પૂર્વોત્તર/અસમ
ભોળાભાઈ પટેલ
સવાર છે. જાફુ પહાડની પડખેથી જાણે નીકળી ધુમ્મસ વિસ્તરતું જાય છે. સિલ્ક-શ્વેત મસૃણ ધુમ્મસ અહીંથી તો ઘણું દૂર છે, તેમ છતાં તેના હોવાનો એહસાસ નજીક છે. એનાં વિવિધ રૂપાયનો આંખને ગમે છે, એની મુલાયમતા ગાલને સ્પર્શે છે, એની નિ:શબ્દતાનો કાન અનુભવ કરી રહ્યા છે. થાય છે, કે હું અત્યારે એ પહાડની ટોચે હોત તો એ ધુમ્મસમાં ‘ડ્રાઇવ’ મારવાનું મન થઈ આવ્યું હોત….
હવા હજી ઠંડી છે, પણ આજે વાદળ નથી એટલે હમણાં જ તડકો નીકળશે અને તડકાની સાથે હું નીકળી પડીશ પાછા આગળને માર્ગે. નાગાલૅન્ડમાં હવે છેક અંદર થઈને પેલી મેરને માર્ગેથી અસમમાં ઊતરી પડવાનો પ્લાન બદલી નાખ્યો છે. અહીંથી હવે નાગાલૅન્ડના મેદાનોમાં આવેલા ડિમાપુરના માર્ગે અસમમાં પ્રવેશીશ. નાગાલૅન્ડના ઉંબરેથી બારોબાર વિદાય જેવું થશે, પણ અહીં જરૂર પાછો આવીશ; પરંતુ નાગાલૅન્ડ જે ઝડપથી કેટલાક પાછલાં વર્ષોથી બદલાઈ રહ્યું છે, તે જોતાં એના એ રૂપે જોવા ન પણ મળે. એ પણ સંભવ છે કે ફરી પાછી અશાંતિનો સળવળાટ શરૂ થાય.
આ કોહિમા ગમી ગયું છે. એ હંમેશાં ગમ્યા કરશે. તડકો નીકળ્યા પૂર્વેની ચમક વરતાવા લાગી છે. હમણાં પેલા પૂર્વ તરફના પહાડની ધારે સૂરજ ડોકાશે. હું તૈયાર થઈ જાઉં. કિશોરના મોટા પુત્રને ગઈ કાલથી તાવ છે. અહીં સવારમાં વિદાયની ઔપચારિકતા માટે આવવાની મેં ના પાડી છે.
ડિમાપુર રેલવે સ્ટેશન.
સવારના અગિયાર થયા છે. જોરહાટ તરફ જતો અસમ મેલ આમ તો બાર વાગે આવે છે, પણ આજે એક કલાક મોડો હોવાની હમણાં જ જાહેરાત થઈ છે. એટલે બે કલાક ડિમાપુર સ્ટેશને પસાર કરવાના છે. થોડોક વધારે સમય હોત તો સામાન ક્લૉક રૂમમાં મૂકી અંદની વસ્તીમાં જઈ આવત. સ્ટેશન પર અત્યારે સૌથી વધારે વસતી હોય તો તે મિલિટરીના સૈનિકોની છે. આ કાફલો ઊતરી પડ્યો છે. તેમની અને તેમના સામાનની અવરજવરથી સ્ટેશન ભર્યું ભર્યું છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલાં આ સ્ટેશન મણિપુરરોડ તરીકે ઓળખાતું. સ્ટેશન એવું કે ભાગ્યે જ એકલદોકલ પૅસેન્જર ઊતરી પડે તો પડે. અત્યારે તો ડિમાપુર નાગાલૅન્ડનું કોહિમા પછીનું બીજા નંબરનું શહેર છે, અને અનેક જાતના લોકો રહે છે. એક જમાનામાં આ નગર હિડિમ્બાપુર તરીકે ઓળખાતું. એ જૂની નગરીના અવશેષો હજી જોવા મળે છે, એમ વાંચ્યું છે. મારું મન એ ખંડેરો વચ્ચે ભમવા ઉત્સુક છે, પણ હું અહીં પડ્યો છું. આ વિસ્તારમાં રેંગમાં નાગાઓ રહે છે. તેમની વસ્તી પાંચ-છ હજારની છે. રેંગમાઓ એવું માને છે કે તેમના રાજા ડિમકે અહીં રાજ્ય કર્યું હતું એટલે આ સ્થળનું નામ ડિમાપુર પડ્યું છે. પણ ‘ડિમા’ શબ્દનો એક અર્થ કાછારી બોલીમાં નદી પણ થાય છે. એ રીતે પણ આ નામ હોય.
કોહિમાથી ડિમાપુર ૭૪ કિલોમીટર જ દૂર છે, પણ એ અંતર પણ લગભગ સાડાચાર હજાર ફૂટની ઊંચાઈએથી વાંકાચૂંકા માર્ગે નીચે ઊતરવામાં પૂરું થઈ જાય છે. જેવા નીચે આવી જઈએ કે જાણે આબોહવા તો બદલાય જ, આખો પરિસર બદલાયેલો લાગે. પહાડ એ પહાડ, મેદાન એ મેદાન, આપણે એ પહાડ પરથી મેદાનમાં આવીએ એટલે બદલાઈ જઈએ.
આ ૭૪ કિલોમીટરની અવતરણયાત્રા રમ્યમાર્ગે થઈ હતી. કોહિમાથી ડિમાપુર જવા યાતાયાતનાં સાધનોનો અભાવ નથી. પૅસેન્જર બસો, લક્ઝરી બસો દોેડે છે. મને એક ચારચાર પૅસેન્જરો લઈને જતી ટેક્સી મળી ગઈ. આખો રસ્તો પહાડો વચ્ચેથી, પણ આ પહાડ કાશ્મીરના પહાડ જેવા નથી. અહીં દેવદાર જાતિનાં ઊંચાં ઝાડ નથી. કેટલાંક ઝાડ નાના નાના છોડવા જેવાં છે. નાગા લોકોની ઝૂમ ખેતીરીતિને કારણે પણ હોય. વળી આ પહાડો કાચી માટીના હોય અને હજી બરાબર ચોંટ્યા ન હોય એવા કેટલેક સ્થળે છે. વરસાદ પડે એટલે ઘણે સ્થળે ધોવાઈ જાય. લૅન્ડસ્લાઇડની બીક સતત રહે; એટલે રસ્તાઓ વારે વારે વરસાદમાં ખલાસ થઈ જાય છે.
વરસાદની ઋતુ તો હજી હવે શરૂ થવાની હતી, એટલે રસ્તે જે ઝરણ આવ્યાં, તે બધાં ક્ષીણધાર હતાં. ગઈકાલે જ વરસાદ હોવાથી ભીના પહાડો ગમતા હતા. રસ્તામાં નાનાં ગામ આવતાં જાય, પણ એવું લાગે કે નાગાલૅન્ડ કોઈ ઍક્ઝોટિક પછાત મુલક જરાયે નથી. કદાચ આવા રાજમાર્ગો પરનાં ગામ જલદીથી ‘સભ્ય’ સમાજની અસર નીચે આવી જતાં હોય છે.
રસ્તે વાંસની જાતની વેતસલતાઓ અનેક આવે. નેતર, વેત્ર. તેની લીલી પાણેઠ સાથેની સોટી એકદમ ઉપર જઈ એકદમ ગોળાકારે વાંકી વળી ઝૂકી પડી હોય અને પવનમાં ઝૂલી રહી હોય. એકાએક નજર આવી એક વાંકી વેતસી પર પડી ન પડી ત્યાં એક નાનકડું પંખી ઊડતું આવી બરાબર પેલા વળાંક પર બેસી ગયું — એક બે હિંચકા ખાધા ને ઊડી ગયું, ઊડતાં જ વળાંક આખો હલી ઊઠ્યો. આ ક્ષણદૃશ્ય આંખમાં ચિરંતન બની વસી ગયું હવે તો!
અમે નીચે ને નીચે ઊતરતા જતા હતા. ખીણ વિસ્તાર આવતો જતો હતો. એક નાનકડી નદી આવી. તે પાર કરી. સપાટ વિસ્તારમાં પ્રવેશ્યા. હવે પાછળ પહાડો હતા. દસેક માઈલ મેદાન વટાવ્યા પછી આવ્યું ડિમાપુર. ડિમાપુર બસડેપો પાસે ઊતરી ગયો. જોરહાટ સીધી બસ જતી હોય છે. ડેપો પર જઈને તપાસ કરી તો અત્યારે કોઈ બસ મળે તેમ નહોતી, એટલે ગાડી માર્ગે જવાનું વિચાર્યું.
