પ્રથમ પુરુષ એકવચન/તિરસ્કરિણી વિદ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તિરસ્કરિણી વિદ્યા

સુરેશ જોષી

રાતે કોઈ વાર કશાક અવાજથી જાગી ઊઠું છું. રોષે ભરાયેલા ઈશ્વરની જેમ પવન બારણાં ખખડાવી રહ્યો હોય છે. મને લાગે છે કે રોષે ભરાઈને ઈશ્વરનાં બારણાં ઠોકવાનો તો મારો વારો હતો. મેં એ પ્રમાદને વશ થઈને નહિ કર્યું તેથી જ કદાચ ઈશ્વરને રોષ ચઢ્યો હશે. આ તો મારી ઉન્નિદ્ર રાતો દરમિયાન બહેકી ઊઠતા તરંગોમાંનો એક છે. રોષ, આક્રોશ, વિદ્રોહ આ બધું માનવી જે ઉષ્માને ઝંખે છે તે સહજ રીતે પ્રાપ્ત થતી નથી ત્યારે એના ધ્રૂજી ઊઠતા હૃદયને ગરમી આપે છે. પણ દુ:ખની વાત એ છે કે આમાંથી જ દ્વેષ, વેર, હિંસાનો પ્રસાર થાય છે. જે પ્રેમને ઝંખતા હતા તે તો દૂર ને દૂર સરતો જાય છે!

આથી મને લાગે છે કે અપમાન સહી લેવામાં જો નાનમ નહિ અનુભવીએ, અપમાનનો બદલો અપમાનથી નહિ વાળીએ, કોઈને ક્રોધ પ્રગટ કરી દેવા દઈએ અને એ રીતે ક્રોધમાંથી એને મુક્ત થતો જોઈને આપણે સુખ અનુભવીએ તો કદાચ આ વિષચક્ર આટલેથી જ અટકી જાય. જગતમાં જોઈએ તેટલી સ્નિગ્ધતા નથી. વૈશાખમાં વનમાં તરત જ દાવાનળ ફેલાઈ જાય છે, કારણ કે ત્યારે સહેજ સરખી સ્નિગ્ધતા ક્યાંય હોતી નથી. બરડ અહંકાર જ સહેજ સહેજમાં તતડી ઊઠે છે. આંખ આંસુથી ભીની બને એના કરતાં પ્રેમથી સ્નિગ્ધ બને તે વધુ યોગ્ય.

કડવાશથી ભરેલા હૃદયે માધુર્યપૂર્ણ શબ્દો ઉચ્ચારવા એ એક કરુણ પરિસ્થિતિ છે, એથી કેટલીક વાર માધુર્ય પરથી જ વિશ્વાસ ઊઠી જાય છે. આથી કડવાશને માધુર્યમાં ફેરવી નાખવાની પ્રક્રિયા તો હૃદયના નેપથ્યમાં જ ચાલ્યા કરવી જોઈએ. પણ આ સદા કેળવ્યા કરવી પડે એવી સહિષ્ણુતા, આવેગો અને પ્રત્યાઘાતોને સદા સંયત કરવાની તકેદારી, એક સાથે અનેક સ્તર પર જીવ્યે જવાની અનિવાર્યતા – આ બધું સહ્યો જવાની આપણી ગુંજાયશ હોતી નથી. અત્યન્ત સહિષ્ણુ બનનારે તો પથ્થર થવું પડે, પદાર્થ થવું પડે. આપણા સમયની યાતનાઓ જ આપણને પદાર્થમાં પલટી નાખતી હોય છે.

કાચી રહી ગયેલી શાન્તિમાંથી અણધાર્યો જ તિખારો નીકળીને આપણને દઝાડે છે, બરાબર ઝમવા નહિ દીધેલું આંસુ એમાં નહિ ઓગળેલી તેજાબી વેદનાથી આપણને દઝાડે છે. પૂરો નહિ ઘડાયેલો શબ્દ એકાએક પાતળા પોચા બરફની જેમ દગો દે છે ને આપણે સ્થિર થવા જતા જ ઊંડે ઊંડે સરી પડીએ છીએ. વેદનાને પણ સોળે કળાએ ખીલવા દઈએ તો સારું તો જ એ પ્રકાશી ઊઠે, નહિ તો એ ધુમાઈ, ધુમાઈને કશું જોવા જ ન દે.

