પુરાતન જ્યોત/૮
"મારી ઘેાડી પર પલાણ મંડાવો.” કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ પરબવાવડી જગ્યાને માર્ગે ચડી ગયાં. સીમાડો વટાવ્યો કે તરત જ આગળની ગમથી શબદ બોલ્યો : ‘સત દેવીદાસ!' ‘સત દેવીદાસ!' અંધકાર હોય છે ત્યારે શબ્દો પણ દેહધારીઓ બનતા દીસે છે. કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે, કોઈ ફૂંફાડતો સાપ બને છે, કોઈ કલ્લોલતા પક્ષીનો આકાર કાઢે છે. કોઈ સખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો લાગે છે. તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઊઠે છે. અમરબાઈનો બોલ અંધકારમાં કોઈ બચ્ચું શોધતી છાળી (બકરી) જેવો લાગ્યો. “આ જાય! હાંક્યે રાખો!” કહીને કાઠીરાજે ઘેાડીને જરાક ડચકારી. બેઉ ઘોડીઓના ડાબલા ગીરકાંઠાની કાળી પોચી ભોમ ઉપર બોદા અવાજ કરતા હતા. ફરીથી અવાજ એટલો ને એટલો આગળ સંભળાયો : ‘સ . . . ત દેવીદા . . . સ!' "હં, આ રહી. કરો ઝટ ભેળાં.” કહીને કાઠીરાજે ફરીથી ઘડીને ડચકારી. લગામને સહેજ જ ડોંચી. તેજીલી ઘોડીને પુરપાટ રેવાળની ચાલમાં નાખવાને માટે આટલે ઈશારો જ બસ હતો. અંધકારમાં ઘેાડીઓ સન્મુખ, ડાબી ગમ ને જમણી બાજુ વારંવાર કાનોટી માંડીને તાકતી જતી હતી. ને ઘોડીની આંખની તાક પધોરે બન્ને અસવારો પણ પોતાની ઝીણી આંખને ખેંચતા હતા. ડાબી બાજુએ સતવાળી નદીમાં દેડકાંની દુનિયા ગાનના જલસા કરી રહી હતી. તી! તી! તી! અવાજ કરતું કોઈ કોઈ બગલું એક ઠેકાણેથી ઊડી બીજે ઠેકાણે બેસતું હતું. માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતી હતી. હૈયાનાં ઘાસનો કેડ્ય કેડ્ય સમાણો જથ્થો ડાકુઓના જૂથની જેમ નદીનાં નીરને દબાવી સૂનમૂન ઊભો હતો. ‘આ તે શું?' કાઠીરાજને જીવનમાં બહુ થોડાં જ વિસ્મયો માંહેલું એક વિસ્મય થયું : ‘આટલી બધી એના પગની ઝડપ! ક્યારુની ઘેાડાં મોર્ય ચાલી જાય છે. દોડતી હશે શું? કે આડીઅવળી તરી ગઈ હશે?' જવાબમાં ધ્વનિ સંભળાય : ‘સત દેવીદાસ!' 'આ રહી નજીક જ, એવા ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડીને દબાવી. ઘોડી રેવાળની ચાલમાંથી બાદડુકમાં ગઈ. અર્ધા ગાઉની એક દોટ પૂરી કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલે પછવાડેથી સંભળાયો: ‘સત દેવીદાસ!' 'વાંસે વળી ક્યારુકની રોકાઈ ગઈ, ગો...!' 'ગોલકી’ શબ્દનો ઉચ્ચાર ફરી એક વાર અધૂરો રહ્યો. અસવારો થંભ્યા, સારી પેઠે વાર થઈ. કોઈ જ નહોતું આવતું. 'ગઈ કયાં?' એ પ્રશ્નનો ઉત્તર દેતો ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઊઠ્યો : ‘સ...