પ્રતિપદા/૧૨. જયેન્દ્ર શેખડીવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. જયેન્દ્ર શેખડીવાળા

કાવ્યસંગ્રહોઃ

કલ્કિ, કિવદન્તિ અને કર્દમપલ્લી

પરિચય:

હવે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા ગુજરાતીના અધ્યાપક. ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ – એમ ચારેય કાવ્યસ્વરૂપોમાં કાવ્યો રચતા કવિ. સદૈવ પ્રયોગધર્મી સિસૃક્ષાના રચનાકાર, અકળ અને સકળની સંદિગ્ધતાઓને તાગવા મથતો જીવ. ગીતોની અભિવ્યક્તિરીતિ, આકાર, સંવેદન એમ સર્વ બાબતે અરૂઢતાના આગ્રહી. ગીત-ગઝલ ઉભયની પદાવલિમાં સંકુલતમ અવ્યાખ્યેય ચૈતસિક સંચલનોનાં ભાષિકરૂપો મૂર્ત કરવાની મથામણ જોવા મળે છે. ગઝલોમાં પરંપરાને પૂર્ણપણે ચાતરી જવાની સર્જકવૃત્તિ. દીર્ઘ લયનાં અગેય ગીતો સાથે પરંપરિત લયનાં કાવ્યો પણ ધ્યાનપાત્ર છે. રાવજી પટેલના સાહિત્યના સઘન અભ્યાસી, થોડીક નવલિકાઓ પણ લખી છે. દેશમાં અને યુકેમાં કાવ્યોનું પઠન કર્યું છે..

કાવ્યો:

૧. પતનગાથા

કર્દમપલ્લી મધ્યે કુંભિપાક
નિશદિન ફરતો પંક વચાળે ચાક.
ચાક પર કૈંક સમયનાં વ્હાણ, નાંગરે, ઇચ્છાઓના પ્હાણ પાંગરે
સહુદિશ પ્રસરે ધગધગતો રે લાવા...
લાવા તિરાડ વાટે ખીણમાં ઊતરે
અને સજીવન થાય ક્ષણમાં કાષ્ઠપૂતળી.
કાષ્ઠપૂતળી પૂછે મારી ૨૩ ઑગસ્ટઃ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
કાષ્ટપૂતળી પૂછેઃ
ક્યાં છે મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
પૂર્વજનું સંધાન? અનુસંધાન?
અનુ ને નાસિકાની વચ્ચે
મારાં બંધ રહ્યાં દ્વાર
અવિચળ દુર્ગાવસ્થાનો વેંઢારે ભાર...
તથાગત! પ્રગટપણે હું દુર્ગ કાષ્ટનો.
અને દુર્ગના કોઈ અજાણ્યા સન્નિવેશે અવલંબે અવકાશ...
આ મારો શ્વાસ કે મારો લાવા જઈને
કોઈ અજાણ્યે પ્રાન્ત પખાળે પગનું તળિયું
પગનું તળિયું લગરીક સ્પર્શે
ત્યાં તો
મારો પિણ્ડ સમૂળગો બ્હેરો ઘેરો.
રે કથ્થાઈ કદમવત્ જનન અંગનો પ્રાણ
સજીવન સ્ખલનકર્મને ઇચ્છે
પણ હું કાષ્ઠ.
કાષ્ઠને હોમું મારા લાવા વચ્ચે, અણુંઅણું લોપાવા વચ્ચે
અને પ્રગટતી વ્યુપત્તિને ભાળું –
૧૯૫૨ની ૨૩ ઑગસ્ટ પૂર્વે
ગામ શેખડીની સરહદની પાર હતો હું ઝબક ઝબક અજવાળું.
કોઈ અનાદિ સ્વર્ગવૃક્ષની છાયાઓમાં
મને સાંધતો મારી સાથે હું વિચરું છું.
મન્વન્તરની ભરી પિયાલી બ્રહ્માંડોના બ્રહ્માંડો ઓગાળી
તેમાં પાન કરું છું મારું
ત્યાં તો
ઘેનિલ આંખે મેં જ મારો અશ્વમેધ પડકાર્યો
ને
હું ઢળી પડ્યો થઈ કાષ્ઠપૂતળી ઑગસ્ટ ૨૩, ૧૯૫૨ને કાંઠે...
ચાક ઉપર આ ફરતા કુંભિપાકને માથે...