કોઈ વાર સાંજે બધું અજાણ્યું અને પરાયું લાગવા માંડે છે, દીવા પ્રગટ્યા હોય છે ખરા, પણ એ બધા મૂંગા અને મીંઢા લાગે છે, ઘર આખું બહેરું થઈ ગયેલું લાગે છે. દીવાલો જાણે નાસતાં પકડાઈ જતાં ઊભી રહી ગઈ છે. ઘરમાં શાન્તિ છે. પણ એ કશુંક કાવતરું રચી રહી હોય એવો વહેમ આવે છે. મને મારાં પગલાં પર જ વિશ્વાસ રહેતો નથી. આથી હું જડવત્ જ્યાં છું ત્યાં જ પડ્યો રહું છું. બારણાંના પડદા પાછળ પવન કશી મસલત કરતો હોય છે, પડછાયાનો પહેરો ભરતો હોય એવું લાગે છે. આવી ક્ષણે ઘરની બહાર ચાલ્યા જવા તત્પર થાઉં છું, પણ પછી અહીં પાછા ફરવાનો રસ્તો કદાચ નહિ જડે એવી બીકથી બેઠો રહું છું. દશેરાનો ગલગોટાનો હાર સુકાઈને પવનમાં ખખડી રહ્યો છે. સવારના તડકામાં જવારાની થોડી સોનેરી સળીઓ વેરાયેલી જોઉં છું. આસોતરીનાં પાંદડાં પવનમાં અહીંતહીં ઊડે છે. નવરાત્રિ દરમિયાનનો સ્થિરચક્ષુ દીપ હવે થાકીને આંખો મીંચી ગયો છે. પછી પાછો એ દિવાળીના દિવસો દરમિયાન જાગી ઊઠ્યો. એ દરમિયાન કારતકની અજવાળી રાતની ચાંદની મધરાતે પશ્ચિમની બારીમાંથી ઘરમાં પ્રવેશે છે. એની આંગળીઓ દીવાલ પર અવનવી ભાત આંકી જાય છે.

કોઈક વાર હું જે બોલતો હોઉં છું તે સાંભળીને અચરજથી અટકી જાઉં છું. એકાએક મને લાગે છે કે એ ભાષામાં ‘હા’ અને ‘ના’નાં જુદાં ફાડિયાં નથી કર્યાં. એમાં ક્રિયાપદો વેગીલાં છે, વિશેષણો હળવાં છે, અવ્યયની પકડ આકરી નથી. કોઈ વાર વાક્ય અર્ધેથી પાછું ફરીને દિશા બદલી નાંખે છે. પ્રશ્નાર્થ અને ઉદ્ગાર હજી એકબીજાથી અભિન્ન અવસ્થામાં છે. આ ભાષાને અકબંધ રાખવાનો લોભ છે. શિશુએ ઉદ્ગારચિહ્ન શોધ્યું હતું. પણ આ જમાનામાં તો તિરસ્કારવાચક ચિહ્નની શોધ ચાલી રહી છે!

આ દિવસો દરમિયાન તો આપણે પૃથ્વી પર જરા અજનબી જેવા બની જઈએ છીએ. ભાદરવામાં પિતૃલોકનું અવતરણ થાય છે. ભાતના પિણ્ડ જેવાં વાદળોમાંથી એઓ ઘરમાં ઊતરે છે. ઘરની હવામાં એમના શ્વાસ ફરફરે છે. કોઈક વાર કપાળે કોઈનો હાથ ફર્યો હોય એવો આભાસ થાય છે. આપણી આગળ હમણાં જ કોઈ ચાલી ગયું એમ જાણીને આપણે ઉતાવળે પગલે જોવા નીકળીએ છીએ. આ પછી માતાનું આગમન થાય છે. અષ્ટભુજા દેવીઓ, ત્રિશૂળો, શતચણ્ડીના મન્ત્રનાં ગુંજરણો, અષ્ટમીના હોમથી ધુમાયિત વાતાવરણ, આ બધાંમાં આપણી પૃથ્વી માતા પિયર જઈને બધી બહેનો સાથે બેઠી હોય એવું લાગે છે. હવે કાલિકા અને લક્ષ્મી આવશે. લક્ષ્મીને પગલે પગલે પ્રબોધિની એકાદશીએ ભગવાન પધારશે.

અન્નપૂર્ણા ડાંગરના ખેતરમાં દાણે દાણે ઊતર્યાં છે. લક્ષ્મીજી વાણિયાના ચોપડાના કમલપત્ર પર ભલે ને બિરાજે! ઘરમાં વહેલી સવારે શિશુ જાગે અને એકલું એકલું સ્વગતોક્તિ કરે એ દેવપ્રબોધિની તિથિ! આપણી મરણશીલતા જીવનને ફૂગની જેમ ઘેરી નથી વળતી. એનું કારણ આ બધી ઘટનાઓ છે. મૈત્રીથી ઝાલેલા હાથમાં શાશ્વતને વિસ્તરવાનું ફલક વિસ્તરે છે. જેને અનન્તનો સ્પર્શ થયો નથી તેનો અન્ત જ શોકાવહ છે, એને સ્પર્શતા યમ પણ ખિન્ન થાય છે.

આંસુથી નીતરતો રૂમાલનો ખૂણો, દાંતથી કચડાયેલો નીચલો હોઠ, ફૂલ, ચાલતાં ચાલતાં જ ચાલવાનો અર્થ ખોઈ બેઠેલાં ચરણો – આ બધી કરુણ ઘટનાઓ છે. આથી જ તો સૂર્યને સૌમ્ય બનાવવા જેટલી આર્દ્રતા આપણે સાચવી રાખવી જોઈએ. જેની વેદના અવાચક છે તેને આપવા જેટલા બે શબ્દો આપણે સંઘરી રાખવા જોઈએ. એ બે ઘડી કોઈ વિરામ લેવા આવે તો આપણી બે ક્ષણો એને માટે મોકલી રાખવી જોઈએ.

