પ્રથમ પુરુષ એકવચન/જૂનું ઘર છોડતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જૂનું ઘર છોડતાં

સુરેશ જોષી

છેલ્લા થોડાક દિવસથી થોડાં થોડાં વાદળ થાય છે. મારું મન પણ કાંઈક ખિન્ન છે. સ્મૃતિપરાયણ થઈને જ જાણે આ દિવસોમાં જીવું છું. ત્રીસ વર્ષમાં આ મારું મન અહીં ક્યાં ક્યાં ફણગાઈ ઊઠ્યું છે ને ફાલ્યું છે! આ લીમડાઓ સાથે એણે ઘટા વિસ્તારી છે. આ આસોપાલવ જોડે એણે બુલબુલના ટહુકા સાંભળ્યા છે, આ ચમ્પા જોડે એ મહેંકી ઊઠ્યું છે, હજી તો ગઈ સાલ સુધી જૂઈ છેક કાન પાસે આવીને જનાન્તિકે સુગન્ધના બે શબ્દ બોલી જતી હતી, તે હવે નથી. આ બધાં વૃક્ષોની શીળી છાયાઓ મારી આંખના આકાશમાં ઘનીભૂત થઈ ઊઠે છે. નવું ઉછરેલું ગુલાબ પાંચ પાંખડીની હથેળી ખોલે ત્યારે કેટલો આનન્દ થતો! ઘર કોઈ મહાલય નહોતું. દખણાદી બારીનો ખૂણો જ મારા માટે તો પૂરતો હતો. પાસેના રસ્તે થઈને સર્યે જતા સંસારને જોતો હું બેસી રહેતો. મારા સ્વભાવમાં થોડું વેગળાપણું છે. હું માનવીઓને ખૂબ ચાહું છું. છતાં એમના સત્યની નિકટ જઈ શક્યો નથી, કદાચ હું મારાથી પણ થોડો અળગો રહીને જીવતો આવ્યો છું. ઘણી વાર નિકટતાના ગર્ભમાં રહેલી અસીમ દૂરતા જોઈને હું નથી છળી મર્યો?

દક્ષિણની બારી આગળનો ચમ્પો તો ખૂબ બોલકો બની ગયો છે. ઊંઘના પાતળા પડને ભેદીને એની વાણી મારામાં આવે છે. બાળપણ થોડાં ફૂલની સોબતમાં વીત્યું. એમાં મોગરો, ચંપો, મધુમાલતી અને ગુલમહોર ખાસ, આમ તો ગુલબાસ અને તનમનિયા પણ ખરા. પણ આ ચાર સાથે તો લાગણીના ઘણા તંતુ ઓતપ્રોત થઈ ગયા છે. અમુક વર્ષો પછી નવા સ્થળે મૂળ નાખવાનું કદાચ શક્ય નથી રહેતું, આથી આ સ્થળેથી ઉન્મૂલિત થતાં હૃદય ભયમિશ્રિત વિષાદ અનુભવે છે.

તો પ્રસ્થાનનું મુહૂર્ત આવી લાગ્યું. પુસ્તકો ગયાં, અસબાબ ગયો, ઘરના પોલાણમાં પ્રભા અત્રેના મધુર સ્વર પડઘા પાડે છે. બધું ખાલી ખાલી થઈ ગયું છે. હું શૂન્યમનસ્ક બનીને જોયા કરું છું. હમણાં સિલ્વિયા પ્લાથની કવિતા લઈને બેઠો હતો. એ વાંચતા એકાકીપણાનો અનુભવ થયો. હું પોતે એકલો મારામાં ખિસ્સા ઘડિયાળની જેમ ટિક ટિક કર્યા કરું છું. શેરીઓ ગરોળીને સંતાવા માટેની દીવાલમાંની ફાટ જેવી લાગે છે. નાનાં શિશુઓની આંગળાંની છાપ એના પર છપાયેલી છે. પૂર્વની બારીના કાચમાંથી પવનમાં ઝૂલતી શિરીષની શાખાઓનું રેખાનૃત્ય દેખાય છે. નીચેથી અત્યન્ત પરિચિત જળધારાનો વહેવાનો અવાજ સંભળાય છે.

બધું તો સંકેલી લીધું છતાં શું બધું જ સંકેલી લઈ શકાયું? આ ઘર અત્યારે તો ખોખા જેવું લાગે છે, એમ છતાં અહીં જ એવું કશુંક ઉદ્ભવ્યું જેનાં મૂળ અહીં જ રહેશે. આથી જ તો આ ઘર છોડતાં એમાં રહી ગયેલા મને હું પાછો વળીને જોયા કરું છું. જાણે છેલ્લે આ ઘરનાં બારણાં વાસીને ચાલી નીકળું છું. ત્યારે કોક મારી પાછળ પાછળ ચાલ્યું આવે છે, એ શું કરે છે તે મને સંભળાતું નથી. પણ એ કંઈક કહે છે એવું તો લાગે જ છે. એ શબ્દો સંભળાતાં નથી, છતાં મેં એ ઘણીબધી જગ્યાએ લખી નથી રાખ્યા? પહેલાં તો પાછળ કોઈક છે એનો અણસાર વર્તાતા હું પાછું વળીને જોતો હતો, હવે એની પ્રતીતિ છે કે એવું કરવાની પણ જરૂર રહી નથી. એની આંખમાં આંખ માંડીને હું પારખી શક્યો નથી. બે શબ્દ લખતાં પહેલાં આમ છતાં મેં એની પ્રતીક્ષા કરી છે. ઘણી વાર પેન હાથમાં લઈને એને જ શૂન્યમાંથી સાકાર થતા જોવાની આતુરતાથી હું કેવળ બેસી રહ્યો છું.

