પ્રતીતિ/સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિક્રમણની હૃદયંગમ કથા : ‘હિમાલયનો પ્રવાસ’


૧૩
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિક્રમણની હૃદયંગમ કથા ‘હિમાલયનો પ્રવાસ’

કાકાસાહેબે તરુણ વયમાં હિમાલયની જે પદયાત્રા કરી તેની આ કથા ખરું જોતાં તો તેમની એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિક્રમાની કથા બની રહે છે. તેમના હૃદયમાં નાનપણથી જ હિંદુ ધર્મ અને સંસ્કૃતિ માટે ભક્તિભાવ જાગ્યો હતો. હિમાલય જ આપણા ધર્મનો આદિસ્રોત છે એવી સ્ફુરણા તેમના અંતરમાં વહેલી જન્મી હતી. એ રીતે હિમાલયની વિભૂતિ માટે તેમને અદમ્ય આકર્ષણ રહ્યું હોય એ પણ સ્વાભાવિક છે. એટલે ૧૯૧૧માં, તેઓ વડોદરાની જે સંસ્થામાં આચાર્ય તરીકે કામ કરતા હતા તે ગંગનાથ ભારતી સર્વ વિદ્યાલય બંધ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે, પ્રવાસની પ્રબળ ઇચ્છા તેમનામાં સક્રિય બની રહી. ૧૯૧૨ના ઉનાળામાં ચોક્કસ કાર્યક્રમ ઘડ્યા વિના તેઓ નીકળી પડ્યા. જો કે પિતાજીના શ્રાદ્ધનો સંકલ્પ એમાં નિમિત્ત બન્યો, અને એ નિમિત્તે આરંભમાં ઉત્તર ભારતમાં કેટલાંક પ્રસિદ્ધ તીર્થધામોની યાત્રા તેમણે કરી. તેમના નિકટના સાથી શ્રી અનંત યુવા તેમની સાથે શરૂઆતથી જ રહ્યા. બીજા સાથી સ્વામી આનંદ તેમને આલમોડાથી ભેગા થયા. ત્રણેક માસના ગાળામાં બે હજારથી વધુ માઈલ જેટલી લાંબી પદયાત્રા તેમણે કરી. હિમાલયનાં અત્યંત રમણીય અને પવિત્ર તીર્થધામો – જમનોત્રી, ગંગોત્રી, બદરીનાથ અને કેદારનાથ – જે વિસ્તારમાં આવ્યાં છે તે પાવનકારી ‘ઉત્તરાખંડ’ તેમની યાત્રાનો વિસ્તાર હતો. ‘હિમાલયનો પ્રવાસ’માં કાકાસાહેબે પોતાની એ લાંબી યાત્રાનું હૃદયંગમ આલેખન કર્યું. છે. આ પ્રવાસકથાનું લેખન, જો કે, પ્રવાસ કર્યા પછી સાતેક વર્ષના ગાળા બાદ, ૧૯૧૯માં થયું. સ્વરાજ આશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાતું હસ્તલિખિત સામયિક એમાં પ્રેરક બન્યું, અને વાહક પણ. અને, આ સમયગાળામાં સ્મરણો ઝાંખાં પડવા આવે એ સ્વાભાવિક ગણાય; તો પણ, કાકાસાહેબની સ્મૃતિશક્તિ બળવાન હોય એ કારણે, અને હિમાલયની યાત્રા પ્રબળ ભક્તિભાવે કરી હતી એ કારણે પણ, યાત્રાના અનેક પ્રસંગો, દૃશ્યો અને લાગણીપ્રવાહો જાણે કે મૂળની તાઝગી અને સજીવતા સમેત તેઓ પુનઃ ઉપલબ્ધ કરી શક્યા જણાશે. એક રીતે આ કોઈ માત્ર પ્રવાસવર્ણનનો ગ્રંથ નથી; એક પરિવ્રાજક તરુણની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિક્રમાનો ગ્રંથ છે; ઉત્કટ જિજ્ઞાસા અને ભક્તિભાવથી પ્રેરાયેલા આત્માના આંતરપ્રવાહોનો એ આલેખ છે. કાકાસાહેબ શ્રીનગરમાં (કાશ્મીરના પ્રસિદ્ધ શ્રીનગરથી જુદું સ્થળ) જે સમયે ધ્યાન કરવા ચાહતા હતા, એટલે કે સંન્યાસવૃત્તિ તેમના માનસિક જીવનમાં ઊંડી રોપાઈ રહી હતી, ત્યારે જ આ પરિક્રમા થઈ. એટલે, આ યાત્રામાં ધર્મભાવનાના વિષયો વધુ સ્પર્શાયા હોય તો એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. અહીં, અલબત્ત, પ્રકૃતિનાં રમ્ય-ભવ્ય દૃશ્યોનાં વર્ણનો પણ ઠીક ઠીક સ્થાન રોકે છે. પણ હિમાલયની અનંત સૌંદર્યશ્રીને લક્ષમાં લેતાં કદાચ એ વર્ણનો ઓછાં છે એમ કોઈને લાગે તો એમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું નથી. કાકાસાહેબે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે હિમાલયનું લોકોત્તર સૌંદર્ય અવર્ણનીય જ છે. પણ અહીં મૂળ વાત જુદી છે. પ્રકૃતિનાં સૌંદર્યતત્ત્વો કરતાંયે હિમાલયનાં અંચલમાં જે રીતે ધર્મ અને સંસ્કૃતિ ઊછરી રહ્યાં છે, અને ત્યાં સાધુસંતો દ્વારા જે રીતે આધ્યામિક સંપત્તિ વિલસી રહી છે, તેની જ તેમને મૂળથી ઝંખના રહી છે. એટલે આ પ્રવાસકથામાં તીર્થધામો, સાધુસમાજો, યાત્રિકોના કર્મકાંડો અને એવી બીજી ધર્મવિષયક બાબતો તેમનું સતત ધ્યાન ખેંચતી રહી છે. કાકાસાહેબના આ પ્રવાસના સંદર્ભમાં આચાર્ય કૃપલાનીએ એક માર્મિક વાત કહી છે. તેઓ નાંધે છે : “કાકામાં જે વિશાળ જ્ઞાનનો ધોધ વહેતો જોઈએ છીએ તેનું મૂળ આ હિમાલયમાં જ પડેલું છે. એ પ્રવાસમાં કાકાએ એકેએક તીર્થનું ધામ જોયું અને એકેએક સૌંદર્યનું સ્થાન જોયું અને દરેક સ્થાનનો સંદેશો એમના એ અદ્‌ભુત મગજમાં સંઘરી લીધો.” (‘કાલેલકર અધ્યયનગ્રંથ’માં જુઓ લેખ ‘જૂનો દોસ્ત’, પૃ. ૩૪૬) તાત્પર્ય કે, હિમાલયની વિભૂતિમાં જ્ઞાન, ભક્તિ અને સૌંદર્ય એ સર્વનો આદિસ્રોત જાણે કે તેમની દૃષ્ટિમાં આવ્યો. આ પ્રવાસકથાના લેખનનો હેતુ સ્પષ્ટ કરતાં અન્ય પ્રસંગે કાકાસાહેબે જે કહ્યું છે તે પણ સૂચક છે. શ્રી વિ. જ. સહસ્રબુદ્ધે પર લખેલા પત્રમાં (જે ‘સંસ્કૃતિ’ના નવેમ્બર, ૧૯૪૭ના અંકમાં પ્રગટ થયો હતો) તેઓ આમ કહે છે : “ભારત ભૂમિ અને ભારતીય સંસ્કૃતિનું ઉઘાડી આંખે અને જાગરૂકપણે ધ્યાન કરવાના પ્રયત્નમાં હિમાલયનો પ્રવાસ’ લખાયો હતો. તે પ્રવાસવૃત્તાન્ત એટલે મારી ભક્તિની અંજલિ. આપણા સમાજમાં આંધળું અભિમાન પુષ્કળ છે, તે જોઈને ઉઘાડી આંખની ભક્તિ આવે અને શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચે અણબનાવ રહે નહીં એવા ઉત્કટ લાગણીથી તે પ્રવાસવૃત્તાન્ત લખેલો છે.’ આમ એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે હિમાલયના પ્રવાસ પાછળ, તેમ તેની કથા પાછળ, કાકાસાહેબની આધ્યાત્મિક ચેતના વધુ સક્રિયપણે કામ કરતી રહી છે.

