પ્રતિસાદ/ખજુરાહો : નવા પરિપ્રેક્ષ્યમાં


સાંજના પ્રકાશમાં ભવ્ય કંદરિયા મહાદેવ મંદિરના સાન્નિધ્યમાં શાંતિથી ઊભા રહો તો એનાં નાનાં ચોરાશી ઊરુ શૃંગનાં ચઢાણ અને ઉતરાણનો લય તમે અનુભવો અને એ તમારી નજરને ઉચ્ચતમ શિખર, ચરમ બિંદુએ લઈ જાય; એ ઉચ્ચતમ શિખરની યોજના કેન્દ્રીય ધરી – ગર્ભગૃહના શિવલિંગ ઉપર બરાબર કરાઈ છે. ત્રિપરિમાણી યંત્ર જેવી આ સુંદર સંરચના ધરાવતી ઇમારત એના આખા સ્થાપત્ય અને શિલ્પના સરવાળા કરતાં ઘણી વિશેષ છે જ્યાંથી બધી વસ્તુ અવતરે છે અને પુનઃવિલીનીકરણ પામે છે એવા કેન્દ્રિય લિંગની આસપાસ વીંટળાયેલા શિવ પ્રગટીકરણોથી ઇમારત જીવંત બની છે... સુખવાદી ધાર્મિક ગ્રંથોથી કે શાહી ખેલ-મેદાનથી ક્યાંય દૂર ખજુરાહોમાં પ્રગટી છે ગંભીર ધાર્મિક નિસબત અને દૃઢ વિભાવના પર ઊભી છે એની મંદિર કલા.

દેવાંગના દેસાઈ



ખજુરાહો : નવા પરિપ્રેક્ષ્યમાં

આજે ફરી ડૉ. દેવાંગના દેસાઈને યાદ કરવાં પડે એવો ખજુરાહો ઉપરનો નવું જ પરિપ્રેક્ષ્ય ધરાવતો ગ્રંથ, ‘The Religious Imagery of Khajuraho’ આ વર્ષે ૧૯૯૬ની સાલમાં આપણને સાંપડે છે. ૧૯૭૯ના વર્ષના ઑક્ટોબર-ડિસેમ્બરના ફા. ગુ. સ. ત્રૈમાસિકના અંકમાં આપણે એમના ‘Erotic Sculpture of India’ નામના ગ્રંથની વાત કરી હતી. એમાં મહત્ત્વની બે મુખ્ય બાબતો એમણે પ્રસ્થાપિત કરી હતી. એક તો મધ્યયુગમાં એક પછી એક વિશાળ અને વિશાળ દેવાયતનો બાંધતા જવાની પ્રવૃત્તિ પાછળ કયાં કારણો કામ કરતાં હતાં એ વિશે એમણે ખોજ કરી અને નિષ્કર્ષ ઉપર આવ્યાં કે આ સમગ્ર પ્રવૃત્તિ સામાજિક અને આર્થિક પશ્ચાદ્ભૂમાં જોવી ઘટે. મધ્યકાલીન સામંતશાહી સામાજિક અર્થવ્યવસ્થામાં રાજાઓ, મહાસામંતો અને લશ્કરી અધિકારીઓ પુષ્કળ ધન અને જમીન ધરાવતા થયા હતા. દેવાલયો બાંધી પુણ્ય મેળવવાની એમની અભિલાષા અને કીર્તિ અને નામના માટેની મહેચ્છાઓએ એક તીવ્ર સ્પર્ધાનું રૂપ ધારણ કર્યું અને ઉન્નત અને વિશાળ દેવાયતનો વધુ ને વધુ શિલ્પોથી અલંકૃત બંધાવા લાગ્યાં. બીજું એમણે રતિશિલ્પો અંગે શોધમંતવ્યો રજૂ કર્યાં. સતત એમને પ્રશ્ન રહ્યા કરતો કે મંદિર જેવા સ્થળે આવી શૃંગારિક મૂર્તિઓ કેમ? મધ્યકાળમાં એકાએક તો આ મૂર્તિઓએ દેખા દીધી નહોતી. એટલે એમણે એની પાછળનો ઇતિહાસ તપાસ્યો. સૌ પહેલાં ફર્ટિલિટી પ્રતિમાઓ બનાવવામાં આવતી. એ સમયમાં જાતીયતા મંગળ શક્તિ ગણાતી અને અનેક પ્રકારની ધાર્મિક અભિવ્યક્તિમાં એનો સમાવેશ થતો. અશ્લીલ પ્રદર્શનો પણ અનિષ્ટ તત્ત્વોને દૂર રાખે છે એમ મનાતું. ઈ. સ. ૯૦૦થી જાતીયતાની સીમિત અભિવ્યક્તિ પૂર બહાર પાંગરી ઊઠી અને મૈથુનોએ ઇન્દ્રિયજન્ય અને દુન્યવી રૂપ ધારણ કર્યું. ફર્ટિલિટી અને મેજિકનાં તત્ત્વોએ પણ આ સમયગાળા દરમ્યાન ફરીથી જોર પકડ્યું.

