પ્રથમ પુરુષ એકવચન/આવરણની માયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આવરણની માયા

સુરેશ જોષી

શરીરને શાપ દેતો હું ઘરમાં બેસી રહું છું. હવે મને લાગે છે કે શરીર મારું કારાગાર છે. ડુંગરીની ટોચ પર કોણ વહેલું પહોંચે તેની હરીફાઈમાં આ જ શરીરે ભાગ નહોતો લીધો? એક ઝાડથી બીજા ઝાડ પર કૂદીને આંબલીપીપળી હું જ શું નહોતો રમ્યો? આજે તો ઉપર ઓફિસમાં મારો ફોન આવે છે તો આ શરીરને ઢસડીને જવાનો કંટાળો આવે છે.

આમ છતાં મારી ભ્રમણરમણા એવી ને એવી જ છે. જનકલ્યાણની કોઈ જાહેર પ્રવૃત્તિમાં હું સીધી રીતે સંકળાયેલો નથી. સમિતિઓ અને વરિષ્ઠ મણ્ડળોથી હું દૂર ભાગું છું. મારું વ્યક્તિત્વ કોઈને ખૂંચે એ રીતે આગળ કરવામાં મને રસ નથી. હા, હું જાણ્યે-અજાણ્યે મારા વિશે ઘણી ગેરસમજ ઊભી કરું છું. પણ આ વિશ્વ વિનાશ ભણી ધસી રહ્યું હોય તો તેને ઉગારવાની મારી પાસે કોઈ યોજના નથી. આ પછીના બીજા જન્મ વિશે કલ્પના કરવાનો કે વિના કારણે ભયભીત થવાનો મને શોખ નથી. રાજકારણની ગૂંચ કેમ ઉકેલવી, યુવાન સ્ત્રી-પુરુષોના જાતીય સમ્બન્ધોની સમસ્યાઓનું શું કરવું, સમાજના ‘સળગતા’ પ્રશ્નો વિશે શા જલદ ઉપાયો અજમાવવા તે હું જાણતો નથી. હું માનવીઓ કરતાં પુષ્પોને અને પંખીઓને વધારે ઓળખું છું. સભામાં કોઈ ભાષણ કરવાનું કહે તો બોલવાને બદલે શ્રોતાઓના હાથમાં એકેક ફૂલ આપી દઈને એમને એ ફૂલનું ધ્યાન ધરવાનું કહેવાનું મને ગમે.

સાચી વાત એ છે કે મારા નામથી હું અજાણ્યો થતો જાઉં છું. આથી કોઈક કશુંક મારે વિશે ઘસાતું લખે ત્યારે પહેલાં જે રોષ થતો તે થતો નથી. મને એવી લાગણી થાય છે કે એઓ કોઈ બીજી જ વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે. ઘરની અને કુટુમ્બની જવાબદારી ઉપાડવાનોય ઉત્સાહ રહ્યો નથી. એ અર્થમાં હું સાચો મુમુક્ષુ કહેવાઉં.

કોઈ વાર હું બાળકરૂપે એકાએક જીવતો થઈ જાઉં છું. પવનને કાન દઈને સાંભળું છું. માતા વિનાના બાળપણના દિવસોમાં ઓળખીને ન સમજી શકાય એવા એકલવાયાપણાને હું બેઠો બેઠો પવનની વાતો સાંભળતો જીરવી લેતો. આજે કદાચ એ પવનની ભાષા ઉકેલવાનો પ્રયત્ન કરું ત્યારે ઝરણું વહેતાં-વહેતાં જે પથ્થરની ચારે બાજુ વહાલ કરીને એને કેવો ગોળમટોળ અને લિસ્સો બનાવી દેતું તે એ શાલિગ્રામને આંગળીનાં ટેરવાં વચ્ચે ફેરવી ફેરવીને કુતૂહલથી ઓળખવા મથું છું. બાજુમાં જ ઉમરાના ઝાડ પર ફળ પાક્યાં હોય. ખાનારાંમાં પંખી અને હું. ત્યારે તો એ જ મારે મન અંજીર. કોઈ વાર મનમાં એવું થાય કે મારી આંગળીનાં ટેરવાંના સ્પર્શથી આવું કશું સુડોળ રચી શકાશે ખરું? આજે પવન કાનમાં કહે છે, ‘અરે, એથી નિરાશ થવાની જરૂર શી છે? ઈશાવાસ્યમિદં સર્વમ્ – ‘અહીં તો બધું જ ઈશ્વરના આવાસરૂપ છે.’ અહીં મારે શેની ચિન્તા? અહીં મારું છે શું? પણ આવો ધૂર્ત વૈરાગ્ય બાળપણની નિર્દોષતાની નીપજ તો નહિ જ હોઈ શકે ને!

