પુનશ્ચ/પ્રતીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રતીક્ષા

મારાથી બે મોટાં બા-બાપુજી ગયાં,
મારાથી નાના બે ભાઈઓ પણ ન રહ્યા;
તો હું જ શા માટે જીવતો રહ્યો હોઈશ ?
મૃત્યુએ મને ય શા માટે ન ગ્રહ્યો ?
મૃત્યુએ મને જ શા માટે અસ્પૃશ્ય લહ્યો ?
એંશી તો થયાં, હવે અંત ક્યારે જોઈશ ?
મૃત્યુને પૂછું ? એ તો ક્યારેય નહિ બોલે,
મૃત્યુનું તો મૌન, એ મોં ક્યારેય તે નહિ ખોલે.

પ્રેમ મળ્યો, મૈત્રી મળી,
એમાં થોડીક કવિતા પણ ભળી;
જગતે આપ્યું મારે જોઈએ એથી વધુ,
જીવને આપ્યું મારી પાત્રતાથી યે કૈં વધુ, કેટલું બધું !
હવે ભાવ કે અભાવનું કોઈ ભારણ નથી.
હવે જીવ્યા કરવાનું શું કોઈ કારણ નથી ?
આ આયુષ્યની અવધ કોણે આંકી હશે ?
હજુ કશું બાકી હશે ?

કારણ જો હોય તો એક કાળપુરુષ જાણે,
બાકી કશું હોય તો માત્ર વિધાતા જ પ્રમાણે,
પણ એ આગોતરું કશુંય ન કહેશે,
આછો અણસારો ય ના’વે એમ અકળ જ રહેશે;
એ તો જેમ જેમ જીવ્યા કરો તેમ તેમ બોલે,
એ તો ક્રમે ક્રમે રહસ્યો સૌ ખોલે;
ભલે ! તો હજુય તે જીવ્યા કરું, કરી રહું તિતિક્ષા;
ભલે ! તો આયુષ્યના અંત લગી કરી રહું પ્રતીક્ષા.

રોકી હિલ,
૨૫ ઑગસ્ટ ૨૦૦૬