પ્રતિમાઓ/પાછલી ગલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાછલી ગલી


મનુષ્યના જીવનમાં પણ પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવજા કરે છે. માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા જ જિવાતું હોય છે. એ પાછલી ગલીનો પંથ જિગરના ચીરા જેવો પડ્યો છે, આંસુની ધારો વડે છંટકાયેલો છે. એમાંથી જે કાવ્ય ઊઠે છે તે બીજે કદાચ નથી. એક માણસના જીવનની એવી અદીઠ પાછલી ગલીની આ કથા છે. મહાસાગરનાં મોજાં જેવી નિર્બંધ અને છોળો મારતી એ મુક્ત અને ઉન્મત્ત ફરતી. એના ઉપર નવી બાનો કબજો નહોતો. સાવકી પુત્રી પર સત્તા ન ચલાવી શકતી નવી મા એનો બદલો પોતાની સગી પુત્રી ઉપર શાસન ચલાવીને વાળી લેતી. વાતવાતમાં મા કહેતી કે “મોટી એને ફાવે તેમ કરે. ભલે વંઠી જાય. હું તો મારી છોકરીની વાત જાણું. એની રીતભાતમાં ફેર પડે તો ટાંટિયો જ ભાંગી નાખું. એ બધું તો મોટીને પોસાય, મારી છોડીના ફેલફતૂર એવા નો'ય. મારે દુનિયામાં જીવવું છે, બૈ!' પવનની લહરી જેવી આ મોટેરી પુત્રી ઉપર અનેકની ટાંપ હશે. પણ એ સહુને માટે એના હોઠ પર હાસ્ય હતું. એથી વધુ કશું જ નહોતું. એ મુક્ત જીવન નિજાનંદી હતું. પુરુષજાતના ભુજપાશની એની ભૂખ હજુ ઊઘડી નહોતી બિચારો પેલો બાઈસિકલિયો જુવાન પાડોશી! પાતળી લાંબી ડોક ઉપર ચશ્માંદાર મોઢું: માથા પર શાહુડીનાં પીછાં જેવા ઊભા વણઓળેલા વાળ: બાઈસિકલોનું યંત્ર બનાવતાં બનાવતાં એને હેનરી ફૉર્ડના જેવી મોટરની શોધ કરવાના મનોરથો જાગતા હતા. એમાં ને એમાં ​એ શોષાઈ ગયેલો. એનો બીજો મનોરથ પણ એવો જ સ્વપ્નવત્ હતો: “કિરણબેન! કિરણબેન! ઓ કિરણબેન! મોટી છોકરીને ઘરમાં પેસતાં જ આ માનવ-શાહમૃગનો અવાજ સંભળાતો. અને માયાળુ હૃદયે એનો બોલ ઝીલતી. “કિરણબેન! ઓ કિરણબેન! દોડો, આંહીં આવો જલદી!” કહેતો. એ જુવાન પોતાને કારખાને કિરણને બોલાવતો અને પોતાની શોધબુદ્ધિનો મહાવિજય કિરણને પગે સાદર રજૂ કરતો. ઓગણીસમી સદીના ઉષ:કાળની ઘોષણા કરતું એની નવી ગાડીનું મશીન હવે તો પાંચ પૂરી મિનિટો સુધી ભખભખ ધુમાડા કાઢતું થયું હતું અને એ થોડા જ દિવસોમાં ચાલુ થનારી આ નિશ્ચલ ગાડીની બેઠક ઉપર આ કારીગર પોતાની જીવનદેવીને બિરાજમાન કરી એની સામે કાકલૂદીભર્યો ચહેરે ઊભો રહેતો. “મારા આવા યશસ્વી ભાવીની અધિષ્ઠાત્રી તું શું નહીં બને. કિરણ?” કિરણના હાસ્યમાંથી દયા વરસતી. “હા, હું સમજું છું. તું ના નથી કહેતી તેને હું ‘હા' જ ગણું છું. ખરું ને?” જવાબમાં કિરણ એક વધુ કોમળ હાસ્ય છાંટતી, ને પોતાનો ઉમેદવાર ધરાઈ રહે ત્યાં સુધી એ ખાલી છુક છુક કરતી ગાડીના ધુમાડા ખાતી ગાડીમાં બેસી રહેતી..

[૨]

પવનની એ લેરખીને એક માનવીના સંસારની પાછલી ગલીમાં રૂંધાવાનો એક દિવસ આખરે આવી પહોંચ્યો. શહેરની પગથી ઉપર દૈવસંજોગે એક પોતાના જેવો જ લેરખડો, ફૂટડો, પાણીદાર જુવાન એને ભેટી ગયો. તેઓનાં અંતર પણ ભેટ્યાં. “તમારું નામ?" "કિરણ.” “સુંદર નામ. ગમે છે.” "મનેય તમારું નામ ગમે છે.” નાદાન પ્રેમીજનોને વર્ષો પહેલાં કોઈ વેવલી ફૈએ પાડેલાં સાદાં નામોમાં પણ ગહન અર્થ દેખાયો. ફરીથી મેળાપ થયો. યુવકે પ્રસ્તાવ કર્યો: “આપણા બેઉનાં લગ્નને સારુ એક જ માર્ગ છે. મારી માની અનુમતિ તો મારે મેળવવી જ રહેશે." "શું કરશું?” "આવતી કાલે સાંજે પાંચ વાગ્યે માને લઈને હું નગર-બાગમાં આવું. બૅન્ડસ્ટેન્ડની સામે જ અમે બેસશું. તમે ત્યાં થઈને નીકળશો? હું બાને તમારી ઓળખાણ કરાવી આપીશ.” “તમારાં બાને હું ગમીશ ખરી?” “કઈ માતા એવી કઠોર હશે કે જે તમને દેખીને નહીં રિઝાય?"

