પ્રતિસાદ/આજનું જગત અને આપણી સંવેદના : એક ઝાંખી
ભરતી-ઓટ, ગ્રહમંડળની ગતિઓ, ઋતુઓની નિયમિતતા જોઈ ઘડીભર લાગે છે કે પૃથ્વી નિયમ-બદ્ધ અને વ્યવસ્થિત છે. બીજી જ પળે ધરતીકંપ, જ્વાળામુખી, દુકાળ, રોગ, સંહાર—એ બધું જોઈને વળી થાય છે કે વિશ્વમાં તો અંધાધૂંધી પ્રવર્તી રહી છે. જગતને બગીચો માનીને ચાલનાર અનેક સ્થળે ભયંકર મરુભૂમિ જોઈ વિસ્મય પામે છે. વિશ્વ પ્રગતિ કરે છે એ જેટલું સત્ય લાગે છે તેટલું જ તે ઠરીને વિનાશ પામશે એ પણ લાગે છે.
મનુષ્યના વ્યાવહારિક જગતમાં પણ એવું જ છે. ઘણી વાર માનવ-બુદ્ધિ ભવાબ્ધિમાં તરતા વહાણ જેવી પાર પહોંચાડનાર દેખાય છે; કોણ જાણે પણ બીજી જ પળે થાય છે કે આ બુદ્ધિ પરનો વિશ્વાસ તો કાચલીના વહાણે સમુદ્ર તરવા જેટલો હાસ્યાસ્પદ છે. ક્યાંક તેનો છડેચોક નાશ થતો દેખાય છે. ઈશ્વરમાં પણ શ્રદ્ધા બેસી બેસીને ઊઠી જાય છે. વિજ્ઞાનશાસ્ત્રીઓ થાકે છે અને તત્ત્વજ્ઞાનીઓ પણ થાકે છે. વિશ્વની ગૂંચ તો એવી ને એવી જ રહે છે.
લાલજી મૂળજી ગોહિલ
આજનું જગત અને આપણી સંવેદના : એક ઝાંખી
“વીસમી સદીના ઉત્તરાર્ધથી પશ્ચિમી વિશ્વજીવનનું વધુ ને વધુ કણીકરણ (એટમાઇસેશન) થતું આવતું નજરે પડે છે. કચેરીઓમાં કે અન્ય કાર્યક્ષેત્રે નવી ટેક્નોલૉજીઓને કારણે બહુસંખ્ય લોકોને એક ટીમના સભ્યો કરતાં વ્યક્તિ-એકમો તરીકે પોતાના કામમાં વધુ જુટાવાનું આવે છે. ઘરોમાં પણ હવે પોતાને મનોરંજન પૂરું પાડવાની રીતો વધુ ને વધુ વ્યક્તિલક્ષી બનતી જાય છે – કાં તો પોતાનું સ્ટીરીઓ-હેડપીસ પહેરીને લગભગ એકાંતવાસમાં કે પછી કમ્પ્યુટર સ્ક્રીન સાથે ચાળા કરતા રહીને. શ્રમ અને ફુરસદના કણીકરણની અસર વળી કુટુંબ-વ્યવસ્થા ભાંગી પડવાને કારણે દ્વિગુણિત થઈ છે. અમેરિકામાં હમણાં ચાલીસ ટકા કુટુંબો કાં તો માત્ર એક વ્યક્તિ પૂરતાં સીમિત હોય છે કે પછી માત્ર મા કે બાપ એમ એક પેરન્ટવાળાં હોય છે. આગલી સદીમાં નાનાં નગરોમાંથી મોટાં શહેરોમાં વસ્તીનું સ્થળાંતર થયું, પણ નવાઈ એ વાતની છે કે મોટા ભાગના લોકો માટે જીવન વધુ સામૂહિક થવાને બદલે એકાકી થવા લાગ્યું; હવે વળી અધિક કાર્યક્ષમતા સિદ્ધ કરવા માટે શ્રમની ઝડપી હેરફેરની જરૂરિયાત ઊભી થઈ છે. આમેય ટેક્નોલૉજીએ ઘટાડેલી સાથીદારની ભાવનાને આ જરૂરિયાત વધુ નીચલી પાયરીએ પહોંચાડશે; સાથીદારની