એટલે અહીં સ્ટેશન પર મિલિટરી જવાનોના ઘોંઘાટ વચ્ચે બેઠો છું. ડિમાપુરની પાસે થઈને જ પેલી ધાનસિડી નદી જાય છે. કવિ જીવનાનંદવાળી ધાનસિડી તો આ નહીં હોય ને! કદાચ એ નામે પૂર્વબંગાળાના બારિશાલ વિસ્તારમાં નાની કોઈ એક નદી હશે. એ નામમાં ‘ધાન’ કહેતાં ડાંગર સાથે સંબંધ છે. ‘ધાન’ એ મુખ્ય પાક. પણ હવે તો ગાડીનો જ વિચાર કરવાનો. થોડીક ચિંતા એ છે કે આ ગાડી સીધી જોરહાટ જતી નથી. વચ્ચે મિરિયાની સ્ટેશને ઊતરી જવાનું હોય છે. ત્યાંથી કોઈ વાહન દ્વારા જોરહાટ જવાનું છે. ગાડી વધારે મોડી ન થાય તો સારું, વેળાછતે જોરહાટ પહોંચાય.
ગાડી અત્યંત વેગથી દોડી રહી છે, ચાના બગીચાઓ વચ્ચે થઈને. પહેલાં તો ખબર જ ના પડી કે આ જ છે ચાના બગીચા. ચાના બગીચાનાં માત્ર ચિત્રો જોયેલાં, તેમાંય ખાસ તો પીઠે ટોપલી રાખી ચાનાં પાંદડાં ચૂંટતી હારબંધ સ્ત્રીઓનાં. પણ આ તો જાણે માઈલો સુધી પથરાયેલાં ખેતરો જ આવ્યા કરે છે. એ ખેતરો પર ઊંચા અને હારબંધ એવાં નાહર વૃક્ષોની છાયા પથરાયેલી છે. ચાના છોડને બહુ તડકો ન અડવોે જોઈએ, કે એવું કશુંક હશે. એટલે રેલવે લાઇનની બન્ને બાજુ લીલા ગાલીચા બિછાવ્યા હોય એવું લાગે છે. આ ગાલીચા પર કોઈ કહેતાં કોઈ દેખાતું નહોતું. પેલું પરિચિત ચિત્ર તો દેખાય જ ક્યાંથી?
પણ આ લીલીછમ ધરતી પર નજર ટકતી નથી. અત્યારે વચ્ચે રહી રહીને લેલિહાન પીળી જ્વાળાઓ દેખાય છે, એ જ્વાળાઓની આસપાસ ચીસાચીસ કરતા, ભાગાભાગ કરતાં, ઘરવખરી સમેટતાં લોકો દેખાય છે. ભયગ્રસ્ત બાળકોનાં ખુલ્લાં મોં દેખાય છે — થયું એવું કે જેવી ગાડી ડિમાપુર સ્ટેશનથી ઊપડી અને સિગ્નલ સુધી પહોંચી કે જોયું — રેલની ધારે ધારે વસેલી ઝૂંપડીઓમાં આગ લાગેલી છે, અને એક ભાગ તો બળીને ખાખ થઈ ગયો છે. આગ આગળ વધતી જાય છે. વાંસનાં ઝૂંપડાં — ઘાસની છત. એક બીજાને અડકીને ઊભેલાં. એક તણખો પડે તોય પૂરતું.
આગગાડીમાં બેઠાં બેઠાં આ આગ જોવાની હતી. ગાડી ગતિમાં આવતી હતી. પણ ગાડીની આગ અને આ આગને શો સંબંધ? લોક ઘરવખરી બહાર કાઢતા હતા. કદાચ આગ ત્યાં પણ પહોંચે તો? અને ઘરવખરીમાં પણ શું? ગોદડીના બેત્રણ ગાભા, બેચાર ટીન, તપેલી કે એવું કશુંક. આ આગ કદાચ બસોત્રણસો ઝૂંપડાંની ખાખ કરી દેશે. ગાડી તો પસાર થઈ ગઈ અને થોડીવારમાં જ ચાના બગીચાની આ લીલીછમ ધરતી શરૂ થઈ ગઈ છે.
આમ તો અમે ખેડૂત. ઘેર ખેતી. પણ દાદાને અફીણનું બંધાણ તેમ ચાનું પણ બંધાણ, ગોળની ચા. એમની સાથે હુંય ચા પીતાં શીખેલો. મારી ચામાં દૂધ વધારે પાછળથી ઉમેરાતું. પછી અમારી શાળામાં એક નવા શિક્ષક આવ્યા. ખાદી પહેરતા, નવી નવી વાતો કહે. હું ચા પીઉં તે તેમને ના ગમે. એક દિવસ અમને બેચાર મિત્રોને તેમણે કહ્યું કે ચા પીવી તે આપણા દેશભાઈઓનું લોહી પીવા બરાબર છે. તેમણે સમજાવેલું. ચાના બગીચાના માલિકો તેમના મજૂરો પર કેવો ત્રાસ ગુજારે છે, કેવા કોરડા વીંઝે છે, નાના છોકરાઓને બાળમજૂરોને પણ લોહીલુહાણ કરે છે વગેરે. એવી ચા પીવી તે લોહી પીવા બરાબર છે. એ વાત મનમાં બેસી ગયેલી અને ચા પીવાનું છૂટી ગયેલું. જો કે થોડાંક વર્ષ પછી ચા પીવાનું શરૂ થઈ ગયું હતું. પણ ચાના બગીચા સાથે એ ચિત્ર આજે મનમાં રચાઈ આવ્યું.
વચ્ચે વચ્ચે વાંસનાં ઝુંડ આવે છે, વાંસાની વાડો આવે છે, વાંસનાં ઝૂંપડાં આવે છે. ગામ આવે છે. ગામમાં ઘરનાં આંગણાંમાં વાંસ હોય અને કેળ હોય. ઊચાં ઊચાં સેપારીનાં ઝાડ હોય. બારી પાસે બેઠો બેઠો બસ જોયા જ કરું છું. ઝાડપાનથી ભરચક ભૂમિ છે. વચ્ચે વચ્ચે ખાબડાં આવે. ખાબડામાં પાણી. પાણીમાં બતકો હોય અને મોટાં શીંગડાંવાળી ભેંસ પણ. ક્યાંક ભેંસ પર છોકરાં પણ બેઠાં હોય.
સાંજનો તડકો નમી રહ્યો છે. એક નદી આવી. નાની. શેરડીનાં ખેતર આવ્યાં. વળી બીજી નદી, વાંકી થઈ વળી ગઈ. આંબે મૉર આવ્યો છે. ગઈ કાલે પેલા પહાડોમાં વર્ષાઋતુ હતી, અહીં વસંત છે. આ એક મોટું ગામ લાગે છે. વાંસ, સોપારી અને કેળનાં ઝુંડ વચ્ચે ઘર દેખાય તો દેખાય.
ચાના બગીચાઓ પર સૂર્યાસ્ત થઈ રહ્યો છે.
જોરહાટની આ સર્કિટ હાઉસમાં કિશોરે રિઝર્વેશન કરાવ્યું હતું, તેમ છતાં રૂમ ખાલી ન મળી. થોડી વાર રાહ જોવી પડી. પછી એક ડૉક્ટરે ઑક્યુપાય કરેલા રૂમમાં મને જગ્યા આપી, અંધારામાં હવે બીજે જવું પણ ક્યાં? ડૉક્ટર શરૂઆતમાં તો મારી સાથે બોલ્યા નહીં. એવું લાગ્યું કે તેમને મારું આવવું ગમ્યું નથી. પણ એમના ગમાઅણગમાનો ક્યાં સવાલ હતો!
મેં મારો સામાન મૂકી હાથપગ-મોં ધોયાં. કોઈ બોલે નહીં. મને એમ કે એ બોલે નહીં તો આપણે બોલવું નથી, હું ચા પીવા માટે ગયો. થોડીવારે આવ્યો તો પોતાના એક મિત્ર સાથે તેઓ ડ્રિંક લેવા બેઠા હતા, અને જોડાવા આમંત્રણ આપ્યું. મેં આભાર માન્યો. પછી તો તેમની જીભ છુટી થઈ ગઈ. પેલા પેયનું પણ પરિણામ હોય. હવે એ ચૂપ થાય એવી હું ઇચ્છા કરી રહ્યો. એ મદ્રાસ રાજ્યના નિવૃત્ત પબ્લિક હેલ્થ ડિરેક્ટર હતા અને અત્યારે યુનોની WHO સંસ્થા તરફથી આ વિસ્તારમાં કામ કરે છે. પછી તો તેઓ આ વિસ્તારની વાતોએ વળગ્યા. વચ્ચે વચ્ચે ઘી લગાવેલી બ્રેડ મને આગ્રહપૂર્વક આપતા જાય. મારે જરૂર પણ હતી. મોડું થવાથી ગામમાં દૂર જવાય તેમ નહોતું. એક વડીલ મિત્ર જેવા બની ગયા.
ગાડીમાં આવતાં પણ એવું જ થયું હતું. પ્રથમ વર્ગના ડબ્બામાં મારી સાથે એક જ પૅસેન્જર હતા. ગાડીમાં ઊંઘતા જ હતા. જાગ્યા પછી વાતોએ વળગ્યા. તેમની તબિયત ઠીક નહોતી. તેમને માટે એક સ્ટેશને હું પાણી લઈ આવ્યો, મારી પાસેથી ફળ ધર્યાં. તેઓ ગદ્ગદ થઈ ગયા. વાતે વળગ્યા. નામ કૃષ્ણમૂર્તિ. ઓ.એન. જી. સી.માં કામ કરે છે. પોતાનાં બાળકોનીય વાતો કરી. તેમની દીકરી હિન્દી વિષય સાથે ભણે છે. એ મને હિન્દીનો અધ્યાપક જાણીને વધારે રાજી થયા. મરિયાણી સ્ટેશને મારે ઊતરવાનું હતું. ગાડી અહીં થોભે છે. એ મારી બૅગ લઈ સાથે નીચે આવ્યા અને છેક ટૅક્સી સુધી મૂકી ગયા. કયા ભવનું ઋણ!
ગાડીમાં બારી પાસે બેઠાં બેઠાં વિચારતો હતો, બસ આમ ચાલ્યા કરે ગાડી, જોરહાટમાં કોણ જાણે કોણ મળશે? કોઈ પરિચિત તો નથી. ક્યાં જઈને ઊતરીશ, કેવી વ્યવસ્થા થશે કશી જ ખબર નહોતી.
પણ અત્યારે તો એક વડીલ મિત્રના સાન્નિધ્યમાં હોઉં એવું લાગે છે,
જોરહાટ એટલે અસમ. હવે દિવસો સુધી અસમમાં છું.
આ અસમમાં આવવાની કેટલી બધી ખેવના હતી! એ જ આ અસમ.
અસમને આપણે કહીએ છીએ આસામ, અસમ પણ કિરાત ભૂમિ છે. અસમ નામ પણ તેરમી સદીમાં ઉત્તર બર્મામાં ઈરાવતીને કાંઠેથી આવેલી કિરાતવર્ગની શાન પ્રજાએ આપ્યું છે. એ પ્રજા ‘અહોમ’ તરીકે ઓળખાય છે. અહોમ એટલે કે અસોમ એટલે કે અસમ. જેની કોઈ બરોબરીનું નથી તે અસમ. આમ આ નામ સમજાવાય છે. નામકરણની આ વ્યુત્પત્તિ વિષે આશંકા હોઈ શકે, પણ આ વિસ્તાર ‘અસમ’ છે, અદ્વિતીય છે એમાં શંકા નથી.
ભારતના ઈશાન ખૂણામાં આવેલો આ વિસ્તાર પુરાકાલમાં પ્રાગ્જ્યોતિષપુર તરીકે ઓળખાતો. ત્યારે તે આર્યેતર મુલક હશે. કહેવાય છે કે નરકાસુર તેનો સ્થાપક હતો. કૃષ્ણને હાથે તે પરાસ્ત થયેલો. આ નરકાસુરનો પુત્ર ભગદત્ત પાંડવ કૌરવની કુરક્ષેત્રની લડાઈમાં પોતાના કિરાત, ચીના સૈનિકો સાથે દુર્યોધનને પક્ષે લડેલો. એ રીતે ભગદત્તના સંદર્ભે ભારતીય ઇતિહાસની મુખ્ય ધારા સાથે આ પ્રદેશનો અનુબંધ સ્થપાયેલો જોઈએ છીએ. આ ભગદત્તને વૈદિક ક્રિયાકાંડમાં વિશ્વાસ હતો. એનો અર્થ એ થયો કે મોંગોલ કુળની આર્યેતર પ્રજામાં આર્યસંસ્કૃતિ પ્રભાવક બનતી જતી હતી. ભગદત્તને ભારત-મોંગોલ સંસ્કૃતિને પુરોધા કહી શકાય. કુરુક્ષેત્રની લડાઈમાં એ ત્રીજા પાંડવ એટલે કે અર્જુનને હાથે હણાયો હતો.
નરકાસુરનો સમકાલીન હતો બાણાસુર. એ શોણિતપુરમાં રાજ્ય કરતો. શોણિતપુર એટલે અસમનું આજનું પ્રસિદ્ધ તેજપુર, જેમ પ્રાગ્જ્યોતિષપુર એટલે ગુવાહાટી વિસ્તાર. આ બાણાસુરની પુત્રી ઉષા એ જ ઓખા. ઓખાહરણની વાત આ બાણાસુર સાથે સંકળાયેલી છે. અસમિયા સાહિત્યમાં પણ એ પ્રસિદ્ધ છે. ઓખાહરણમાં વાત તો અનિરુદ્ધહરણની છે, કેમ કે ચિત્રલેખા, ઓખાની સહેલી, અનિરુદ્ધને છેક દ્વારકાથી ઊંઘમાં ને ઊંઘમાં ઉપાડી લાવી હતી. અનિરુદ્ધે ઓખાના ચિત્તનું હરણ કર્યું હતું, એ ચોક્કસ. સ્વપ્નમાં એને જોયો હતો. એટલે એક રીતે તેનું ‘હરણ’ કહેવાય.
ઓખાની બાબતે હરિ કહેતાં કૃષ્ણ અને હર કહેતાં શિવનું યુદ્ધ થયું હતું. બાણાસુર શિવનો ભક્ત હતો. આ શિવ પણ ગજબના દેવતા છે. લાગે છે કે મૂળે એ આર્યેતર દેવતા પણ હોય. કેટલી બધી આદિમ કલપનાસૃષ્ટિ આ દેવતા સાથે જોડાયેલી છે. કૃષ્ણ દ્વારકાથી પોતાના ‘પરાક્રમી’ પૌત્રની મદદે આવ્યા તો આ બાજુ ભક્તની મદદે શિવ. હરિહરનું યુદ્ધ કવિઓએ ઠીક ઠીક બહેલાવ્યું છે, ક્યાં દ્વારકા અને ક્યાં શોણિતપુર, પશ્ચિમ અને પૂર્વના છેડા, ગમે તેટલી કલ્પનાશ્રિત વાત હોય તો પણ સંસ્કૃતિની હેરફેરનો નિર્દેશ તેમાં સૂચવાય છે.
આ સિવાય પણ કૃષ્ણ એક વાર અસમ ભણી આવેલા. કૃષ્ણની એક પ્રિય પટરાણી રુક્મિણી કુંડિલનગરની હતી. કુંડિલ એટલે અરુણાચલમાં આવેલું આજનું સદિયા. અહીંની એક આદિમ પ્રજા હજી રુક્મિણીને પોતાની જાતિની માને છે. રુક્મિણીનું હરણ કરવા કૃષ્ણ ક્યાંથી કયાં આવ્યા હતા! કિરાતીઓ સુંદર હોવી જોઈએ, આમેય કિરાત જાતિના સોનેરી—પીત વર્ણનો ઉલ્લેખ તો આવે છે. પેલી ચિત્રાંગદા પણ કિરાતી ને! અને નાગા જાતિ સાથે પેલી નાગકન્યા ઉલૂપિનો સંબંધ હોય તો તે પણ કિરાતી.
પ્રાગ્જ્યોતિષપુરનું નામ આગળ જતાં કામરૂપ થઈ ગયું. લગભગ ચોથી સદીમાં એ નામનો ઉલ્લેખ મળે છે. કામરૂપમાંથી કામરુદેશ નામ થઈ ગયું. લોકકથાઓમાં કામરૂદેશની મોહિની સ્ત્રીઓની કેટલી બધી વાતો આવે છે! કામખ્યાના મંદિર સાથે કામરૂપને સંબંધ હોય, ગુવાહાટીમાં આવેલું કામાખ્યાનું મંદિર પ્રસિદ્ધ શક્તિપીઠ છે. જૂના કાળથી આ વિસ્તાર તાંત્રિક સાધનાનું કેન્દ્ર રહ્યો છે. આજના નૌગોંગ જિલ્લાનો મયંગ વિસ્તાર હજી હમણાં સુધી તંત્રમંત્રના વિસ્તાર તરીકે લોકોમાં ભયની કંપારી જગાવતો.
આ કામરૂદેશની સ્ત્રીઓ, કહેવાય છે કે, બહારથી કોઈ પુરુષ આવે તો તેને બકરો બનાવી દેતી. પછી પોતાની પાસે રાખી યથેચ્છ કામવિહાર કરતી. હોમરના ઓડિસી મહાકાવ્યમાં જાદુગર સર્સી આવે છે, તેવી આ સ્ત્રીઓ હશે. સર્સીએ પણ દસદસ વર્ષ સુધી ઓડેસિયસને ક્યાં બાંધી નહોતો રાખ્યો?
‘ચેત મછંદર ગોરખ આયા’ એ ઉક્તિ પાછળ જે કથા છે, તેને પણ કામરૂદેશ સાથે સંબંધ છે. મછંદર કહેતાં મત્સ્યેન્દ્રનાથ કહેતાં મીનનાથ આ મુલકમાં આવી ગયેલા અને આવી મોહજાળમાં સપડાઈ ગયેલા. તેમના ચેલા ગોરખ કહેતાં ગોરખનાથને એની ખબર પડી. આ વિસ્તારમાં માત્ર સ્ત્રીઓ જ પ્રવેશી શકતી. ગોરખનાથે નર્તકીના વેશે જઈ પછી ગુરુને છોડાવેલા એવી કથા છે. સંભવ છે કે એ બીજો પણ કામરૂદેશ હોય.
જ્યોતિષ અને ખગોળવિદ્યાનું આ મુલક એક વેળા કેન્દ્ર હશે તેની ખાતરી પણ ગુવાહાટીની એક ટેકરી પર નવગ્રહનું જૂનું મંદિર છે એનાથી થાય. ગમે તેમ પણ આ બધી પૌરાણિક અર્ધ પૌરાણિક વાતો આ મુલકને કૌતુકભર્યો, રહસ્યભર્યો બનાવી દે છે.
ઈશાન ભારતનો આ વિસ્તાર ભરપૂર પાણીવાળી નદીઓનો, ગાઢ જંગલોવાળા પહાડપર્વતોનો મુલક છે, એક શિંગડાવાળા વિરાટકાય ગેંડા અને હાથીઓનો મુલક છે. સૌથી વધારે વરસાદનો મુલક છે. હજીય પોતાની આદિમ પરંપરા જાળવી રહેલી અનેક રંગબેરંગી આદિવાસી પ્રજાઓનો મુલક છે. કિરાત અને આર્યની સમન્વયિત સંસ્કૃતિનો મુલક છે.
જે વખતે આર્યો પશ્ચિમેતરના નાકામાંથી આ ભારતવર્ષમાં પ્રવેશ કરી રહ્યા હતા, તે વખતે યાંગત્સેક્યાંગ કે હોવાંગહોના વિસ્તારમાંથી તિબેટ માર્ગે મોંગોલ પ્રજા પૂર્વોત્તરના માર્ગે પ્રવેશી રહી હતી, ક્યાંક બર્માને માર્ગે થઈને પણ એ આવતી રહી. આજથી ચારેક હજાર વર્ષ પહેલાં આગમનની એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય એવો અંદાજ છે. લોકો જુદી જુદી ટોળીઓમાં આવતા ગયા હશે. પછીના આવનારા અગાઉના લોકોને પહાડ પર રહેવા વિવશ કરી દેતા હશે. ધીમે ધીમે બ્રહ્મપુત્રની ખીણમાં એ પ્રજાઓ સ્થિર થતી ગઈ. પેલી બાજુ આર્ય પ્રજા પંચનદ અને ગંગા-જમુનાની ખીણમાં સ્થિર થતી ગઈ. એનો પ્રભાવ આખા દેશ પર વિસ્તર્યો અને અહીંની મોંગોલ પ્રજા પણ આર્યસંસ્કૃતિના પ્રભાવ નીચે આવતી ગઈ. તેનું સંસ્કૃતિકરણ થયું.
એટલે આ વિસ્તારની મુખ્ય ભાષા અસમિયા તે ભારતીય આર્યભાષાકુળની જ એક ભાષા છે. હા, તેના પર ભોેટ (તિબેટી) બર્મી કે ભોટચીનીનો પ્રભાવ પ્રમાણમાં વધારે છે. માત્ર ભાષા જ નહીં, સાહિત્યપરંપરા પણ ભારતીય છે. મહાભારત સૌથી પહેલાં આખું કોઈ આધુનિક આર્ય ભાષામાં સંસ્કૃતમાંથી ઊતર્યું હોય તો તે કદાચ અસમિયા ભાષામાં.
સાતમી સદીમાં હ્યુએનસાંગે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે વખતે ભાસ્કરવર્મા રાજ્ય કરતો હતો. હ્યુએનસાંગે નોંધ્યું છે કે તે શૈવ હતો. એટલે સાતમી સદીમાં હિન્દુ અર્થાત્ આર્ય સંસ્કૃતિના પ્રભાવની માહિતી મળે છે. દશમીથી બારમી સદી સુધીના અહીંના પાલ રાજાઓ પોતાને નરકાસુરના વંશજો માનતા.
તેરમી સદી અસમના ઇતિહાસમાં મહત્ત્વનો વળાંક બની રહે છે. અગાઉ જેનો નિર્દેશ કર્યો તે શાન જાતિ બર્માની ઈરાવતીને કાંઠેથી બ્રહ્મપુત્રને કાંઠે આવી તે મૂળે મોંગોલ કુળની થાઈ પ્રજા હશે. એક શાન સરદાર સુ-કા ફા પોતાના આઠ સરદારો, નવ હજાર સ્ત્રી બાળકો સહિતનાં માણસો, બે હાથી, ત્રણસો ઘોડા સાથે પ્રવેશ્યો. ઈરાવતીને કાંઠે કોઈ દબાણ આવ્યું હશે. તેણે પૂર્વ અસમમાં જીત મેળવી, ડિમાપુરમાં રાજ્ય કરતા કાચારીઓ પર આધિપત્ય મેળવ્યું. કાચારીઓ પણ મોંગોલ રક્ત, ધીમે ધીમે તેમણે પૂર્વ વિસ્તારમાં અહોમ સામ્રાજ્ય જમાવ્યું.
પશ્ચિમ અસમમાં કોચ રાજાઓ થઈ ગયા. ચૌદમી સદીમાં દુર્લભનારાયણ થયા. સોળમી સદીમાં પ્રસિદ્ધ વિશ્વસિંહ અને તે પછી રાજા નરનારાયણ આવ્યા. નરનારાયણ અકબરના સમકાલીન. આ રાજાઓના રાજ્ય દરમિયાન અહીં બ્રાહ્મણ સંપ્રદાયને વેગ મળ્યો. નરનારાયણે સંસ્કૃત વિદ્યાને ઉત્તેજન આપ્યું. તે વખતે અસમિયા પ્રજા અને સંસ્કૃતિના ઉન્નાયક મહાન વૈષ્ણવ સંત શંકરદેવ અને તેમના મહાપુરુષિયા વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વિસ્તરતો જતો હતો.
કોચ રાજ્ય અને અહોમ શાસન સમાંતર હતા, પણ કોચ રાજ્યની પડતી થઈ ગઈ. અહોમો શક્તિશાળી સિદ્ધ થતા ગયા. અહોમ પ્રજા જ જુદી, તેમની ભાષા જુદી, તેમના રાજકારભારની રીત જુદી, તેમની સંસ્કૃતિ જુદી. પણ એ અહીં આવ્યા, અહીંના રાજાઓ થયા તેમ છતાં ન તો પોતાની ભાષા લાદી, ન તો પોતાની સંસ્કૃતિ કે ન તો પોતાને ધર્મ, એ જાણે કે તળ ભૂમિના બની ગયા. તેમણે અહીંની ભાષા અપનાવી, અહીંની સંસ્કૃતિ અપનાવી, અહીંનો ધર્મ અપનાવ્યો. તેઓ લગભગ હિન્દુ બનીને રહ્યા. રાજવીઓ તરીકે કુશળ વ્યવસ્થાપક, સેનાપતિઓ તરીકે ખૂંખાર લડવૈયા.
અસમ પર આધિપત્ય મેળવવા મોગલોનાં લશ્કરો સતત ત્રાટકતાં રહ્યાં અને દરેક વખતે ભયંકર હાર પામીને પાછાં જતાં. ઔરંગઝેબના એક સેનાપતિ મીરજુમલાએ ભારે હુમલો કરેલો. તેની સાથે એક ઇતિહાસકાર ગયેલો. તેણે એ સમયના અસમની વાત લખેલી છે, તેણે લખ્યું છે કે ‘અસમ તો ભયંકર મુલક છે, તેના રસ્તા મોતના મોંમાં લઈ જાય એવા છે, અહીંના લોકો માણસ સાથે માત્ર એટલી બાબતમાં મળતા આવે છે કે તે બે પગ પર સીધા ચાલે છે, તેઓ જાદુગર તરીકે જાણીતા છે. જે લશ્કર અહીં પ્રવેશે છે, તે જીવનથી હાથ ધોઈ બેસે છે, જે કાફલો અહીં માલસામાન સાથે આવે છે તે મોતના નિવાસસ્થાનમાં પ્રવેશે છે…’ વગેરે વગેરે. કદાચ લડાઈમાં થયેલી ભયંકર હારથી ગભરાઈને લખ્યું હશે. નહીંતર તેની હજાર વર્ષ પહેલાં હ્યુએન સાંગે તો લખેલું કે ‘અહીંની આબોહવા સુંદર અને સમધાત છે, લોકોની રીતભાત સરળ અને પ્રામાણિક છે, રાજા વિદ્યાનો શોખીન છે, પ્રજા પણ તેવી જ છે’, વગેરે.
