પુનરપિ/7


7

કોણ ચાલે એની સાથ?

જાણતો ના એ; જાણવા કાજે કર્યું ન ક્યારેય મન.
લશ્કર સાથે હોય ભવાયા, નાચનારીનાં તન;
હીંડતા યોગીનાસરઘસમાંયે!
વરદ પગલાં ખોદનારો એ, આંખમાં પુરાતત્ત્વ,
જોવાનું ના મમત્વ —
કોણ છે એની પાંખમાં? શાને? ક્યાંથી પછાડી?
—આંખ ઊંચી કરી, આંખ ઉઘાડી.
રામના ઘેનમાં સાધું:
કેફ પોતાનો
કોને ચડાવતો જાય? એને ક્યાંથી પરખાય?
અનુયાયીઓનો કાફલો, એનો કરવો ના અનુસાર;
પૂજાતો સાતે વાર. કાલીને બકરા કેરું રક્ત
રોજ ચડે પણ ક્યાંય અડે નહિ: કાદવ જેનો ભક્ત
અંત્યજ એવો પંકજ જેવો.
અખબારીની આંખે ચડ્યાં આ: —-
મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય:
(શિવનો નંદી ટાણે કટાણે નહીં ખાવાનું ખાય!)
ને બ્રહ્મચારીની આંખથી છટક્યું...
અંતરાળમાં ચુંબન બટક્યું:
રાણીના ભેખની સાદગી શી ખરચાળ!
ત્યજ્યા રાજાને, વેગળાં કીધાં જેવર કોહીનૂર,
ભક્તિને કાપડે જોબન બાંધ્યાં, નૈવેદ્યના બે દ્રોણ;
કસ ન તૂટશે નાથના સાદે,
કસ ન તૂટશે જબતક ના’વે કૃષ્ણના બંસી સૂર:
ભાવિક એક હજાર તણી વણજાર:
દર્શકથી દર્શનો વધારે;
દર્શને દર્શને મોટો દેવ થતો;
વાંચને વાંચને ગીતા-પ્રકાશ વધતો જતો;
વોંકળાથી જેમ ગંગા થાય:
ભાવિક એક હજાર તણી વણજાર:
વચમાં વચમાં રેડિયો એનું નામ કરે હરાજ
પેટના ખાડે બાજરો નાખવા, દુ:ખીને દેવા ઘર,
લૂંગડાં દેવા હામવિનાને ચામડી જેનું થર,
ખેતર દેવા ખંત છે જેને પણ ના જેને ભૂ;
કોઈ ઉગાડશે ચીભડાં એમાં, કોઈ ઉગાડશે રૂ.
પણ યોગી ન અખબારી.
એ પોતે છે અખબાર પાતળા વાંકળા પગથી ચાલતું.
કોઈ છો એનું નામ વટાવે,
કોઈ છો લેતું વળ,
ન જાણવા જેવું જાણવા માટે દિલમાં ક્યાં છે સ્થળ?
—-ત્રણ વાંદરા કેરી કળ!
જાગતા સંત્રીની એક જ પાંપણ
જાણીને આડી જાય:
જેમ બ્રહ્મ-લીલામાં થાય
પ્રેમના ભારે આંખમીંચામણાં:
જેમ શિવ શાહમૃગતા ત્રીજી આંખ
દેવા મનુને, મનુજને દયાની પાંખ!