પ્રથમ પુરુષ એકવચન/અનધ્યાયના દિવસો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનધ્યાયના દિવસો

સુરેશ જોષી

ભગવાને તો ગીતામાં કહેલું કે બધા મહિનામાં હું માર્ગશીર્ષ છું. પણ આ વખતનો તો અવસર બગડ્યો. મારું શરીર તો વીફરવા માંડેલું જ હતું. પણ એ તો એનો સ્વભાવ થઈ પડ્યો છે એમ માનીને હું ગણકારતો નહોતો. પણ પછી તો હવામાને પોતાનું પોત પ્રકાશ્યું. તેજ ઓસરી ગયું. ઉષ્મા ઓસરી ગઈ. દિવસનું મુખ મ્લાન થઈ ગયું. આકાશ વાદળથી છવાઈ ગયું. પણ મોર ટહુક્યા નહિ. કોઈએ તૃષાર્ત દૃષ્ટિએ આકાશભણી જોયું નહિ. ભૂતકાળનો મિત્ર સૂર્ય મોઢું ફેરવી બેઠો.

મારે તો છેલ્લા ત્રણેક મહિનાથી અનધ્યાય જ ચાલે છે. વ્યાધિના અસુખને કારણે મનમાં વિચારના તન્તુઓને વળ ચઢતો જ નથી. યોગની કોઈ સાધના કરી હોય તો શરીરની પીડાથી નિલિર્પ્ત રહીને ચિત્તને ઉદાત્ત વિષયોમાં પ્રવૃત્ત કર્યું હોત. પણ આવી સાધના તો થઈ શકી નથી. જે કરી શક્યો છું તે વિશે કશો હિસાબ માંડવાની વૃત્તિ નથી. જે મારે કરવું જોઈએ તે ઘણા મિત્રો ચીંધી બતાવે છે, પણ મારી ચેતનાને જે પુષ્ટ કરે છે તે તરફ જ હું સ્વાભાવિક રીતે જ વળ્યો છું. સહુ મિત્રોનું પણ સમારાધન તો માનવજન્મમાં શક્ય જ નથી જ તે જાણું છું. વળી કોઈની અપેક્ષાને વશ વર્તવાનું ઝાઝું ફાવ્યું નથી. આથી ઘણી વાર તો કોઈ અજાણ્યા કવિની ચાર પંક્તિથી પૂરી તૃષ્ટિ અનુભવીને દિવસ ખૂબ આનન્દમાં ગાળું છું. કોઈ વાર સંગીત સાંભળતો જ બેસી રહું છું. એક વાતનો સન્તોષ છે કે મન હવે અનુશોચ કરતું નથી, વગર કારણે વંકાઈને બેસતું નથી.

તો આખરે વરસાદ તો પડ્યો જ. મને ચિન્તા થઈ કે દૈયડને કદાચ ખોટી ઋતુમાં આવી ચઢવાની ભ્રાન્તિ થશે ને એ ચાલી જશે તો? હમણાં થોડા દિવસથી એનું સંગીત સંભળાતું નથી. આ અકાળ વર્ષાએ એકાએક મને ગીતાના પેલા શ્લોકે ‘યા નિશા સર્વ ભૂતાનામ્ તેષાં જાગૃતિ સંયમી’વાળો સંયમી બનાવી દીધો. હું મારા શ્વાસની કુટિલ ગતિને જોતો રાતભર બેસી રહું. શ્વાસને ટુકડે ટુકડે થઈને વેરાઈ જતો જોઉં, દર્પણમાં ગળાની નસોને ફૂલેલી જોઉં, મારી આંખોમાં ક્લેશ વાંચીને હું મનમાં હસું. હું આમ તો ફરંદો આદમી. પણ હવે આ વ્યાધિ સાથેના એકાન્તમાં વ્યસનને કારણે ધીમે ધીમે ફરવાનું છોડી બેસતો જાઉં છું.

હાડ સુધી ઠંડી પેસી ગઈ છે. રજાઈની હૂંફ છોડાવીને વ્યાધિ લાત મારીને જાણે સફાળો રાતે કેટલીય વાર બેઠો કરી દે છે. એ દરમિયાન થોડીક ક્ષણો નિદ્રાની આવી ચઢે છે. નહિ તો આ ક્ષણોનું આટલું મૂલ્ય વધી ગયું ન હોત. જાગૃતિના વિશાળ સાગરમાં નિદ્રાના બે ચાર ટાપુ જ માત્ર રહી ગયા છે. આને કારણે દિવસના ઊગવાનું કે આથમવાનું મારે મન ઝાઝું મહત્ત્વ રહ્યું નથી. હું આ નિમિત્તે જ મારી ચેતનાને સંકોર્યા કરું છું. અનિન્દ્રાની આ ક્ષણોમાં પ્રૂસ્ત, કાફકા મારી પાસે આવીને બેસે છે. નર્યા આરોગ્યના દિવસોમાં એ લેખકોને વાંચેલા. ત્યારે એમની અનિન્દ્રાનું મને કંઈક રોમેન્ટિક આકર્ષણ થયેલું. આજે અનિન્દ્રાનો મર્મ સમજતો થયો છું ત્યારે એ બે સર્જકો સાથેની મૈત્રી ઘનિષ્ઠ બની છે.