[૩]

સાડા ચારને ટકોરે કિરણ સજ્જ બનીને ઊભી. એના સાજશણગારમાં સાદાઈની શોભા હતી. અરીસાને એ આજ કહેતી હતી કે ‘હવે તારી ગરજ મારે ઓછી થશે. એક બીજો અરીસો મને આજ સાંપડવાનો છે.” એણે પહેલું પગલું ભર્યું-ન ભર્યું ત્યાં તો ચીસ પડીઃ “બહેન! ઓ મોટીબેન!” ને એની સાવકી નાની બહેને શ્વાસભરી છાતીએ ઓરડામાં પ્રવેશ કર્યો: "ઓ મોટીબેન, મને બચાવો.” એ કરગરી ઊઠી. “પણ શું છે તને, ગાંડી?” "એ જાય છે. ચાલ્યો જાય છે.” કોણ ચાલ્યો જતો હતો તે મોટી બહેન સમજતી હતી. માતાએ બહુ દાબમાં દબાવેલી દીકરીના જીવનમાં પણ પાછલી ગલીથી એક જણ પ્રવેશ કરી ચૂક્યો હતો. "જો બેન, તું રડ ના. હું જરા બહાર જઈ આવું. પછી હું એને ​સમજાવીને રોકી રાખીશ.” "પછી! પછી! પછી! પછી તો ઘણું મોડું થઈ ગયું હશે પછી મારું જીવતે મોત થશે. ઓ મોટીબેન! હમણાં ને હમણાં એને અટકાવો, નીકર, નીકર મારા નસીબમાં આટલું જ બાકી રહેશે.” એટલું બોલતી એ બારી ઉપર દોડી ગઈ, બારણું ઉઘાડ્યું, બહાર ડોકિયું કર્યું. એ બારીથી ધરતી બસો ફૂટ નીચે હતી. “પણ શા માટે?” “શા માટે? હજુ પૂછો છો શા માટે?" એમ કહીને એણે ધ્રુસકા નાખ્યાં. "ઓ... હો! સમજી મોટી બહેને નાનીના દેહ પર દ્રષ્ટિ કરી. પાછલી ગલીમાંથી પ્રવેશેલા અતિથિએ યુવાન કન્યાના ઉદરમાં પોતાનું પાપ ક્ચારનું ય રોપી દીધું હતું. અત્યારે હું નહીં જાઉં, તો મારું આખું જીવતર હારી જઈશ. પણ એના સામેના પલ્લામાં આ છોકરીનું મોત છે. આ ભોળી છોકરી નીચે પડતું મૂકીને પોતાના દેહના ફોદા કાઢી નાખશે. એના દુઃખનું છાબડું નમે છે. નાની બહેનને ગોદમાં લઈને એણે બહેનની પાછલી ગલીના પરોણા તરફ પગલાં ભર્યાં.

[૪]

બગીચામાં બૅન્ડ ખલ્લાસ થયું. તાળીઓ પાડીને પછી લોકમેદનીએ વિખરાવા માંડ્યું. વાટ જોઈજોઈને આશા હારેલો યુવાન પણ વૃદ્ધ માને દોરી ચાલી નીકળ્યો. બૅન્ડનું છેલ્લું ઢોલક ખભે નાખીને છેલ્લો સિપાહી પણ નીકળી ગયો. તે વેળા એ વિશાળ નિર્જનતાની વચ્ચે બાંકડે બાંકડે તપાસતી કિરણ ત્યાં ભમતી હતી. ચોગમ શૂન્ય શૂન્ય બની રહ્યું હતું. પોતે પણ એ શૂન્યતાનું જ એક અંગ, એક બાંકડા જેવી થઈ ગઈ.

[૫]