ત દેવીદાસ!' અવાજની એ સંતાકૂકડીની રમત સારી પેઠે ચગી ગઈ, કાઠીના દિલમાં જે એક મધુરી અધીરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ. એને રોષ ચડ્યો. એ ચતુર વર્ણનો પુરુષ, દોંગાઈ જેને એક વિદ્યાની માફક વરી છે એવી, જગતનાં કાંઈક હાટ-બજારોમાં ભ્રમણ કરતી સોરઠ ધરામાં ઊતરેલી કાઠીજાતિનો એ જાયો, પહેલી વાર ભોંઠો પડ્યો. વધુ દાઝ તો એને એટલા માટે ચડી કે પોતાને થાપ આપનાર એક સ્ત્રી હતી, એક વેરાગણ હતી. 'મેલી વિદ્યાને સાધી હશે ગો ... એ? પાંખો કરીને વિદ્યાધરીની જેમ ઊડતી હશે?' ગુંદાળીધાર વટાવી. પીપળિયું પણ પાછળ મૂક્યું. ધીરો એક દીવો ટમટમ્યો, ને ફરી વાર ત્યાં ધ્વનિ થયો. પગના ધબકારા પણ બોલ્યા: ‘ઓ જાય! પણ આ તો એની જગ્યા આવી ગઈ! બચી ગઈ.' ઘોડીઓ જ્યારે જગ્યાની નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી. તારામંડળના તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો. એણે મીઠો અવાજ કર્યોઃ “સત દેવીદાસ! કોણ છો બાપુ?" “મુસાફરો છીએ.” "કેટલેક જાવું છે?” “જાવું'તું તો બીજે, પણ રસ્તો ભૂલ્યા છીએ.” "કાંઈ ફિકર નહીં બાપા, રસ્તો ભૂલેલાંને માટે જ અહીં વિસામો છે." "કયાં?” “સંત દેવીદાસની ઝુંપડીમાં. આવશો?” અસવારોને ભાવતું હતું તે જ જડી ગયું. “ભલે.” "ચાલો બાપ.” અમરબાઈએ કાઠીરાજની બન્ને ઘેાડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પૂછ્યું : “પછવાડે ઘેાડાં દોટાવતા દોટાવતા કોણ તમે જ આવતા'તા ભાઈ?” "ક્યાં? ક્યારે? ક્યાંથી?” કાઠીરાજ થથરાયો. “ઠેઠ બગેશ્વરને સીમાડેથી.” "કોઈક બીજા હશે.” “જે હો તે હો ભાઈ પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડામાં. અંધારે ગોતતાં કાંઈ ભાળ મળે નહીં ને? ભેળો ભોમિયો નહીં હોય. ને પાછું આ ગો ગીરનો વગડો વીરા! ઘોડાં તૂટી જાય. હશે! કોઈ બચાડા અતિ વહાલી જણશની ગોતમાં જ નીકળ્યા હશે ને!” એટલું બોલીને અમરબાઈ એ પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હયો, ઝાંખો દીવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યાં. “ઊતરો બાપ!” કહીને અમરબાઈ એ ઘેાડીને થોભાવી લીધી. કાઠીરાજ નીચે ઊતર્યો ત્યારે એનું દેહપરિમાણ સ્પષ્ટ દેખાયું. સૂરજમુખો : પાતળા સોટા જેવું : સિથિયનોનો વારસ : આભે રમતું મસ્તક : આજાનબાહુ : જેના પૂર્વજોએ હિમાલયના અભેદ્ય પહાડવાળા વીંધી પંચસિંધુને તીરે મેખીઓ ચરાવી : જેની માતાઓ યુરોપની સંસ્કૃતિમાંથી રાચરચીલાની, ગૃહશોભાની ને દેહસૌન્દર્ય સમજવાની કળાએ લઈ હિન્દમાં ઊતરી : જેની પત્નીઓએ છેક પંજાબમાંથી નીકળી સોરઠમાં ઊતરતાં પણ સંગાથે પોતાનાં લંબસુરીલાં લોકગીત હૈયાની દાબડીમાં સંઘરી રાખ્યાં : જેના પિતૃઓએ કોમના રંક તેમ જ રા’ને એક જ પંગતે જમાડનારી તેમ જ એક જ હાકે ઘૂંટ લેવાની પરજપરંપરા સ્થાપી : જેના રણશૂર વડવાને સૂર્યદેવે થાન પાસેના ડુંગરાની એક જાળ પાસે હાથોહાથ સાંગનું શસ્ત્ર બંધાવ્યું : ને જેની કોમે સોરઠમાં