પુનશ્ચ/આ મારી જાતનું શું કરીશ ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આ મારી જાતનું શું કરીશ ?

આ મારી જાતનું શું કરીશ ? મેં જે પ્રેમ કર્યો એ પ્રેમનું શું કરીશ ?
હું પ્રેમમાં પાગલ તે આટલે દૂર આવી, હવે પાછી કેમ ફરીશ ?

પ્રેમમાં મેં જે કૈં કહ્યું ને જે કૈં કર્યું, જાણું નહિ એનો શો અર્થ હશે,
એ સૌ હવે વજ્ર જેમ લલાટે જે લખ્યું, એ શું હવે કદી વ્યર્થ થશે ?
આ મારી જાત જેણે પ્રેમ કર્યો, એના પર હવે કેવું ધ્યાન ધરીશ ?
સપત્નીની જેમ એ તો સદા સાથે રહેશે, એને હવે કેમ હરીશ ?

હું આયુષ્યની અધવચ આવી છું, હવે નવા આરંભની વય નથી,
જીવનના આરંભનો પ્રથમ જે પ્રેમ, એ પ્રેમનો કદી ક્ષય નથી;
એક દેહમાં બે જીવ ? એક ભવમાં બે ભવ ? હું હવે કોને વરીશ ?
એકાન્ત ને એકલતાને વરીશ, એમાં જીવીશ ને એમાં જ મરીશ.

૨૦૦૭