પાંચ વર્ષો વીતી ગયાં. ફરીને પાછાં એક આલેશાન રાજનગરના ​સરિયામ રસ્તા પર બેઉ મળ્યાં. ઊભાં રહ્યાં. ‘એક પળ મોડું' થયું હતું તે દિવસ બન્નેએ યાદ કર્યો. “મેં તો પછી પરણી લીધું. મારે ઘેર બે બચ્ચાં પણ છે.” પુરુષે પુરુષાતન પ્રગટ કર્યું. “તું શું કરે છે?” "અહીં ચાકરી કરવા આવી છું. હું તો હતી તેની તે જ છું. તને મારા જીવતરમાંથી બહાર કાઢી નથી શકી.” "ક્યાં જઈશ?" "તારી પછવાડે પછવાડે.” “પણ હું તો પરણ્યો છું.” “તેથી મારે શો વાંધો છે?” રાજનગરની અંદર એક દૂરદૂરના લત્તામાં અજાણ્યા પાડોશની અંદર કિરણને સારુ એક ફલેટ ભાડે રાખીને યુવકે પોતાની માશૂકને ત્યાં પિંજરમાં પૂરી. પોતે કાકાની બૅન્કમાં દિન-પર-દિન ઊંચી પાયરીએ ચઢતો જતો હતો. આબરૂદાર સમાજમાં ઊંચો દરજ્જો ભોગવતો હતો. બૅન્કના કામમાંથી, કુટુંબની જંજાળમાંથી, સમાજના વિનોદો અને વ્યવહારમાંથી જ્યારે જૂજ કંઈક ફુરસદ મળે ત્યારે જગતની નજર ચુકાવીને એ ધનાઢ્ય જુવાન આ અજાણી પોળના નિવાસમાં દાખલ થતો. કોઈ ન જાણે તેવી રીતે પાછો સરકી જતો. આવતો હતો અનેક વાર, પણ ઉઘાડા પડી જવાની ધાસ્તી એને છોડતી નહોતી. થોડો વખત ગાળ્યા પછી મારે હજુ ઘણું કામ છે? એ ઉચ્ચારો સાથે છૂપી વિદાય લઈને એ ચાલ્યો જતો. આમ ઘણુંખરું કિરણ એકલી જ રહેતી. ઘરમાં એને કોઈ શોભાશણગાર નહોતાં. હતી ફક્ત પોતાના પ્રેમીની એક છબી એની સામે જોતી બેસતી. રાહ જોયા કરવી એ જ એનો એક વ્યવસાય થઈ પડ્યો. કદી દરરોજ, કદી બે દહાડે, કદી એથી પણ વધુ આંતરે પ્રેમીનું આવવું થતું. એટલે એ ઘરમાં કિરણનો દુઃખબંધુ એક ટેલિફોન જ હતો. પાડોશમાં કોઈ સાથે એ બેસતા-ઊઠતી નહોતી. કેમકે પૂછપરછમાં એને પકડાઈ જવાનો ભય હતો. એક વાતઘેલી પાડોશણ કોઈ વાર આવતી, એક જ શ્વાસે પચાસ વાતોનો ખીચડો કરીને એ કાબર કિરણને રમૂજ કરાવતી, કિરણના સ્વામીની છબી જોઈ જોઈ એ વાતોડિયણ કિરણને પ્રશ્ન કરતી કે “ઓહો, કેવો રૂપાળો જુવાન! તમારો વર છે ને?” ત્યારે હા-ના કંઈ જ ન કહી શકતી કિરણ ચૂપ રહેવા મથતી. આખરે એ પાડોશણ પોતાના અંતિમ પ્રયોજનની સફળતા તરીકે કિરણ કનેથી બે બટાટાં માગી લઈને ઓરડાની બહાર નીકળતાં સુધી પણ લવલવ કરતી ચાલી જતી. એ સુખી હશે. જીવનમાં પ્રલાપ કરવા જેવી પણ એક પહોળી દુનિયા એને હતી. વર હશે, કચ્ચાંબચ્ચાં હશે, રિસામણાં-મનામણાં હશે, છોકરાંની આળપંપાળ હશે, કોઈની સાથે સ્નેહ તો કોઈ અન્યની સાથે અણબનાવ, કુથલી, કજિયા, પતિ સાથે ક્યાંક જમવા કે ફરવા-ફરવા જવાનું, જીવનના અનેક ઓરડાઓને વસાવેલા રાખવાનું: આવું આવું ઘણું હશે. કિરણને તો બે જ વસ્તુઓ હતીઃ એક છબી, ને એક ટેલિફોન. ટેલિફોન જોડવાનો નંબર પણ જગતમાં એને માટે એક જ હતો.

[૬]

"જીવનમાં આજે પહેલી જ વાર યુરોપ જવાનો અવસર ઊભો થયો છે, કિરણ!” એક દિવસ આવીને પ્રેમીએ ખુશખબર આપ્યા. "યુરોપ જવાનું?” કિરણના મુખ ઉપર તેજનાં મોજાં ઊછળી પડ્યાં. “આહાહા! કેવો આનંદ! આપણે યુરોપમાં સાથે ભમશું. આ જોશું, તે જોશું; અહીં જશું, ત્યાં જશું.” કિરણ તો પક્ષીના પિચ્છ જેટલી હળવી બનીને જાણે, કે હવામાં ઊડવા લાગી. ઓરડાની દીવાલો જાણે કે ઓગળી ગઈ. “કિરણ! કિરણ! તું મારી વાતને હજુ બરાબર સમજી નથી જણાતી.” એવા ઠંડાગાર શબ્દ આશકે કિરણના હર્ષોન્માદને ઉતારી નાખ્યો. “કાં?” કિરણે એના સામે તાક્યું. . "મારું કહેવું એમ હતું કે અમારે – એટલે કે મારે તથા મારા કુટુંબને - યુરોપ જવું પડશે. વહાલી કિરણ તને તો મારાથી સાથે શી રીતે લઈ જઈ શકાય? મારી આબરૂનો આ પ્રશ્ન છે. હું ત્યાં એક મોટી પરિષદમાં ભાગ લેવા. ​મારી બૅન્ક તરફથી જાઉં છું. હું શું કરું, કિરણ! તારા વિના હું ત્યાં કેટલો ઝૂરીશ! પણ તને કેમ કરી સાથે લઈ જાઉં? મારી આબરૂ –” આશકની એ આબરૂની રક્ષા કરવા સારુ પોતાના એકાન્ત ગૃહમાં પુરાઈને કિરણ પડી રહી. એની બીડેલી આંખે એ વિશાળ મહાસાગરનાં લહેરિયા ઉપર લીસો એક ચીરો પાડતી ચાલી જતી આગબોટની પછવાડે પછવાડે દોડતી હતી. આગબોટના તળિયાની લીલી શેવાળ થઈને ચોંટી જવા તલસતું એનું મન આખરે થાકીને નિદ્રામાં પડતું.. મહિના વીત્યા. યુરોપના પ્રવાસમાંથી રોજ ટપાલની વાટ જોતી કિરણને એક દિવસ એક સામટાં ત્રણ પત્તાં મળ્યાં. ત્રણેયની પાછલી બાજુ ઉપર કોઈ ઈમારતોનાં છાપેલાં ચિત્રો હતાં. ફક્ત સરનામાની બાજુએ. જ અરધા ભાગમાં ત્રણ-ત્રણ લીટીઓ લખાઈ આવેલી ને એ ત્રણ-ત્રણ લીટીનાં ત્રણેય લખાણોની હકીકત ફક્ત આટલી જ હતી: અહીં અતિ ભવ્ય દૃશ્યો દેખી દેખી તને યાદ કરું છું. આ પ્રદેશ તો અપરૂપ સુંદર છે, વહાલી કિરણ! — લિ. તારો. ટેલિફોનની ઘંટડી હમણાં વાગશે, એવી આશાના તો અનેક કલાકો, પ્રહરો ને દિવસો વીતી ગયા, તે દરમિયાન કિરણને પોતાના ઓરડાના ઊંબરથી બહાર ખેંચી જનાર ફક્ત એક જ બનાવ બન્યો. બાજુના જ એક ઘરની અંદર આગ લાગ્યાની ચીસો ઊઠી. ઘરની એકાંતમાં એ ઓચિંતી લાગેલી આગે ઘરની એકલવાઈ જુવાન સ્ત્રીને આંચમાં લઈ લીધી. ત્યાં દોડી. જઈને એ અસહાય સ્ત્રીનો બચાવ કરનાર કિરણે એને ઘણું ઘણું સમજાવી કે “બહેન, તારા પતિને હું તેડાવું? એનો ફોન નંબર શો છે? એ ક્યાં છે?” જવાબમાં એ પીડાતી બાઈએ માથું હલાવી ના જ પાડ્યા કરી :નથી બોલાવવો એને. એની સારવારમાં દિવસ-રાત રોકાઈને એને સાજી કર્યા પછી એક દિવસ પોતાના ઘરમાં એને બોલાવી કિરણે મીઠાશથી પૂછ્યું કે “બેન, તારા વરને બોલાવવાની તેં કેમ ના પાડી હતી?” “બેન, મારા એ વર નથી.” “ત્યારે?" “મારી જોડે એ પરણ્યા નથી. મને એણે અહીં ખાનગી રીતે રાખી છે. હું શી રીતે એને ખુલ્લંખુલ્લા બોલાવું? મારો એના ઉપર શો અધિકાર? એની આબરૂ જાય. ઓ બહેન, તારા જેવી પુણ્યશાળી હું નથી. તારે તો કેવો પતિ છે!” એટલું કહીને આંસુભરી આંખે એ પાડોશણ કિરણના પ્રેમિકની છબી સામે જોઈ રહી. "સાચું છે, બહેન!” કિરણે ફિક્કું હાસ્ય કર્યું: “તારી બહુ બૂરી દશા છે. હું તને સલાહ આપું છું, કે આ ત્રાસદાયક જીવનમાંથી તું ઝટ છૂટી થઈ જા. આ ક્ષણક્ષણના તલસાટો, ઊર્મિઓના છૂંદેછૂંદા, ટેલિફોનોની આ વરાળભરી ફૂંકોઃ ઓ બહેન, એક પુરુષના પાપનું ઢાંકણ બનવા સારુ આ બધું સહેવા કરતાં તો તું કોઈને પરણી જા, છોકરાની મા બની જા, ઘર માંડી લે. આ ત્રાસનો તો અંત જ નહીં આવે.” પાડોશણ નહોતી જાણતી કે કિરણ પણ પોતાના જેવી જ અભાગણી છે; ને કિરણ નહોતી જાણતી કે પાછલી પોળ'ના ઊંચા ઊંચા માળાઓની કેટલી કેટલી ઝળહળતી બારીઓ આવી ઉપપત્નીઓની હૈયાવરાળોને સંઘરી રહી હતી! પરંતુ આ રખાત-જીવન પ્રત્યે એના બંડનો હુતાશન જાગે છે તે જ ક્ષણે બારણું ઊઘડે છે અને પ્રવાસેથી પાછી વળેલો પ્રેમિક દખલ થાય છે. “આ કોણ? તારા વર કે?” પાડોશણે પૂછ્યું. “હા, એ જ.” કિરણે દંભ સાચવ્યો. પાડોશણ ચાલી ગઈ. એને કંઠે વળગવાની સાથે જ કિરણનું બધું બંડ પીગળી ગયું. એ એક જ ઘડીએ જીવનની શૂન્યતાને છલોછલ પૂરી દીધી. “ક્યારે આવ્યા?” "પરમ દિવસે.” "પરમ દિવસે!” આભી બનેલી કિરણ જોઈ રહીઃ "બે દિવસથી ​તમે શહેરમાં છો, છતાં મને ખબર સુધ્ધાં ન પડે?” “હું તને શું સમજાવું, વહાલી કિરણ! મારે કેટલી બધી કામગીરી હોય છે! મને વખત જ ક્યાં મળે છે? કેટલી મહેનતે હું માંડમાંડ તારી કને આવી શકું છું. કેટલાની આંખોને ચુકાવવી પડે છે!” હશે; સાચું હશે. કિરણે એ કામગીરીની વિટંબણાઓ સાચી માની લીધી. “પરંતુ,” એણે કહ્યું: “આમ ક્યાં સુધી? ક્યાં સુધી આ ગુપ્ત એકલતાને મારે ભોગવ્યા કરવી? આ ચોરની દશાની, આ ટળવળાટનો કોઈ અંત જ નથી શું? આ દરિયાને ક્યાંયે આરો નહીં મળે? ઓ વહાલા! મારે દા'ડા કાઢવાનું એક છેલ્લું સાધન-એક પેટનું જાણ્યું –એક જ જો હોય ને?” રખાતના પ્રાણમાંથી માતૃત્વ બોલ્યું. સાંભળતાંની વાર જ પુરુષ સ્તબ્ધ બન્યો. એની મુખરેખાઓ ઉનાળે ધગતી જળશૂન્ય નદીઓ જેવી બની ગઈ. એના મોંમાંથી શબ્દો છૂટી પડ્યાઃ “આ તું શું કહે છે? મારી આબરૂનો કંઈ વિચાર કરે છે? તું કંઈ મારી પરણેલી સ્ત્રી છે, તે આવું ઘેલું કાઢી રહી છે?” “તું કંઈ મારી પરણેલી સ્ત્રી છે!" એ શબ્દોએ કિરણને સમાધિસ્થા બનાવી. કેટલીક લાગણીઓ આંસુની પાળોથી ઘણે ઊંચે રહે છે. કેટલાક જખમો લોહી વહેવરાવતા નથી પણ લોહીને થિજાવી મરેલું બનાવી દે છે. કિરણ નિરુત્તર રહી. "કિરણ, મને માફ કર.” પુરુષ ખસિયાણો પડ્યો: “મારાથી અઘટિત વચન બોલી જવાયું. પણ હું શું કરું? મારી આબરૂ –” ફરી પાછી કિરણ એની ગોદમાં સમાઈ. પણ એનો ઘા ઊંડો ગયો હતો. મારી આબરૂ! મારી આબરૂ! મારી આબરૂ! એ શબ્દો એની છાતી પર અંગાર-શા ચંપાતા હતા.

