પૂર્વોત્તર/શિલોંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિલોંગ

ભોળાભાઈ પટેલ

માર્ચ ૧૭

આપણા કવિ પ્રિયકાન્તની એક કવિતામાં ફૂલને ગટગટાવીને પી જવાની વાત આવે છે. ફૂલના એ નશાની અસર એવી થાય છે કે તપ્ત સૂર્ય પણ ખીલેલું ફૂલ લાગે છે. સાગર, પહાડ, આકાશ સૌ ખીલેલાં ફૂલ લાગે છે. આજે કૈંક અંશે મારી એવી સ્થિતિ છે. હું શિલોંગ પી ગયો છું, લગીર અમથું, છતાં મને બધું સુંદર જ સુંદર લાગે છે. પર્વત, નદી, જંગલ, ખેતર, ગામ, ઘર, નર, નારી બધું જ બધું.

સવારમાં તડકો ખીલે તે પહેલાં જ શિલોંગના ઢોળાવ ચઢતા માર્ગ પર હતો. માર્ગની એક બાજુ કરાડ, બીજી બાજુ ઊંડી થતી જતી ખીણો, પહાડી માર્ગો લગભગ આવા જ હોય છે. ઢોળાવની બન્ને બાજુ જોઉં અને આંખમાં હરિત અંજન આંજતો જાઉં. લીલુડા વાંસનો તો આડો આંક! પણ આ વાંસ હવે વાંસ નથી લાગતો, જ્યારથી પેલું અસમિયા બિહુગીત સ્મરણ ચઢ્યું છે :

બાઁહાર આગલૈ ચાઈનો પઠિયાલો
બાઁહરે કોન ડાલિ પોન.
ચેનાઈટિર ફાલલૈ ચાઈ નો પઠિયાલો
યેને પૂર્ણિમાર જોન.
— મેં વાંસની ટોચ ભણી જોયું
કે વાંસની કઈ ડાળ સીધી છે.
મેં વહાલીના મુખ ભણી જોયું
જાણે પૂનમનો ચંદ્ર.

આ લોકગીતમાં જ નહીં, અસમિયા કવિતામાં વાંસ એટલે ઝૂમતો નારી દેહ. રોજ જોતા હોઈએ એ પદાર્થને જોવા કવિતા નવી આંખ આપતી હોય છે. વાંસની સાથે સ્પર્ધામાં સોપારી આદિનાં વૃક્ષ, અને કંઈ કેટલાંય બીજાં.

રહી જતું હોય તેમ વારે વારે ઝરણાં. એક નદી તે સાથે સાથે આવે. પહાડ પરથી વહી જતા ઝરણાને જોવું એટલે? ગતિ અને નાદની ઝંકૃતિ. અને આ માર્ગે ઝરણાંની શી કમી હોેય? કવિ હોત તો કવિતા લખી હોત. કવિ ઉમાશંકરે આ માર્ગની કવિતા લખી જ છે ને…. ‘ઈશાની’ના કાવ્યગુચ્છમાં. આ રહી તે…

શિલોંગ ચઢતો માર્ગ
રમતો રમતો આગળ વધે.

ખેતરો ઝાડીઓ ડુંગરની દીવાલ
પડખે થઈ, ઘડીમાં ઊંચા કોઈ માળ
પર નીકળતો
નીચેના વિસ્તાર પર ઝળુંબતો,
ટેકરીની ધારે ધારે
સરકતો, એકાએક વળાંક લઈ
નવા જ કોઈ ઉઘાડ ધરે.
લઈ આવ્યો મેઘાલય દ્વારેય તે…
ભારતનું સદા-લીલું હૃદય,
મેઘઘર…

ખરેખર આ વિસ્તાર છે મેઘનું ઘર-મેઘાલય. આ નામ આપનાર કોઈ રાજકરણી નહીં હોય, કવિ જ હશે. બૃહત્ અસમ વિસ્તારની જે સાત બહેનો (ભણિ) તેમાં ત્રણ નામ તો પ્રાચીન— અસમ, મણિપુર, ત્રિપુરા; પણ જે ચાર નવી બહેનો, તેમાં બેનાં નામ તો પ્રજા-વિશેષના નામ પરથી, એકદમ પ્રોઝેઇક-નાગાલૅન્ડ, મિઝોરમ. અવશ્ય, મિઝોરમમાં બે ‘મ’કારને કારણે એક અનુરણન છે, ‘ર’ તેમાં પૂર્તિ કરે છે. પરંતુ બીજા બે નામ એકદમ ‘પોએટિક’ છે—અરુણાચલ અને મેઘાલય. ક્યાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી — ‘નેફા’ અને ક્યાં અરુણાચલ! ભારતના છેક પૂર્વનું એ રાજ્ય ખરે જ અરુણાચલ છે, અરુણ જ્યાં પહેલો ઉદિત થાય. અને આ મેઘાલય? મેઘનું જ ઘર. અહીં આવીને મેઘ માત્ર વસે છે એવું નથી, અનરાધાર વરસે છે. આખી દુનિયામાં સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે, તે ચેરાપૂંજી મેઘાલયની દક્ષિણ દિશે છે.

કાલે નકશો જોતો હતો. નકશો જોઈએ એટલે પૂર્વોત્તરના વિસ્તારમાં મેઘાલયનું સિચ્યુએશન સમજાય. પૂર્વમાં અસમનો વિસ્તાર, ઉત્તરમાં પણ, અસમનો આ ઉત્તર ભૂ ભાગ એટલે બ્રહ્મપુત્રની ખીણ. બ્રહ્મપુત્ર પૂર્વ પશ્ચિમ વહે છે, ડિબ્રુગડથી ઢુબરી સુધી. અને પછી કાટખૂણે (નદી એટલે કાટખૂણો નહિ, જરાક ગોળાઈ તો હોય) એકદમ દક્ષિણમાં ઊતરી પડે છે, બાંગ્લાદેશમાં. નાનકડા મેઘાલયની પશ્ચિમે અને દક્ષિણે બાંગ્લાદેશ વિસ્તરીને પડ્યો છે. અનેક નદીઓનું એ મેદાન છે. પણ મેઘાલય તો ૯૦૦થી માંડી ૧૮૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતો ૪૦૦ કિલોમીટર લાંબો અને ૮૦ કિલોમીટર પહોળો એક પ્લૅટૌ (plateau) વિસ્તાર છે. એટલે જે મોસમી પવનો જલભર્યાં વાદળ સાથે બંગાળના ઉપસાગરથી ઉપડે તે બાંગ્લાદેશનાં મેદાનોને વટાવી સીધા અફળાય મેઘાલયના પ્લેટૌ પર! તૂટી જ પડે ને ચારસો પાંચસો ઈંચ વરસાદ!

નિશાળમાં ભૂગોળ ભણતા ત્યારે આ વિસ્તારના પહાડો નાગા, ગારો, ખાસી એમ યાદ કરતા. (નાગા હોય તે ગારો (ળો) જ ખાયને? એમ કહી સ્મૃતિસહાયક અર્થ કરી લેતા. અમારી ઉત્તર ગુજરાતની બોલીમાં ‘ર’ અને ‘ળ’ વચ્ચે અભેદ ખરો ને?) નાગા પર્વત તો જરા દૂર; પણ ગારો, ખાસી અને ત્રીજો જેંતિયા પર્વત — એ ત્રણ પર્વતોની ભૂમિ તે મેઘાલય. ત્રણે પર્વતોનાં નામ એ નામની ત્રણ જનજાતિઓ પરથી જ છે.

મેઘાલય તો હજી હમણાં જ સાત વર્ષનું થયું છે. ૧૯૭રમાં અસમમાંથી તેને અલગ કંડારી કાઢવામાં આવ્યું. આ પણ એક આદિવાસી રાજ્ય. બધી થઈને વસ્તી જ બાર-તેર લાખની. નાગાલૅન્ડથી લગભગ બમણી, અરુણાચલથી અઢીગણી અને મિઝોરમથી ત્રમણી. ખાસી, ગારો અને જેંતિયા ત્રણે જાતિઓમાં મોંગોલ સંસ્કારો છે. નાચ ગાન, શિકારના શોખીન — કિરાતીય; પરંતુ અહીં પણ ખ્રિસ્તીધર્મનો પુષ્કળ પ્રસાર છે. એટલે એક બાજુ આદિમ રહેણીકરણી, બીજી બાજુ પાશ્ચાત્ય—આધુનિક : ટોર્ન બિટવિન ટુ કલ્ચર્સ— બે સંસ્કૃતિઓ વચ્ચે ચિરાતી પ્રજા છે, નાગા કે મિઝો લોકોની જેમ. અરુણાચલમાં ખ્રિસ્તી પ્રભાવ નહીંવત્ છે. આ બધાં રાજ્યો પોતાની અસલિયત જાળવી રાખી શકે એ ખ્યાલ પણ આ ‘ટેણિયા’ રાજ્યોના આવિર્ભાવ પાછળ છે. પણ એ જાળવી શકશે? આ રાજ્યોમાં મેઘાલયની વાત તો વળી સાવ નિરાળી છે. મેઘાલયની ત્રણે મુખ્ય જનજાતિઓ માતૃનિષ્ઠ (મેટ્રિઆર્કલ) છે. છોકરી પરણીને સાસરે જતી નથી, છોકરો પરણીને સાસરે જાય છે. કુટુંબની વડીલ મા. એટલે એ રીતે પણ મેઘાલય ખરેખર વિશિષ્ટ રાજ્ય છે.

સારું છે, અત્યારે રસ્તે જતાં મેઘ સામા મળતા નથી. આકાશમાં થોડા થોડા છે. પહાડના ઢાળે છૂટાંછવાયા ઝૂંપડાંનાં ઝૂમખાં આવે છે. એ જ ખાસી ગામ. ગામની પાસે થઈ ઝરણું દોડતું જતું હોય, નદી પણ હોય. ઝૂમ ખેતી માટે બાળેલી પહાડી અરણ્યભૂમિ દેખાય. ત્યાં આવ્યું એક ગામ. ગામનું નામ રોમનલિપિમાં. નોંગપોહ. બસ થોભવાની હતી. ખાસી આદિવાસીઓનું ગામ. નાનકડું બજાર, ફળની દુકાનો ઘણી. તેમાં અનનાસ લલચાવી રહે. પપૈયાં, કેળાં તો ખરાં જ. આપણા બોર જેવું પણ એક ફળ. મોટેભાગે સ્ત્રીઓ જ વ્યાપાર કરે. પીઠ લાંબા કરંડિયા જેવા ટોપલા ઉપાડીને જતી સ્ત્રીઓ દેખાય.

તેમ છતાં અહીં ઘણું બધું આધુનિક લાગે. સામેના એક સ્ટોલમાં તો અંગ્રેજીમાં પુસ્તકો લભ્ય. મેં એક ચોપડી લીધી — ‘સમ કલ્ચરલ ઍન્ડ લિંગ્વિસ્ટિક આસ્પેક્ટસ ઑફ ગારોઝ.’ બીજી એક ચોપડી જોઈ — ‘ખાસી ઑફ મેઘાલય-સ્ટડી ઇન ટ્રાઇબલિઝમ ઍન્ડ રિલિજયન.’ કિંમત જોઈ પાછી મૂકી દીધી.

વિસ્તાર હવે રમ્યતર થતો જતો હતો. પાઈનની હારમાળા ઢળતા પહાડો પર કવિતા રચતી હતી. સોપાન પરંપરા રચતાં પહાડ કાપી નવસાધ્ય કરેલાં ખેતરો આવવા લાગ્યાં. ઊંચા વૃક્ષોની સાથે ચોકી- રખેવાળી માટે ઊંચાઈ પર બનાવેલાં બોરંગ નજરે પડી જાય. કલાત્મક. થાય કે ત્યાં ચઢી આજુબાજુનો વિસ્તાર જોઈએ. ત્યાં અત્યાર સુધી ચૂપ રહેલા મારી પાસે બેઠેલા એક યુવાને મને પૂછ્યું — ‘હું પૂછી શકું —તમે ક્યાંથી આવે છો?’ મેં જવાબ આપ્યો. ‘ગુજરાતથી-અમદાવાદથી.’ તેની વાચા એકદમ ઊઘડી. વાતવાતમાં મેં કહ્યું કે હું અસમ જોવા આવ્યો છું, બને તો અસમિયા કવિતાનો સંચય કરી ગુજરાતીમાં આપવા.

એ કહે — હું મદદરૂપ થઈ શકું તો કહેજો. મારું નામ ગિરિન બરુવા.* હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું — ગુવાહાટીમાં. [* આ ગિરિન બરુવા આજના અસમ આંદોલનના એક અગ્રણી છે. આંદોલન સંદર્ભે તેમનું નામ છાપામાં આવે છે. (૧-૯-૮૦)] તેમણે પોતાનું સરનામું આપ્યું અને ગુવાહાટીમાં મળવાનો આગ્રહ કર્યો. વાત કરતાં કરતાં મને બહાર જોવાનું મન થયે જતું હતું. પણ એ તો ખૂબ ઉત્સાહી નીકળ્યા. વાતવાતમાં કહે, અસમને બંગાળીઓએ ઘણો અન્યાય કર્યો છે. બ્રિટિશ રાજ્ય દરમિયાન તો અસમમાં બંગાળીઓનું આધિપત્ય હતું. તે એટલે સુધી કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અસમની શાળા-કચેરીઓમાં અસમિયાને બંગાળીની એક ઉપભાષા ગણાવી બંગાળીને લાદી દીધી હતી. ત્રીસ વર્ષ સુધી બંગાળી ચાલુ રહી, અને અમે ત્રીસ વર્ષ પાછળ પડી ગયા. શ્રી બરુઆની વાણીમાં વ્યથામિશ્રિત આક્રોશ હતો.

વાત પરથી એવું લાગ્યું કે તે ઘરના સુખી પણ છે. તેમની મોટી પેઢી ચાલે છે. ઘેર ગાડી છે, પણ આજે મિનીબસમાં શિલોંગ જઈ રહ્યા છે, કેમકે મેઘાલયમાં ‘ડિસ્ટર્બન્સ’ છે. મારવાડીઓની કેટલીક દુકાનો સળગાવવામાં આવી છે. ગઈકાલે તો સમગ્ર માર્કેટ બંધ હતું. આજે ખબર નથી. ‘પણ એવું કરોને, તમે મારી સાથે રહો, હું તમને શિલોંગ બતાવીશ.’

મને એમની વાત ગમી. જો કે મારે મારી રીતે શિલોંગ જોવું હતું. ખાસ તો તેના માર્ગો પર ‘ચાલવું’ હતું. રવીન્દ્રનાથની ‘શેષેર કવિતા’ નવલકથાની લીલાભૂમિ શિલોંગ છે. એ વાંચી ત્યારથી શિલોંગ મનમાં વસી ગયેલું, ખાસ તો છાયાઘનવૃક્ષવીથિકાઓ વાળા ચઢતા-ઊતરતા ઢોળાવવાળા તેના માર્ગો.

રમણીયતા વધતી જતી હતી. ત્યાં એક સરોવર આવ્યું. પહાડી સરોવર, વાંકાચૂંકા ખૂણાવાળું, અચ્છોદક. લીલા પહાડો વચ્ચે ભૂરાં પાણી નયનરંજક હતાં. અહીં ઊતરી જ પડવાનું મન થાય પણ બસ તો ચાલતી રહી. પાઈનનાં વૃક્ષોથી છવાયેલી પર્વતીય ભૂમિ આવી. મેદાન જેવું હોય ત્યાં લીલુંછમ. કાશ્મીરના ગુલમર્ગનું સ્મરણ થાય. કાશ્મીરનું સૌંદર્ય જો કે વધારે ‘મારક’-સિડક્ટિવ છે.

નગર શરૂ થઈ ગયું. પહાડીનગર. ઘણું મોટું નગર. અંગ્રેજોએ હિલ સ્ટેશન તરીકે પુષ્કળ વિકસાવ્યું છે. અત્યાર સુધીના બૃહત્ અસમની એ જ રાજધાની હતી. ઊંચાનીચા માર્ગ, ઢોળાવો, ઢોળાવો પર વૃક્ષો, વૃક્ષો વચ્ચે ઇમારતો.

ઊંચે આકાશમાં વાદળ, પણ સદ્ભાગ્યે વધારે નહીં. ધૂપછાંવની રમત ચાલ્યા કરે. મેઘાલયમાં આવ્યા છીએ, પણ આજે મેઘરાજા મહેર કરે તો સારું, નહીંતર ફરવાનું ઠપ થઈ જાય. જોકે મેઘાલયમાં મેઘ વરસતા જોવા એ પણ અનુભવ હોત. હવામાન એકદમ ખુશનુમા.

શિલોંગમાં ઊતરતાં જ અનુભવ થયો, કે એક ‘આધુનિક’ શહેર છે. ‘કોસ્મોપોલિટન.’ સવા લાખની વસ્તીમાં બંગાળી છે, અસમિયા છે. પણ બધી જાતના માણસો અહીં દેખાય. કોહિમા જેવું એકદમ ‘સ્થાનીય’ ન લાગ્યું. મકાનો પણ જૂનાં અને ઊંચાં. પુરાણાં મોટાં ચર્ચ અને એમના ક્રૉસ ધ્યાન ખેંચ્યા સિવાય રહે નહીં.

બરુવા સૌથી પહેલાં તો મને સચિવાલયમાં લઈ ગયા. ચારેક માળની મોટી ઇમારત. અરુણાચલને જેમ ઈટાનગરની નવી રાજધાની વસાવવી પડે છે, તેમ મેઘાલયને નથી. અસમનું દિસપુર પણ હજી વસી રહ્યું છે. જ્યારે મેઘાલયને તો ‘બનીબનાયી’ રાજધાની મળી ગઈ છે. સચિવાલયમાં બરુવા તેમના એક મિત્રને મળવા માગતા હતા. તેમની શોધમાં આમથી તેમ ભમવામાં આખા મકાનનો અને કાર્યવાહીનો અંદાજ આપ્યો. સચિવાલય બહારથી ગમે તેવું હોય, અંદરની કાર્યરીતિ સરખી જ — ‘ભારતીય.’

‘તમને શિલોંગની થોડી ઝાંકી કરાવું —’ કહી બરુવાએ એક ટૅક્સી રોકી. ઝડપથી એકબે તેમનાં કામનાં સ્થળોએ જઈ આવ્યા, મને સાથે લઈ. કામ પતાવી ટૅક્સીવાળાને એક સ્થળે જવાનું કહ્યું. ટૅક્સી એક ઢાળ ચઢવા લાગી.

જેમ જેમ ઉપર જતા ગયા તેમ તેમ સૌંદર્ય-લોક ખૂલતો ગયો. અહીં ઝરણ, નદી, જંગલ, પહાડ બધું એક સાથે જોઈ, ઉપર ગુજરાતના એક ઓછા વરસાદવાળા સપાટ, નદી, ઝરણ કે ટેકરી વિનાના ગામમાં મોટા થયેલા મારા જેવાની આંખો માટે ઉત્સવ ઉત્સવ હતો. બરુવા કહે, શિલોંગના પહાડોમાં ઠેર ઠેર સુંદર ધોધ છે. ધોધ ઝરણુ બને, નદી બને કે પછી સરોવર બને. મેઘાલયમાં ખરે જ જળનાં જ વિવિધ રૂપ!

ઊંચી જગ્યાએ ટૅક્સી ઊભી રખાવી. અમે નીચે ઊતર્યા. અહીંથી નીચે વૃક્ષો વચ્ચે ઊંચાનીચા ઢોળાવો પર વસેલું શિલોંગ રમ્યતર લાગતું હતું. અહીંની આદિમ કથાઓ કહે છે કે આ શિલોંગના પહાડ પર આકાશથી દેવો રમવા ઊતરી આવતા. એક વેલ હતી, આકાશમાંથી શિલોંગના પહાડ સુધી પહોંચેલી. એ વેલ પકડીને દેવ અહીં આવતા. દેવોની આ ક્રીડાભૂમિ હતી. એક ઈર્ષ્યાળુ દેવતાએ વેલ કાપી નાખી. પછી જે કેટલાક દેવો ધરતી પર રહી ગયા, તેમનાથી સૃષ્ટિ શરૂ થઈ. પણ પછી દેવાતાઓ પૃથ્વી પર ઊતરતા રહી ગયા.

મને થયું આજે અન્ય રૂપે આ કથા સાચી પડવા જાય છે. આ અતિ સુંદર પચરંગીનગર અલગતાવાદની ઈર્ષ્યાનું ભાજન બની રહ્યું છે, શિલોંગ માત્ર ખાસી લોકો માટે. શિલોંગ અસલ શિલોંગ નહીં રહે, તો પછી.

ચારે બાજુએ નજર કરી. ઊંચાનીચા ઢોળાવો. કોઈ ખાસ શિખર દેખાય નહીં. ત્યાંથી પાછા વળતાં જૂની જાણીતી કેળવણી સંસ્થાઓ જોતા આવ્યા. ડૉન બોસ્કો, સેન્ટ મૅરી સ્કૂલ ઍન્ડ કૉલેજ. બીજી ઘણી બધી કૉન્વેન્ટ સંસ્થાઓ. ગામ વચ્ચે આવ્યા. એક નાનકડું સરોવર, વૉર્ડ લેક. ગોળ નહીં. વાંકુંચૂકું. બાજુમાં એસેમ્બલી હૉસ્ટેલ. અચ્છા, તો ઉમાશંકરભાઈએ જે સરોવરનું ‘ખંડકાવ્ય’ તરીકે વર્ણન કર્યું છે, તે આ. સામે પૂર્વમાં રાજભવન છે. અહીંની યુનિવર્સિટી છે. નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી. તેનાં મકાનો જુદે જુદે સ્થળે છે, એમ બરુવાએ કહ્યું. નાગાલૅન્ડ અને અરુણાચલની કૉલેજો આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે.

માર્ગમાં ચર્ચ અને કેથેડ્રલ તો મળે જ. બરુવા કહે, તમે અહીં ફરીથી આવજો. અથવા આજે રોકાઈ જાઓ. આ ખાસી હિલ છે. અહીંથી તમારે તુરા જવું જોઈએ. તુરા ગારો હિલ્સનું મુખ્ય ગામ મેઘાલયની પશ્ચિમે. પૂર્વમાં જેંતિયા હિલ્સનું જોવાઈ છે. એ તો અહીંથી બહુ નજીક છે. એકાદ ગામડામાં પણ ડોકિયું કરવું જોઈએ. અને ચેરાપૂંજી તો અહીંથી પચાસ કિલોમીટર જ છે. ગાઢ જંગલોનો એ વિસ્તાર પણ છે. સમય હોય તો તેટલે સુધી જઈ આવવું જોઈએ, અહીં આસપાસ કેટલા ધોધ છે, બધું જુઓ. દેશનું સૌથી સુંદર એક ગોલ્ફનું મેદાન અહીં છે. લેડી હૈદરી પાર્ક તો આપણે જઈએ જ છીએ. મને થયું આ બધી અંગ્રેજોની ‘લિગસી’ છે. આ શાળાઓ, કૉલેજો, મેદાનો, પાર્ક, ચર્ચ અને વ્યાપક બનતો જતો ખ્રિસ્તીધર્મ. કેટલીક ઇષ્ટ, કેટલીક અન્ ઇષ્ટ.

લેડી હૈદરી પાર્ક આવ્યા પછી બરુઆએ કહ્યું, હવે પાંચેક વાગ્યે બસસ્ટૅન્ડ પર મળીશું. હું એકબે કામ પતાવું. ગૌહાટીમાં મળજો જ. ટૅક્સીના પૈસા આપવાનો ઉપચાર પણ કરું, તે પહેલાં ‘ના ના, એમ ના થાય’ કરતા ચાલ્યા ગયા. હું વિસ્મયથી આ યુવાનને જોતો રહ્યો.

નાનકડો મજાનો પાર્ક. પણ આપણી નજરે તો આખું નગર જ પાર્ક જેવું લાગે. પાર્કમાં જ નાનકડું પ્રાણી સંગ્રહાલય છે. ફરતાં ફરતાં તે જોયું.

પોલીસ બજારમાં જઈ એક મારવાડીની શુદ્ધ શાકાહારી હોટેલમાં જમ્યો. હજી મારી પાસે બે કલાક હતા. હવે આ રમ્ય માર્ગો પર બસ નિરુદ્દેશ્ય ઢાળ ચઢતા ઊતરતા ચાલવું. ખાલી હાથ. ખભે નાનકડો બગલ થેલો માત્ર. ક્યાંય પહોંચવું નહોતું. માત્ર ચાલવું હતું. અહીં સાથે કોઈ હોય તો વાતો કરતા કરતા ચાલ્યા જ કરીએ. મુખ્ય માર્ગો પર થોડી ભીડ લાગે, પણ અંદરના માર્ગો શાંત, સ્તબ્ધ ચાલનારાઓને ઇજન આપતા. મને રવીન્દ્રનાથની ‘શેષેર કવિતા’ની લાવણ્ય અને તેની સાથે અમિટ રાય વાતો કરતાં ચાલતાં દેખાયાં. અરે, ખુદ રવિ ઠાકુર પણ. એક જૂનું મકાન — બ્રહ્મસમાજનું જોયું. ‘રવિસ્મૃતિ’ એમ પણ લખેલું હતું. રવીન્દ્રનાથ અહીં જરૂર આવ્યા હશે. આ રસ્તે તો ચાલ્યા જ હશે, એમ મનમાં લાવી હું ય ચાલ્યો. ચાલતાં ચાલતાં બડા બજારમાં પહોંચ્યો. અહીં ખાસી ગ્રામીણજનો દેખાયા, વિશેષે સ્ત્રીઓ. ખાસી સ્ત્રીઓ, પુરુષો નાગાલૅન્ડ જેટલા રંગોના શોખીન ન લાગ્યા!

ધીમે ધીમે સાંજ પડવા લાગી. હું એકાકી ભમ્યે જતો હતો, આ નગરનો ‘ફીલ’ આવવા લાગ્યો હતો.

સાંજે પાછા ફરતાં બરુવા નહોતા આવી શક્યા. એય તે ઠીક થયું. હું અને શિલોંગથી ગુવાહાટીનો રમ્ય માર્ગ. પેલું સરોવર આવ્યું. આ સાંજે કેવું તો રમ્યતર લાગતું હતું! નોંગપોહ આવ્યું. સ્વાદિષ્ટ રસભરપૂર ફણસનો આસ્વાદ કર્યો. ગુવાહાટી આવ્યું. બસસ્ટેશનની ભીડમાં ઊતર્યો. ત્યાંથી ચાલતો ચાલતો સરકીટ હાઉસ ભણી એવું લાગ્યું કે પેલા ઊંચાનીચા વાંકાચૂંકા માર્ગે જ તે ચાલું છું. શિલોંગ છવાઈ ગયું છે મારા ઉપર. ગુવાહાટીના આ માર્ગ પણ સુંદર લાગે છે, આ નગરના લેક પણ સુંદર લાગે છે, આ યંત્ર-વાહનો પણ. બ્રહ્મપુત્રનો શાંત છેવાડો માર્ગ શરૂ થયો. જનવિરલ માર્ગેથી સરકીટ હાઉસમાં પ્રવેશું છું.

બધું સુંદર સુંદર લાગે છે. ખુબ ધુનીયા લાગિ છે!

માર્ચ ૧૮

એ તો સારું થયું કે રાત્રે શિલોંગનું સપનું ન આવ્યું. નહીંતર આમ તો, શિલોંગનો ઊંચો ઊંડો આછો ઘેરો લીલો રંગ આંખે આંજીને જ સૂતો હતો. સવારમાં ઊઠ્યો છું ત્યારથી પાછો એ લીલો આંખ સામેથી હટતો નથી. અહીં તો હમણાં જ વરસાદ પડી ગયો છે, મેઘાલયમાં મેઘરાજાએ મહેર કરી હતી, છત્તર બનીને ઝળૂંબી રહેલા, પણ ટૂટી પડેલા નહીં. અત્યારે ગુવાહાટીના નગરપ્રાન્તે બ્રહ્મપુત્રને કાંઠે આવેલા સરકીટ હાઉસની બાલ્કની બહાર જોઉં છું તો બધું ભીનું ભીનું લાગે છે. કાગડાઓ ભીના થઈ ભીનાં તાલવૃક્ષો પર બેસી લાંબી ભીની કા…કા કરી રહ્યા છે. બ્રહ્મપુત્ર પણ જલસિક્ત લાગે છે એમ કહેવું હોય તો કહેવાય. તેના જલ પર વેગથી નાની હોડીએ સરકી રહી છે. એ વિપુલ જલરાશિના પેટનું પાણીય જાણે હલતું લાગતું નથી એટલો શાંત વહી રહ્યો છે.

જલપ્રવાહની બરાબર વચ્ચે એક મોટો દ્વીપ છે. નદીમાં રેતના દ્વીપ તો અનેક રચાય અને અનેક ધોવાય. અજ્ઞેયજીની ‘નદી કે દ્વીપ’ નામની કવિતા (એ નામની નવલકથા પણ) છે, જેમાં નદીનો દ્વીપની બનાવણહારી અને મિટાવણહારી તરીકે ઉલ્લેખ છે. પણ આ જે દ્વીપ દેખાય છે, તે તો નદી વચ્ચે ઊભેલો અચલ ખડક છે. બ્રહ્મપુત્રનો પ્રવાહ અહીં આવ્યો હશે, તે પહેલાંનો કદાચ. પુરાણોમાંય એનો ઉલ્લેખ મળે છે. એનું નામ છે ઉમાનંદ. બીજું નામ છે ભસ્માચલ, કહે છે ત્યાં શિવે કામદેવને ભસ્મ કરેલો. એમ પણ કહે છે કે ત્યાં શિવે ઉમાને આનંદ આપેલો એટલે ઉમાનંદ, આ વિરોધનો મેળ કેવી રીતે બેસાડવો? પણ વિરાગી અને સંરાગી શિવ પોતે જ ક્યાં એક વિરોધી નથી?

ઉમાનંદની જોડે જ બીજો ખડક છે, અને અલબત્ત નહીં, બંને વચ્ચે પ્રવાહ છે. તે છે ઉર્વશી કુંડ. ઉમા અને ઉર્વશીનો સંગાથ કેવી રીતે થયો હશે! ઉમાનંદ તો ઘણો મોટો દ્વીપ છે. ત્યાં તો મંદિર વગેરે પણ છે, અનેક હોડીઓ ત્યાં જતી લાગે છે. ત્યાંયે જવું છે, પણ આ ભીનાશ નિરુત્સાહી કરી રહી છે.

આજની સાંજ ભરી ભરી બની ગઈ. એક કવિને મળવાનું થયું અને અસમની લોકકલા જોવાનો અવસર મળ્યો. બીરેનદાએ આ બંને પ્રસંગોની ગોઠવણ કરી હતી. બપોર સુધીમાં મેં માત્ર એટલું જ કર્યું કે સરકીટ હાઉસની નજીક આવેલા કૉટન કૉલેજના કૅમ્પસમાં ફર્યો. દીઘલી પુકુરીને કાંઠે કાંઠે ફર્યો, બ્રહ્મપુત્રને નીરખ્યા કર્યો. સાંજે બીરેનદા આવ્યા. તેમણે કહ્યું કે આપણે નીલમણિ ફુકનને મળવા જઈએ છીએ. નીલમણિ ફુકન નામે બે કવિઓ છે, એક વૃદ્ધ, એક યુવાન. અમે યુવાન કવિને મળવા જતા હતા. બ્રહ્મપુત્રને સમાંતર કામાખ્યા દેવીના મંદિર ભણી જતો માર્ગ. જમણે નીલાચલ. તેના પર જ પ્રસિદ્ધ કામાખ્યા દેવી. ડાબી તરફ જે પહાડ આડો પડ્યો છે, તે નરકાસુર, ગુવાહાટી ઉર્ફે પ્રાગ્જ્યોતિષપુરનો સ્થાપક જે નરકાસુર તેનું નામ આમ સચવાયું છે.

નીલાચલ પાસે ઊતરી ગયા. ત્યાંથી ચાલતા ઊંચી નીચી જગા વટાવતા એક ઝરણાકાંઠે પહોંચ્યા. ત્યાંથી શરૂ થતા એક ઢાળનાં થોડાં પગથિયાં ચઢી એક ઘર આગળ ઊભા. એ જ કવિ ફુકનનું ઘર. કવિ ઘેર નહોતા. હવે? બીરેનદાએ શ્રીમતી ફુકનને કહ્યું કે આસપાસમાં ક્યાંક તેઓ ગયા હોય તો બોલાવે. પોતાના નાના પુત્રને કવિની ખોજમાં મોકલી શ્રીમતી ફુકને અમારું સ્નેહથી સ્વાગત કર્યું.

એકદમ અસમિયા ઘર. વાંસનાં ખપાટિયાંની પણ છાણમાટીથી લીંપી લીધેલી દીવાલો, ઉપર ઘાસનું છાપરું અને ભોંયતળિયે સ્વચ્છ લીંપણ. દીવાલો પર કલાત્મક ચિત્રો. એક બાજુ ઈશુ ખ્રિસ્તનું ભાવવાહી માટીનું શિલ્પ. કવિના ઘરની આથમણી બાજુએ ઢોળાવ, એ તરફની દીવાલ પર એક બારી, બારી એટલે વાંસની જાળી. જાળી પરથી પડદો હટાવ્યો, સૂરજ નમી રહ્યો હતો. આવી સાંજે કવિને મળવું જ જોઈએ.

અને કવિ ફુકન આવ્યા. એમને જોઈને મને કવિ જીવનાનંદ દાસ કેમ યાદ આવ્યા હશે? આવતાં જ તેમણે ઘરમાં પોતે ન હોવા બદલ ક્ષમા માગી વાતો ચાલી, કવિતાની, કલાની. આવા નર્યા કવિ-કલાકાર બહુ ઓછા હોય છે. સરસ, નિચ્છલ. પેલું માટીનું શિલ્પ તેમણે જ કર્યું હતું. તેમણે આવાં શિલ્પો અનેક કર્યાં છે. સૂર્યનું એક જે — તે તો ગમી જ ગયું. અસમની લોકસંસ્કૃતિ અને કલા પ્રત્યે ઊંડી લગન, એટલું જ નહીં, એ કહે કે અસમિયા લોકગીત, બિહુગીત જાણ્યા વિના મારી કવિતા બરાબર જણાય નહીં. જેમ કે મારી એક કવિતામાં હેંગુલિયા શબ્દ આવે છે :

કિનૂ કિનૂ હેંગુલિયાર માજત
હઠાત્ ઉઘાઓ
મોર તઈ સરુ ચરાઇ
નાંગ્ઠા છોવાલી જનીર ટોપનિર
કિબા એટા નામ તઈ —
કાર હાતત્ પેલાબ કલિ….

(ઝરમરતા હિંગળોક વર્ચ્ચેએકાએક અલોપ થઈ ગઈ — મારી તું નાનકડી પંખીણી — નગ્ન કન્યાની ઊંઘનું — કોઈ એક નામ તું તો — કોની હથેળીમાં ખીલીશ?…)

‘આ કવિતામાં આવતો ‘હેંગુલિયા’ બિહુ ગીતોના ‘હેંગુલિયા’થી અર્થનું એક નવું સ્તર લઈને આવે. ‘હેંગુલિયા’ સમજો છો ને? લાલ—‘રેડ ઓફ ધ સેટિંગ સન.’ એ વખતે આથમણી બારી બહાર જોયું, એકદમ લાલ સૂરજ. મેં કહ્યું — ‘આવો લાલ?’ ‘બરાબર.’ આપણો હિંગળોક તે જ આ ‘હેંગુલિયા.’ તેમની થોડી વધારે કવિતાઓ સાંભળી. આ રક્તિમ સાંજ અને આ કવિ!

અમે ‘ચા’ પીવા ઘરની અંદર ગયા. ચા એટલે ભરપૂર નાસ્તો, શાક, લુચિ (પુરી), રસગુલ્લાં…વાતો ચાલતી રહી. આ વખતની વાતોમાં તેમનાં પત્ની પણ જોડાયાં. ફુકન ઇતિહાસના અધ્યાપક છે. ‘સંજ્ઞા’ નામનું વિવેચનનું ત્રિમાસિક કાઢે છે. તેમણે જાપાની કવિતાઓના અનુવાદનું પુસ્તક કર્યું છે, પ્રકટ થયું અને તરત વેચાઈ ગયું. હવે ચીની કવિતાઓ પર કામ કરે છે. અનુવાદના પુસ્તકમાં એ દેશની સંસ્કૃતિ પરંપરા, સાહિત્ય-ઇતિહાસ, ટિપ્પણ આ બધુંય આપવાનું.

ઘરની બહાર આવ્યા. નાનકડો બાગ. કવિએ જતનથી ઉછેરેલાં ઓર્કિડ બતાવ્યાં. ઓર્કિડ અહીંનું પૂર્વોત્તરનું વિશેષ પુષ્પ છે. તેની અનેક જાતો છે. મણિપુરમાં એની છબિઓ જોઈ હતી. આ પુષ્પનો છોડ બીજા વૃક્ષના આધારે ટકે છે. બીજું જોયું જાપાની સૂર્યમુખી. ફરી આવવાની વાત કરી, વિદાય લીધી. ત્યાં તેમનાં પત્નીએ તેમને કૈંક ધીમેથી કહ્યું —મને કહે, ઊભા રહો.

અસમિયા પ્રેમના પ્રતીકરૂપ ‘ગામેછા.’ (ગમછો) લઈ આવ્યા. કાંસાના પાત્ર પર રાખીને મને ભેટ ધર્યો. નીચા નમી લાગણીસભર હૃદયે તે મેં લીધો. ધન્યતા અનુભવી રહ્યો. હવે હું કવિ પરિવારનો આત્મીય હતો.

કવિના આંગણા બહાર નીકળ્યા ત્યારે અંધારું ઊતરવા માંડ્યું હતું. ઝરણાનો ઢાળ ઊતરી એક મેદાનમાં આવ્યા ત્યાં તો ઝબૂક દીવડા! કેટલા બધા આગિયા! ઠંડા પ્રકાશની રેખાઓની ‘ઝીગ ઝાગ’ પેટર્ન રચાય, તેમના ઊડવાથી. બીરેનદા મારો વિસ્મય ભાવ જોઈ કહે — અહીં તો અજસ્ર આગિયા થાય છે. કવિ ફુકન સાથે હતા, મુખ્ય માર્ગેથી એમને પાછા વાળ્યા. ફરીથી તેમને મળવું જ પડશે!

નીલાચલથી અમે નગરમધ્યે આવ્યા, ગુવાહાટીનું સ્ટેડિયમ કટકના સ્ટેડિયમની જેમ પ્રસિદ્ધ છે. મને ખબર નહોતી, પણ બીરેનદાને આમંત્રણ હતું એટલે ખબર હતી કે આજે કામરૂપ જિલ્લાની દૃશ્ય લોકકલાઓનો સરકાર તરફથી કાર્યક્રમ છે. મારી પાસે પ્રવેશપત્ર નહોતું, પણ બીરેનદાના કહેવાથી પ્રવેશ મળ્યો એટલું જ નહિ, પ્રથમ હરોળમાં બેસવાનું મળ્યું. ઓપન ઍરમાં કાર્યક્રમ હતો. નૃત્ય, બિહુગીત, સત્રીયનાટ નૃત્યોમાં કામરૂપ જિલ્લામાં વસતી આદિવાસી પ્રજાઓનાં નૃત્યો પણ હતાં. સાચે જ લાગે કિરાતભૂમિ છે. આ નૃત્ય પ્રાણવંત, અનસોફિસ્ટિકેટેડ. શરૂમાં તો ગ્રામવિસ્તારના આ તરુણ-તરુણીઓ મંચ પર આવે ત્યારે ક્ષોભ દેખાય, પણ જોતજોતમાં બધું લયતાલમાં ઝૂમી ઊઠે. પહેરવેશમાં રંગો ધ્યાન ખેંચે.

બિહુગીત સાંભળવાને તો હું કેટલો ઉત્સુક હતો! ખરેખરના બિહુ ઉત્સવને આવવાની તો હજી થોડા દિવસની વાર હતી, પણ મને બિહુગાન અને નૃત્યનું સ્વરૂપ પ્રત્યક્ષ થયું. પહેલાં ‘હુચરિ’ અને પછી ‘બિહુ.’ ‘હુચરી’ નાચ અને ગાનનું મિશ્ર રૂપ છે. નાચવાનું અને ગાવાનું. ઢોલ અને પેંપા (ભેંસનાં શિંગડામાંથી બનાવેલું) અને ખંજરી. ‘હુચરિ’ ‘બિહુ’ની ભૂમિકા છે. બિહુમાં તરુણ છોકરાં-છોકરીઓ નાચે ગાય, સામસામી સંવાદ ચાલે. કમરથી શરીરને એટલું બધું ઝુકાવે છે કે વાંસની ઝૂમતી ડાળીઓ જાણે! શરીરનો લયહિલ્લોલ જોતાં એવું લાગે કે સાચે જ એની પરંપરા ફર્ટિલિટિ કલ્ટ (ઉર્વરતા અનુષ્ઠાન)માં રહેલી છે. શૃંગારિકતા વધારે પ્રકટ થાય. બિહુ નાચનાર પણ ગ્રામવિસ્તારમાંથી આવેલાં હતાં. અનેક ટુકડીઓએ ભાગ લીધો હોવાથી ઠીક ઠીક પરિચય મળ્યો.

સત્રીયનાટક તો જોતાં જોવા મળ્યું. અસમિયા સાહિત્યનો ઇતિહાસ વાંચતાં, શંકરદેવનું જીવનચરિત્ર વાંચતાં અસમના ‘અંકિયા નાટ’ વિષે વાંચવા મળેલું તેનું ખરેખર દૃશ્યરૂપ આજે જોવા મળ્યું. શંકરદેવે વૈષ્ણવ ધર્મના પ્રચાર પ્રસાર માટે ધર્મના એક અંગ રૂપે જ અંકિયા નાટનું રૂપ તૈયાર કરેલું. શંકરદેવ આખા દેશમાં ભમેલા અને જે જે લોકનાટ્યોનાં રૂપો જુદા જુદા વિસ્તારોમાં પ્રચલિત હતાં, પ્રભાવક હતાં તેની તેમને ખબર હતી. લોકનાટ્યમાંથી અંકિયા નાટની પ્રેરણા મળી હશે, તેમ છતાં સંસ્કૃત નાટક પરંપરાની ભારે અસર જોઈ શકાય.

અંકિયા નાટની પરંપરા વૈષ્ણવ સત્રો (મઠ)માં જળવાઈ એટલે સત્રીય નાટક તરીકે ઓળખાય છે. નાટકમાં ભાગ લેનાર વૈષ્ણવસત્રના દીક્ષિતો, સ્ત્રીઓનો પાઠ પણ પુરુષો જ ભજવે, ખાસ તો અજાતસ્મશ્રુ કિશોરો.

નાટક શરૂ થયું તે પહેલાં નૃત્ય અને ગાન. ગાનનું મહત્ત્વ વિશેષ, સૂત્રધાર પ્રવેશે, નૃત્ય સાથે. નાટકના નામનો નિર્દેશ ‘પારિજાત હરણમ્.’ સંવાદો પદ્યમાં ચાલે. વચ્ચે વચ્ચે નૃત્ય આવે, સૂત્રધાર તો આવીને જાય નહીં, છેલ્લે સુધી રહ્યો. વચ્ચે વચ્ચે સૂત્રો જોડી આપે, આપણને આ સ્વરૂપ હવે પુરાણું (આર્કેઈક) લાગે, પણ ચારસોે વરસથી ચાલી આવતી પરંપરા અસમની ગ્રામીણ, ધાર્મિક જનતા માટે જીવંત છે. ધાર્મિક દિવસોમાં તે અચૂક તેની રજૂઆત થાય. મોટા સત્રો હોય ત્યાં તો મોટાં નામઘર હોય, તે જ રંગભૂમિ બની રહે.

ખુલ્લા આકાશ નીચે બેસી આ બધું જોવા-સાંભળવાનું ખૂબ ગમ્યું. બીરેનદા વચ્ચે વચ્ચે મારે માટે ‘સૂત્રધાર’નું કામ કરતા જાય, અસમના લોકજીવનનું એક મસ્ત પ્રકૃત રૂ૫ બિહુ નાચગાનમાં જોયું. એક સ્વસ્થ સંસ્કૃત રૂપ સત્રીયનાટમાં. ભવાઈ મંડળીઓ હવે ખાસ ગામડાંઓમાં નથી આવતી. પહેલાં અમારા ગામમાં ભવાઈ આવે ત્યારે વડીલોની તે જોવા જવા માટે અમને મનાઈ હોય. હમેશાં તે પળાતી નહીં. ભવાઈમાં થોડી અશ્લીલતા, ખાસ તો સંવાદોની શ્લેષોક્તિઓમાં લાવ્યા વિના ‘નાયક’ને કળ વળે નહીં. બિહુ પ્રત્યે એક સમયે એવો ભાવ હતો, પણ હવે તે બૃહત્ અસમનું એક રાષ્ટ્રીય પર્વ છે, શિવસાગરમાં શિવદોલના પ્રાંગણમાં જ ‘સાત ભણિર રંગાલિ બિહુ’ની જાહેરાત જોઈ જ હતી.

કાર્યક્રમ ચાલુ હતો. છતાં અમે નીકળ્યા, બીરેનદા કદાચ મારે કારણે જ બેઠા હતા. અમે ચાલતા ચાલ્યા. શાંત બનતા જતા માર્ગો જનવિરલ હતા, પણ ભીતર આજે ભીડ હતી.

ઘેર આવી એટલે કે ઉતારે આવી આ બધું ટપકાવવા બેસુ છું. ચા આવે છે. લખું છું, વચ્ચે ચાના ગરમ ઘૂંટ પીતો જાઉં છું. બાજુમાં નજર કરું છું, કવિ નીલમણિએ આપેલ ગમછો ગડીબંધ પડ્યો છે. નાનકડો એ ગમછો હું ઉકેલું છું જાણે સમગ્ર અસમની હૃદયલિપિ!

માર્ચ ૧૯

સ્વચ્છ દિવસ છે. સૂર્ય ક્ષિતિજ બહાર આવી ગયો છે. રૂમમાંથી બહાર આવી શાંત વહી જતા બાબા બ્રહ્મપુત્રનાં દર્શન કરું છું. ભૂરાં પાણી વહી રહ્યાં છે. સપાટી પર કોમળ ‘રિપલ્સ’ છે. ત્યાં વચ્ચે ઉમાનંદ પાસે પાણી તાણ અનુભવે છે. એક સ્તબ્ધતાનું વાતાવરણ છે, તેમાં પંખીઓનો અવાજ સંભળાય છે. આજે સવારમાં ફ્રી છું. ઉમાનંદ જઈ આવું. સાંજે તો બિરેનદાને ત્યાં જવાનું છે અને ત્યાંથી અસમ સાહિત્ય સભામાં. સભા તરફથી સ્થાનિક સાહિત્યકાર મિત્રો સાથે મિલનપ્રસંગ છે.

