પ્રતિસાદ/ફ્રૉઇડ : મિથ અને વાસ્તવ


ફ્રૉઇડનું મનોવિશ્લેષણ વૈજ્ઞાનિક તર્ક અને અ-બુદ્ધિવાદી આંતરિક અનુભૂતિ એમ બે વિશ્વોનો સમન્વય કરવાનો પ્રચંડ યત્ન છે. એક જ વ્યક્તિમાં અતિ-બુદ્ધિવાદી, જાગૃતિ બાલ ફ્રૉઇડ અને આત્માની અંધાર ઘેરી રાત્રિનાં સ્વપ્ન જોનારા કવિ ફ્રોઇડ – એમ બંનેને એકસાથે રાખવાનો મનોવિશ્લેષણ એક પ્રચંડ યત્ન છે. આ સમન્વયે મનોવિશ્લેષણનું કેવું તો મહત્ત્વ વધારી દીધું અને છતાં કેવું તો એ ભંગુર છે!!... ૧૯મી સદીની પદ્ધતિઓનો – માક્ર્સ, ફ્રૉઇડ અને કેઇન્સ – પશ્ચિમી દુનિયા ઉપર મોટો પ્રભાવ પડ્યો; બધા વચ્ચે એક વાત સમાન હતી—વિજ્ઞાન અને મૅજિક વચ્ચેનો સમન્વય. એમનો તર્કશાસ્ત્ર અને અનુભવમૂલક સંશોધન ઉપરનો ભાર એમને એવી અસંગત વાત ઉપર લઈ જતો હતો – ‘હું’ માનું છું, કારણ કે એનો કોઈ બુદ્ધિયુક્ત અર્થ થતો નથી.”

પીટર એફ. ડ્રકર



ફ્રૉઇડ : મિથ અને વાસ્તવ

આપણે એક આગળના લેખમાં પીટર એફ. ડ્રકર, બાયસ્ટૅન્ડરને મળ્યા. એમના ‘Adventures of a Bystander’ પુસ્તકમાં એક લેખ છે, ‘Freudian Myths and Freudian Realities’, ડ્રકરના ફ્રૉઇડ વિશેના વિશ્લેષણ સાથે આપણે સમ્મત થઈએ કે ન થઈએ, પણ લેખ ખાસ્સો રસપ્રદ છે. આ લેખ દૂરથી કરાયેલા અભ્યાસ દ્વારા થયેલા વિશ્લેષણનો નથી, પણ આ મહામના વ્યક્તિ જગવિખ્યાત ફ્રૉઇડનો સંપર્ક ડ્રકરને બાળપણમાં થયો છે; વિયેનાના ધબકતા બુદ્ધિવાદી જીવનની આ પ્રાણસમી વ્યક્તિ હતી. ભલે નજીવું પણ બાળપણમાં ફ્રૉઇડને મળવાનું બન્યું હતું અને એ ઘટના ડ્રકર માટે યાદગાર બની ગઈ હતી. ફ્રૉઇડ ડ્રકરના પિતા કરતાં વીસ વર્ષ મોટા હતા. ફ્રૉઇડ રસ્તે ભેગા થઈ જતા તો ડ્રકરના પિતા એમને ખૂબ આદરપૂર્વક નમન કરતા. ડ્રકરનાં માએ એક મનોચિકિત્સકના રુગ્ણાલયમાં એક વર્ષ કામ કર્યું હતું. નાની વયે જ લગ્ન પહેલાં આ માએ ફ્રૉઇડનાં બે પુસ્તકો ખરીદ્યાં હતાં અને ફ્રૉઇડની એક વ્યાખ્યાનમાળામાં હાજરી પણ આપી હતી. ડ્રકર જ્યારે આઠ કે નવ વર્ષના હતા ત્યારે ફ્રૉઇડ સાથે પિતાએ એમની ઓળખાણ કરાવી હતી. આમ તો બાળપણમાં કંઈ કેટલાઓની સાથે પિતાએ એમનું હસ્તધૂનન કરાવ્યું હતું, પણ એ બધું ભુલાઈ ગયું હતું, પણ ફ્રૉઇડ સાથેનું હસ્તધૂનન એમને બરાબર યાદ રહી ગયું છે. માતાપિતાએ હસ્તધૂનન પછીથી ડ્રકરને કહ્યું હતું, “આજનો દિવસ યાદ રાખજે, તું હમણાં જેમને મળ્યો ને એ ઑસ્ટ્રિયામાં અને કદાચ યુરોપમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે.” ડ્રકરે પૂછ્યું, “બાદશાહ કરતાં પણ મહત્ત્વની?’ એમણે કહ્યું, “હા, બાદશાહ કરતાં પણ મહત્ત્વની.”