લેખિકા ૧૯૬૩માં પહેલી વાર ખજુરાહો ગયાં અને પછી ભારતભરનાં મંદિરો ઉપરનાં રતિશિલ્પોનો એમણે અભ્યાસ કર્યો. એના ફલસ્વરૂપે આપણને ઉપરોક્ત પુસ્તક મળ્યું. પછી ૧૯૮૧માં એક પરિસંવાદ માટે ખજુરાહોનાં શૃંગારિક શિલ્પો ઉપર એમને એક પેપર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. દેવાંગનાબેન લખે છે, “ખજુરાહોની ધાર્મિક પ્રતિમાવલિ મને આટલી તન્મય કરી મૂકશે એનો ત્યારે મને ભાગ્યે જ ખ્યાલ હતો. રતિશિલ્પોનાં સ્થાનોનું નિરીક્ષણ કરતાં એની બીજી બાજુ તરફ મારું ધ્યાન આકર્ષિત થવા લાગ્યું. મેં જોયું કે એના તરફ પંડિતોનું ધ્યાન ઓછું ગયું છે, પણ એનું ઊંડાણ વધુ છે. મને લાગ્યું કે પ્રતિમાઓની માત્ર યાંત્રિક ગોઠવણી નથી થઈ, પણ ચોક્કસ સ્થાપત્ય યોજના દ્વારા સર્જનાત્મક રીતે સંકલ્પનાઓ પ્રક્ષેપિત કરાઈ છે. પૂરી સંભાવનાપૂર્વક સામસામે મુકાતી વિરોધી પ્રતિમાઓ, શ્લેષોની રચના અને મંદિરની જમણી અને ડાબી બાજુએ રચાયેલા સમતોલપણાએ મને વિચાર કરતી કરી મૂકી. મને આ મંદિરોને જોવાનો જાણે કે નવો અભિગમ મળી ગયો.” ૧૯૮૫થી જ્યારે ફ્રાંકો ઇન્ડિયન રીસર્ચે લેખિકાને પ્રોજેક્ટ સોંપ્યો ત્યારથી એમણે ખજુરાહોની નિયમિત મુલાકાતો લેવા માંડી અને તેના પરિણામસ્વરૂપ એમનો અત્યંત વિશિષ્ટ મૌલિક ગ્રંથ ‘The Religious Imagery of Khajuraho’ પ્રસિદ્ધ થાય છે. અત્યંત કલાત્મક, સુંદર, સુઘડ બાંધણીવાળા આ ગ્રંથમાં ૨૨૪ તસવીરો અને ૧૮ રેખાકૃતિઓ છે. દરેક તસવીરની નીચે વિસ્તૃત નોંધ છે. તસવીરો એટલી સુંદર છે કે સદેહે આપણે ખજુરાહોમાં હોઈએ એમ લાગે. મંદિરોમાંની લગભગ બધી જ મહત્ત્વની મૂર્તિઓનું સ્થાન રેખાકૃતિઓમાં બતાવવામાં આવ્યું છે. ખૂબ જહેમત અને નિષ્ઠા માંગી લે એવું આ સંશોધન છે. પણ એની નવાઈ નથી કારણ કે લેખિકાનો આ અત્યંત પ્રિય વિષય છે. એ કહે છે, “એક વખત મંદિરમાં પગ મૂકી દેતી કે આખી દુનિયા ભૂલી જતી. મંદિરનું એક એક શિલ્પ જાણે સજીવન થઈ મારી સાથે વાર્તાલાપ કરતું હોય તેવી અનુભૂતિ મને થવા માંડતી.” ઈ. સ. ૯૦૦થી ૧૧૫૦–૨૫૦ વર્ષના ગાળામાં ખજુરાહોનાં મોટા ભાગનાં મંદિરો બંધાયાં. આજે જે પચ્ચીસ મંદિરો ત્યાં અસ્તિત્વમાં છે એમાં દસ વિષ્ણુ મંદિરો, આઠ શિવ મંદિરો, એક સૂર્ય મંદિર, એક ચોસઠ યોગિનીઓનું અને પાંચ જૈન ધર્મનાં છે. અહીં મહત્ત્વના સંપ્રદાયો આવરી લેવાયા છે — શૈવ, વૈષ્ણવ, શાક્ત અને જૈન. હનુમાનની એક બૃહત્કાય પ્રતિમા પણ છે. એકાકી