બ્રહ્મપુત્રના ઘાટ પર પહોંચ્યો કે શર્ટ-પાટલૂન પહેરેલો એક માણસ આવીને કહે— ઉમાનંદ જાઓગે? મેં કહ્યું, ‘હા.’ ‘હમ લે જાએંગે.’ ‘કિતને રૂપયે? જાને આને કે છ. વધારે તો હતા જ; પણ મેં હા પાડી. મારા એકલા માટે હોેડી કરવાની હતી. પછી તો તે મને તેની હોડી પાસે લઈ ગયો. મને થયું હોડી એની માલિકીની હશે અને હોડી ચલાવનાર ‘નાવરિયા’ તો કોઈ છોકરો હશે; પણ પોતે જ ચાલક હતો. જોતજોતામાં કપડાં બદલી નાખ્યાં. ‘નાવરિયા’ બની ગયો. કહે — ‘શહેર જાતે હે તો અચ્છે કપડે પહન કર.’ મને મળ્યા ત્યારે એ શહેરમાં જવા નીકળેલો,

મેં કહ્યું — ‘તમે અસમિયા નથી?’ કહે — ‘અહમિયા છું; પણ હિન્દી બોલું છું, નેપાળી બોલું છું. અંગ્રેજી પણ બોલું છું.’ આ બધાનો પરચો તે મને આપતો જતો હતો. અહીં આવતા હિપ્પીઓની વાત પણ કરતો જાય. હોડી તેણે પૂર્વાભિમુખ કરી, કિનારે કિનારે લીધી. મેં કહ્યું —‘પ્રવાહ બહુ શાંત છે.’ તો કહે — ‘ઉપર સે શાન્ત હે બાબુ, કિન્તુ અંડર કરન્ટ બહુત હૈ.’ બ્રહ્મપુત્રના અંડરકરન્ટ વિષે અગાઉ સાંભળ્યું હતું. એનાં ઊંડા પાણી ઉપર શાંત જતાં લાગે, પણ અંદર વેગથી દોડતાં હોય—ધસમસતાં.

નાની અનેક હોડીઓ માણસો અને માલ લાદીને અવરજવર કરતી હતી. ફેરી સર્વિસ પણ હતી. એક જમાનામાં તો બંગાળના ઉપસાગરથી નાનાં મોટાં જહાજ પ્રવેશે તે છેક ડિબ્રુગઢ સુધી. આજે યે અવરજવર છે, પણ હવે વચ્ચે આવ્યા બાંગ્લાદેશ. આ આખો પૂર્વ વિસ્તાર જળમાર્ગોથી ટેવાયેલો છે. આખી અસમ બંગાળની સંસ્કૃતિ જ નદી સંસ્કૃતિ (રાઈપેરિયન કલ્ચર). હોડીએ જ ‘ગ્રેટેસ્ટ લિટલ વીહિકલ.’ નૌકા શબ્દ વધારે પ્રચલિત.

ફેબ્રુ-માર્ચમાં બ્રહ્મપુત્ર ક્ષીણતનુ ગણાય છે, પણ આ જો ક્ષીણતનુ હોય તો… ઉમાશંકરે ઑક્ટોબરમાં જોયો હતો, ‘નિસર્ગ યુવરાજ’ બહ્મપુત્ર નીકમાંથી વહેતા સમુદ્ર જેવો લાગેલો! અમે પહેલાં ઉર્વશીકુંડ તરફ ગયા. ઉર્વશી સાથે ખરે જ આ નાનકડા પાષણદ્વીપનો કોઈ સંબંધ હશે? નાવરિયા કહે — ‘હમકો તો પતા નહીં બાબુ, કિ, યહ ઉર્વશી હૈ, વહ એક સ્વર્ગ કી પરી રહી, યહાં સ્નાન કરને આતા.’ ઉર્વશી-અહીં સ્નાન કરવા આવતી? મારું રોમાંટિક મન ઉર્વશીને વિચારે ચઢી ગયું. તેમાંય આ તો સ્નાન કરવાની વાત હતી! ઉર્વશી તો વેદમાંય છે, કાલિદાસમાંય છે અને શ્રી અરવિંદમાં પણ—પણ મને રવીન્દ્રનાથની ઉર્વશી સ્ફુરી રહી, રિલ્કેની ‘વિનસનો જન્મ’ કવિતા સ્ફુરી રહી. ઉર્વશી એટલે સૌન્દર્યનો અવતાર. મર્ત્યલોક ભલે એને માટે ઝૂરે પણ તેણે વૈદિક પુરુરવાને કહ્યું હતું તેમ તે ‘પવનની જેમ દુષ્પ્રાપ્ય’ છે. પવનને કોઈ મૂઠીમાં બાંધી શક્યું છે કે ઉર્વશીને બાંધી શકે! કદાચ ઉર્વશી એક ‘ખ્યાલ’ જ હોય, પેલા ઉર્દૂ શાયરે કહ્યું છે કે દિલ બહેલાવવા જેમ સ્વર્ગ પણ એક ખ્યાલ જ છે! બાકી સ્વર્ગ જેવી કોઈ ચીજ ક્યાં છે?

ઉર્વશી દ્વીપે હોડી અટકી ઊભી રહી. ટાપુ પર ઊતર્યો. પથ્થર વચ્ચે નદીની રેત ભરાયેલી હતી. કિનારે કિનારે ફરતાં જોયું—પ્રાચીન શિલ્પો હતાં આ પથ્થરા પર. એ વિષે વાંચેલું હતું. બ્રાહ્મીલિપિમાં લેખ પણ જોયો અને દશાવતારનું શિલ્પ પણ.

પૂર્વાભિમુખ થઈ થોડીવાર હું ઊભો રહ્યો. એ દિશામાંથી બ્રહ્મપુત્ર વહી આવે છે. મારી ચારે બાજુએ બ્રહ્મપુત્ર વહી રહ્યો છે. કિનારે એક શિલા પર પાણીમાં પગ ઝબોળીને બેસું છું.

ઉર્વશી આમ જ પોતાની કાંતિ જોવા પાણીમાં પગ ઝબોળી બેસતી હશે! કલ્પના, નરી કલ્પના. પણ એ કલ્પના રોમાંચકર છે. મને ય સ્નાન કરવાની ઇચ્છા થઈ આવી. બ્રહ્મપુત્રના મધ્યપ્રવાહમાં સ્નાન. મહેશ્વર આગળ નર્મદાનો પ્રવાહ જ્યાં સહસ્ત્રધારા બને છે ત્યાં વચ્ચે ઊપસી આવેલા આવા એક ટાપુ પર નિરાંતે સ્નાન કર્યું હતું. પણ અહીં તો પહેર્યે કપડે જ. સ્નાન તો શું, સ્નાનનો સંતોષ.

તડકો હતો, પવન હતો. ભીનાં કપડાં સુકાવા લાગ્યાં અને નાવરિયા સાથે વાત થવા લાગી — મેં કહ્યું—ચોમાસામાં આ ટાપુ ડૂબી જતો હશે. એની વાણીમાં પૂર આવ્યાં. કહે — ‘અરે બાપરે બાપ—એ જે તીન સીડિયાઁ હે, વહાઁ તક પાની આ જાય તો મદ્રાસ, દિલ્હી, કલકત્તા, મુંબઈ, બાંગ્લાદેશ સબ ડૂબી જાયગા પાની મેં. અરે બાપરે બાપ, જબ બાઢ કો પાની આતા હૈ બ્રહ્મપુત્રમેં તો હમ ભી ડર જાતા હૈ. ક્યા ઊછલતા હૈ પાની! જોરસે આતા હૈ, એક વહાઁ (ઉમાનંદ) ટકરાતા હૈ, ફિર દૂસરા યહાઁ ઔર તીસરે ફિર વહાઁ. એસા ન હો તો ગૌહાટી કો બહા લે જાય. ઇતની આવાજ હોતી હૈ કિ કુછ ભી સુનાઈ નહીં પડતા. હમ ભી નાવ લેકર નિકલતે હૈં તો બાબા શંકર સે કહતે હૈ — ‘તૂ હી લે જાના બાબા!’

ચુન્નાલાલ (નાવરિયાનું નામ) બ્રહ્મપુત્રની વાત કરતાં ખીલી ઊઠ્યા. એની વાણી બંધ કરવી મુશ્કેલ હતી. મારે નિસ્તબ્ધતા જોઈતી હતી. અહીં અત્યારે તો ધીમેથી અથડાતા બ્રહ્મપુત્રની કલવાણી જ માત્ર સાંભળવી હતી.

ઉમાનંદ જવાનું હતું. આ વખતે મેં હલેસાં મારવાનું શરૂ કર્યું. ચુન્નાલાલ કહે — ‘બાબુ આપ પાસ હો ગયા, સર્ટિફિકેટ મિલેગા.’

ઉમાનંદ થોડા ઉપર ચઢીને જવાનું હતું. શિવે ઉમાને આનંદ આપવા ખરે જ અનન્ય સ્થળ શોધી કાઢયું છે. આ ટાપુ વૃક્ષવેલીઓથી ભરેલું છે. મહાત્મ્ય ધરાવતું અહીં જૂનું મંદિર છે. કેટલીક સ્ત્રીઓ ભગવતી પૂજાવિધિ કરતી હતી. આરાધનાનું આ દૃશ્ય આંખને ગમતું હતું. પૂર્વ તરફ જઈ ઊભો. હં — તો અહીં બ્રહ્મપુત્રનો પ્રવાહ સૌ પહેલો અફળાય છે! રૂંવાડાં ઊભાં થઈ જાય તેવું દૃશ્ય સર્જાતું હશે. શિવને કદાચ આવાં જ પરિદૃશ્યમાં પ્રેમ કરવાનું ફાવતું હશે. પોતે તાંડવના દેવતા રહ્યાને!

અંગ્રેજોએ આ ટાપુને અંગ્રેજી નામ આપ્યું છે — ‘પીકૉક આઇલૅન્ડ.’ વાત ખરી છે, ટાપુનો આકાર મોર જેવો લાગે ખરો.

ફરી નાવમાં, ફરી ચુન્નાલાલની વાક્ધારા, ‘અરે બાપરે બાપ, વો દેખો, કિતને લોગ કો નાવ મેં બિઠાયા હૈ! કિતના ડેન્જર કા કામ હૈ — આંધીતુફાન હો તો ક્યા હો?

‘હમ તો જ્યાદા બૈઠાતે હી નહીં…’ હું બ્રહ્મપુત્રના રૂપ-ચિંતનમાં મગ્ન હતો. એ પોતાની વાતોમાં.

થોડી વારમાં તો હું ઘાટ પાસે પથરાયેલા શાકબજારમાં હતો. ત્યાંથી એકદમ ચાલ્યો ગયો અસમના ભૂતકાળમાં — ‘અસમ બુરંજી આરુ પુરાતત્ત્વ વિભાગ’માં. ગઈ કાલે તેના આસિ. ડિરેક્ટર શ્રી બર્મને આમંત્રણ આપ્યું હતું. અહીં પ્રાચીન સચિત્ર અસમિયા હસ્તપ્રતો જોવા મળી. તેમાં કવિરાજ ચક્રવર્તીની ‘શંખ-ચૂડવધ.’ ભોલાનાથ દ્વિજકવિનું ‘મહાભારત શલ્ય પર્વ’ અને ‘હસ્તિ-વિદ્યાર્ણવ’ની પ્રતો હતી. અસમિયામાં રામાયણ, ભાગવત અને મહાભારતના અનુવાદ સોળમી સત્તરમી સદીમાં વ્યાપક રીતે થયેલા. આ અનુવાદ મુક્ત એ રીતે છે કે તેમાં અસમિયા કવિ-અનુવાદકોએ અસમના જનજીવનની વાત પણ પ્રસંગાનુકૂલ ગૂંથી લીધી છે. રાજાઓ અનુવાદ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા. એક રાજાએ એક કવિને ત્યાં, સંભવ છે કે કવિ રામ સરસ્વતીને ત્યાં મહાભારતની સંસ્કૃત પોથીઓ ગાડું ભરીને મોકલેલી-અનુવાદ માટે. શંખચૂડવધમાં નાયિકાનું ચિત્ર મોગલ મિનિએચર પેઈન્ટિંગ જેવું — માથાના એક એક કેશ ગણી શકાય- સુંદર આંખો, ભરપૂર છાતી, આભૂષણખચિત દેહ. મહાભારતની પ્રતને તો દરેક પાનાને બોર્ડ૨, દરેક પાનાની બોર્ડરની ડિઝાઇન જુદી પાછી!

ઉતારે આવ્યો ત્યારે ખાસ્સો તડકો લાગતો હતો. બ્રહ્મપુત્રનાં તડકામાં ચમકતાં પાણી જઈ રૂમમાં ગયો. જમ્યા. હવે ભાતની સાથે ‘રોટલી’ (બીજું શું નામ આપવું?) પણ બનાવી આપે છે.

સાંજે અસમ સાહિત્ય સભાના સેક્રેટરી જતીન ગોસ્વામીનો ફોન આવ્યો. પ-૩૦ વાગ્યે સભા છે. ક્યારે લેવા આવું? મેં કહ્યું — અહીંથી હમણાં જ નીકળું છું. બીરેનદાને ત્યાં જાઉં છું. ત્યાંથી નવકાંત બરુવા અને નિર્મલપ્રભા બદલૈને ત્યાં થતા સભા પર સમયસર પહોંચી જઈશું. તરત જ બીરેનદાનો ફોન આવ્યો — આવો છો ને? હું નીકળ્યો. બીરેનદાનું ઘર ખરઘુલીની ટેકરી પર છે. અહીંથી નદીને કાંઠે કાંઠે રસ્તો છે. ચાલતાં ચાલતાં લાલ ટેકરી આવી. ઘણું ચઢવાનું હતું. પૂછતાં પૂછતાં બીરેનદાનું ઘર શોધી કાઢ્યું. અહીં ખાસ મકાનો છે જ નહીં. અહીંતહીં થોડા છૂટાછવાયા આવાસો છે.

બીરેનદાએ કહ્યું, ચાલો ઉત્તરની ગૅલરીમાં બેસીએ. જેવા ગૅલરીમાં આવ્યા કે બ્રહ્મપુત્રનું મનોહર દર્શન! આ પહાડી ઉપરથી સારો પરિપ્રેક્ષ્ય મળે છે, છેક દૂર સરાઈઘાટના પુલ સુધીનો. વચ્ચે ઉમાનંદ, ઉર્વશી દેખાય. અહીં સાંજ વહેલી પડે છે. સરાઈઘાટ ઉપર સૂરજ નમતો હતો. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત અહીંથી જોવો જોઈએ. કવિ કહે — જ્યારે બ્રહ્મપુત્રમાં પૂર હોય ત્યારે અહીંથી એનું દર્શન કરવું એટલે! મારા જીવનનો એક ભાગ બની ગઈ છે હવે આ નદી — એમણે એને વિષે એક કવિતા વાંચી—

એઇ નદી કાલ
એઇ નદી કાલર સાૅંત
એઇ નદી સ્મૃતિર મૃણ્મય મૂર્તિ
એઇ નદી પ્રાકૃતિક અજન્તા
એઈ નદી બીરા, માનુહે યાક
પુંહિબ ખોજે શક્તિર બાબે
એઇ નદી શાન્તિ
એઈ નદી પથ
એઇ નદી એઈ મેર લગરી…

(આ નદી કાળ છે, કાળનો પ્રવાહ છે, સ્મૃતિની મૃણ્મય મૂર્તિ છે. પ્રાકૃતિક અજંતા છે, અસુર છે જે પોતાની શક્તિથી માણસને મહાત કરી દે છે, શાંતિ છે, પથ છે, મારી સખી છે.)

ખરઘુલીની પહાડી પરથી દૂરસુદૂર વિસ્તૃત બ્રહ્મપુત્રના જલપ્રવાહને જોતાં જોતાં અનેક વાતો થતી રહી, તેમના પિતાના જીવનની પણ. વાતોમાં જ સમય થઈ ગયો. અમે તેમના ઘેરથી નીકળ્યા. ઉત્તર બાજુથી ખરઘુલી ચઢ્યો હતો, દક્ષિણ તરફ અમે ઊતરવા લાગ્યા. એ બાજુ જ નગર. બીરેનદા કહે— પેલું નવગ્રહ મંદિર, અચ્છા, તો એ હતું પ્રસિદ્ધ પુરાણું મંદિર, અસમમાં એક વેળા મંત્રતંત્ર-જ્યોતિષની બોલબાલા હતી તેના પુરાવા રૂપ. સમયને અભાવે અત્યારે ત્યાં જવાનો વિચાર પણ ન કર્યો. રસ્તાની ધારે આવ્યું એક નાનકડું નામઘર-મણિકૂટ સાથેનું. ટેકરીના ઢોળાવ પર અશોકનાં લાલ પુષ્પ ગુચ્છો જોઈ મન રાજી થઈ ગયું. અશોકનાં ફૂલ વિશે હિન્દી સાહિત્યકાર હજારીપ્રસાદ ત્રિવેદીએ એક ઉત્તમ નિબંધ લખ્યો છે. હું ભણ્યો હતો એ નિબંધ, પણ ફૂલ આજે જોયાં! ટેકરી ઉપરથી નીચે પથરાયેલું આખું નગર દેખાતું હતું, જાણે ટેકરીની ઓથમાં લપાયેલું ન હોય! નગરમાં ઊંચાં મકાનો નથી. ધરતીકંપની ધરતી છે આ. અસમના ધરતીકંપની વાત બહુ જૂની થઈ નથી.