ભાવના તો લાંબા સમય સુધી સાથે કામ કરવાથી ઊભી થતી હોય છે.” “આ કણીકરણની કિમ્મત એક કે બીજી રીતે લગભગ બધાએ ચૂકવવી પડે છે. જેમ જેમ વખત પસાર થતો જાય છે એમ લોકો કદાચ પૈસા બનાવવાની અને ખર્ચવાની આ વ્યક્તિલક્ષી રીતો સાથે આસ્તે આસ્તે મેળ પાડી દે; પણ ઘણાં હજી આવો મેળ પાડી શક્યા નથી. આની અસર એકબીજાના સંબંધોમાં જોઈ શકાય છે – આત્મીયતામાં ઠીક ઠીક ક્ષીણતા નજરે પડે છે.” “આત્મીયતા જ્યારે આમ ક્ષીણ બનતી જાય ત્યારે લોકો વધુ કઠોર અને હિંસક બની જઈ શકે. હિંસાનાં સાધનો – જેમ કે બંદૂકો હવે વધુ આસાનીથી પ્રાપ્ત કરી શકાય અને પરવડી શકે એવા ભાવથી મળતી થઈ ગઈ છે. એવી જ રીતે આત્મસંયમને ચલિત કરતાં શરાબ અને ડ્રગ પણ આસાનીથી પ્રાપ્ત થયાં છે. પશ્ચિમમાં મોટા ભાગના લોકો માટે ગઈ સદી કરતાં જીવન ઘણી બધી રીતે વધુ ઉપભોગમય બન્યું છે. પણ હવે કારખાનાનાં કામદારો અને ખેતમજૂરોના બનેલા નવા મધ્યમવર્ગને શંકા પડવા માંડી છે કે અકળ રીતે જીવન એકાએક વધુ પાશવી અને જોખમી બની ગયું છે.” લંડનના ઑગસ્ટ, ૧૯૯૪ના ઇકોનોમિસ્ટના અંકમાં આમ તો બીજા જ વિષયની વાત ત્યાં થઈ છે, પણ એ વાતની અનુષંગે હાલના પશ્ચિમી જીવનનું ઉપર બતાવ્યું એ આંશિક તાદૃશ ચિત્ર પણ ઝડપાયું છે. ચાલોે, એક બીજા દૃશ્ય-ચિત્ર ઉપર નજર નાખીએ. તા. ૩૦-૭-૯૪ના દિવસે ટાઇમ્સ ઑવ ઇન્ડિયામાં આપણા વિખ્યાત વિજ્ઞાની જે. વી. નારલીકરનો લેખ, ‘અનુરૂપતા વિરુદ્ધ મૌલિકતા : આધુનિક વિજ્ઞાનની દુવિધા’ પ્રગટ થયો હતો. એક સમય એવો હતો કે નિરીક્ષણ અને ચિંતન દ્વારા પાયથોગરસ જેવા ગ્રીક ખગોળશાસ્ત્રીથી માંડી કોપરનિકસ અને કેપ્લર સુધી વૈજ્ઞાનિક શોધો થતી હતી. પછી વિજ્ઞાન એવે તબક્કે પહોંચ્યું કે સૂક્ષ્મ નિરીક્ષણ વગર ચાલે એમ નહોતું; એથી એ માટે યંત્રો શોધાયાં; ટેલિસ્કોપની શોધ થઈ. પણ હવે તો વૈજ્ઞાનિક સંશોધનોનાં સાધનોમાં અત્યંત જબરદસ્ત પરિવર્તન સર્જાયું છે. પાર્ટિકલ એક્સિલરેટરો, સ્પેસબોર્ન ટેલિસ્કોપો અને સુપર કમ્પ્યુટરો વૈજ્ઞાનિક સંશોધનો માટે અનિવાર્ય બની ગયાં છે. આ ઉપરાંત વ્યક્તિગત રીતે કે ટીમમાં સંશોધન કરવા માટે પણ સારા પ્રમાણમાં ધનની જરૂર પડતી હોય છે. આથી ફંડ મર્યાદિત હોવાને કારણે એની વહેંચણી માટે વિશેષજ્ઞોની સમિતિઓ રચવામાં આવી છે. રેશનલ અને