પણ ભૂમિસ્પર્શ મુદ્રામાં બમણી પાંખડીઓવાળા કમળ ઉપર બેઠેલા બુદ્ધની વિશાળ મૂર્તિ પણ છે. લેખિકા જણાવે છે કે ખજુરાહોનાં મંદિરોની વિશાળ સ્થાપત્ય યોજનામાં શૃંગારિક આકૃતિઓનો હિસ્સો ઘણો નાનો – માંડ દસ ટકા છે. ખજુરાહોને કામસૂત્ર જોડે સાંકળવાનું લોકપ્રિય વલણ છે. વાત્સ્યાયનના કામસૂત્ર માટે આપણને પૂરેપૂરો આદર છે, પણ કામસૂત્રની નિસબત પ્રેમની પૂજા નહીં, પણ પ્રેમની ટેક્નિકોની સાથે છે. ખજુરાહોને આપણે હવે કામસૂત્ર સાથે સાંકળવાનું બંધ કરવું જોઈએ; કામસૂત્ર એક ધર્મનિરપેક્ષ હેન્ડબુક છે જ્યારે ખજુરાહો કે ભુવનેશ્વર, કોનારક કે બીજાં ભારતીય મંદિરો ઉપરની શૃંગારિક આકૃતિઓની પરંપરા જુદી છે, ત્યાં ધાર્મિક (તાંત્રિક) અને દુન્યવી રસ ભળી જાય છે. ભારતના ઇતિહાસમાં ખજુરાહો જ્યારે નકશા ઉપર આવ્યું ત્યારે મંદિરના સ્થાપત્યે પરિપક્વતા પ્રાપ્ત કરી લીધી હતી અને ભારતીય તત્ત્વજ્ઞાન અભિનવગુપ્ત અને ક્ષેમરાજ જેવા ચિંતકો વડે વિકાસના રસપ્રદ તબક્કા ઉપર પહોંચ્યું હતું. દસમી-બારમી સદીનું ખજુરાહો ધાર્મિક જીવનનું રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. એક બાજુ મંદિરના દેવતા-ગણ ઉપર કાશ્મીરાગમ પંચરાત્ર અને શૈવ સિદ્ધાંતનો પ્રભાવ દેખાય છે તો બીજી બાજુ મંદિરના અભિલેખો વેદો, વર્ણાશ્રમ ધર્મ અને બ્રાહ્મણોનું સમર્થન કરતા નજરે પડે છે. જે વિરોધાભાસ લાગે છે એ ખરેખર તો બે ધાર્મિક પંથોનો સમન્વય છે. શરૂઆતના તબક્કાનો તાંત્રિક ધર્મ બિન-વૈદિક હતો અને બ્રાહ્મણો અને વર્ણાશ્રમનો વિરોધ કરતો હતો. પણ ખજુરાહોમાં જે ધાર્મિક પદ્ધતિઓ નજરે પડે છે એ તાંત્રિક પ્રથાની પૂજા કરવાની રીત સાથે વૈદિકમંત્રો અને વર્ણાશ્રમ સ્વીકારે છે. કંદરિયા મહાદેવ અને લક્ષ્મણ (વૈકુંઠ) મંદિર એ ખજુરાહોનાં બે મુખ્ય મંદિરો છે. લક્ષ્મણ મંદિર એ ખજુરાહોનું પ્રથમ સુયોજિત-સુવ્યવસ્થિત મંદિર છે એટલું જ નહિ પણ ભારતનાં સુ-સંરચનાત્મક મંદિરોમાંનું એક છે. ચંદેલા વંશના રાજા યશોવર્મને ૯૫૦ની આસપાસ વિષ્ણુ-વૈકુંઠની મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે ખાસ બંધાવ્યું હતું. મંદિર ઉપરના અભિલેખ પ્રમાણે ભોટનાથ (ભોટ કે તિબેટના રાજા) આ પ્રતિમા કૈલાસ પ્રદેશમાંથી લઈ આવ્યા હતા અને કિર(કાશ્મીર પાસેનો કાંગરા પ્રદેશ)ના સાહી રાજાને ભેટ આપવામાં આવી હતી. સાહી રાજા પાસેથી હેરમ્બપાલે એ બળપૂર્વક પડાવી લીધી હતી. એમના