હવા આંધળા આયના જેવી લાગે છે, દોષ કદાચ મારી દૃષ્ટિનો હશે. એથી જ તો મને હંમેશાં લાગ્યું છે કે હું એક ને એક જગતમાં જીવ્યો નથી, અત્યાર સુધીમાં કેટલાંય જગત બદલાઈ ચૂક્યાં છે. મન એની ભૂગોળ, એના અક્ષાંશ-રેખાંશ બદલતું રહ્યું છે. આથી જ હું જેને બધાં પરિચિત માને છે તેમાં ઘણી વાર ભૂલો પડી ગયો છું. નિશ્ચિતતાના સંકેતરૂપે કશું રહ્યું નથી. લાગણીઓની ઓળખમાં ઘણી વાર ભૂલ થઈ જાય છે. આથી કોઈક વાર જેને લાંબા સમય સુધી દુ:ખ માનીને છળી મરતા હતા તેનો સાચો ચહેરો તો સુખનો હતો, આથી વિસ્મય પણ થાય છે. ભ્રાન્તિ અને નિર્ભ્રાન્તિનો દોર ચાલ્યા કરે છે.

નવા ઘરે જઈને જોયું તો કોઈ છાયાવાળા વૃક્ષની ઓથ નથી. ગુલાબ મોગરો ચીમળાઈ ગયેલાં હતાં. હજી હું અવઢવમાં છું. મનને ગોઠશે ખરું? પુસ્તકો હાથવગાં હતાં તે કોણ જાણે ક્યાંના ક્યાં જઈ પડ્યાં છે. આંખ છતાં જાણે આંખનો કશો ઉપયોગ રહ્યો નથી. એ ઘરમાં કદાચ નવા જ પ્રકારની અનિદ્રા મારી રાહ જોતી હશે. હજુ બધે ફરી વળવાનું સાહસ એકઠું કરી શક્યો નથી. હજી એ ઘરના વાતાવરણનો મર્મ હાથ લાગ્યો નથી. આથી આગન્તુક જેવો અહીંતહીં અટવાયા કરું છું. અભ્યાસસત્ર સારું ચાલવા લાગ્યું હતું. કવિતા અને ફિલસૂફીના પ્રશસ્ત રાજમાર્ગ પર સ્વેચ્છાએ ભ્રમણ કરતો હતો ત્યાં સ્થળાન્તરની ઉપાધિ ઊભી થઈ.

બધાં આશ્વાસન આપે છે : એ તો બધું કોઠે પડી જશે. પણ કશા આશ્વાસનને આધારે મને જીવવાની ટેવ નથી. એક અનુકૂળ ખૂણો તો આ ઘરમાંય મળી રહેશે. ફરી પછી મારી માનસયાત્રા શરૂ થશે. હમણાં તો ઠીકઠાક ને ધમાલ છે, વાતાવરણ ધૂળિયું છે. મને ફાવટ આવી ગઈ છે. સિમેનનની નવલકથાનો સારો એવો જથ્થો ભેગો કરી રાખ્યો છે. સ્થળકાળને ભૂલી જઈને એમાં ગરકાવ થઈ જઈશ. પણ સિમેનન કોઈક વાર તો મને ખૂબ ઊંડે ઊંડેથી વિક્ષુબ્ધ કરી મૂકે છે. જાતને સાચવ્યા કરવાનો પણ શો અર્થ?

નવું અભ્યાસસત્ર ફરીથી શરૂ થશે એ નક્કી. મન નવા નવા પ્રશ્નો ઉત્સાહપૂર્વક ઊભા કરે છે. વિચારમાં ખોવાઈ જવાનો આનન્દ તો સ્વાધીન જ છે. સમાજના પ્રશ્નો, વિદ્યાજગતના પ્રશ્નો આ બધાં સાથે મને નિસ્બત છે. ઉદાસીનતા કેળવવાનું મને પરવડે તેમ નથી. અતિમાત્રામાં અન્તર્મુખ થઈને બેસી રહેવાનું મને રુચતું નથી. આથી વાતચીત, ઊહાપોહ મને ગમે છે. ભવિષ્યનો હજી મારે મન કશોક અર્થ રહ્યો નથી. યોજનાઓ ઘડું છું. નવી નિષ્ફળતાને વધાવવાની પણ તૈયારી છે.

જૂનું ઘર છોડતાં મારી લોભી દૃષ્ટિ બધું ચિત્તના થર પર તાદૃશ રીતે આલેખી લેવા ઇચ્છે છે. પણ એ તો ધૂંધળું બની જ જવાનું છે. રાત્રે ઊંઘમાંથી જાગીશ ત્યારે જૂના ઘરમાં જ છું એવી ભ્રાંતિ થશે જ. પણ પછી શરીર ટેવાતું જશે, મન એની પાછળ ઘસડાતું આવશે. સુખદુ:ખના સંકેતો બદલાતા જાય છે, લાગણીના ચહેરાઓ બદલાતા જાય છે. હવે મેળ પાડવાની પ્રવૃત્તિ પાછળ ઝાઝો શક્તિવ્યય કરવો પરવડે એમ નથી. એક મોટા આનન્દની વાત છે : આ નવું ઘર આકાશ વિનાનું નથી. ત્યાંથી વૈશાખની પૂણિર્માના બુદ્ધના ક્ષમાસુન્દર નયન જેવા ચન્દ્રને આવકારીશ.

1-5-81