પ્રત્યંચા/ગ્રીષ્મની બપોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગ્રીષ્મની બપોર

સુરેશ જોષી

બપોર,
નિસ્તબ્ધ અલસતા ચારે કોર.

શિરીષ ઊભાં ગન્ધવિભોર,
લીમડે લીમડે
મંજરીઓનો શોરબકોર!

અધબીડી દિશાની આંખ,
પંખીઓએ બીડી પાંખ;
ઘૂઘૂઘૂઘૂ ઘૂઘવે હોલો,
ખોલો, ખોલો, દ્વાર ખોલો.

તરુએ તરુએ
છાયાની ગુંથાતી ભાત –
કોના દિલની છાની વાત?
લહરે લહરે ઊના નિસાસા,
કોણે સાવ મૂકી છે આશા?
પુંસક તામ્ર દીસે અવકાશ,
કો’ પુંગવનો વીર્યપ્રકાશ?
કાચીંડો કાઢે ઉદ્ગાર:
તેજતણો આ શો વિસ્તાર?
ટચૂકડી કૂંપળની શિરાએ
આજ ગગનનો રસ છલકાયે.
કળીઓ કેરાં કૂમળાં વદન,
સૂરજનું એ કરે આચમન.
ઊંડા કૂવાનાં શીળાં નીર,
શાન્તિનાં ત્યાં ફરકે ચીર.

સોનેરી આ હરણું દોડે–
લંકાનગરી ફરી ભડભડે?