૨. આદિપુરુષની ગઝલ

બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લમ્બાવ્યો હતો
હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો

સૂર્ય, તારી, સાજે મારા શ્વાસમાં અકબંધ છે
મેં બધે મારો અગોચર રંગ રેલાવ્યો હતો

આ નભસ્ગંગા બધી પડઘા છે મારા શબ્દના
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો

બ્રહ્માંડનો શઢ ફાડવા ફેલાઈ જઈને શબ્દમાં
મેં અનંતાનંત મારો ભેદ સમજાવ્યો હતો

ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ
પણ શરત સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો

૩. વીજળી જેવા સમયે

વીજળી જેવા સમયને સ્હેજ પડછાયો ઘસાયો
તે પછી હું શહેરમાં દીવાસળી થઈ ઓળખાયો

સ્પર્શ દરિયાનો થયો ને એ ત્વચા થઈ રહી ગયો
ગામમાં અફવા છે માણસ એક પાણીથી દઝાયો

ભેખડો તૂટતી રહે છે ને નદી વહેતી રહે
ક્યાં નદીને થાય છે મારો જે કિનારો ઘવાયો

સ્વપ્નમાં આવે હમેશાં મૃત માતાનાં સ્તનો
શાહીના ખડિયે હું તેથી તો કલમ થઈને લપાયો

સાંજની જીવલેણ બેચેની લઈ પંખી ઊડ્યુંં –
આ જુઓ, પીંછાં ખર્યાં ને હું ક્ષિતિજો પર છવાયો

ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું
એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો

૪. છોતરું

શ્વાસની સરહદ પછી હું કિંવદન્તી કોતરું
શબ્દ ચાખું સૂર્યથી ને ચન્દ્રથી મન ખોતરું

ફરફરે ચન્દ્રિલ શ્વાસે કોઈ અવકાશી ચરણ
કે ઊભું છે શ્વાસની વચ્ચે અજાણ્યું કો તરુ?

રથ ઊભો છે પંચભેટા પર અનંત અવકાશનો
હસ્તરેખાઓ વડે હું અન્તરાલો જોતરું

એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
ફૂંક મારું ને ઊડે એ જેમ ઉડતું ફોતરું

જાત સાથેથી મને એમ જ અલગ કરતો રહ્યો
જેમ નારંગી ઉપરથી હું ઊખેડું છોતરું

કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું

જ્યાં સૂર, તાલ, શબ્દ, લય, સમય શમી ગયાં
ગઝલમાં થઈને ત્યાં જવાની એક તાન છું

વિરમી ગયા છે શબ્દ જેના મૌનમાં જઈ
એ કંઠના એકાંતમાં ઊગેલું ગાન છું

જે ડાયરીમાં તારી ગુલાબી સુગંધ છે
બે પાન વચ્ચે ત્યાં હવે સુકાતું પાન છું

હમેશ માટે દિકરો પરદેશ જઈ વસ્યો
એ માની સૂની શેરીના અનિદ્રકાન છું

૬. ઝૂરણ મરશિયું

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

જીવતર સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ...હુ...ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

મનના જરજર દુરગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

૭. નાગરનું વતનસ્મરણ

(સૉનેટ – ગીત - ગઝલ):