ન્યાયી પદ્ધતિ વડે એ લોકોના નિર્ણયો લેવાય છે એમ કહેવાય છે. પણ નારલીકર કહે છે કે વિચિત્રતા એ છે કે આ પદ્ધતિ કોપરનિકસ, ગેલિલિયો કે ન્યૂટન જેવા સાહસિકો અને મૌલિક ચિંતકોને ફંડ માટે લાયક ઠરાવતી નથી. તમારી યોજના પૂરતી વૈજ્ઞાનિક ભૂમિકા સાથે સમિતિ સમક્ષ કેમ ન ધરવામાં આવી હોય, પણ એ સ્થાપિત સિદ્ધાંતને પડકારતી હોય તો એને સમિતિ બહાલ ન રાખે. સ્થાપિત દૃષ્ટિબિંદુને પુષ્ટિ આપવા બીજી રીતો પણ અખત્યાર કરવામાં આવે છે. પરિસંવાદો – સંમેલનોમાં એવા જ સંશોધકોને વ્યાખ્યાનો આપવા કે પેપરો રજૂ કરવા માટે બોલાવવામાં આવે જે સ્થાપિત દૃષ્ટિબિંદુનો પ્રચાર કરતા હોય. એક જ વિચાર વારંવાર દોહરાવવાથી એ પ્રસ્થાપિત સત્ય બની જાય. વળી વ્યાવસાયિક સંશોધન-સામયિકો પણ નવા પડકારોને સ્થાન આપતાં નથી. ઉદ્દામવાદી પેપરોને કોઈ ને કોઈ રીતે ટાળવામાં આવે છે. દરેક સંશોધકને પોતાની કારકિર્દી અર્થે અને આંતરરાષ્ટ્રીય માન્યતા માટે પોતાના પ્રગટ થયેલા લેખોની અને પેપરોની એક પ્રતિષ્ઠિત યાદીની જરૂર પડતી હોય છે. એટલે એને ફેશનેબલ નહીં એવા વિચારો ઉપર કામ કરવું હોય તો ખૂબ હિમ્મત (કે બેવકૂફી? – નારલીકર ઉમેરે છે) જોઈએ. નારલીકરનો ઊહાપોહ બિલકુલ સમર્થન આપવા યોગ્ય લાગે – અને છે. પણ જ્યારે કારકિર્દીના ભોગની વાત કરે છે ત્યારે થોડુંક ખટકે છે. એક જ શ્વાસમાં પછી એમણે કોપરનિકસ-ગેલિલિયોના સાહસની વાત ન કરવી જોઈએ. દરેક યુગમાં મૌલિક સંશોધકોએ કોઈ ને કોઈ રીતે સ્થાપિતોનો સામનો કરવો પડતો હશે — ભોગ આપવો પડતો હશે. છતાં નારલીકરે વૈજ્ઞાનિક ક્ષેત્રના વહીવટતંત્રનું જે ચિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું છે તે આંખ ઉઘાડનારું છે એમ કહેવું જોઈએ. ટેલિવિઝનના આગમન પછી દૃશ્ય-કલાઓનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે; નવી નવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરી વધુ ને વધુ ભવ્ય દેખાવોનો મહિમા થવા લાગ્યો છે. ચાલો, રંગભૂમિ ઉપર થોડી નજર નાખીએ. શું કહેવું છે ઉત્પલ ભાયાણીને? તા. ૩૧-૭-૯૪ની જન્મભૂમિ-પ્રવાસીની એમની કટારમાં એ લંડનના થિયેટરલેન્ડની વાત કરે છે. ત્યાં ૪૪ થિયેટરોમાંથી ૧૭માં તો માત્ર મ્યુઝિકલ્સ જ ચાલે છે. આ મ્યુઝિકલ્સ બાબતે શો પ્રતિભાવ છે ઉત્પલ ભાયાણીનો? એ લખે છે, “ગમે એવી કલ્પનાને સાકાર કરે એવો સંનિવેશ, પ્રકાશ-આયોજન, સંગીત રચના, રંગભૂષા અને વેશભૂષાના ભપકાને રંગમંચ પર જોતા દિગ્મૂઢ બની જવાય છે. એવું જ દૃશ્ય રચનાઓમાં કોરીયોગ્રાફીની કાબેલિયત જોઈને થાય અને જેને આપણે ‘સંવાદ’ કહીએ છીએ એના વગર જ જગપ્રસિદ્ધ કૃતિઓને મ્યુઝિકલ સ્વરૂપમાં જોતા દિગ્દર્શક, ગીતકાર અને સંગીતકારને તો વંદન જ કરવા પડે.... પણ બાઘા બનીને આ લીલા જોયા પછી મોહભંગ થતાં એવો પ્રશ્ન સળવળે કે શૅક્સપિયરનાં પાત્રોની વેદના કે શૉના પ્રહસનોનાં વાક્યુદ્ધ કે બેકેટનાં પાત્રો દ્વારા નિઃસારતા અને અર્થહીનતાની અભિવ્યક્તિ જોતાં નાટક જોવાનો જે સંતોષ થતો હતો એ અહીં થયો ખરો?” પછી પ્રશ્ન કરે છે કે વિશ્વભરમાંથી લંડનમાં પ્રેક્ષકોનો જે ધસારો થાય છે એ નાટકો માટે છે કે હેરત પમાડે એવા મ્યુઝિકલો માટે છે? આવા દમામભર્યા મ્યુઝિકલ્સ ઉત્પલભાઈમાં કોઈક અભાવની લાગણી મૂકી જાય છે, એ શું ચીંધે છે આપણને? આજે તો ઠેર ઠેર જગતીકરણની—globalisationની વાતો થાય છે. વેપાર માટે નવું પ્રભાત ઊઘડ્યું છે. ૧લી જાન્યુઆરી, ૧૯૯૫ને દિવસે World Trade Organisation (W.T.O) કાર્યાન્વિત થશે. ત્રણ દાયકાઓ પહેલાં માર્શલ મેકલુહાને જણાવ્યું હતું કે આધુનિક પ્રસાર-માધ્યમોએ માનવીય અનુભૂતિને વિભાજિત કરતી સમય અને અવકાશની ભૂમિકાને અપ્રસ્તુત બનાવી દીધી છે. એમણે વૈશ્વિક ગ્રામ–Global Villageનો ખ્યાલ વહેતો મૂક્યો. જાપાની લેખક કેનેચી ઓહોમાયેએ ‘The Borderless World’ પુસ્તક લખ્યું. શ્રી સંજય બારુએ ઑગસ્ટ મહિનાના ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયામાં ‘વેપારની ભૂગોળ’ નામનો લેખ લખ્યો. એ કહે છે કે આ ગ્લોબલાઇઝેશનનો ખ્યાલ ત્રણ સ્તંભો ઉપર ખડો છે : ૧. ઇલેક્ટ્રોનિક ટેક્નોલૉજીની પ્રભાવક ભૂમિકા, ૨. પશ્ચિમી કોર્પોરેટ જીવનની સંકુલ જાળગૂંથણી અને ૩. પશ્ચિમી પ્રસાર-માધ્યમોએ વિચારોને ઘડવાનું અને સર્જવાનું કરેલું કામ. એક ચોથો સ્તંભ પણ છે તે એ માન્યતા કે રાષ્ટ્રવાદ હવે કાળગ્રસ્ત ખ્યાલ છે. સેટેલિટિક યુગમાં ભૌગોલિક સરહદોએ બધો અર્થ ગુમાવી દીધો છે. સંજય બારુ આ ગ્લોબલ વિલેજ અને વૈશ્વિક વેપારની વાતોને પુરાકલ્પનો, ખાસ કરીને વિકાસશીલ દેશોના સંદર્ભમાં ગણે છે. એ કહે છે કે આ પુરાકલ્પનોની