ગુવાહાટી પર સંધ્યા ઊતરી હતી. બીરેનદા ગુવાહાટીની પ્રાચીનતાની ચર્ચા કરતા હતા. નરકાસુરે આ નગર વસાવેલું. નરકાસુર જનકરાજાનો દત્તક પુત્ર હતા, તેણે અહીં આવી અહીં વસતા કિરાતો સામે એક સૈન્ય ઊભું કરી તેમને જીતી લીધા. કિરાત સંસ્કૃતિ સાથે આર્ય સંસ્કૃતિનો સંઘર્ષ અને સમન્વય થયો. અસમનું આર્યીકરણ થયું તેમ છતાં પણ કિરાત સંસ્કારો કાયમ રહ્યા.

અમે વસતીમાં આવી ગયા હતા. બીરેનદાની વાત ચાલુ હતી. કહે — કૃષ્ણ ગુવાહાટીમાં ત્રણવાર આવ્યા હતા, એક તો પહેલીવાર નરકાસુરનો વધ કરવા. બીજી વાર રુક્મિણીનું હરણ કરવા અને ત્રીજીવાર બાણાસુરની સામે પૌત્ર અનિરુદ્ધને મદદ કરવા. (ઉષા—અનિરુદ્ધ કે ઓખાહરણનો પ્રસંગ). કહે છે કે જ્યારે રુક્મિણીને ઉપાડી જવા આવ્યા ત્યારે તે અને તેમના ઘોડા ખૂબ થાકી ગયેલા. ગુવાહાટીની ઉત્તરકાંઠાના બ્રહ્મપુત્ર પર વિશ્રામ કરેલો. તે જગ્યા આજેય અશ્વક્લાન્ત નામે ઓળખાય છે. કૃષ્ણ ત્યાં ગાઢ નિદ્રામાં પોઢી ગયેલા થોડી વાર.

મેં કહ્યું, ‘અશ્વક્લાન્ત’ બહુ ‘પોએટિક’ શબ્દ છે — કહે — અસમિયામાં તેના પર કવિતા છે જ. કૃષ્ણનું ચરિત્ર આમેય નાનાપણથી ‘ફેસિનેટિંગ’ લાગ્યું છે — તેમની અનેક મુદ્રાઓ મનમાં ઘડાયેલી છે — ‘અશ્વક્લાન્ત’ કૃષ્ણ — એક નવી મુદ્રા!

સભામાં પંદર-વીસ સાહિત્ય પ્રિય જનો હતા. સભાનું સંચાલન એકદમ વ્યવસ્થિત, બધી જ ઔપચારિકતાઓના નિર્વાહ સાથે. બધું સંચાલન અસમિયામાં ચાલ્યું. મારી પણ એ જ ઇચ્છા હતી. આદરના પ્રતીકરૂપે પ્રમુખે મને ‘ગામોછા’ ઓઢાડ્યો, અને સાથે સભાનાં કેટલાંક પ્રકાશનો આપ્યાં.

સભામાં વક્તાઓ એકપક્ષી નહોતા. અસમિયા કવિતા, નવલકથા, નાટક વિશે પણ વાર્તાલાપ. તે પછી ગુજરાતીમાં આ સાહિત્ય સ્વરૂપોની પ્રવૃત્તિ વિશે મારો વાર્તાલાપ, જાણે નોટ્સ મેળવતા હોઈએ.

કવિ નવકાન્તે અસમિયા કવિતા વિશે વાત કરી, અસમિયામાં, વચ્ચે અંગ્રેજી પણ બોલે. તેમણે ઘણા મુદ્દા આવરી લીધા. ‘સામ્પ્રતિક કવિતામાં’ તેમણે કહ્યું, એક વખતના અભૂતપૂર્વ કવિઓ હવે ભૂતપૂર્વ બની ગયા છે, મારા સુધ્ધાં. નવી પેઢી આવી છે, પણ તે અગાઉથી એટલે જુદી નથી (બેશી બેલેગ ન હય.) ભાષા પણ જુદી નથી પડતી, છંદ પણ નહીં. આધુનિકતા-બોધ સંદર્ભે તેમણે પાશ્ચાત્ય કવિતાની અસરોની વાત કરી. ફ્રેંચ પ્રતીકવાદી કવિતા, એલિયટની કવિતામાંથી પાશ્ચાત્ય ટેક્નિકો અપનાવી, પણ ટેક્નિકની સાથે ‘થીમ’ હોય તેનું શું? પાશ્ચાત્ય વિચારો ઉછીના વિચારો બની રહ્યા છે, આપણા બન્યા નથી. એટલે અહીંના કવિની શોધ તેનાં મૂળિયાંની શોધ છે.

નવકાન્તે કહ્યું કે અસમનો મધ્યમવર્ગ દેશના કેટલાક વિભાગના મધ્યમવર્ગથી જુદો છે. અહીં એકે મોટું શહેર નથી. શહેરના ભદ્રલોક અને ગામડાના ભદ્રલોક (ગામ આરુ નગ૨) વચ્ચે બહુ ભેદ નથી. અસમિયા જનજીવન જરા જુદું છે. ‘પૂર્વભારતેર વિશેષ એકટા સાંસ્કૃતિક રૂપ.’ અહીં કિરાત સંસ્કૃતિ વત્તા આર્યસંસ્કૃતિનું, હિંદુ સંસ્કૃતિનું મિશ્રિત રૂ૫ છે— હિંદુઆઈઝેન ઑફ પ્રિમિટિવ કલ્ચર, એટલે અસમિયા કવિતા મોંગોલોઇડ કવિતાના ટયુનમાં છે. ચીન કે જાપાનની કવિતા સાથે એનો મેળ વધારે બેસે. one idea in one single stanza, that is in our blood. બિહુગીતોનું રૂપ હાઈકુ જેવું છે. તે પછી ઉદાહરણ સાથે કવિ નવકાન્તે કેટલાક નવ કવિઓની વાત કરી. નીલમણિ ફુકન, હીરેન ભટ્ટાચાર્ય, અવનિ ચક્રવર્તી, નિર્મલપ્રભા આદિની.

બીરેનદાએ અસમિયા નવલકથા વિશે વાત કરી. ગુજરાતી સાહિત્યની આધુનિક ગતિસિદ્ધિ વિશે મેં વાત શરૂ કરી, ત્યારે બધાએ કહ્યું — દશેક મિનિટ ગુજરાતીમાં બોલો. ઘણીખરી વાત તેમને સમજાતી લાગી. દરમિયાન ચા અને તાંબોલ. ગુવાહાટીમાં ગુવા—સોપારીની શી ખોટ! આ મિલન યાદગાર બની રહેશે. સભા પછી કવિ નવકાન્ત સાથે ઘણી વાત થઈ. નવકાન્તમાં એક સૂક્ષ્મ વિનોદવૃત્તિ અછતી રહેતી નથી, બીરેનદા સતત ગંભીર, ઉદાસ તો ખરા જ.

હવે જાણે શ્વાસમાં અસમની ઘ્રાણ અનુભવાય છે.

માર્ચ ૨૦

ગુવાહાટીની કૉટન કૉલેજ અહીંની એક પુરાણી કૉલેજ છે. એના દીદાર જોઈને જ લાગે. કૅમ્પસ ઠીક ઠીક મોટો છે. પતરાંના છાપરાવાળી એક માળવાળી કૉલેજ તો એક આ જોઈ. પણ કૅમ્પસમાં ફરતાં લાગે કે એક વિદ્યાધામમાં ફરીએ છીએ. કલકત્તાની કૉલેજો-યુનિવર્સિટીઓની જેમ, અહીં પણ દીવાલો સૂત્રોથી ભરેલી છે. કલકત્તાની જ અસર હશે. મને લાગે છે કે ત્યાંના છાત્રો આપણી કૉલેજ કે યુનિવર્સિટીઓ જુએ તો ચિતરામણ વિનાની દીવાલો જોઈને જરૂર નવાઈ પામે.

નવકાન્ત બરુવા કૉટન કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક છે. તેમને મળવાનો સમય લીધો હતો. સરકીટ હાઉસથી માંડ દશ મિનિટનો પગરસ્તો. દીઘલી પુકુરી (લાંબી તળાવડી)ને કાંઠે કાંઠે. હું ગયો ત્યારે કવિ વર્ગમાં હતા. થોડીવારમાં આવ્યા. તેમના વિભાગમાં જઈ બેઠા. વિભાગના સાથીઓ જોડે પરિચય કરાવ્યો.

નવકાન્તે સિગારેટ સળગાવી, વાતો વાતોમાંથી વાત નીકળતી ગઈ, અસમ, અસમની સંસ્કૃતિ, અસમની કવિતા, તેમની પોતાની કવિતા.

તેમણે કહ્યું તેમની કવિતાનો એક મુખ્ય વિષય છે—રૂપાંતરણ—‘મેટામોરફોસિસ’નો. તેમાં પાયાનું કલ્પન છે — ઈયળમાંથી કોશેટો, કોશેટામાંથી પતંગિયું—‘રત્નાકર’માંથી ‘વાલ્મીકિ’ થવાની વાત. આવાં બીજાં પરદેશી પાત્રો છે લેજારસ, ઑર્ફિયસ વગેરે.

પૌરાણિક પાત્રો વિષે તેમણે કરેલી કવિતાઓની વાત કરી. રાવણ એક કલાકાર હતો. અશોકવન એ કલાકારનું સુઆયોજિત ઉપવન હતું. રાવણે સંગીતની કલામાં પણ ફાળો આપ્યો છે. પ્રજ્ઞાનંદ નામના લેખકના પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે.

પછી ટૂંકી કવિતાની વાત નીકળી. ગઈ કાલે જ નવકાન્તની ‘થીસિસ’ સાંભળેલી કે ટૂંકી કવિતાની રીતિ કિરાતરીતિ છે. જાપાન, ચીન, મોંગોલિયામાં આવી કવિતા છે, એક કડીમાં આ ભાવ. મેં તેમને સંસ્કૃત સુભાષિતની યાદ દેવડાવી. સંસ્કૃતનાં સુભાષિતોમાં એક શ્લોકમાં જ આખો ભાવ હોય છે. આ શ્લોકોની પરંપરા ચીન-મોંગોલિયા-જાપાનમાં પહોંચી. એટલે છેવટે તો કદાચ એ આપણી જ પરંપરા હોય એમ મેં કહ્યું. તેમણે કહ્યું, પણ ત્યાં હવે ખરે જ રૂઢ થઈ ગઈ છે. અમારે ત્યાં અત્યારે જે ટૂંકી કવિતાનું વલણ છે, તે સંસ્કૃતની પરંપરાથી નહીં, ચીન-જાપાનની પરંપરાથી પ્રભાવિત છે. વળી અસમની સમગ્ર સંસ્કૃતિમાં કિરાત-મોંગોલ સંસ્કાર છે, એટલે એ કવિતા સાથે અમને એક જાતની ‘એફિનિટિ’ પણ લાગે છે.

પછી કહે, કવિઓએ નવીનવી અનુભૂતિની કવિતાઓ કરવી જોઈએ. આપણા બધા કવિઓ મોટે ભાગે અધ્યાપકો છે. એટલે એક જ જાતની સંવેદના જોવા મળે છે. એટલે તેમણે પોતે તો હૉસ્પિટલ ડાયરી (ઇસ્પિટેલર ડાયેરી)ની કાવ્યશ્રેણીમાં નવપ્રયોગ કર્યો. કહે, અસમિયા કવિતામાં હમણાં તો બે પ્રૌઢ (મેજોર) કવિઓ છે—એક નીલમણિ ફુકન અને બીજા નવકાન્ત બરુવા. major poets, not great poets —કહી પછી હસી પડ્યા. પછી નિર્મલપ્રભાની કવિતાની વાત નીકળી. કહે, નાજુક ચીજની કવિતા. This gift came to her from writing songs. પણ પછી તેઓ પોતાના જ અનુકરણમાં પડી જાય છે. કેટલાક કવિઓ બીજાનું અનુકરણ કરે છે, કેટલાક પોતાનું. પણ અનુકરણ માત્ર મારક હોય છે.

બરુવામાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ છે. મજાક કરી શકે, આંખ મીંચકારી શકે. મને વારે વારે આપણા વારિસ હુસેન અલવી યાદ આવે. ચા પીતાં પીતાં ગુજરાતી સંચય માટે પસંદ કરેલી અસમિયા કવિતાની યાદી જોઈ કહે હજુ વધારે નવકવિઓને સ્થાન આપો.

કૉલેજ સમય પૂરો થતાં (સવારની કૉલેજ હતી) કહે, ચાલો હવે ઘેર. નવકાન્તની પોતાની મોટરગાડી છે. પોતાની ગાડી વિષે વિનોદ કરે. બુઢિયા હો ગઇ હે, ૧૯૬૫ મોડેલ. ધીમે ધીમે ગાડી ચલાવતા હતા. બરાબર એસ. આર. ભટ્ટ સાહેબની ગાડી અને તેમની ચલાવવાની રીતિનું સ્મરણ થયું.

નવકાન્તને ઘેર જતાં વળાંકો ઘણાં આવે. ઘણું ડાબા-જમણી કરવું પડે. ગાડી ચલાવતાં ચલાવતાં કહે — turn right and then left and then right and then left… એટલે હું ય રાઇટ-લેફ્ટ કરું છું. મારા પર આક્ષેપ છે કે હું ‘કન્સિસ્ટંટ’ નથી!

તેમના ઘર આગળ આવીને ગાડી ઊભી રહી. મોટું ઘર પણ માળ એક જ. ગાડી પાર્ક કરી, પહેલાં તેમનો નાનકડો બાગ બતાવ્યો. નવાનવા પુષ્પછોડ વાવવાનો તેમનો શોખ જોઈને અચરજ થયું. તેમણે પણ ઑર્કિડ બતાવ્યાં, ખૂબ જતનપૂર્વક એનો ઉછેર કરેલો. કહે, નીલમણિમાં અને મારામાં—અમારા બંનેમાં એક વસ્તુ ‘કોમન’ છે — ઑર્કિડનો શોખ. કદાચ એટલે જ અમે ‘મેજર’ કવિઓ છીએ, કહી આંખમાં સ્મિત છલકાવ્યું. અમે ઘરમાં ગયાં, તેમનાં પત્ની આવ્યાં. પરિચય કરાવતાં કહે — this is the hen that pecks me! તેમનાં પત્ની હસી રહ્યાં. મને ઉમાશંકરભાઈનું કથન યાદ આવ્યું કે અસમિયા પતિ પોતાની પત્નીના વશવર્તી હોેવામાં જાણે કે ગૌરવ માને. લંચ તેમને ત્યાં જ લીધું. પછી કહે, તમારો શો કાર્યક્રમ છે? હું ફ્રી છું — તમારે અસમનું આર્કિઓલોજિકલ મ્યુઝિયમ જોવું જોઈએ. ચાલો, આપણે જઈએ.