ઔરંગઝેબે બારમી વખતની ચડાઈમાં ૧૬૭૦માં રાજા રામસિંહને મોકલેલો. આજના ગુવાહાટી પાસે ઘમસાણ મચેલું. સરાઈઘાટના યુદ્ધ તરીકે જાણીતું છે. અહોમ સેનાપતિ લચિત બરાફૂકને તેને ભયંકર શિકસ્ત આપી. લચિત એટલે જ સેનાપતિ. લચિત બરાફૂકન એટલે દરેક અસમિયા તરુણનો આદર્શ, આજે પણ. તે વખતના રાજા રુદ્રસિંહને ઇતિહાસકારો પૂર્વનો શિવાજી કહે છે… તેરમીથી ઓગણીસમી સદી સુધી આ અહોમોએ અસમને સ્થિર શાસનપદ્ધતિ આપી.
અહોમો જેવા પરાક્રમી સેનાપતિઓ હતા, તેવા કુશળ વ્યવસ્થાપકો હતા. રાજા સૌથી ઉપરી, તેઓ તેને સ્વર્ગદેવ કહેતા, જેનામાં એક પણ ખોડખાંપણ ન હોય તે જ રાજા થઈ શકે, આંગળીનું ટેરવું પણ કપાય એટલે ખલાસ, પછી કોઈને રાજાના અધિકારથી વંચિત રાખવો હોય તો આવું કઈ ટૂચકું કરવામાં આવતું. તેની ઘણી વાત છે. રાજાનો પ્રધાન તે ગોહાંઈ, તેમાંથી પછી બરગોહાંઈ, ગોહાંઈબરુઆ વગેરે અટકે કાયમ થઈ. સેનામાં પણ એવી ચઢતી ઊતરતી ભાંજણી, પાઈક તે સૈનિક. વીસપાઈકનો ઉપરી તે બરા, સો પાઈકનો ઉપરી તે શૈકિયા, હજારનો ઉ૫રી તે હજારિકા, ત્રણ હજારનો ઉપરી તે રાજખોવા. છ હજારનો ઉપરી તે ફૂકન, આજે અસમમાં તમને શૈકિયા કે હજારિકા કે ફૂકન અનેક મળે, આપણે ત્યાં જેમ બક્ષી, મુન્શી કે કાજી જેવી પદવીધારી અટકો છે — મળે છે તેમ.
સૌથી મોટી એક વાત આ અહોમોની બાબતમાં જે છે, તે છે તેમની ‘બુરંજી’ પ્રથા. બુરંજી એટલે આપણી ભાષામાં ઇતિહાસ. રાજની રોજબરોજની ઘટનાઓ આ બુરંજીઓમાં નોંધાયેલી છે. બુરંજીઓમાંથી અસમના છ સૈકાઓનો ઇતિહાસ સળંગ બેઠો કરી શકાય. શરૂઆતમાં અહોમોની ભાષામાં તે લખાતો, પછી અસમિયામાં. ‘બુરંજી’ અસમિયા ભાષા- સંસ્કૃતિનો એક સમૃદ્ધ દસ્તાવેજ છે.
અહોમ સામ્રાજ્ય પણ ૫છી નબળું પડતું ગયું. બર્માનાં આક્રમણો વધતાં ગયાં. બર્મીઓના આક્રમણોની વાત કહેતું નાટક મણિપુરમાં જોયું હતું —‘ચહિ તપેત ખુન્તા કપા’ — પાયમાલીનાં સાત વર્ષ. બરમીઓ ક્રૂર હતા અને અહેવાલો નોંધે છે કે તે ચંઘીઝખાનને કે નાદીરશાહને પણ શરમાવે તેવા ઘાતકી હતા. કહેવાય છે કે તેમણે અસમની અડધી વસતીને ખતમ કરી નાખી હતી. બર્મીઓના હુમલાઓમાંથી બચવા બ્રિટિશરોની મદદ લેવાઈ અને પછીની વાત તો જાણીતી છે. અંગ્રેજોએ આ બધા વિસ્તાર પર પોતાની દખલ જમાવી દીધી. સત્તાવનના વિપ્લવમાં અસમે પણ લડત આપેલી, તેમાં ફાંસીને માંચડે ચઢેલા મણિરામ દેવાનનો રાસ આજે પણ ગવાય છે.
અંગ્રેજી શાસન અને શિક્ષણની શરૂઆત થતાં આપણા દેશનાં તમામ રાજ્યોની જેમ અસમ પણ એક નવા તબક્કામાં પ્રવેશે છે. અંગ્રેજોએ બર્મીઓેને અહીંથી હાંકી કાઢ્યા એટલું જ નહીં, બર્મા પણ લઈ લીધું. પછી તો આખો વિસ્તાર તેમના આધિપત્યમાં રહ્યો. અંગ્રેજી શાસન સાથે અથવા તે પહેલાં અહીં મિશનરીઓનું આગમન શરૂ થઈ ગયું હતું. અસમિયા સાહિત્યનો નવો યુગ આ મિશનરીઓની પ્રવૃત્તિથી શરૂ થાય છે. આ મિશનરીઓ મુખ્યત્વે અમેરિકન હતા. તેમણે અહીં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યા. અસમનું શિવસાગર આ વિસ્તારમાં મિશનરીઓનું કેન્દ્ર બન્યું. ૧૮૧૩માં બાઇબલનો અસમિયા અનુવાદ છપાયેલો.
પણ પછી એવું થયું કે અસમિયાને અંગ્રેજી શાસને એક સ્વતંત્ર સ્વાયત્ત ભાષાની માન્યતા ન આપી. ૧૮૩૬માં તેનું સ્થાન બંગાળીએ લીધું. સરકારના કામકાજમાં અને નિશાળોમાં અસમિયાને બદલે બંગાળી દાખલ કરવામાં આવી, પરિણામે ભાષાનો વિકાસ તો અટક્યો, એ ભાષા બોલનાર પ્રજાનો વિકાસ પણ ખોટકાયો.
આ માટે અસમિયા લોકોને લડત આપવી પડી. તેમાં મદદરૂપ થયા હતા અમેરિકન મિશનરીઓ. તેમણે સરકારના કહેવાથી ૧૮૫૪માં રિપોર્ટ આપી અસમિયાને સ્વાયત્ત સ્વતંત્ર ભાષાનો મોભો આપવા ભલામણ કરી. અસમિયા ફરી સરકાર અને શાળામાં સ્થાન પામી. પણ એ પ્રજાને આજેય થાય છે કે એ વીસ વર્ષ અસમ પાછળ રહી ગયું! આ મિશનરીઓએ ‘અરુણોદય’ જેવી પત્રિકાઓ શરૂ કરી. ભાષાનાં વ્યાકરણ લખ્યાં. ગદ્યનો વિકાસ કર્યો વગેરે.
અસમમાં તે વખતે લગભગ આખો પૂર્વોત્તર વિસ્તાર આવી જતો, નાગાલૅન્ડ, મેઘાલય, મિઝોરમ કે અરુણાચલ, બધાંય. એક રીતે મણિપુર અને ત્રિપુરા પણ ખરાં. ‘સાત ભણિ’નું આ એક એકમ બની શકે તેમ હતું. આ વિસ્તાર કેટલી બધી જનજાતિઓથી ભરેલો હતો. તેમાં સ્પષ્ટ રીતે બે ભાગ પડી શકે. મેદાનમાં વસતા લોકો, પહાડોમાં વસતા લોકો, તેમાંય નાનાં નાનાં કુળ ઉપકુળ. દરેકની ભાષાઓમાં પણ ફેર, પણ આ બધા લોકોની એક સામાન્ય ભાષા અસમિયા હતી, કંઈ નહીં તો આજના નાગાલૅન્ડ, મેઘાલય, અરુણાચલ વિસ્તારમાં તે બોલાતી તે નાગ-આસામી (નાગામિઝ) તરીકે પણ ઓળખાતી.
મિશનરીઓએ આ વિસ્તારની સેવા સાથે ધર્માંતરની પ્રવૃત્તિ પણ મોટા પાયા પર ચલાવી. એનાં સારાં માઠાં ફળ, જે હોય તે, આ વિસ્તારને મળ્યાં. ભારતીય રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે તેની અસરો દૂરગામી રહેવાની.
અસમમાં તેમ છતાં ધર્મઔદાર્ય છે. વૈષ્ણવો અને શાક્તોના સંઘર્ષ ચાલતા રહ્યા છે. પણ અહીં વર્ણવિદ્વેષ નથી, બ્રાહ્મણોનું આધિપત્ય એટલું રહ્યું નથી. વૈષ્ણવધર્મની એક વ્યાપક અને ઊંડી અસર જોઈ શકાય. તે સાથે કિરાત સંસ્કૃતિની પરંપરા પણ તેમનાં બિહુગીતો અને બિહુ ઉત્સવમાં જોઈ શકાય, તે એક લોકોત્સવ છે, પણ તે અસમિયા પ્રજાનું રાષ્ટ્રીય પર્વ છે. નવા વર્ષનો આરંભ બિહુપર્વથી થાય, તેમાં નાચ અને ગાન બન્ને છે. પ્રજાનો ઉલ્લાસ તેમાં જોઈ શકાય.
