પૂર્વાલાપ/૯. સ્નેહશંકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. સ્નેહશંકા


વનોનાં વૃક્ષોને તરુણ વયમાં છેદ કરતાં,
જશે તે રુઝાઈ, ત્વચ નવ ફરી વાર ધરતાં;
જનોમાંયે તેવા જડ હૃદયમાં તેમ બનતું,
થતાં થોડી વેળા, ક્ષતરહિત પાછું થઈ જતું!

મને બીજાઓનાં નથી વચનની લેશ પરવા,
સદા ચિંતા જેવી અભિમુખ રહું વૃત્તિ હરવા;
વહું સ્વેચ્છાચારે જગત ભણી દૃષ્ટિ જ ન લહું,
બધે અવો તોયે પ્રિયજન સમીપે શિશુ રહું!

નહિ તેના શબ્દો કઠિન કદીયે થાય સહન,
જરા તેને શંકા મન મહીં કરે દુઃખ ગહન;
વિપત્તિમાં ક્યારે પણ નયન જે કૈં ન ડરતાં,
કહે થોડું તે, ત્યાં તરત જલ એ પૂર્ણ ભરતાં.

જનેતા ને ભ્રાતા! પ્રિયતમ સખા ને પ્રિયતમા!
જણાવું છું, મારે તમ વગર કોની નથી તમા;
નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો!