પૂર્વોત્તર/પ્રણય અને પરિણય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રણય અને પરિણય

ભોળાભાઈ પટેલ

કોન્યાક નાગાઓમાં

(કોન્યાકો નાગાલૅન્ડના મોન વિસ્તારમાં રહે છે. ઓછામાં ઓછા વસ્ત્ર પહેરે છે. સ્ત્રીઓ છાતીને અલંકારોથી જ ઢાંકે છે. કોન્યાકોને પોતાના દાંત કાળા રંગે રંગવાનો અને છૂંદણાં ગોદાવવાને ભારે શોખ છે.)

કિશોર અવસ્થામાં પ્રવેશતાં જ કોન્યાક કિશોર ‘મોરુંગ’નો સભ્ય બને છે અને કોન્યાક કિશોરી ‘યો’ની. આજની પરિભાષામાં મોરુંગ કિશોરો-તરુણોની ડોર્મિટરી છે; ‘યો’ કિશોરીઓ તરુણીઓની, તેઓ પરણે નહીં; ત્યાં સુધી ત્યાં સમૂહમાં રહે છે. અલબત્ત, તેમનો પોતાના પરિવાર સાથેનો સંબંધ પણ ચાલુ તો રહે છે જ. મોરુંગના સભ્યો સકલ ગામને ખેતીવાડીમાં મદદ કરે છે, વારાફરતી એકબીજાના ખેતરમાં જવાનું, તે રીતે ‘યો’ની કિશોરીઓ પણ. કિશોરીઓને સમૂહનાં કામ ઉપરાંત ઘરનાં પણ થોડાં કામ કરવાનાં રહે છે.

કોન્યાકોની પ્રેમ કરવાની બાબતમાં કોઈ બંધન નથી, માત્ર પોતાના ગોત્રમાં પ્રેમ અને પરિણય કરવાની મના છે, બાકી સ્વતંત્ર છે. પંદર સોળ વર્ષનો કિશોર થાય એટલે પોતાની મોટી વયના છોકરાઓ સાથે ‘યો’ની મુલાકાતે સંકોચ સાથે સાથે જતો થાય. પછી એને સંકોચ તૂટતાં છોકરીઓ સાથે મુક્ત રીતે વાત કરવા લાગે, હાસ્યવિનોદ પણ.

સત્તરેક વર્ષનો થાય એટલે પ્રણયની સાહસયાત્રા શરૂ થાય પણ પહેલીવાર કોઈ છોકરીને એ આશયથી મળવાનું હોય તો એને એટિકેટ જાળવવો પડે. મોડી રાત થાય એટલે પોતાને મનગમતી તારુણીના ઘરે અથવા ‘યો’ માં જ્યાં એ રહેતી હોય ત્યાં પહોંચી જાય. ત્યાં બારણે હળવેથી ટકોરો પાડશે, અવાજ સાંભળીને છોકરી બહાર આવે, એટલે આ જ પ્રશ્ન પૂછવાનો :

‘તું મારી ભેટનો સવીકાર કરીશ કે નહીં કરે?’

છોકરીને જો છોકરો પસંદ હોેય તો કહેશે: ‘હા, હું સ્વીકારીશ’ અને પછી કહે — ‘હું તને કાલે મળીશ.’

આટલાથી સંતોષ પામી છોકરો પોતાના મોરુંગમાં પાછો આવશે, છોકરી ઘરમાં જતી રહેશે, ઘણીવાર એવું થાય કે એક છોકરી માટે ટકોરા પાડે અને બીજી છોકરી પણ નીકળી આવે. ત્યારે પોતાને ગમતી છોકરી બોલાવવાનું કહેવું પડે. છોકરીને વળી છોકરો પસંદ ના હોય તો તેની ભેટ લેવાની ના પાડી, તેને આગળ વધતા અટકાવે પણ ખરી, એવું બહાનું બતાવે કે ‘મેં તો બીજાની ભેટ સ્વીકારી લીધી છે.’

છોકરીએ ભેટ લેવાની હા પાડી હોય પછી બીજે દિવસે માથે બુકાની જેવું બાંધી (જેથી ઓળખાઈ ન જવાય, જો કે પ્રેમ કરતાં પકડાઈ જવાનો એમને કોઈ સંકોચ નથી) તે છોકરો જશે. ફરીથી ટકોરા પાડશે, છોકરી બહાર આવશે. ઘરની બહાર ઓટલા પર તેઓ બેસશે. એકબીજાને પાનસોપારી આપશે, અને ધીમા અવાજમાં વાતો કરશે. છોકરી નાની અને શરમાળ હોય તો આવી નિર્દોષ મુલાકાતોમાં અઠવાડિયાં નીકળી જાય. પણ પછી છેવટે પેલો તરુણ ઘરની અંધારી જગ્યાએ જવા છોકરીને રાજી કરે છે. ક્યારેક મનમાં ‘હા’ હોય પણ મોઢેથી ‘ના’ હોય એવું લાગે તો તરુણ એને ખેંચીને અંધારામાં લઈ જાય છે, ત્યાં વાંસની પાટ પર બંનેનો સંયોગ થશે.

પ્રેમ કરતાં છોકરીનાં માબાપ જોઈ જાય તો વાંધો નહીં, એનો ભાઈ જુએ તો જરા શરમાવા જેવું થાય. પ્રેમીઓ એકબીજાને વધારે ઓળખે પછી છોકરી પોતાના ઉમેદવાર સાથે આખી રાત ગાળે. આ માટે તેઓ ગામ બહાર ગામના કોઠાર ઘરોના વરંડામાં મળે. સવાર સુધી ત્યાં તેમને કોઈ પજવે નહીં. કોઠારમાંથી તેમના આ પ્રણયવ્યાપારથી ચોરી થવાનો ભય તો નહીં, પણ એક માન્યતા એવી કે એને લીધે કોઠારના ધાન્યની ફળદ્રુપતા વધે.

કૂકડો બોલે એટલે પ્રેમીઓ જુદાં પડે. છેકરો ‘મોરુંગ’માં જાય, અને છોકરી ‘યો’માં જવા પહેલાં થોડું પોતાના માબાપને ઘેર કામ કરવા જાય. છોકરીનો પ્રેમપાત્ર થતાં છોકરો તેને ભેટ આપે. ભેટ આપવામાં પણ એટીકેટનો પ્રશ્ન. રિવાજ પ્રમાણે છોકરાએ છોકરીને વાંસના પાંચ કાંસકા આપવાના. છોકરીએ સામે વાદળી વસ્ત્રખંડ. આમાં ભેટનું મહત્ત્વ નથી. પરસ્પરની ભાવનાનાં તે પ્રતીક છે. પ્રેમી છોકરો છોકરીના કહેવાથી પોતાના બેત્રણ મિત્રો સાથે છોકરીના બાપને ખેતરે કાપવા, વાઢવા કે લણણીના કામે જાય. ‘મોરુંગ’ના છોકરા અને ‘યો’ની છોકરીઓ સમૂહમાં તો હળેમળે ગાય.

લગ્ન પહેલાં છોકરોછોકરી સંપૂર્ણ જાતીય સ્વાતંત્ર્ય ભોગવે છે. છોકરીના કૌમાર્યને કોન્યાકો મહત્ત્વ નથી આપતા. વળી પ્રેમ થાય એટલે લગ્ન કરવું એવું બંધન પણ હંમેશાં નહીં. પણ બંને વચ્ચે મેળ થયો હોય તો છોકરો લગ્નનો પ્રસ્તાવ મૂકે. છોકરી પ્રેમ કરતી હોય, પણ પરણવાની ઇચ્છા ન હોય તો તેના મા-બાપનો વાંક કાઢે, કે બીજા સાથે સગાઈ થવાની વાતનું બહાનું કાઢે. પણ જો પરસ્પરની સંમતિ હોય તો ગામના કોઈ વડીલ દ્વારા કન્યાનાં મા—બાપ આગળ પ્રસ્તાવ મુકાવે. તેની સાથે ભાલો અને કડું મોકલે. કન્યાનો બાપ આ ભેટ સ્વીકારે તો યુગલની સગાઈ થઈ ગઈ ગણાય. પછી લગ્ન ગોઠવાય. ક્યારેક છોકરી તૈયાર હોય પણ છોકરીનાં મા-બાપ તૈયાર ન હોય તો યુગલ બાજુના ગામે ભાગી જઈને લગ્ન કરે. પછી એ સ્વીકાર્ય છે તો બને જ. લગ્ન થાય એટલે ‘મોરુંગ’ છોડી દેવું પડે. નવપરિણીત યુગલને ગામલોકો મળી નવું ઘર વસાવવામાં મદદ કરે.