પુત્ર દેવપાલ પાસેથી યશોવર્મને એ મેળવી હતી અને તેની પ્રતિષ્ઠા યશોવર્મને ભવ્ય મંદિરમાં કરી. પણ હમણાં જે વૈકુંઠની પ્રતિમા છે એ કાશ્મીરની હોવા સંભવ નથી. આ ત્રણ મુખવાળી વૈકુંઠ પ્રતિમા લગભગ ચાર ફૂટ ઊંચી છે. મધ્યના સૌમ્ય મુખની બે બાજુએ નરસિંહ અને વરાહનાં મુખો છે. ચરણ નીચે પૃથ્વી છે. ખજુરાહોનું એક એક મંદિર, એ શિવને અર્પણ થયું હોય કે વિષ્ણુને – સ્વયં એક વિશ્વ છે. એને પોતાના દેવતા-ગણો છે. એ ક્રમિક કૉસ્મૉસ દર્શન છે. મંદિરો ઉપરની કંપાયમાન થતી સેંકડો મૂર્તિઓ એ માત્ર શિલ્પ-શણગારો નથી; મંદિરમાં સ્થાપિત થયેલા કે કેન્દ્રસ્થ ઈશ્વરત્વનાં પ્રગટીકરણો છે. ભક્ત મંદિર-સ્થાને એક એક ક્રમિક દેવતાઓને પસાર કરી આદ્ય કેન્દ્રે પહોંચે છે. કંદરિયા મહાદેવ મંદિર લઈએ તો શિવ-લિંગને અંધારિયા ગુફા જેવા ગર્ભગૃહની બરાબર કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ચંદેલા અભિલેખ પ્રમાણે એ જગતનો મૂલ-સ્તંભ ગણાય છે. પૃથ્વી અને આકાશને જોડતી એ વૈશ્વિક ધરી છે. મંદિરનો કળશ - ઉચ્ચતમ શિખર બરાબર લિંગની ઉપર છે. કેન્દ્રસ્થ શિવ-લિંગના સંદર્ભમાં શિવનાં વિવિધ પ્રગટીકરણો ગોઠવવામાં આવ્યાં છે. શૈવ તત્ત્વમીમાંસાના અને કર્મકાંડોના મૂળભૂત સદાશિવને ખંડમાં લિંગની દિશામાં બેસાડવામાં આવ્યા છે. લિંગ શિવનું અવ્યક્ત રૂપ છે; એનો દેદીપ્યમાન પ્રભાવ મહેશ, વિષ્ણુ અને બ્રહ્મા જેવાં એનાં વ્યક્ત-સ્વરૂપો દ્વારા મુખ્ય દિશાઓમાં ફેલાવે છે. આ મહેશ, વિષ્ણુ અને બ્રહ્માની પ્રતિમાઓ શ્રેણીબદ્ધ ક્રમિક કદમાં ગર્ભગૃહની ત્રણ બાજુઓ ઉપર ગોઠવવામાં આવી છે. લેખિકાએ મંદિરનાં આંતર-બાહ્ય સ્થાનો ઉપર ગોઠવાયેલી પ્રતિમાઓનાં કદ અને એમના આંતર-સંબંધો અનેક તસવીરો દ્વારા અને લખાણ દ્વારા સમજાવ્યાં છે. અથાક સંશોધન અને જીવંત રસ સિવાય આ શક્ય જ નથી. ખજુરાહોના કલાકારો માટે શબ્દોનું અને એના વિવિધ અર્થોનું જ્ઞાન મહત્ત્વનું હતું. શ્લેષ માટેનો એમનો પ્રેમ એમણે લખાણ અને દૃશ્ય-ભાષા બંનેમાં પ્રગટ કર્યો. રૂપકકથા એ એમની અભિવ્યક્તિની માનીતી રીત હતી. શ્લેષનો ઉપયોગ તો છેક બીજી સદીમાં કવિ અશ્વઘોષથી અને છઠ્ઠી-સાતમી સદીમાં સુબંધુ અને બાણની કૃતિઓમાં પ્રચુર માત્રામાં થયો. પણ દસમી-અગિયારમી સદીમાં જ્યારે ખજુરાહો મંદિરો બંધાયાં ત્યારે બે ત્રણ અર્થો નીકળી શકે એવાં આખાં ને આખાં શ્લેષ-કાવ્યો રચાયાં. ખૂબ જાણીતું દ્વિ-સંધાન કાવ્ય તે