પૂર્વાલાપ/૫૧. વસંત પ્રાર્થના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૧. વસંત પ્રાર્થના


વસંત વનદેવતા! શુભ, સદેવ સત્યંવદા,
કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;
અને વનવને, અનેક ગિરિને તટે, સાગરે,
ભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો!

વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,
તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;
સખી સકલ જીવની! સદય દેવિ! સાષ્ટાંગથી
નમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :—

વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલને વિમલ ધર્મને પામજો!

વસંત વનદેવતા! શુભ, સદૈવ સત્યંવદા,
કરો વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા!
અને અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો
ભવો વનવને, અનેક ગિરિને તટે, સાગરે!