*

આપણા પ્રવાસકથાના સાહિત્યમાં ‘હિમાલયનો પ્રવાસ’નું અનન્ય સ્થાન રહ્યું છે. આપણા એક પ્રશિષ્ટ ગ્રંથ તરીકે એની ગણના થતી રહી છે. પણ પ્રશ્ન થાય કે પ્રવાસકથામાં રુચિકર તત્ત્વો કયાં? એનું મૂલ્ય પ્રાસંગિક જ છે કે એમાં કશું ચિરકાલીન મૂલ્ય સંભવી શકે? સાહિત્ય તરીકે એનું મૂલ્ય શી રીતે જન્મે છે? ‘હિમાલયનો પ્રવાસ’માં એની માત્ર ગદ્યશૈલી આકર્ષક છે? કાકાસાહેબનાં ચિંતનમનન અને સંવેદનોને પણ મૂલ્ય પ્રાપ્ત થાય છે? કે એમાંનાં વ્યક્તિચિત્રો રસનું મુખ્ય કારણ છે? કે માત્ર પ્રકૃતિના સૌંદર્યનાં વર્ણનો આપણને અપીલ કરે છે? અલબત્ત, ઊર્મિકાવ્ય, નવલિકા, નવલકથા કે નાટકના પ્રકારની કૃતિને જે અર્થમાં આપણે ‘સર્જનાત્મક’ કે ‘કલ્પનોત્થ’ પ્રકારની કૃતિ લેખવીએ છીએ, એ અર્થમાં પ્રવાસગ્રંથ એ ‘સર્જનાત્મક’ સાહિત્ય નથી. એનો સૂચિતાર્થ એમ પણ થાય કે પ્રવાસકથા વાંચતાં ભાવકને જે રસ પડે છે તે વિશુદ્ધ રસાનુભૂતિ નથી. પ્રવાસકથા એક અર્થમાં એના લેખકની દસ્તાવેજી કૃતિ છે. જે પ્રસંગો, દૃશ્યો, વ્યક્તિચિત્રો અને લાગણીઓ આદિ તે રજૂ કરે છે તે તેના લૌકિક અનુભવની વસ્તુઓ છે, ચોક્કસ સ્થળકાળનો સંદર્ભ તેને વળગેલો હોય છે. અલબત્ત, ઉત્કટ અનુભૂતિઓના આલેખનમાં પ્રવાસકથાનો લેખક કેટલીક વાર અપ્રતિમ સર્જનાત્મક ઉન્મેષો દાખવે છે અને અલંકારરચનામાં ય તેની સર્જકકલ્પનાનો વિનિયોગ થવા પામ્યો હોય છે. પણ પ્રવાસ કથાનો લેખક નિતાંત કલ્પનાની સૃષ્ટિ રચી શકે નહીં. પોતાના અનુભવોની નક્કર ભૂમિ પર તેણે સતત પગ માંડવાના રહે છે. દરેક સ્થાનના વિશિષ્ટ અનુભવોનું અહીં મૂલ્ય છે. લેખક જે જે સ્થળોમાંથી પસાર થાય છે, જે જે સમયમાંથી પસાર થાય છે, તેનું વિશેષ પરિમાણ એમાં ઊપસવું જોઈએ. પ્રવાસના તેના અનુભવોના હાર્દમાં નક્કર ઐતિહાસિકતા ઊતરી ગયેલી હોય. પ્રસંગ, વ્યક્તિવિશેષ, દૃશ્ય, ચિંતનમનન એ સર્વમાં રહેલી આગવી ઐતિહાસિકતા જ એને બીજા સર્જનાત્મક પ્રકારોથી અલગ પાડે છે. અને પ્રવાસકથાના લેખકનું ચિત્ત જેટલું વધુ સંવેદનપટુ, ગ્રહણશીલ, અને દૃષ્ટિપૂત, તેટલા પ્રમાણમાં તેનાં અવલોકનો અને અનુભવો સમૃદ્ધ નીવડી આવવા સંભવ છે. પ્રવાસના માર્ગમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ, આમ તો, સતત અવનવાં રૂપો ધરીને છતી થાય છે, પણ બધી જ ભૌતિક, પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિગતો તેના દૃષ્ટિક્ષેપમાં (કે ચિત્તક્ષેપમાં) સમાઈ શકે નહીં. એ ખરું કે પ્રકૃતિનાં અતિ રમ્ય, ભવ્ય કે રુદ્રકરાલ દૃશ્યો સામાન્ય રીતે તેની દૃષ્ટિને આકર્ષી રહેતાં હોય છે. એ જ રીતે, ઐતિહાસિક સ્મારકો, મહેલમિનારા કે એવી વિશાળ રચનાઓ તેનું ધ્યાન રોકી લે એ પણ સહજ છે. પણ વિશ્વજીવનમાં એ સિવાય બીજી અસંખ્ય વસ્તુઓ સંભવે છે. એટલે, આ પ્રશ્ન એક રીતે લેખકની જિજ્ઞાસા કે રસના વિષયોનો બને છે, તેની નિસ્બતો અને મૂલ્યભાનનો બને છે. લોકજીવનની જે બાજુમાં લેખકને રસ હોય તે તરફ તેનું વિશેષ ધ્યાન ખેંચાવાનું. જેને ઇતિહાસમાં રસ હોય તેને ઐતિહાસિક વિગતોમાં, જેને લોકસંસ્કૃતિમાં રસ હોય તેને એ ક્ષેત્રની સામગ્રીમાં, અને જેને સામાજિક બાબતોમાં રસ હોય તેને તેવી સંસ્થાઓ આદિમાં કુતૂહલ જાગવાનું. પ્રવાસકથાનો લેખક આ રીતે જે કંઈ ગ્રહણ કરે છે, તે સાથે તે તેનો અર્થબોધ કરવા કે અર્થઘટન કરવા પ્રેરાય છે. તેને અંગે ચિંતનમનન કરે, લાગણી વ્યક્ત કરે, કે પ્રતિક્રિયા પણ દર્શાવે. આમ, એક બાજુ બાહ્ય જગતનો વસ્તુલક્ષી ખંડ આકર્ષણ જગાડે છે; તો બીજી બાજુ, લેખકનું આંતરસંવિદ્‌ સ્વયં રસનો સ્રોત બને છે. લોકજીવનનાં આવિષ્કરણો અને તેને પ્રત્યક્ષ કરતું સંવિદ્‌ બન્ને જાણે કે અહીં યુગપદ્‌ રજૂ થાય છે. દરેક સ્થળકાળના વિશિષ્ટ સંદર્ભમાં લોકસંસ્કૃતિ શી રીતે પાંગરી, કે જીવનના કેવા કળાત્મક આવિર્ભાવો નિર્માણ થયા, તેની ખોજમાં તે જીવનની રહસ્યમય પ્રક્રિયા સુધી પહોંચી જાય એમ બને. પ્રવાસકથામાં, આ રીતે, લેખક વ્યક્તિકથા નિમિત્તે આખાય ભૂમિભાગની જીવનપ્રક્રિયાને આંબી લેતો જોઈ શકીએ. પણ લેખકની ઊંડી સંવેદનાઓ, નિસ્બતો અને મૂલ્યબોધની પ્રક્રિયાઓ જ એને વધુ ટકાઉપણું આપી શકે. ‘હિમાલયનો પ્રવાસ’ની કથામાં એક બાજુ વિભૂતિરૂપ હિમાલયની અવર્ણનીય શોભા, ત્યાંનાં પત્રિત્ર તીર્થધામો, સંતમહાત્માઓની સાધના અને પહાડી જનપદનાં દૃશ્યો – એવી એવી વિગતો સ્વયં આકર્ષક છે જ. પણ એ સાથે તરુણ કાકાસાહેબનું આંતરસંવિદ્‌, તેમની લાગણીઓ અને વિચારોના પ્રવાહો, તેમની ભાવનાસૃષ્ટિ, તેમનો મૂલ્યબોધ – એ બધી કથા એટલી જ, બલકે એથીય વધુ, હૃદયસ્પર્શી છે. ઉત્તર ભારત અને ઉત્તરાખંડનાં જે તીર્થધામો તેમણે જોયાં તે તેમના તીવ્ર અનુભવના વિષયો બની રહ્યા. તેમની પ્રસન્ન નિર્મળી ચેતના સતત જ્ઞાન અને સૌંદર્યના સંસ્કારો ઝીલવા ઉન્મુખ બની રહી. પ્રસંગે પ્રસંગે ચિંતનમનન ચાલતાં જ રહ્યાં. શ્રીનગરમાં સાધનાની ઇચ્છા હતી તે તો અળગી રહી, માત્ર ચરણ ચાલતાં જ રહ્યાં; હૃદય નવાં નવાં દૃશ્યો ગ્રહણ કરતું રહ્યું. હિમાલયનો દિવ્યલોક તેમને આમંત્રી રહ્યો હતો. કોઈ એક સ્થળે સ્થિર થઈને રહેવાનું, કદાચ, તેમની પ્રકૃતિમાં જ નહોતું.

