પુનશ્ચ/એકાન્ત અને એકલતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એકાન્ત અને એકલતા

એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં
ક્યાંક રસ્તે જતાં જતાં
અચાનક જ એકમેકને મળી ગયાં
ને માન્યું કે પરસ્પરનાં હૃદય હળી ગયાં.
માન્યું કે હવે એમનાં એકાન્તની બાદબાકી થશે
(પણ જાણ્યું ન્હોતું અંતે બન્ને થાકી જશે.)
ને માન્યું કે હવે એમની એકલતાનો ભાગાકાર થશે
(પણ જાણ્યુ ન્હોતું કે અંતે બન્નેની હાર થશે.).
માન્યું કે હવે બન્ને બે જલબિન્દુની જેમ પરસ્પરમાં ભળી જશે,
પછી કદી છૂટાં ન થાય એમ એકમેકમાં છેક મળી જશે.
પણ અંતે એ બન્નેનાં એકાન્તનો સરવાળો થયો,
(હવે જાણ્યું કે જીવનમાં માત્ર કંટાળો રહ્યો.)
ને અંતે એ બન્નેની એકલતાનો ગુણાકાર થયો,
(હવે જાણ્યું કે સંબંધમાં ન કોઈ સાર રહ્યો.)
પૂર્વે એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં,
પણ હવે છે એવાં એકાન્તમાં અને હવે છે એટલાં એકલાં ન’તાં.

૨૦૦૭