મારે ચાર વાગ્યે જતીન ગોસ્વામીને મળવાનું હતું. તેઓ હસ્તઉદ્યોગ વિભાગમાં અધિકારી છે, અને મારે અસમની કેટલીક વસ્તુઓ ખરીદવાની હતી એટલે ઍમ્પોરિયમમાં જ મળવાનું હતું. એટલે નવકાન્તના પ્રસ્તાવથી તો મને આનંદ આનંદ થઈ ગયો; છતાં મેં વિવેક કર્યો — તમારો સમય…. પણ મને બોલવા જ ન દીધો. ચાલો. ફરી ધીમી ગતિની ગાડી. રાજ્ય સરકાર સંચાલિત મ્યુઝિયમ. ત્યાંના અધિકારી બરુવાના છાત્ર. ફરી ફરી તેમણે બધું બતાવ્યું. અસમના સંચિત ભૂતકાળમાં એક ડોકિયું કરવાની તક મળી. શિલ્પ, ચિત્રકલા, પ્રાચીન વાજિંત્રો, શસ્ત્રો, પોશાકો, અભિલેખો… બે કલાક ક્યાં વીતી ગયા, તેની ખબર ન પડી. બરુવા મને સરકારી ઍમ્પોરિયમ સુધી મૂકી ગયા. વિદાય લીધી.

જતીન ગોસ્વામી આમ તો સાહિત્યકાર પણ બહુ ધંધી માણસ. અનેક એમની પ્રવૃત્તિઓ. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદવામાં સહાય કરી. પછી કહે, ચાલો નિર્મલપ્રભાને મળવા જઈએ. નિર્મલપ્રભાની કવિતાઓની વાત તો સાંભળી જ હતી. પણ પછી વિશેષ જાણવા મળ્યું. તેમણે પુષ્કળ ગીતો — અસમિયા અને બંગાળી ફિલ્મ માટે લખ્યાં છે. પરંપરાગત બરગીતો માટે કંઠ કેળવ્યો છે. અસમિયાનાં અધ્યાપિકા છે. એક પ્રેસની દેખરેખ રાખે છે. નિર્મલપ્રભા એકદમ સહજભાવે મળ્યાં. વય વધારે નહીં, મારા જેટલી જ હશે. યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ ચાલતો હતો, ત્યાં જવાનાં હતાં. કહે, ચાલો હવે મારી સાથે યુનિવર્સિટી…

ભરપૂર નાસ્તો કરતાં કરતાં વાતો ચાલતી રહી. જરા વાચાળ અને ખુલ્લાં. કવિતાની વાતમાંથી પરિવારની વાતમાં પ્રવેશ થઈ ગયો. લગ્ન, લગ્નપ્રથાની વાત નીકળતાં મેં કહ્યું — હું તો ચૌદ વર્ષનો હતો ત્યારે મારું લગ્ન થઈ ગયેલું. મને થયું કે એ આશ્ચર્ય પામશે — પણ મને એમણે પરમ આશ્ચર્ય પમાડ્યું — કહે, બસ, હું તો એ ઉંમરે મા હતી! આપણે એકદમ ‘આઉટ’ થઈ ગયા. પણ આશ્ચર્યોની પરંપરા હજી ઊભી હતી. બે બાળકો આવ્યાં, તેમને પાસે બોલાવી કહે- મારાં ‘ગ્રાન્ડ ચિલ્ડ્રન’ છે. મારી દીકરીનાં સંતાનો, નિર્મલપ્રભાને પતિ સાથે વાંધો પડતાં વર્ષોથી તેમનાથી અલગ છે. પતિએ તો બીજું લગ્ન પણ કરી લીધું છે. નિર્મલપ્રભાએ પુત્રી-પૌત્રીઓનો સહવાસ રાખ્યો છે. થોડીવારમાં તો અમે પગરિક્ષામાં બેસી બસસ્ટૅન્ડ ભણી જતાં હતાં, લાગે જ નહીં કે અપરિચય છે. બસસ્ટૅન્ડ પર અનેક વિદ્યાર્થીઓ. લાગ્યું કે તેઓ વિદ્યાર્થીપ્રિય છે. કદાચ તેમનાં ગીતો અને ગાનને કારણે પણ હોય.

યૌવન હેલે ચઢ્યું હોય ત્યારે યુનિવર્સિટી કૅમ્પસનો રંગ બદલાઈ જતો હોય છે. અહીં એવું જ હતું. નિર્મલપ્રભા અનેક સમિતિઓમાં હસતાં જાય, અભિવાદન ઝીલતાં જાય, કામ ઉકેલતાં જાય. ફૂદડી માફક ફરે! અહીં છાત્રો વધારે જવાબદારી ઊઠાવતા લાગ્યા. રસોડામાં એ અનુભવ સુવ્યવસ્થિત થયો. હજારની સંખ્યામાં જમનારા હશે, બધી વ્યવસ્થામાં છાત્રો.

રાત્રે દશ વાગ્યે મને સર્કિટ હાઉસ ઉતારી ગયાં. કહે, કાલે હું અહીં તમને મળવા આવીશ. લગભગ દસ અગિયાર વાગ્યે. અદ્ભુત છે આ નારી!

રૂમમાં આવું છું, ત્યાં એક બીજા મહેમાન મળ્યા. ત્રિપુરાથી એક અધિકારી આવવાના હતા. એટલે પરસ્પર અભિવાદન પછી મેં કહ્યું ત્રિપુરાથી છો? કહે, ના-શિલોંગથી. આઈ એમ લાકિયાંગ —આસિસ્ટન્ટ કમિશ્નર ઑફ ટ્રાન્સપોર્ટ.

અમે સાથે ચા પીધી. આ શ્રીમાન લાકિયાંગ પણ વાચાળ નીકળ્યા. કેટલી બધી વાતો કરી શિલોંગની, શિલોંગના ખાસી જેંતિયા અને ગારો જનજાતિની! મારે માટે જાણે એક જીવતી જાગતી ક્તિાબ જ ખૂલી ગઈ. લાકિયાંગ પોતે જેંતિયા જનજાતિના. નામ તો પિલગ્રિમ, અર્થાત્ ખ્રિસ્તી થયેલા, પણ જીવ જેંતિયાનો. તાંબોલ, પાન, કાઢ્યાં. વાતોને વળ ચઢતો ગયો. મને પાનનો ટુકડો અને સોપારી આપતાં લાકિયાંગ કહે—અમારે ત્યાં સોપારી (ક્વાય)નું ખૂબ મહત્ત્વ છે. સ્ત્રીઓ પુરુષ બધાંને સોપારીનો અનહદ શોખ, લીલી (કાચી) સોપારી આખો દિવસ મોંમાં હોય. બધી ક્રિયાઓમાં સોપારીને અગ્રિમ સ્થાન. અતિથિનું સ્વાગત પણ સોપારીથી થાય. માણસ મૃત્યુ પામે તો કહેશે—પરલોકમાં વડવાઓ સાથે સોપારી ખાવા ગયા છે!

સેપારી-પાન પછી દારૂનો નંબર આવે. ઘણાંખરાં ઘરોમાં દારૂ ગાળવામાં આવે. સવાર સાંજ પીવે. ગુજરાતમાં દારૂબંધી છે એ વાત લાકિયાંગને નવાઈ પમાડતી હતી.

ખાસી, ગારો અને જેંતિયા ત્રણેય જાતિઓ માતૃપ્રધાન છે, લાકિયાંગ આ વાત રસપૂર્વક કહેતા હતા. પરણ્યા પછી છોકરો સાસરે રહે છે. પિતાને ઘેર રહી શકે નહીં’, કહે— અહીં અમારે ત્યાં વારસો છોકરીને મળે છે. એક કરતાં વધારે છોકરીઓ હોય તો સૌથી નાની છોકરીને મળે. પછી હસતાં હસતાં કહે, એટલે પરણવા ઇચ્છતા છોકરાઓ સૌથી નાની છોકરી કુટુંબમાં હોય તેને માટે ઇચ્છુક ૨હે, અને જે નાની છોકરીને પરણીને આવે તે તો સાસુના ઘરમાં જ રહે, તેનાથી મોટી છોકરીઓને પરણનાર થોડા સમય પછી જુદાં રહેવા જાય, જો કે બધી વ્યવસ્થા સાસુ તરફથી જ થાય!

મેં કહ્યું—અમારે ત્યાં ‘ઘરજમાઈ’ એવો શબ્દ છે, પણ થોડો વ્યંગમાં વપરાય છે. ઘરજમાઈને સંપત્તિ મળતી હશે, પ્રતિષ્ઠા નહીં. એનું પૌરુષ ઘવાતું લાગે, ઘરજમાઈ થઈને રહેવામાં. લાકિયાંગ કહે, પણ અમારે ત્યાં તો આવું છે. સ્ત્રીઓ જ કર્તાહર્તા. ઘરની જવાબદારી પણ વધારે સંભાળે-સાચવે. એટલે છોકરાને અટક પણ માની જ મળે!

છોકરા-છોકરીઓ મુક્ત રીતે મળતાં હોય છે. તેમની વચ્ચે લગ્નપૂર્વ સંબંધ પણ બંધાય છે. તેમાં કોઈ ખાસ એબ ગણાતી નથી. કુંવારી માતાનો પ્રશ્ન અમારે ત્યાં એવડો મોટો નથી. બાળક થાય તે કુટુંબનું બનીને રહે.

પરંતુ ખ્રિસ્તી ધર્મ આવતા કેટલાક પુરાણા સંસ્કારો તૂટતા જાય છે. નવા આવતા જાય છે. તેમ છતાં હજી પરંપરાને આ જાતિઓ વળગેલી છે. તે એટલે સુધી કે તેમના કેટલાક પરાપૂર્વથી ચાલ્યા આવતા આદિમ ઉત્સવો ખ્રિસ્તી મિશનરીઓ પણ છોડાવી શકતા નથી. એક વિચિત્ર સંમિશ્રણ ધાર્મિક વિધિવિધાનમાં જોવા મળે. એકબાજુથી આદિમ, બીજી બાજુથી અર્વાચીન ખ્રિસ્તીય.

વળી છોકરીને ત્યાં જઈને રહેવામાં પણ હવે ફેરફાર આવતા જાય છે. માતૃપ્રધાન સમાજ હોવા છતાં શિક્ષણમાં અને નોકરીઓમાં પુરુષો આગળ છે એટલે પુરુષને જ્યાં નોકરી મળે ત્યાં હવે તેની પરણેતરને જવું પડે છે. મારો જ દાખલો લોને, તેમણે કહ્યું, હું મારે સાસરે નથી રહેતો અને મારી પત્ની મારી સાથે રહેવા આવી છે. પણ તેથી મારા પિતાના કુટુંબ સાથે સંબંધ એવું નહીં, સંબંધ તો સાસરા પક્ષે જ. આમ અમે લોકો જાૂનાનવાને સંધિસ્થળે ઊભાં છીએ.

વિશાળ પ્રવાહમાં અમે ખોવાઈ ન જઈએ તેની અમને ભીતિ છે. એટલે અમારી અલગ અસ્મિતા જાળવવા અમારા પરંપરાગત સંસ્કારને અમે ક્યારેક દૃઢતાથી વળગી રહીએ છીએ, ક્યારેક પુન: પ્રસ્થાપિત કરીએ છીએ. બીજી બાજુ નવી પેઢીને ‘મોેડર્ન’ થવું છે. તેઓ પરંપરાને વળગવા ઉત્સુક નથી. દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાવાની ઇચ્છા છે. પરિણામે ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ જેવું જોવા મળે. અમારે શું કરવું? ગારો, ખાસી કે જેંતિયા બની રહેવું? એકદમ ખ્રિસ્તી બની રહેવું? ‘ઇન્ડિયન’ થવું?

લાકિયાંગનો પ્રશ્ન વિચાર કરતા કરી મૂકે તેવો હતો. મેં કહ્યું — તમે ‘ઇન્ડિયન’ નથી? કહે- એક રીતે છીએ, એક રીતે નથી. ભારત દેશના છીએ એ રીતે ઇન્ડિયન છીએ, પણ ભારતના મુખ્ય પ્રવાહથી અલગ છીએ, એ રીતે ‘ઇન્ડિયન’ હોવાનો અનુભવ થતો નથી. ધારો કે મુખ્ય પ્રવાહમાં ભળી જઈએ તો તો અમારી મુદ્રા જ ભૂંસાઈ જાય!

અને પૂરા ખ્રિસ્તી પણ થઈ શકાતું નથી. ખ્રિસ્તી ધર્મમાં દીક્ષિત ભલે હાઈએ, પણ નૃત્યના, શિકારના, જન્મ, લગ્ન, મરણના આદિમ રીતિરિવાજ અને વિધિવિધાન અમારા લોહીમાં ધબકી રહ્યાં છે. તેનું શું કરીએ? અને દેશ દુનિયાની આધુનિકીકરણની પ્રક્રિયાથી એકદમ અલગ થઈ જઈને ‘આદિમ’ પણ કેમ બની રહી શકીએ?

થોડીવાર ચુપકીદી રહી. પછી કહે — સોપારી લો, સોપારી. શિલોંગ જઈ મેઘાલયની પ્રાકૃતિક સુષમા જોઈ હતી, આજે ગુવાહાટીમાં એ મેઘાલયની પ્રાકૃતિક વ્યગ્રતા!

માર્ચ ૨૧

આહિનર પથારર ગોન્ધ
કેને બાકે નાક્ત આહિ લાગિલે
મઈ હેરા પાઓ મોર દેઉતાક.
દોંકાનર જાપભંગા
'Bold text'ગામોચાર સુવાસત
મઈ હેરા પાઓં મોર આઈક.
મઈ માક
મોર સન્તાનર કારણે
ક’ત થૈ યામ
ક’ત?
આસો માસના ખેતરની વાસ
ક્યાંકથી આવીને નાકે લાગતાં
હું ફરી પામું છું મારા બાપુને,
દુકાનમાં ગડી ઉખેડેલા
ગમછાની સુવાસમાં
હું ફરી પામું છું મારી માને.
હું મને
મારા સન્તાન માટે
ક્યાં રાખી જઈશ
ક્યાં?

આ ત્રણ કડીની નાની અમથી કવિતામાં ઘણી મોટી વાત છે. દરેક પેઢી અગાઉની પેઢી પાસેથી કશુંક વારસામાં મેળવે છે અને આવનારી પેઢી માટે કશુંક વારસામાં મૂકી જવા માગે છે. આમ જોઈએ તો અગાઉની પેઢીથી આજની પેઢી અને આજની પેઢીથી આવનારી પેઢી ‘એક’ નહીં હોવાની અને છતાં એવું ‘કશુંક’ છે જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું રહ્યું છે. બે પેઢીઓ વચ્ચે અંતર હોય પણ એ અંતર એટલું બધું ન હોય કે બે વચ્ચે કોઈ અનુબંધ જ ન રહે. આજ એ સ્થિતિ આવી છે, કે એ અંતરને સાંધે તેવા કોઈ પરંપરાના સેતુ બાંધ્યા બંધાય એમ નથી. અર્થાત્ આજે ‘જનરેશન ગૅપ’ ઘણી વધારે છે.

કવિ કોઈ સમાજશાસ્ત્રી નથી કે આમ સીધી વાત કરે, તેણે તે બે વાત ઉપાડી લીધી. આસો મહિનાના ખેતરની વાસ, ધાન પાકવાની વાસ—એ કૃષિ સંસ્કૃતિની પરંપરાની વાત. અસમની અને સમગ્ર ભારતની સંસ્કૃતિ કૃષિસંસ્કૃતિ છે. હજી ગઈ પેઢી સુધી એની સાથે સીધો અનુબંધ હતો. તે જીવનનિર્વાહનું સાધન જ નહીં, એક જીવનરીતિ છે. બાપ પાસેથી એ પરંપરામાં મળી છે. એટલે ખેતરની વાસ આવતાં બાપને ફરી પામવાની અનુભૂતિ થાય છે. હજી આજની પેઢીમાં એ સંસ્કાર છે, જે અગાઉની પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવ્યા છે.

ગામોછા—ગમછો એ અસમની તળ સંસ્કૃતિનું પ્રતીક છે. દરેક અસમિયા નારીને વણતાં આવડે જ. પુત્રીને તે શિખવાડે. જેને વણતાં ન આવડે તેનામાં તેટલી અધૂરપ, નારી તરીકેની. વળી ગમછો એ વસ્ત્રનો ટુકડો નથી, એ જીવંત ધબકતો સંસ્કાર ગણાયો છે. એટલે તેની ગડી ઉકેલતાં જ તેની સુવાસમાં માને ફરી પામવાની અનુભૂતિ થાય છે. બહાર ખેતર અને ઘરમાં શાળ-સાંસ્કૃતિક, સામાજિક પરંપરાનાં વાહક આજ સુધી. પણ હવે?