*

હિમાલયનું અલૌકિક સૌંદર્ય કાકાસાહેબને જાણે કે અ-વાક્‌ કરી દે છે. અહીંના ઊંચા ઊંચા પર્વતોની હારમાળા, હિમાચ્છાદિત શિખરો, ઉન્નત શૃંગો પર સૂર્યરશ્મિઓથી રચાતી રંગબેરંગી ઝાંય, ખીણોમાં વાદળોની હિલચાલ, અડાબીડ અરણ્યો, નદીઓ, સરોવરો, પથ્થરો, પુષ્પો – એમ અપારવિધ દૃશ્યો અને પદાર્થો તેમના અપ્રતિમ સૌંદર્યની ઝાંય સાથે તેમના અંતરમાં પ્રવેશતાં રહ્યાં છે. દરેક દૃશ્યની છાપમાં હજીયે જાણે કે અનાવિલ તાજગી જળવાઈ રહી છે. એવા દૃશ્યની રૂપરંગગંધ કે સ્પર્શ જેવી ઇન્દ્રિયબોધની સંપ્રજ્ઞાથી તેઓ ઝીલતા રહ્યા છે. તેમની કવિત્વશક્તિનો ઓછોવત્તો યોગ આવા સૌંદર્યનિરૂપણમાં જોવા મળે જ છે. અલબત્ત, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, કેવળ પ્રકૃતિસૌંદર્યનાં વિસ્તૃત ચિત્રો અહીં ઓછાં છે એમ પણ કદાચ કોઈને લાગે. પણ એનો અર્થ એમ નહીં કે કાકાસાહેબની સૌંદર્યદૃષ્ટિ ખીલી નહોતી. મૂળ મુદ્દો એ છે કે હિમાલયમાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મને મૂર્તિમંત કરનારી સંસ્થાઓ અને સંતપરંપરાઓ જોવાનું પ્રબળ વલણ કેળવ્યું છે. એટલે પ્રકૃતિનાં દૃશ્યોને સ્થાન ઓછું મળ્યું હોય તે સમજાય તેવું છે. પણ પ્રકૃતિનાં જે દૃશ્યોનું તેમણે વર્ણન આપ્યું છે, તે આ પ્રવાસકથાની મોટી સમૃદ્ધિ છે. તેમના સૌંદર્યાનુભવની થોડીક ક્ષણો અહીં નોંધીશું. ભીમતાલથી આગળ જતાં રસ્તે કાકાસાહેબ રમ્ય કોમળ ફૂલો નિહાળે છે. તેનો પરિચય તેઓ આ રીતે આપે છે : “રસ્તામાં એક જાતનાં ફૂલ ખીલી રહ્યાં હતાં. આકારે બારમાસીનાં ફૂલ જેવાં અને રંગે સારી પેઠે કઢેલા દૂધની મલાઈ જેટલી પીળાશવાળાં હતાં. સુવાસની મધુરતાની તો વાત જ શી? સુવાસ ગુલાબને મળતી પણ ગુલાબ જેટલી ઉગ્ર નહીં. આ લજ્જાવિનયસંપન્ન ફૂલોને જોઈ હું પ્રસન્ન થયો.” (‘હિમાલયનો પ્રવાસ, છઠ્ઠી આવૃત્તિ, ૧૯૭૧, પૃ. ૫૨.—હવે પછીનાં અવતરણો આ આવૃત્તિને જ અનુલક્ષે છે.) હિમાલયની કેડી પરનાં આ રમ્ય કોમળ ફૂલોને કાકાસાહેબે ઇંદ્રિયગોચર ગુણસમૃદ્ધિ સમેત અહીં રજૂ કર્યાં છે. વિશાળ પર્વતીય દૃશ્યપટની વચ્ચે આવા એક અલ્પ લાગતા સૌંદર્યપદાર્થને તેઓ એટલી જ આત્મીયતાથી આવકારે છે. આ જ વિસ્તારમાં જોવા મળેલાં ચીડનાં ફૂલોનું વર્ણન પણ એટલું જ આકર્ષક છે : “ફૂલ નાળિયેર કરતાં મોટું હોય છે. એની પાંખડી બાવળના લાકડા કરતાં કઠણ હોય છે. છતાં આ ફૂલ આકારે બહુ સુંદર હોય છે. એક દીંટના માથામાંથી આંગળી જેવડી અસંખ્ય પાંખડીઓનો જાણે એક ફુવારો ફૂટ્યો હોય છે. પણ રંગ કે વાસનું તો નામ ન લો. લાકડાનો જ રંગ ને લાકડાની જ વાસ. દેવદાર અને ચીડ જેવાં વૃક્ષો હિમાલયને જ શોભે.” (હિ. પ્ર., પૃ. ૫૬) ચીડના ફૂલનું યથાર્થ ચિત્ર આલેખવાના પ્રયત્નમાં કાકાસાહેબ સહજ જ ઉત્પ્રેક્ષાનો આશ્રય લે છે. તેમના કથનવર્ણનમાં આ જાતના અલંકારપ્રયોગો તરત આકર્ષાઈ જાય છે. પ્રતિભાશાળી કવિ દૂરદૂરના પદાર્થો અને પરિસ્થિતિઓને સર્જનની ક્ષણમાં અત્યંત સ્વાભાવિક રીતે ઔપમ્યભાવે સાંકળી લેતો હોય છે. અને, કવિની સર્જકતા આવા ઔપમ્યગ્રહણમાં કેન્દ્રિત થતી હોય, તો કાકાસાહેબમાં આવી સર્જકતાના સમૃદ્ધ અંશો વારંવાર જોવા મળશે. હિમાલયના ઢોળાવ પર આલમોડાનું દૃશ્ય તેમણે એક અસાધારણ કલ્પન રૂપે અંકિત કરી દીધું છે : ‘આલમોડા એ હિમાલયની એક શાખા ઉપર બાંધેલો માણસોનો માળો છે.” (હિ. પ્ર., પૃ. ૫૯) આલમોડા વિસ્તારમાંથી એક પ્રભાતે નંદાદેવીનું દર્શન તેમને માટે એક ઉત્કટ અનુભૂતિ બની રહે છે – આનંદસમાધિ શી! “આસપાસ દરેક ખીણમાં ધોળાં ધોળાં વાદળાં આળસુની પેઠે સૂતાં હતાં. ઉપર આકાશ નિરભ્ર હતું. ઉત્તર તરફ નંદાદેવીનું શિખર સૂર્યનાં તરુણ કિરણોથી સુવર્ણમંદિરની પેઠે ઝળકતું હતું. જ્યાં સૂર્યકિરણ હજુ નહોતાં પહોંચ્યાં ત્યાં અરુણસદૃશ રક્તિમા ઉષાને પણ લજવે તેવી હતી. હિમાલયને ઘેર શિખરોનું દારિદ્ર્ય નથી, છતાં નંદાદેવીનું સૌન્દર્ય એટલું બધું છે કે હિમાલય પણ એને માટે મગરૂર હોય એમ લાગે છે.” (હિ. પ્ર., પૃ. ૫૯) હિમાલયની ખીણો અને ઢોળાવો પર વિસ્તરેલા ઘોર અડાબીડ અરણ્યો તેમના ચિત્તમાં વિભિન્ન લાગણીઓ જગવી જાય છે. આવાં ગાઢ અરણ્યોમાં ય જુદાં જુદાં રૂપ અને જુદો જુદો મિજાજ વ્યક્ત કરતાં વૃક્ષો અલગ અલગ તેમનું ધ્યાન ખેંચી રહે છે : ‘થડ અને ડાળીનો આકાર, એની છાલ અને એનો રંગ જોઈને દરેક ઝાડનો સ્વભાવ હું કલ્પી શકું છું. કેટલાંક ઝાડ જાણે પોતા પ્રત્યે જ કઠોર થવામાં જીવનનું સાર્થક થયેલું માને છે. કેટલાંક ઝાડ ખાધેપીધે સુખી બેઠાડુ લોકો જેવાં ગોળમટોળ હોય છે. કેટલાંક સાવ ત્રાંસી ડાળીવાળા ઝાડ મરાઠા