પુરાતન જ્યોત/૮. સમાધ
બીજ દિન થાવરવાર,
વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.
દીપૈયા વેલડિયું શણગાર,
દિન ઊગ્યે મંડપ મા'લીએં જી.
દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ!
અમારે જાવા મંડપ મા'લવા એ જી.
કૂંચિયું કાંઈ રાજદરબાર,
દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.
તોરલે કીધો અલખનો આરાધ,
વણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી.
ગત્ય-ગંગા કરું રે પરણામ :
તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.
જેસલને ઘેરે કાંઈ કામ,
અમને વળાવી પીર પાછા વળ્યા એ જી.
પૂછું હવે પંડિત વીર,
જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.
સતી તમે જાણુસુજાણ,
સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી..
સતીએ સોનૈયો મેલ્યો પાટ
મોતીડે અલખ વધાવિયા એ જી.
દીપૈયા વેલડિયું શણગાર,
દન ઊગે અંજાર પૂગિયે એ જી.
ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ.
ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.
પૂછું તને ગોવાળીડા વીર,
જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.
સતી તમે જાણુસુજાણ,
જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.
ઝાંખી દીસે ચોરાની ચોપાટ,
ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.
ધરતી માતા દિયો હવે માગ,
અમારે જેસલને છેટાં પડે રે જી.
સાધુ ચાલ્યા કાશી ને કેદાર.
સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.
[અર્થ: બીજનો દિવસ અને શનિવારઃ એના ઉત્સવમાં જવા માટે વાયક (નિમંત્રણ) આવ્યાં. એ ભાઈ સારથિ દીપૈયા! વેલ્યને શણગાર. રાતેરાત પહોંચવું જોશે. દિવસ ઊગતાં જ મંડપમાં પહોંચી જઈએ. (પણ મારવાડ દેશ દૂર હતું, રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા.) હે ભાઈ દરવાન, દરવાજા ઉધાડ. દરવાન કહે કે કૂંચી તે રાજદરબારમાં છે. તાળાં તો હવે સવારે ઊઘડશે. એટલે તોળલે અલખની આરાધના ગાઈ, તાળાં ઊઘડી પડયાં. ઉત્સવમાં પહોંચીને પાટમાં બેઠેલા ભક્ત-સમૂહને કહ્યું: હે ગત્ય-ગંગા! પ્રણામ કરું છું. સમુદાયે પૂછયું : હે સતી, જેસલજી ક્યાં? હે ગત્ય-ગંગા! જેસલજીને ઘેર કામ હતાં. પછી તોળલે જોયું કે પાટની જ્યોત ઝાંખી ઝાંખી બળવા લાગી. હે ભાઈ! જ્યોત ઝંખવાય છે કેમ? જવાબ મળ્યો, હે સતી! તમે તો ચતુર સુજાણ છો. સમજી જાઓ. અંજારમાં જેસલજી સ્વર્ગપ્રયાણ કરી ગયા! તોાળલે તુરત પાટને વધાવી લઈ ફરી વેલ્ય સજ્જ કરાવી. માર માર વેગે રાતોરાત પંથ કાપી પ્રભાતે અંજાર પહોંચ્યાં. ગામનાં ઝાડપાંદ ઝાંખાં જોયાં. મંદિરમાળિયાં નિસ્તેજ દીઠાં. સીમના ગોવાળને પૂછયું : હે વીરા! જેસલજીને સમાત લીધે કેટલો કાળ થયો? હે સતી! ચોથો દિવસ થયોા. હાય રે હા હા! પૃથ્વી માતા! મારગ દ્યો, મારે ને એને છેટું પડી ગયું.] થાનકમાં પહોંચી. માણસો ચુપચાપ ઊભા હતા. જેસલજી નહોતા. કોઈને પૂછી ના શકી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધ દીઠી. સમાધને કાંઠે અબીલગુલાલ ને લોબાનના ધૂપ દીઠા. કેટલાય લોકોની આંખોમાંથી પાણી પડતાં હતાં. જેસલે લીધેલી એ સમાધ હતી. પછી ધૈર્ય ધરીને પોતે ઊભાં રહ્યાં. સેવકોને કહ્યું : “તંબૂરો લાવો. મંજીરા લાવો.” હાથમાં એકતારો ઈને તોાળલ ઊભી થઈ સમાધ ફરતી પ્રદક્ષિણા કરતી, નૃત્ય કરતી, બજાવતી એ ગાવા લાગી : જાગો! ઓ જાડેજા જેસલ! તમારાં આપેલાં – સાથે સમાત લેવાનાં વચન સંભારીને વહેલા જાગો, વચનને ચૂકનાર માનવીને મુક્તિ નહીં મળે, ચોરાશીના ફેરામાં ભટકવું પડશે! જાગો જતિ! જાગો! –
જાડેજા રે, વચન સંભારી વે'લા જાગજો!
વચન ચૂકયા ચોરાશીને પાર... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, સો સો ગાઉ જમીં અમે ચાલી આવ્યાં રે,
આવતાં નવ લાગી વાર... જાડેજા હો!
એકવીસ કદમ ઠેરી રિયાં રે,
અમારા શિયા અપરાધ.... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, તાલ તંબૂરો સતીના હાથમાં
સતીએ કીધો અલખનો આરાધ; જાડેજા હો!