અસમમાં સદીઓ દરમ્યાન અનેક પ્રજાઓ આવતી રહી છે, પણ છેલ્લા સૈકાઓમાં એ પ્રશ્ન ધીમે ધીમે વ્યાપક બની ગયો છે. અંગ્રેજોએ અસમને ચાનો મુલક બનાવ્યો અને માત્ર તેના આર્થિક જીવનને જ નહીં, સામાજિક સાંસ્કૃતિક જીવનને પ્રભાવિત કર્યું. તેમાં મોટા ભાગના શ્રમ કરનારાઓ બિહાર નેપાળમાંથી આવ્યા. તેઓ ત્યાં સ્થાયી થયા. ચાની એક આખી ‘સંસ્કૃતિ’ વિકસી છે. અંગ્રેજોએ પોતાના સ્થાનિક કારભારમાં બંગાળીઓને વધારે પ્રોત્સાહન આપ્યું. પરિણામે બંગાળી બાબુઓનો વર્ગ પણ અહીં સારી સંખ્યામાં સ્થિર થયો.
દેશના વિભાજન પછી અસમમાં ઘણા હિજરતીઓ આવ્યા, મુખ્યત્વે બંગાળીઓ. બાંગ્લાદેશના આંદોલન વખતે તેમાં ઉમેરો થતો ગયો. તેમાં માત્ર હિન્દુઓ જ નહીં, મુસલમાનો પણ આવીને વસતા ગયા. આજે અસમની વસ્તી પણ એક કરોડ બાણું લાખની થઈ છે. છતાં હવે સ્થિતિ એવી છે કે અસમમાં અસમિયા પ્રજા લઘુમતીમાં તો નહીં મુકાઈ જાય એવી શંકા તેમના મનમાં જાગી છે, પરિણામે એક અસંતોષની લાગણી તીવ્ર બનતી જાય છે. આર્થિક પ્રશ્નો પણ તેમાં મુખ્ય ભાગ ભજવી ૨હ્યા છે.
અસમિયા પ્રજા પોતાની અસ્મિતા વિષે આજે ચિંતિત છે. અસ્મિતાની એ ચેતનાનું એક માધ્યમ છે તેમની માતૃભાષાપ્રીતિ. એટલે ‘અસમ સાહિત્ય સભા’ માત્ર સાહિત્યકારોની પરિષદ નથી, જાણે સૌ અસમિયા ભાષી પ્રજાની છે. અનેક ગામોમાં તેની વ્યવસ્થિત શાખાઓ છે. આ જોરહાટમાં તેનું મુખ્ય મથક છે. ‘ચંદ્રકાન્ત સન્દિકૈ ભવન’ એ જોરહાટની સાહિત્યસભાના ભવનનું નામ છે. અહીં જ્યાં ઊતર્યો છું, ત્યાં સર્કિટ હાઉસની બાજુમાં છે. કાલ સવારે ત્યાં જઈશ.
હમણાં જ જોરહાટ શહેરમાં આંટો મારી આવ્યો. પણ લાગ્યું કે હું જરા વહેલો તૈયાર થઈને નીકળી પડ્યો હતો. થોડીક હૉટેલો સિવાયની દુકાનો ઉઘડી નહોતી એટલે માર્ગ પહોળા લાગતા હતા. જે માર્ગો પર હું ફર્યો તેનાથી નગર વિષે સારી છાપ પડી. અસમ સાહિત્ય સભાનું ‘ચંદ્રકાંત સન્દિકૈ ભવન’ ઊઘડ્યું નહોતું,
અસમિયા ભાષા લખાતી જોવા મળી. બોલાતી સાંભળવા મળી. અસમિયા અને બંગાળી લિપિ બે એક વર્ણ સિવાય એક સરખી છે. પણ બન્નેમાં સારો એવો ઉચ્ચારણભેદ છે. બંગાળીમાં ‘અ’નો ઘણું ખરું ઓ, ઑ ઉચ્ચાર થશે, અસમિયામાં ‘અ’ જ ઉચ્ચાર રહેશે. પણ વધારે ધ્યાન ખેંચે તેવો ઉચ્ચાર તો ‘સ, શ’ નો ‘હ’ થઈ જાય છે, તે છે, એકદમ ‘હ’ નહીં. ‘સુંદર’ થશે ‘હુન્દર’. અસમને ‘અહમ’ કે અસમિયાને ‘અહમિયા’ જ બોલશે. ‘હુરતી’ બોલી જેવું. વળી ‘ચ’નો ઉચ્ચાર ‘સ’ જેવો થાય છે. ‘ચરકારી’ લખ્યું હોય તો ‘સરકારી’ બોલવાનું, ‘ચિલ્ક’ હોય તો ‘સિલ્ક.’
બસ સ્ટૅન્ડ તરફ ગયો. સાંજે શિવસાગર (અસમિયા ઉચ્ચારણ ‘હિબહાગર’) તરફ જવાનો ખ્યાલ હતો. ઊંચાં પુરાણાં વૃક્ષોવાળા માર્ગે તે તરફ ગયો. આ વૃક્ષો, આ માર્ગો કદાચ અંગ્રેજી ‘ચા’ સાહેબોની દેણ હશે. અહીં બસો ઉપર જાતજાતનાં સૂત્રો હતાં. એક બસ પર વાંચ્યું :
- બાજક ડબા બાજક શંખ બાજક મૃદંગ ખોલ
- અસમ આકૌ ઉન્નતિ પથત જય આઈ અસમ બોલ..
હા, આ જ વળી અસમિયા સંસ્કૃતિ અને સાહિત્યના મહાસ્તંભ લક્ષ્મીનાથ બેજબરુવા રચિતા અસમની અસ્મિતાનું ગાન. શંખ, મૃદંગ, બજી ઊઠો, અસમ ફરી ઉન્નતિના માર્ગ પર છે. ‘બોલો, જય મા અસમ.’ આપણું નર્મદ રચિત ‘જય જય ગરવી ગુજરાત’ જેવું દેશાભિમાનનું ગીત.
તપાસ કરી જાણવા મળ્યું અહીંથી ઘણી બસો શિવસાગર જાય છે. એટલે બપોરના જ અહીંથી શિવસાગર નીકળી જવાનો વિચાર આવ્યો છે. આ સરકીટ હાઉસના રૂમમાંથી ડૉક્ટર પણ આજે નીકળી જવાના છે. જોરહાટમાં કોઈનો સંપર્ક થયો નહીં, તેનો વસવસો છે.
‘કારેંગ’ શબ્દ અહોમ શાસકોની ભાષામાંથી આવેલો લાગે છે. તેનો અર્થ તો થાય છે મહેલ. પણ આ કોઈ અહોમ રાજાઓનો મહેલ નથી, શિવસાગર શહેર વચ્ચે આવેલી એક નાની હૉટેલ છે. અહોમ રાજાઓના મહેલ તો બધા ખાલી પડ્યા છે, કેટલાક ભગ્નાવશેષ બની ગયા છે. અત્યારે મારું ચિત્ત અહોમોના એ વૈભવનાં સ્મૃતિચિહ્નોનાં દર્શનથી આક્રાન્ત છે.
શિવસાગર અહોમોની રાજધાની. તળ અસમિયા સંસ્કૃતિનો આ વિસ્તાર છે. અસમનો તેરમીથી ઓગણીસમી સદીનો ઇતિહાસ શિવસાગર સાથે સંકળાયેલો છે. જોરહાટથી શિવસાગર આવવા નીકળ્યો ત્યારે બસમાં મારી બાજુની સીટ પર એક પ્રવાસી ફ્રેંચ યુવતી હતી. એની સાથે વાર્તાલાપ ચાલ્યો. ફ્રેંચ યુવતી એકલી જ ભારતના પ્રવાસે નીકળી છે. સૌથી પહેલાં ભારતમાં તેણે અમૃતસર જોયું— પાકિસ્તાન થઈને આવી હતી. પછી કાશ્મીર, કુલુ-મનાલી, દિલ્હી, રાજસ્થાન, નેપાળ, ગુવાહાટી, જોરહાટ અને હવે શિવસાગર. સામાનમાં સાથે માત્ર એક રુકસેક. કહે—હિન્દુસ્તાન બહુ મોટો દેશ છે. એક આંટે જોઈ લેવો મુશ્કેલ છે. ફરીથી આવીશ.
રસ્તાની બંને બાજુ ડાંગરનાં ખેતર, ડાંગર વઢાઈ ગઈ હતી. ખાલી ખેતરમાં ઢોર ચરતાં હતાં. વચ્ચે વચ્ચે ઝુમતા વાંસ આવી જાય. ઝાડીમાંથી અલપઝલપ ઝાંખી કરાવતાં ગામ આવી જાય. વિસ્તાર મેદાની છે. ત્યાં એકાએક એક જૂની ઇમારત દેખાઈ. હા. આ જ અહોમ રાજાઓનું રંગાલય-પેવેલિયન. થોડીવારમાં તો એક નદી ઓળંગી નગરમાં પ્રવેશ કર્યો.