ઇતિહાસના રાજારામના વખતના વીરોની પેઠે વિપત્તિ સામે અસહાય પણ અવિચળપણે ઝૂઝતાં હોય એમ લાગે છે. જ્યારે કેટલાંક તો આખા વનનો ઇતિહાસ બની શકે તોટલો સાચવવા-સંઘરવાનું કામ કરતાં હોય એમ દેખાય છે કેટલાક ઝાડની ત્વચા એવી કોમળ હોય છે કે શકુંતલાને તપશ્ચર્યા કરતી જોઈ દુષ્યન્ત જેમ અસ્વસ્થ થયો હતો તેમ આપણું મન અસ્વસ્થ થઈ જાય છે....” (હિ. પ્ર., પૃ. ૧૩૨) આખાય વર્ણનમાં વિવિધ વૃક્ષોને માટે પ્રગટ કે અર્ધપ્રગટપણે ગૂંથાતા ઉપમાબોધ તરત ધ્યાન ખેંચે છે. આમે ય કાકાસાહેબ પ્રકૃતિમાં માનવભાવ કે માનવવર્તનનું આરોપણ કરી સજીવારોપણ અલંકાર યોજવાની સહજવૃત્તિ ધરાવે જ છે – કહો કે તેમનું કૌતુકરાગી મન આ પ્રકૃતિના પદાર્થો, પહાડ, વૃક્ષો, ઝરણાંઓ, વાદળો, સર્વ કંઈને સજીવ રૂપે જ પ્રત્યક્ષ કરે છે. પણ અહીં તેમના ઉપમાબોધમાં સાહિત્ય, સમાજશાસ્ત્ર, ઇતિહાસ આદિ વિષયોના સંસ્કારો અને સંવેદનો સહજ રીતે પ્રવેશી ગયાં છે. જીવંત અને ઉત્કટ અનુભૂતિની ક્ષણોમાં તેમનું સર્જકસંવિદ્‌ લીલયા આવા સંસ્કારો અને સંવેદનો ઉપલબ્ધ કરી લે છે. વનરાજિના વર્ણનમાંય આ રીતે તેમના અંતરના વિવિધ રસના વિષયો અને નિસ્બતો છતાં થઈ જાય છે ગંગનાણી આગળ ઝરણામાં બંધાયેલા રૂપાળા રાફડાનું વર્ણન એની સાથે અનાયાસ ગૂંથાઈ આવતી ટીકાટિપ્પણીને કારણે વિશેષ નોંધપાત્ર છેઃ “પાણીમાં એકાદ જાડાં પાંદડાંવાળી ડાળી પડી જાય એટલે પાણી ધીમે ધીમે એના પર પોતાની અસર કરવા માંડે. પાંદડાં જેમ જેમ કોહવાતાં જાય તેમ તેમ પાણીની અસર વધતી જાય. પાંદડાંના અને એની સાથેના એના લાકડાના સૂક્ષ્મ કણ જેમ જેમ ખરતા જાય તેમ ચૂનાના સૂક્ષ્મ કણ ત્યાં એ જ આકારે બાઝતા જાય. છએક મહિનામાં એ આખી ડાળનો પુનર્જન્મ થઈ વનસ્પતિને ઠેકાણે આરસપહાણના જેવી નાજુક દેખાતી પણ ઠીક ઠીક મજબૂત ડાળ તૈયાર થઈ જાય છે. એની કારીગરી જોઈ ગ્રીસના શિલ્પીઓ પણ અવાક્‌ થઈ જાય. અસલી ડાળનું આમાં રૂપ ઉપરાંત કશું જ રહેતું નથી. આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ રાખ્યા વગર પુનર્જન્મમાં માનનાર બુદ્ધ ભગવાનનું આ પહાડી ચમત્કાર તરફ ધ્યાન ગયું હોત તો એમણે દીવાનો દાખલો આપવાને બદલે આ ખનિજ જલજ ડાળનો જ દાખલો આપ્યો હોત.” (હિ પ્ર., પૃ. ૧૮૮) આ જાતના આલેખનમાં આપણને બે વસ્તુઓ એકીસાથે આકર્ષી રહે છે. એક બાજુ હિમાલયના ઝરણમાં બંધાતી ‘ખનિજ જલજ ડાળ’ સ્વયં પ્રકૃતિના જીવનનું એક મનોહારી રહસ્ય બને છે : રાફડા રચાવાની પ્રક્રિયા અને તેને પરિણામે નીપજી આવતા મૂળ ડાળનો આકાર – એ કાકાસાહેબ માટે (તેમ આ પ્રવાસકથાના વાચકો માટે પણ) રસનો વિષય બને છે. પણ એ ‘ખનિજ જલજ ડાળ’ના આકારમાં કાકાસાહેબ જે રીતે બુદ્ધના તત્ત્વજ્ઞાનને સાંકળી લે છે, તે એથીય વધુ મોટો રસનો વિષય બને છે હિમાલયના આ ‘રૂપાળા રાફડા’નું પ્રત્યક્ષીકરણ કરતાં, બુદ્ધનો દાર્શનિક વિચાર ઉદ્‌બુદ્ધ થવામાં ક્યાંક ઔપમ્યબોધની ભૂમિકા રહી જ છે. કાકાસાહેબની પ્રતિભાની વિશેષતા જ એ કે તેમની સદોદિત (કે સદોજાગ્રત) કલ્પના દૂર સમય અને સ્થળના પદાર્થોને લીલયા જોડી દે છે. કેદારને રસ્તે હિમાલયના કઠણમાં કઠણ આરોહણ પછી કાકાસાહેબે જે ભવ્ય સૃષ્ટિનું દર્શન કર્યું, તેની ઝલક પણ અહી નોંધવા જેવી છે : “ઉપર પહોંચીને જે દૃશ્ય જોયું તે જન્મારામાં ભુલાય તેમ નથી. વૈદકાલીન ઋષિઓની કોઈ મહાસભા બેઠી હોય એવી રીતે અસંખ્ય બરફ-આચ્છાદિત શિખરોની એક મહાપરિષદ અર્ધ-વર્તુલાકારે ગોઠવાઈ હતી. કાંઈ નહીં તો પચાસ માઈલનું દૃશ્ય અહીંથી દેખાતું હતું. અને જે દિશાએ જુઓ ત્યાં દૂર દૂર ધોળાં ધોળાં શિખરો અનંતતાનું સૂચન કરતાં હતાં. આ ધોળો બરફ ત્રિકાલાતીત હોય એવી રીતે પથરાયેલો છે. બરફ જેમ જેમ વાસી થતો જાય તેમ તેમ એના ઉપર હાથીદાંતની પીળાશની પ્રતિષ્ઠા જામે છે. અને એના ઉપર જ્યારે ક્યાંક ક્યાંક નવો ધોળો કપૂર જેવો બરફ પડે છે ત્યારે એ કોઈ ડોસીના ખોળામાં બાળક બેઠું હોય એવી શોભા આપે છે.” (હિ. પ્ર., પૃ. ૧૬૧) અહીં ધવલ ઉજ્જ્વલ શિખરોમાં વેદકાલીન ઋષિઓનો મહાસભાની કલ્પના રોચક છે જ. પણ અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આવી દરેક ઉત્કટ અનુભૂતિની ક્ષણોમાં તેમની સર્જક કલ્પના ગતિશીલ થઈ ચૂકી હોય છે જ. અહી વેદકાલીન ઋષિઓની મહાસભાનું ચિત્ર તેમના હૃદયની પ્રિય ઝંખનાને મૂર્ત કરે છે. હિમાલયનાં ક્ષણેક્ષણનાં દૃશ્યો તેમની કલ્પનાને ઉત્તેજિત કરે છે. અને એવા ઉત્કટ અનુભવોના અભિવ્યક્તિમાં તેમના ચિત્તના અપારવિધ સંસ્કારો અનાયાસ જોડાઈ જાય છે. સમગ્ર પ્રવાસકથામાં એ રીતે કાકાસાહેબનું આંતરસંવિદ્‌ ઝિલાતું રહ્યું છે.