જે દી બોલ્યા'તા મેવાડમાં
તે દીનાં વચન સંભાર... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, મેવાડથી માલો રૂપાંદે આવિયાં,
તેદુનાં વચનને કાજ;
ત્રણ દા'ડા ત્રણ ઘડી થઈ ગઈ;
સૂતા જાગો રે જેસલ રાજ!... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, માલો પારખ રૂપાંબાઈ પેઢીએ,
હીરા હીરા લાલ પરખાય;
નૂગરાં સૂગરાંનાં પડશે પારખાં;
વચન ચૂક્યો ચોરાશીમાં જાય... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, કાલી કે'વાશે તોરલ કાઠિયાણી,
મૂવા નરને બોલ્યાનાં નીમ;
ધૂપ ધજા શ્રીફળ નહીં ચડે,
આવ્યો ખરાખરીનો ખેલ... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, આળસ મરડીને જેસલ ઊઠિયા,
ભાંગી ભાંગી ભાયુંની ભ્રાંત;
પેલાં મળ્યા રૂપાં માલદેને,
પછી કીધી તોળલસેં એકાંત... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,
મોડિયો મેલ્યો સતીને માથ: જાડેજા હો!
કુંવારી કન્યાએ વાઘા પે'રિયા હો જી
લાગી લાગી વીવાની ખાત... જાડેજા હો!
વચન સંભારી વેલા જાગજો!
જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યાં હે જી
નદિયું સમાલ્યું ગળાવ... જાડેજા હો!
સહુ રે વળાવી પાછા વળ્યાં રે,
નવ વળ્યાં તોળાંદે નાર... જાડેજા હો!
વચન સંભારી વે'લા જાગજો!
એ જેસલ જાડેજા! કોલ આપેલ તે યાદ કરજો. મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું. અને આજે રિસાઈને ચાલી નીકળ્યા. મેં સો સો ગાઉની મજલ કેમ કાપી તે તો વિચારો! મારો એવો શો અપરાધ થયો જેસલજી! જાગો, જેસલ પીર! સૂતા છો તે જાગો. નહીં તો આપણે નોગરાં (ગુરુ વિનાનાં, અજ્ઞાની) કહેવાશું. નહીં તો કાઠિયાણી તોળલને લોકો કાલી (મૂરખી) કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની, કે આપણી સમાતને માથે પછી ધૂપ, ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા! જગતને પારખું કરાવો, કે આપણા જોગ નકલી નહોતા, આપણા નેહ તકલાદી નહોતા, આપણા કોલ છોકરીઓના ખેલ નહોતા. આપણો આતમસંબંધ દુનિયાને દેખાડવાને નહોતે. જાગો જાડેજા! તોળલના પડકારા સમાધની માટીને કંપાવવા લાગ્યા. માટી એની મેળે સરકવા લાગી. શબદ, સંગીત અને નૃત્યની ત્રેવડી ચોટ લાગી, બ્રહ્મરંધ્રમાં રૂંધાઈ રહેલો જેસલનો પ્રાણ નાડીએ નાડીએ પાછો વળ્યો. જેસલ આળસ મરડીને ઊભા થયા. એણે મેવાડથી આવેલાં રૂપાંદે-માલદે જોડે પંજા મિલાવ્યા. ને પછી તોળલ સાથે એકાંત-ચર્ચા કરી. “જેસલ જાડેજા! બસ, હવે આપણે માટે એક જ વાત બાકી રહી છે. જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી લઈએ. લ્યો જેસલજી! આવતા ભવનાં આપણાં પરણેતર ઊજવી લઈએ.” તોળલે મસ્તક પર મોડિયો (પરણતી કન્યા માથે પહેરે છે તે) મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાઘા સજ્યા. બન્ને જણાંએ સામસામાં કંકુકેસરનાં છાંટણાં કર્યા. અને પછી નવી બે સમાધ જોડાજોડ ગળાવી. વળાવવા ગયેલાં બીજાં બધાંય પાછાં વળ્યાં, ન વળ્યાં એક તોળલદે. એ તોજેસલજીની સાથે સમાયાં.
પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા
જેણે દલડામાં ભ્રાંતુ નવ આણી રે
અલ્લા હો! જગમાં સીધ્યાં જેસલ ને તોળી
બીજ રે થાવરનો જામો રચાવિયો
ધણી કેરો પાટ મંડાણો રે હાં;
માજમ રાતના હુઆ મસંદા ત્યારે
ચોરી થકી ઘેર આવ્યા રે.
—અલ્લા હોo
તોળીને ઘેર જામો રચાયો રે હાં;
ત્યારે કાઠીડે કીધી કમાણી,
તોળી ઘોડી લઈ સોંપ્યાં ત્યારે
સાયબાને રાખ્યા સંગાથી રે.
—અલ્લા હોo
ચોવીસ વરસ સુધી ચોરિયું રે કીધી રે હાં;
ઘણાં જીવજંતને માર્યા;
ધોળાં આવ્યાં ત્યારે ધણીને સંભાર્યા
મંદિર પધાર્યા મોરારિ રે.
—અલ્લા હોo
આ કળજગમાં ત્રણ નર સિદ્ધા રે હાં
જેસલ [1] જેતો ને તોળી;
અંજાર શે'રમાં અજેપાળ સીધ્યા
તોરલે ત્રણ નર તાર્યા રે.
—અલ્લા હોo
બીજ હતું તે સાધુમુખ વાવરિયું રે હાં;
વેળુ વાવીને ઘેર આવ્યાં;
એકમન રાખી અલખ અરાધ્યો
સાચાં મોતી ઘેર લાવ્યાં રે.
—અલ્લા હોo
ઊંચા ઊંચા મોલ ને તે પર આંબ્ય નીર રે હાં;
નીચાં ગંગાજળ પાણી,
માલદે કોટવાળ ઉમા આરાધે
જેસલ તોળી નીરવાણી રે.
—અલ્લા હોo
- ↑ તોળલે ગર્ભ છેદીને કાઢેલા પુત્રનું નામ.