હેમચન્દ્રાચાર્યનું દ્વયાશ્રય-કાવ્ય – એટલે કે કુમારપાલચરિત છે. આના બે આશયો છે. પહેલો ગુજરાતના કુમારપાલ રાજા અને એના પૂર્વજોનું વૃત્તાંત અને બીજો વ્યાકરણના નિયમોનાં દૃષ્ટાંતો. ખજુરાહોનાં લક્ષ્મણ અને વિશ્વનાથ મંદિરો ઉપરના અભિલેખોમાં ભરપૂર-શ્લેષો છે. અભિલેખના એક કાવ્યમાં શબ્દ આવે છે – દ્વિજ. દ્વિજનો અર્થ પક્ષી પણ થાય છે અને બ્રાહ્મણ પણ થાય છે. વિશ્વનાથ ઉપરના એક અભિલેખમાં દિગમ્બર શબ્દ ઉપર શ્લેષ કરવામાં આવ્યો છે. દિક + અમ્બર એટલે દિશાઓ રૂપી વસ્ત્ર એટલે કે નગ્ન, જે શિવનું વિશેષણ છે અને જૈન ક્ષપનક સાધુ માટે પણ વપરાય છે. અભિલેખમાં આ શબ્દને લઈને શિવ-પાર્વતી વચ્ચે રમૂજભર્યો સંવાદ છે. બહાર દ્વાર ઉપર શિવ જ્યારે પોતાને દિગમ્બર તરીકે ઓળખાવે છે ત્યારે પાર્વતી જાણી જોઈને ક્ષપનક જૈન સાધુ હોય એ રીતે સંવાદ લંબાવે છે. હવે સ્થાપત્ય કક્ષાએ શ્લેષનો આશ્રય કેવી રીતે લેવાયો છે તે એક દૃષ્ટાંત લઈ સમજીએ. ખજુરાહોની શૈવ પંથની કેન્દ્રીય પ્રતિમા સદાશિવની છે. સદાશિવ શિવનું વ્યક્ત-અવ્યક્ત પાસું છે, ખજુરાહોમાં જે સદાશિવ પ્રતિમાઓ છે એમાં બે એકદમ વિશિષ્ટ છે. એમને ઉપર લિંગ હોય એવાં છ માથાં છે, બાર હાથો અને ચાર પગો છે–ચતુષ્પાદ. બે પગ પદ્માસનમાં છે અને બે પગ નીચે રાખેલા છે. આ સદાશિવની પ્રતિમાઓ મૂર્તિવિદ્યાની દૃષ્ટિએ અસાધારણ છે અને કોઈ પણ ગ્રંથમાં એનું અસ્તિત્વ નથી. પણ આપણે જો આમાં શ્લેષ જોઈ શકીએ તો આપણને ખજુરાહોના ધર્મનો પણ સંકેત મળે છે. શૈવ સિદ્ધાંતના ગ્રંથો ચાર ભાગ–પાદમાં વહેંચાયા છે : ૧. જ્ઞાન-પાદ, ૨. ચર્ચા-પાદ, ૩, ક્રિયા-પાદ અને ૪. યોગ-પાદ. આમ સદાશિવના ચાર પગો શૈવપંથના ચાર પાદોને ચીંધે છે. સંભવતઃ પદ્માસનવાળા પગો યોગ અને જ્ઞાનને ચીંધતા હશે અને નીચલા બે પગો ક્રિયા અને ચર્યાને લગતા હશે. શ્લેષના ઉપયોગ સાથે લક્ષ્મણ મંદિરનો સ્થપતિ પ્રબોધચંદ્રોદય રૂપકકથાનાં પાત્રોને કે એના નમૂનાઓને સંધિ-દીવાલની પેનલ ઉપર પ્રસ્તુત કરતો દેખાય છે. કૃષ્ણ મિશ્ર દ્વારા લિખિત પ્રબોદચંદ્રોદય (જ્ઞાનનો ચંદ્રોદય) એ છ અંકોવાળી રૂપકકથા છે. અદ્વૈત સિદ્ધાંત અને વિષ્ણુભક્તિને ત્યાં એકત્ર લેવાયાં છે. નાટકમાં બિન-વૈદિક કહેવાતાં ધર્મભ્રષ્ટ પરિબળો સામે પ્રાચીન ધર્મને સ્થાપિત કરવા માટે વૈદિક ધર્મ આધારિત રૂઢિવાદી ધાર્મિક પરિબળો એકઠાં થાય છે. રાજા વિવેકનાં શાહી પરિબળો અને રાજા મહામોહનાં પરિબળો વચ્ચેની સ્પર્ધા છે. સમરાંગણભૂમિ વારાણસી છે. મહામોહે મિત્રો કાપાલિક, ભૌતિકવાદી ચાર્વાક, જૈન ક્ષપનક, વજ્રાયન પંથનો બૌદ્ધ ભિક્ષુક તથા પાત્રોના સ્વાંગમાં દંભ, અહંકાર, મિથ્યા દૃષ્ટિ વગેરે દ્વારા પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે. રાજા વિવેકના મિત્ર-સાથીદારો છે મતિ, શાંતિ, સરસ્વતી, વિષ્ણુ-ભક્તિ વગેરે. આ મિત્ર સાથીદારો વિવેક અને એની વિચ્છેદાયેલી પત્ની ઉપનિષદને એકત્ર લાવવા યત્ન કરે છે, અને પ્રબોધનો (જાગૃતિનો) જન્મ થાય છે. યોગિનીના રૂપમાં વિદ્યા મહામોહનાં પરિબળોને વિસર્જિત કરે છે. પુરુષ જે મહામોહની શક્તિથી ભ્રમિત થયો છે અને પરમેશ્વર સાથેની એકરૂપતાને ભૂલી ગયો છે એ પ્રબોધના ઉદય સાથે પોતાના આત્માને ઓળખી શકે છે. લક્ષ્મણ મંદિરની સંધિ-દીવાલ પરની પેનલો ઉપરની આકૃતિઓનું અર્થઘટન એ એ કાળની સંસ્કૃત દ્વિસંધાન કવિતાઓની જેમ બે કે વધારે સ્તર ઉપર થઈ શકે. બે વિરુદ્ધની પેનલો ઉપર બે સંઘર્ષ કરતાં જૂથ (વિવેક અને મહામોહ) જોઈ શકાય છે. ભારતીય ધાર્મિક સાહિત્યનો આ મહત્ત્વનો વિષય છે. અને પ્રબોધચંદ્રોદય નાટકમાં એ રૂપકમાં દર્શાવાયો છે. ઈ. સ. ૧૦૬૫ની આસપાસનું આ નાટક કીર્તિવર્મનના ચેદી રાજા ઉપરના વિજયની ઉજવણી રૂપે ભજવાયું હતું. પ્રબોધચંદ્રોદય નાટક અને લક્ષ્મણ મંદિરનાં શિલ્પ પ્રતિનિધાન દૃશ્યો વચ્ચે સંરચનાત્મક સામ્ય છે. દેવાંગનાબેન એમના સંસ્કૃત ગ્રંથોના અભ્યાસ દ્વારા કેટલીક મહત્ત્વની શિલ્પ-પેનલોના અર્થ આપી શક્યાં છે. એમાં એક અત્યંત મહત્ત્વની પણ ઓછી પ્રસિદ્ધિ પામેલી અને ચર્ચાયેલી પેનલ મહાભારતના શાંતિપર્વમાં આવતી શ્વેતદ્વીપ—કથાને લગતી છે. એ એમની અજાયબ શોધ ગણાય. લક્ષ્મણ મંદિરના કલાકારો અને આચાર્યો મહાભારતના શાંતિપર્વની શ્વેતદ્વીપ કથાથી સુપરિચિત હતા એમ નક્કી કહી શકાય. લક્ષ્મણ મંદિરની એક મુખ્ય પેનલ ઉપર કંડારાયેલા છે વિષ્ણુ-નારાયણની પૂજા કરતા શ્વેતદ્વીપના તેજસ્વી ઋષિઓ. બે હાથ જોડીને આ દ્વીપના પ્રભાવલયવાળા ઋષિઓ નારાયણને પ્રાર્થના કરતા દેખાય છે. આગળના ભાગમાં જમણી બાજુએ બે ઋષિઓ બલિ તૈયાર કરતા બેઠા છે. ડાબી બાજુ માનવીય મહર્ષિ ત્રિત બતાવાયા છે; નારાયણનાં દર્શન માટે તીવ્ર તપશ્ચર્યા કરવાને લીધે એમનો દેહ અત્યંત કૃશ થઈ ગયો છે. એમને વિષ્ણુનારાયણ(આદ્ય મૂર્તિ)ને પીઠ કરતા બતાવાયા છે કારણ કે એ પરમેશ્વરને જોઈ શકતા નથી – એ શિલ્પમાં બતાવવાનો કલાકારનો