ડ્રકર પછી લખે છે કે આ જ તો મુદ્દો છે. મારાં માતાપિતા ફ્રૉઇડનાં શિષ્યો નહોતાં. મારી માતા તો ફ્રૉઇડની અને એમના સિદ્ધાંતોની ખાસ્સી ટીકાકાર હતી. છતાં બંને જાણતાં હતાં કે ફ્રૉઇડ યુરોપની એક ખૂબ મહત્ત્વની વ્યક્તિ હતી. ડ્રકર લેખની શરૂઆત કરતાં જ લખે છે કે મારા બાળપણના વિયેનામાં જો સિગ્મંડ ફ્રૉઇડ આટલા દૃષ્ટિગોચર અને આગળ પડતા ન હોત તો મેં ફ્રોઇડિયન વાસ્તવ અને મિથ વચ્ચેની આટલી ઉઘાડી વિસંગતિ ઉપર આટલું યે ધ્યાન આપ્યું ન હોત. આપણને પ્રશ્ન થાય કે ડ્રકરે આમ શા માટે કહ્યું હશે? કોઈક રીતે પણ પોતે સાક્ષી હોય, બાયસ્ટૅન્ડરની ભૂમિકા ભજવી શકે તો જ એમને રસ પડે એમ હતું? એમના વિશ્લેષણની એમને તો જ કિમ્મત હોય કે નિરપેક્ષતા સાથે આત્મલક્ષી પ્રત્યક્ષતા પણ હોય? એમને તો જ વિષયની ફીલ આવતી હશે? હા, જરૂર એ એક પરિમાણ ઉમેરે તો ખરું જ. વિષય સૂકો રહેવાને બદલે ઉષ્મામય બની જાય. ડ્રકર કહે છે કે ફ્રૉઇડના જીવનને લગતી ત્રણ હકીકતો મોટા ભાગના લોકોએ, ખાસ કરીને અંગ્રેજીભાષી દુનિયાએ પ્રશ્નાર્થ ઉઠાવ્યા વગર સ્વીકારી લીધી છે. આ હકીકતો શી છે? (૧) ફ્રૉઇડ આખી જિંદગી આર્થિક ચિંતાઓથી ઘેરાયેલા રહ્યા, અને લગભગ ગરીબાઈમાં જીવ્યા. (૨) એમને યહૂદી-વિરોધી ભાવનાથી ઘણું સહન કરવાનું આવ્યું અને યુનિવર્સિટી કક્ષાએ એમને પૂરતી માન્યતા ન મળી અને નિમણૂક ન થઈ. જોકે એને માટે એમને પૂરતો અધિકાર હતો. (૩) એમના સમયના વિયેનાએ અને ખાસ કરીને તબીબી વિયેનાએ એમની ઉપેક્ષા અને અવગણના કરી. આ ત્રણે હકીકતો ડ્રકર પ્રમાણે સરાસર મિથ છે : (૧) નાના ફ્રૉઇડ સુખી પરિવારમાંથી આવતા હતા; એમના ધંધાકીય જીવનની શરૂઆતમાં એક યુવાન દાક્તર તરીકે પણ એ સારા પૈસા કમાયા હતા. (૨) યહૂદી તરીકે હિટલરના આગમન સુધી એમને કશું ભોગવવું પડ્યું નહોતું. હિટલરે પછી એમના જીવનના અંતભાગમાં એમને દેશવટો ભોગવવાની ફરજ પાડી હતી એ ખરું. બાકી તો ઑસ્ટ્રિયાના તબીબી ઇતિહાસમાં લગભગ કોઈને પણ મળે એ પહેલાં એમને વિદ્યાકીય અને સરકારી બહુમાન અને માન્યતા મળ્યાં હતાં. ઑસ્ટ્રિયાના કડક સિદ્ધાંત અનુસાર તો એ એમના બિલકુલ હક્કદાર નહોતા! (૩) અને વધુ તો તબીબી વિયેનાએ ફ્રૉઇડની ઉપેક્ષા નહોતી કરી. એ તબીબી વિશ્વે તો એમને ખૂબ ગંભીરતાપૂર્વક લીધા હતા. કોઈના ઉપર આટલી ચર્ચા, આટલો અભ્યાસ, આટલી દલીલો નહોતી થઈ. એમની ઉપેક્ષા નહોતી કરી, એમને નકાર્યા–રિજેક્ટ કર્યા હતા. એક વ્યક્તિ તરીકે એમને નકાર્યા હતા કારણ કે એમને મતે એક હીલર તરીકે — દાક્તર તરીકે એમણે નીતિનું ઉઘાડેછોગ ઉલ્લંઘન કર્યું હતું; અને ફ્રૉઇડની ઉપપત્તિ એમણે નકારી કારણ કે એમના મને એ માત્ર એક ભભકાદાર અર્ધ-સત્ય હતી – વૈદકીય વિજ્ઞાન કે ઉપચાર કરતાં કવિતા હતી. ફૉઇડ અને એમના જીવનને લગતી આ હકીકતો એમની વ્યક્તિ તરીકેની હસ્તી માટે અને એમના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત માટે તો તદ્દન અપ્રસ્તુત અને નગણ્ય ગણાય, પણ મુશ્કેલી એ હતી કે ફ્રૉઇડ પોતે પોતા વિશેની આ પુરાકથાઓ માનતા હતા. એ પોતે માનતા હતા એટલું જ નહીં, પણ પોતે જ એ શોધી કાઢી હતી અને એમને પ્રસિદ્ધિ આપી હતી. આ ગર્વિષ્ઠ શિસ્તબદ્ધ અને એકાકી માણસે પોતાની બધી નિસબત-ચિંતાઓ પોતાના પત્રોમાં ઠાલવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ફ્રૉઇડને માટે આ પુરાકથાઓ ખૂબ મહત્ત્વની હતી. શા માટે? ફ્રૉઇડ તો સુખદુઃખ સમભાવે દેખનારા સ્ટૉઇક હતા — જે ક્યારેય ફરિયાદ કરતા નહીં; આત્મદયા પ્રત્યે એમને તિરસ્કાર હતો અને રોદણાં રડનારાઓ પ્રત્યે નફરત હતી. ગમે એટલી શારીરિક વેદના કેમ ન થતી હોય, પણ એમના મોંમાંથી એક હરફ સુધ્ધાં નીકળતો નહીં. અંગત કે પારિવારિક જીવનનાં સુખદુઃખોને પણ એ સ્ટૉઇક ભાવે લેતા. પણ કાલ્પનિક દુઃખો માટે એ સતત ફરિયાદ કરતા રહેતા — પૈસાનો અભાવ, યહૂદી-વિરોધી રીતિનીતિથી પોતાને થતો અન્યાય અને વિયેનાના દાક્તરોએ પોતાની કરેલી ઉપેક્ષા. ફ્રૉઇડ દરેક બાબતે અને ખાસ કરીને પોતાને વિશે કઠોરપણે નિખાલસ હતા; પોતાની જાતતપાસમાં એ નિર્દય હતા, અને મૂળ-ડાળખાંઓ સમેત બધું ખેંચી કાઢતાં. એ કલ્પી જ કેમ શકાય કે ફ્રૉઇડ જાણી કરીને પોતા વિશે પરીકથા અને મિથ ઊભાં કરે અને છતાં એ પણ શું કલ્પી શકાય કે પોતાનાં કાલ્પનિક દુઃખો હકીકત નથી તે એ ન જાણતા હોય? વિયેનામાં એમના જમાનાના બધા આ જાણતા અને ફ્રૉઇડનાં વિચિત્ર વળગણો ઉપર ટીકાટિપ્પણ કરતા. આનો એક જ જવાબ છે. આ મિથ ‘ફ્રૉઇડિયન સ્લિપ’ છે. આ મિથ ફ્રૉઇડની અંદર ઊંડા પડેલા અસ્તિત્વવાદી વાસ્તવ અને ટ્રૉમાના પ્રતીક છે અને આત્મવિશ્લેષણ, અસમાધાનકારી સચ્ચાઈ અને સ્ટૉઇક સ્વ-શિસ્ત છતાં એ એમની સન્મુખ નહોતા થઈ શક્યા. ફ્રૉઇડે જ આપણને શીખવ્યું છે કે ફ્રૉઇડિયન સ્લિપ ક્યારેય નજીવી નથી હોતી. ફ્રૉઇડ સુખી ઉંચ્ચ મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતા હતા. એમને અને એમનાં ભાંડુઓને ઉચ્ચ શિક્ષણ મળ્યું હતું. પોતે કેવી દારુણ ગરીબાઈમાં ઊછર્યા હતા એવી વાત ફ્રૉઇડ કરતા, એ એમના ભાઈ ઍલેકઝેન્ડરને બિલકુલ નાપસંદ હતી અને એને એ નકારતા. એ કહેતા કે આ તો જે પિતાએ આટલી સરસ રીતે બાળકોની જરૂરિયાતો પૂરી પાડી એમના નામને બટ્ટો લગાડવા જેવું છે. યુવાવયે ફ્રૉઇડે પેરિસથી પાછા ફરી દાક્તરી વ્યવસાય શરૂ કર્યો કે એમને દરદીઓ મળવા માંડ્યા હતા. મનોરુગ્ણતાનો ઉપચાર કરવામાં એમની કાબેલિયતને તરત જ માન્યતા મળી હતી. ફ્રૉઇડ હજી તો ચાલીસીમાં જ હતા ત્યાં એમને પ્રોફેસરની પદવી મળી ગઈ હતી. આ પદવી તો ઑસ્ટ્રિયન દાક્તરને કમાવાનો પરવાનો જ હતો. એમને યહૂદી-વિરોધી ભેદભાવભરી નીતિથી સહન કરવું પડ્યું હતું એ વાતમાં પણ કંઈ વજૂદ નથી. ૧૯મી સદીના અંતભાગમાં દુકાનદારોમાં, કારીગરોમાં યહૂદી-વિરોધી ભાવના બળવાન બનતી ગઈ હતી, પણ હજી સરકારી સેવાઓમાં, બાદશાહી દરબારમાં અને ખાસ કરીને તબીબી સમાજમાં એવી ભેદની ભાવના વખોડાતી. ૧૮૮૦થી ૧૯૦૦ સુધી અને પછી પણ ફ્રૉઇડની ધંધાકીય ચડતી વખતનાં વર્ષોમાં તો બહુધા વૈદકીય નેતાગીરી યહૂદીઓના હાથમાં હતી. ખરેખર તો વિયેનાના વૈદકીય સમાજ ઉપર યહૂદી-વર્ચસ્વ હતું એ કારણે જ ફ્રૉઇડ સ્વીકાર્ય બન્યા નહોતા; પહેલેથી જે ટીકા ફ્રૉઇડ ઉપર થઈ હતી, તે એ હતી કે રોગ મટાડનાર તરીકે ફ્રૉઇડે પાયાની યહૂદી-નીતિનું ઉલ્લંઘન કર્યું હતું, ફ્રોઇડ નિઃશુલ્ક દરદીઓ સ્વીકારતા નહીં. એમણે ઊલટું એમ શીખવ્યું કે મનોવિશ્લેષકે દરદીનો મફત ઉપચાર કરવો નહીં, દરદીએ જો ભરપેટે આપ્યું હશે તો જ ઉપચારનો એને ફાયદો થશે. યહૂદી-પરંપરા પ્રમાણે આ જાતનો અભિગમ તદ્દન અનૈતિક હતો. અલબત્ત ઘણા દાક્તરો હતા – યહૂદી દાક્તરો પણ – જે માત્ર પૈસા પાછળ હતા, એ લોકો રીપર્સ કહેવાતા. આ રીપર્સ તિરસ્કારપાત્ર ગણાતા પણ આ રીપરો પણ ક્યાંક હૉસ્પિટલોમાં નિઃશુલ્ક સેવા આપતા, કમમાં કમ એમનો બધો લોભ છતાં ઉપદેશ તો હીલરની પારંપરિક નીતિનો જ આપતા. ફ્રૉઇડ નહીં. એમણે તો આખી વસ્તુ જ નકારી કાઢી, હીલરની આખી યહૂદી-પરંપરા સામે એમણે પડકાર ફેંક્યો. એમણે મેડિસિનને આખો વેપાર બનાવ્યો. મઝા તો એ હતી કે વિયેનાના દાક્તરોને પણ લાગવા માંડ્યું હતું કે ફ્રૉઇડ કદાચ સાચા હતા. માનસિક અને સંવેગ-લાગણી સંબંધીના દર્દી માટે તો સારી ફી લેવી, એ પણ ઉપચારનો એક ભાગ હતો. ફ્રૉઇડની વધારે પ્રક્ષુબ્ધ કરનારી વાત તો સંવેગીય નિરપેક્ષતા – emotional detachmentને લગતી હતી. કોઈ પણ દરદીમાં દાક્તર સંડોવાય એ દરદીને નુકસાન કરવા બરાબર હતું. એ દરદી દાક્તરના આશ્રિત બની જાય અને એની આરોગ્ય-પ્રાપ્તિ અને ઇલાજમાં બાધા આવે. એનો ભાઈ થવાને બદલે પીડાતો દરદી આમ એક પદાર્થ બની જાય. દાક્તરી સમુદાયને આવી વાતો પોતે જે કંઈ માનતા આવ્યા હતા એના નકાર સમાન અને અપમાનજનક લાગતી હતી. આથી પણ વધારે ચર્ચા તો મનોવિશ્લેષણ ઉપચાર માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય કે નહીં એ ઉપર થતી. ફ્રૉઇડના વખતમાં તબીબીશાસ્ત્ર પ્રાગ્-વૈજ્ઞાનિક સમયમાંથી વૈજ્ઞાનિક કાળમાં પ્રવેશી ચૂક્યું હતું. મોલિયેરનાં નાટકોના ઊંટવૈદામાંથી તબીબીશાસ્ત્ર એવા તબક્કે પહોંચ્યું હતું, જ્યારે નિદાન થઈ શકતું હતું, રોગ મટાડી શકાતો હતો અને તબીબીશાસ્ત્ર શીખી પણ શકાતું હતું – ખાસ કરીને સૂક્ષ્મજંતુશાસ્ત્રના વિકાસમાં મોટી ફલાંગો ભરી હતી. મોટી મોટી ઉ૫પત્તિઓ અને વિશ્વવ્યાપક અટકળોને તિલાંજલિ આપવામાં આવી હતી. એને બદલે રોગો એનાં વિશિષ્ટ કારણોને લીધે હોય છે; એ રોગોનાં વિશિષ્ટ ચિહ્નો હોય છે અને એના વિશિષ્ટ ઉપચારો હોય છે. અને છતાં અહીં મનોવિશ્લેષણ હતું, જે દરેક સંવેગ-વિકૃતિ માટે એક સાર્વત્રિક માનસિક ગતિશીલતાને ગૃહીત તરીકે સ્વીકારતું હતું, અને ઘણા મનોવિશ્લેષકો (જોકે ફ્રૉઇડ નહીં) એવો પણ દાવો કરતા હતા કે મોટાભાગના મનોરોગો (સાઇકોસિસ) સંવેગીય હતા – ઇગો, ઇદ અને સુપરઇગોનાં એ જ પરિબળો અર્ધચેતન મનમાં જાતીય દમન કરાવનારાં હતાં. આ થયો પાયાની પદ્ધતિ ઉપરનો વિવાદ. પણ મનોવિશ્લેષણથી ઊપજતાં પરિણામો અસકારક હતાં? દાક્તરી-વિશ્વે પૃચ્છા કરવા માંડી – દરદીઓ પાછા કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા થાય છે? અથવા ચિંતામુક્ત થાય છે? જો એ સારા થાય છે તો પછી એ દરદીઓ હમેશના દરદીઓ જ કેમ બની રહે છે? અને મનોવિશ્લેષકો પાસે એમને અવારનવાર આવવાનું કેમ થાય છે? આ બધું નક્કી કરવા માટે માત્ર સામગ્રીનો જ અભાવ હતો એમ નહીં, ફ્રૉઇડ સમેત મનોવિશ્લેષકો આ પ્રશ્નની ચર્ચા કરવા તૈયાર નહોતા, અને પછી દાક્તરી સમુદાયને લાગ્યું કે મનોપચારની બધી પદ્ધતિઓનાં પરિણામો કે ન-પરિણામો સરખાં જ હતાં, કોઈ પણ એક પદ્ધતિનાં પરિણામો જુદાં કે વધુ મહત્ત્વનાં હતાં એવું નહોતું. આનો અર્થ થાય કે ફ્રૉઇડનું મનોવિશ્લેષણ એક વિશિષ્ટ ઉપચાર કેટલીક સંવેગ-વિકૃતિઓ માટે હોઈ શકે, પણ બધા માટે નહીં. ફ્રૉઇડનો આખો દાવો દાક્તરી સમુદાયને ના-મંજૂર હતો. એમનામાંની એક વ્યક્તિએ જે કહ્યું તે, તે વખતે તે ક્ષેત્રમાં પ્રવર્તતી સામાન્ય માન્યતાને વાચા આપતું હતું : “There is yet no valid Freudian Psychotherapy which a physician can recommend or use in good conscience.” એ લોકોને વધારે ત્રાસદાયક તો એ લાગતું હતું કે ફ્રૉઇડ અને એમના શિષ્યો બીમારને સાજા કરવાની વાત કરતા હતા કે કલા વિવેચનની વાત કરતા હતા એની કોઈ ખબર પડતી નહોતી. એક ક્ષણ કોઈ વિશિષ્ટ રોગને મટાડવાની જેમ કે રસ્તો પાર કરવાના ડરની કે નપુંસકતાની વાત કરતા હતા; તો બીજી જ ક્ષણે એ જ પદ્ધતિ, એ જ શબ્દભંડોળ, એ જ વિશ્લેષણ ગ્રિમની પરીકથાઓ કે કિંગ લિયર માટે વાપરતાં હતાં. થોમસ માને ફ્રૉઇડના ૮૦મા જન્મદિને કહ્યું, “Psychoanalysis is the greatest contribution to the art of of the novel.’ આ વાતને માન્યતા આપવાને દાક્તરો પૂરેપરા તૈયાર હતા, બલકે એમનો કશો વાંધો નહોતો. પણ ફ્રૉઇડનું સંસ્કૃતિ અને સાહિત્યના, ધર્મ અને કળાના એક શક્તિશાળી કલ્પનાશીલ ઉત્તેજક આલોચક હોવું એ એક વાત હતી. ઘણાએ કબૂલ કર્યું હતું કે જેને ખીલા ઠોકી બંધ કરી દેવામાં આવ્યો હતો એ આત્મા પ્રત્યેની બારી ફ્રૉઇડે ખોલી દીધી હતી અને એટલે જ તો એ ‘ઑસ્ટ્રિયાના સૌથી મહત્ત્વના માણસ’ હતા. પણ એથી કરીને મનોવિશ્લેષણ એક ઉપચાર તરીકે ન્યૂટનના ભૌતિકશાસ્ત્ર, કેન્ટના આધિભૌતિકશાસ્ત્ર કે ગટેના સૌંદર્યશાસ્ત્ર કરતાં કંઈક વિશેષ હતું એમ કહી શકાય? પણ ફ્રૉઇડ અને એમના અનુયાયીઓનો આ જ દાવો રહ્યો હતો. મોટા ભાગના દાક્તરો ફ્રૉઇડનો આ દાવો સ્વીકારી શકતા નહોતા. ફ્રૉઇડનો સિદ્ધાંત વિજ્ઞાન કરતાં કવિતા છે એવો ઇશારો સુધ્ધાં કરતા તો ફ્રૉઇડની લાગણી ખૂબ દુભાતી. થોમસ માનનું મંતવ્ય પણ ફ્રૉઇડને બિલકુલ ગમ્યું નહોતું. એક પ્રતિભાવ આવો પણ હતો કે મનોવિશ્લેષણની વિજ્ઞાન તરીકે જે પ્રમાણભૂતતા હોય તે, પણ ફ્રૉઇડ એક ઘણા મહાન કલાકાર હતા. એ કદાચ આ સદીના જર્મન ગદ્યના સૌથી મહાન લેખક હતા. એ ગદ્ય અત્યંત વિશદ, સરળ અને ઉત્તમ કવિતાની જેમ અનુવાદક્ષમ નહોતું. એમની અનામી કેસ-હિસ્ટ્રીઓ માત્ર બે ફકરામાં ઘણી લાંબી નવલકથાઓ કરતાં વધારે સારી રીતે આખી વ્યક્તિનું ચિત્ર ઊભું કરી દેતી. એ જે સંજ્ઞાઓ બનાવતા – એનલ, ઓરલ, ઇગો અને સુપરઇગો – એ મોટી કવિત્વમય કલ્પનશ્રેણી છે. પણ આવી પ્રશંસાથી વૈજ્ઞાનિક મેડિસિન-વિશ્વ બેચેન બની જતું અને ફ્રૉઇડ અને એમના અનુયાયીઓ ક્રોધે ભરાતા. ડ્રકર લખે છે કે એમના બાલ્યકાળમાં પણ આ બધી વસ્તુઓ અનંત ચર્ચાતી રહી, અને આ કરતાં પણ પહેલાના વર્ષોમાં – ૧૮૯૦થી ૧૯૧૦ સુધીમાં જ્યારે ફ્રૉઇડના મહાન ગ્રંથો બહાર પડ્યા અને જ્યારે એક શ્રેષ્ઠ ન્યૂરોલોજિસ્ટથી વધી એ એક આંદોલનના આગેવાન બન્યા, એ કાળમાં એમની આસપાસ ઊહાપોહ થતો રહ્યો. ઘણી વાર કહેવામાં આવે છે, ખાસ કરીને અમેરિકામાં, કે મનોવિશ્લેષણનો ઉદય જાતીયતાના વિકટોરિયન દમનના પ્રતિભાવરૂપે હતો. અમેરિકામાં કદાચ આવું દમન હશે. પણ ઇંગ્લૅન્ડમાં થોડાં ટૂંકાં વર્ષો બાદ કરતાં આમ હતું એમ બેશક કહી શકાય એમ નથી. જ્યાં સિગ્મંડ ફ્રૉઇડ મોટા થયા અને પોતાની પ્રેક્ટિસ કરી એ ઑસ્ટ્રિયામાં તો એ દમન હસ્તી ધરાવતું નહોતું. ૧૯મી સદીના અંતભાગમાં તો વિયેનામાં જાતીયતાનો છુટ્ટો દોર હતો અને સેક્સ ખુલ્મખુલ્લા બધે પાંગરેલી હતી. છતાં એ વાત સાચી છે કે, ફ્રૉઇડિયન સાહિત્યમાં Sexual anxiety, Sexual Frustration અને Sexual malfunction – એ સતત આવતા રહેતા વિષયો છે. પણ એક મનોરુગ્ણતા જે ૧૯મી સદીના અંત ભાગમાં વિયેના કે આખા યુરોપમાં ફેલાયેલી હતી અને જેની બીજે નોંધ લેવાઈ હતી એનો નિર્દેશ આ ફ્રૉઇડિયન સાહિત્યમાં તદ્દન ગેરહાજર છે – એ પૈસા અંગેની મનોરુગ્ણતા હતી. ફ્રૉઇડના વિયેનામાં સેક્સનું દમન નહોતું, પણ પૈસાનું દમન હતું. પૈસાએ વર્ચસ્વ જમાવ્યું હતું, પણ પૈસાનો નિર્દેશ કરવો સારું ગણાતું નહીં. ૧૯મી સદીની શરૂઆતમાં જેન ઑસ્ટિનની નવલકથાઓમાં પૈસાની વાતો ઉઘાડી રીતે થાય છે. જેન ઑસ્ટિન લગભગ સૌથી પહેલાં અને દરેક પાત્રની વાર્ષિક આવક કેટલી છે એ વાચકોને કહી દે છે. ડિકન્સ પણ હજી સેક્સની જેમ પૈસા અંગે બેધડક વાત કરે છે. ઑસ્ટિનનાં ૭૫ વર્ષ પછી ફ્રૉઇડનું પુખ્ત જીવન શરૂ થઈ ગયું ત્યારે નવલકથાનાં પાત્રો પૈસા અને સંપત્તિ અંગે ચિંતાગ્રસ્ત છે, પણ ક્યારેય એની ચર્ચા કરતાં નથી. ફ્રૉઇડના સમકાલીન હેન્રી જેમ્સની નવલકથાઓમાં પૈસો અને એના અભાવની આજુબાજુની ગુપ્તતા એ પણ એક વિષય રહ્યો છે. ફ્રૉઇડના વખતના વિયેનામાં કોઈ પણ પ્રતિષ્ઠિત માબાપ પોતાનાં બાળકો સાથે આવકની વાત કરતાં નહીં. ખૂબ સાવધાનીપૂર્વક એ વિષય ટાળવામાં આવતો, છતાં બંને ઉપર પૈસાએ કબજો લીધો હતો. આજે હવે એ સુવિદિત છે કે દરેક સમાજમાં જ્યાં ઝડપી આર્થિક વિકાસ થતો હોય ત્યાં આ બનતું હોય છે. જેન ઑસ્ટિનના ઇંગ્લૅન્ડમાં હજી ખાસ્સી સ્થગિતતા હતી. આવક એક હકીકત હતી. એ આવક માત્ર લગ્નથી કે કોઈકની કાકી કે ફૂઈ ખરે ટાંકણે મરી જવાથી બદલાતી. વ્યક્તિગત પ્રયત્નથી એ આવક બદલાવી શકાતી નહીં. સિત્તેર વર્ષ પછી આર્થિક વિકાસે આવકને ઘણી ગતિશીલ બનાવી દીધી હતી. સાથે આમાં જીતનારાઓ અને ગુમાવનારાઓ બંને હતા. સારા એવા નાના જૂથને ઘણો ફાયદો થયો અને સમૃદ્ધ બની ગયું. ખાસ્સું મોટું જૂથ, છતાં હજી લઘુમતિમાં માંડ માંડ સમૃદ્ધિને આરે પહોંચ્યું. ફ્રૉઇડ પરિવાર એ કક્ષાથી થોડો ઉપર હતો. મોટા ભાગના લોકોમાં એકાએક ખૂબ અપેક્ષાઓ ઊભી થઈ ગઈ હતી અને નાના શહેરના જીવનની સ્થગિત ગરીબાઈમાંથી બહાર ફેંકાઈ ગયા હતા; પણ એમની આવક કાં તો વધી નહીં અથવા તો એમની અપેક્ષાઓ કરતાં ખૂબ ઓછી રહી. ૧૯મી સદીના અંતભાગમાં બધા યુરોપી દેશોમાં ઑસ્ટ્રિયાએ ખૂબ ઝડપી આર્થિક વિકાસ કર્યો. પરિણામે ગુપ્ત અને દાબી દીધેલા પૈસા અંગેનાં વળગણો એ મુખ્ય દર્દ બની ગયું. મધ્યમ વર્ગના પ્રૌઢ લોકોમાં એ સામાન્ય બની ગયું. આને ‘પૂઅરહાઉસ ન્યૂરોસિસ’ કહેવાતું. પૂઅરહાઉસ ન્યૂરોસિસ એટલે કે પોતે ગરીબ થઈ જશે એની સતત તોળાઈ રહેતી ચિંતા, પોતે પૂરતું કમાઈ નહીં શકે તો પોતાની અને પોતાના કુટુંબની સામાજિક અપેક્ષાઓ નહીં સંતોષી શકાય એનો ભય અને સૌથી વધુ તો સતત પૈસાની વાત કરતા રહેવા છતાં દાવો કરવો કે એમને પૈસામાં રસ નથી. ડ્રકર કહે છે કે ફ્રૉઇડ આ પૂઅરહાઉસ ન્યૂરોસિસથી પીડાતા હતા. પોતાની જાત સાથેની કઠોર પ્રામાણિકતા છતાં એ એની સન્મુખ ન થઈ શક્યા. એમણે પોતાના વ્યાવસાયિક જીવનની ખોટી રજૂઆત કરી કે એમને પૂરતું વળતર મળતું નહોતું, એ સતત આર્થિક દબાણ નીચે રહેતા અને એમને આર્થિક ચિંતા રહેતી – આ ખોટી રજૂઆત એમની ચિંતારુગ્ણતાની દ્યોતક છે જેની મોઢામોઢ એ ન થઈ શક્યા અને જેનું ફ્રૉઇડિયન સ્લિપતંત્રમાં દમન થયું. પોતાના દરદીઓમાં પણ એ આ રુગ્ણતા ન જોઈ શક્યા એનો ખુલાસો પણ અહીં મળી જાય છે. ફ્રૉઇડની ફરિયાદો કે પોતે યહૂદી-વિરોધી સતામણીના બલિ બન્યા હતા એ પણ એવી જ રીતે એક બીજી હકીકત સ્ફૉટ કરતી હતી જેની સન્મુખ પણ ફ્રૉઇડ નહોતા થઈ શક્યા; એ હકીકત હતી બિન-યહૂદીઓને સહન કરવાની એમની અશક્તિ. ફ્રૉઇડની મધ્યયુરોપી યહૂદી પેઢી અંતઃકરણપૂર્વક અને પૂરી તાકાતથી એમની સંસ્કૃતિ અને અસ્મિતામાં અને એમના રાજકીય ઝોકમાં રાષ્ટ્રવાદી બની ગઈ હતી અને ફ્રૉઇડ જેવા સાંસ્કૃતિક રીતે સભાન જર્મન મળવા મુશ્કેલ અને છતાં મનોવિશ્લેષણના ક્ષેત્રમાં બિન-યહૂદી કોઈ નહોતું – કમમાં કમ કોઈ ઑસ્ટ્રિયાનો કે યુરોપનો બિન-યહૂદી સભ્ય તો નહોતો જ. ફ્રૉઇડે એમને આકર્ષવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પણ જે જોડાયા એમને હાંકી કાઢવામાં આવ્યા હતા. ૧૮૯૦ અને ૧૯૧૪ની વચ્ચે જ્યારે મનોવિશ્લેષણનો મધ્યાહ્ન તપતો હતો ત્યારે ફ્રૉઇડે પોતાના બધા બિન-યહૂદી અનુયાયીઓ અને સાથીદારો, જે જર્મન કે ઑસ્ટ્રિયન કે મધ્યયુરોપી હતા, એમને નાકબૂલ કર્યા હતા. કાર્લ યુંગ સાથે એમણે તોડ્યું અને પછી યુંગે એમની સાથે તોડ્યું, એ એક દૃષ્ટાંત છે. માત્ર બિન-યહૂદી પરદેશી હોય તો એ સહન કરી શકતા. ફ્રૉઇડના વર્તુળના સભ્યો જર્મન સંસ્કૃતિને વરેલા છતાં એમના તીવ્ર યહૂદીપણાને દૂર કરી શક્યા નહોતા. એમની રમૂજો યહૂદી-રમૂજો હતી. એમને માટે બિન-યહૂદી વ્યક્તિ ત્રાસદાયક, મુશ્કેલ, પરાઈ અને જલદી દૂર કરવા જેવી હતી. બિન-યહૂદી જર્મન સંસ્કૃતિને વરેલા ફ્રૉઇડ બીજા પાસે તો ઠીક, પણ પોતાની જાત સમક્ષ પણ આ કબૂલ કરે એમ નહોતા. એમને કોઈ એવો ખુલાસો જોઈતો હતો કે જેથી બીજાને દોષ આપી શકાય અને એટલે યહૂદી-વિરોધી ભેદભાવ બતાવવામાં આવતો હતો. સતામણી થતી હતી એવી એમની ફરિયાદો એ ફ્રૉઇડિયન સ્લિપ હતી. સૌથી વધુ મહત્ત્વની ફ્રૉઇડિયન સ્લિપ પોતે વિયેનાની તબીબી દુનિયાથી ઉપેક્ષા પામ્યા એ હતી. પોતાને રિજેક્ટ કરાયા હતા એ હકીકત એમણે દબાવી દેવી પડી હતી. એ તો જ શક્ય બને એમ હતું જો એ બીજાને અને સૌથી વધુ તો પોતાની જાતને મનાવે કે દાક્તરી સમાજ એમની ઉપર ચર્ચા કરવા કે શંકાઓ ઉઠાવવા તૈયાર નહોતો, પણ માત્ર એમની ઉપેક્ષા કરતો હતો. ડ્રકરના મત પ્રમાણે તો દાક્તરી સમાજે મનોવિશ્લેષ્ણના પદ્ધતિશાસ્ત્ર માટે સેવેલી શંકાઓ વિશે તો ખુદ ફ્રૉઇડ પોતે પણ અંદરથી સાશંક હતા. પણ એ ઉપર પોતે ચર્ચા પણ કરી શકે એમ નહોતા, કારણ કે એમ કરવા જતાં એમની એક મધ્યવર્તી સિદ્ધિ હતી એ ત્યજવી પડે – એ એવી ઉપપત્તિ હતી જે વૈજ્ઞાનિક અને બુદ્ધિવાદી હોવા છતાં બુદ્ધિવાદની પાર અર્ધચેતનમાં સ્વપ્ન અને તરંગના આંતિરક અવકાશને આવરી લેતી હતી. ફ્રૉઇડે કહેવાનું ચાલુ રાખ્યું કે મનોવિશ્લેષણ ચુસ્તપણે વૈજ્ઞાનિક છે પણ ફ્રૉઇડને સતત રેશનલ અને નૉન-રેશનલ વચ્ચેનું જોખમકારક સમતોલપણું જાળવી રાખવું પડ્યું. ફ્રૉઇડ માટે મનોવિશ્લેષણને વિયેનાના દાક્તરોએ નકાર્યું એ કહેવા કરતાં એની ઉપેક્ષા કરી એમ માનવું જરૂરી હતું જેથી એ એમની ઉપેક્ષા કરી શકે. છેવટે ડ્રકર કહે છે કે વાસ્તવિક ફ્રૉઇડ મિથે ઊભા કરેલા ફ્રૉઇડ કરતાં ઘણા બધા વધારે રસપ્રદ છે. એ વાસ્તવિક ફ્રૉઇડ ઘણા વધુ મહાન પણ છે – કરુણ વીરનાયક છે. અને જ્યારે ફ્રૉઇડિયન ઉપપત્તિ કાર્ટેસિયન બુદ્ધિવાદના વિશ્વ અને આત્માની અંધારઘેરી રાત્રિના વિશ્વ સાથેનો સમન્વય બધા અગવડતાભર્યા પ્રશ્નોની ઉપેક્ષા કરીને જ જાળવી શકે એમ હતી ત્યારે એ ઉપપત્તિ ઘણી નબળી તો ગણાય જ, અને આખરે ટકી પણ ન શકે – છતાં એ વધુ મંત્રમુગ્ધ કરનારી, વધુ નિદર્શક (રિવીલિંગ) અને હલાવનારી ઉપપત્તિ છે. ભલે, વિષય તો ફ્રૉઇડના જીવનને લગતા મિથ અને વાસ્તવનો હોય, અને એ ખૂબ મહત્ત્વનો, વિચારતા કરી દેનારો, વિસ્મય જગાડનારો છે એમાં શંકા નથી; પણ ફ્રૉઇડ જ્યારે મનોવિજ્ઞાન ક્ષેત્રે પોતાની આમૂલ ફેરફાર કરતી વિચારસરણી લઈને આવ્યા ત્યારે કેવો તો ઊહાપોહ, વાદવિવાદ, ચર્ચા થઈ હશે એનો પણ સુંદર ચિતાર આ લેખમાં મળે છે. નાની નાની નવી લાગતી વાતોથી વાતાવરણ ઊભું કરવાની ડ્રકરની સહજસ્ફુર્ત કાબેલિયત અને અનેક વિષયો સાથેનો એમનો ઘરોબો લેખને અત્યંત વાર્તાકથા સમો રોચક બનાવે છે. આ સાથે સ્મરણપટ ઉપર આવે છે આપણા ખૂબ મહત્ત્વના સમકાલીન સાહિત્યકાર જે આજે ઉપસ્થિત નથી, પણ જેમને માટે એવી તો ખેંચાખેંચી ચાલે છે કે એક વ્યક્તિ તરીકે તો કદાચ એ મિથિકલ બની જાય, પણ એમનું સાહિત્ય-વિચારદર્શન પણ ધૂંધળું બની ગયું છે. મૂળે એ વિચારદર્શન ધૂંધળું હતું એમ નહીં, પણ વિરોધી લાગતી વિચારધારાઓ એમને પોતાના આગેવાન સ્થાપવા ઉત્સુક છે એટલું જ નહીં પણ એવો એમનો દાવો છે—આ કારણે ધૂંધળાપણું ઊભું થાય છે. સ્પષ્ટ જ છે ને કે આ સુરેશ જોષીની વાત છે? અગાઉના સમય કરતાં કેટલાં બધાં સાધનો આપણી પાસે કોઈ પણ વ્યક્તિ માટેની માહિતીઓ સંઘરવા માટે છે? છતાં આપણા વિચિત્ર મનોભિગમોને કારણે આપણને આજે નરસિંહ મહેતા કે અખા વિશે ઑથેન્ટિક જાણકારી છે એ કરતાં વિશેષ સુરેશ જોષી વિશે જાણીએ છીએ કે કેમ એની શંકા પડે છે. બલકે સુરેશ જોષીની આસપાસ જે ગેરમાહિતીઓનું વિચિત્ર વલણ રચાઈ ગયું છે એને ભેદવા માટે તો કોઈ નિષ્ઠાવાન સૂઝવાળો વિરલ વીરલો જ જોઈએ. સાચા વિશ્લેષણની પણ એક સીમારેખા હોય છે, એક પૂર્ણ સત્ય તરીકે નહીં, પણ એ જે કંઈ આંશિક પ્રકાશ નાંખી શક્યું હોય એ જ રીતે એને નાણવું જોઈએ. અને એ રીતે ડ્રકર સફળ રહ્યા છે એમ કહી શકાય, આટલું કહી વીરમીએ.

તા. ૨૦-૯-૯૧