પ્રતિપદા/પ્રકાશકનું નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રકાશકનું નિવેદનયુ.જી.સી.એ જ્યારથી અમારી કૉલેજમાં ઈનોવેટીવ પ્રોગ્રામની યોજના હેઠળ એમ.એ.ગુજરાતી (ફોક એન્ડ ઈંડિજીનસ સ્ટડીઝ)નો અભ્યાસક્રમ આપ્યો છે ત્યારથી અમારા વિભાગમાં નવી ઊર્જા અને ચેતનાનો સંચાર થયો છે. એકાદ વર્ષના જ ટૂંકાગાળામાં આ વિભાગે સ્ટડી ટૂર કર્યાં છે, પ્રોજેક્ટ વર્ક કર્યા છે. વીસ વિદ્યાર્થીઓ હાલ લોકવિદ્યા અને મધ્યકાળના જુદા જુદા વિષયોમાં સંશોધનનું કામ કરી રહ્યા છે. આ વિભાગે ‘કંઠસંપદા’ નામનું લોકવિદ્યા અધ્યયનલક્ષી છ-માસિક સામયિક શરૂ કર્યું છે. આ સામયિકમાં વિદ્યાર્થીઓએ લખેલા લેખ વાંચતા પણ સંતોષનો ઓડકાર આવે છે. કૉલેજના આ વિભાગ દ્વારા જાન્યુઆરી-૨૦૧૫માં ઈંડિયન ફોકલોર કૉંગ્રેસ (IFC)ના પ્રમુખ પ્રો. જવાહરલાલ હાંડુ તેમજ બળવંત જાનીના હસ્તે હસુ યાજ્ઞિક લિખિત ‘લોકસાહિત્ય સંશોધન પદ્ધતિ’ ગ્રંથનું વિમોચન થયેલું. લોકસાહિત્યમાં અભ્યાસ કરવા માંગતા અભ્યાસીઓ માટે એ પુસ્તક દીવાદાંડીરૂપ છે. ત્યાર બાદ ટૂંકા સમયગાળામાં આ વિભાગ હેઠળ ‘પ્રતિપદા – અનુ-આધુનિક કવિતા અને કાવ્યવિમર્શ’ પુસ્તકને પ્રકાશિત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ વિભાગમાં કામ કરતા મારા યુવાન અધ્યાપકો વિદ્યાર્થીઓ માટે મહેનત કરી રહ્યા છે, સંશોધનની દિશામાં એમને જે રીતે પ્રવૃત્ત કરી રહ્યાં છે તે જોતા આનંદ થાય છે. આ પુસ્તકને હરીશ મીનાશ્રુ અને મણિલાલ. હ. પટેલના પરામર્શનનો લાભ મળ્યો છે તેનો આનંદ છે. અનુ-આધુનિક કવિતાને આસ્વાદવા માંગતા સૌ કોઈના માટે આ પુસ્તક મહત્ત્વનું બની રહેશે એવી શ્રદ્ધા છે. – ડૉ. મોહન પટેલ આચાર્યશ્રી, એન.એસ.પટેલ આટ્‌ર્સ કૉલેજ, આણંદ