હવે ઘરનું ખેતર હોય છતાં ખેતર સાથે સંબંધ રહેવાનાં ચિહ્નો નથી, શાળ હોય છતાં વસ્ત્ર વણવાનો ઉત્સાહ નથી. નગર સભ્યતા સાથે જોડાતી પેઢી આ બધી બાબતો પ્રત્યે ઉદાસીન છે. આજની પેઢીને એટલે આવનારી પેઢી બાબતે આ પ્રશ્ન છે —સદીઓ જૂની પરંપરાની સંપત્તિમાંથી પોતાનાં સંતાનોને વારસામાં એ શું આપી જશે? આ પેઢીને અગાઉની પેઢી સાથે થોડો અનુબંધ છે, પણ આવનારી પેઢી સાથે આ પેઢી અનુબંધના કયા તાંતણા ક્યાં રાખી શકવાની છે?

માર્મિક વાતને મર્મસ્પર્શી કલ્પનામાં, અલ્પાતિઅલ્પ શબ્દોમાં આ કવિતા કહી જાય છે.

કવિતા નિર્મલપ્રભાની છે. સવારની વેળ છે. બ્રહ્મપુત્રના શાન્ત ગંભીર પ્રવાહ પર તેજ ગતિથી હોડીઓ દોડી રહી છે. અહીં બાલ્કનીમાં બેઠાં બેઠાં હલેસાં મારતા હોડીવાળાઓના દેહ અને હાથના લયાન્વિત વળાંકો દેખાય છે. કવિતા વાંચવા જેવો અનુભવ. કવિતા વાંચતાં વાંચતાં પ્રવાહ જોઉં છું, પ્રવાહ જોતાં જોતાં કવિતા વાંચું છું — બધો અનુભવ જ જાણે કવિતામય.

નિર્મલપ્રભાએ આજે સરકીટ હાઉસમાં આવવાની વાત કરી છે. કાલે મેં તેમના ઘેર જવાની વાત કરી ત્યારે કહે, મારે ઘેર તમારું સ્વાગત છે. પણ આપણે દશ મિનિટ પણ નિરાંતે વાતે નહીં કરી શકીએ. મુલાકાતીઓ જપવા દેશે નહીં. હું જ તમને મળવા આવીશ. તેમના બે કાવ્યસંગ્રહો આપ્યા હતા. ‘સમીપેષુ’ અને ‘અંતરંગ’, આ લખી છે તે કવિતા ‘સમીપેષુ’માંથી છે. નિર્મલપ્રભાની બધી રચનાઓ ‘લઘુપાદ’ છે—ચીની જાપાની કવિતાની સગોત્ર — કિરાત શૈલીની.

નિર્મલપ્રભા બપોરના આવ્યાં. ત્રણ કલાક બેઠાં. ત્રણ કલાકમાં અસમિયા કવિતા, અસમિયા લોકસાહિત્ય વગેરેની ચર્ચા સાથે તેમની અનેક કવિતાઓ વાંચી. નિર્મલપ્રભાને અસમની જનજાતિઓના અધ્યયનમાં પણ રસ છે. વાતવાતમાં અસમના લોકસંગીતની વાત નીકળી. કહે, મને તો એ બહુ ગમે છે. પણ મેં સંગીત ક્ષેત્રે જે સાધના કરી છે તે તો બરગીતોની-ભજનોની પરંપરાગત શૈલીથી એ ગાતાં હું શીખું છું.

કહે. પરમ દિવસે મારે ત્યાં આવો. મારા ગુરુજી આગળ હું બરગીતો ગાવાની છું. આ એક સુંદર અવસર હતો, બરગીતો સાંભળવાનો. શંકરદેવ માધવદેવ જેવા સંતોની વાણીનો ધબકારો અનુભવવાનો. બટ એલાસ! આવા અવસર માટે ફરી આવવું પડશે. પરમ દિવસે તો ગુવાહાટીની વિદાય લેવાની છે. થાય છે કે હજુ થોડા વધુ દિવસ રહેવા કર્યું હોત! ‘હોમસિકનેસ’ના તબક્કા નથી આવતા કે આવ્યા એવું નથી, પણ હવે અહીં ‘એટહોમ’ –સ્વગૃહે હોવાનો બોધ પણ થાય છે.

સાંજે ગુવાહાટી નગરમાં ઠીક ઠીક ભ્રમણ કર્યું, ઘણુંખરું પગે ચાલીને. આ બાજુનો વિસ્તાર તો જાણે ચાલવા માટે જ ના હોય! વૃક્ષોછાયા જનવિરલ પહોળા માર્ગો. પણ શહેરની ભીડમાં શહેરનું વ્યક્તિત્વ પમાય, જો કે ગુવાહાટી મોટું ‘શહેર’ ન લાગે. ચારે બાજુની ટેકરીઓ અને ઓતરાદે વહી જતી લુઈત શહેરને એક ૨મ્યતા આપે છે.

અસમની યાદગીરીઓ લઈ જવી હતી. ગુવાહાટીમાં તળ અસમ ઉપરાંત ત્રિપુરા, નાગાલૅન્ડ અને મણિપુરની હસ્ત બનાવટની ચીજોના ઘણા સ્ટોર્સ છે. પૂર્વોત્તર વિસ્તારની વખણાતી ચીજો ગુવાહાટીના હાટમાંથી મળે, અસમનું એંડી અને મુગા રેશમ અને રેશમની હાથવણાટની સાડીઓ, શાલોનું એક ખાસ આકર્ષણ રહે. ગુવાહાટીથી થોડે દૂર આવેલું શૌલકુચી આ માટે ખાસ જાણીતું છે. ખરેખરના શોખીને તો ત્યાં જવું જ જોઈએ. પણ નાની મોટી ખરીદીના કામમાં આપણે તો પહેલેથી જ અનાડી. ભાવતાલ કરવાનું ફાવે જ નહીં. એટલે ખરીદવાનું ભાગ્યે જ રાખું. પણ આજે તો ફરીફરીને જોયું. ઘેરથી નીકળતાં સ્વજનોએ ખાસ સૂચનાઓ આપેલી આ અંગે, ત્રણ ચાર સ્થળે પૂછી પછી ખરીદવું અને એકદમ ન ખરીદવું. આપણે તો અતિ ઉત્સાહમાં આઠ-દશ દુકાનમાં જઈ આવ્યા. પણ ખરીદવાનું આવતી કાલ પર રાખ્યું છે. એકદમ કેમ ખરીદાય?

પુસ્તકોની દુકાનોમાં અવારનવાર ડોકિયું કરતો રહેતો. બાજુમાં જ પાનબજારમાં પુસ્તકોની ઘણીખરી દુકાનો છે. વસતીના પ્રમાણમાં પુસ્તકોની દુકાનો વધારે લાગે. આજે થોડા કાવ્યસંગ્રહો ખરીદ્યા, અસમિયા લોકગીતની રેકોર્ડો મળે છે, તેની તપાસ કરી પણ મારે જે જોઈતી હતી તે મળી નથી.

હવે આવતી કાલે કામાખ્યા દેવીનાં દર્શને જઈશ. સાતેક દિવસથી ગુવાહાટીમાં છું પણ દેવીનો હુકમ થયેલ નથી. જરૂર, નીલાચલ પાસેથી પસાર તો થયો છું.

ગુવાહાટીની પશ્ચિમે બ્રહ્મપુત્રની લગોલગ આવેલા આ નીલાચલ પરનું દેવી કામાખ્યાનું મંદિર પ્રાચીન કાળથી એક શાક્તપીઠ તરીકે વિખ્યાત છે. તાંત્રિકોનું તે મહત્ત્વનું થાનક ગણાય છે. મંત્રતંત્રના દેશ તરીકે કામરૂપ-પ્રાચીન અસમની જે પ્રસિદ્ધિ છે, તેમાં આ કામાખ્યા દેવીનો મહિમા રહેલો છે. પુરાણોમાં આ પીઠના ઉલ્લેખો છે. પણ આજે જે મંદિર છે તે તો રાજા નરનારાયણે સત્તરમી સદીમાં ફરી બંધાવેલું છે. સોળમી સદીની શરૂઆતમાં કાળા પહાડે તેને તોડી નાખેલું. જો કે તેણે જે તોડ્યું તે પણ કંઈ બહુ પુરાણું નહોતું. પંદરમી સદીમાં કુચબિહારના રાજા વિશ્વસિંહે તે બંધાવેલું. એટલે મૂળ મંદિર કેવું હશે તે કહેવાને કોઈ આધારો નથી. પણ હા, આજના મંદિરમાં જે દેવીમૂર્તિ પ્રતિષ્ઠિત છે તે અસલની હશે એવું માનવામાં આવે છે. એ દેવીમૂર્તિ માત્ર યોનિરૂપા છે. એક કાળા ખડકમાં તે કોતરવામાં આવી છે. કામાખ્યાની આ યોનિરૂપા તરીકે પૂજા થાય છે. એ મૂર્તિ પાસેથી એક કુદરતી ઝરણું પ્રસ્રવિત થાય છે. મૂર્તિને તે સતત અભિસિક્ત કર્યા કરે છે.

કામાખ્યા વિશે જે પ્રસિદ્ધ પુરાણકથાઓ છે, તેમાં સૌથી પ્રચલિત શિવ-સતીની છે, દક્ષયજ્ઞમાં અનાહૂત સતીએ પિતાના મુખે પતિની અવમાનના સાંભળી પ્રાણ ત્યાગ કર્યો. દુ:ખથી ક્રુદ્ધ થયેલા શિવ, દક્ષયજ્ઞનો ભંગ કરી, સતીના મૃતદેહને ખભે ઉઠાવી ચારેબાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા. શિવનો મોહભંગ કરવા વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના મૃતદેહના ટુકડા કરી નાખ્યા. એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે તે સ્થળે શક્તિપીઠો બન્યાં. આમ એકાવન પીઠ અસ્તિત્વમાં આવ્યાં. કલકત્તાનું કાલિમંદિર, ત્રિપુરાની ત્રિપુરેશ્વરીનું મંદિર પણ આ રીતે બન્યાં છે. નીલાચલ પર સતીનું યોનિમંડલ પડ્યું. ત્યાં કામાખ્યાદેવીની સ્થાપના થઈ. પ્રચલિત કથા છે એ પ્રમાણે તેની સ્થાપના કામદેવ અને રતિએ કરેલી, એ રીતે કામરૂપ, કામાખ્યા વગેરે સંજ્ઞાઓનો સંબંધ જોઈ શકાય.

તે પછી બીજી કથા નરકાસુર સંદર્ભે છે. અહીંના કિરાતોને પરાસ્ત કરીને અહીં પ્રાગ્જ્યોતિષપુરની સ્થાપના કરનાર નરકાસુરની નજરે એક વાર દેવી મોહકરૂપે પ્રકટ્યાં. નરકાસુરે દેવી સાથે લગ્નની માગણી કરી. દેવીએ શરત મૂકી કે સવાર સુધીમાં નીલાચલની તળેટીથી ઉપરના મંદિર સુધીનો માર્ગ બનાવી દે તો પોતે તેની સાથે લગ્ન કરશે. નરકે કામ શરૂ કર્યું. સવારમાં પૂરું થવાની અણીએ (દેવીનો બોલાબે) કૂકડો બોલ્યો અને નરક હારી ગયો! પછી તો તેના જુલમ વધતાં સ્વયં શ્રીકૃષ્ણ એનો વધ કરવા અહીં પધારેલા, પણ એ વાત જુદી.

આ બધી આર્ય—હિંદુ કથાઓ ભલે હોય, ભલે દુર્ગાપૂજાની જેમ વ્યાખ્યાની પૂજા થતી હોય, પણ મૂળે તો કામાખ્યાનો ઉદ્ભવ પ્રાક્આર્ય છે. કામાખ્યા શબ્દ ભલે સંસ્કૃત લાગતો હોય, પરંતુ તેય કોઈ અન્આર્ય શબ્દનું પરવર્તી રૂપાંતર હોેવાનો સંભવ વધારે છે. હેમ બરુવાએ અસમ વિષેના પોતાના પુસ્તક (‘ધ રેડ રિવર ઍન્ડ ધ બ્લ્યુ હિલ’)માં એનો નિર્દેશ કર્યો છે. પરંતુ તે ઉપરાંત શ્રી રા. ચિ. ઢેરેએ ‘લજ્જાગૌરી’ કરીને લખેલા એક લેખમાં પણ આ બાબતમાં વિગતે અભ્યાસપૂર્ણ માહિતી આપી છે, તેય જોવા મળેલી છે.

યોનિરૂપા કામાખ્યાની આરાધનાનાં મૂળ આદિમ ઉર્વરતા સંપ્રદાય (ફર્ટિલિટી કલ્ટ)માં રહેલાં છે. આદિ મનુષ્યને જેમાં ‘જન્મ’ વિષે વિસ્મય થતું તેમ પ્રત્યેક વર્ષે શસ્યવતી થતી ધરતી વિશે પણ, એટલે આ દેવી ભૂદેવી પણ હોય, જેના પર સ્ત્રીના દેહધર્મનું આરોપણ કરવામાં આવ્યું હોય. તેની આજ સુધી ચાલી આવેલી પૂજાપરંપરામાં કામાખ્યાનો અષાઢ સુદ છઠથી દશમ સુધી ભરાતો ‘અંબુવાચી’ પ્રસંગનો મેળો છે. અંબુવાચી એટલે રજોદર્શન. એવું માનવામાં આવે છે કે દેવીનો આ રજસ્વલા સમય છે અને તે વખતે મંદિરનાં બારણું બંધ રાખવામાં આવે છે. તે વખતે ભક્તો કહે છે કે પેલા ઝરણાનું પાણી પણ લાલ રંગનું બને છે. ચાર દિવસ પછી સ્નાનપૂજાવિધિ પછી દેવીનાં દર્શન થાય છે. અને તે વખતે ઊમટતી માનવમેદનીને રજોરંજિત વસ્ત્રપ્રસાદ રૂપે લાલ વસ્ત્રનો ખંડ આપવામાં આવે છે.

આ અંબુવાચીનો ઉલ્લેખ પ્રાચીન કૃષિશાસ્ત્રોમાં પૃથ્વીને માટે મળે છે. પૃથ્વી પણ ૨જસ્વલા થાય છે અને તે દિવસોમાં તેમાં ખેડણી કે વાવણી નિષિદ્ધ ગણાય છે. ખરેખર તો તેમાં પૃથ્વી પણ ફલવતી કે શસ્યવતી બને તે પહેલાં તે ય રજસ્વલા બને છે તેવી આદિમ માન્યતા રહેલી છે. સ્ત્રીના દેહધર્મને પૃથ્વીની સર્જનશીલતા સાથે જોડવાની વાત જગતનાં સર્વ મનુષ્યોમાં પ્રાચીન કાળથી મળે છે. આ ‘અંબુ’ અર્થાત્ પાણી તે સ્ત્રીતત્ત્વનું પ્રતીક છે. એટલે કામાખ્યા દેવી મૂળે આ પૃથ્વીદેવી — ભૂદેવીની પૂજાવિધિમાંથી ઊતરી આવ્યાં હોય.

એટલે પરવર્તીકાળમાં કામાખ્યા ‘પુષ્પવતી અપિ પવિત્રા’ એમ માનનારા તાંત્રિકોનો અડ્ડો બન્યું હશે. ધીમે ધીમે તે શાક્તપીઠ તરીકે પરિણમતું ગયું. આ બધી વાતો આપણને કયાંથી ક્યાં લઈ જાય — પાર જ ન આવે. એટલું ખરું કે કામાખ્યા અતિ આદિમ દેવતા છે, અને અસમયાત્રી એનાં દર્શન કર્યા વિના પાછો આવતો નથી, કેમ કે અસમ એટલે કે કામરૂપ, એની એ અધિષ્ઠાતા દેવતા છે.