ભારતીય મધ્યમ વર્ગ અને વેપારી વર્ગ ઉપર એટલી તો ઘેરી અસર પડી છે કે ભારતીય નીતિના ઘડવૈયાઓ અને પ્રસાર માધ્યમોના ભાષ્યકારોએ આલોચના વગર નવી આર્થિક નીતિના બૌદ્ધિક પાયા તરીકે એમને સ્વીકારી લીધા છે. એટલે જ્યારે લંડનનું ઇકોનોમિસ્ટ બહુરાષ્ટ્રીય કંપનીઓને ચેતવે કે માનવજાત ઉપર સમય અને અવકાશ, ભૌતિક પરિવેશ અને ઇતિહાસનું – ટૂંકમાં ભૂગોળનું વજન એટલું તો મોટું છે કે કોઈ પણ ટેક્નોલૉજી ગમે તેવી કેમ ન હોય એ ઉઠાવી લઈ ન શકે ત્યારે, ભારતીય એલીટ વર્ગ માટે એ ખાસ્સી આઘાતજનક વાત બની જવી જોઈએ. પછી ઇકોનોમિસ્ટ વેધક રીતે કહે છે કે આજની વિકસેલી ટેક્નોલૉજી સમય અને સ્થળને ભૂંસી શકે છે એવો ઠીક ઠીક વિસ્તરેલો ઘમંડ છે. “અખાતી યુદ્ધ દરમ્યાન ઘણાં વ્યૂહકારોએ ઘરમાં બેસીને આગાહી કરતી હતી કે બેલિસ્ટિક મિસાઇલ અને અદ્યતન હથિયારો કોઈ પ્રદેશને સર કરવાનું કે કબજે કરવાના કામને નહિવત્ બનાવી દેશે. એ લોકો એટલા જ ખોટા હતા જેટલા એ દૃષ્ટાઓ કે જેમણે આગાહી કરી હતી કે અમેરિકા હવાઈ દળો દ્વારા વિયેટનામ યુદ્ધ જીતી જશે.” અમેરિકી બહુરાષ્ટ્રીય કંપનીઓ વૈશ્વિક સંદેશવ્યવહાર, જાહેરખબરોનું એક રાક્ષસી નેટવર્ક અને વૈશ્વિક ધોરણ જાળવતી એમની પેદાશો હોવા છતાં માત્ર ન્યૂયોર્કની ઑફિસમાં જ બેસીને એશિયામાં વેપાર કરવાનું બરાબર ગોઠવી શકતી નથી. એમને સમજાયું છે કે એ માટેની સ્થાનિક પરિસ્થિતિની નાડ હાથમાં હોવી જોઈએ. આજે ગમે એટલો જગતીકરણનો હોબાળો મચાવે છતાં અમેરિકા, યુરોપ કે જાપાન જે રીતે ઔદ્યોગિક રીતે આગળ વધ્યા છે એમાં રાષ્ટ્રની ભાવનાએ જ અગ્ર ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રના મૃત્યુની જાહેરાત તો ૧૯૮૦ની સાલનો પશ્ચિમી યુરોપી વિચાર છે. આજે યુરોપ રાષ્ટ્રના અંતની જે વાત કરે છે એ તો યુરોપની ભાવનાત્મક એકાત્મતા માટે રસ્તો ખુલ્લો થઈ જાય એ દૃષ્ટિ એની પાછળ રહેલી છે. અને આ યુરોપી એકાત્મતાની વાત માટે પણ અમેરિકા અને જાપાનની સ્પર્ધાનો ડર અને જર્મનીના એક થઈ જવાને લીધે ઊભી થયેલી ચિંતા કારણભૂત છે. જાપાને પણ સરહદ વગરના જગતનાં ગાણાં ગાવા માંડ્યાં કારણ કે એના નિકાસ-આધારિત અર્થતંત્ર માટે વિશ્વ-બજાર અનિવાર્ય જરૂરિયાત હતી. સંજય બારુ પછી એક અત્યંત પ્રસ્તુત પ્રશ્ન ઉઠાવે છે કે જો વેપાર અને