ટૂરિસ્ટ બંગલામાં જગ્યા ન મળી, એટલે તેની નજીકની જ આ હૉટેલમાં ઉતારો લીધો. ટૂરિસ્ટ બંગલો શિવસાગરના વિશાળ સરોવરને કાંઠે હતો. ત્યાં જગ્યા મળી હોત આ પુરાણા નગરનો જરા ‘ફીલ’ આવત. અહીં શિવસાગરમાં, અમારા પડોશી શ્રી રતિલાલ રાવળના સગા, શ્રીકાન્ત પાઠક રહે છે. તેમનું સરનામું પણ મારી પાસે હતું જ. મને થયું કે પહેલાં એક જગ્યાએ વાસ કરી લઉં, પછી તેમને શોધીશ. તેમને આજે પહોંચવા વિષે પત્ર તો લખ્યો હતો.
મારો વિચાર હતો કે આજે શિવસાગરને જોઈ લઈ, કાલે ડિબ્રુગડ ભણી ચાલ્યા જવું. હજી તો બપોર થઈ હતી. મેં હૉટેલના મૅનેજરને પૂછ્યું : ‘બાબુપટ્ટી ક્યાં છે?’ તેણે મારા આશ્ચર્ય વચ્ચે કહ્યું, ‘અહીંથી સો કદમ દૂર.’ ત્યાં શ્રી પાઠક રહેતા હતા. પાંચ મિનિટમાં તો શ્રી પાઠકના નિવાસસ્થાને હતો. તેઓએ રાહ જોઈ જમી લીધું હતું. આજે તેમણે રજા લીધી હતી. શિવસાગર મોટું તેલક્ષેત્ર છે. તેઓ અહીં ઑઈલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશનમાં કામ કરે છે. કહે, ‘હૉટેલમાં ઊતરવાની શી જરૂર હતી? અહીં જ સામાન લઈ આવીએ.’ મેં કહ્યું હવે એક જ રાત્રિનો સવાલ છે. કાલે તો નીકળી જવું છે.
શિવસાગરનાં જૂનાં મંદિર અને મહેલો જોવા અમે તરત જ નીકળી પડ્યા. સૌથી પહેલાં જ શિવસાગરને કાંઠે આવેલા ‘શિવદોલ’ પાસે પહોંચ્યા. પુરાતન વટવૃક્ષ પ્રાંગણમાં પથરાયાં હતાં. આ ‘દોલ’ એટલે મંદિર. દેઉલ પરથી ‘દોલ’ થયો હશે? લખે છે ‘દલ’, પુરાતત્ત્વખાતાની જે પ્લૅટ હતી તેના પર લખેલું : ‘શિવદલ.’ અંગ્રેજીમાં લખ્યું હતું sibdol.
લખ્યું હતું : ‘ઓખ આરુ આકાર હિચાબે અસમર ભીતરત ઇયાઈ હિન્દુર આતાઈતકે ડાંગર દલ… અર્થાત્ ઊંચાઈ અને આકારના હિસાબે અસમમાં આ સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિરની એક બાજુ દેવીદોલ (દલ) છે અને બીજી બાજુ વિષ્ણુદોલ છે. ત્રણે ‘દોલ’ અહોમ રાજા સ્વર્ગદેવ(‘સ્વર્ગદેવ’ રાજાઓના નામ આગળ વપરાતું બિરુદ છે, તેઓ સીધા સ્વર્ગમાંથી સોનાની નિસરણી વાટે ઊતરી આવેલા હોવાની માન્યતા છે!) શિવસિંહ (૧૭૧૪ -૧૭૪૪) બીજાની મહિષી અંબિકાએ ૧૭૩૪માં રચાવ્યા હતા. આ ત્રણે દોલ સાથે જોઈ ધર્મસહિષ્ણુતાની એક ઝાંકી થાય.
આ હિન્દુ મંદિર છે, પણ આપણાં શિખરબંધી મંદિરો કરતાં તદ્દન જુદાં લાગે છે. એકદમ નીચેથી ઉપર સુધી સીધા ચાલ્યાં જાય છે. શિલ્પકામ પણ ઝાઝું નહીં. વરસાદ ઝીલીઝીલીને રંગ કાળો પડી ગયો છે. મંદિરના પ્રાંગણમાં અનેક કબૂતરો હતાં, તેમને માટે ચણની ખાસ વ્યવસ્થા હોય એવું લાગ્યું. ઈરાવતીને કાંઠેથી આવેલી અહોમ પ્રજા એકદમ હિન્દુ બની ગઈ હતી. આ મંદિરો પણ એ વાત સૂચવી જાય છે. મંદિરની પાછળ જ શિવસાગર. વિશાળ જળાશય. એ પીઠિકામાં આ મંદિરો સ્વાભાવિક રીતે જ શોભતાં હતાં, શિવરાત્રિએ અહીં ભારે મેળો ભરાય છે. તે વખતે શિવસાગરમાં સ્નાન કરી દર્શન કરવાનું માહાત્મ્ય ગણાય છે. વીતી શિવરાત્રિને દિવસે જ્યારે હું ઓડિશાના ભુવનેશ્વરમાં લિંગરાજના પ્રાંગણમાં ભરાયેલો મેળો જોતો હતો ત્યારે અહીં અસમના શિવદોલના પ્રાંગણમાં મેળો જામ્યો હશે — અહીં કેમ? જ્યાં જ્યાં શિવમંદિરો હશે ત્યાં ત્યાં. અમદાવાદમાં મારા નિવાસની અનતિદૂરે આવેલા કામનાથમાં પણ લગભગ મેળો જ જામે છે! અત્યારની આ બપોરે તો શિવદોલ સૂનું સૂનું હતું.
મંદિરના પ્રાંગણમાં એક વસ્ત્રપટ પર રંગીન અક્ષરોમાં કલાત્મક જાહેરાત જોઈ : ‘સાત ભણિર રંગાલી બિહુ.’ મેં એ વિષે શ્રી પાઠક અને તેમના એક સાથીદારને પૂછ્યું. પણ તેમને ‘બિહુફિહુની’ ખબર નહોતી. તેમને અહીંની લગભગ કશી જ ખબર નહોતી. કહે, ‘અમને તો સમય જ નથી મળતો. અહીંના લોકોનું આપણાથી એકદમ જુદું છે.’ મને થયું કે આપણે જુદા રહીએ તો જુદું જ લાગે ને? તેઓ ઘણા વખતથી અહીં છે, પણ ભાષા વગેરે જાણતા નથી, જાણવાને પ્રયત્ન પણ નથી કર્યો. અહીં આવ્યા છે, ત્યારના બદલીની રાહ જોઈને બેઠા છે. અહીં ફાવતું જ નથી તેમને, પણ ક્યાંથી ફાવે?
હવે બિહુ એટલે અસમનો મુખ્ય ઉત્સવ. અસમની સંસ્કૃતિ વિષે થોડું પણ જાણે તે અસમના બિહુ ઉત્સવ વિષે જાણે, આ ભૂમિનું ઋતુચક્ર બિહુ ઉત્સવો સાથે ગોઠવાયું છે. તેમાં રંગાલી બિહુ એ જ બહાગ બિહુ. ચૈત્રના છેલ્લા દિવસથી શરૂ થાય, એટલે આમ તો વૈશાખથી. એ જ અસમના નવા વર્ષની શરૂઆત. મેં પાઠકને ‘બિહુ’ ઉત્સવની વાત કરી. મને વસવસો થતો હતો કે જેમ મણિપુરમાં થોડા દિવસ વહેલો પહોંચ્યો હતો, તેમ અહીં પણ. હોળીના દિવસોમાં મણિપુરમાં અને વૈશાખના દિવસોમાં અસમમાં હોત! અને આ તો ‘સાત ભણિર રંગાલી બિહુ’ હતાં. એટલે અસમ ઉપરાંત અરુણાચલ, મેધાલય, નાગાલૅન્ડ, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમનાં. —બિહુ આ સમગ્રવિસ્તારને એકસૂત્રે પરોવતી એક લાક્ષણિકતા છે, જે ભૌગોલિક ઉપરાંત દૂરસુદૂરની આનુવંશિક સામ્યતા ધરાવે છે.
બિહુ ઉત્સવ વિષેના મારા અહોભાવથી શ્રી પાઠકને તો નવાઈ જ લાગતી હતી, એ તો વારે વારે એમ જ કહે — ‘આ લોકોમાં આપણા જેવું તો કંઈ જ નથી.’ પણ તેમનામાં તેમનું જે કંઈ છે, તે આપણામાં નથી, એ જાણવાનું વલણ નથી. અમે લોકોએ ચાલવાનો જ ઉપક્રમ રાખ્યો. નગર વટાવી બહારની સડક પર આવી ગયા. થોડીવાર પછી ખુલ્લાં ખેતરો આવ્યાં. જરા દૂર ખેતરોની વચ્ચે રંગઘરની બેઠા ઘાટની ઇમારત દેખાતી હતી. અસમ વિષેની કોઈ ચોપડીમાં એની છબી ઘણું ખરું હોય. દૂરથી એ સામાન્ય અણઘડ ઇમારત જેવી લાગતી હતી, જેને આપણે વજનદાર કહીએ તેવી.
