પુરાતન જ્યોત/૬. મુનિવર મળ્યા મુનિવરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. મુનિવર મળ્યા મુનિવરા


કચ્છથી જેસલ ઉમાવો જી રે
મેવાડ માલો આરાધે;
મુનિવર મળ્યા મુનિવરા,
ભોમિયા દોતું આગે;
એડો રે ઉમાવો જાડેજા કરી મળો,
મારા ભાઈલા! ભાવે મળે હો જી!

માલે જેસલને પૂછ્યું,
આપણે હોઈ ઓળખાણું;
હાથે પંજો દૈ દૈ મળ્યા,
ઈ તો સાધુની સાનું. — એડો રેo

ધીરે જોત્યા ધોરી તમે,
કૂવે કડવાં પાણી;
આરાધે અમૃત હુવાં,
ઈ તોળલ કાઠિયાણી. — એડો રેo

સાવ સોનાની ગરુની બાળંગી
તેમાં રૂપાંદે રાણી;
માગ્યા માગ્યા મે વરસાવિયા
ઈ માલા ઘેર આણી.—એડો રેo

જેસલે વાવી પારસ પીપળી
માલે વાવી જાળ;
પાંડુ પિયાળે પરઠિયું
ડાળ્યું વરમંડે જાય. — એડો રેo

*

કચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબપંથા મારગ પર એક જ ઠેકાણે બે એકલવાયાં ઝાડવાં આજ પણ લીલાંછમ લહેરાય છે. એક પીપળી છે ને એક જાળ્ય છે. બાજુમાં એક વીરડો છે. વીરડામાં અખંડ જળઝરણું વહે છે. માણસનું મોત નિપજાવે એવા એ રણનાં કડવાં પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતની કેડે જીવન કોણે સરજાવ્યું? કહે છે કે એક દિવસ ત્યાં ચાર માનવીઓનો મિલાપ થયેલો. નરનારીનાં બે જોડલાં અંતરિયાળ ઓચિંતાં મળ્યાં હતાં. "રામ રામ!” "રામ!" "ક્યાં રહેવું?" "રહેવું મારવાડમાં." "આમ શીદ ભણી?" "કચ્છ ધરામાં જાયેં છયેં. ત્યાં જેસલ પીર અને સતી તોળી નામના બે સંતો થયાં છે એમ સાંભળ્યું, ને મન થયુંકે દીદાર તો કરી આવીએ." "તમારે ક્યાં રહેવું?" મરુ ધરીના માનવીએ પૂછ્યું. "અમારે રહેવું કચ્છ ધરામાં. મેવાડમાં માલદેવજી અને રૂપાંદે નામે બે સંતો વધે છે તેની સુવાસ સાંભળીને મને થયું કે મિલાપ કરી આવીએ." સામેનાં બે સ્ત્રીપુરુષ પ્રવાસીઓએ પણ સહેજ મોં મરકાવ્યાં. બન્ને મુસાફરોએ પંજા લંબાવ્યા. સામેના બન્નેએ પણ પંજામાં પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની સાન હતી. પંજાના મિલને જ પરસ્પરની પિછાન દીધી. ચારમાંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી. "જેસલ પીર! સંત માલદેવજી!" તોળલે હસીને કહ્યું : "તમ સરીખા દોનું નર આંહી મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા. આવા મેળાપનું સંભારણું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જૂદા પડશો ને!" "આંહી રણમાં શું સંભારણું રાખીએ, હે તોળલ સતી!" "પૂછીએ રૂપાંદે રાણીને." રૂપાંદે બોલ્યાં : "હરિનાં જન મળે તેમાંથી જગતને લાભ જડે, ભૂખ્યાંદુખ્યાં માનવીઓનો આશરો બંધાય, એવું કંઈક સંભારણું." "આ ધરતીમાં વટેમાર્ગુ અને પંખીડાં જુગોજુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાવ જેસલજી ને માલદેવજી!” તોળલે કહ્યું. “તમે જ કહો.” "જળ અને ઝાડવાં.” પછી ચારે જણાંએ રણની ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કાંટા નિહાળ્યા અને રેત ખોદી. રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેઉ ખોદતા ગયા, સ્ત્રીઓ બેઉ ગાળ કાઢતી ગઈ. અને પછી ભેળો એકતારો હતો તે બજાવી ચારે જણાંએ આરાધ ગાયો. જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. બે ઝાડની ત્યાં રોપણક્રિયા કરી. જેસલે વાવી પીપળી ને માલે વાવી જાળઃ એનાં મૂળ પાતાળે ગયાં, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંત! આજે સૈકાઓ વીત્યા. પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે, એ ઝાડજોડલીની છાંયે પોરો ખાય છે. પશુ ને પંખીઓની પણ ત્યાં તૃષા છીપે છે.