અઢાર તાંસળીઓ (કોમો) વચ્ચે રોટીબેટીના વ્યવહાર સ્થાપ્યા. એવી એક બહુરંગ જાતિનો રૂપાળો રસીલો જુવાન જે વેળા ઘોડીએથી ઊતર્યો તે વેળા વીસેક જીવતાં માનવકલેવરો જગ્યાના ઓટા ઉપરથી ચીંત્કાર કરી ઊઠ્યાં. “મા, તમે આવ્યાં! ઝટ હાલેને મા? બહુ ભૂખ લાગી છે, પેટમાં લાય લાગી છે.” ત્યાં બીજું રોગી બેલી ઊઠ્યું : “મા તમ વિના ગમતુંય નો’તું.” ત્રીજાએ કહ્યુંઃ "દેવીદાસ બાપુને ઓચિંતાનું ગામતરું આવ્યું ને અમે સાવ એકલાં પડી ગયાં, રાજના સપાઈસપરા કાંઈ હાકોટા કરી ગયા, માડી!” “બાપુ ગામતરે ગયા? ક્યાં ગયા?” અમરબાઈ એ ઝોળી ઉતારતાં ઉતારતાં પૂછ્યું. “જૂનેગઢ તેડી ગયા. તલવારુંવાળા દસક જણ આવ્યા'તા.” કાઠીરાજ એ વખતે પરસાળ પર ચડતો હતો. એ પોતાના સાથી તરફ ફર્યો. એનો હાથ સહેજ એની ઝીણી મૂછો ઉપર ગયો. દીવાની જ્યોતને કોઈ એ જાણે ચાબુક ફટકાર્યો હોય ને, તેવી રીતે એણે મરોડ લીધો. અમરબાઈને આજે પહેલી જ રાત દેવીદાસ વિનાની હતી. એના હૃદયમાં પહેલી વાર એક ઊંડી ફાળ પડી. દેવીદાસ નથી, અને એક જોબનજોદ્ધ પરપુરુષ અહીં રાત રોકાશે. શું થશે? નિત્યના નિયમ પ્રમાણે પંગત બિછાવીને વચ્ચેવચ અમરબાઈએ ઝોળી ઠાલવી, ત્યારે અતિથિઓએ ઝીણી નજરે એ અન્નની ખબર લીધી. પણ એ ખબર અધૂરી હતી. અધૂરી માહિતીને અમરબાઈ એ આ રીતે પૂરી કરી. ઝોળીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વ જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી હતી કે, “હારનાં બાળ! આ રોટી રામપરના ગામોટ-ઘરની : આ રોટલો ઘંટિયાણ ગામના ભરવાડનો દીધેલઃ આ બગેશ્વરના ચમાર-ઘરનું બંટીનું ધાનઃ અને આ એક રોટલો —" એણે રોટલાને ઊંચો કરી વધુ ચીવટથી તપાસ્યો. "હરિનાં બાળ! આ એક રાજદરબારી રોટલો છે. એમાં હું કીડા ખદબદતા દેખું છું. કારણ કે એ રોટલાની ઘડનારીને મેં આજ નજરે દેખી. એના એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા. મેં પૂછ્યું કે ‘આઈ લમણાની લટો ક્યાં?’ એણે કહ્યું કે ‘બળી ગઈ.' મેં પૂછ્યું, ‘શી રીતે?' એ કહે કે, ‘ચૂલે રોટલા કરતાં કરતાં!' મેં પૂછ્યું, ‘એમ કેમ બળે?' એ કહે કે, ‘ઝોલું આવી ગયેલું. રાતના ત્રીજે પહોરે દરબાર ડેલીએ દાયરો ભરીને કસુંબા ને દારૂની મેફલ કરતા'તા. મે'માનોને રોટલા ખવરાવવાનું બાકી હતું.' “હરિનાં બાળ! આ રોટલો ચમારના ધાન કરતાં ઊતરતો છે. એ આપણે નહીં ખાઈ શકીએ. એ આપણને જરશે નહીં. એ તો સમાશે આપણી ગવતરીના જ ઉદરમાં. “હરિનાં બાળ! આજ આપણે જમવા પહેલાં એ કાઠીરાણીનાં દુઃખને સંભારીએ. કહો સહુ, કે ભગવાન એનું ભલું કરજો!” સહુએ કહ્યું : “ભગવાન એનું ભલું કરજો” પછી જમવાનું શરૂ થયું. પરસાળમાં બેઠેલા મહેમાને આ આખો પ્રસંગ સળગતાં સળગતાં સાંભળ્યો. પણ કિન્નાને માટે એની પાસે આખી રાત પડી હતી. એણે સાંત્વન ધર્યું.