પાસે જતાં પણ એ જ પ્રભાવ તો પડ્યો; પણ એની કારીગરીનો પણ ખ્યાલ આવ્યો. એને પગથિયે ઊભા રહેતાં અહોમોની જાહોજલાલીની વાત યાદ આવી. એક રીતે આ ‘પેવેલિયન’ છે. અહીં આસપાસ મેદાનમાં અનેક રમત રમાતી, મલ્લયુદ્ધો થતાં, તીરંદાજી ખેલાતી. અહોમ રાજવીઓ ત્યાં બેસી આ બધું નિહાળતા.
ઇંટોની આ બે માળની ઇમારત અડીખમ ઊભી છે. પગથિયાં ચઢી ઉપર ગયા. બન્ને બાજુ વાતાયનો છે. ત્યાં બેસી નિરાંતે રમતો જોઈ શકાય. અહીં સભાઓ પણ ભરાતી. આજે તે દૂરસુદૂર ખુલ્લાં ખેતરો વિસ્તરેલાં છે.
ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસની ગાડીઓ, ટ્રકો સામે મળતી હતી. મુખ્ય રસ્તાની ઉગમણી દિશાએ અમે વળ્યા. ત્યાં વચ્ચેના નાના નાના માર્ગો વચ્ચે થઈ અહોમોના મહેલો સુધી પહોંચ્યા. આજ ખરા ‘કારેંગ.’ આ પણ ઇંટોની ઇમારતો છે. સાંજની વેળાએ આ ભગ્ન મહેલો ભવ્ય ભૂતકાળની અનુભૂતિ કરાવી જતા હતા. અમે અંદર એક ઓરડામાંથી બીજા ઓરડામાં આછા અજવાળામાં ભીંતો પર હાથ ફેરવી ફેરવી ફર્યા. સીડી દેખાતાં ઉપર ચઢ્યા. જેવા છેલ્લું પગથિયું વટાવી ઉપર ડોક કાઢી કે એક પ્રેમીયુગલને વિશ્રંભકથામાં લીન જોયું. અમને જોઈ તે સહેજ ચમક્યું, પછી પોતાની દુનિયામાં ડૂબી ગયું. આવી સાંજ સમે, આ ઉદાસ નિર્જન રિક્ત અતીતના સાન્નિધ્યમાં આ એક પ્રસન્ન સભર સજીવતા હતી.
નીચે ઊતરી જેવા આગળ વધીએ કે પેલી ફ્રેંચ યુવતી. અત્યારે કાળાં વસ્ત્રોમાં સજ્જ હતી. આપોઆપ ‘હેલો’થી અભિવાદન થયું — ઝિલાયું. એક સ્થાનિક ગાઇડ તેને બધું બતાવતો હતો. સૂર્યાસ્ત થાય તે પહેલાં અમારે જયસાગર પહોંચવું હતું. થોડુંક ચાલવાનું હતું.
થોડીવારમાં જ અમે જયસાગરના સાન્નિધ્યમાં આવી પહોંચ્યા. વિશાળ રમ્ય સરોવર. ચારેબાજુએથી પાકા ઓવારાઓથી બાંધેલું, પાણીથી ભરપૂર નજર શીતલ બની ગઈ. પાણીમાં કિનારો અને કિનારા પરનાં વૃક્ષો પ્રતિબિંબિત હતાં.
આ જયસાગર માત્ર ૪૫ દિવસમાં ખોદી કાઢવામાં આવ્યું હતું એમ અહીં લખ્યું છે (૪૫ દિનર ભિતરત એઇ પુખુરિટા નંદવાઈ છિલા). અહોમ રાજા સ્વર્ગદેવ રુદ્રસિંહના રાજ્યકાળ (૧૬૯૬-૧૭૧૩)માં તેના કિનારા પરના મંદિરનું નિર્માણ થયું હતું.
આ મંદિર તે જ જયદોલ હશે. એને દેવીદોલ પણ કહે છે. જયસાગર અને જયદોલ રાણી જયમતીની સ્મૃતિને સાચવી રહ્યા છે. અહોેમોના ઇતિહાસની એક રોમાંચક ઘટના તેની સાથે જોડાયેલી છે. હિન્દી લેખક અજ્ઞેયે તેના પરથી ‘જયદોલ’ કરીને એક વાર્તા પણ લખી છે.
અહોમોમાં એવી માન્યતા હતી કે રાજા તો તે જ થઈ શકે જે ખોડખાંપણ વિનાનો, અક્ષત રાજવંશી હોય. હવે એવું થયું કે ગાદી પર રાજ ચુલિક ફા આવ્યો. (‘ફા’ રાજાવાચી શબ્દ છે.) તેણે પોતાની ગાદી નિષ્કંટક કરવા રાજગાદીના જે કોઈ અધિકારી થઈ શકે તેમ હોય એ તમામ રાજવંશી કુમારોની ટચલી આંગળી કે કાનની બુટ કપાવી નાખવાની પેરવી રચી. અંગક્ષત થાય પછી તે રાજા થઈ શકે જ નહીં. એક રાજપરિવારનો એક કુમાર તેમાંથી છટકી ભાગી ગયો અને નાગા પહાડોમાં સંતાઈ ગયો; ચૂલિક ફાએ તેની તરુણ પત્ની જયમતીને પકડી મંગાવી. જાહેરમાં તેને થાંભલે લટકાવી. તેને પેલા રાજકુમારની ભાળ આપવા ત્રાસ ગુજારવા માંડ્યો. એ બધી ઘટના પેલા રંગઘર આગળ. જયમતીનાં કપડાંના ચીરેચીરા થઈ ગયા, દેહ લોહીલુહાણ થઈ ગયો, પણ એણે કશી બાતમી ન આપી. મૃત્યુનું વરણ કર્યું.
પેલા રાજકુમારે ચુલિક ફાને, પછી હણી નાખ્યો અને રાજા થયો. એ જ પ્રતાપી રાજા ગદાધરસિંહ અને એને પુત્ર રાજા રુદ્રસિંહ. આ રુદ્રસિંહે પિતાની માતાની યાદમાં જયસાગર બંધાવ્યું, અને આ કાંઠાનું મંદિર પણ. અહીં બીજાં પણ બે મંદિર છે. મંદિર બંધ લાગ્યું એટલે પહેલાં મંદિરની પ્રદક્ષિણા કરી. મંદિરની બહારની દીવાલો પર શિલ્પ છે; પણ ચહેરાઓ પર અભિવ્યક્તિની લઢણ જુદી છે. પાછળની ભીંતપરની રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ જોતાં જ એવું લાગે. મંદિરના મુખ્ય દ્વારે આવ્યા અને બારણું ઠેલ્યું ત્યાં ઊઘડી ગયું. અમસ્તુ જ બંધ હતું. અંદર પ્રવેશ્યા. સૂરજનો સોનેરી તડકો અંદરની અવાવરુ ભીંતો પર પડતો હતો. ત્યાં પેલી ફ્રેંચ યુવતી આવી પહોંચી. ફરીથી નમ્ર અભિવાદન ‘હલો!’ આથમતા સૂરજનાં કિરણોથી તેના ગાલ પણ ચમકી ઊઠ્યા હતા, અને આ જીરણ ભીંતો સાથે કેવો તો કોેન્ટ્રાસ્ટ રચતા હતા!
મંદિરના છેક અંદરના ગર્ભગૃહમાં અંધકાર હતો. દીવાસળી પેટાવીને જોયું. ખાલી અવાવરુ અવકાશ. બહાર આવ્યા ત્યારે જયસાગરને કિનારે શીમળાના ઝાડ પર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ખીલેલો લાલ શીમળો ઓર ખીલી ઊઠ્યો હતો. સરોવરનાં પાણી તેની સ્પર્ધામાં હોય તેમ લાલ બની ગયાં હતાં.
ચુપચાપ બધાથી દૂર જઈ જયસાગરને કાંઠે એક વૃક્ષ નીચે બેઠો. કોઈ અજાણ્યા પંખીનો અવાજ આવતો હતો. સૂરજનું લાલબિંબ ત્યાં દૂર ક્ષિતિજે અડકી ગયું હતું. કેવી સ્તબ્ધતા! જોતજોતામાં સૂરજ જમીનમાં ઊતરી ગયો.
ઊભો થઈ સરોવરનાં પાણી સુધી ગયો. સ્વચ્છ પાણી હાથમાં લીધું. સપાટી કંપી ઊઠી. આ ક્ષણે સરોવર ઘણું વિશાળ અને છતાં ત્યજાયેલું અને એકલવાયું લાગ્યું.