એક દિવસ બપોરવેળાએ બારણું ઊઘડ્યું અને કિરણના ધગધગતા જીવન પર વાયરાનો એક હિલોળો વાયો. એ હતો એના પિયર ગામનો પેલો બાઈસિકલિયો પાડોશી. હસતો હસતો અને ચશ્માંની અંદર આર્દ્ર ​આંખો પટપટાવતો ઊભો રહ્યો. "કિરણ! મારી મોટર હવે ચાલુ થઈ ગઈ છે. ને, આમ તો જો, મારા વાળ પણ હવે તો હું ઓળવા લાગ્યો છું. તને મારામાં હવે ય શું ફેરફાર નથી લાગતો?” કરુણાર્દ્ર આંખે કિરણ એની સામે મલકી રહી. "કિરણ, હું હજુ યે તારી રાહ જોતો બેઠો છું.” એ કશું બોલી નહીં. “તું ક્યાંય બંધાઈ ગઈ છે શું?" “બંધાઈ હતી. હવે મુક્ત છું.” એણે પિંજરને તોડવા પ્રયત્ન કર્યો. “આવીશ?" “મારો ઇતિહાસ કેટલો મલિન છે તે તું જાણે છે?” "જાણું છું, છતાં યે પૂછું છું કે આવીશ??” "ચાલો.”

તે દિવસે રાત્રિએ આશકે આવીને એ ઓરડામાં પડેલો કિરણનો કાગળ વાંચ્યો. એના જીવનની શૂન્યતા ચીસ પાડી ઊઠી. બાપને ઘેર જઈને બાઈસિકલિયા પાડોશી સાથે વિવાહનું નક્કી કરી કિરણ પોતાનો લગ્નસંસાર ગોઠવતી હતી. નાની બેનનાં બે બાળકો ઘરમાં રમતાં હતાં, તેમના જેવાં પોતાને ઊંબરે પણ એક દિવસ ગેલતાં-ખેલતાં થઈ જશે એવા મનોરથોને હીંડોળે કિરણ હીંચકવા લાગી. એના રોમરોમમાંથી “મા! ઓ મા!” એવા સાદ પડતા હતા. એ પોતાનાં જ સ્તનો પર હાથ ફેરવતી જાણે પ્રાણની અંદર સૂતેલાં સંતાનોને જ પંપાળતી હતી. હું હવે રખાત મટીને સ્ત્રી થવાની છું એવો ઉઘાડા જીવનનો ગર્વ એને આભની અટારી સુધી ઝુલાવતો હતો. માર માર ઝડપે એક દિવસ એક મોટર આવીને એના ઘરના દ્વાર પાસે ઊભી રહી. શહેરી પ્રેમિક ઊતરીને એ ઘરમાં દાખલ થયો. રમતાં બે બાળ અને ઘરનાં તમામ રજકણો ઉજમાળાં દીઠાં. બજાર કરવા ગયેલી ​કિરણની રાહ જોતો એ ઊભો. કિરણ આવી. મનુષ્ય નહીં પણ મૂર્તિમાન ઘર. બેઉ હાથમાં, બગલમાં ને ખભા પર જેટલાં ઊંચકી શકાય તેટલાં બંડલો, ખોખાં ને કપડાંલત્તાનાં પરબીડિયાં! એ બધી બાહ્ય સામગ્રીની અંદર એના મનોરાજ્યનું જ દર્શન હતું. ગૃહસંસાર માંડીને તેમાં જંપી બેસવાનો અંતરતમ અનુરાગ એ પ્રત્યેક પરબીડિયામાંથી બોલતો હતો. "તમે?” એ ચમકી ઊઠી: “તમે અહીં?” “તું શા માટે ચાલી આવી?” "કેમકે હું તમારી પત્ની નહોતી. મારી ભૂખ ઘરસંસાર વસાવવાની . અને... અને..” કિરણની આંખોમાં નાનાં બાળકો જેવાં બે આંસુ ઊછળી રહ્યાં. "હું તને લેવા આવ્યો છું. તારા વગર મારું મોત છે.” ગૃહસંસારનાં સ્વપ્નો ભુક્કો કરીને ફરી પાછી કિરણ એ મોટરમાં રાજનગર તરફ ચાલી નીકળી, અને આ ખાનદાન' ધનપતિના જીવનની પાછલી પોળમાં પેસી ગઈ. બહાર નીકળવાની હવે આશા નહોતી.