આશય છે. અહીં આપણે શ્વેતદ્વીપની કથા ઉપર પણ થોડી નજર નાખીએ એ ઉપયુક્ત ગણાશે. એક વખતે એક્ત, દ્વિત અને ત્રિત નામના ત્રણ ચિત્રશિખંડી મહર્ષિઓ નારાયણનાં દર્શન માટે આપણા દેશમાંથી નીકળી શ્વેતદ્વીપ ગયા. પણ આ અજાયબ દ્વીપ ઉપર પહોંચતાં જ એમની આંખો અંજાઈ ગઈ અને એ કંઈ જોઈ શક્યા નહીં. પછી એમણે સો વર્ષ ઉગ્ર તપશ્ચર્યા આદરી. એમના દેહ ખૂબ કૃશ થઈ ગયા. આ તપશ્ચર્યાના પ્રભાવને કારણે એ શ્વેતદ્વીપના અત્યંત સોહામણા અને ચંદ્ર સમાન કાંતિવાળા રહેવાસીઓને જોઈ શક્યા. એ નિત્ય બે હાથ જોડી બ્રહ્મનો એકચિત્તે જાપ કર્યા કરતા હતા. અચાનક હજારો સૂર્યની કાંતિ એકીસાથે ઉદય પામતી હોય તેવું આંજી નાંખતું તેજ દેખાયું, અને ત્યાંના મનુષ્યો એકીસાથે તેની સમક્ષ દોડી ગયા. તે સમયે તેઓ બે હાથ જોડીને માત્ર નમઃ એવો શબ્દ જ બોલતા હતા. ત્રણ માનવ-મહર્ષિઓને ખ્યાલ આવ્યો કે દેવનારાયણ અવશ્ય ત્યાં આવ્યા હતા, પણ તે એમને જોઈ શકતા નહોતા. ત્યાં એકાએક આકાશમાંથી આવતો સંદેશ એમણે સાંભળ્યો. વિષયાસક્ત આનંદમાં જેમને રસ નથી એવા આ શ્વેત વર્ણના મનુષ્યોને જોઈને તમારે સંતોષ માનવો; એમને જોવા એટલે તમારે નારાયણને જોવા બરાબર છે. એટલે તમારે તમારા દેશે પાછા ફરવું – કારણ કે માત્ર એકાન્તિક ભક્તો જ નારાયણનાં દર્શન કરી શકે. આમ એ ત્રણ મહર્ષિઓ પાછા ફર્યા. લેખિકાનું મંતવ્ય છે કે ખજુરાહો મંદિરોની સંધિ-દીવાલો પરની શૃંગારિક પ્રતિમાઓ રૂપકાત્મક છે. એ ભારપૂર્વક કહે છે કે માત્ર મૂઢ જ એનું અક્ષરશઃ અર્થઘટન કરે. વિશ્વનાથ અને કંદરિયા મહાદેવ મંદિરો ઉપરની કેટલીક ઊંધા માથાવાળી મૂર્તિઓ યંત્ર જેવી ભૂમિતિનું સૂચન કરે છે. એ નવમી-બારમી સદી દરમ્યાન લખાયેલા શિલ્પ-પ્રકાશમાં આવતા કામકલા યંત્રની યાદ આપે છે. આ યંત્રની પાછળ રહેલી જાતીય પ્રતીકાત્મકતાનાં મેજિકલ રક્ષણાત્મક અને હિતકારી પાસાંઓનો નિર્દેશ ગ્રંથમાં છે. શક્તિ-સાધનામાં સફળતા મેળવવા માટે કામકલાની પૂજા કરવામાં આવતી. યંત્રને જોતાં જ અનિષ્ટ તત્ત્વો ભાગી જાય એમ મનાતું. શક્તિ અને રુદ્રને અર્પિત થયેલાં શ્રેષ્ઠ મંદિરોમાં આ યંત્ર મૂકવામાં આવતું. આથી ઇમારત હંમેશ માટે ટકી જશે એવી ભાવના હતી. યંત્ર તદ્દન ગુહ્ય વસ્તુ છે, એ કોઈને બતાવી શકાય નહીં એવો નિયમ હતો. આ કારણે રતિ-દૃશ્ય (મિથુનમૂર્તિ) યંત્રની રેખા લઈ કંડારવું પડતું. શૃંગારિક દૃશ્ય સંધ્યાભાષા દ્વારા યોગની-તત્ત્વજ્ઞાનની વિભાવના