પ્રત્યંચા/પ્રાર્થના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાર્થના

સુરેશ જોષી

જાણું છું કે
કદી કદી શબ્દો મારા કપૂરની પેઠે
પ્રજ્વળીને ગન્ધરૂપે તારા ભણી વહે;
તો કદીક મન્દિરના કળશની પાસે
ધજા બની ફરફર ફરકવા ચાહે;
સૂર્યોન્મુખ કળી જેમ વળી ભોળપણે
તારા ભણી મીટ માંડી રહે;
કે કેવળ શ્રુતિસુખ કાજે
હળીભળી તારું નામ રચે –
રખે એથી ફુલાઈ તું
તારા અસ્તિત્વની ભ્રાન્તિ
સાચી માની રાચે.