પ્રથમ પુરુષ એકવચન/અજાણી વાસ્તવિકતાના પન્થે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજાણી વાસ્તવિકતાના પન્થે

સુરેશ જોષી

રાતે સામેના લીમડા પરથી ગીધ કિકિયારી કરે છે તે સંભળાય છે, પાછળના ઘરના વાડામાંનો કૂતરો રાતે રહી રહીને રડે છે. જૂના સંસ્કારને વશ થઈને મન આ બધાંને અપશુકનરૂપે ઘટાવે છે. કશુંક અનિષ્ટ તો નહિ થાય ને? – આવી ભીતિથી મન ફફડી ઊઠે છે. મારી ઊંઘનું પોત જર્જરિત છે. એની આરપાર કોઈ વાર નજર પહોંચી જાય છે ને કશુંક જોઈને છળી મરે છે. જાગૃતિમાં આવ્યા પછી એ મને મારાં સ્થળસમયની બહાર બનેલી ઘટના લાગે છે, પણ ફ્રોઈડ મને ગભરાવી મૂકે છે : મારાથી અગોચરે મારામાં જ ક્યાંક એનાં ચિહ્નો રહી ગયાં હશે અને ભવિષ્યમાં એ કોઈક ને કોઈક રૂપે પ્રકટ થયા વિના નહિ રહે.

રાતે, પાસે જ ક્યાંકથી કોઈક બોલતું હોય એવો ભાસ થાય છે. પાછળની રામફળી જાણે મારો અવાજ ઉછીનો લઈને કશુંક બોલી રહી છે. શેરીના દીવાઓ ખોડાયેલા થાંભલાને છોડીને આગિયાની જેમ અહીંતહીં ઊડાઊડ કરે છે. સેવંતીની કળીઓ ખીલવાનો આછો અવાજ સંભળાય છે. ટાંકામાંનું પાણી આછા નિ:શ્વાસ નાખે છે તે પણ સંભળાય છે. ગોકળગાય ધીમે ધીમે જઈ રહી છે ને એની પાછળ એ ગતિની રેખા આંકતો રૂપેરી તાંતણો ચળક્યા કરે છે.

આ બધું જે અનુભવું છું, તેને મિથ્યા કહીને હું કાઢી નાખી શકતો નથી. એ પણ મને અજાણી એવી કશીક વાસ્તવિકતાના જ સંકેતો છે. પરિચિત વાસ્તવિકતાના ચોકઠામાં એને ગોઠવી દઈ શકાતા નથી તેને મિથ્યા કહી દઉં છું પણ એને એમ ટાળી શકાય નહિ. ઘણી વાર મેં લખેલી એકાદ પંક્તિનો કોઈ અર્થ પૂછે છે તો એકદમ કહી શકતો નથી, કારણ કે એમાં પેલી બીજી વાસ્તવિકતાના સંકેતો ભળી ગયેલા હોય છે. મને લાગે છે કે આપણી ચેતનાની વિસ્તૃતિમાં આપણે દખલગીરી ન કરીએ, એના પર બુદ્ધિના માપને નહિ લાદીએ તો ઘણી બધી બીજી વાસ્તવિકતાના સન્દર્ભો પ્રકટ થતા રહે. આથી અર્થની છીછરી સપાટીથી ઊંડે જે ચાલી જાય છે તે હંમેશાં સમજી શકાય એવો પોતાની પ્રવૃત્તિનો અહેવાલ આપી શકતા નથી. આ કારણે એ બધી ઇન્દ્રજાળ છે એમ કહીને એને કાઢી નાખી શકાય નહિ.

રોજ હું નકશામાં જોઈ જોઈને રસ્તે ચાલતો નથી. મારા જીવવાની એકધારી અને કંઈક અંશે ટેવરૂપ બની ગયેલી પ્રવૃત્તિ જે રેખાઓ આંકી દે તે મારી ભવિષ્યની ગતિનું પણ નિયન્ત્રણ કરે એવું બને તો ભૂતકાળ ભવિષ્યનો કબજો લઈ લે, પછી ભવિષ્ય જેવું કશું રહે જ નહિ. સર્જકને ભવિષ્ય ખોઈ બેસવાનું પરવડે નહિ. છતાં સ્વેચ્છાએ ભવિષ્યનો ભોગ આપીને પરિચિત, કોઠે પડી ગયેલા, ભૂતકાળને આશ્રયે જીવનારાઓને પણ મેં જોયા છે.

રાતે તન્દ્રામાં કે નિદ્રા-અનિદ્રા વચ્ચેની પાતળી સીમામાં જે કાંઈ બને છે કે દેખાય છે તે નર્યું કપોલકલ્પિત કે નિર્મૂળ તો હોતું જ નથી. અત્યારે લીમડાની ડાળીને પવનમાં હાલતી જોઉં છું કે દૂરથી કોઈ બેત્રણ જણ વચ્ચે ચાલતા વાર્તાલાપના અવાજોને સાંભળું છું કે પુસ્તક વાંચતાં એકાદ શબ્દ મને થંભાવીને સ્મૃતિના ભમ્મરિયા કૂવામાં ઊંડે ઉતારી દે છે ત્યારે તે જ ક્ષણથી ચિત્તના નેપથ્યમાં આ બધું નવાં નવાં રૂપ પામવા માંડે છે તેની મને ખબર નથી હોતી એટલું જ.