મને ખૂબ કૃતજ્ઞતાની લાગણી હંમેશાં થતી હોય છે. મારે નિમિત્તે કોઈ કદર્ય રોષને પોતાનામાંથી બહાર ઠાલવી નાખીને અકલુષિત બને, મારી અકિંચિત્કરતા કોઈને ખોટી ઈર્ષ્યાથી બચાવી લેતી હોય, મારી કેળવેલી બાઘાઈ કોઈના આત્મવિશ્વાસને દૃઢ કરતી હોય તો હું એ બધાંનો જ કૃતજ્ઞ છું. એમાં મારે કોઈ બહુ મોટો ત્યાગ કરી દેવાનો નથી હોતો. મને મારું વળગણ છૂટે એવો જ જો ભગવાનનો શુભ આશય હોય તો એમાં અન્તરાયરૂપ થનાર હું કોણ?

આમ છતાં હું મને બડભાગી માનું છું. કશુંક રક્ષણ મને હંમેશાં મળતું જ રહ્યું છે. કહે છે કે ચન્દ્રલોકમાં તમે કોઈ ગ્રહના સીધા પ્રકાશ નીચે આવો તો લોહી એના તાપથી ઊકળવા માંડે. આપણે તો સૂર્યની આટલી પ્રખરતા છતાં સુરક્ષિત છીએ. કારણ કે પૃથ્વીની આજુબાજુ રહેલું વાતાવરણ જ આપણું રક્ષણ કરે છે. સૂર્યમાંથી વિચ્છુરિત થતી ઉષ્ણતા મને ભસ્મીભૂત કરી નાખે, પણ હું સુરક્ષિત નિશ્ચિત બનીને જીવું. તેમ જીવનમાં સારી ત્રુટિઓ, ઊણપો અને દોષો આમ તો મને નહિવત્ જ કરી નાખે, પણ અણજાણપણે જેઓ મારું રક્ષણ કરે છે તેમનો હું ઋણી છું.

એપ્રિલની આ કંઈક ધૂસર સવારે બારીના કાચ પર થયેલા વિષાદના આછા પ્રલેપમાંથી ઝાંખીને મેં જગતને જોયું તોય મને તો એ સુન્દર લાગ્યું. આવરણ એ જ શ્રેષ્ઠ મણ્ડન નથી? આવરણની માયા જ સત્યના નિષ્ઠુર પ્રકાશથી આપણને બચાવી લે છે. મેદાનમાંની શંખપુષ્પી ઝાકળનાં મોતીથી શોભે છે. સદ્યસ્નાત શિરીષ તાજગી વિખેરે છે. શંખપુષ્પીના ખભા પર તોળાઈ રહેલા આકાશને હું આશ્ચર્યથી જોઉં છું.

કોઈ વાર વિષાદ એટલો ઊંડે ઊતરી જાય છે કે એને ઊંચકીને બહાર કાઢવા માટે હિમાલયના ખભાની જ જરૂર પડે! ત્યારે પતંગિયાંનો ઢગલો હોય એવા મુલાયમ માણસોને જોઈને હું સાન્ત્વન મેળવું છું. સ્વપ્નોમાં હું ઘણી વાર મને આકાશગામી ગતિ કરતો જોઉં છું. ફ્રોઇડ તો એમ જ કહે કે આ અતૃપ્ત મહત્ત્વાકાંક્ષાનું પરિણામ છે. એક રીતે આ ઊર્ધ્વગામી વૃત્તિ આધ્યાત્મિકતાની દ્યોતક પણ ન હોઈ શકે? કે પછી એ ભાગેડુપણાનું જ ચિહ્ન હશે? ન જાને! પણ હું તો પેલા અથર્વવેદના કવિની જેમ કહું છું : માતા ભૂમિ, પુત્રોઅહં પૃથિવ્યા! દ્યૌમણ્ડળના દેવો સાથે મારે ઝાઝો સમ્બન્ધ નથી. ઈશ્વરને હું નીલામ્બર શૂન્યમાં શોધતો નથી. પૃથ્વી જ મારો આધાર છે, આકાશનું છત્ર મેં શોધ્યું નથી. ક્યાંકથી એકાદ પવનની લહરી મને સ્પર્શી જાય છે. એ કેવળ પવનની લહરી નથી, એ તો ભૂતકાળનો આખો પત્ર છે. ત્યારની વાણી એમાં રણકી ઊઠે છે. આંગણામાંનો હીંચકો, એની પાસેનો લીમડો, બહેડાનું ઝાડ, થોડે દૂરનો હજારી મોગરો આ બધાંએ એ પત્રમાં દસ્તખત કર્યા છે. હવે થોડા દિવસ એ વાણી સાંભળ્યા કરીશ.

2-4-78