[૭]

એ ગુપ્ત જીવનને પચીસ વર્ષોનાં કાળ-કરવત ઘસાયાં. પણ એમાં ચીરો પડી શકયો નહીં. સંસારી સાફલ્યની સીડીનાં એક પછી એક પગથિયાં ચડતો સ્વામી જ્યાં જ્યાં ગયો-આવ્યો ત્યાં ત્યાં, રેલવેમાં, આગબોટોમાં, દેશદેશાવરે ને નગર-નગર, ઉત્સવે સહેલગાહે કે રોજગાર, કોઈ જ ન જાણે તે રીતે કિરણ એની છાયા બનીને એની પછવાડે પછવાડે જતી હતી. કેમકે કિરણની હૂંફ વગર પુરુષને ચાલતું નહોતું. પોતાના જીવનના મધ્યભાગમાં બંદિની બનીને કિરણ પડેલી છે, એ એક જ વાતમાંથી આ પુરુષના પુરુષાર્થનો ને વિજયનો ઝરો વહેતો હતો. જગતની બુલંદ બેન્ક-પરિષદોનાં પ્રમુખસ્થાનેથી વાંચવા સારુ એણે લખેલાં ભાષણો એ સહુથી પહેલાં કિરણને વંચાવતો ને એના એકના સંતોષ પરથી પોતાની મહત્તા માપતો. છતાં એના આ તમામ દુન્યવી વિજયોનો પ્રગટ હિસ્સો ક્યાંયે વાચ્યા વગર અંગત અસીમ ગોપનતામાં જ ​પુરાઈ કિરણને જીવવાનું હતું. સાથે ને સાથે છતાં અનંત યોજનાને અંતરે. એક દિવસે આ મહાપુરુષ પોતાના કુટુંબની સાથે એક આગબોટ પર પ્રવાસે ચડેલો છે. કિરણે પણ ગુપ્ત સહયાત્રા માંડી છે – મુસાફરીની અંદર અવારનવાર એકાંત શોધીને બેઉ જણાં – ચાલીસ-પીસ્તાલીસ વર્ષનાં બની ગયેલાં – મળે છે. સહુ સમજે છે કે આ બે જણાં પણ સામાન્ય સહયાત્રીઓ માફક પરિચય સેવી રહેલ છે. માત્ર બે જ જણાંની આંખો નથી ઠગાતી. એ બે હતાં આ ધનપતિ સ્વામીનાં જ પુત્ર-પુત્રી. પુત્રની કરડી નજર પિતાની અને આ કોઈ ભ્રષ્ટા રખાતની વચ્ચે ચાલતા વ્યવહાર ઉપર ખંજરની માફક તોળાઈ રહી છે. એક દિવસ પુત્ર કિરણના ખંડમાં આવી પહોંચ્યો.અને ડોળા ઘુમાવતાં બોલ્યોઃ “હું જાણું છું – તને અને તારી અધમ જાતને હું જાણું છું. પણ. આજ તને ચેતવવા આવ્યો છું કે તું મારા પિતાના જીવનમાંથી ઝટ ખસી જજે. તને ખબર છે, મારી બહેનનાં લગ્ન એક અમીર કુટુંબની અંદર થવાનાં છે. તારો મારા પિતા સાથેનો સંબંધ જો જાણવામાં આવશે તો અમારું સત્યાનાશ નીકળી જશે. મારી માતા જાણશે તો એ આપઘાત કરી મરશે. માટે હું કહું છું કે અમારા બાપનું તો તેં સત્યાનાશ કાઢી નાખ્યું, પણ ભલી થઈને હવે અમારાં ભાઈ-બહેનના ભલા ખાતર તું મારા પિતાના જીવનમાંથી ખસી જ. બોલ, તારે કેટલી કીમત જોઈએ? બોલ, હું તને ચૂકવી આપું.” એટલું બોલતાં તેણે ગજવામાંથી ચેકબુક કાઢી. આ બધો સમય એ ચાળીસ વર્ષની શ્વેતકેશી કિરણ એ જ દ્રષ્ટિથી જોઈ રહી હતી, કે જે દ્રષ્ટિથી એણે પંદર વર્ષો ઉપર ‘તું કાંઈ મારી સ્ત્રી થોડી છે!' એ ટોણો મારનાર આ પુત્રના બાપ તરફ તાક્યું હતું. એ હલી કે ચલી નહીં. એની આંખનાં મટકાં પણ અટક્યાં હતાં. અને ‘બોલ, તારી, કિંમત કેટલી! બોલ ઝટ, હમણાં ચેક ફાડી આપું' એ શબ્દ હથોડાની નીચે એણે પોતાની છાતી છુંદાઈ જવા ધરી દીધી હતી. ફરી એક વાર દ્વાર ઊઘડ્યું અને ત્રીજો જણ દાખલ થયો. એ હતો પુત્રનો પિતા. લજિજત ચકિત નજરે થોડી વાર તો એ અવાચક બની બારણા ​પાસે થંભી ગયો, પણ પછી એણે બારણું બંધ કર્યું. કહ્યું, “બેટા, બેસ. મારે તને વાત કહેવી છે.” પીઠ દઈને પુત્ર ઊભો હતો. પોતાના બાપનો અને આ વેશ્યાનો મેળાપ નીરખવામાં એને અધર્મ લાગ્યો. “ના, તું પણ હાજર રહે.” કહીને એણે ત્યાંથી ચાલી જતી કિરણને રોકી. ફરીને કહ્યું, “પુત્ર, નીચે બેસ.” ધૃણાથી દગ્ધ બની જતો જુવાન પુત્ર ખુરશીમાં યંત્રવત્ પટકાયો. "જો બેટા!” બાપે સ્વસ્થ સ્વરે સંભળાવ્યું: “તારી માતા સાથેનાં મારાં લગ્ન અગાઉ બે મહિના પર અમારો બેઉનો મેળાપ થયેલો. એક અકસ્માતને કારણે અમારાં લગ્ન ન થઈ શક્યાં. પરંતુ આજે પૂરાં પચીસ વર્ષોથી એ મારા જીવનમાં પુરાઈ રહી છે. મને એણે શું શું સમર્પેલ છે, મારી પાછળ એણે શું શું ગુમાવ્યું છે, તે એક હું જાણું છું, ને બીજો ઈશ્વર જાણે છે. ને હવે આજ આ બુઢાપાના દ્વાર ઉપર ઊભેલો હું એને મારા જીવનમાંથી રજા નહીં આપી શકું. માટે, ભાઈ, તને હું એટલું જ કહું છું કે તું તારું કામ સંભાળ.” “નહીં તો –?” પુત્ર તાડૂકયો. “નહીં તો તારે જ મારા જીવનમાંથી અળગા થઈ જવું રહેશે.” “તમે બન્ને – તમે બન્ને ઘૃણિત, નીચ, ઘોર પાતકી છો.” દાંત ભીંસીને પુત્રે સંભળાવ્યું. “બસ, હવે ચાલ્યો જા, ભાઈ!” પિતાએ શાંતિથી પુત્રને વિદાય દીધી, અને પુત્રના સાંભળતા જ કિરણને સંબોધીને કહ્યું: “કાલે સવારે, ચા-નાસ્તો આપણે સાથે જ લેવાનો છે. કાલે સવારે – છડેચોક આપણે તારે ઘેર ભેગાં બેસી જમશું, ને જગત સમક્ષ આપણો સંબંધ પ્રગટ કરશું. કાલે સવારે, હોં કે!”