મૂર્ત કરતું પણ લાગે. એમ લાગે કે યોગની પરિભાષામાં એ પ્રતીકાત્મક રીતે બે શ્વાસો પ્રાણ અને અપાન, પિંગલા અને ઇડા, વિરોધીઓ ચંદ્ર-સૂર્યનું કેન્દ્રસ્થ નાડી સુષુમ્ણામાં સધાતા ઐક્યનો નિર્દેશ કરે છે. યોગી આવી ઐક્ય પ્રક્રિયા વડે માનવીય અવસ્થા અને ગોચર-વિશ્વની પાર જઈ શકે; એ એવી સમયાતીત અદ્વૈત ભૂમિકાએ પહોંચે જ્યાં દિવસ પણ નથી અને રાત પણ નથી. ભવ્ય કંદરિયા મહાદેવ મંદિરના સ્થપતિ-પુરોહિતે ઈરાદાપૂર્વક અને પૂરી કલ્પનાશીલતાથી દૈહિક ઐક્ય દ્વારા અદ્વૈત અને શબ્દાતીત અનુભૂતિ પ્રક્ષેપિત કરી છે. ખજુરાહોની કલામાં આવાં ચિંતનાત્મક શિલ્પો, અર્થપૂર્ણ રીતે ગોઠવાયેલી મૂર્તિઓ, શ્લેષો અને સન્ધ્યાભાષાનો ઉપયોગ સિદ્ધહસ્ત શિલ્પીઓ અને સૂત્રધારો(મુખ્ય સ્થપતિ)ને ચીંધે છે. એ લોકો માત્ર કલા, સ્થાપત્ય અને કાવ્યશાસ્ત્રમાં જ નિપુણ નહોતા, પણ મંદિરના ધાર્મિક પંથોથી પણ માહિતગાર હતા. લક્ષ્મણ મંદિર કે કંદરિયા મહાદેવ મંદિર પરના અભિલેખોમાં સૂત્રધારોનાં નામોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ વિશ્વનાથ મંદિર ઉપરના અભિલેખોમાં સૂત્રધાર, છિછહાનો ઉલ્લેખ છે. એ વિશ્વકર્મા શાસ્ત્ર અને ધર્માચરણનો પંડિત હતો. સાથે સાથે એ સંભવિત છે કે મૂર્તિઓના સ્થાનનિર્ણયમાં સૂત્રધારોને આચાર્યોનું માર્ગદર્શન મળતું રહ્યું હોય. સદાશિવની મૂર્તિ ઉપરના અભિલેખમાં ઊર્ધ્વશિવ નામના આચાર્યનો ઉલ્લેખ છે. લેખિકાએ અત્યંત ભાવપૂર્વક પોતાનો આ ગ્રંથ ખજુરાહોના આચાર્યો, સૂત્રધારો અને આશ્રયદાતાઓને અર્પણ કર્યો છે એનો અહીં વિસ્મયાનંદપૂર્વક ઉલ્લેખ કરવો ઘટે. ડૉ. દેવાંગના દેસાઈનો સાચા અર્થમાં જેને સંશોધન કહી શકાય એવો આ અભૂતપૂર્વ સંશોધન ગ્રંથ છે. એમણે કેટલીક મૂર્તિઓને ઓળખી કાઢી છે એ એમનું વિશિષ્ટ પ્રદાન છે. એક આકૃતિનું વાહન એમણે દેડકો જોયું અને એમને તરત ખ્યાલ આવ્યો કે આ આકૃતિ ગ્રહ શુક્ર છે અને એ ઉપરથી એમણે સૂર્ય સાથેના ગ્રહ-દેવતાઓને ઓળખી કાઢ્યા. ખજુરાહોના મંદિર-સ્થાપત્યને જોવાનું આખું પરિપ્રેક્ષ્ય એમણે સોદાહરણ હકીકતો આપી પલટાવી નાખ્યું છે અને ખજુરાહોરૂપી મિનિ કૉસ્મૉસની ઉજવણીમાં જાણે કે આપણને સહભાગી બનાવ્યા છે. આ ગ્રંથના અભ્યાસ દ્વારા લેખિકાએ અનુભવેલાં અનેક સ્પંદનોનો આપણને પણ કંઈક અંશે અનુભવ થાય છે. ખજુરાહોને આ રીતે તદ્દન નવા પરિપ્રેક્ષ્યમાં તાદૃશ કરી આપવા માટે લેખિકાને અનેક અભિનંદન.

તા. ૨૦-૯-૯૬