉઘાડી.
રામના ઘેનમાં સાધું:
કેફ પોતાનો
કોને ચડાવતો જાય? એને ક્યાંથી પરખાય?
અનુયાયીઓનો કાફલો, એનો કરવો ના અનુસાર;
પૂજાતો સાતે વાર. કાલીને બકરા કેરું રક્ત
રોજ ચડે પણ ક્યાંય અડે નહિ: કાદવ જેનો ભક્ત
અંત્યજ એવો પંકજ જેવો.
અખબારીની આંખે ચડ્યાં આ: —-
મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય:
(શિવનો નંદી ટાણે કટાણે નહીં ખાવાનું ખાય!)
ને બ્રહ્મચારીની આંખથી છટક્યું...
અંતરાળમાં ચુંબન બટક્યું:
રાણીના ભેખની સાદગી શી ખરચાળ!
ત્યજ્યા રાજાને, વેગળાં કીધાં જેવર કોહીનૂર,
ભક્તિને કાપડે જોબન બાંધ્યાં, નૈવેદ્યના બે દ્રોણ;
કસ ન તૂટશે નાથના સાદે,
કસ ન તૂટશે જબતક ના’વે કૃષ્ણના બંસી સૂર:
ભાવિક એક હજાર તણી વણજાર:
દર્શકથી દર્શનો વધારે;
દર્શને દર્શને મોટો દેવ થતો;
વાંચને વાંચને ગીતા-પ્રકાશ વધતો જતો;
વોંકળાથી જેમ ગંગા થાય:
ભાવિક એક હજાર તણી વણજાર:
વચમાં વચમાં રેડિયો એનું નામ કરે હરાજ
પેટના ખાડે બાજરો નાખવા, દુ:ખીને દેવા ઘર,
લૂંગડાં દેવા હામવિનાને ચામડી જેનું થર,
ખેતર દેવા ખંત છે જેને પણ ના જેને ભૂ;
કોઈ ઉગાડશે ચીભડાં એમાં, કોઈ ઉગાડશે રૂ.
પણ યોગી ન અખબારી.
એ પોતે છે અખબાર પાતળા વાંકળા પગથી ચાલતું.
કોઈ છો એનું નામ વટાવે,
કોઈ છો લેતું વળ,
ન જાણવા જેવું જાણવા માટે દિલમાં ક્યાં છે સ્થળ?
—-ત્રણ વાંદરા કેરી કળ!
જાગતા સંત્રીની એક જ પાંપણ
જાણીને આડી જાય:
જેમ બ્રહ્મ-લીલામાં થાય
પ્રેમના ભારે આંખમીંચામણાં:
જેમ શિવ શાહમૃગતા ત્રીજી આંખ
દેવા મનુને, મનુજને દયાની પાંખ!


વિશ્વ પલટવા આવે શૂરા
તેની પાસે કમર કસી;
બહાદુર આવે ધસી ધસી.
(પણ) રુઝાવનારી આંગળીઓ એને.
બનતા સર્વ તણી શગડી:
જેની માનસી છે લથડી;
કરડ્યા જેને હિમે તેવા;
મરડ્યા જેને ઊગ્ર પ્રિયાએ;
કર્મે જેને બેઠો વાઘ;
મર્મે જેને કાળો ડાઘ;
થથરી આવે હાથ શેકવા,
શ્રદ્ધાનો લેવા ગેરુ:
શગડી ભાંગ્યાની ભેરુ.
હૈયાં સૂકાં બની વાદળી
જીવતાં એનો ચૂસી પ્રાણ;
અહીં છે સંજીવનની ખાણ.
અંધાપાને મળી લાકડી
મજલ હવે તો પૂર્ણ થનાર.
સતત કાળજીનો અવતાર!
— માટે તો ભગવાનને બક્ષી
(માળામાં પૂર્યં પક્ષી!)
ખુરસી દીવાનશાળામાં
આપી રૂપિયા ફાળામાં.


ભરતવાક્ય

મહાપુરુષનું મુખ કોતરવા
એનો આરસ આવ્યો કામ
કવિને. બહુમુખ મૂર્તિ ઘડવા
એનો પારસ આંગળીઓને જાદુ કેરા આપે ઓપ.
દર્શન દેવા દેવ રુકે ના.
કવિને લાધ્યા દર્શનમાં
પ્રતિમા પ્રગટે
જે થનગનતું કવિના મનમાં.
સા-રી-ગ-મ સ્વરલિપિમાં ગોઠવતાં
યોગીનું ગાન
બોલી ઊઠે કવિના કાન.
ઉંબરે થોભી નિર્વાણના
લંબાવી એક ઘડી કલ્પના પ્રમાણમાં
ઉચ્ચર્યા કશુંક—માનતો કવિ—
(પહોંચી જ્યાં પહોંચતો નથી રવિ):
માનવકુળના દુ:ખનો ભારો
મુમુક્ષુનું પાથેય;
ઊગરવું કે ના બચવું જગને,
ઉગારવામાં
...સાધકનું શ્રેય!
—એવી બાની
સાંભળ્યાની દેતો કવિ જુબાની.