[૮]

બીજા દિવસની સવારે કિરણ પોતાને હાથે જ મેજ ઉપર ચા-નારતાનો અન્નકૂટ સજતી હતી. રકાબીઓ ગોઠવતી ગોઠવતી ગીત ગણગણતી હતી. ​પચીસ વર્ષોની યાતનાઓ પછી એ જીવનપ્રભાત એના જીવનની સમગ્ર નિર્જનતાને ભરચક વસ્તી વડે વસાવી રહ્યું હતું. આજે એણે રસ્તા પરની બારીઓ પણ ઉઘાડી મૂકી હતી. સૂર્યકિરણો જાણે આજ પ્રથમ પૂર્ણમિલનના ઉત્સવમાં ભાગ લેવા થોકે થોકે અંદર દાખલ થતાં હતાં. છાપાવાળો દૈનિક છાપું આપી ગયો, પણ તે વાંચવાની કિરણને ક્યાં નવરાશ હતી! એના હોઠ ઉપર મધમાખનું ગુંજન કંપી રહ્યું હતું. એના પગ ધરતી પર ટકતા નહોતા. એ શણગારતી હતી – કાલ રાત્રીના કોલ પ્રમાણે સ્વામીજમવા આવવાનો હતો તે નાસ્તાની વાનીઓને, પોતાના દેહને નહીં. દેહ તો આપેથી જ એની સફેદ વસ્ત્રોની સાદગીમાં દીપતો હતો. વેળા બહુ થઈ. કિરણ વાટ જોતી બેઠી. વખત વીતાવવા માટે એણે છાપું ખોલ્યું, અને પહેલા પાનાના મથાળાના અક્ષરો વાંચતાં જ દિમૂઢ બની ‘......બૅન્કના સુપ્રસિદ્ધ મેનેજર શ્રી..... મૃત્યુપથારીએ ગઈ અધરાતે એકાએક લકવાનો ભોગ.” એ જ સમયે પતિના દૂરદૂરના ઘરની અંદર શું થઈ રહ્યું છે? નાસ્તો કરવા આવીશ એવું વચન દઈ જનારને રાતમાં જ પક્ષાઘાત થઈ ગયો. એક બાજુનો આખો દેહ ઝલાઈ ગયો. હોઠ ફફડાવતો બોલવા અને ચેષ્ટા કરવા જીવલેણ પ્રયત્ન કરતો એ પિતા ઓરડામાંથી અન્ય સહુને વિદાય આપી, એકલા પુત્રને જ પાસે બોલાવે છે. ટેલિફોન સામે મીટ માંડીને બતાવે છે. પુત્ર ટેલિફોન લઈને ઊભો રહે છે. કોઈ રણનો તૃષાતુર જે રીતે મોં ફાડે તે રીતે હોઠ ફફડાવતો પિતા, લોચા વળતી જીભે, કટકે કટકે અક્કેક આંકડો બોલી આખો નંબર આપે છે. એ નંબર જોડતાં જ પુત્રને સામેથી એક સુપરિચિત, ઘૃણિત કંઠનો અવાજ સંભળાય છે. પિતા આખરકાળનું સમગ્ર જોર એકઠું કરીને ચેષ્ટા વતી ટેલિફોન માગે છે. પુત્ર એ યંત્ર પિતાના કાનમો પર ગોઠવે છેઃ “...ક...કિ...ઈ....ર...ણ...." કંપતા હોઠ માંડ માંડ બોલી શકયા. “હા, હા હું જ કિરણ. બોલો, વહાલા!” સામો પ્રત્યુત્તર મળ્યો. "કિ...ઈ...ઈ...ર...ણ!" "કિ...ઈ...૨....અ.... ણ!" “કિ...૨...અ...અ...ણ!” ત્રણ વાર એ નામના પોકાર કરતો અવાજ તૂટી ગયો. વધુ કંઈ કહેવાનું હતું? હા, પણ કહેવાયું નહીં. છેલ્લા શ્વાસ છૂટી ગયા અને પુત્રે ચીસો પાડી કે “દોડો! દોડો! પિતાજી ખલાસ!” એ જ શબ્દો ટેલિફોનના જોડાણને બીજે છેડે સંભળાયા. કેમકે પુત્રે ‘રિસીવર' ટેલિફોનની ઘોડી ઉપર મૂકવાને બદલે નીચે છોડી દીધું હતું. ઓરડાનો એ કોલાહલ, રુદન-ચીસો, મૃત્યુનાં આક્રંદ, તમામ એ ઉઘાડા યંત્રમાં રેડાઈને દૂર દૂર બેઠેલી કિરણના કાનમાં અથડાયાં. પાછલી પોળના ગુપ્ત આવાસમાં એ નિઃસહાય વેદનાની પ્રતિમા સમી વલવલી રહી હતી.