આથી જ તો શબ્દ આગળ હું ઘડીભર ઊભો રહી જાઉં છું. કોઈક વાર પૂરી નીરવતા સ્થપાઈ હોય છે તો એ શબ્દના જુદા જ રણકાર કાને પડે છે. એને મને પરિચિત અર્થની સીમામાં પૂરી રાખવાનો કશો અર્થ નથી. આમ ભાષાની પણ જુદી જુદી ઘણી ગતિઓ હોય છે. એ બધીની જ સમજૂતી ‘કાવ્યપ્રકાશ’ કે ‘ધ્વન્યાલોક’માંથી મળી રહે એ શક્ય નથી. પરિચિત વાસ્તવિકતાની ભોંય પર જ ચાલવા શીખેલું મન રાત્રિની નિ:સ્તબ્ધતામાં વાસ્તવિકતાના સ્તર પછી સ્તર ઊઘડી આવતા જુએ છે ત્યારે અને દુ:સ્વપ્નની વિભીષિકારૂપે ઘટાવીને આંખો બીજી દિશામાં ફેરવી લે છે. આમ દૃષ્ટિ વાળી લેવાને કારણે આપણે ભાષાને પણ પરિચિતતાની સીમામાં પાછી વાળી લીધી એવો જે આપણને ભાસ થાય છે તે તો કેવળ સલામતીની ઇચ્છાથી ઊભો કરેલો ભ્રમ માત્ર છે. વાસ્તવમાં તો આપણાથી અકળ રીતે આપણા શબ્દો એની ગતિ ચાલુ રાખતા જ હોય છે. એવા, અગોચરમાં ભ્રમણ કરી આવેલા શબ્દો આપણી સાવધાનીમાં છિદ્ર પાડીને આપણી એકાદ પંક્તિમાં પ્રવેશી જાય છે ત્યારે એને આપણે પણ આશ્ચર્યવત્ જોઈ રહીએ છીએ. જે કવિને પોતાની રચના પરિચિત લાગે, એમાં ક્યાંય આમ આશ્ચર્યથી ઊભા રહી જવાનાં સ્થાન આવે જ નહિ, તેણે કેવળ ધોળા દહાડાની વાસ્તવિકતાને દસ્તખત લખી આપ્યું છે એમ સમજવું.

રાતે પાસેનાં વૃક્ષોને હું સાંભળું છું. પ્રકાશનું ધાવણ છોડાવીને પાંદડાંને ઊંચે વધવા માટેનો આદેશ ત્યારે અપાતો હોય છે. શાખાઓના ઉચ્છ્વાસ મને સંભળાય છે ત્યારે અભ્યાસકાળ દરમિયાન, ઋગ્વેદની ઋચાનો પહેલવહેલો પરિચય થયો હતો ત્યારે કાને જે ઉચ્છ્વાસ પડેલો તે યાદ આવે છે. આથી જ તો ભાષાથી તરત સન્તોષાઈ જવાનું જોખમ હું ખેડતો નથી. ટાંકામાંના અવરુદ્ધ જળનો નિ:શ્વાસ, પ્રકાશની સેર ઝીલવાનો અવાજ, અંધારી રાતે વૃક્ષો વૃક્ષો વચ્ચે અડબડિયાં ખાતા પવનનો અવાજ – આ બધું શબ્દોએ આત્મસાત્ કર્યું નહીં હોય તો મારી વાસ્તવિકતાને એ શી રીતે પ્રગટ કરવાના હતા?

બાળપણમાં જે ખોડીબારું જોઈને પાછા વળેલા, રાત ઢળતાં ભયનાં માર્યા કિલ્લાની એ રેખાઓનો નકશો મનમાં સંઘરીને પોઢી ગયેલા, કૂવાની અંદરના ગોખલામાંના કાબરના ઈંડાને બહાર કાઢવાની ઇચ્છા અધૂરી રાખેલી – તે બધું હવે મારા શબ્દોને ત્યાં મોકલીને પૂરું કરવું જ પડશે. આથી જ તો શબ્દો શિશુના ભાષાહીન જગત સુધી જઈ પહોંચવાનું ગજું ધરાવતા હોવા જોઈએ.

સાંજ ઢળે છે પછી ભાષાની એક પ્રબળ ધારા મારાથી છટકીને ક્યાંક દૂર વહી જતી હોય છે. હું એને ખાળવા ઇચ્છું છું. પણ બધું જ તો બચાવી લઈ શકાતું નથી. મારાથી દૂર ચાલી ગયેલી ભાષા જે રિક્તતા મૂકી જાય છે તેનું મને સદા ઉગ્ર ભાન થતું રહે એમ હું ઉત્કટપણે ઇચ્છું છું. એની આશા મેં છોડી દીધી નથી. આથી જ તો શબ્દોમાંથી, એ ચાલી ગયેલા શબ્દોને પાછા બોલાવવાનો રણકો નીકળવો જોઈએ. આપણા જ બે શબ્દો એકબીજા જોડે અબોલા લે તો કેમ ચાલે?

11-12-81