*

આ પ્રવાસકથામાં પરમહંસ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી પ્રજ્ઞાનંદ, શ્રી શ્રીમા, ખાખી બાવા, સોમબારગિરિ બાવા જેવા સંતોમહંતો અને બીજા ઉપાસકોનાં ટૂંકાં વ્યક્તિચિત્રો આગવું મૂલ્ય ધરાવે છે. પ્રસંગોપાત્ત શંકરાચાર્ય, અહલ્યાબાઈ, વિવેકાનંદ, અશોક, બુદ્ધ આદિ મહાત્માઓના ઉલ્લેખો તેમણે કર્યાં છે. એ ઉપરાંત બીજા વ્યક્તિ-વિશેષોનો નિર્દેશ પણ અહીં મળે છે. આ પ્રવાસમાં જુદે જુદે સ્થળે જુદા જુદા પંથના અનેક સાધુસંતોને મળવાની તેમને તક મળી છે. બેલૂડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમના સંન્યાસીઓ, હૃષિકેશના વસાહતી સાધુઓ અને બીજા સંતમહંતો – સર્વને એકસરખા ભક્તિભાવથી તેઓ નિહાળી રહે છે. અલબત્ત, સાધુઓ અને તેમની સંસ્થાઓમાં જન્મેલા દોષો તેમના ધ્યાન બહાર રહ્યા નથી. કુંભમેળાની છાવણીઓમાં ઝઘડી પડતા નાગાબાવાઓની લડાયકવૃત્તિ, ઉદરપોષણ અર્થે પ્રપંચ કરતા બાવાઓની લાલસાવૃત્તિ, કે લોકોમાં વહેમ ફેલાવનારાઓ તેમને ટીકાપાત્ર લાગે જ છે, પણ સાધુસંન્યાસીઓમાં પરમ જ્ઞાની અને તપસ્વી એવા પુરુષોએ હિંદુ ધર્મની ભાવનાને પ્રજ્વલિત રાખવામાં તેમ જ હિંદુ દર્શનને સતત ખેડતા રહીને જીવંત રાખવામાં ઘણી મૂલ્યવાન સેવા કરી છે. એ વસ્તુ પર જ તેમની શ્રદ્ધા ઠરી છે. સમાજસેવામાં પ્રવૃત્ત થતા રામકૃષ્ણ સેવાશ્રમના સાધુઓ કે ખાખી બાવાની સેવાનું તેમને મન મોટું મૂલ્ય છે; તો બીજી બાજુ, સંસારજીવનની સર્વ વૃત્તિપ્રવૃત્તિઓથી અળગા રહેવા ચાહતા સોમબારગિરિ સાધુનોય તેઓ એટલો જ મહિમા કરે છે. હકીકતમાં, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, કાકાસાહેબ આ ઉંમરે સંન્યસ્તવૃત્તિથી પ્રેરાઈને જ હિમાલયમાં નીકળી પડ્યા હતા. એટલે સાધુસંતોની જીવનચર્યામાં તેમને સહજ રસ જાગે. પ્રસંગે પ્રસંગે, આથી, સાધુસંતોના જીવનકાર્યનો ટૂંકો નિર્દેશ તેઓ કરી લે છે. એમાં ‘હિંદુ ધર્મ’ અને સંસ્કૃતિનાં જીવંત અને ગતિશીલ તત્ત્વો પર તેમની દૃષ્ટિ ઠરેલી છે. હિંદુ ધર્મના જીર્ણ અને મૃત અંશોને અળગા રાખી તેના સજીવ અને પ્રાણવાન તત્ત્વોનો પુરસ્કાર તેઓ કરતા રહ્યા છે. બદલાતા ઐતિહાસિક અને સામાજિક સંદર્ભમાંય હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પોતાપણું જાળવીને વિકસતાં રહ્યા છે, અને એમાં નાનીમોટી અનેક ધાર્મિક સંસ્થાઓ અને પરંપરાઓનો મોટો ફાળો રહ્યો છે, એમ તેઓ પ્રતિપાદિત કરે છે. આ સાથે અક્ષયવટની દંતકથાને વિનોદમાં હસી કાઢે છે, કે પંડાઓની રીતભાત પરત્વે અણગમો વ્યક્ત કરે છે. કે દુકાનથી મંદિર અને મંદિરથી દુકાન સુધી આવન-જાવન કરતા નાળિયેર વિષે રમૂજ પણ કરી લે છે. પણ હિંદુ ધર્મની મૂળભૂત સંસ્થાઓ અને પરંપરાઓનું માહાત્મ્ય ઓછું આંકતા નથી. આ બધા વિશે તેમણે વિસ્તૃત ચિંતન કર્યું નથી – પ્રવાસકથામાં એ માટે ઝાઝો અવકાશ ન હોય એ વિષે પણ તેઓ જાગૃત છે – પણ આ વિષેના પ્રાસંગિક ભાવપ્રતિભાવમાં જ તેમની મૂલ્યદૃષ્ટિનો પરિચય મળી જાય છે. એકબે પ્રસંગો લઈને આ મુદ્દાની ચર્ચા કરીએ. બંગાળના પ્રવાસ દરમિયાન કાકાસાહેબ ખરડહ નામે ગામ જાય છે. બંગાળના ધાર્મિક ઇતિહાસમાં એ સ્થળ જાણીતું છે. ત્યાંના નેડાનેડી લોકો ગૌરાંગપ્રભુ શ્રીચૈતન્યની કૃપાથી ‘શુદ્ધ’ થયા હતા. આ નેડાનેડી લોકો ‘અશુદ્ધ’ કે ‘અસ્પૃશ્ય’ કેમ ગણાયા તેની એ લોકોને પોતાને પણ ખબર નહોતી, અને ‘સુધરેલા’ સમાજે પણ એ વિષે કશું વિચાર્યું નહોતું! કદાચ સૈકાઓ સુધી આવી વિષમતા ટકી રહી! છેવટે, શ્રીચૈતન્ય મહાપ્રભુએ તેમને ‘શુદ્ધ’ કરી વૈષ્ણવો તરીકે પ્રતિષ્ઠા આપી. કાકાસાહેબ આપણા સમાજજીવનના સંદર્ભમાં નોંધે છે કે અસ્પૃશ્ય લેખાયેલા એ વર્ગની ‘શુદ્ધિ’ની ક્રિયા એ સમયના સમાજના કોઈ ને કોઈ વર્ગના વિરોધ વગર નહીં જ થવા પામી હોય. પણ પછી સ્પષ્ટતા કરે છે કે, ‘સનાતન હિંદુ ધર્મમાં એવા ધર્મઝનૂની અંધ ભક્તોના સકંજામાંથી બચી જવાની વિરલ શક્તિ છે, અને તેથી જ તે આજપર્યંત ટકી રહ્યો છે. કાકાસાહેબને અહીં એમ અભિપ્રેત છે કે સ્પૃશ્યાસ્પૃશ્યવિચાર કે ઉચ્ચનીચની ભેદદૃષ્ટિ એ કંઈ હિંદુ ધર્મનું અંગ નથી. સામાજિક ન્યાય અને સમાનતાના મૂલ્યની પ્રતિષ્ઠા કરવાનો તેમનો ઉદ્દેશ અહીં સુપેરે સ્પષ્ટ થાય છે. કેદારને રસ્તે આવેલા શ્રીનગરને (કાશ્મીરના જાણીતા શ્રીનગરથી આ જુદું સ્થળ છે) ‘સિદ્ધપીઠ’ પણ કહે છે. અહીં પ્રાચીન સમયમાં રોજ એક નરમેધ થતા, અને આદ્ય શંકરાચાર્યે પોતાના તપથી પ્રાપ્ત થયેલી અસામાન્ય પ્રતિભાથી એ નરમેધ અટકાવ્યો હતો, એમ કહેવાય છે. કાકાસાહેબ એ પ્રસંગને અનુલક્ષીને કહે છે : “પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખીને અને નિતાન્ત રમણીય