ગામ શેખડી ક્યાંક વસ્યું ટહુહાના ઘરમાં
ઊગી નીકળ્યું ઝાડ થઈ ક્ષણમાં નાગરમાં

મારગ પરની ધૂળ અડી સપનું થઈ પગને
ચકલી થઈને ઊડી ગયા પગ, જો નિંદરમાં

નિંદર નસનસ ઊગી નીકળી ગામ થઈને
સપનાં ઘરઘર ઝૂલ્યાં ભેરુ થઈ પળભરમાં

ઘર પછવાડે છાણાનાં પગલાં ફંફોસે
કુંવારા બે હાથ, કશું ભૂલ્યાં અવસરમાં

સમડાની છાયામાં ઢળતાં અલકમલક, ને
બોધરણેથી છાસ ઢળે તપતા ઉદરમાં

બપોરના પડખામાં ઊંઘે ભાગળ સૂની
બાળક મલકે જાણે માના પડખા ફરમાં

ભેરુ. નિંદર. સમડી. સપનું. સૌ ચકલીવત્
ઝાંખાંપાંખાં ન્હાય હવે સુક્કા અક્ષરમાં

૮. તિલ્લી – ૭

તિલ્લી! અન્ધારાં કૈં ડૂબ્યાં કે ડૂબ્યાં જીવવા રે લોલ
તિલ્લી! પગપગ રૂના ભારા કે પગલાં સીવવા રે લોલ

તિલ્લી! નવસેં નદિયું ફાટી કે ફાટ્યા સાગરા રે લોલ
તિલ્લી! ડંકા પ્રલ્લેના વાગ્યા કે તૂટ્યા આગળા રે લોલ

તિલ્લી! પાણી થઈ પડછાયા જો સરસર સરી ગયા રે લોલ
તિલ્લી! માયાતરણી મધે, એ પળપળ તરી ગયા રે લોલ

તિલ્લી! ચહુદિશ વંટોળ પૂગ્યા કે વંટોળ ના રિયા રે લોલ
તિલ્લી! કામણ કિધાં એવા કે જીયરા મોહ લિયા રે લોલ

તિલ્લી! ઝાકળ જેવી આંખો ઊઘડતી આંખમાં રે લોલ
તિલ્લી! સૂરજની લખ પાંખો ઊઘડતી ઝાંખમાં રે લોલ

તિલ્લી! ઝાંખો દીવો ચેત્યો કે જાળિયા ઝગઝગ્યાં રે લોલ
તિલ્લી! ઝાલર ઝીણાં ગીતો ધજા થઈ ફગફગ્યાં રે લોલ

૯. તિલ્લી – ૮

તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમે...

ચલત હવાકા બાસી હું મૈં કાગળમાં લહેરાઉં અવિચળ શઢ તોડી
શ્વાસ સિપઈયા ફિરત રહત હઈ ઔર ફિરું મૈં ગઢ તોડી

તિલ્લી! તોડી રાગસે બાંધુ મૈં બિરહા કો અખિયન મેં
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મેં જકડું કંઠનમે...

જીવ હમારો ઝિરિમિરિ બોલઈ તૂ હી તૂ હી સાજન મોરો
મિટ્ટીકો અંગૂઠા છુવૈઈ એવો કાગળ લિખ દે કોરો

તિલ્લી! તિરકટ થા, નાચું મૈં બાંદ બચનવા પૈંજનમેં
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમેં...

૧૦. સરહદ

અચાનક નદીની સરહદ શરૂ થાય છે, પવની ગતિ અને
ભીનાશ ગાઢ બને છે, કશુંક ગમતીલું ઘેરી વળે છે,
અને, તારા વિચારોની સરહદ શરૂ થાય છે, નદી ક્યારેક
હોય છે તારી આંખોમાં, ક્યારેક નદીની આંખમાં જોઉં છું
તને, અને, અચાનક આંસુની સરહદ શરૂ થાય છે,
ધબકાર સાંભળી શકાય તેટલી શાંતિ, અને, પથ્થરો
હવામાં તરવા લાગે તેટલી હળવાશ ગાઢ બને છે,
કશીક સમયહીન સુવાસ ઘેરી વળે છે, અને, કવિતાની
સરહદ શરૂ થાય છે.