ક્યાંક કોઈકની ઊધરસની ઠણકી સંભળાય છે. એને થોડી વધુ હવાની જરૂર છે. એટલી અણબોટેલી હવા મારી પાસે છે ખરી? ક્યાંક કોઈક બારણું બંધ જોઈને પાછું જાય છે, બહારથી ધસી આવતો પવન એ બારણું ખોલી આપશે ખરો? પાટીમાં એકડો ઘૂંટતું બાળક નિદ્રાના ભારથી ઢળી પડે છે, અવકાશ જ ખાલી ખોળો બની જશે ખરો? આથી જ તો હું સાવધ રહીને સંસારને જોયા કરું છું. હું બુદ્ધ નથી, મારે માથે બોધિવૃક્ષની છાયા નથી. પણ હું સંસાર વચ્ચે, સુખદુ:ખ વચ્ચે ઊભેલો, લાખ્ખોમાંનો એક માનવી છું. આંસુને આંસુથી લૂછવાનું દેવોને નહિ આવડે.

હું ચાલું છું ને મારાં પગલાંમાં જે વજન છે તે દૃઢ પ્રતીતિનું નથી, એ વજન મારી મર્યાદાઓનું છે. શંકા મને અધવચ્ચેથી રોકે છે. પ્રમાદ મને થમ્ભાવી દે છે, ભ્રાન્તિ મને દોડાવે છે. આમ છતાં મારી મજલ ચાલુ છે. વચ્ચે કેટલા લોક પસાર થઈ ગયા તેની મેં ગણતરી રાખી નથી, પણ ભગવાને પોતે તો ત્રિભુવન જ રહીને મારે માટે ચૌદ લોકનો વિશાળ પ્રદેશ રાખ્યો છે તે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારું છું.

સવારે સૂર્ય સાથે ઊગેલું સત્ય હું અકબન્ધ સાચવી રાખવાનો લોભ રાખતો નથી. એને વ્યવહારમાં રજોટાવા દઉં છું. એની ખરી કાન્તિ તો માનવીના સંતાપ ઉદ્વેગની આંચનો સ્પર્શ થતાં જ ખીલે છે, કદાચ ભગવાન સત્યનો ઉદ્ધાર કરવા માટે જ માનવો વચ્ચે મોકલતા હશે. અહીં એને અસત્ય જોડે ઝૂઝવું પડે છે, સત્યનો દાવો કરનાર દમ્ભ આગળ પોતાનું પ્રમાણ રજૂ કરવું પડે છે. પણ આથી જ તો એ વધુ મહિમાવંતું બને છે. પૃથ્વી પર આવીને મહિમા પામેલા સત્યની તો દેવોને પણ ભારે ઝંખના રહે છે.

કાળના ચક્રના ફરવાના આંકાને મેં મારી હથેળીમાંથી ઉકેલવાનો પ્રયત્ન નથી કર્યો. નદીઓેનાં નીરમાં થઈને, પવનને પ્રશસ્ત માર્ગે થઈને, મહાનગરોની આંધળી ગલીઓમાં થઈને એ ચીલા આગળ વધ્યે જાય છે. એ ક્યાં જઈને અટકે છે તેનીય મેં તપાસ રાખી નથી. કોઈક વાર ફૂલની પાંખડી પર, પતંગિયાની પાંખ પર કે પંખીના ઉડ્ડયનની રેખાનાં એનાં ચિહ્ન દેખાય છે. એની સાથે કશી વિભીષિકાને મેં સાંકળી નથી. રણને કે મને પોતાને ચાલતા રહેવાનો લય ગમ્યો છે.

સંસ્કૃત નાટકની નાયિકાઓ પાસે તિરસ્કરિણી વિદ્યા હતી. ધારે ત્યારે એઓ અદૃશ્ય થઈ જતી. નાયકને એ વિદ્યા સિદ્ધ નહોતી. ભીત્તિગૂઢ બનીને એણે કામ ચલાવવું પડતું. પણ તિરસ્કરિણી વિદ્યાનો પૃથ્વી પરનો આચાર તો મરણ છે. એ જીવનમાં ગૂઢ રીતે આપણને એ વિદ્યાના પાઠ શીખવ્યા કરે છે. જીવનમાં કોઈક વાર એવો ગાળો આવે છે જ્યારે આપણને ઘણાં અલોપ થઈ ગયેલા માનતા થઈ જાય છે. પછી વળી આપણે છતા થઈએ છીએ. પણ આ અણછતા થવાની વિદ્યા આપણા સાધકોને તો હસ્તામલકવત્ હતી. જો એ વિદ્યા સિદ્ધ થાય તો કદાચ માનવી મરણ વિશે જુદી ભાષામાં વાત કરતો થઈ જાય.

29-10-78