મૂડીરોકાણ માટે સરહદોની જરૂર નથી રહી તો પછી વિકસિત દેશો ટેક્નોલૉજી અને કૌશલ્યની મુક્ત આવનજાવન વિકાસશીલ દેશોમાં કેમ થવા દેતા નથી! — એ માટે કડક નીતિ કેમ અપનાવે છે? જ્યાં સુધી ટેક્નોલૉજી અને કૌશલ્યનો મુક્ત પ્રવેશ ન હોય ત્યાં સુધી ભારત જેવા વિકાસશીલ દેશો વૈશ્વિક વ્યાપારમાં વિકસિત દેશો સાથે સમાન કક્ષાએ ન રહી શકે. સંજય બારુના આ વિચારવિમર્શથી એટલું જોઈ શકાય કે ટેક્નોલૉજીએ જગતીકરણ હાંસલ કર્યું લાગતાં છતાં રાષ્ટ્રીય સ્થાપિત હિતો ખાસ્સાં કાર્યાન્વિત છે. અથવા તો જગતીકરણની વાત પાછળ પણ રાષ્ટ્રીય સ્થાપિત હિતોની જ દૃષ્ટિ રહેલી છે. આજે તો રાષ્ટ્રવાદ શું, સંપ્રદાયવાદ અને પ્રદેશવાદ પણ ફૂલ્યોફાલ્યો છે. આ જગતીકરણ સામે ઊભો થયેલો કેવો દ્વન્દ્વ છે! હવે આપણે જરા બીજી રીતે વિચારીએ, બીજા પરિપ્રેક્ષ્યથી જોઈએ. અખબારો અને સામયિકોમાં અપાતી માહિતીઓ, છણાવટ કરતા લેખો અને બનતી ઘટનાઓની તસવીરો અને ટીવીમાં એ ઘટનાઓનાં જીવંત દૃશ્યાત્મક પ્રસારણો – આ બધાથી એક વૈશ્વિક સંવેદના ઊભી થાય છે ખરી? કે આ બધું છતાં કોઈ કારણથી આપણી સંવેદના કંઈ નિસ્બત ન ધરાવતી, શૂન્યમનસ્ક થતી જતી બધિર થતી અનુભવાય છે? ૧૯૯૪ના ગ્રાન્ટાના વસંત-અંકમાં ફ્રેન્ચ વિદેશી ખબરપત્રી ઝાં હેઝફેલ્ડનો ‘The Fall of Vukovar’ નામનો અહેવાલ-લેખ છે. એની સાથે અગાઉના યુગોસ્લાવિયાના યુરોપી સમુદાયના મીડિયેટર ડેવિડ ઓએનની ટૂંકી નોંધ છે. ડેવિડ ઓએનની નોંધ પ્રમાણે ૧૯૯૧ની સાલના ઑક્ટોબર મહિનામાં સર્બોએ વુકોવરનો ત્રણ મહિના સુધી ઘેરો ઘાલ્યો હતો ત્યારે શહેરમાં રોજ સવારે લગભગ ૫૦૦૦ જેટલા શેલ ફેંકાતા હતા. એક મિનિટ એવી નહોતી જતી જ્યારે ત્યાં શેલ ફૂટ્યો ન હોય. આ જ ઘટનાઓની ભાત યુગોસ્લાવિયામાં બીજે આરંભાઈ. પણ આશ્ચર્યકારક રીતે દુનિયા જાણે એ બધું ભૂલી ગઈ. યુગોસ્લાવિયામાં સારેયોવે ભારે જાનહાનિ ભોગવી પણ એને પણ વુકોવરના સંપૂર્ણ વિનાશ સાથે નહીં સરખાવી શકાય. માત્ર બે વર્ષ પછી મોસ્ટારના ઘેરાવામાં ફરી એ જ સંપૂર્ણ વિનાશ અને પીડાની પુનરાવૃત્તિ થઈ. અહીં પણ દુનિયાએ મોસ્ટારનો ઐતિહાસિક પુલ તૂટી પડ્યો એ ઉપર જ પોતાનું મોટા ભાગનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ઝાં હેઝફેલ્ડ લખે છે કે એક વખત વુકોવરમાં એક ચક્કર લગાવી એ અને એનો મિત્ર બેલગ્રેડ ગયા હતા અને ત્યાં મોસ્કવા રેસ્ટોરન્ટમાં બેસી વાતો કરતા હતા ત્યારે એમને ફ્રેન્ચમાં વાતચીત કરતા સાંભળીને એક પુરુષ અને સ્ત્રી પણ એમની સાથે વાતોમાં જોડાયાં. પુરુષે ફ્રેન્ચ પ્રધાનમંડળના વિદેશખાતામાં અગાઉના યુગોસ્લાવિયાના વિશેષજ્ઞ તરીકે કામ કરેલું હતું. ફ્રાન્સના વિદેશપ્રધાનના આટલા નજીક હોવાને કારણે એ બેલગ્રેડના ફ્રેન્ચ-એલચીના એક નજીકના સલાહકાર પણ હતા. ઝાં અને એનો મિત્ર ફ્રેન્ચ અને યુરોપી નીતિ અંગે બળાપો કાઢવા લાગ્યા અને એમના આંધળાપણા સામે જોરશોરથી પ્રહારો કરવા માંડ્યા. ડિપ્લોમેટની હવે ધીરજ ખૂટી અને વિરોધ કરતાં એમણે કહેવા માંડ્યું, “આટલી બધી અતિશયોક્તિ તમારે ન કરવી જોઈએ – ખાસ કરીને વુકોવરના વિનાશની બાબતમાં તો નહીં જ. ગભરાવાની જરૂર નથી – ફ્રાન્સ તમે માનો છો એ કરતાં વધુ બારીકાઈથી યુદ્ધનું નિરીક્ષણ કરી રહ્યું છે. જો જાનહાનિનો આંકડો હજારથી વધી જશે કે વુકોવર ઉપર આર્ટિલરીનો હુમલો કરવામાં આવશે તો ફ્રાન્સ અને યુરોપી સમુદાય એમની ફરજ ચૂકશે નહિ. અમને યુરોપ શબ્દના અર્થની ખબર છે.” આ મુત્સદ્દી જ્યારે આવી ભેદી જાહેરાતો કરી રહ્યો હતો ત્યારે ક્રોએટામાં પંદર હજાર લોકો ખતમ થઈ ચૂક્યા હતા. અને એમાંથી કમમાં કમ ચાર હજાર લોકો વુકોવરના હતા. વુકોવર તો નાશ પામી જ ચૂક્યું હતું. જે રદ્દી વાત ડિપ્લોમેટ કરતો હતો તે સાચોસાચ એ માનતો હોય એમ લાગતું હતું! ઝાં હેઝફેલ્ડ જ્યારે પાછો પૅરિસ ફરે છે ત્યારે વુકોવર અને પૅરિસના જીવનનો વિરોધ એનામાં કેવી તો પીડા જગાવી જાય છે તે આંખ ઉઘાડનારું છે. એ લખે છે, “કશો જ મેળ ખાતો નહોતો; બધું જાણે કે બેતાલ હતું. ત્યાં જે ભૂખરા સ્લેવોનિયામાં હતું – બોમ્બાર્ડમેન્ટ, કોબી અને સૂકાઈ ગયેલા પેશાબથી ગંધાઈ ગયેલા ભૂગર્ભ કમરાઓ અને અહીં પૅરિસમાં ફન અને મોજીલાં ભોજનોની ચકરાતી એશઆરામી જિંદગી — વિરોધ ઘણો મોટો હતો. પૅરિસની એ સાંજે મેં એ સૂત્રને અપનાવી લીધું હતું કે યુદ્ધથી પાછા ફરેલા પુરુષ માટે પોતાની સ્ત્રીમિત્ર પાસે યુદ્ધની વાતો કરવી અશક્ય હોય છે. મારા મિત્રો સાથેના ભોજન વખતે, એ લોકોએ ખૂબ વાતો કરી—અને ખૂબ સહાનુભૂતિ સાથે – વુકોવરની, પણ ભલે એમને કહેવાની હિમ્મત નહોતી, પણ એમને યુદ્ધ થયું જ હતું કે નહીં એ વિશે શંકા