કાફકાની એક છબિ મારા મનમાં ખડી થાય છે! એના પેટમાં પીડા છે. કોઈ મિત્રને એની ખબર નથી. ખબર હોય તોય શું? આપણી સહાનુભૂતિમાં થોડી વાર એઓ દુ:ખી હોવાનો ઢોંગ કરે પછી તરત પોતાના સુખની આંગળી ઝાલીને, આપણી સાવ પાસે જ બેઠા હોય તે છતાં, દૂર દૂર ચાલી જાય. કાફકા મિત્રો સાથે કોફી હાઉસમાં છે. એક મિત્ર કવિતા વાંચે છે. ઘડીભર તો આ પીડાને કારણે રાત કેવી જશે તેની દુશ્ચિન્તા કાફકા ભૂલી જાય છે. પછી બહાર મિત્રો સાથે નીકળીને ફરવા માંડે છે. વળી ભવિષ્યની ચિંતા એને પજવવા માંડે છે. ‘આ ભંગારના ઢગલામાંથી વીણી આણેલા શરીરને લઈને હું આખી જંદિગી કેમ ગાળી શકીશ?’ એવો એને પ્રશ્ન થાય છે. મનમાં કેટલાય અનિષ્ટ વિચારો ધસી આવે છે. એને ઉદ્દેશીને કાફકા કહે છે, ‘આ તક જોઈને જ તમે મારા મનમાં ધસી આવો છો. તમે એની રાહ જોઈને બેસી રહ્યા હતા તે હું જાણું છું. પણ હું જરા સબળો હોઉં ત્યારે આવી તો જોજો. મારી આવી સ્થિતિનો ગેરલાભ ઊઠાવશો નહિ.’ આવા સમ્બોધનથી દુષ્ટ વિચારો ભાગી ગયા. નાટક-સિનેમા છૂટ્યા. ચાલી જતી મોટરના પેટ્રોલની વાસ આવી. એને કારણે કાફકાની નજર આગળ સુખી કુટુમ્બજીવનનું એક દૃશ્ય તાદૃશ થઈ ઊઠ્યું. હૂંફાળી પથારી, હાસ્યના કલરવભર્યો વાર્તાલાપ અને પાસે મીણબત્તીની સ્થિર જ્યોતિ.

મારા શરીરની પીડાના આ દિવસોમાં રખેને કોઈ મારી દયા ખાય એ બીકે મારી પીડાનો પડછાયો મેં મોઢા પર ફરકવા દીધો નથી. ફિલસૂફીની જટિલ સમસ્યાઓની વાતો કર્યે રાખી છે, વિવેચનના પ્રકારો અને એ બધાંની મર્યાદાઓ વિશે વ્યાખ્યાનો ચાલુ રાખ્યાં છે. રિલ્કેની શોકપ્રશસ્તિઓની આનન્દથી મીમાંસા કરી છે. એની મુક્ત અવકાશ વિશેની જીવનદૃષ્ટિને પુલકિત થઈને સમજાવી છે. પણ આ બધા વખત દરમિયાન ક્યારેક ક્યારેક મન પાછું પડતું, બધો આનન્દ ઊડી જતો. આ આખો પરિશ્રમ નિરર્થક લાગવા માંડતો. મોઢામાં વિરતિનો સ્વાદ આવતો. જીવન નર્યું નિરર્થક લાગતું. માનવીની સહાનુભૂતિની સીમાઓ ભારે સાંકડી લાગતી. જીવ રૂંધાતો. આ ખોળિયું ફગાવી દેવાનું મન થતું. હું ચૈત્રવૈશાખના દિવસોની રાહ જોતો. ગ્રીષ્મની એ સાંજે લીમડાની મંજરીની મધુર સુવાસ શીતળતાભર્યું સુખ આણી દે, મારા શ્વાસ મુક્ત બનીને વિહરી શકે, પણ એ વૈશાખપૂર્ણ શીતળ રાત્રિના પ્રહરો હજી તો દૂર છે તે જાણું છું. અત્યારે તો આંખના ઊંડાણમાં વેદનાની કણી ખૂંચે છે. હોઠ પર વેદનાનો સ્વાદ છે, મનમાં એક શબ્દ ઘડાય છે. એને ઉકેલું છું! એનો વેદના સિવાય બીજો કશો અર્થ નથી થતો તે જાણીને એ શબ્દને ભાંગી નાંખું છું. અત્યારે તો આંખની પાંપણો પલકીપલકીને કેવળ વેદનાના ધબકારાને ગણે છે. અર્ધું રચાયેલું આંસુ જેને પ્રતિબિમ્બિત કરે છે તેનું નામ હું અહીં પાડતો નથી.