[૯]

બારણા પર ટકોરા પડ્યા. "આવો.” ઉત્તર મળ્યો. પિતાનો પુત્ર અંદર આવ્યો. આજે એના પગલામાં તીખાશ કે આંખોમાં કટારી નહોતી. છતાં કિરણ ફાળ નહોતી પામી એમ કેમ કહી શકાય? પુત્રે પોતાના પિતાની રખાતને દીઠી. સદેહે બેઠેલી એકલતા સમી: વૈધવ્યના જીવંત કાવ્ય જેવીઃ જગતમાં કોઈ ન જાણે તે રીતે મૃત સ્વામીનો ખૂણો પાળતી. ગોઠણ સુધી રજાઈ ઢાંકી પતિની છબી પાસે એણે આસન લીધું હતું. એને આશ્વાસન દેવા ત્યાં કોઈ જ નહોતું. પોતાનું દુઃખ બીજાની નજરે પડે તે વાતથી મળતો છૂપો આહ્'લાદ પણ આ વિરહ-શોકને કલુષિત કરવા ત્યાં હાજર નહોતો. "હું આવ્યો છું એક ખાસ કામ બાબત.” જુવાનની વાણીમાંથી ડંખ ચાલ્યો ગયો હતો. એક જ રાતમાં બુઢ્ઢી બની ગયેલી કિરણ આંખો માંડીને સાંભળી રહી. કોઈ નવા પ્રકોપની ધાસ્તી છતાંય એની નિશ્ચલતા ટકી રહી હતી. જાણે એને કશું બીવાપણું જ નહોતું. એ શૂન્યતામાં સંસારી આકાંક્ષાનું એક ​તણખલું પણ હવે જગ્યા રોકતું નહોતું. "મારા પિતાના તે દિવસના બોલવા પરથી મને લાગેલું કે તમારા સારુ એ કંઈક કાયમી ગોઠવણ કરવા માગે છે. વિલ તો એમણે કર્યું છે, પણ વિલ'માં તમારા વિશે નથી લખ્યું એ સ્વાભાવિક છે. હું તમને પૂછું છું કે તમને મારા પિતા તરફથી શું મળતું?” “બસો.” નિશ્ચલ ઉત્તર. “અઠવાડિક?" પુત્રે પૂchયું. એ દેશમાં અઠવાડિયે મુસારો ચૂકવવાનો નિયમ છે. કિરણે નકારમાં ડોકું હલાવ્યું. ધીરેથી ઉમેર્યું: “મહિને" એ એક જ શબ્દે પિતાની આ ‘ધૃણિત નીચ ભ્રષ્ટા' રખાતનું શ્વેત હૈયું ખુલ્લું કરી બતાવ્યું. પુત્ર પોતાના ધનકુબેર બાપની પ્રિયાના ઘરમાં ચોમેર દૃષ્ટિ ફેરવીને નિહાળી રહ્યો. માસિક બસો રૂપિયાની નાચીજ જિવાઈ લઈને આ સુંદરી પચીસ વર્ષોથી એક જ પુરુષને ખાતર જીવન ઘસડે છે! પુત્રે ચેકબુક કાઢી. એક ચેક ફાડીને કિરણના ખોળામાં મૂકતાં એ બોલ્યોઃ “આ પહેલા માસનું ખર્ચ. દર માસની પહેલી તારીખે અચૂક તમને એ રકમ મોકલાતી રહેશે. તે ઉપરાંત જ્યારે તમને કંઈ પણ જરૂર પડે ત્યારે આ સરનામે લખશો અથવા આવશો. અચકાશો નહીં.” પોતાના સરનામાનું કાર્ડ મૂકી એ જુવાન લગભગ દોટ કાઢવા જેટલી ગતિએ ત્યાંથી પસાર થઈ ગયો. કિરણની નિશ્ચલતાને તો ખોળામાં પડેલો ચેક પણ ન ડગાવી શકયો. એના હાથ પ્રાર્થનાની સ્થિતિમાં જ જોડાયેલા હતા. એણે માત્ર છબી સામે નજર ઠેરવી. એ શું બોલી? એ બોલી: “ઓહ વહાલા! કેવો માયાળુ દીકરો! આ દીકરો મારો જ હોત – મારે જ પેટે અવતર્યો હોત, જો તે દા'ડે બાગમાં હું જરીક વહેલી પહોંચી ગઈ હોત તો, નહીં?" એની આંખો સામે પચીસ વર્ષો પહેલાં થયું હોત તોનું દૃશ્ય રમી રહ્યું. જાણે પોતે બાગમાં વેળાસર પહોંચી ગઈ છે : પુત્રે જાણે વૃદ્ધ માને ​આ છોકરીની ઓળખ આપે છેઃ બુઢ્ઢીને આવી નમણી ને મીઠાબોલી પુત્રવધૂ ગમી જાય છે. બેઉ પરણે છેઃ ને – ને પોતાને ગૃહિણીપદે આવો એક પુત્ર પ્રસરે છે- પણ પાંચ જ મિનિટનું છેટું પડી ગયું. એ પાંચ મિનિટે એને રખાતની વલેમાં મૂકી દીધી. "આજ એ મારો-મારો પેટનો જણ્યો હોત, નહીં?" એટલું કહી છાતી ફાટ રડતી, ‘હવે હું આવું છું, જલદી આવી પહોંચે છું.’ એ છેલ્લા બોલ બોલી કિરણ પેલી છબીની સન્મુખ ટેબલ ઉપર માથું નાખી ઢળી પડી.