હતી. એમણે માત્ર ચિંતા કરી, પણ ચિંતા એ કંઈ સમજણ નથી. એમણે જે અખબારોમાં વાંચ્યું હતું એ કરતાં એમને વધારે કહેવાનો પ્રયત્ન મેં તરત જ છોડી દીધો. દાખલા તરીકે એમને મેં સમજાવવાનો યત્ન છોડી દીધો કે યુદ્ધ દરમ્યાન લોકોને ચાહવું મને સહેલું લાગે છે. બદલાઈ જતી આદતો, ભય, હિમ્મત, પીડા, અચોક્કસતા એ આપણને કાં તો બહુ ભંગુર બનાવી દે કે આપણને વધુ તાકાત આપે... પણ એ બધાથી એવી તો નિષ્ઠા ઊભી થતી હોય છે કે જે બીજે ક્યાંય જોવા નથી મળી.” એ લેખના અંતભાગમાં ગ્રાન્ટાના સંપાદકની નોંધ છે કે ઝાં હેઝફેલ્ડ અગાઉનાં યુગોસ્લાવિયામાં પાછો ફર્યો અને ૧૯૯૨ના ગોળીબારમાં સખત ઘવાયો. તો ક્યાં છે મેકલુહાનની ‘ગ્લોબલ વિલેજની, સ્થળ અને સમયથી વિભાજિત ન થતી અનુભૂતિની એકાત્મતા? અને ક્યાં છે ૧૯૧૪ના પહેલા વિશ્વયુદ્ધની પહેલાંની પાસપોર્ટ કે એવી કોઈ વિધિ વગર માત્ર ટિકિટ ખરીદી સ્ટીમરમાં બેસી દેશિવદેશ મુસાફરી કરવાની સ્વતંત્રતા?’ દરેક વખતે ટેક્નોલૉજીના ક્ષેત્રે કંઈ ને કંઈ નવી શોધો થઈ છે અને એની અસર આપણી રહેણીકરણી ઉપર પડી છે ત્યારે શરૂઆતમાં વિરોધ થયો છે – પછી એ ટ્રેન હોય, રેડિયો હોય કે ટેલિવિઝન હોય. અત્યારે જે પૂરઝડપથી મોટી મોટી ફાળો ટેક્નોલૉજીને ક્ષેત્રે ભરાય છે – હજી એકથી ટેવાઈએ ત્યાં બીજી એવી ચઢિયાતી સુવિધા (જેમ કે ઇ મેઇલ) ઊભી થતી હોય છે – ભલે પછી એ માત્ર અતિ ઉચ્ચ વર્ગ સુધી સીમિત હોય – એ આપણામાં એક પ્રકારનો ભય ઉપજાવે છે. એ શું પહેલા નવી ટેક્નોલૉજીનો વિરોધ થતો હતો એવો જ અસમજણભર્યો છે કે પછી એક ખરેખર મોટી ઊથલપાથલ ગુણાત્મક-ફેરફારના આપણને સાક્ષી બનાવે છે? આપણે ખરેખર કોઈ સ્ફોટક પરિસ્થિતિ સમક્ષ છીએ? અવનતિને માર્ગે છીએ? લેખમાં જુદાં જુદાં લખાણોની મદદથી સમગ્રતાનો નહીં, પણ જુદાં જુદાં આંશિક પાસાંઓ અભિવ્યક્ત કરતી છબીઓ ઝડપવા યત્ન કર્યો છે. જીવનમાં ક્યારેય કશું પૂર્ણપણે પમાતું નથી. એકને પ્રાપ્ત કરવા જતાં એની સામેનો દ્વન્દ્વ ઊભો થતો દેખાયો છે. ક્યારેય શું સમન્વય પ્રાપ્ત થાય ખરો? ટેક્નોલૉજી સાથે આપણું સુગ્રથિત જીવન ટકી રહે; સામૂહિક જીવનમાં આપણી પ્રાઇવસી સુરક્ષિત રહે, ન એકાકીપણું છતાં પૂર્ણ સ્વતંત્રતા. શક્ય છે શું આવો સમવન્ય? એવી અનુકૂળ ટેક્નોલૉજીની શું શક્યતા છે?
તા. ૨૦-૯-૯૪