સ્તોત્રો લખીને શંકરાચાર્યે હિંદુ ધર્મની જે સેવા કરી છે, તેના કરતાં આ નરમેધ બંધ કરવાની સેવા ચડિયાતી છે એ વિષે કોઈને શંકા છે? ભાષ્ય લખવા માટે બુદ્ધિવૈભવ જોઈએ છે. સ્તોત્રો માટે ભક્તિ ન હોય અને ફક્ત કલ્પનાનો ઉલ્લાસ જ હોય તોયે ચાલે. પણ પરાપૂર્વથી ચાલતી આવેલી ઘાતકી રૂઢિ ઝનૂની સમાજની સામે થઈને એકદમ બંધ કરવી એને માટે તપસ્તેજ, ધર્મનિષ્ઠા અને હૃદયસિદ્ધિ જોઈએ છે.” નરમેધ રોકવાનું જે મહાન કાર્ય આદ્ય શંકરાચાર્યે કર્યું. તેનું તેમની દાર્શનિક વિચારણાથીયે કાકાસાહેબને મન વિશેષ મહત્ત્વ છે. અને એ રીતે કાકાસાહેબના જીવનવિચારમાં વ્યક્તિનાં તપ, ધર્મનિષ્ઠા, અને હૃદયવિકાસનું કેવું અપ્રિમ સ્થાન છે તેનો ખ્યાલ મળી જાય છે. મુક્તેસરની મુલાકાત દરમિયાન ત્યાંની એક સરકારી પ્રવૃત્તિ કાકાસાહેબ માટે ભારે સંક્ષોભ ઊભો કરે છે. અહીં (એ સમયે શાસન કરતી બ્રિટિશ સરકારના) બૅક્ટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટમાં ઘોડાઓના કોઈ રોગના નિવારણ અર્થે રસીઓ બનાવવાને હજારો બળદોનો ભોગ લેવાઈ રહ્યો હતો. બળદોનું લોહી ચૂસવાની એ લોકોની રીત પણ અત્યંત ક્રૂર અને અમાનુષી હતી. કાકાસાહેબે જોયું કે ઘોડાઓને બચાવવા બ્રિટિશ સરકાર હિંદુસ્તાનના બળદોનો પદ્ધતિસર સંહાર કરી રહી હતી. આ આખીય વિષમ પરિસ્થિતિ કાકાસાહેબના હૃદયને હચમચાવી મૂકે છે. તેમનું રાષ્ટ્રપ્રેમી-ધર્મપ્રેમી માનસ ઊંડા સંક્ષોભમાં ડૂબી જાય છે. ત્યાં એક ટેકરી પર સંકટ સમયે વગાડવાને બુરજ પર ટિંગાડેલો એક વિશાળ કદનો ઘંટ જોયો, ત્યારે તો તેમને એક એવી લાગણી થઈ આવી કે આ ઘંટ વગાડી સૌ હિંદુઓને અહીં એકઠા કરું અને કહું કે આપણી સંસ્કૃતિ પર એક મોટું સંકટ આવી ચૂક્યું છે. પણ આ જાતના આવેશથી ય આ પ્રશ્ન ઊકલતો નથી. અને કાકાસાહેબમાં રહેલો બુદ્ધિજીવી આ વિષમ પરિસ્થિતિમાં કશુંક સમાધાન શોધવા, કશુંક આશ્વાસન મેળવવા, તર્ક લડાવી જુએ છે. ક્ષણ-બે-ક્ષણ તેઓ એમ વિચારે છે કે જગતભરનાં પ્રાણીઓના કલ્યાણ અર્થે અહીં હિંદુસ્તાનનાં મૂંગાં જાનવરોએ સ્વાર્પણ કર્યું છે, જે રીતે ભારતની મૂંગી પ્રજાએ પરદેશી શાસન આગળ સ્વાર્પણ કર્યું છે. પણ આ તર્ક પણ કાકાસાહેબને સમાધાનકારી બનતો નથી. દુર્બળતા અને અજ્ઞાનની દશામાં થતા સ્વાર્પણનું મૂલ્ય પણ શી રીતે હોઈ શકે? અહી, દેખીતું છે કે, આધુનિક સંસ્કૃતિના કૂટ પ્રશ્નનો સમાધાનકારી ઉકેલ મળતો નથી એ વિષે જો કે કાકાસાહેબ ઝાઝું ચિંતન કરવા રોકાતા નથી, પ્રવાસકથામાં એવા ચિંતનમનનને અર્થે ઝાઝો અવકાશ પણ ન હોય, છતાં આ જાતની પરિસ્થિતિ પરત્વે કાકાસાહેબ તત્કાલ પૂરતી જે પ્રતિક્રિયા દર્શાવે છે, તેમાંય તેમની મુખ્ય નિસ્બત અને મૂલ્યબોધની ભૂમિકાનો પરિચય મળી જાય છે. અહીંના વિસ્તારમાં ભૈરવઘાટી નામે જે સ્થળ છે તે વિષે કાકાસાહેબે નોંધેલો પ્રતિભાવ એટલો જ રસપ્રદ છે એ ઠેકાણે ભૈરવસંપ્રદાયના લોકો ભૈરવનો જાપ જપતા જપતા ઊંડી ખીણમાં ભૂસકો મારે છે. આ રીતે આત્મહત્યા કરવામાં પાપ નથી જ; બલકે, એ રીતે મોક્ષ મળે છે, એવી એ લોકની માન્યતા છે. એ માન્યતા અત્યારના કાયદા પ્રમાણે દોષવાળી છે. પણ કાકાસાહેબને આ જાતના આત્મલોપમાં કશું વાંધા જેવું લાગતું નથી. સંસારમાં બધી બાજુથી હારેલો, થાકેલો અને સાવ હતાશ બનેલો માણસ વિમૂઢ અવસ્થામાં આત્મહત્યા કરે, એ કરતાં કુદરતના ભવ્ય સૌંદર્યધામમાં, પોતાનાથી ભિન્ન લાગતી પરમ સત્તા સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવા, આંતરિક ચૈતન્યના પૂર્ણ ઉદ્રેક સાથે ઝંપલાવે એ જુદી વસ્તુ છે. બન્ને પ્રસંગમાં દેખીતી રીતે મૃત્યુનું પરિણામ સરખું લાગશે. પણ વાસ્તવમાં બન્ને વ્યક્તિની મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ભૂમિકા નિરાળી હોય છે. કાકાસાહેબ, આ રીતે, ભૈરવપંથીઓના આત્મવિલોપનના માર્ગમાં કશું વાંધાજનક લેખતા નથી. અલબત્ત, આ રીતે, પ્રસંગોપાત્ત, તેમણે જે જે વિચારો અને લાગણીઓ વ્યક્ત કરી છે, કે જે પ્રકારની પ્રતિક્રિયાઓ નોંધી છે, તે છેવટે તો પ્રાસંગિક બાબત ગણાય. એ કંઈ તેમની સુગ્રથિત જીવન-ભાવના નથી જ. આમ છતાં, તેમની વિલક્ષણ રુચિવૃત્તિ કે દૃષ્ટિનો અણસાર એમાં મળી જ જાય છે. એ ઉંમરે કાકાસાહેબ જુદી જુદી પરિસ્થિતિઓ અને પ્રશ્નો વિષે, સંસ્થાઓ અને પરંપરાઓ વિષે, જે કંઈ ભાવપ્રતિભાવ નોંધતા જાય છે, તેમાં તેમની વ્યક્તિગત નિસ્બતો અને મૂલ્યબોધોનો ચોક્કસ વિસ્તાર ખુલ્લો થાય છે. તેમની સામે જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે – કે ઊભા થતા લાગે છે – તેમાં જ તેમની આત્મખોજની દિશાનો અણસાર પણ મળી જાય છે. એ રીતે એમાં તેમના આત્મઘડતરનો ક્રમ પણ જોઈ શકાય.