માર્ચ ૨૨

આજ સવારથી રહીને થયા કરે છે કે હવે અહીંથી જવાનું છે. એક બાજુ ઘર બોલાવી રહ્યું છે, બીજી બાજુએ અહીં રહી જવાનું મન થાય છે. પણ હવે જવાનું નિશ્ચિત છે. ટિકિટ અઠવાડિયા પહેલાં ખરીદી લીધી છે. મનને દિલાસો આપ્યા કરું છું કે ફરીથી આવીશ!

સવારમાં પહેલું દર્શન બ્રહ્મપુત્રનું. કામાખ્યા તો નહિ, પણ આ બ્રહ્મપુત્રે કોઈ અભિચાર તો નથી કર્યો? કામાખ્યાનાં દર્શને તો હજી આજે જઈશ. નક્કી કર્યું હતું કે કામાખ્યાનાં દર્શન પહેલાં કવિ નીલમણિ ફુકનને ત્યાં જઈ આવીશ. સાંજે જતીન ગોસ્વામી અને બીરેન ભટ્ટાચાર્યને ત્યાં.

સવારમાં તૈયાર થઈ નીલાચલને માર્ગે નીકળી પડ્યો. એ માર્ગ ઉપર જ થઈને કવિ નીલમણિને ત્યાં જવાનું હતું. ઝરણું પાર કર્યું. થોડાંક પગથિયાં ચડ્યો. પહાડીની છાયામાં ઢોળાવ પર વાંસની દીવાલો અને ઘાસના છાપરાવાળું એ જ પેલું લાક્ષણિક અસમિયા ઘર, ગૃહાંગણે કેળ, ઑર્કિડ, વાંસ અને સોપારીનાં વૃક્ષ. જરા નમીને સીધી ડોલ ભરી લઈએ એટલો જ ઊંડો, પાણી ભરપૂર કૂવો.

નીલમણિની સાથે એક તરુણ હતો. એ પણ કવિ. નામ તેનું અનિછ ઉજ જામાન.*

  • અનિછ ગયા માર્ચમાં અમદાવાદ આવ્યા હતા. (૧૦-૧૦-૮૦)

હજુ તો થોડી કવિતાઓ લખી છે, ત્યાં આજના કવિઓમાં તેનું નામ લેવાતું થઈ ગયું છે. સહજ સ્નેહ થઈ આવે એવું અભિજાત વ્યક્તિત્વ લાગ્યું. નીલમણિએ અનિછની કવિતાની વાત કરી. નીલમણિના પોતાના છ જેટલા કાવ્યસંગ્રહો પ્રકટ થયા છે, તેમાંથી એક સંકલન ‘ગોલાપી જામુર લગ્ન’ તૈયાર કર્યું છે. ઉપરાંત તેમણે વીસમી સદીની અસમિયા કવિતાનું એક સંકલન ‘ફુરિ શતિકાર અસમિયા કવિતા’ નામે પ્રકટ કર્યું છે. બંને સંકલનો મને આપવાં હતાં, પણ કવિને સંકોચ થતો હતો. એકના પૂઠા પર જરા ડાઘાડૂઘી પડેલાં હતાં, બીજામાં થોડાક સુધારા કરેલા હતા. બીજી નકલો હતી નહીં. છેવટે ક્ષમાપૂર્વક તેમણે મને આપ્યાં, પણ હું તો કવિના આ સ્વભાવથી જ વિસ્મિત હતો. મેં કહ્યું પણ ખરું, હું આ બંને સંગ્રહો આજે માર્કેટમાંથી લઈશ. પણ તેમનો પ્રેમાળ આગ્રહ રહ્યો જ રહ્યો.

તેમણે કહ્યું, તમારે કવિ ભવેન બરુવાને પણ મળવું જોઈએ. મેં કહ્યું કે એમનું ઘર શોધવા હું કૉટન કૉલેજના કૅમ્પસમાં ફર્યો પણ મળ્યું નથી. બરુવાનો એક સંગ્રહ ‘સોનાલી જહાજ’ હું ગઈ કાલે જ લઈ આવ્યો છું. હવે તો તેમને મળાય તો મળાય. મેં નીલમણિ અને અનિછને કહ્યું, તમારા અવાજમાં મારે તમારી કવિતાઓ સાંભળવી છે. બન્નેએ પ્રસન્નતાથી પોતાની બબ્બે ત્રણ-ત્રણ રચનાઓ વાંચી, એક કવિતાની પંક્તિઓ આ પ્રમાણે આવી :

ટોપનિતો તેઓં મોક ખેદિ ફુરિછિલ
તેઓં વારુ એતિયા ક’ત આછે?
(ઊંઘમાં પણ જે મારો પીછો કરતી
તે વારુ આજે હવે ક્યાં છે?)

નીલમણિ પંક્તિઓ સમજાવતાં મને કહે, આ ‘વારુ’ ટિપિકલ અસમિયા શબ્દ છે. અંગ્રેજીમાં નહીં પકડાય. તેમણે જુદી જુદી રીતે તે શબ્દ સમજાવવા પ્રયત્ન કર્યો. પછી મેં કહ્યું, તમે જે રીતે ‘વારુ’ની વાત કરો છો, તે ‘વારુ’ ગુજરાતીમાં બરાબર એ જ અર્થમાં વપરાય છે. વાત બેસી ગઈ. નીલમણિ હમણાં ચીની કવિતાનું એક સંકલન કરે છે; એક પ્રાચીન ચીની કવિ તુ-ફુને ઉદ્દેશીને લખેલી કવિતા વાંચી. એ કવિ દરિદ્રતામાં જીવ્યા. પોતાનાં સંતાનોને અન્નાભાવે અવસન્ન થતાં તેમણે જોયાં હતાં. નીલમણિએ લખ્યું છે :

મુખ આન્ધારિત આરુ હાડકઁપોવા જોનાક્ત
ઉચુંપિ ઉંઠાઁ
આરુ તોમાર કવિતા પઢાઁ.
—સાંજની વેળાએ અને હાડ કંપાવતી ચાંદનીમાં
હિબકાં ભુરું છું
અને તમારી કવિતા વાંચું છું

પંક્તિઓ સ્પર્શી રહી છેક ઊંડે જઈ.

બંને કવિઓની વિદાય લઈ હું ચાલી નીકળ્યો. તડકો ઘણો થઈ ગયો હતો. નીલાચલની તળેટીએ આવી ઊભો રહ્યો. ચાલીને ઉપર જાઉં? હવે તો ટૅક્સી મોટર પણ જાય છે. ટૅક્સી મળી ગઈ. થોડી વારમાં જ કામાખ્યાના પ્રાંગણમાં. આમ તો મને નિર્મલપ્રભાએ અહીંના એક ‘શિક્ષિત’ પંડા પર ચિઠ્ઠી લખી આપી હતી, પણ મારે કઈ ‘પંડા’ના ફંદામાં ફસાવું નહોતું. હાથમાં પૂજાની સામગ્રી સાથે દર્શનાર્થીઓની એક લાંબી હાર હતી. આ બાજુ વધસ્તંભ પાસે તાજું લોહી પડ્યું હતું. કહે છે એક જમાનામાં તો અહીં મનુષ્યબલિ પણ અપાતો. અપાતો હશે.

કામાખ્યાના ઉપાસકોમાં અસમિયા લોકો ઓછા હોય છે. મુખ્યત્વે બંગાળીઓ હોય છે. શંકરદેવની વૈષ્ણવોપાસના નિરાકારી હતી. અને એમનો એટલો બધો પ્રભાવ રહ્યો છે કે દેવીપૂજા અહીંના લોકોમાં બંગાળ જેટલી જામી રહેલી નથી. મારે યોનિરૂપા દેવીનાં દર્શન કરવા હોય તો કલાકથી વધારે ખોટી થવું પડે તેમ હતું. અંધારા ગર્ભગૃહમાં દીવાઓના આછા પ્રકાશમાં અને આ ભીડમાં સમ્યક્ દર્શન થાત કે કેમ તેમાં સંદેહ હતો.

પરંતુ નીલાચલની આ પહાડી પર કામાખ્યાના પ્રાંગણમાં ફરતાં ફરતાં કેટલા બધા સંસ્કાર જાગી ઊઠ્યા? આદિકાળમાં મન જઈ પહોંચ્યું. ત્યારેય આ બ્રહ્મપુત્ર પહાડીને ઘસાઈને જ વહેતો હશે. લુઈત અને નીલાચલ (ધ રેડ રિવર એન્ડ ધ બ્લ્યુ હિલ). આદિમ માનસમાંથી ધરતી દેવીની સ્થાપના અહીં થઈ હશે. અહીં તાંત્રિકોએ જાતજાતની સાધનાઓ કરી હશે. આ પહાડી પર આવતાં લોકો ગભરાતા. ઘેટું બકરું થઈ જવાની બીક રહેતી. તંત્રમંત્રની બોલબાલા, વિશેષે વામાચારની. તેમની પંચમકારની ઉપાસનાઓનાં વિવરણો યાદ આવ્યાં; એ પણ જમાનો હતો— ‘કામરુ દેશ’નો જમાનો.

સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરી લીધી, એટલાથી જ સંતોષ માની ટૅક્સી દ્વારા પહાડી ઊતરી ગયો. બજારમાં જઈ ગઈકાલ ખરીદીની બાકી રાખેલી કામગીરી પતાવી, સરકીટ હાઉસ પહોંચ્યો, ત્યાં સુધીમાં તો ખાસ્સા બપોર થઈ ગયા હતા.

સાંજે જતીન ગોસ્વામી*નું ઘર શોધતાં શોધતાં ગુવાહાટીનું ઠીક ઠીક દર્શન થયું.

ઘણાંખરાં મોટાં શહેરોનો પરિચય માત્ર તેમની ઐતિહાસિક ઇમારત કે મોટા માર્ગો પૂરતો સીમિત હોય છે. વસ્તીમાં જવાનું થતું નથી. ગોસ્વામીના ઘરની શોધે જનવસ્તીનો સંપર્ક અનાયાસે સાધી આપ્યો. હું જરા અવળે માર્ગે ચઢી ગયેલો. જતીનનાં પત્ની નાનકડો પ્રેસ સંભાળે છે. બધાં મળ્યાં. અસમિયા આતિથ્યની ઉષ્મા ફરી ફરી અનુભવવા મળી.

બાજુમાં જ નવગ્રહનું મંદિર છે. ત્યાં થઈને બીરેનદાને ત્યાં પહોંચી ગયો. સાંજ ટાણે બ્રહ્મપુત્રનાં લોહિતદર્શન. દૂર સરાઈઘાટ પર આજે પણ સૂર્યાસ્ત થઈ રહ્યો હતો! બાલ્કનીમાં જ ખુરશીઓ ખેંચી લાવી ચા પીતાં પીતાં અને હળવે સાદે વાતો કરતાં કરતાં ધીરેધીરે અળપાતા જતા એ ભવ્યરમ્ય દૃશ્યને જોયા કર્યું. થોડીવાર પછી અમે નીકળ્યા. બીરેનદા સરકીટ હાઉસ સુધી સાથે આવ્યા. અમે વિદાયની ચા પીધી.

હવે બધું આટોપી લેવાનું હતું. પ્રવાસનો છેડો આવ્યો હતો; આજે આખો દિવસ ‘હવે જવાનું છે’ ‘જવાનું છે’નો બોધ રહ્યા કર્યો છે. બધાની જાણે વિદાય લેતો હોઉં. મુખ્ય મુખ્ય વસ્તુઓ ગોઠવીને થોડીવાર બહાર આવું છું ત્યાં તો અનિછ આવી પહોંચ્યો. તેની સાથે મોટર સાઇકલ પર બીજી એક વ્યક્તિ હતી, અનિછે પરિચય કરાવ્યો. — ભવેન બરુવા. વાહ, આ તો કવિ સામે પગલે ચાલીને મળવા આવ્યા! અનિછની જ ગોઠવણ.

મેં તેમનું ‘સોનાલી જહાજ’ પુસ્તક કાઢ્યું. તેમાં તેમના હસ્તાક્ષર લીધા. ખૂબ વાતો ચાલી, ભવેન શુદ્ધ કવિતાના ‘ક્રુઝેડર’— ધર્મયોદ્ધા જેવા લાગ્યા. કહે —‘અસમિયા કવિતાને અમે કવિતાની સાચી દિશામાં લઈ જવા મથીએ છીએ. કેટલાક કવિઓ તેનો પ્રચારના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. રાજકીય રંગ આપે છે.’ તેમનો અણસાર માર્ક્સવાદી કવિઓ તરફનો હશે. વાતો પરથી એવું લાગ્યું કે શ્રી બરુવાને પોતા વિષે જરા ઊંચો ખ્યાલ છે.

તેમણે ‘સોનાલી જહાજ’માંથી મારા કહેવાથી થોડી કવિતાઓ વાંચી, કવિતાઓ હાર્દિક કરતાં બૌદ્ધિક વધારે લાગી, પ્રયોગમુખર પણ. કેટલીક કવિતાઓ ગમી ગઈ. એક તો કવિતા વિષેની કવિતા, બીજી શબ્દ વિષેની કવિતા-‘શબ્દબોર.’

પ્રતિટો શબ્દઇ દેવદૂત!

દરેક શબ્દ દેવદૂત હોય છે. દરેકનો આગવો મહિમા હોય છે, ગોપન હેતુ હોય છે. આકાશમાં નક્ષત્રની જેમ દરેકનું નિર્ધારિત સ્થાન હોય છે અને દરેક શબ્દ એક નીરવ દૃષ્ટા હોય છે—અનેક ભરતી ઓટનાં હારબંધ આવતા જતા તરંગોને…

પેલા ફ્રેંચ પ્રતીકવાદી કવિઓ માલાર્મે-વાલેરીની જેમ કવિતામાં ‘શબ્દ’ને મહિમા કરનારા આય તે કવિ છે.

પ્રતિટો શબ્દઈ દેવદૂત

પણ તેમની જે કવિતાપંક્તિઓ હજી ગુંજે છે તે તો જર્મન કવિ બર્તોલ્ત બ્રેખ્તની ‘સાચે જ હું અંધારિયા યુગમાં જીવી રહ્યો છું.’ પંક્તિથી શરૂ થતી ‘આવતી પેઢીઓને’ શીર્ષક કવિતા વાંચીને લખેલી કવિતાની. કવિતા લાંબી છે, પંક્તિ આવર્તનની ટેક્નિક અપનાવી છે. બ્રેખ્તને ઉત્તરમાં કવિ કહેતા જણાય છે કે બધું, દરેક યુગમાં અંધારું હોય છે, દરેક યુગ વત્તાઓછો અંધારિયો યુગ હોય છે, ફેર માત્ર પ્રમાણ પૂરતો છે:

કથાટો માત્રાર કથા, કારણ—
પ્રતિટો યુગેઈ આન્ધારર યુગ
કમ-બેછિ પરિમાણે
પ્રતિટો યુગતેઇ આન્ધાર
કમ-બેછિ પરિમાણે—
કથાટો માત્રાર કથા.

પૂર્વોત્તરની યાત્રાના આજના અંતિમ દિવસનો આરંભ એક કવિની મુલાકાતથી થયો હતો, અંત પણ એક કવિની મુલાકાતથી.

બસ ત્યારે?

આજની આ રાત. મધરાત થવા તો આવી છે.

માર્ચ ૨૩

સવાર. આછા ધુમ્મસમાં વહે છે ગંભીર બ્રહ્મપુત્રનાં જળ. આછા પવનમાં ફરફરે છે ઊંચાં તાલવૃક્ષનાં છત્ર. કણકણમાં તાજગી અનુભવાય છે. થોડી વારમાં નીકળીશ.

ગુવાહાટી પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર છે, પણ પૂર્વોત્તરમાં મેં પ્રવેશ કર્યો નીસરવાને બારણેથી, તો હવે નીસરીશ આ પ્રવેશદ્વારેથી.

વિદાય અસમ, વિદાય સાત ભણિર દેશ, વિદાય કિરાત દેશ! અને વિદાય પ્રિય સખા બ્રહ્મપુત્ર. ફરીથી આવીશ તારે તટે, ફરીથી.

આવીશ?