પણ મેં આ દિવસોને નકામા નથી લેખ્યા. મારી વેદનાની સંકીર્ણતામાં રહીને મેં સુખીઓના સુખને એક જુદી જ દૃષ્ટિએ જોયું છે. આ વેદનાના રાહ વચ્ચે નિદ્રાની થોડી ક્ષણો, સુખની થોડીક શીતળતા, કોઈકના બે સારા શબ્દો – આ બધું ખૂબ ખૂબ ગમ્યું છે. મનમાં એક અહંકાર પણ રહ્યો છે. હું હાર્યો નથી, ટકી રહ્યો છું. જીવનનો અન્ત આવી રહ્યો છે તે જોઈ ચૂકેલાની જીવનલિપ્સાને મેં જોઈ છે. કેન્સરથી મરણોન્મુખ એક વડીલ કેવી તૃપ્તિથી બીડી પીતા તે મેં જોયું છે. મને લાગે છે કે મરણ પોતે જ આપણને એના ભયમાંથી મુક્ત કરવાની શક્તિ ધરાવે છે. ઘણા એનાથી થથરીને બારીબારણાં બંધ કરીને ભરાઈ રહે એમાંનો હું નથી. મારે તો દૃષ્ટિ સામે અવિરત આકાશ જોઈએ, ફૂટતી કૂંપળ જોઈએ, ખીલતી કળી જોઈએ, દરજીડાના દરેક ટહુકે નાચતી પૂંછડી જોવાની ઇચ્છા થાય. હું જોવાને જ આધારે જીવનારો માણસ. જીવવાનો ઝબકારો જ મારી આંખમાં. અનિદ્રાની પળોમાં મને અન્ધકારની પણ માયા થઈ ગઈ છે. આથી જ તો ધોળે દિવસે કોઈની આંખમાં અન્ધકાર જોઈને હું હવે હેબતાઈ જતો નથી.

રાતે હાડ ઠારી દે એવો પવન બહાર સૂસવાય છે. બારીબારણાંઓ ખખડે છે. બારી પાસેના ચમ્પાનાં બધાં પાંદડાં ખરી પડ્યાં છે, પણ એના પર ફૂલના ગુચ્છાઓ છે. હવાનો પટ ક્યાંય તરડાયા વિના વિસ્તરતો લાગે છે. બહાર હવાના એક્કે એક ધક્કાથી આસોપાલવ હાલ્યા કરે છે. એની પર્ણઘટામાં લપાયેલા પંખીના ધબકારા મારા સુધી વિસ્તરતા રહે છે. ઘરમાં ક્યાંક આટલી ઠંડીમાં પણ પાણીનું એક ટીપું માળાના એક એક મણકાની જેમ કશાકનું રટણ કરતું, ટપક્યા કરે છે. કોઈ વાર એની સાથે મારો લય ભળી જાય છે ત્યારે અનિદ્રા કઠતી નથી.

આવી મારી અનિદ્રાભરી રાતે જ પાસે સૂતેલાંઓની નિદ્રાનો પ્રશસ્ત પટ ચાસ પાડેલાં ખેતરો જેવો મારી ચારે બાજુ વિસ્તરેલો દેખાય છે. હું એ વિશાળ પટ પર વિહાર કરવા નીકળી પડું છું. ક્યાંક થોડા ઢોળાવ પણ આવે છે. તન્દ્રાની છીછરી સપાટી વચ્ચે વચ્ચે આવી જાય છે. ક્યાંક દુ:સ્વપ્નની ઠોકર વાગે છે. પણ વળી પાછા ઘેરી નિદ્રાનાં ઊંડાણોમાં સરી જવાનું સુખ તો ખરે જ અદ્ભુત હોય છે. ભૂતકાળના સ્તોત્રકાર જેવી કવિત્વશક્તિ મને મળે તો હું ખરે જ નિદ્રાનું મહિમ્નસ્તોત્ર રચું.

