પુનરપિ/6

From Ekatra Foundation
Jump to navigation Jump to search


6

કુંભ તણા મેળાની વચ્ચે
પ્રશાન્ત ચાલે એ એકાન્ત.
(ગભરુ બાળક ઊભું શાંત
કોનારકના સ્તન-તોરણ નીચે,
ને નિર્ભય, સ્નિગ્ધાહૃદય.)
ના પરવા ગિરિની મહમ્મદને,
પરવત આવે મહમ્મદ પાસ.
ત્યજી હિમાલય
ગુફા પધારે ઊભી બજારે,
બનવા એને ગર્ભાલય
લશ્કર જ્યાં જ્યાં નાખે પડાવ.
ક્ષિતિજસમ સૂત્ર જે પથિક તે ગ્રહે બિસ્તરો;
ઊર્ધ્વધર યાત્રીને ખંભે લપેટી રહે
હિમાલય તણી ગુફા.
ચઢણ સાંકડું, પગથિયાં ગ્રહોનાં કરી
જાવું સૂર્ય સાથે ભળી.
ગંગાકિનારે બેસનાર ના આ અલગારી;
મઢુલી કોઈ ન લપાઈ જંગલમાં કે ઝાડી.
હજાર નયનો તણી ગરમ બત્તીઓની તળે
સુવાડતો પ્રાણને
...અંતરની ગુફામાં.