પૂર્વાલાપ/૧૮. અદ્વૈત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. અદ્વૈત


એક જ અવર્ણ્ય સત્ત્વ વ્યાપ્ત સર્વ વિશ્વ વિશે,
અવકાશ કાલથી અનંત જેવું ભાસે છે;
જ્ઞાન, પ્રેમ, દયાથી વા દૃષ્ટિજાડય દૂર થતાં,
ભિન્નત્વ પ્રતીતિ પણ સ્વલ્પ વારે નાસે છે;

અભેદની સાથે ઐક્યાનુભવ પ્રસંગોપાત્ત
અજ્ઞાત સ્વરૂપ છતાં સર્વ કોઈ પાસે છે;
પ્રમા વિષે સંશય વા અવિશ્વાસ લાવી જેઓ
તદ્રૂપ ન બને તેવા પછીથી વિમાસે છે!

દૂરત્વને દૂર કરી એક જ જણાય તેમ,
અનુરક્ત માતા બાલ હૃદય સમું ધરે :
શરીર જ ભિન્ન, નહીં અંશ, એમ સૂચવવા,
સખાઓ સખાઓ સાથ સ્નેહથી કોટી કરે;

અનુગ્રહ વા તો અનુકંપાની અવસ્થા વિશે,
મનુષ્ય અમાનુષને ઓળખે નહીં, ખરે!
પ્રેમથી થઈને મસ્ત, એકત્વ જાણી, કરીને,
યોગ્ય હૃષ્ટ, યુગ્મ રસસાગર વિશે તરે!

નવોઢા સ્થિતિમાં જ્યારે અજ્ઞ મૌગ્ધ્ય હતું, ત્યારે
એકત્વ વિશેની મારી પ્રાર્થના ન માનતી;
જડ દૃષ્ટિને જ માત્ર અનુસરનારી બાલા
તાત્પર્ય અભેદ તણું કશું નહીં જાણતી;

પ્રાબલ્ય થકી કદાપિ મારા ચિત્તનો આભાસ
પડે, ત્યારે જરા મારી ઇચ્છાને પ્રમાણતી ;
ક્ષણ એક દેખે, તોયે મૃગજલ જેવું ગણી,
એ જ સત્ય છે, એવું તો અંતર ન આણતી!

અધિક ગહન અન્ય વસ્તુઓનો અનુભવ
થતાં દૃષ્ટિ શુદ્ધતર ધીમેથી થતી ગઈ;
પોતે તો નહીં જ, પણ જ્યારે હું બતાવું ત્યારે,
“નહીં,” કહેવાની આગ્રહી મતિ જતી ગઈ;

સત્ય પ્રમા વિશે પછી અપૂર્વ આનંદ જોઈ,
પ્રથમ થવાની લજ્જા પણ તજતી ગઈ;
એકત્વનો અનુભવ આપવા થવાને માટે
નવાં નવાં સાધન રસાલ સજતી ગઈ!

વખત જતાં તો નહિ ભાષાની રહી જરૂર,
વૃત્તિઓ સમસ્ત ફક્ત આશ્લેષથી દાખવે,
પ્રેમ, ઉપકાર, હર્ષ, લજ્જા, ભય, ઉત્કલિકા,
સૂચિત કરે એ સર્વ અભિન્નત્વ રાખવે;

અસામાન્ય. ખૂબીને બતાવે કોઈ કોઈ વાર,
યોગ્યતાથી સ્વેચ્છા વિશે પરિચિત નાખવે;
જવને શમાવી, જરા અધૈર્ય નમાવી, પૂર્ણ
રસને જમાવીને સુધા સ્વર્ગીય ચાખવે!