રાતે આછીપાતળી નિદ્રાના કાચા તાંતણામાં ઝાંખા થઈને કજળી જવા આવેલા સૂર્યોને પરોવ્યા કરું છું. વૃક્ષોની પ્રસરેલી શાખાઓની ભૂમિતિને ઉકેલવાનો પ્રયત્ન કરું છું. બહાર નિશાચર પંખીની પાંખથી તરડાયેલી હવાનું હીબકું મારા સુધી વહી આવે છે. આ બધો ભાષાનો પ્રદેશ નથી. છતાં સવારે શબ્દનો થર બાઝી ગયેલો જોઉં છું. ધીમે ધીમે સૂર્યમાં એ બધું ઓગળી જાય છે ને નવા દિવસે હું નરવી નિ:શબ્દતા સાથે આંખો ખોલું છું.

ઘણી વાર પવન સાવ થંભી જાય છે. આકાશમાં એક્કેય વાદળની છાયા સરખી રહેતી નથી. આકાશની નીલિમાને જાણે અનાયાસ સ્પર્શી શકાય છે. વંડી પર જડેલા કાચના રંગીન ટુકડાઓમાં જુદે જુદે રૂપે પ્રકાશે છે. જમીનની ફાટમાંથી ઉપર આવતી રાતી કીડીઓનો અવાજ સુધ્ધાં સાંભળી શકાય છે. સૂર્યમુખી અને સૂર્યનો વિશ્રમ્ભાલાપ પણ કાન માંડીએ તો સ્પષ્ટ સાંભળી શકાય છે. એવે વખતે જ હૃદયના ધબકારા એક બે વાત એવી કહી દે છે કે એકાએક હું ફરીથી અધીર બની ઊઠું છું.

મંડળી વચ્ચે બેઠા હોઈએ છીએ, વાતનો તન્તુ પાતળો પડતો જતો લાગે છે. હમણાં તૂટશે, હમણાં તૂટશે એવું લાગવા માંડે છે. થોડી વાર સુધી તો એને આધાર આપવાનો પ્રયત્ન કરું છું. પણ પછી વાત એકદમ થંભી જાય છે. આંખોનો આછો ધીમો પલકારો જ માત્ર થોડું થોડું કહ્યા કરે છે. અહીં પાસે જ ક્યાંક મારી વાચાળતાને કારણે થયેલો ઢગલો હશે. પણ એને શોધવા જેટલીય સક્રિયતા બચી નથી. બસ, પછી પાછા સહુ પોતપોતાના નિ:શબ્દ એકાન્તમાં ચાલ્યા જાય છે.

આખી રાત પાનખર પાંદડીઓને ભક્ષ્યે જાય છે તેનો અવાજ સંભળાયા કરે છે. આમ તો છે શુક્રવાર પણ દર્પણમાં રવિવારનો તડકો દેખાય છે. પુસ્તકો પર રવિવારનો દાબ છે. સવારે સમય પડતો આખડતો ચાલે છે. શિશુની જેમ એની આંગળી ઝાલીને ચલાવવો પડે છે. હજુ આંખમાં રહી ગયેલાં થોડાં સ્વપ્નો નિદ્રાની દિશા ચીંધ્યા કરે છે. સમ્ભવ છે કે થોડી નિદ્રાનો પટ વણબોટ્યો રહી ગયો હોય. પણ હવે તડકાએ આવીને મને ઝાલી લીધો છે.

કોઈક વાર ધીરજ ખૂટી જાય છે. મને લાગે છે કે કીડીની હારની જેમ ધીમા ધીમા ચાલતા આ શબ્દોને હવે તો પાંખ ફૂટવી જોઈએ. સામે પડ્યા રહેલા પથ્થરોએ એદીપણું છોડીને ફૂલની જેમ ખીલવાનું શીખી લેવું જોઈએ. પવને પોતાની સ્વગતોક્તિ બદલીને સંવાદનો પ્રયત્ન કરવો જોઈએ. આકાશે બધું ઢાંકી દેવાનો પોતાનો સ્વભાવ છોડવો જોઈએ. તારાઓએ લખોટી થઈ જઈને શિશુનાં ચંચળ ટેરવાંઓનો સ્પર્શ માણવો જોઈએ.

પણ આમાંનું કશું હજી થતું નથી. હું તો એટલું માત્ર ઇચ્છું છું કે સમય સમય હોવાનું ગૌરવ જાળવતાં શીખે તો ઘણું. પણ એ બધી ચિન્તા જે જગન્નિયન્તા છે તેની છે. એ મને સગોત્ર ગણે છે કે નહિ તેની પણ મને ખબર નથી, તો પછી હું શા માટે આ બધી ચિન્તા વહોરી લઉં? પણ ડહાપણ સાચવવા જેટલી જગ્યા જ મારી પાસે ક્યાં બચી છે? ઉત્તરમાંથી વાતો પવન ફૂલની ને પાંદડાંની ડોક મરડી નાખે છે ત્યારે મને મારી જ સલામતીની ચિન્તા કરવાનું છાજતું નથી તે જાણું છું ને તે છતાં –

5-1-81