પ્રત્યંચા/સૂર્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂર્યા

સુરેશ જોષી

ઘુવડની આંખોમાં ઘુંટાઈને
અન્ધકારનું ટપકું બનેલા સૂર્યનું
લાવ તને કાજળ આંજું;

મધ્યાહ્ને પોતાનો પડછાયો શોધતા
એકાકી સૂર્યની આંખમાં ઝમેલા બળબળતા મોતીની
લાવ તને નથ પહેરાવું;

આદિકાળના જળની નગ્નતાના સ્પર્શે
સૂર્યને થયેલા રોમાંચનું
લાવ તને પાનેતર પહેરાવું;

અન્ધકારના ઉદરમાં નહિ જન્મેલા
લાખ્ખો સૂર્યના અધીરા સિત્કારનાં
લાવ તને ઝાંઝર પહેરાવું;

સાંજ વેળાએ સૂર્યનો પરપોટો ફૂટી જતાં
મુક્ત થતી રક્ત શૂન્યતામાં
લાવ તને ઢબૂરી દઉં.