*

આ પ્રવાસકથામાં કાકાસાહેબે પોતાના વ્યક્તિગત અનુભવના પ્રસંગોને ય યથાવકાશ વર્ણવ્યા છે. ‘બોધિગયા’ પ્રકરણમાં, એ તીર્થધામનું માહાત્મ્ય વર્ણવતાં, બુદ્ધની તપશ્ચર્યાનું અત્યંત અસરકારક ચિત્ર આપ્યું છે. એ સ્થાનમાં કાકાસાહેબ ઉત્કટપણે પોતાની અવસ્થાનો અનુભવ કરવા શક્તિમાન બન્યા છે. બુદ્ધનાં ગૃહત્યાગ અને સાધનાએ તેમને પોતાનું કઠોર આત્મનિરીક્ષણ કરવા પ્રેર્યા. તેઓ લખે છે : “ઘરનો ત્યાગ કરી હું હિમાલય તરફ ચાલ્યો હતો. ભવિષ્ય મારી આગળ અજ્ઞાત હતું. મેં મારા વહાણનાં બધાં દોરડાં કાપી નાંખ્યાં હતાં. બધા સઢ ચડાવ્યા હતા. વહાણ ફરી મૂળ બંદરમાં પાછું આવશે એવી ધારણા તે વખતે ન હતી. એ વખતની મનોવૃત્તિનું વર્ણન કેમ થઈ શકે? હું બહારથી શાંત હતો, પણ અંદરથી જ્વાળામુખી ધૂંધવાતો હોય એવી સ્થિતિ હતી. હું ત્યાગ કરું છું એનું મને ભાન હતું. એ ભાન આધ્યાત્મિક ઉન્નતિને બાધક છે એ હું જાણતો હતો. છતાં તે જાય તેમ ન હતું. એટલામાં અંદરથી એક અવાજ આવ્યો – ‘ત્યાગ કરવો સહેલો છે, પણ કરેલા ત્યાગને લાયક બનવું એમાં જ પુરુષાર્થ છે.’ અહંકારને માટે આટલો સપાટો બસ હતો.” (પૃ. ૨૪, ૨૫) કાકાસાહેબનું આ આંતરદર્શન સ્વયં એક હૃદયસ્પર્શી ઘટના બની રહે છે. એ રીતે, લક્ષ્મણઝૂલાના પુલ પરથી પસાર થતાં આ આખુંય વિશ્વ પરમાત્માનો લીલામય આવિર્ભાવ છે એવી ઉત્કટતમ પ્રતીતિ તેમને થઈ છે, અને એ સમયનું તેમનું બયાન પણ એટલું જ હૃદયંગમ છે. દેવપ્રયાગમાં પક્ષીરાજ જોડેનું હૃદયમિલન પણ તેમને માટે એક એવો જ અલૌકિક અનુભવ બની રહ્યો છે. ટેકરી વિસ્તારમાં એકાકી ખેડુકન્યાનું મધુર ગીત તેમના હૃદયમાં અદ્‌ભુત અસર કરી જાય છે. વર્ડ્‌ઝવર્થની ‘ધ સોલિટરી રીપર’ની ભાવસૃષ્ટિ તેમના ચિત્તમાં વ્યાપી વળે છે. આ પ્રવાસકથામાં રજૂ થયેલા અનેક પ્રસંગો, ખરેખર તો, કાકાસાહેબના તીવ્રતમ અનુભવોની છાયા માત્ર છે એમ જ લાગે. તેમનું અતિ સંવેદનપટુ ચિત્ત હિમાલયના ભવ્ય દૃશ્યપટ વચ્ચે સતત તીવ્રતર ભાવોદ્રેક અનુભવી રહ્યું હશે એમ માનવાનું મન થાય છે.

*

આ પ્રવાસકથામાં કાકાસાહેબનું વ્યક્તિત્વ સર્વત્ર પ્રતિબિંબિત થતું રહ્યું છે. ‘શીલ તેવી શૈલી’ એ સૂત્ર કાકાસાહેબના આ ગ્રંથ માટે વધારે પ્રસ્તુત બની રહે છે. સ્મરણમાં સચવાયેલા અનુભવો, દૃશ્યો, પ્રસંગો, પાત્રો – એ સર્વનું આલેખન કરતાં જાણે કે આખો પ્રવાસ ફરીથી જીવ્યા હોય એવી તાજગી અને પ્રસન્નતા એમાં વરતાય છે. સાક્ષરત્વનો ક્યાંય કશો ભાર રાખ્યો નથી, એટલે જ પોતાનાં જ્ઞાન અને અનુભવના અપારવિધ સંસ્કારો અને સંવેદનો પોતાના લેખનમાં વધુ લીલયા ભળતાં રહ્યાં છે. બલકે, આવી કશીક હળવાશને લીધે વર્ણ્ય પદાર્થો અને પાત્રોને વધુ આત્મીયતા અને ઉષ્માથી આલેખી શક્યા છે. ઉત્તર ભારતનાં તીર્થધામોમાં અને હિમાલયનાં છૂટાંછવાયાં જનપદોમાં માનવીના દોષો અને નિર્બળતાઓ પણ જોઈ; ધર્મશાળાઓ, મંદિરો અને તીર્થોની વિરૂપ બાજુઓ પણ જોઈ; અને બાવાઓની ઊણપો પણ તેમના ધ્યાન બહાર રહી નથી. પણ એથી તેમની ઉદાર અને પ્રસન્ન ચેતના કંઈ વિમૂઢ બની જતી નથી. અલબત્ત, હર્ષશોકની લાગણીઓમાં તેઓ ભીંજાય પણ છે, પણ જનસામાન્યની ઊણપો અને નિર્બળતાઓને ઘણુંખરું પ્રેમ અને ઔદાર્યભાવે સહી લે છે. તેમની નિર્મળ, નિર્વ્યાજ અને નિર્દંશ હાસ્યવિનોદની વૃત્તિના મૂળમાં ઊંડી પ્રાસાદિકતા અને સંવાદિતા હોવાનું પ્રતીત થાય છે. નાગા બાવાઓની ઝઘડાવૃત્તિનો ઉલ્લેખ તેઓ મર્માળી ભાષામાં કરે છે : “નાગા બાવાઓ ચર્ચા ચલાવે ત્યારે ન્યાયશાસ્ત્રમાં નહીં બતાવેલાં એવાં બે પ્રમાણો – લાકડી અને ગાળો-નો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય.” (પૃ. ૬), મણિકર્ણિકાના ઘાટ પર ચક્રપુષ્કરિણીના કુંડમાં અત્યંત મેલા પાણીમાં સ્નાન કરતા યાત્રાળુઓને વિષે લખે છે : “મને થયું કે ઈશ્વર શરમનો માર્યો આ લોકોને નરકવાસમાંથી માફી આપતો હશે, કેમ કે આ કુંડમાં સ્નાન કરનારને સૂગ ચડે એવો કુંડ નરકમાં પણ ઈશ્વર ક્યાંથી લાવે?” (પૃ. ૧૦) વારાણસીના ધાર્મિક કર્મકાંડો અને એવી પ્રવૃત્તિઓના ઉલ્લેખમાં આળસુ ભૂદેવો પણ વ્યંગવિનોદનો વિષય બની જાય છે : “...કારીગરો ટાંકણાં મારી મારીને પથ્થરને દેવ બનાવે છે; અને કેટલાક ભૂદેવો અન્નક્ષેત્રમાં જમી આળસુ બેસી રહીને જીવતા પથ્થર બની જાય છે.” (પૃ. ૧૨) દેવપ્રયાગને માર્ગે થોડો સમય એક યાત્રાળુ દંપતી સાથે થાય છે. એક ચટ્ટીમાં મગરૂર પતિ પત્નીને મારે છે. એ પ્રસંગના સંદર્ભમાં કાકાસાહેબ આપણા બુદ્ધિજડ શાસ્ત્રીઓ વિષે મર્માળી ટીકા કરવાનું ચૂકતાં નથી : ‘કોઈ સનાતની શાસ્ત્રીને પૂછીએ તો આને માટે પણ એ શાસ્ત્રાધાર જરૂર કાઢી આપે. માણસ એ દેવોનો પશુ છે એમ ઉપનિષદ્‌માં લખ્યું છે. પતિ એ દેવ છે, એટલે પત્ની એનું ઢોર ખરી જ ને? ઉપનિષદ્‌કાલીન ઋષિ આ તર્કશાસ્ત્ર સાંભળશે ત્યારે પોતાના નિર્દોષ કાવ્ય માટે અસંખ્ય વાર પસ્તાશે.” (પૃ. ૧૦૮) દેવપ્રયાગમાં અલકનન્દા-ભાગીરથીના સંગમસ્થાને સ્નાનનો વિશેષ મહિમા છે. યાત્રાળુઓ વેગીલા પ્રવાહમાં તણાઈ ન જાય એ માટે કાંઠાના ખડકોમાં લોઢાની સાંકળો બેસાડેલી છે. એ જોઈને કાકાસાહેબની વિનોદવૃત્તિ તરત જાગી ઊઠે છે : “અહીં લોઢાની સાંકળો ખડકમાં બેસાડી છે, જેથી યાત્રાળુઓ ગંગામાં નાહીને સ્વર્ગના અધિકારી થાય, છતાં તરત સ્વર્ગે જાય નહીં...” (પૃ. ૧૧૩) કાકાસાહેબની હાસ્યવિનોદની આ વૃત્તિ અહીં વર્ણવાયેલા પ્રવાસના લગભગ બધા જ પ્રસંગોમાં એકસરખી ખીલી ઊઠતી દેખાશે. તેમની હાસ્યવૃત્તિ, અલબત્ત, વિભિન્નરૂપે છતી થાય છે; ક્યાંક શબ્દશ્લેષ દ્વારા, ક્યાંક વિલક્ષણ ઉપમાબોધ દ્વારા, ક્યાંક પ્રસંગમાં રહેલી વક્રતા દ્વારા, ક્યાંક માનવસ્વભાવની નિર્બળતાના ઉલ્લેખ દ્વારા. અનેક વાર પોતાને ભોગેય વિનોદ કરી લેવાનું તેઓ ચૂક્યા નથી.

