પ્રતિપદા/૧૫. સંજુ વાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. સંજુ વાળા

કાવ્યસંગ્રહોઃ

કૈંક /કશુંક /અથવા તો, કિલ્લેબંધી, રાગાધીનમ્ અને કવિતા નામે સંજીવની

પરિચય:

ગુજરાત સરકારના રેવન્યુ વિભાગમાં સેવારત, અનુ-આધુનિક કવિઓની બીજી પેઢીના ઉલ્લેખનીય કવિ. ગીત, ગઝલ અને અછાંદસ એમ ત્રિવિધ કાવ્યરીતિઓમાં રમતા કવિ. ગીતોમાં પણ નર્યા ગળચટ સ્વાદ ને કેફી લયની પરેજી પાળે છે ને અરૂઢ શૈલીથી ભાષાને લગાર તૂરી ને લયને જરા અગેય બનાવે છે. ગઝલોમાં પણ સ્થાપિત રીતિઓથી ઊફરા જવાની પેરવીઓ કરતા રહે છે. પારંપરિક ભજનસંસ્કારોથી અંજાયેલી-મંજાયેલી કાવ્યસિસૃક્ષા. એક રસનિષ્ઠ ભાવકની રૂઈએ ભાવન વિવેચન પણ કરતા રહે છે. ‘અતિક્રમી તે ગઝલ’ અને ‘કિંશુકલય’ અને રમેશ પારેખની સમગ્ર કાવ્યરિદ્ધિના ગ્રંથોના સંપાદક/ સહસંપાદક. સાહિત્યપ્રીતિવશ સાહિત્યની સંસ્થાઓમાં સક્રિય.

કાવ્યો:

૧. જડ્યું નહિ કંઈ –

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

૨. મજા, –

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં...

ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં...

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

૩. એક ઝાલું ત્યાં –

એક ઝાલું ત્યાં તેર વછૂટે
અણધાર્યું કોઈ ગીત વીંધીને લોહી વીંધીને જાય ઘસાતું પગઅંગુઠે

રાસબરીના નીતર્યાં છાંયે બેસતા
લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન

જ્ઞાન પડીકું ખૂલશે પછી.... જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
એક ઝાલું ત્યાં તેર વછૂટે

ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગ-રાગિણી થઈને લીલી નદીઓ વહે
રાગ લપેટું, રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ વહે

કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે
એક ઝાલું ત્યાં તેર વછૂટે

૧. થોડાં શબ્દચિત્ર!

(૧) કબીર

ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો...
ઘટ ઘટ રામ તિહારો...

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ
બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો...

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ
ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો...

(૨) મીરાં

તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

એેક કામળી, એક બાંસુરી
હૃદયે એક જ નામ
તન મેવાડે, મન જઈ મ્હાલે
મોરપિંચ્છને ધામ

પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

મરુભોમની મુઠ્ઠી ધૂલિ
ભઈ અસુંવનની ભાખા
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
જેની ઊંચી શાખા

ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

(૩) સૂરદાસ

શું ખોલું? શું મુંદુ નેણાં?
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!

કનક-જવાહીર લગીર ન ચાહું
મનસા મુક્તિ વિષય નિરિચ્છ
બહુ બડભાગી મળે મુકુટમાં,
સ્થાન જરા થઈ રહેવા પિચ્છ

હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!

હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
વલ્લભ પરસ ભયો હિતકારી
‘સૂર’ઃ કહાં પાઉં, ક્યા ગાઉં?
જનમ જનમ જાઉં બલિહારી

રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં!
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!

(૪) નરસિંહ

હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...

ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા
મહારાસ માંડ્યો વ્રેમાંડે, પ્રગટી હસ્ત-મશાલા
તાલ, ઠેક, તાલી, આવર્તન,
ગાવત મેઘ વાજત જપતાલા
હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...

આર્દ્ર ભાવ, રસભીનું ભીતર, મુખ શ્રીનામ, સબૂરી
પદ, અર્ચન, તૂરિયા, ખટદર્શન મધ્ધે નહીં કોઈ દૂરી
તું વહેતી કિરતન ધનધારા
તું જ પ્રેમપદારથ હાલા
હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...

હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...

૭. સાધુ છે સાહેબ...

તમસ ‘ને તેજ તો સિક્કાની બેઉં બાજુ છે સાહેબ,
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ.

ખરેખર વ્યક્ત થાવું એજ તો અજવાળું છે સાહેબ
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ

દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ –
હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ

જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ

સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ.