પ્રતીતિ/થોડુંક અંગત નિવેદન
મારા આ વિવેચનગ્રંથમાં પ્રસ્તાવના રૂપે કશુંક લખવાનું હું વિચારતો હતો, ત્યાં અંદરથી એક એવો વિચાર ઊપસી આવ્યો – ગ્રંથસ્થ કરેલાં આ લખાણો પોતે જ કશુંક કહેતાં હોય, તો હવે વધુ શું? અને હું એ સાથે વિરમી જવા ઝંખું છું. ત્યાં બીજો વિચાર પડઘાતો આવ્યો – આ પ્રકારનાં લખાણો પાછળ કયું બળ છે? અને અંતરમાં ઊંડે ઊતરવાનો પ્રયત્ન કરું છું ત્યાં આછા અંજવાશમાં એક વસ્તુ આકાર લેતી મેં પ્રત્યક્ષ કરી. એ વસ્તુ હતી : શબ્દમાં આસ્થા. એવી કોઈ આસ્થા જ આ લખાણોના પ્રકાશનમાં ય કામ કરી રહી છે. અહીં ગ્રંથસ્થ કરેલાં વિવેચનનાં લખાણો પૈકીનાં ઘણાંએક તો આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સાહિત્યિક સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા પરિસંવાદો નિમિત્તે જન્મ્યાં છે : તો બીજાં લખાણો પાછળ આપણાં અગ્રણી સાહિત્યિક સામયિકો અને સંશોધનનાં જર્નલોના તંત્રીશ્રીઓનાં સ્નેહભર્યાં આમંત્રણો રહ્યાં છે. એ સર્વ મહાનુભાવોને હું અત્યારે ભાવપૂર્વક સ્મરું છું અને તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારે નિખાલસપણે કહેવું જોઈએ કે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની ઉદાર આર્થિક સહાય મળી ન હોત તો આ પુસ્તકનું ભાવિ અંધકારમય બની રહ્યું હોત. આ પ્રસંગે અકાદમીના માનનીય સભ્યશ્રીઓ, મહામાત્રશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ તેમજ આ ગ્રંથના પરામર્શકશ્રીનો અંતરથી આભાર માનું છું. આ વેળા મારા કેટલાક વિષમ સંજોગોની વચ્ચે આ પુસ્તકના મુદ્રણની વ્યવસ્થા કરવાનું પાછળ ને પાછળ ઠેલાતું જ ગયું. એવા સંજોગો વચ્ચે ય સર્વશ્રી રાકેશભાઈ દેસાઈએ પૂરા સદ્ભાવ સાથે આ કામ સ્વીકાર્યું અને ટૂંકા ગાળામાં એનું મુદ્રણકામ પૂરું કરી આપ્યું. એટલું જ નહિ, પૂરી કાળજી લઈ એનું અતિ સુઘડ અને રુચિકર મુદ્રણ કર્યું. તેમના આ સહકાર માટે સાચે જ હું તેમનો અંતરથી ઋણી બન્યો છું. લોકસાહિત્યાલય, આણંદના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી હરેન્દ્રભાઈ ભટ્ટે પૂરા ઉત્સાહથી આ પુસ્તકના વેચાણની જવાબદારી ઉપાડી લીધી તે માટે તેમનો ય આભાર માનું છું.
તા.૨૧-૧૧-’૯૧
વલ્લભવિદ્યાનગર
– પ્રમોદકુમાર પટેલ