*

‘હિમાલયનો પ્રવાસ’ના સાહિત્યિક પરિમાણનો વિચાર કરવા પ્રેરાઈએ, ત્યારે તેમની ગદ્યશૈલીની સમૃદ્ધિનો વિચાર પણ ઓછા મહત્ત્વનો નથી. એનાં વિભિન્ન પોત અને અભિવ્યક્તિની વિભિન્ન છટાઓનું બારીકાઈથી અવલોકન કરતાં એમ સમજાય છે કે વિવિધ જ્ઞાનવિજ્ઞાનના સંસ્કારો એમાં સંવાદી બનીને ઊતરી આવ્યા છે. અનાવિલ તાજગીભરી ગદ્યછટાઓમાં સંસ્કૃતના અસંખ્ય શબ્દો, શબ્દસમૂહો કે ઉક્તિઓ સહજ રીતે વિન્યાસ પામ્યાં છે. અભિવ્યક્તિમાં ઉચિત શબ્દની તેમને જાણે કે કદીયે ખોટ વરતાઈ નથી. પ્રકૃતિનાં દૃશ્યોનું વર્ણન હો, પ્રસંગનું કથનવર્ણન હો, કે ચિંતનમનનનું નિરૂપણ હો – તેમની શૈલી એકી સાથે લાઘવનું સામર્થ્ય અને ભાવનું સૌંદર્ય સિદ્ધ કરે છે. તેમના અલંકારપ્રયોગો એ રીતે ઘણા પ્રભાવક બની રહે છે. (૧) “પ્રેત થયેલો જીવાત્મા જેમ પોતાના મૃતદેહને અનેક મિશ્રિત ભાવથી જુએ તેમ – તેવા જ મિશ્રિત ભાવથી ગંગનાથ વિદ્યાલયનું મકાન વગેરે સઘળું મેં છેલ્લી વારનું જોઈ લીધું.” (પૃ. ૩) (૨) “ચકમકના પથ્થરના વાંકાચૂકા પાસા જેમ સુશોભિત દેખાય છે તે જ પ્રમાણે કાશીનાં ઘરોની વિશૃંખલ શોભા દૃષ્ટિને આકર્ષે છે.” (પૃ. ૧૦) (૩) “આંખો એ ગોખલા જેવી ઊંડી ઊતરી ગઈ હતી.” (પૃ. ૨૩) (૪) “ત્યાં તે નવજુવાન બેઠો ન હતો, ભારતવર્ષની સનાતન શ્રદ્ધા બેઠી હતી.” (પૃ ૨૩) (૫) “ગાડીમાં પ્રવેશ થાય ત્યાં સુધી ડાર્વિનના જીવનકલહના એકેએક સિદ્ધાંતની પુનરાવૃત્તિ થઈ જાય છે.” (પૃ. ૪૧) (૬) “...આસપાસનાં ઝાડ ઉપર વનસ્પતિનાં અસંખ્ય બાળક ફૂલ્યાં હતાં.” (પૃ. ૪૯) (૭) “જેટલું ચડ્યા એટલું જ ઊતરવું પડ્યું. રોમન લોકોને પોતાનું મહાસામ્રાજ્ય ગુમાવતાં પણ આટલું દુઃખ થયું નહીં હોય” (પૃ. ૫૫) (૮) “ઊંઘ એવી આવી કે જાણે નિર્વિકલ્પ સમાધિ.” (પૃ. ૫૯) (૯) “દીપદાન એ મુગ્ધ સ્ત્રીસંસારનું એક અનુપમ કાવ્ય છે.” (પૃ. ૯૩). (૧૦) “દેવપ્રયાગ પંચપ્રયાગમાં એક છે. જાણે પડાડી ખડક પર બાંધેલો પક્ષીઓનો માળો.” (પૃ. ૧૧૨) (૧૧) “આસપાસની વનશોભા તો ‘પ્રતિપર્વ રસાવહમ્‌’ એ ન્યાયે વધતી જ જતી હતી.” (પૃ. ૧૧૮) (૧૨) “નિર્મળ પાણીના ગેલથી તપોવૃદ્ધ અને મહાકાય પથરાઓ ધન્ય ધન્ય થતા હોય એવું લાગતું.” (પૃ. ૧૩૩) (૧૩) “શકુંતલાને જોઈને દુષ્યન્તને પણ ‘અનાવિદ્ધ રત્નમ્‌’નું સ્મરણ થયું હતુંઃ જમનોત્રીનું તીર્થસ્થાન કંઈક એવું જ ગણાય.” (પૃ. ૧૩૯) (૧૪) “ગંગોત્રીમાં ગંગામૈયાનું મંદિર કેટલું નાનકડું છે! જાણે કોઈ તપઃપૂત ઋષિની આદ્યપ્રેરણા અથવા ધર્મસ્ફુરણા!” (પૃ. ૧૫૧) —આ પ્રવાસકથાને એની ભાષાશૈલીના સ્તરેથી અવલોકીએ તેમ તેમ એમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદર્ભોની પ્રચુરતા ખુલ્લી થતી આવે છે. એ કારણે જ એ ગ્રંથ અપૂર્વ વિસ્મયોથી સતત આહ્‌લાદ જગાડવાની ક્ષમતા ધરાવે છે. યાત્રિક કાકાસાહેબની એમાં જે એક જ્ઞાન અને શીલમંડિત પ્રતિમા પ્રતિબિંબિત થાય છે તે પણ એટલી જ બલકે એથીયે વધુ આહ્‌લાદક વસ્તુ છે.

૦૦૦