પૂર્વાલાપ/૩૮. ગાનવિમાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૮. ગાનવિમાન


સખી! એ દૂર માનસનાં મને સપનાં ભાસેઃ
હવે થાક્યો બની લાચાર પલ્લવના વાસે!

વસ્યો વર્ષો ઘણાં : વર્ષો ઘણાં ધોયાં ગાત્રો :
ન પોષી પ્રાણને હાવાં શકું ઘરડે ઘાસે!

દૃગેદૃગ સ્નેહની તારા સમી ઝાંખું તારી :
નહીં પણ પાંખની શક્તિ હવે મારા શ્વાસે!

રહ્યું કર્તવ્ય પણ ના, જો! સલૂણો આકાશે,
તરે કલહંસ તારો નિર્મલે હસતો હાસે!

પ્રિયે! પ્રેરાય જો તવ દિવ્ય ગાનવિમાન હાવાં,
ગ્રહી ઊડી શકું, પ્હોંચું પછી ક્ષણમાં પાસે!